ભેદ - 3 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - 3

ભેદ

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - 3

સલોની બોલી, “શું? તમે ભાનમાં તો છો ને?”

જયેશ “હા, સલોની આ મારો અંતિમ ફેંસલો છે અને સાંભળ, લગ્નના ત્રણ ત્રણ વર્ષ થયાં છતાંપણ તુ મને બાળકનું સુખ આપી શકી નથી જયારે હેલી સાથેના મારા માત્ર બે મહિનાના ટૂંકા પરિચયમાં જ તે મને પિતા બનવાનું સુખ આપવા જઈ રહી છે.”

આ સાંભળી સલોનીએ બન્ને હાથથી કાન દબાવી દીધા “છી..છી.. આ શું બોલી રહ્યા છો?”

જયેશ, “સલોની, સત્ય હમેશાં કડવું જ હોય છે. હવે ફેંસલો તારે કરવાનો છે કે તું હેલી સાથે આ ઘરમાં રહીશ કે પછી મને ડિવોર્સ આપીશ?”

સલોની હવે ભાંગી પડી, જયેશના પગ પર ઢળી પડતાં તે બોલી “જયેશ મારી એવી તે કેવી ભૂલ થઇ ગઈ કે તું એની મને આટલી આકરી સજા આપે છે? એક સ્ત્રી બધું જ સહન કરી શકે છે પણ પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીનો થતો એ જોઈ શકતી નથી. જો હેલી આ ઘરમાં આવશે તો હું આ ઘર છોડી જતી રહીશ. પછી ભલેને મને રસ્તા પર રઝળવાના દિવસો આવે.”

જયેશે પગે પડેલી સલોનીને ઠોકર મારી દુર ધકેલતા કહ્યું ”‘ઘર છોડીને જવું એ તારો ફેસલો છે, અને રસ્તે રઝળવાની કોઈ જરૂર નથી. હેલી જે ઘરમાં રહે છે તે પણ મારૂ જ ઘર છે. હેલી આ ઘરે આવતાં તું એમાં રહેવા જઈ શકીશ. વચ્ચે વચ્ચે હું તને મળવા આવતો રહીશ...”

સલોનીએ હોઠ ભીંસીને કહ્યું, “આ મારૂ ઘર છે. જેને તું અવારનવાર મળવા જાય છે તેને તું આ ઘરમાં રાખવાની વાત કરે છે? અને તારી પત્ની એવી મને અવારનવાર મળવા આવવાની વાત કરે છે? નીચ.. તુ મને સમજી શું બેઠો છે?”

જયેશે હસતાંહસતાં કહ્યું, “સલોની, તું મારૂ કશું બગાડી નહિ શકે. તારી પાસે છે જ શું? તારા ભિખારી બાપ પાસે મારી પર કેસ કરવાની ત્રેવડ છે? સા..... મેં તારી સાથે લગ્ન ન કર્યા હોત તો તારા ભિખારી બાપે કોઈ ફટીચર જોડે તને પરણાવી હોત. તને આજ સુધી સંભાળી રાખી એનો પાડ માન... “

સલોની બોલી “ચોખ્ખેચોખ્ખું કહીં દો ને કે તમારૂ હવે મારાથી મન ધરાઈ ગયું છે.”

કપટી હાસ્ય રેલાવતાં જયેશે સલોની તરફ જોતા કહ્યું, “હજુ તને કેટલું ચોખ્ખેચોખ્ખું કહેવાનું? આટલું તો ચોખ્ખુંચટ તને કહી દીધું. તારે ના સમજવું હોય તો તુ જાણે મારો રસ્તો કરતાં મને આવડે છે.”

આમ બોલી જયેશ બહાર જવા લાગ્યો. સલોની એ એને રોકતા પૂછ્યું, “ક્યાં જાઓ છો?”

જયેશે મુસ્કુરાતા કહ્યું “મારો પીછો કરીને જાણી લે! તને જેમ્સબોન્ડ બનવાના બહુ અભરખા છે ને!”

આમ બોલી જયેશ બહાર નીકળી ગયો. સલોની પણ એની પાછળ પાછળ ગઈ. જયેશે ગાડી સીધી ડાયમંડ ક્લબ તરફ લીધી. પાછળ આવતી સલોનીએ જયેશને ક્લબમાં પ્રવેશતો જોયો. સલોનીએ ત્યાંજ ગાડીને ઉભી રાખી જયેશના પાછા ફરવાની ઇંતેજારી કરવા લાગી. પણ ઘણી વાર સુધી જયેશ પાછો ન ફરતાં એને અંદર જઈ તપાસ કરવાનું વિચાર્યું. આમ વિચારી તે ક્લબની અંદર ગઈ. અંદર જઈ એને જોયું તો ક્લબમાં શરાબનો દોર ચાલતો હતો. જયેશ શરાબના નશામાં મસ્તીથી હેલી જોડે ડાન્સ કરી રહ્યો હતો. હેલી પણ નશામાં ઝૂમતી એને ચીપકીને નાચતી હતી. આ જોઈને ઊભીને ઊભી સળગી ગયેલી સલોની દોડતી હેલી પાસે ગઈ અને તેને જોરદાર લાફો ચોડી દીધો “બેશરમ... નીચ... લાજ નથી આવતી આમ બીજાના લગ્નજીવનમાં ભંગાણ પાડતા...”

એક જ સેકન્ડમાં હેલીનો બધો નશો ઉતરી ગયો. અત્યંત ગુસ્સાથી હેલીએ બુમ પાડી “વોટ રબીશ?... મને લાફો કેમ માર્યો? અને તુ... પેલી સવારવાળી સુરેખા જ ને...”

સલોની બોલી “હું આ તારા બોયફ્રેન્ડની પત્ની છું.. પત્ની... સમજી?”

હેલી નફ્ફટપણે બોલી “તો શું થયું? તું છે તો હું થવાની છું!”

સલોની બોલી “વાહિયાત ઔરત તને જરાય શરમ નથી?”

હેલી બોલી “શરમ તો તને આવવી જોઇએ.. જે કામ તું ત્રણ ત્રણ વર્ષથી ન કરી શકી એ કામ મેં બે મહિનામાં કર્યું છે.”

સલોની બોલી, “છી...છી... ખબર નહિ કોનું પાપ હશે ?”

ત્યાંજ ગુસ્સાથી કાંપતા જયેશે આવીને સલોનીને કચકચાવીને થપ્પડ મારી દીધી. “હું એનો બાપ છું સમજી... હું પોતે જ.. તુ બાળક જણી શકતી નથી એટલે બીજા પર ઈર્ષા કરે છે? વાંઝણી...સા...” અનેક લોકોની હાજરીમાં જયેશે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દોને કારણે સલોનીનું હૃદય ભેદાઈ ગયું. હૃદયના એક આળા ભાગ ઉપર જયેશના આ શબ્દો શૂળની જેમ ભોંકાયા. હ્રદય છેદાઈ ગયું. હોઠ ભીંસી મુઠ્ઠીઓ વાળી જોરથી ચીસ પાડી ઉઠતા જયેશ તરફ જોઈ બોલી ‘હરામખોર... નીચ... બેશરમ.... હું તમને બન્નેને મારી નાખીશ” આમ બોલી એ ત્યાંજ ભોંય પર બેસી આંસુ સારવા લાગી. એની તરફ ધ્યાન આપ્યા વગર જ જયેશ બોલ્યો, “ડાર્લિંગ.. આના તરફ ધ્યાન ન આપ..લેટ્સ ડાન્સ...”

હેલી બોલી, ‘આણે મારો બધો નશો ઉતારી દીધો. મારો મૂડ હવે ખરાબ થઇ ગયો છે.”

જયેશ બોલ્યો “ઈટ્સ ઓકે પાર્ટી પૂરી થતાં જયારે હું તને ઘરે છોડવા આવીશ ત્યારે આપણે રસ્તામાં આવતાં તારા ફેવરિટ સ્પોટ કેમ્બ્રિજ કેનાલ પાસે બેસીશું ખુશ? ફ્રેશ વાતાવરણમાં તારો મિજાજ પણ ઠીક થઇ જશે.” હેલી એ લાડથી હકારમાં ડોકું ઘુણાવ્યું. આ જોઈ સલોની રડતી કકળતી કલબની બહાર નીકળી ગઈ.

કલબમાંથી બહાર આવી સલોની રોતી બિલખતી સીધી ઘરે પહોંચી. ઘરે પહોંચતા જ એ પલંગ પર ફસડાઈ પડી. જયેશે બોલેલાં કટુ વચનો એ એનું કાળજું ચીરી નાખ્યુ હતું. પોતે કરેલાં ત્યાગ, બલિદાનનો જયેશે આવો બદલો આપ્યો? જયેશે આજે નિષ્ઠુર બનીને એના પવિત્ર પ્રેમની હત્યા કરી હતી. એણે મારા પ્રેમની હત્યા કરી છે તો હું પણ એની પ્રેમ હત્યા કરીશ....” એવા વિચારો સાથે એની આંખ મીંચાઈ ગઈ. અને તે નિંદ્રામાં સરી પડી.

અંધકારથી ભરેલા સૂનકારમાં અચાનક સલોની આંખ ખુલી ગઈ. એણે જોયું તો સામે પલંગ પર એના વિશ્વાસને કચડી નાખનાર જયેશ મીઠી નીંદર માણી રહ્યો હતો. આજે સાંજે પાર્ટીમાં હેલી સાથેના એના ચેનચાળા જોતા સલોની આંખોમાં લોહી ઉતરી આવ્યું. પલંગના ગાદલા નીચે દબાવી રાખેલી પિસ્તોલ હાથમાં લઇ એ ધીમે પણ મક્કમ પગલે જયેશ તરફ આગળ વધી. જયેશ ગાઢ ઊંઘમાં હતો. સલોની એ નજીક જઈ હાથમાંની પિસ્તોલ કપાળ પર તાકી હોઠ ભીંસી નફરતભરી નજરે જોઈ આવેશમાં આવી જઈ એક પછી એક ફાયર કર્યા. એ સાથે લોહીની છોળ ઉડી અને જયેશ મોતની ગાઢ નિંદ્રામાં પોઢી ગયો. એ છતાં સલોનીનો ક્રોધ હજુ શમ્યો ન હતો. એણે લગાતાર ફાયરીંગ ચાલુ જ રાખ્યું. આખરે પિસ્તોલની બધી જ ગોળીઓ ખલાસ થઇ ગઈ. તો પણ તે પિસ્તોલની ટ્રીગર દબાવ્યા જ કરતી હતી. અને તેને ભાન થયું કે પોતે જયેશને મારી નાખ્યો છે. આમ જુસ્સો ઉતરતાં આવેશમાં આવી જઈ પોતે શું કરી બેઠી છે એનું ભાન થતાં સલોની હવે ગભરાઈ ગઈ. ઝડપથી પલંગ પર પડેલા ખૂનથી લથબથ જયેશના મૃતદેહને ઊંચકી એણે હટાવવાનો પ્રયાસ કર્યો. ત્યાંજ ધાડ...ધાડ... કરી કોઈક દરવાજો ખખડાવવા લાગ્યું. સલોની કંઈ સમજે એ પહેલાં જ પોલીસની સાયરન વચ્ચે બહાર જામેલાં ટોળાનો “ખુન...ખુન...” કરતો અવાજ સંભળાવવા લાગ્યો.

સલોનીનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું.

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ - ૪)