રણના ફૂલ ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રણના ફૂલ !

રણનાં ફૂલ !

થોડી વારમાં જ સુલતાનનો માણસ તિલકને પાછો બોલાવવા આવ્યો. તિલકે ધૂર્જટિને એક બાજુ નજરકેદમાં મૂકી દીધો હતો. ધ્રુબાંગ ને ધિજ્જટ ઉપર પણ ચોકીદારી ગોઠવી દીધી. પણ વાત ફેલાઈ જાય કે આ પ્રમાણે ભયંકર દગો થયો છે, તો સૈન્યની નિરાશાનો કોઈ પાર જ રહે નહિ. અત્યારે દોડી રહેલા દીવાનાઓ કોણ જાણે કેટલા વધી જાય ! એટલા માટે બે-ચાર વિશ્વાસુ સાંઢણીવાળાઓને જ એની સખ્ત ચોકીદારી માટે એણે કહી રાખ્યું. પોતે સુલતાન પાસે ગયો.

સુલતાન પોતાના તંબુમાં બેઠો હતો. ત્યાં એક ઝાંખો દીવો બળતો હતો. એક બાજુ સેવંતરાય હતો. વઝીર હઝનક હતો. એકૃબે વિશ્વાસુ, ગુલામો આસપાસ ચોકીદારીમાં ઊભા હતા.

તિલક આવ્યો. તેણે ધાર્યું હતું કે સુલતાન તેના ઉપર કોપાનલ સમો તૂટી પડશે. તે દેશપાર થવા કે મરણની સજા લેવા માટે તૈયાર થઈને જ આવ્યો હતો. તેણે સેવંતરાયને અગાઉથી જ બેઠેલો જોયો. એટલે તો એના રામ રમી ગયા. ધૂર્જટિ કાશ્મીરનો હતો તે વાત પણ અત્યારે એને માટે તો ભયંકર હતી.

સિપાહ સાલાર મસઉદ હજી આવ્યો ન હતો. તિલકને પોતાનું આખું જીવન નજર સમક્ષ તરવા માંડ્યું. ક્યાં કાશ્મીરની હરિયાળી કુંજો ? ક્યાં આ રણનો ત્રાસ અને પોતાનો આંહીં નિર્માયેલો સર્વનાશ ?

પોતે શહેર કાઝી અને વઝીર ખ્વાજા અહમદ હસનની હરીફાઈ વચ્ચેનો લાભ ઉઠાવીને આગળ વધ્યો હતો. ધીમેધીમે ખ્વાજાનો જ વિશ્વાસુ મંત્રી બન્યો. હિન્દુઓ સાથેની તમામ મસલતોમાં, પોતે જ સંદેશો ચલાવતો, સંધિની શરતો નક્કી કરતો. એમની પાસેથી જામીનગીરીઓ લેતો. પણ ખ્વાજા અહમદ હસનની વજીરાત એક દિવસ આથમી ગઈ. અત્યારે તો એ કેદમાં સડતો હતો. પણ પોતે હજી સુલતાનનો જમણો હાથ રહી શક્યો હતો.

કોઈ ભંયકર કેદમાં જીવનભર સડવાનો આજ હવે એનો પોતાનો વારો આવ્યો હતો !

નસીબની કેવી બલિહારી ?

તિલક ત્યાં વિચાર કરતો અદબ વાળીને ગુનેગારની માફક ઊભો હતો. એટલામાં સુલતાન મોટેથી હસી પડ્યો.

બધા ચમકી ગયા. સુલતાનને પણ નપાણિયા ભૂમિના ત્રાસથી દીવાનાપણું લાગુ પડ્યું કે શું ?

પણ એટલામાં તો સૌના આશ્ચર્ય વચ્ચે અજબ જેવી ધીરજ અને શાંતિથી સુલતાન બોલ્યો : ‘અલ્યા તિલક ! મોટો મલિક બિન - જયસેન થયો છે. ને આમ કેમ સાવ કોઈએ ભરખી ખાધો હોય તેમ ઊભો છે ? શું થયું છે તને ?

‘નામદાર !’ તિલક બોલ્યો : ‘મેં ભારે ભૂલ ખાધી. આ ભોમિયા ભયંકર છે. આંહીં તો દિવસે હરિયાળી વનકુંજો દેખાય છે. રાતે ભયંકર આસમાનમાં તારા ઊગી નીકળે છે. ક્યાંય પાણીનું નામનિશાન નથી. બે દિવસમાં પાણી ન મળે તો આ હજારોનું થાય શું ?’

‘જો તિલક ! ખુદા ચાહ્યે સો પળમાં કરવાની તાકાત ધરાવે છે. પાણી પણ મળશે, સૈન્ય પણ આગળ વધશે અને વિશ્વાસઘાતીઓનાં મોં કાળાં થશે !’

‘પણ એ ત્રણેને ઝબ્બે તો કરી નાંખો... સા.... લા..... કમજાત !’ સેવંતરાય બોલ્યો.

તિલકે તલવાર ઉપર હાથ મૂક્યો. સુલતાને એને રોક્યો. ‘હમણાં એ વાત જવા દે. બધા આ વાત જાણે તો એકદમ નિરાશ થઈ જાય. આપણને કાલે પાણી મળવાનું છે !’

‘કેમ જાણ્યું નામદાર ? આંહીં તો બધે જ મૃગજળનાં સરોવર દેખાય છે.’

‘ખુદાની ઉપર વિશ્વાસ રાખનારને ખુદા પોતે દોરે છે !’

સુલતાનની આ અજબ જેવી હિમ્મત જોઈને સૌને મનમાં ફરીને વિશ્વાસ જન્મયો. સુલતાને હવે કયો રસ્તો લેવો તેની મસલત માંડી. થોડી વારમાં જ સિપાહસાલાર મસઉદનો ખાસ માણસ આવ્યો. તેની પાછળ નામદાર સુલતાનને કુર્નિશ બજાવતો સિપાહસાલાર પોતે આવ્યો. તેના ચહેરા ઉપર ગુસ્સો હતો. તેના હાથમાં ભયંકર તલવાર હતી. તેણે આવતાવેંત કહ્યું : ‘ક્યાં છે તિલક ? એ ત્રણે કાફર ક્યાં છે ? પહેલાં ચાલ એને હણી નાખીએ. રસ્તો તો મળી જવાનો છે ! રસ્તો મને માલૂમ છે !’

‘મસઉદ ! પહેલાં તું વાત સાંભળ. આંહીં બેસ હમણાં.’ સુલતાને શાંતિથી કહ્યું, ‘અત્યારે ેને તમે હણશો, તો તેથી શું થશે તેની ખબર છે !’

‘એ ત્રણે જહન્નમમાં જશે !’

‘એ તો જતાં જશે, પણ પહેલાં આપણી ઘોર ખોદતા જશે. તું કાંઈ સમજે છે ? આટલી નિરાશા સૈન્યમાં આવી ગઈ છે. એમાં આ વાત જાહેર થશે તો કેટલી બધી ભયંકર નિરાશા ફેલાઈ જશે ? હમણાં તિલકે એમને નજરકેદમાં રાખ્યા છે. એમના ઉપર જાપ્તો છે. એ ખબર પ ણ ફેલાવી દેવાના નથી, તિલક ! પણ જાપ્તો એવો રાખવાનો છે કે એ ફરકી શકે નહિ. એ વાત પૂરી થઈ. બોલો તમે કોઈ આંહીંના રસ્તા વિષે કાંઈ જાણો છો ?’

વઝીર હઝનક દાઢી ઉપર હાથ ફેરવી રહ્યો. એને પોતાનું અજ્ઞાન અત્યારે સાલતું લાગ્યું. મસઉદ પણ તરત શાંત થઈ ગયો. સેવંતરાયની પાસે પણ કાંઈ નવી વાત લાગી નહિ. માત્ર તિલક બોલવું કે ન બોલવું એ દ્વિધામાં પડી ગયેલો જણાયો.

સુલતાને તેના તરફ એક આશાભરી દૃષ્ટિ કરી : ‘તિલક ! તારે કાંઈક કહેવું લાગે છે !’

‘કહેવું તો છે....’

‘પણ હવે તો કહેતાં હજાર વખત વાતનો વિચાર કરવાનો રહે છે, નામદાર !’ સેવંતરાય બોલ્યો : ‘આ એક ઘા વસમો છે. પણ બીજો ઘા તો છાતી સોંસરવો નીકળે !’

તિલકે સેવંતરાયની વાણીને સાંભળી ન સાંભળી કરી. તે અદબ વાળીને આશાથી સુલતાનની સામે જોઈ રહ્યો.

‘પણ આપણે, એની વાતને જોખવાવાળા ક્યાં નથી ? શું વાત છે તિલક ! જે હોય તે કહી દે.’

‘મેં એમ સાંભળ્યું’તું કે આ તરફ આથમણી દિશામાં નીલઆબની એક શાખા વહે છે. એ શાખાનો આપણને જો આધાર મળી જાય, તો કદાચ આપણે છેક જાટના મુલક ભેગા થઈ જઈએ.’

‘એટલે જાટ લોકોની સામે હાથે કરીને લૂંટાવા જવું એમ ?’ સેવંતરાય બોલ્યો.

મસઉદ તિલકની મદદે આવ્યો : ‘એ તો જો આથમણી દિશા નહિ પકડો, તો ઉગમણી કોર, પણ આપણે ક્યાં સાંભળ્યું નથી કે નહરવાડાનો રાય રખડવા નીકળ્યો છે ? એ તો એ બધાયને માપી લેવાશે. એમનુંય માપ નીકળશે !’

‘સિપાહસાલાર ! વજીર બોલ્યો : ‘આપણી બહાદુરી સાબૂત રાખવાની વાત નથી. આપણી અક્કલ સાબૂત રાખવાની વાત છે. આપણી પાસે જોખમ કેટલું ? આવનારાઓને ખોવાનું શું ? આ વાત છે. આપણે અત્યારે ક્યાંય લડવા રોકાવું પોસાય તેમ જ નથી.’

‘પણ સામે આવશે ત્યારે શું કરશો ?’

‘તે વખતની વાત તે વખતે.’

‘આપણે તિલકની વાત સાંભળો, બીજી વાતમાં ક્યાંક એ ભૂલી જવાય. તારે શું કહેવાનું છે, તિલક ?’

‘મેં એમ સાંભળ્યું છે કે મીઠો મહેરામણ છલકે ત્યારે આ શાખા પાણીથી છલકી જાય છે. આપણે એ શાખાએ પહોંચી જઈએ, આ સમો છે.’

‘એ જ બરાબર લાગે છે !’ સુલતાને કહ્યું, ‘કાલે સવારે પાંચ સાંઢણીસવારો ઊપડે. એ રસ્તાની ખબર કાઢે ! કોઈ જાણતા હોય તો એમને પૂછે. બસ, હવે રાતે ખુદાની બંદગી કરો. આપણને રસ્તો જડશે જ જડશે. ખુદા ચાહ્ય સો કરે. એના કરતાં કોઈ મોટો નથી.’

સુલતાનની પાસેથી બધા ખસી ગયા. પણ સુલતાનને ઊંઘ ન આવી.

તે પોતાના તંબુની બહાર ફરવા ચાલ્યો ગયો.

તિલકે જઈને ધૂર્જેટિની તપાસ કાઢી. ધ્રુબાંગ ધિજ્જટ ઉપરની ચોકી જોઈ. પછી એ પોતાના તંબુમાં ગયો, પણ એને ઊંઘ ન આવી. એને પોતાની આબરૂના કાંકરા થઈ ગયા.તે ખૂંચતું હતું તેણે નિશ્ચય કર્યો કે આ પૂજારીના છોકરાને કાંક એવી મોટી લાલચ આપવી જોઈએ કે એ હજી કાંઈક રસ્તો બતાવે. તે એકલો અંધારી રાતે ધૂર્જટિ પાસે ગયો.

ધૂર્જટિ ઘસઘસાટ ઊંઘતો હતો. તેણે તેને ઉઠાડ્યો. ચોકીદારોને દૂર જવાની સંજ્ઞા કરી. તે છેક ધૂર્જટિ પાસે આવ્યો.

‘પૂજારીના છોકરા !’ તિલકે કહ્યું. ‘તેં આ વિશ્વાસઘાત કર્યો તેથી તારા હાથમાં શું આવ્યું ? તને એવો રસ્તો બતાવું કે જેમ હું અત્યારે આંહીં કર્તાહર્તા છું - તેમ કાશ્મીરમાં નું બને. એ સારું કે આ સારું ? તને ખબર નહિ હોય. પણ આંહીં મનસુરા છે, તેનો સૂબો એક દિવસ હું હોઈશ !’

ધૂર્જટિ સાંભળી રહ્યો. કાંઈ બોલ્યો નહિ, ‘જો આ તારી સાંઢણી ઝડપીમાં ઝડપી છે. કાલે સવારે તું મારી ભેગો ચાલ. આપણે બે જ જણા ઊપડીએ. મીઠા મહેરામણની એક શાખા ક્યાંક વહે છે તે શોધી કાઢીએ. પાછા દોડીને એ સમાચાર નામદાર સુલતાનને આપીએ. એના બદલામાં પૂજારી ! તુંય ક્યાંક રાજા થઈ જશે !’

‘રાજા ?’ ધૂર્જટિ હસી પડ્યો : ‘રાજા થઈને શું ? હું તો રાજાનો રાજા છું જ. મારા દિલનો આનંદ હું તમને શી રીતે બતાવું ? પણ બોલો. તમારે બીજું શું કામ છે ? તમારે મને અત્યારે મારવો છે કે સવારે ? તમે એટલા માટે આવ્યા છો ના ?’

તિલક છક્ક થઈ ગયો. તેને તો હજી પૂજારી પાસેથી એની અજબ સાંઢણી પડાવી લેવી હતી. એટલે તેણે એ વાત જ ઉડાવી મૂકી.

‘તને જંતુને સુલતાન મારે ? શું વાત કરે છે ? એની ઉપેક્ષા કરતો હોય તેમ તિલક બોલ્યો : ‘સુલતાન તો હાથીનાં જુદ્ધ કરે. તને શું મારવો’તો ? તું જાણે છે કે તેં સુલતાનને રોળીટોળી નાખ્યા છે. પણ સુલતાનને તો કાલ પાણી દેખાશે. અને તારા મોંમાં ધૂળ રહેશે. એ વખતે તારું નિરાશા પામેલું મન જ તને મારી નાખશે. મારું હજી માન. તું ક્યાંક રાજા બની જઈશ, કાશ્મીરનો કાલંજર દુર્ગ તારો થશે. સુલતાનના શાહજાદા પાસે તને સોગંદ ઉપર બદલો અપાવું. ચાલ પૂજારી ! આમાં તારું કાંઈ નહિ વળે. તારી પાસે લાખો દ્રમ હશે, તો તું સોમનાથ જેવાં ત્રણ મંદિર બાંધી શકીશ.’

ધૂર્જટિએ તિલકને બોલતો રોક્યો : ‘તિલક પ્રધાનજી ! તમે મારા દેશના છો. આપણએ એકબીજાને સમજી લઈએ : આનો બદલો મને ભૂંડામાં ભૂડું મોત મળે. એ સમજીને જ મેં આ કામ કર્યું છે. એમાં હવે પાછું હઠવાતું નથી. ડગવાનું નથી, ડરવાનું નથી. તમારે અત્યારે તલવાર ચલાવવી હોય તો હું તૈયાર છું. સવારે આવવું હોય તો સવારે આવજો. મારે રાજ જોઈતું નથી. તમને જીવન વહાલું લાગતું હશે. જીવન અને મરણમાં કોને વધારે વહાલું ગણવું. એ મારે માટે હંમેશાં કોયડો રહ્યો છે. બોલો, તમે અત્યારે કામ પતાવવા માગો છો કે બધાને બતાવવા માટે મને રાખવો છે ? મારે બંને વસ્તુ સરખી છે !’

તિલકે ઘણી લડાઈઓ જોઈ હતી. નિર્ભય મરવાવાળા જોયા હતા. પણ મૃત્યુ પ્રત્યેની આટલી લાપરવાહી એણે ક્યાંય જોઈ ન હતી. આ માણસ મૃત્યુમાં જાણે કાંઈ સમજતો જ ન હતો, છ મહિનાનું શિશું મૃત્યુમાં ન સમજે, ને ભુજંગ સાથે રમે, એવી વાત હતી.

તિલક વધારે કાંઈ બોલી શક્યો નહિ. આને આમ કહેવું કે તું નહિ માને તો ધ્રુબાંગ ધિજ્જટનું મૃત્યુ અત્યારે છે, અને તારું મૃત્યુ સવારે છે. સવાર સુધી વિચાર કરી જો. માની જા. હજી રસ્તો બતાવ. પણ એવી કોઈ વાતને પણ, એ તો મશ્કરી જેવી જ ગણવાનો હતો. તે બોલ્યા વિના જ બેઠો થયો. ચોકીદારને કાંઈક કહ્યું, અને તે ચાલ્યો ગયો.

થોડી વાર થઈ અને ધૂર્જટિએ પાસેના તંબુમાં કાંઈક ગડબડ સાંભળી.

ધૂર્જટિ સમજી ગયો. ધ્રુબાંગ અને ધિજ્જટ ભાગ્યાધીન થઈ રહ્યા હતા. પોતાને વાર હતી. તે બેઠો થયો. તેણે પદ્માસન વાળ્યું. થોડી વાર શાંત બેઠો રહ્યો.

અચાનક તેને સાંભર્યું. ધિજ્જટ ધ્રુબાંગ રા’ના અણનમ ચોકીદાર હતા. એમને મનમાં રા’ની રાણકીની વાત અત્યારે રમતી હોવી જોઈએ. કોઈ રીતે એમને ખાતરી આપવી જોઈએ કે તમે નચિંત રહીને જાઓ. રાણકી તો જૂનાગઢની રાણકી જ રહેવાને સરજાઈ છે.

તે ચોકીદાર પાસે ગયો : ‘ચોકીદાર !’ તે ધીમેથી બોલ્યો : ‘મારી પાસે કાંઈ હથિયાર નથી. તમારે જોવું હોય તો જોઈ શકો છો. પણ પાસેના તંબુમાં કાંઈક ગરબડ થતી લાગે છે. મારા બેવ ભોમિયા દોસ્ત ત્યાં છે. મારે એમને મળી લેવાનું છે !’

‘હવે મળજો ત્યાં....’ ચોકીદારે આકાશના તારા દેખાડ્યા.

ધૂર્જટિએ આસપાસ જોયું. આ એક સિવાય બીજો કોઈ જાગતો જાણ્યો નહિ. તેણે તેને વધુ હિમ્મતથી કહ્યું : ‘જો તું દેખીશ એમ હું ત્યાં દોડ્યો જઈશ.’

‘દોડી તો જો. ગળે ફાંસલો પડી જાશે.’

‘એમ નથી, હું દોડીશ, એટલે તું મારી પાછળ દોડીશ. સાચું ના ?’

‘હા હા, સાચું. તું બહુ ડાહ્યો થા મા. નહિતર મારે હાથે બે ખાઈ બેસીશ.’

પણ એટલામાં એક ભયંકર ચીસ સંભળાઈ. આખું રણ વીંધી જતી એ ચીસમાં કોઈ મરણોન્મુખ પ્રાણની વેદના ભરી હતી.

ધૂર્જટિ ચમકી ગયો. ચોકીદાર ચોંકી ઊઠ્યો. એટલામાં તો કોઈ ગાંડો થઈ ગયેલો માણસ આ તરફ દોડતો આવતો હોય તેમ લાગ્યું. ભયંકર ગરમી, એક બુંદ પાણી પીવા મળે નહિ. મળે ત્યારે તરસ વધે એટલું. રેતીનાં તોફાન, હવામાં ચડતી આંધી, ઢગલે ઢગલા રેતી ઊડીને એક ઠેકાણે ઢોરો કરે, બીજે ખાડો સરજે, અને માણસ જ્યાં નજર કરે ત્યાં આઘે આઘે મોહક વનકુંજો નજરે પડતી હોય ! કેવી સુંદર, કેવી આકર્ષક, કેવી લલચાવનારી, કેટલી બધી સાચી ! રેતીની આવી ભયંકર લીલાએ કેટલાયનાં મગજ ફેરવી નાખ્યાં હતાં. એવો કોઈ મગજ ફરેલો આદમી અત્યારે છૂટો એકલો નીકળી ગયો લાગ્યો. તે આ તરફ દોડતો આવ્યો એટલે ચોકીદાર ભાગ્યો. એને ભાગતો જોયો કે તરત જ ધૂર્જટિ મૂઠીઓ વાળીને દોડ્યો જ ગયો, જે તંબુ તરફથી એણે અવાજ આવતો સાંભળ્યો હતો, તે તરફ એ દોડ્યો ગયો.

એણે એ તંબુમાં ધિજ્જટ ધ્રુબાંગને જોયા. એમના બંનેના ગળામાં દોરડાં હતાં. એમના હાથપગ બાંધ્યા હતા. ધૂર્જટિને જોતાં એ મોટેથી હસી પડ્યા : ‘અરે ! પંડિતજી, તમે ક્યાં આમાં ઘોડ્યા ? અમે તો એમને ખેલ બતાવવા જઈએ છીએ !’

‘શેનો ખેલ ?’

‘આંહીં રણરેતમાં બીજો કયો ખેલ હોય ? મરણનો ખેલ !’

ધૂર્જટિ સમજી ગયો. આમને થોડે આઘે લઈ જઈને જબ્બે કરવાના હતા. તેણે બંનેના સામે જોયું એ દૃષ્ટિમાં જ એણે એમને એક હજાર વાત કહી નાખી.

ધ્રુબાંગ ધિજ્જટ છુટકારાનો દમ ખેંચી રહેલા જણાયા. એમને નિરાંત થઈ ગઈ. ધૂર્જટિએ એમના ચહેરા ઉપર એ વાંચી. એમને ખાતરી થઈ ગઈ કે કોઈ હિસાબે આ બ્રાહ્મણ, રાણકીને કોઈને હાથ પડવા નહિ દે !

એણે મીઠાં ઝેરનું છલોછલ પ્યાલું, ખુદ ભગવાન શંકરના હાથમાંથી લઈને પીધું હતું. એ ઝેર પિનારા જુદા જ બની જાય છે !

થોડી વારમાં ધ્રુબાંગ ધિજ્જટને દોરીને ચોકીદારો આગળ ચાલ્યા.

ધૂર્જટિએ એમને કહ્યું : ‘મને એમના કાનમાં એક વાત કહેવા દ્યો !’

‘શું વાત છે બમના ?’

‘વાત બીજી કાંઈ નથી. એમને કહેવાનું છે કે ભગવાનમાં ભરોસો રાખો !’

‘બીજું બોલ્યો તો તારું માથું વધેરી નાખીશું હો.’

‘તલવાર હાથમાં લઈને મારી પાછળ જ આવો, સરદાર ! મારે બીજું કાંઈ કહેવાનું નથી.’

ધૂર્જટિ ધ્રુબાંગ-ધિજ્જટ પાસે ગયો. તેણે તેના કાનમાં સંભળાય તેમ કહ્યું : ‘હું મરીશ. આબરૂ નહિ મરે. વેણ નહિ મરે. ભગવાનનો ભરોસો રાખો.’

ધિજ્જટ-ધ્રુબાંગને હવે વધુ નિરાંત થઈ ગઈ. તેમણે તરત ચોકીદારોને કહ્યું : ‘અમે તૈયાર છીએ.’

બે-ચાર ચોકીદારો, ધિજ્જટ-ધ્રુબાંગની આગળ ચાલ્યા. આડે અવળે રસ્તે આઘે જઈને એમનો શિરચ્છેદ કરવાનો હુકમ થયો હતો.

ધૂર્જટિ એમની પાછળ પાછળ ગયો. ચોકીદારોએ કાંઈ વાંધો લીધો નહિ. પણ એમણે એના ઉપર સતત નજર રાખી. ધૂર્જટિ સમજી ગયો. આ બંનેનો શિરચ્છેદ જુએ એમ એ પણ ઇચ્છી રહ્યા હતા. બામણો એ જોશે તો ધ્રૂજી જશે. વખતે ડગી જશે. એવી કોઈ માન્યતાને લીધે કોઈએ વાંધો ઉઠાવ્યો નહિ હોય. ધૂર્જટિને તો આ બંનેનો એટલી વાર વધારે સહવાસ થશે, એ જ મોટો લાભ હતો. એ બોલ્યાચાલ્યા વિના જ એમની પાછળ ચાલ્યો. એની પડખે પણ એક-બે માણસો ચાલી રહ્યાં હતાં.

છાવણીથી ઠીક ઠીક દૂર એ ગયા. ત્યાં એક તરફ રેતીના કેટલાક ઢોરા દેખાતા હતા. દિવસે તો એ ડુંગરા જેવા જણાતા હતા. અત્યારે અંધારઘેરા પડછાયા જેવા એ ઊભા હતા. એમને જોતાં ધિજ્જટ અને ધ્રુબાંગ બંને એક પ્રેમભરી દૃષ્ટિથી પોતાના તરફ જોતા હોય એવું ધૂર્જટિને લાગ્યું. અધારું હતું. અને તારાઓના થોડાક પ્રકાશથી જે દેખાતું હતું. તેમાં કરેલું આ અનુમાન કેટલું સાચું એ જાણવું મુશ્કેલ હતું. પણ જ્યારે બીજી કે ત્રીજી વખત પણ ધ્રુબાંગ ધિજ્જટે, ધૂર્જટિ તરફ જોયું હોય તેમ જણાયું, ત્યારે ધૂર્જટિ ચોંકી ગયો. ‘હા... હા...’ તેના મનમાં મોટો આનંદ ઓઘ ઊઠ્યો. શોકની પરાકાષ્ઠા પણ આવતી જણાઈ. એકી સાથેજાણે મનસાગરમાં ભરતી અને ઓટ આવ્યાં !

ધિજ્જટ અને ધ્રુબાંગ રેતીના ધોરાની નજીક આવ્યા એટલે એમને હિંમતથી કહ્યું : ‘સરદાર ! હવે અમારા બંધ છોડી નાખો. તમારી તલવારને છૂટે હાથે વાપરો બાપા ! તમારે જોવું હોય તો જોઈ લ્યો, અમારી પાસે કાંઈ નથી.’

ધિજ્જટ-ધ્રુબાંગનાં બંધન છૂટ્યાં. ગળેથી રસી નીકળી ગઈ. બંને ત્યાં ઊભા. ચોકીદારો સાવધ રહ્યા. ‘ચલાવો ! શું જુઓ છો ? અમે તો આ માટે જ આવ્યા હતા. અમને આ કાંઈ નવાઈ નથી.’

બંનેના ચોકીદારોએ એકી સાથે તલવાર ઉપાડી. બંનેનાં ઉપર એકી સાથે જનોઈ વઢ ઘા કર્યો. પણ ઘા કર્યો ન કર્યો ને એ ગોઠણભેર થઈ ગયા. તરવાર હવામાં વીંઝાતી રેતીમાં ભટકાણી. આંખના પલકારા માત્રમાં આ શું બની ગયું. એ જોતાં બંનેના ચોકીદારો આભા બની ગયા. પણ એ આંખ ચોળીને ઉઘાડે ત્યાં તો રેતીના પેલા ધોરા ઉપર બે પડછાયા નજરે પડ્યા. ‘અરે !’ ચોકીદારોના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા, પણ એ શબ્દો નીકળ્યા ન નીકળ્યા, ત્યાં તો એમને કાને માત્ર એક જ વાક્ય સંભળાયું : ‘જય સોમનાથ ! ભવોભવ જય સોમનાથ !’ એમાં સોમનાથ આવ્યું એટલું જ એ સમજ્યા. શું હતું એ તો એ પણ સમજી શક્યા નહિ. ધિજ્જટ ને ધ્રુબાંગ બંને રેતીના ધોરા ઉપરથી બે હાથ જોડીને ધૂર્જટિને છેલ્લા પ્રણામ કરતા દેખાયા. અને એક પળમાં આંખના પલકારા માત્રમાં તો એ અદૃશ્ય થઈ ગયા. પોલી રેતી એમને ગળી ગઈ હતી.

પણ એ જોતાં તો ચોકીદારો ધ્રૂજી ઊઠ્યા. રેતીનાં ભયંકર પોલાણો વિષે એમણે સાંભળ્યું હતું. આજે એ પ્રત્યક્ષ દેખ્યું. જાણે પેલા બે, કોઈ દિવસ ત્યાં હતા જ નહિ તેમ, કેવળ રેતીના ધોરા ત્યાં ઊભા હતા !

ચોકીદારોને હવે બીક લાગી. પાછા ફરવા જતાં, વખતે એ પોતે પણ આવા કોઈ પોલાણનો ભોગ થઈ પડે તો ? તેમણે ધૂર્જટિને જોવા માટે પાછળ દૃષ્ટિ કરી, પણ ત્યાં કેવો ધૂર્જટિ ? ને કેવી વાત ?

‘અરે ! એને પણ રેતી ગળી ગઈ કે શું ?’

અને તરત જ એમને ભયભરેલો ખ્યાલ આવી ગયો કે એ જ પ્રમાણે આ રેતીનાં રણ તો એમને પણ ગળી* જશે.

તે મૂઠીઓ વાળીને એકદમ છાવણી તરફ દોડ્યા.

-----------------------

*આવા પોલાણવાળા ધોરા દ્રમ કહેવાય છે. એના વિષે નોંધ છે. જેસલમીર પાસે તે ઘણા પ્રમાણમાં હોવાનો ઉલ્લેખ છે.