વેર વિરાસત - 21 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

વેર વિરાસત - 21

વેર વિરાસત

પ્રકરણ - 21

જાનકી, આ તમામ કુંડળીઓ જોયા પછી મને સૌથી વધુ દમદાર લાગી લાગે છે આ, ' પાર્થસારથીએ કુંડળીના જથ્થામાંથી એક અલગ કરીને સૌથી ઉપર રાખીપો તાના રીડીંગ ગ્લાસીસ આંખો પરથી દૂર કર્યા : મારું માનવું છે કે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ'

છેલ્લાં દોઢ કલાકથી સેકંડ લીડ માટે કોને પસંદ કરવી એ જ ગડભાંજમાં ગૂંચવાયેલા જાનકી રેડ્ડીને માંડ હાશકારો થયો પણ પાર્થસારથીએ હાથમાં થમાવેલી કુંડળી પરનું નામ જોતાંવેંત અલોપ થઇ ગયો.

' ગુરુજી, આપની વાત તો બરાબર છે પણ આ આર્ટીસ્ટ....'

' કેમ ? કોઈ સમસ્યા છે ?' પાર્થસારથીએ ફરી ચશ્માં ચડાવ્યા ને બીજી કુંડળી ફરી એક વાર જોઈ ને માથું ધુણાવ્યું.

'ના, સમસ્યા તો નહીં પણ.....' જાનકી રેડ્ડીના ચહેરા પર મૂંઝવણ વધુ ઘટ્ટ થઇ છવાઈ : ગુરુજીને કહેવું કઈ રીતે?

પાર્થસારથીનો શબ્દ એટલે પથ્થરની લકીર. એટલે એમનો આદેશ ઉથાપાવો એ તો સ્વપ્ને પણ વિચારી ન શકાય.

'વાત એમ છે કે આ તમામ કુંડળી બિલકુલ ફ્રેશ છોકરીઓની છે તે વાત સાચી પણ સેકંડ લીડ માટે!! એ વાત જરા વધુ પડતી લાગે છે !! ' જાનકી રેડ્ડીના શબ્દ એમને સાથ નહોતા આપી રહ્યા : એ છોકરી માટે હજી થોડી વધુ મહેનત જરૂરી છે, બધી જ રીતે..

'એ બધી વાત જવા દે જાનકી, હું આ જાતકને ભૌતિક રીતે નહીં કુંડળીની, ગ્રહની દ્રષ્ટિથી જોઈ રહ્યો છું. જે તું જોઈ શકતો નથી અને એટલે જ તને કદાચ ડર લાગી રહ્યો છે..'

પાર્થસારથીની વાતના જવાબમાં ફક્ત ડોકું ધૂણાવી જાનકી રેડ્ડી ચૂપ થઇ ગયા.

'... એ જે હોય તે પણ આ છોકરી વિધાતાની સામે બેસીને પોતાની કુંડળી લખાવી લાવી હોય તેવી છે. ' સ્વગત સંવાદ કરી રહ્યા હોય તેમ પાર્થસારથી અસ્ફૂટ સવારે બોલી રહ્યા હતા.

'એટલે ? સમજ્યો નહીં !!' જાનકી રેડ્ડીને હજી એ નહોતું સમજાઈ રહ્યું કે પાર્થસારથી આ કુંડળીમાં એવું તો શું ભાળી ગયા છે કે એ સિવાય કોઈબીજી કુંડળીને અડતાં જ નથી ? એમને જો પ્રેક્ટીકલ વાતો સમજાવી શકાય તો કદાચ વિચાર ફેરવવાના.

'જો જાનકી, હું માત્ર ને માત્ર મારો અભિપ્રાય આપું છું. એ પછી તને જે યોગ્ય લાગે તે તું કરી શકે છે, પણ એક વાત તને કહી દઉં, આને સેકંડ લીડ આપવી એટલે ફિલ્મની વીમા પોલીસી. પણ, મારા મતે એનું ભાગ્ય રોકે છે એનું નામ...' પાર્થસારથી જ્યોતિષી ખરા પણ ન્યુમરોલોજીનું અગાધ જ્ઞાન ધરાવતાં હતા એની સાબિતી તો જાનકી રેડ્ડીને અગાઉ ફિલ્મોના ટાઈટલ બદલીને મળી જ ચૂકી હતી એટલે એ વિષય પર ચર્ચા કરવાનો અર્થ નહોતો.

પાર્થસારથીનું સમગ્ર ધ્યાન હવે ફરી કેન્દ્રિત થયું હતું પોતે માંડેલી ગણતરી પર. જન્મ તારીખથી , એટલે કે મૂળાંક ચાર અને કમ્પાઉન્ડ નંબર છની ગેમ છે. જયારે જાતકનું નામ છે નંબર ટુ, સ્વાભાવિક છે એની ઉડાન રૂંધાઇ રહી છે. જો નામના અક્ષરોનું ટોટલ ચાર થાય એવું રાખવામાં આવે તો વાત બની જાય.

જાનકી રેડ્ડી પાસે પાર્થસારથીની સલાહ માનવા સિવાય વિકલ્પ પણ બાકી રહ્યો નહોતો ને એ હજી વધુ કંઇક દલીલ કરે એ પહેલા તો વાસુ આવતો દેખાયો.

પાર્થસારથીની સલાહ વિના પાણી ન પીનારા જાનકી રેડ્ડીના મનને સંતોષ થાય એટલી વાતો થઇ ન શકી.

' કદાચ વાસુ મને બોલાવવા આવ્યો હશે. મુર્હર્તનો સમય નીકળી જી રહ્યો છે ...., ' જાનકી જરા સહેમાઈને બોલ્યા : હજી તમે કહો છો કે...

પાર્થસારથીએ રીડીંગ ગ્લાસીસ જરા નીચે કરી ને નાકની દાંડીએ ટેકવ્યા , અને ત્રાંસી નજરથી રિયાને માપતાં હોય તેમ પૂરી ત્રીસ સેકન્ડ નિહાળી રહ્યા .: કોઈ સમસ્યા નથી....હું કહું છું.

બસ, પૂર્ણવિરામ મુકાઈ ગયું આખી વાત ને !!

પાર્થસારથી કોઈક ભારે મહત્વનું કામ નિર્વિઘ્ને પતી ગયું હોય તેમ સંતોષનો શ્વાસ સાથે ઉભા થયા ને સાથે જાનકી રેડ્ડી પણ, બહાર સહુ રાહ જોઈ રહ્યા હતા.

' તો નામ બદલીએ છીએ એમ જ ને ? ' ગેટ સુધી વળાવવા ગયેલા જાનકી રેડ્ડીએ ગુરુજી કારમાં ગોઠવાયા એટલે જાતે ડોર બંધ કર્યું .

પાર્થસારથીએ જવાબમાં માથું ધુણાવ્યું : મારે જે કહેવું હતું એ કહી દીધું પણ આખરે નિર્ણય શું લેવો !! પાર્થસારથીના અધૂરા મુકાયેલા વાક્યમાં એક નિર્દેશ હતો. જે ન સમજી શકે એટલા અબુધ જાનકી રેડ્ડી નહોતા.

શિડયુલ અગિયાર વાગ્યાનું હતું છતાં સમયસર શરુ ન થઇ શક્યું.

છતાં ગુરુજીએ આપેલું બાર વાગીને છત્રીસ મિનીટનું મૂર્હત વિજય ચોઘડિયું હતું એટલે જાનકી રેડ્ડીના મનમાં શાંતિ હતી.

મુર્હ્ર્ત શોટમાં જ હવે ભાનુશ્રી સાથે અન્યને પણ સાથે રાખવાનો સુઝાવ ગુરુજી આપીને ગયા હતા.

જાનકી રેડ્ડીનું આગમન થતાંવેંત સેટ પર ચહલપહલ પર રોક લાગી ગઈ.

મુર્હ્ર્ત હતું એટલે હીરો ને હિરોઈન બંને હાજર થઇ ગયા હતા. જાનકી રેડ્ડી એ બંને સાથે વારાફરતી વાતચીતમાં ગૂંથાયેલા રહ્યા ને વાસુ રિયા અને નવા આવેલા આર્ટીસ્ટને સૂચનાઓ આપતો રહ્યો.રિયા અપાઈ રહેલા સલાહ સૂચન ધ્યાનથી સાંભળી રહી હતી.

નહીવત સમયમાં વિધિઓ પતી ગઈ હતી. દક્ષિણ ભારતમાં શિસ્તપાલનની વાતો વાંચી જરૂર હતી પણ આજે એનો પ્રત્યક્ષ અનુભવ રિયા કરી રહી હતી. છતાં ક્યાંક કંઇક ગરબડ થઇ રહી હોવાનો અહેસાસ સતત થઇ રહ્યો હતો. એનું કારણ હતી જાનકી રેડ્ડીનો તંગ ચહેરો, ફૂલી ગયેલા નસકોરા અને કપાળ પર વારંવાર તણાઈ આવતી રેખાઓ. ભાનુશ્રીની હાલત ખાસ જૂદી નહોતી. જાનકી રેડ્ડી કરતાં વધુ ટેન્શનમાં એ લાગી રહી હતી. સેટ પર હાજર દરેકને મામલો ન સમજાય સ્વાભાવિક વાત હતી પણ વાસુ તો ક્યારનો બધો તાલ પામી ચુક્યો હતો.

ફિલ્મ શરુ થાય તે પહેલા જ આખેઆખી નવી પટકથા શરુ થઇ ચૂકી હતી અને એના સૂત્રધાર હતા પાર્થસારથી.

'..... મૂર્હ્ર્તના શોટમાં મારી સાથે કોઈ બીજાના શોટ પણ લેવાના હો એ મારું અપમાન નહીં તો શું છે જાનકી જી ?' ભાનુશ્રી બરાબરની છેડાઈ હતી. પાર્થસારથી અને જાનકી રેડ્ડી વચ્ચે થયેલી અત્યંત ગુપ્ત વાતચીત ન જાણે ભાનુશ્રી સુધી કઈ રીતે પહોંચી ગઈ એ વાત એક કોયડો હતી.

'ભાનુ, તું અંદર આવ, હું તને સમજાવું...' જાનકી રેડ્ડીને આ વાત સેટ પર હરગીઝ નહોતી કરવી જે ચર્ચા ઓછી ને તમાશો વધુ લાગે.

પણ વિફરેલી ભાનુશ્રી તો એકેય વાત સાંભળવાના મૂડમાં નહોતી.

' ભાનુ, એ તો તું પણ જાણે છે કે આ ભારે બિગ બજેટ ફિલ્મ છે, એમાં મને કોઈ ગાફેલગીરી કે જોખમ વહોરવું પોષાય એમ નથી... ; જાનકી રેડ્ડીએ પણ અવાજ ખોંખારી ને કહ્યું : શું સમજતી હશે આ નખરાળીઓ ? રોકાણ મારું, પ્રોડક્શન મારું, જોખમ મારું ને માલિક એ હોય તેમ વર્તે છે ?

'તો એવું હોય તો શોધી લો ને નવી હિરોઈન !! મારી તમને જરૂર પણ શું છે ?' ભાનુશ્રીનો રોષ હવે ક્રોધમાં તબદીલ થઇ રહ્યો હતો. પહેલા તો લાગ્યું હતું કે છણકા ને મહેણાંથી જ જાનકી રેડ્ડી ઉપરતળે થઇ જશે અને મનાવવાના પ્રયત્નરૂપે પોતાની વાત માની જશે પણ વીસ મિનીટની ચર્ચા પછી પણ કોઈ પરિણામ આવતું ન દેખાયું ત્યારે લગભગ એક દાયકા પછી ભાનુશ્રીને પહેલીવાર અસલામતીની ભાવના ઘેરી વળતી હોય એમ લાગ્યું. કોઈ પોતાની સાથે મુર્હ્ર્ત શોટમાં ફ્રેમ શેર કરે ? એટલે એનો અર્થ કે કાલે તો એ ફિલ્મમાં રીલ પણ કબજે કરી જશે, પોતાનો રોલ ક્યારે ટુંપાઈ જાય ને એનો વધી જાય તે તો કેમ કરીને ખબર પડે? કહેવાય છે ને કે રોગ ને શત્રુ તો ઉગતાં જ ડામવા સારા.

'ભાનુ, તું વધારે પડતું જ રીએક્ટ કરી રહી છે ....' જાનકી રેડ્ડીએ ભાનુ શ્રીને મનાવવાનો એક વધુ પ્રયત્ન કરી જોયો.

'ના જાનકીજી, દરેક વાતને એક હદ હોય. મને તમારી આ વાત ઘા કરી ગઈ છે. અને હવે એનો એક જ ઉપાય છે..... ' ભાનુશ્રીએ ઊંડો શ્વાસ ભર્યો,કોઈક નક્કર નિર્ણય માટે તૈયાર થઇ રહી હોય તેમ.

'હવે તો હું આ ફિલ્મ ત્યારે જ કરીશ કે મને સ્પષ્ટતા થાય કે મારું સ્થાન શું છે , અન્યથા નહીં... નિર્ણય તમારે કરવાનો રહેશે. 'જાનકી રેડ્ડી એનો ચહેરો તાકી રહ્યા હતા એ ત્રાંસી આંખે જોઈ રહેલી ભાનુશ્રીએ આખરી સોગઠી મારી.

'ભાનુ, દસ વર્ષનો સંબંધ તે આ રીતે મૂલવ્યો ? ' જાનકી રેડ્ડીનો અવાજ આઘાતથી તરડાઇ ગયો.

ભાનુશ્રી કોઈ હિસાબે નમતું જોખવાના મૂડમાં ન હોય તેમ સેટ છોડીને ચાલી ગઈ. હીરો વેણુકુમાર તો પોતાને કોઈ ફર્ક ન પડતો હોય તેમ ચુપચાપ તમાશો જોતો રહ્યો હતો. આખરે ફિલ્મ તો હિરોઈનકેન્દ્રી હતી. ભાનુના નામના સિક્કા પડતાં હતા. હવે એ જ જો ફિલ્મ છોડી તો પોતાની સ્ક્રીન પ્રેઝન્સ તો નક્કી વધી જવાની એમ માનીને મનોમન હરખાઈ પણ રહ્યો હતો, અલબત્ત, એ ધ્યાનમાં રાખીને કે એની ખુશી ક્યાંક આંખ ને હોઠ પર છલકાઈ ન જાય.

ભાનુશ્રી સેટ છોડીને ગઈ એટલે યુનિટમાં સોપો પડી ગયો. ભાનુશ્રીની પાછળ સડસડાટ જાનકી રેડ્ડી બહાર નીકળી ગયા. બધાને લાગ્યું કે હવે તો મામલો સુલઝી ગયો એમ જ સમજો, ભાનુશ્રીને મનાવીને આવે જાનકીજી એટલી વાર. એ પછી વાત વીસ પચ્ચીસ મિનીટની હતી કે એક કલાકની પણ, ઘીના ઠામમાં ઘી પડી રહ્યું એવી હળવાશ સહુના ચહેરા પર છવાતી ચાલી. જો કોઈ ન ખુશ થયું હોય તો એ હતો વેણુકુમાર. સામાન્ય સંજોગમાં વેણુ એક ઘડી આમ ઉભો ન રહે પણ હવે એને કારકિર્દીમાં ઓટ દેખાઈ રહી હતી. એમાં આ એક હિટની થોડી ક્રેડીટ પોતાને અંકે થઇ જાય તો એથી રૂડું શું ?

સેટ પરથી ધૂઆપૂઆ થઈને બહાર નીકળેલી ભાનુશ્રી તો કારમાં ગોઠવાઈને તેની કાર સડસડાટ નીકળી પડી. એને પાછળ ફરીને જોયું હોત તો પાછળ આવી રહેલા જાનકી રેડ્ડીને જરૂર જોયા હોત.

જાનકી રેડ્ડીની માનસિક હાલત તો ભાનુશ્રી કરતા વધુ વરવી હતી, પોતે જેને સ્ટાર બનાવી એ ભાનુએ સમગ્ર યુનિટની સામે અપમાનિત કરવામાં કોઈ કસર ન વર્તી. પાર્થસારથી સાચું જ કહે છે કશું જ શાશ્વત નથી હોતું.

જાનકી રેડ્ડીએ પણ પોતાની કારમાં બેસીને ડ્રાઈવરને આદેશ આપ્યો. ગણતરીની ઘડીમાં જાનકી રેડ્ડીની કાર પાર્થસારથીના બંગલે પાર્ક થઇ.

પાર્થસારથી જાણે જાનકી રેડ્ડીની રાહ જોતા હોય તેમ લિવિંગ રૂમમાં જ બેઠા હતા. કડક ફિલ્ટર કોફીની ચૂસકી સાથે રણનીતિ બનતી રહી અને માત્ર એક કલાકમાં કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વિના ચાલી ગયેલા જાનકી તો કલાકમાં સ્ટુડીઓ પર પાછા ફર્યા.

'વાસુ, એક કામ કર. તું બધું પડતું મૂકીને ચુનંદા અખબારોની ઓફિસમાં ફોન કરી દે. આજે એક જરૂરી જાહેરાત કરવાની છે.'

' સર, હોટલ કોરોમંડલ બૂક કરું ? ' પોતાના બોસની પસંદગીથી તસુએ તસુ વાકેફ વાસુએ હળવેકથી પૂછી લીધું.

'ના...ના ... એ તો કરીશું પણ આજે તો એક ઇન્ફોર્મલ પ્રેસ કોન્ફરન્સ માટે થોડાં પત્રકારોને બોલાવી લે. અને હા, કોરોમંડલમાં ક્રિસ્ટલ રૂમ બૂક કર પણ શુક્રવાર માટે. એક ક્ષણ માટે જાનકી ચૂપ રહ્યા, કદાચ મનમાં ચાલી રહેલા કોઈક પ્લાનને આખરી ટચ આપી રહ્યા હોય તેમ.

ભાનુશ્રીની હાજરી વિના જ મુર્હ્ર્ત શોટ થઇ ગયો હતો અને શુકનનો એક સીન પણ શૂટ થઇ રહ્યો હતો.

જાનકી રેડ્ડી લાગી તો રહ્યા હતા સ્વસ્થ પણ અંદરથી ખળભળી ગયા હતા. ઘણી લીલી સૂકી જોઈ હતી જીવનમાં પણ આજની વાત એમને ભારે વિચલિત કરી ગઈ હતી. દીકરીની જેમ ભાનુશ્રીને રાખી હતી. નવી નવી આવેલી ત્યારે પોતે એના ગોડફાધર થઇ ઉભા રહ્યા હતા ને આજે એ સહુની સામે આવી રીતે અપમાનિત કરી ગઈ ?

વેણુ કુમાર સાથે એક નાનો ડાન્સ સીન કરવાનો હતો એવું તો વાસુ જણાવી ચુક્યો હતો પણ હવે છેલ્લી ઘડીએ રિયાના પગ પાણી પાણી થવા લાગ્યા હતા.

'નાની, તમે મારી સાથે આવો સેટ પર... પ્લીઝ...' રિયાના ચહેરા પર ડરી ગયેલી કોઈક ભોળી બાળકી જેવા ભાવ હતા, જાણે મેળામાં માબાપથી વિખૂટું પડી ગયેલું બાળક.

આરતીએ પણ આ જોઇને વધુ રકઝક ન કરી.

સીન ભજવાઈ રહ્યો હતો અને આરતી ચૂપચાપ એક ખૂણે ઉભી રહી તાલ જોતી રહી. સેટ પર જમાવડો હતો. ચાલી રહેલી ગુસપુસ પરથી આરતી એટલું તો પામી શકી કે આજે કોઈક અગત્યની જાહેરાત થાય એવી વાતો વહેતી થઇ હતી. ગણતરીની ઘડીઓમાં જ આરતી કંટાળી. સેટ પર નૃત્યના સ્ટેપ્સ કરી રહેલી રિયાનો ચહેરો વારંવાર પરસેવે રેબઝેબ થઇ જતો હતો. મેકઅપ આર્ટીસ્ટ થોડી થોડી વારે મલમલનું ભીનું કપડું ફેરવી ટચઅપ કરે રાખતો હતો. હવે એ હળવે હળવે વાતાવરણમાં ભળી રહી હતી.

બે કલાકમાં આરતી ખરેખર ત્રાસી ગઈ. સ્પોટ લાઈટની ગરમી સેટના એરકંડીશનરને કામ જ કરવા ન દેતા હોય તેમ ઉકળાટ સખત હતો. અસાધારણ ગરમી ને પ્રકાશ શરીરનું પાણી શોષી લે એ પહેલા આરતી ગ્રીનરૂમ ભેગી થઇ ગઈ. કલાક બે કલાક, કેટલો સમય થયો હશે તે તો ન સમજાયું પણ અચાનક આરતીની માંડ મળેલી આંખો ખૂલી ગઈ. કોઈ બારણે ટકોરા દઈ રહ્યું હતું.

' નાની જી, મેમ આપને બોલાવે છે, સેટ પર જ નાની એવી પ્રેસ કોન્ફરન્સ છે, મેડમ કહે છે ત્યાં આપ આવી શકો તો....'

આરતીએ વોશરૂમમાં જઈ ચહેરા પર પર ઠંડા પાણીની છાલક મારી. થોડી તાજગી વર્તાઈ. પોતે તો એમ જ સાથે આવી હતી. વાળમાં કાંસકો ફેરવી, વસ્ત્રો ઠીકઠાક કરીને એ સેટ સુધી પહોંચી ત્યારે તો પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઇ ગઈ હતી. જાનકી રેડ્ડી દ્વારા પ્રાસંગિક વાતો હતી અને હવે વારો હતો ફિલ્મી પત્રકારોનો.

હમેશા મલ્ટી સ્ટારર, બિગ બજેટ ફિલ્મો બનાવનાર જાનકી રેડ્ડીએ પોતાની આ નવી ફિલ્મ કેવીક પ્રાણવાન હશે તેની ભૂમિકા બાંધ્યા પછી ફિલ્મની કથા અને નવી ટેકનોલોજીથી સ્પેશીયલ ઈફેક્ટ સીન્સ વિષે થોડી ઘણી વાત કરવા માંડી.

'તમે લોકો તો જાણતાં જ હશો કે જે.આર પ્રોડકશન નવા નવા વિક્રમો સ્થાપવા જાણીતું છે. ઇન્ડિયાની સહુથી મોંઘી ફિલ્મ પણ અમે બનાવી છે અને કદાચ સહુથી સસ્તી, એટલે કે માઈક્રો બજેટ ફિલ્મ, પણ હવે વન ઓફ અ કાઈન્ડ, ઇન્ડિયામાં, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન બની શકે એવી ફિલ્મ બનાવીને વધુ એક વિક્રમ સ્થાપવા માંગીએ છીએ. ' એકવાર જાનકી રેડ્ડીએ વાત શું શરુ કરી તમામ પત્રકારો એની સંમોહનભરી છટામાં તણાતાં ગયા.

એ જ તો ખૂબી હતી જાનકી રેડ્ડીની , એકવાર એ બોલવાનું ચાલુ કરે, સામેના ને ગળે વાત ન ઉતારે તો એ જાનકીરેડ્ડી નહીં : અને હા, તમે સહુ તો એ પણ જાણો છો કે કે હવે વર્લ્ડ ઓવર બ્લોક બસ્ટર, સ્પેશિયલ ઈફેક્ટ ફિલ્મોનો યુગ આવી રહ્યો છે. હોલીવુડમાં બની શકે તો આપણે કેમ નહીં ? એવા જ કોઈ નવા પ્રયોગને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોજેક્ટ વિચાર્યો છે. '

પત્રકારોના તો ગળે વાત ઉતારવામાં જાનકી રેડ્ડી સફળ થયા હતા પણ એટલી હદે કે ત્યાં હાજર રહેલો વાસુ પણ ઘડીભર હેરત પામી ગયો.

સેટ પર હાજર રહેલાં પત્રકારોની સાંજ પડી ગઈ હતી એટલે ઘણાંએ કોલામાં ચરણામૃતની ફરમાઈશ પણ કરવા માંડી હતી. જાનકી રેડ્ડીએ શરૂઆત કરી ઓળખાણ આપવાની. ફિલ્મના નવા ચહેરાઓની, આ એક એવી ફિલ્મ હતી જેની પાસે ન તો મોંઘાડાટ સેટની ચમકદમક હતી, ન કોઈ મોટી સ્ટારકાસ્ટ, એક સાફસુથરી ફિલ્મ, અને લગભગ નવા પ્રતિભાવાન ચહેરાઓ...

એક પછી એક ઓળખ અપાતી ગઈ અને પત્રકારોની પત્રકારોની ઉત્સુકતા વધતી ગઈ. ફિલ્મનો ચહેરો કહી શકાય તેવા હીરો હિરોઈન હતા કોણ ?

હીરો વિષે તો તમે કોઈ અજાણ પણ નથી. વેણુ કુમાર વિના જે આર પ્રોડક્શન સુનું છે. જાનકી રેડ્ડીએ થોડા તારીફના ફૂલ ચઢાવ્યા કોઈક ચોક્કસ કારણથી, પછી ક્ષણ માટે ચૂપ રહ્યા.

જામગરી ચાંપતી વખતે થોડી સાવચેતી જરૂરી હતી.

' એ તો ખબર જ હતી, તો પછી પીસી શું કામ બોલાવી છે ? પત્રકારોમાં હળવો ગણગણાટ થઇ રહ્યો હતો.

ત્યાં તો જાનકી રેડ્ડીએ જાહેરાત કરતા હોય તેમ વાત શરુ કરી.

' એક ખેદની વાત એ છે કે જેઆર સાથે વર્ષો સુધી સંકળાયેલી ભાનુ શ્રી આ વખતે અમારી સાથે નહી હોય બલકે આ વખતે હશે નવી પ્રતિભા, જે માત્ર જે આર માટે નહીં પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ હજી કદમ મૂકી રહી છે તેવો નવો ચહેરો ...

પત્રકારો માટે આ જ વાત ન્યુઝ હતી. ; તો જાનકીરેડ્ડીએ આ કારણથી પ્રેસના થોડા લોકોને આમન્ત્ર્યા હતા.

'કોણ છે એ પ્રતિભા ?' પત્રકારોના ચહેરા પર એક સાથે અંકાયેલા એ પ્રશ્નનો ઉત્તર આપી દેવો હોય તેમ જાનકી રેડ્ડીએ જાહેર કર્યું : એ માટેની જાહેરાત થશે આવતા શુક્રવારે. એ માટેનું નિમંત્રણ આપ સહુને કાલ સુધીમાં મળી જશે.

આથી વિશેષ કંઈ કહેવું ન હોય તે ઈશારો જાનકી રેડ્ડીએ આપી દીધો.

ફિલ્મી પત્રકારો માટે આ જેવો તેવો આંચકો નહોતો જે તેમને માથું ખંજવાળવા પર મજબૂર કરી ગયો હતો. જો ભાનુશ્રી આઉટ થઇ ચૂકી હતી તો કરોડોના ખર્ચે બનનારી જાનકી રેડ્ડીની એપિક ફિલ્મની હિરોઈન કોણ હોય શકે ?

ક્રમશ: