ભેદ - 4 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - 4

ભેદ -૪

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ-૪

સલોનીનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું અને તે પથારીમાંથી ઝબકીને જાગી ગઈ. તેનું આખુ શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. માથું સખત દુઃખતું હતું “ખુન.. ખુન...ના અવાજો સંભળાતા હતાં. ચકળવકળ આંખે એ કમરામાં દ્રષ્ટી ફેરવવા લાગી. જયેશનો પલંગ ખાલી હતો. પોતે કોઈ ભયાનક સ્વપ્નું જોયું છે એનું ભાન થતાં જ એણે હાશકારો અનુભવ્યો. એણે ઘડિયાળમાં જોયું તો હજી રાતના ૧૧.૧૫ જ થયેલા. જયેશ હજી ઘરે આવ્યો નહોતો. પાર્ટી પૂરી થયા બાદ એ હેલીને લઇને કેમ્બ્રિજ કેનાલ પર ફરવા જવાનો હતો એટલે એને સહેજે ઘરે આવતાં ૧૨.૩૦ થવાના જ હતાં. પોતાને આવેલા સપનાને યાદ કરતા સલોનીએ વિચાર્યું “ના.... મારી લાગણીઓને છિન્નભિન્ન કરનારાઓને આટલું સહેલું મૃત્યુ ન હોય. જેટલું એમણે મને તડપાવી છે મૃત્યુ પેંહેલા તેઓ પણ એટલા જ તડપવા જોઇએ... પેલી હેલીએ મારી માફી માંગવી જ પડશે...”

આમ વિચારી સલોની ઝડપથી ઉભી થઇ. બાથરૂમમાં જઈને ફ્રેશ થઇ. બહાર આવી જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરી તૈયાર થઈ. પોતાના શરીર પરના બધા દાગીના કાઢી એણે લોકરમાં મૂકી દીધા. મોબાઈલ પણ એણે લોકરમાં મુક્યો. પછી કબાટમાંથી બીજી એક જોડ કપડાની કાઢી બેગમાં મૂકી. ફ્રિજમાંથી એક ઠંડા પાણીની બોટલ તથા બીજી ખાલી બોટલો અને જરૂરિયાતનો સામાન બેગમાં ભરી એ ઝડપભેર ઘરની બહાર નીકળી ગઈ. બહાર નીકળી એણે એક રીક્ષા ઉભી રખાવી. રીક્ષાવાળાને રેલ્વેસ્ટેશન લઇ જવાનું કહી. સીટ ઉપર માથું ટેકવી એણે વિચારવાનું શુરૂ કર્યું.

મોડી રાત્રે પાર્ટી પૂરી થઇ. લથડિયાં ખાતા બન્ને જણા ગાડીમાં જઈને બેઠા. જયેશે ગાડી હેલીના ઘર તરફ હંકારી મૂકી. હેલીએ કહ્યું “જયેશ, રસ્તામાં કેમ્બ્રિજ કેનાલ પાસે થોડીવાર બેસવાનું છે તે યાદ છે ને?”

નશીલી આંખોથી હેલી તરફ જોતા જયેશ બોલ્યો “કેમ્બ્રિજ કેનાલના એકાંતમાં માત્ર બેસવાનું?”

આ સાંભળી હેલી ખીલખીલાટ હસી પડી. જયેશ એના ગાલ પર પડતાં ખંજનો જોઈ રહ્યો. શરાબના જામ કરતાં હેલીના ગાલ પરના ખંજન જયેશની ઉતેજનામાં વધારો કરી રહ્યા હતાં. હેલીના ભીના ગુલાબી અધરોનું રસપાન કરવા અને ગાલના એ મદમસ્ત ખંજનરૂપી જામમાં ડૂબકી મારી ખોવાઈ જવાના રસપ્રચૂર ખ્યાલોમાં જયેશ હેલી ઉપર સહેજ ઝૂક્યો.

ત્યાંજ હેલીએ ચીસ પાડી “સામે જુઓ....”

એક ટ્રક પુરપાટ ઝડપે કાર પાસેથી સડસડાટ પસાર થઇ ગઈ. ઉબડખાબડ રસ્તા પર ગાડી આંચકા ખાતી આગળ વધવા લાગી. જયેશનો સઘળો નશો એક ઝાટકે ઉતરી ગયો હતો.

હેલી મીઠો છણકો કરતી બોલી “કેમ્બ્રિજ કેનાલ થોડેક જ દુર છે.”

જયેશે ટ્રકનો ગુસ્સો રસ્તા પર ઉતારતા કહ્યું “કેનાલ પાસે મહિનાઓથી બનતાં આ રસ્તાનું કામ ક્યારે પુરું થશે?

હેલી બોલી “આજે પથ્થરો નાખ્યા છે.”

જયેશની ગાડી આંચકા મારી રહી હતી,

હેલી બોલી, “કાલે ડામર નાખી દેશે એટલે રસ્તા કાચ જેવા લીસા થઇ જશે.”

જયેશ વળી હેલી તરફ શરારતભરી નજરે જોઈ બોલ્યો “કાચ જેવા કે તારા ગુલાબી ગાલ જેવા?”

ત્યાંજ કેમ્બ્રિજ કેનાલ આવતાં જયેશે ગાડી એક સુમસામ જગ્યા જોઈ સડકની એકબાજુ ઉભી રાખી. એમાંથી હેલી અને જયેશ બહાર આવ્યા. જયેશે સિગારેટ સળગાવી સિગારેટનો એક જોરદાર કશ ખેંચ્યો. હવે એની આંખો કોઈ વ્યવસ્થિત જગ્યાની શોધ કરવા લાગી. આખરે એક સલામત જગ્યા એની નજરે પડતાં તે હેલીને લઇ ત્યાં પહોચ્યો. જયેશે રૂમાલ પાથર્યો અને બન્ને જણા બેઠા. જયેશે હેલીના ગાલ ઉપર ટપલી મારી કહ્યું, “ખુશ?”

હેલી કુત્રિમ રીતે ગુસ્સે થતાં બોલી “હટો. છોડો મને...જયારે જુઓ ત્યારે…”

નશામાં ભાન ભુલેલો જયેશ હેલીના નખરાથી ઉતેજનાની ચરમસીમાએ પહોચ્યો. હેલી ખોટેખોટું છૂટવાનો પ્રયત્ન કરવા લાગી. એમની આ યૌવનમસ્તી પૂર્ણતા પામે એ પહેલાં “ફટાક”નો એક અવાજ હેલી એ સાંભળ્યો. અને એના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે જયેશનાં માથામાંથી લોહીની ધાર નીકળી રહી છે. અને રાતના એ અંધકારમાં જયેશ ભોંય પર ઢળી પડ્યો. જયેશના ઢળી પડતાં જ હેલીની સમક્ષ સાક્ષાત રણચંડી બનીને ઉભેલી સલોની નજરે પડી. સલોનીના ગ્લોવ્ઝ પહેરેલા હાથમાં લોહીથી ખરડાયેલો એક મોટો પાવડો હતો. હેલી કંઈ સમજે તે પહેલાં જ સલોની એ ઉપરાછાપરી પાવડાના ઘા જયેશના માથા ઉપર મારવાના શુરૂ કર્યા. આ સઘળું જોઈ હેલી થરથર ધુજવા લાગી. પાવડાનો દરેક ઘા મારતી વેળા ક્રોધથી કાંપતી સલોની સતત બોલતી હતી. “હું વાંઝણી છું??? હું વાંઝણી છું???”

વેદનાથી આંક્રદ કરતો અને પીડાથી તરફડતો જયેશનો દેહ ક્યારનોય શાંત થઇ ગયો હોવા છતાં સલોની શાંત થવાનું નામ લેતી નહોતી. જયેશના શરીરે હવે વેદનાથી તરફડવાનું છોડી દીધું. છતાં સલોનીએ માથા પર પાવડાના ફટકા મારવાનું છોડ્યું નહોતું. આખરે સલોનીએ પાવડાને એક બાજુ ફેંકી પાસે પડેલો એક મોટો પથ્થરો ઊંચક્યો. સલોનીનું આ ભયાનક રૂપ જોઈ હેલીએ ચીસ પાડવા કોશિશ કરી. ડરના માર્યા હેલીના ગળામાંથી અવાજ સરખો નીકળી ના શક્યો. મદદની આશાએ હેલીએ આસપાસ નજર દોડાવી પણ મદદ મળે એવા કોઈ અણસાર એને દેખાયા નહિ, રાતના અંધકારે એનું સામ્રાજ્ય બરાબર ફેલાવી દીધું હતું. રસ્તાઓ ભયાનક સુમસામ દેખાતા હતાં. ચારેકોર ભયંકર શાંતિ ફેલાયેલી હતી. દુર ક્યાંક કુતરાઓ ભસી રહ્યા હતાં. ત્યાંજ આકાશમાં જોરદાર વીજળી કકડી અને એના પ્રકાશમાં હેલીએ જોયું કે સલોનીએ ઉંચકેલ મોટા પથ્થરનો ઘા જયેશના કપાળ પર કર્યો છે. “પચ્ચ..” ના અવાજ સાથે જયેશની ખોપડી ફાટવા સાથે લોહીના ફુવારા હેલીના ચહેરા પર ઉડીને ચોંટ્યા. હેલીનો ચહેરો લોહીથી ખરડાઈ ગયો. સલોનીએ ફરી પાવડો ઉચક્યો અને હવે તે હેલી તરફ આગળ વધી. હેલીએ બે હાથ જોડી એણે વિનંતી કરતાં કહ્યું “મને માફ કર બેન, મને જવા દે... હું કોઈને કશું નહિ કહું... મને જવા દે..”

સલોની પાવડાને એક હાથમાંથી બીજા હાથમાં લેતાં ત્યાંજ જમીન પર નીચે બેસી ગઈ. આકાશમાં વીજળી ઝબકી એના અજવાળામાં પવનથી ઉડતી લટોવાળી સલોનીનો દેખાવ એકદમ ભયાનક લાગી રહ્યો હતો. પાવડાને જમીન પર જોરથી પછાડતાં એ ક્રોધથી બોલી “એવું બોલ ને...”

રાત્રીના ગહન અંધકારમાં પાવડાના એ અવાજે હેલીને ધ્રુજાવી મૂકી લથડતા સ્વરે હેલી બોલી “કેવું સુરેખા....કેવું હું બોલું... બોલને” હેલીની છેક નજીક આવી સલોની બોલી “હટો. છોડો મને...જવો દો ને.” બેશરમ તું જાણે છે.. મારી આંખ સામે તમારા આવા ચેનચાળા જોતા મારા દિલ પર કેવી વિતી હશે?”

હેલી બોલી ‘સુરેખા મને માફ કર,,, મને જવા દે...”

પૂરી તાકાતથી હેલીના માથા પર પાવડાનો પ્રહાર કરતા સલોની જોશથી બોલી “માફી ભૂલની હોય છે......” અને હેલીની ખોપરીના મધ્યભાગમાં બીજો એવો જ જોરદાર ફટકો મારતા બોલી “ધોખાની માત્ર સજા હોય છે......”

હેલી એ જીવલેણ ઘા જીરવી ન શકી... એ નિર્જીવ બની ત્યાંજ ઢળી પડી. સલોની હજુપણ હેલીના દેહ ઉપર આક્રોશપૂર્ણ ચહેરે પાવડાના ઉપરાછાપરી ઘા ફટકારી રહી હતી. પણ હવે હેલીના એ નિર્જીવ શરીર ઉપર એની કોઈ અસર થવાની નહોતી. આખરે પાવડો ફેંકી સલોની હેલીના શબ પાસે આવી. એના ચહેરા પર આવેલા વાળને સરખા કરતી એ ઘડીભર એના મુખને નિહાળી રહી. “તારા આ જ સુંદર મુખડા ઉપર મારો પતિ મોહ્યો હતોને?” અને એણે જયેશના લોહીથી લથબથ થયેલો પથ્થર હાથમાં લઈ હેલીના ખૂબસુરત ચહેરા પર ઝનુનપૂર્વક ઝીંક્યો. હેલીના છુદયેલો એ ચહેરા પર એક આખરી નજર નાખી. સલોની ફસડાઈ પડી. રૂદનથી ભરપુર ઉભરાતી આંખોને આ દ્રશ્ય તરફથી ખસેડી લઈ વિલાપભર્યા સ્વરે બોલવા માંડી. “હે ઈશ્વર, આ તેં મારા હાથે કેવો અનર્થ કરાવ્યો? જેની લાંબી ઉમર માટે હું વ્રત કરતી હતી એ મારા પ્રેમની જ તેં મારા હાથે હત્યા કરાવી? પણ હું પકડાવા માંગતી નથી... ના.. હું પકડાઇશ નહિ.... બિલકુલ નહિ... આ વાસનાથી ખદબદતા કીડાઓને મારી મેં કોઈ ગુનો કર્યો નથી તો હું શા માટે જેલની સજા ભોગવું?”

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૫)