Mahila, Sshaktikaran ane samanta books and stories free download online pdf in Gujarati

મહિલા, સશક્તિકરણ અને સમાનતા

મહિલા, સશક્તિકરણ અને સમાનતા?

“આક્રોશની આગ હવે રોકો કોઈ,

સુવાળા શબ્દો મને દઝાડે છે.”

“પોર્ન સ્ટારને સેલીબ્રીટીનો દરજ્જો આપીને ઓટોગ્રાફ લેવા પડાપડી કરતો સમાજ બળાત્કાર પીડિત મહિલાને પશુ કરતા ય ઉતરતો દરજ્જો આપીને ધુત્કારી કાઢે છે, આવું કેમ?”

આ પ્રશ્ન દિલની આરપાર નીકળ્યો ને દર્દે ચીંસ પાડી. એનો અવાજ મારા અંતરમાં ખળભળાટ મચાવી ગયો છે, તમારા સુધી ય પહોચે તો પીડા વહેંચાય ખરી. મા, બહેન, પત્ની અને દિકરી આપણી સૌથી નજીક રહેતી નારીઓ છે. આ અંતરની ચીંસો એમની છે, જરા ધ્યાન દઈને સાંભળીએ. આવા કેટલાય અત્યાચારો તળે સ્ત્રીની ચીંખ દબાતી આવી છે. આજેય છાશવારે થતા બળાત્કારની ગુંજ સાંભળવાને બદલે પીડિત મહિલાના કપડા પર ફોકસ કરવાની આદત હજીય ખબર નહીં કેમ છૂટતી નથી

ગુજરાતી ડીક્શનેરી પ્રમાણે ‘બળાત્કાર’નો મતલબ થાય, “સ્ત્રી પર અત્યાચાર.” સમાજની વ્યાખ્યામાં માત્ર એક પ્રકાર, “પતિ સિવાય અન્ય દ્વારા બળજબરીથી ઇચ્છા વિરુદ્ધ સેક્સ માટે ફરજ પાડવી.” ગુણવંત શાહે આ વ્યાખ્યામાં નવો ઉમેરો કર્યો કે, “પતિ દ્વારા બળજબરીથી ઇચ્છા વિરુદ્ધ થતો બળાત્કાર.” લગ્ન થાય એટલે સેક્સ માટે લાયસન્સ થોડું મળે! સમાજમાં આવા છુપા બળાત્કાર ઠેરઠેર હશે જ, પણ ફરિયાદ ય ક્યાં કરવી! એના માટે કોઈ જ કાયદો નથી. આવો કાયદો બનાવવો હિતાવહ પણ નથી કારણ કે આનો ભોગ કોઈ બેકસુર પણ બની શકે છે.

બેગમ જાન મુવીનો ‘ટચ’ કરી જાય એવો એક ડાયલોગ/સીન ફિલોસોફીની હાઈટ પર ક્યારે પહોચી જાય છે એની ખબર જ રહેતી નથી! ફિલ્મમાં વેશ્યા સાથે પ્રેમ એકરાર કરીને પ્રેમી કહે છે કે, “રોજ રાત્રે તને કોઈ ચૂંથે એ મારાથી સહન નથી થતું.” જવાબમાં ગીતાના શ્લોક જેવું વાક્ય સંભળાવે છે. છાતી અને કમરના પ્રાઈવેટ પાર્ટને અડીને કહે છે કે, “બહારથી અલગ આકારે દેખાતા આ ભાગો અંદરથી માસના ટુંકડાઓથી વિશેષ ક્યાં કઈ છે!” એમની વાત પણ ક્યાં ખોટી છે! છતાં વાસ્તવિકતાની ઊંડી ખાઈની અવગણના કેવી રીતે થઈ શકે! ફિલ્મના પહેલા અને છેલ્લા સીનનો ચોટદાર સંદેશ કોઈપણ ઉપદેશ વગર શીરાની જેમ ગળે ઉતરી જાય એવો છે.

મુવીનો સ્ટાર્ટીંગ સીન:

આઠેક વાગ્યાનો સમય છે. મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચીને ઉતરી રહ્યાં છે. હવે માત્ર એક કપલ બસમાં રહી જાય છે અને રઈસ બાપની બગડેલી ઓલાદો ચડતા ચડતા નીચે ઉતરતા આંટીની ય છેડતી કરતા બસમાં ચડે છે. બસમાં માત્ર એક કપલ અને એવીલ એવા છ-સાત રાવણ! પછી બસમાં ચાલું થાય છે હેવાનીયત. શાબ્દિક ઉશ્કેરાટ, છેડતી, જબરદસ્તી, છોકરીનું ભાગવું, રાવણોનું પાછળ પડવું………

બોયફ્રેન્ડ બચાવી નથી શકતો કારણ કે એકલો છે. છોકરી ભાગતી ભાગતી આગળ ઉભેલા માજી પાછળ સંતાય જાય છે. રાવણો હસવા માંડે છે પણ પછીનો સીન……

વૃદ્ધ માજી પોતાના એક પછી એક વસ્ત્રો ઉતારતા જાય છે અને જાણે કહેતા હોય કે આવી જા હું નગ્ન થઈને આમંત્રણ આપું છું… સામે ઉભેલાના દિલ હચમચી જાય, આવો સત્યાગ્રહી પ્રયાસ જીવનમાં ક્યારેય જોયો નહોતો, અંતરનો રામ જાગી ગયો હોય કે પછી આવી નૈતિક હિંમતની સામે કાયરતાએ સમર્પણ કર્યું હોય એમ રીતસરની હડી કાઢી નાસવું પડ્યું.

મુવીનો એન્ડીગ સીન:

રાતના અંધારામાં પોતાનો જીવ બચાવવા બે વેશ્યા અને એક નાની છોકરી ભાગતા હોય છે. સામે કાનુનના રખવાળાની ફોર્સ ઊભી હતી અને જાન બચાવવા માટેની કિંમત હતી જાતને ચૂથવા સામા વાળાને પોતાનું શરીર હવાલે કરવાનું. વેશ્યા સાથે બળજબરીથી સેક્સ કરવામાં આવે તો ય એ થોડો બળાત્કાર કહેવાય! કઈ સમજાય એ પહેલા એક નાનકડી છોકરી પોતાના શરીરના આવરણને એક પછી એક કપડાથી મુક્ત બનાવી કરતી જાય છે અને પોતાની દિકરીની ઉમરની છોકરીને નગ્ન અવસ્થામાં જોઈને પોલીસવાળાનું ઝમીર જાગી જાય છે અને આજીવન એના પશ્ચાતાપમાં સળગી ઊઠે છે.

નૈતિક હિંમત વિનાના કાયર સમાજ માટે આ ધારદાર મેસેજ છે. ચંદ ગુંડાઓ વિશાળ સમાજને ડરાવી ધમકાવી શકે છે કારણ કે કહેવાતા સજ્જનો બહુમતી હોવા છતા કાયરતાની ઢાલ ઓઢીને સુતા રહે છે. હવે તો જાગો! આજે ભલે બીજાનો વારો પડ્યો હોય પણ કાલે આ અત્યાચારો તમારો દ્વાર ખટખટાવશે ત્યારે કોઈ જ નહીં બચાવે!

મહિલા સશક્તિકરણ કે સમાનતા એ કોઈ પુસ્તકના અર્થ વગરના શબ્દો હોય એમ સતત લાગ્યા કરે. વાસ્તવિકતા કઈક અલગ હોય એવું નથી લાગતું! સંસ્કારનો ઠેકો માત્ર સ્ત્રી જ શા માટે રાખે? બળાત્કારના સનસનાટી ભર્યા સમાચાર પછી રૂઢીવાદી અભણ નેતાઓ કમકમા આવી જાય એવા સેન્સલેસ નિવેદનો ભસતા હોય છે કે, “છોકરીઓએ ટુંકા કપડા ન પહેરવા જોઈએ.”

શા માટે રેપ પીડિત મહિલાને આત્મહત્યા કરવાની ફરજ પડે છે? કારણ કે આ નઠારી દુનિયાને એ સહન નથી કરી શકતી. સૌથી વધુ હુંફની જરૂર હોય ત્યારે પરિવાર પણ ઘૃણા કરે એ કેમ જીરવી શકાય! વાંક હંમેશા સ્ત્રીનો જ હોય છે. આવા ટુંકા કપડા થોડા પહેરાય! આટલી મોડી રાત્રે કોણે નીકળવાનું કહ્યું હતું! આવી વેરાન જગ્યા પર શું કામ જવું જોઈએ! છોકરા સાથે એકલી શા માટે ગઈ હતી! બ્લા… બ્લા…. બ્લા….. દિકરાને ક્યારેય તમે શીખવાડ્યું છે કે બેટા સ્ત્રીની હંમેશા ઈજ્જત કરવાની! નાનપણથી દરેક માતાપિતા આવું શિક્ષણ દિકરાને પણ આપી શકે તો આવી દૂર્ઘટનાઓનું પ્રમાણ ઘટાડી શકાય ખરું.

યુવાન બાળકોને ક્યારેય સેક્સ વિશેની સાચી હકીકત જણાવી છે ખરી! આવી અસંસ્કારી વાતો થોડી કરાય! ભારતનો એક ૠષિ વાત્સાયન સેક્સ વિશે કામસુત્ર નામનો ગ્રંથ લખી શકે, પૌરાણિક મંદિરોમાં નગ્ન પ્રતિમાઓના પોઝવાળી શિલ્પ કંડારી શકાય તો આપણે વાત તો કરી જ શકીએ ને! જો આપણે વાત નહિ કરીએ તો હોર્મોન્સના પ્રભાવમાં અને કૂતુહલવશ બીજી જગ્યાએથી ક્યારેક ખોટી માહિતી પણ મેળવી ગેરરસ્તે દોરાઈ શકે છે. તો બેટર છે કે આપણે જ કહી દઈએ.

સંસ્કારને આપણે કપડા સાથે જોડી દીધા છે. આ રૂલ માત્ર સ્ત્રી માટે છે. પુરુષો ભરબજારમાં ખુલ્લેઆમ લઘુશંકા કરે તો પણ એની સંસ્કારિતામાં કોઈ જ ફેર પડશે નહિ. સનાતન મૂલ્યો સાથે સંસ્કાર જોડાયેલા છે એ આપણને યાદ જ નથી. ભ્રષ્ટાચારી હોવું એ સ્ટેટસની વાત ગણાય અને એવા જ લોકો સંસ્કારની ને દેશપ્રેમની વાત કરતા ફરતા હોય છે. આથી વિશેષ કઈ કહેવાનું થતું નથી.

બર્નીંગ થોટ્સ:

(મેન્સ વર્લ્ડ નામની યુ ટ્યૂબમાં એક સિરિયલમાં દુનિયા ઊલટી થાય તો શું થાય એની કલ્પના આપેલી છે. પુરુષ સવારે ઊઠીને નાસ્તો / જમવાનું બનાવે, બસમાં સ્ત્રીની નઝરોથી હેરેસ થાય, બોસ છેડતી કરે, રાત્રે બહાર જવાની પરમિશન ન મળે, સ્ત્રી દ્વારા રેપ કરવાની કોશીશ કરવામાં આવે, માસિક આવે, સુહાગરાતના દિવસે પત્ની દ્વારા રેપ થાય, પુરુષની કૂખે બાળક જન્મે, દિકરો જન્મે એ દુઃખની વાત ગણાય…)

બીજા રસપ્રદ વિકલ્પો