Varta Vishwma khilelu navu Kamal books and stories free download online pdf in Gujarati

વાર્તા વિશ્વમાં ખીલેલું નવું કમળ - મહોતું

વાર્તાવિશ્વમાં ખીલેલું નવું કમળ – મહોતું

ગમતાનો ગુલાલ કરવા જેવો હોય તો શું કામ ગંજામાં ભરીને રાખવું! આમ તો સામાન્ય આદત એવી હોય કે અણગમતું પહેલાં જાહેર કરીએ અને મનગમતાને પેટમાં તાળા મારી વાસ ન આવે ત્યાં સુધી સંઘરી રાખીએ. નવા લેખકો સારું નથી લખતા એવી ફરિયાદ સારી રીતે કર્યા પછી ય સારું લખતા લેખકોના વધામણાં કરવામાં ઘણી વાર મોડા પડવાની આળસ છોડવા જેવી છે. જો આવી કોઈ ફરિયાદ હોય તો પણ મહોતું વાંચ્યા પછી એ દુર થઈ જવાની ગેરેન્ટી આ વાંચક આપે છે.

મહોતું વાંચ્યા પછી પૈસા વસુલની ફિલીંગ આવે એ કરતાં ય વધું અંદરથી કઈક હચમચી જાય ને આખો માણસ ખબર વગર બદલાતો જાય, પુરુષભાવ શરમથી ઝુકી પડે અને સ્ત્રીભાવ વાર્તાજગતની વેદના સાથે ઓતપ્રોત થઈને ક્યારે આખોમાંથી આપોઆપ વહી જાય એ ખબર ય ન પડે! શરત માત્ર એટલી કે વાંચક સંવેદનાનો વાહક હોવો જોઈએ. કાળમીંઢ પથ્થર તો વર્ષાઋતુમાં ય કોરો જ રહેવાનો.

આવા દમદાર પુસ્તકના પોંખણા કરવામાં આમ તો થોડું મોડું થયું ગણાય તોય જાગ્યાં ત્યારથી સવારના ન્યાયે વાર્તા વિશ્વની યુવા કલમને વધાવી લઈએ. એક બાવીશ – તેવીશ વર્ષંનો યુવાન (રામ મોરી) ગુજરાતી ભાષાની સિમાચિન્હ વાર્તાઓનો સંગ્રહ (મહોતું) આપી શકવા સમર્થ હોય તો કહેવાતા બૌધિકો ગુજરાતી ભાષાની જેટલી ચિંતા કરે છે એટલી ફિકર કરવાની ખરેખર જરૂર લાગતી નથી કારણ કે સર્જનની ડોર આવા યુવા હાથોમાં છે. એકદમ પરફેક્ટ ટાઈમે દિલ્લી સાહિત્ય એકેડેમી દ્વારા વાર્તાસંગ્રહ મહોતું માટે રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કારથી નવાજ્યા છે, નહિતર ધોળા વાળ ન આવે ત્યાં સુધી તો વારો ન આવે એવી સર્વસામાન્ય પ્રથા રહેતી હોય છે.

મહોતું એટલે ચુલા પરથી ગરમ તપેલી કે તાવડી ઉતારવા માટે વપરાતો નકામો થઈ ગયેલો કપડાનો ટુંકડો. મહોતાની જેમ જ સમાજમાં સ્ત્રીને પણ ઉતરતી કક્ષાની ગણી જાહેરમાં કે ખાનગીમાં પુરુષો દ્વારા આચરવામાં આવતી હિંસારૂપી કાયરતાને પુરુષાતન સમજી લેવાતું હોય છે. સ્ત્રીની આવી કેટલીય મનોવેદનાને કાગળના કેનવાસમાં ધબકતી કરી શકવાની કસબ લેખકની કલમ ધરાવે છે. બધી જ સ્ટોરી સ્ત્રીના મુખે જ કહેવાયેલી હોવા છતાં ઘટનાના વર્ણન પરથી લાગે કે જાણે લેખક ઘટના સ્થળની આસપાસ જ ક્યાંક સદેહે ફરતા ન હોય! કમ્પ્લેઈન એક જ છે કે વાર્તાનો હેપી ધી એન્ડ રાખવાની દરકાર લેખકે બીલકુલ નથી લીધી. વરવી વાસ્તવિકતાને કપડા વગરની કરીને આપણી સામે ખડી કરી દીધી છે અને સ્ત્રીએ જાતે પાળેલી મજબુરીઓના બોજ તળે વેચાતી લીધેલી વ્યથાને વાચા આપીને આજેય પરિસ્થિતિ બહું બદલાયેલી નથી એ તરફ માત્ર અંગુલીનિર્દેશ કરી લેખક કઈ પણ કહ્યાં વગર આગળ નીકળી જાય છે.

ગૌરીશંકર જોષી (ધૂમકેતુ) એવું કહેતા કે ટુંકી વાર્તા એટલે તણખો. મહોતુંમાં ચૌદ તણખાઓનો સંગ્રહ છે જે મનોજગતમાં કઈ કેટલાય નવીન વિચાર વાવી જાય. લેખકે ક્યાંય ઉપદેશ આપવાની ટ્રાય નથી કરી છતાંય દરેક વાર્તા કઈક શીખવી જતી હોય એવું સતત લાગ્યાં કરે. વારાફરતી ચાલતી એક ગ્રામ્ય જીવન અને બીજી શહેરની વાર્તાઓમાં સ્ત્રીની વેદના કોમન છે. વાર્તા લખતા શીખવું હોય, અલંકારોનો ઉપયોગ કેમ કરવો એ શીખવા માટેની પાઠશાળા બની શકે એવું આ પુસ્તક છે. શું રૂપકો વાપર્યા છે, યાર! ઘણી વાર્તાઓમાં સસ્પેન્સ નથી આવતું છતાં વર્ણન કરવાની સ્ટાઈલ એટલી ઝક્કાસ છે કે અંત સુધી જકડી રાખે. તો ચલો, વાર્તાવિશ્વના સમંદરમાં નાનકડી ડુંબકી લગાવીએ. મરજીવાની જેમ તળીયેથી મોતી વીણવા હોય એણે તો મહોતું પુસ્તક જ વાંચવું રહ્યું.

  • 1 - મહોતું
  • અત્યાચાર સહન ન થતા પિયરમાં પાછી ભાગી આવેલી દિકરીને પરાણે સાસરે મોકલી આપવાની પ્રથાને ગૌરવ ગણતા લોકો, નીચી જાતીને મહોતું ગણીને ઉતારી પાડી, પોતાની જાતને શ્રેષ્ઠ ગણવાના વહેમમાં ફરે છે તો સામા છેડે સાસરીયામાં દુભાતી દિકરીની વેદનાને સહન ન કરી શકતી માંના અંતરમાં ઉગતો ડુમો અને સાથોસાથ જે પોતાનાથી ન થઈ શક્યું એ મહોતું ગણાતી કાંગસડી કરી શકી (પોતાની દિકરીને સાંસરેથી પાછી તેડી લાવી.) તો પછી મહોતું કોણ? એવો સળગતો સવાલ!
  • 2 - એકવીસમું ટીફીન
  • પોતાના સ્વજનોની ઉપેક્ષાથી મળતી એકલતાની વેદના જોરથી ખખડતા વાસણોમાં છલકાતી હોય એવા સમયે એક યુવાને કરેલી સ્વાદિષ્ટ રસોઈના વખાણમાં એક્સ્ટ્રા કેરીની ચીર સાથે એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ આપીને જીવનની પાનખરમાં ફરી વસંતની લીલાશ પામે.ચન્દ્રકાન્ત બક્ષીની પેરાલિસિસનો નાયક પણ બધું ગુમાવીને એક અકસ્માતે તરણાના સહારે થોડા સમય માટે આવો સુખદ અનુભવ કરે એની આ વાર્તા યાદ અપાવે છે.

  • 3 - બળતરા
  • આખું ગામ જશીની બળતરા કરતું હોય છતાં એને બળતા કોઈ નથી બચાવી શકતું. સંતાન ન દઈ શકવાથી સહેવા પડતાં અત્યાચાર અને ત્યાર પછી રહસ્યમય સંજોગોમાં ઓઢેલી અગનપછેડીની સાથે ગ્રામ્ય રિવાજો વિશે કરેલું અદ્ભૂત વર્ણન! આવું ક્યારેય ન સાંભળ્યું હોય એવું પણ બને! જાણે આસપાસ સાક્ષાત ગામડું સજીવન થઈ જાય! હરસુડીની આંગળીની બળતરાની સાથે જશીકાકીની ભવની બળતરા એકબીજામાં ક્યારે ભળી જાય એની ખબર ય નો પડે! ભરત ભરવાનું જશીકાકી પાસે શીખવાથી જોડાયેલી લાગણી હરસુડીની બળતરા વધારી ગઈ.
  • 4 - ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ
  • બીજાના પતિની પોતે પ્રેમિકા છે એનો સતત રહેતો અપરાધભાવ સ્ટોરીને લાઈવ બનાવે છે. ગરમાળો ને ગુલમહોર જીવતા પાત્રોની જેમ આલેખાયા છે. આસપાસના દૃષ્યનું વર્ણન લાજવાબ કર્યું છે ને એમાંય ખખડધજ બસસ્ટેન્ડ! કોઈને ખબર ન પડી જાય કે પોતે ચોરીછુપીથી બીજાના પતિને મળવા જાય છે એનો ખટકો આપણને ય સતત ભોંકાયા કરે. ને એમાંય પોતાના પ્રેમીની પત્નીનો મેસેજ આવે કે નેક્સ્ટ ટાઈમ ચપ્પલ અંદર રાખજે એ વાત સ્ટોરીની હાઈટ હતી. ડ્રેસિંગકાચ પર બિંદીના થતા ફેરફારથી પોતાના લીધે પતિ-પત્ની વચ્ચે વધતી જતી દૂરીને સતત મહેસુસ કરીને બળ્યા કરતી પ્રેમિકા! ખખડેલું બસસ્ટેન્ડ નજર સામે જાણે પ્રત્યક્ષ ખડું થાય છે!

  • 5 - નાથી
  • સમાજના રીતિરિવાજોના બોજ તળે સર્જાતું કજોડું જેને તોડવાનું સ્ત્રી માટે કદાચ શક્ય પણ નથી હોતું. સંસ્કારી પણ એને જ કહેવાય જે ચુપચાપ દુઃખો સહન કરે. નાથીના કિસ્સામાં પણ આવું જ કજોડું સર્જાયું છે જેનો તોડ સમાજની રૂઢી તળે દબાઈને પડ્યો હોવા છતાં સ્ત્રીની પહોંચથી ખૂબ દૂર છે. આ કથામાં વગર બોલ્યે લેખક કેટલુંય કહી જાય છે એમ સતત લાગ્યા કરે. આવા કેટલાય કજોડાઓ આજેય આબરૂના નામે કે સંસ્કૃતિના ઢોંગ તળે આપણી આસપાસ જ ક્યાંક ગુંગળાયા કરતા હશે!
  • 6 - થડકાર
  • કોઢ જેવો દેખાતો અને હમણાં જ ઊગેલો ધોળો ડાંઘો અચાનક જ લોકોના વર્તનમાં કેવો અણગમો પેદા કરી શકે છે! સમાજ તો છોડો, પોતાના ઘરના લોકોની બદલાયેલી માનસિકતાથી સતત અપમાનિત થતી સ્ત્રીની વેદના ઊભરાય છે. ખામીઓ સાથે નજીકના લોકોને ય સ્વીકારવા કેટલા અઘરા હોય છે એ આપણે ક્યાં નથી જાણતા!
  • 7 - સારા દિ’
  • કમાતો ન હોય એવા પતિની વહુના સારા દિ’ માં જ સૌથી કપરા દા’ડા ગાળવા પડે ને પતિના બદલાનું કામ ય કરવું પડે. રખડું પતિની રાહ જોતી ગર્ભવતી પત્ની કઈક નાસ્તો લાવશે એની રાહમાં અને આવ્યાંની સાથે ફેન્ટસીમાં ફંફોસાતી થેલી અને એમાંથી મળતી નિરાશા! ને પછી ભળતી આંબલીની ખટાશ! એની સાથે જ કહાનીનો ધી એન્ડ થઈ જાય છે.

  • 8 - એ તો છે જ એવા
  • આમાં સ્ટોરીટેલિંગની સ્ટાઈલ મસ્ત છે. બે વાર્તા સમાંતર ચાલતી હોય એવું લાગે. શામળી હોવાના જીવનભરના મેણા વચ્ચે સુખી લગ્નજીવનનો શીતળ લેપ અને વારંવાર રવિવારની પ્રાઈવસી છીનવાઈ જવાની બળતરા ય છે. આ બળતરા એની સારવાર સમયે ધુમ્મસની જેમ ઊડી જાય છે. સૌથી ખુશીની વાત એ છે કે ફાઈનલી લેખકે પહેલી વાર્તાનો હેપી એન્ડિગ બનાવ્યો ખરો. આપણી લાઈફમાં પણ સ્પેશિયલ પ્લાનને પાણીમાં ઓગળી જતા જોઈને સ્વાભાવિક ગુસ્સો આવે જ પણ સાથોસાથ દુ:ખમાં મલમ બનીને શીતળ લેપ લાગે એની સાથે કમ્પ્લેઈન હવામાં ધુમ્મસ બનીને ક્યાંય ઊડી જાય.

  • 9 - પોપડી
  • લગ્ન જીવન વિશેની સાચીખોટી વાતોનું સહિયરો પાસેથી મળેલું અનુભવોનું ભાથું અને તેઓની અધુરી રહી ગયેલી ઈચ્છાઓને સોનેરી ઓપ આપી રૂપલીને અપાતી ખોટી શિખામણોને સમજ્યા વગરનો અમલ કરવાના ભોળપણે પોતાના જીવનની પોપડી ઉખાડી નાખી.
  • 10 - હવડ
  • આ લેખકની ફેવરિટ વાર્તા છે. એક ચાલીમાં રહેતી ત્રણ સ્ત્રીઓની સમાંતર ચાલતી વેદનાનું આલેખન છે. કોલેજ કન્યાએ પાણીપુરીવાળા સાથે ભાગીને લગન કર્યા હોય અને પછી પસ્તાવાના ન દેખાતા ઘોડાપુર! નીચેના માળે એક વેશ્યા જેની આખોમાં સતત ઘુટાતો રહસ્યમય ભાવ! સૌથી નીચે રહેતી એક દારૂડીયાની રખેલ. કોલેજ કન્યા સાથે વેશ્યાનું રચાતું મૌન સંવાદ જેમાં સતત એવી ફિલીંગ આવે કે મારી હાલત પણ આ વેશ્યાથી કઈ સારી નથી. ત્રણેયને આ પરિસ્થિતિમાંથી ભાગી છુંટવુ છે પણ તેઓ જાતે જ પોતાના રસ્તાની આડે બેસી ગયા હોય એમ ભાગી નથી શકતા.
  • 11 - વાવ
  • મારી ફેવરિટ વાર્તા! આંખુય ગામ જાકારો દે પણ વાવ તો બધાય ને આશરો દે. ગમે એવા દુ:ખ હોય તોય વાવ તો બધાયને શાંતિ આપે. શું વાવમાં પડીને મરી જવાથી આપણા દુઃખો સમાપ્ત થઈ જશે? આ સવાલ સતત મનોજગતમાં ફર્યા કરે. મંજુના મનમાં સતત ઘુમરાતું આવું વિસ્મય વાર્તાને લાઈવ બનાવે. અદ્ભૂત આલેખન! વખાણવા માટે કોઈ જ શબ્દો નથી! વાર્તાનો એન્ડ પોએટીક છે જે હું કહેવાનો નથી. એના માટે જાતે જ પુસ્તક સુધી પહોચવું રહ્યું.
  • 12 - ઠેસ
  • દિકરાઓની લાઈફ સેટ કરી આપે એવા જમાઈની શોધમાં ઉમર વટાવી ચૂકેલી દિકરીના નિ:સાસા અને ન સંભળાતા હીબકાં! પોતાની જુવાની વેરણ થતી જોઈ રહેતી અને કઈ જ ન કરી શકતી સપનાની વાતોમાંથી પ્રગટતા કડવા કટાક્ષો પણ એની માં પર કઈ જ અસર ન કરી શક્યા! અને પછી બહેકીને લીધેલું છેલ્લું પગલું! વાર્તાનો એન્ડ કદાચ સભ્ય ન ગણાતો હોય તોય મને તો ગમ્યો છે.
  • 13 - હેલ્લો ભાનુમતી
  • એકલતામાં સરી પડતી બા પોતાના પતિની તસવીર સાથે એમનાં જ સંતાનોથી ન સંતોષાયેલી લાગણીનો ઉભરો ઠાલવે છે અને અંતમાં ભાંગી પડેલી ગલતફેમીના ટુકડાઓ! જીવનમાં ધારી લીધેલા સમીકરણો ખોટા પણ હોઈ શકે! આપણાં સંબંધોમાં ગલતફેમીને કારણે કેટલીય વાર ઉતાર ચડાવ આવતા હોય છે. આવી પરિસ્થિતિ આપણી પણ હોઈ શકે છે!

  • 14 - બાજુ
  • બેનપણીની સગાઈમાં આવેલું બાજુ (બાજુ એટલે હાથમાં કોણીથી ઉપર પહેરાતું એક ઘરેણું) જોઈને પોતાના માટે ય આવું બાજુ હોય તો કેવું સારું એવું વિચારતી અને બાજુ માટે તરસતી ચૌદ વરસની જીવરી જીવીથી લઈને લગન થયા બાદ ઉતરતા ઘરેણાની સાથે ઉતારવું પડતું બાજુ ને એમાંથી પ્રગટતી સમજણના અજવાળે ઝગારા મારતી જીવી વચ્ચેની વાત છે. આજેય આવી જીવી આપણી જ આસપાસ ક્યાંક દેખાય જાય જ્યારે ગમતી વસ્તુ ન મળવાં છતાં સમાધાન શોધી લેવાની સમજણ પ્રગટે.
  • મહોતું વિશે જાણ્યાં પછી એના લેખકને એમનાં જ શબ્દોમાં માણીએ. લેખકને એવો સવાલ પૂછાયો કે, “સ્ત્રીની મનોભાવના આટલી સરસ રીતે કાગળ પર એક પુરુષ થઈને કેવી રીતે કંડારી શક્યાં? જવાબમાં કહે છે કે, “દરેક પુરુષમાં પણ થોડવત્તા અંશે સ્ત્રી ભાવ હોય જ છે. વાર્તા લખતી વખતે મારા હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ હાવી થઈ જાય છે.” બીજો સવાલ, “શહેરની અને ગામડાની સ્ત્રીમાં શું ફેર હોય છે?” જવાબમાં, “સ્ત્રી એ માત્ર સ્ત્રી છે શહેરની હોય કે ગામડાની! ગામડાની સ્ત્રી વધુ એક્સપ્રેસિવ હોય છે. પોતાના દુ:ખદર્દો ઈઝીલી શેર કરી શકે છે જ્યારે શહેરની સ્ત્રી પાસે આવી સગવડ ઓછી હોય છે.” વધુમાં લેખક જણાવે છે કે, “ગામડામાં ઘરો નામથી ઓળખાય છે જ્યારે શહેરમાં નંબરથી! ગામડામાં સ્ત્રી પર થતા અત્યાચારો જગજાહેર હોય છે જ્યારે શહેરમાં ચાર દિવાલોની અંદર! લેખકની આ વેદના કદાચ મહોતું સમજવામાં વધું ઉપયોગી બને.

    બર્નીંગ થોટ્સ:

    શબ્દની ઉપાસના કરનાર માટે પુસ્તકાલય અને દેવાલય જુદાં નથી. પુસ્તકો મારી આંગળી ઝાલીને મને એક એવી સૃષ્ટિમાં લઈ જાય છે કે, જ્યાં ક્ષિતિજથી ઓછી વિશાળતા ન ખપે. જ્યારે માણસ ખુલ્લા મનથી વિચારવાનું શરૂ કરે છે ત્યારે એ અનંતતાથી માંડ એક વેંત છેટો હોય છે. મારી વાંચનસૃષ્ટિનો અને વિચારસૃષ્ટિનો છેડો ત્યાં જ હોય, જ્યાં મારી ચેતનાનો અંત હોય.

    (~ ગુણવંત શાહ, પંચતીર્થ, પૃ.૧૧)

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો