Bhed - 7 books and stories free download online pdf in Gujarati

ભેદ - 7

ભેદ-૭

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ-૭

તલાશી લેતાં સલોનીને હેલી અને જયેશના કઢંગી હાલતમાં કેટલાક ફોટોગ્રાફ જોવા મળ્યા. આવા ફોટાઓ જાણે પોકારી પોકારીને સલોનીને કહી રહ્યા હતાં કે તેં જે કર્યું તે બરાબર કર્યું છે. આંખમાં આવેલ આંસુને લુંછતા એણે એ ફોટોગ્રાફ્સ સાથે લાવેલ બેગમાં મૂકી. અને ફ્લેટની ડોરબેલ વાગી! સલોનીનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. એણે એક હાથમાંથી ગ્લોવ્ઝ કાઢી બીજા ગ્લોવ્ઝ પહેરેલા હાથથી દરવાજો ખોલ્યો. ગ્લોવ્ઝ પહેરેલો હાથ ન દેખાય એમ અર્ધખુલ્લા બારણામાંથી એણે બહાર જોયું તો ત્યાં સામે એક ૩૫ વર્ષની યુવતી ઉભી હતી. યુવતીનો દેખાવ એ વિધવા હોવાની ચાડી ખાઇ રહ્યો હતો. અંદરના રૂમમાં સલોનીને જોઈ એણે આશ્ચર્યથી પૂછ્યું “જી મારૂ નામ વિદ્યા.. હેલી અંદર છે???”

સલોની “કોણ હેલી.... અહીં કોઈ હેલી બેલી રહેતી નથી..” આમ બોલી એણે ઝડપભેર દરવાજો બંધ કર્યો. સલોનીએ વિચાર્યું “અહીં આવીને એણે કોઈ ભૂલ તો નથી કરીને?” પણ પછી હેલી સાથેના જયેશના ફોટોગ્રાફ્સ યાદ આવતાં તેણે હોઠ ભીસીને વિચાર્યું “ફોટોગ્રાફ્સ નાબુદ કરવા પણ એટલા જ જરૂરી છે.” પાછા બન્ને હાથે ગલોઝ પહેરીને એ તલાશીના કામે લાગી ગઈ. ખાંખાખોળા કરતાં એને કેટલાક ઘણા જરૂરી કાગળો મળી આવ્યા. હેલીના ફ્લેટની સંતોષજનક તલાશી લીધા બાદ સલોની ત્યાંથી નીકળી જવાનો વિચાર કરતી હતી ત્યાંજ વળી પાછી ફ્લેટની ડોરબેલ વાગી. સલોનીએ જરા ગુસ્સામાં આવી દરવાજો ખોલ્યો જોયું તો સામે વિદ્યા જ ઉભી હતી. સલોની ગુસ્સામાં બોલી “શું કામ છે? એકવાર કીધું ને કે અહીં કોઈ હેલી નથી રહેતી.”

વિદ્યા, “આમ કેવી રીતે બને? હું પંદર દિવસ પહેલાં જ એની સાથે આ ફ્લેટમાં આવી હતી. હું ઉપર બધે તપાસ કરી આવી પણ ત્યાં પણ એનો ફ્લેટ નથી. બેન મને બરાબર યાદ છે કે એના ઘરની બાલ્કનીમાંથી સામે આવેલ દુકાન બરાબર દેખાતી હતી. શું તમે હાલ જ અહીં રહેવા આવ્યા છો?”

સલોની બોલી, “હું જ્યારથી આ એપાર્ટમેન્ટ બન્યું છે ત્યારથી અહીં જ રહું છું.... સમજ્યા?” આમ બોલી સલોની એ દરવાજો બંધ કર્યો. હવે સલોની એ આ ઘરમાંથી ફટાફટ નીકળવાનું વિચાર્યું. ફરી અહીં આવવાની હવે કોઈ જરૂર એને લાગતી નહોતી. ઘરમાંથી નીકળતા પહેલાં એણે અહીંના કમરાની પણ સાફસફાઈ આદરી. સૌ પહેલાં એણે ઘરમાં જેટલા પણ કાંસકા હતાં તે પોતાની સાથે લાવેલ થેલીમાં નાખ્યા. એની જગ્યાએ બેગમાંથી નવા કાંસકા કાઢી મુક્યા. ઘરમાં મુકેલી કચરાની ટોપલીમાનો કચરો પણ એણે સાથે લાવેલ થેલીમાં ભરી લીધો. ફ્લેટમાંનું જરૂરી કામ પતાવી એ ફલેટમાંથી બહાર આવી. દરવાજાને વ્યવસ્થિત લોક કરી. બન્ને હાથમાં પહેરેલા ગ્લોવ્ઝ કાઢી બેગમાં મુક્યા. ચોફેર નજર ફેરવી લઇ સડસડાટ દાદરો ઉતરી સીધી ગાડી પાસે જઈ પહોંચી. રસ્તામાં ક્યાંક યોગ્ય જગ્યા જોઈ એણે ફોટોગ્રાફ્સને ઠેકાણે પાડવાનું વિચારી રાખેલું. અનાયાસે કેમ્બ્રિજ કેનાલ આવતાં એણે એકવાર પેલો ખાડો જોઈ લેવાનું વિચાર્યું. આ વિચાર આવતા જ એણે ગાડી સડકની એકબાજુ ઉભી રાખી. કેમ્બ્રિજ કેનાલનો એ માર્ગ લગભગ સુમસામ રહેતો. લોકોની અવરજવર ત્યાં ઘણી જ ઓછી રહેતી. ગાડીમાંથી નીચે ઉતરી જોતાં જ સલોનીને આનંદનો એક આંચકો લાગ્યો. જે ખાડામાં એણે હેલી અને જયેશની લાશ દાટી હતી ત્યાં હવે ખાડો નહોતો! એની જગ્યા લીધી હતી એક લાંબીચોડી સડકે! સફળતા જયારે માણસને અપરંપાર મળતી જાય છે ત્યારે એનું મગજ છટકે છે. કંઈક એવું જ સલોની સાથે થયું! હવે કોઈ પુરાવા બચ્યા જ નથી તેથી એની ક્યારે ધરપકડ નહિ થાય આવા વિચારો કરતાં એ રોમાંચિત થઇ ગઈ. અચાનક એને એક ક્રૂર વિચાર આવ્યો. એ વિચાર આવતાં જ એ ગાડી પાસે જઈ એમાં મુકેલા ફોટોગ્રાફ્સ લઇ આવી. જ્યાં લાશો દાટેલી ઠીક એ જગ્યા ઉપર જ એણે ફોટોગ્રાફ્સ અને કાગળો મૂકી એના પર થોડું પેટ્રોલ છાટી. દીવાસળી ચાંપી દીધી. સળગતા એ ફોટોગ્રાફ્સ જોઈ એ બોલી “મિસ્ટર જયેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું.” આમ બોલી એ ગાડીમાં જઈ બેઠી. કાંસકા અને ગ્લોવ્ઝને બીજી કોઈક જગ્યાએ ફેંકી દેવાનો નિર્ણય કરી તે ત્યાંથી નીકળી ગઈ.

આ બધું કરતી વેળા સલોનીને સહેજપણ એ ખ્યાલ આવ્યો જ નહોતો કે કોઈક આ ક્રિયા જોઈ રહ્યું છે. વિદ્યા આ બધું જોઈ રહી છે. એ જ્યારથી ફલેટમાંથી નીકળી છે ત્યારથી વિદ્યા એનો બરાબર પીછો કરી રહી છે! એણે ફોટા સળગાવતા તથા સલોની જે કંઈ બોલી એ બરાબર સાંભળી લીધું છે. જેવી સલોની ત્યાંથી જતી રહી તેવી જ વિદ્યા સળગી રહેલાં એ ફોટોગ્રાફ્સ પાસે આવી. સળગેલી તસવીરોમાં દેખાતી નેગેટીવ પ્રકારની છાપને એણે ધ્યાનથી જોયું. ત્યાંજ પવનની લહેરખીથી કાગળોની રાખ ઉડવા માંડી એણે મામલો સમજવાનો પ્રત્યત્ન કર્યો. તે માટે હવે તે સલોની વિષે તપાસ કરવા માંડી. તપાસ કરતાં જાણવા મળ્યું કે સલોની એ હેલીના બોસ જયેશની પત્ની છે. અને જે દિવસથી જયેશ ગાયબ છે તે દિવસથી જ હેલી પણ ગાયબ છે. આ ખબર પડતાં જ વિદ્યા આખો મામલો સમજી ગઈ.

આખું પ્રકરણ સમજાતા વિદ્યા તરત પોલીસ સ્ટેશનમાં પોહોંચી ગઈ એણે સઘળી હકીકત પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત ઇન્સ્પેક્ટ સુહાસ અધ્યારૂને કહી સંભળાવ્યું સાથે સાથે એણે એમપણ કહ્યું કે “જયારે હું બીજીવાર એને હેલી વિષે પૂછવા ગઈ ત્યારે એણે હાથમાં ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતાં! મારા ખ્યાલથી એણે ઘરમાંથી તલાશી લઇ શોધી કાઢેલા ફોટોગ્રાફ્સ જ રસ્તા પર સળગાવી દીધા હશે. વળી એ લોકો જે દિવસે ગુમ થયા એની આગલી રાત્રે જ સલોનીએ એક ક્લબમાં બન્ને સાથે ખુબ ઝગડો કર્યો હતો. એણે હેલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બધી હકીકતોને આધારે હું ખાત્રીપૂર્વક કહું છું કે સલોની એ મારી બહેનપણી અને પોતાના પતિ જયેશનાં ખુન કરી એમની લાશને કેનાલ પાસે દાટી દીધેલ છે. ઇન્સ્પેકટર સાહેબ, તમે હમણાં ને હમણાં સલોની ધરપકડ કરી લો.....”

ઇન્સ્પેકટર સુહાસ બોલ્યા ‘મેડમ, આમ માત્ર તમારા કહેવાથી અમે કોઈની ધરપકડ ન કરી શકીએ. સલોની વિરુદ્ધ કોઈ પુરાવા છે? તેને માટે આપણે સૌપ્રથમ તમે કહો છો એ સ્થળે જઈ ત્યાં તપાસ કરવી પડે. ત્યાંથી જો કોઇપણ લાશ મળી આવશે તો આપણે જરૂર આગળની કાર્યવાહી શરૂ કરીશુ. કારણ ક્યારેક નજરે જોયેલું કે સાંભળેલું પણ ખોટું નીવડે છે. મારા ખ્યાલથી કદાચ એવી પણ શક્યતા હોય કે સલોનીને એનો પતિ હેલી જોડે ભાગી ગયો છે એવી જાણ થઇ હોય! કારણ પાછલા બે દિવસથી સલોની તેના પતિની પૂછપરછ કરવા અહીં આવી નથી! તેથી જ તેની ખાતરી કરવા તે હેલીના ફ્લેટમાં ગઈ હશે! ત્યાં એને હેલી જોડેના એના પતિના કઢંગી હાલતમાં હોય તેવા ફોટા જોવા મળ્યા હશે, એ ફોટાને ઘરે લઇ જવાને બદલે રસ્તામાં ક્યાંક ફેંકી દે અને જો કોઈના હાથમાં આવે તો એની જ બદનામી થાય એ બીકે એણે એ ફોટા સળગાવી દીધા હશે! ફોટા સળગાવતી વખતે સ્વાભાવિકપણે જયેશ આજ પછી એના માટે મરી ગયો છે એમ ધારી તે આવું બોલી હશે કે “મિસ્ટર જયેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું... અને તમે કંઈ બીજું સમજ્યા હશો?”

વિદ્યા થોડું વિચારી પછી બોલી, ‘તો પછી હેલીના ફ્લેટની ચાવી એની પાસે કેવી રીતે આવી?”

ઇન્સ્પેકટર, “બની શકે કે એક ચાવી હેલીએ જયેશને આપી રાખી હોય જે કોઈ રીતે એના હાથમાં આવી હશે.”

વિદ્યા બોલી “તો હવે?”

ઇન્સ્પેકટર “હવે સૌ પહેલાં તો આપણે ઘટનાસ્થળની મુલાકાત લેવી જોઇએ. હવાલદાર... એક કામ કરો.. તમે જયેશની પત્ની સલોનીને પણ ત્યાં બોલાવી લો કદાચ ત્યાંથી લાશ નીકળે તો આપણે એની ઓળખ કરવા માટે સલોની જરૂર પડશે.”

તરત ઇન્સ્પેકટરે જીપ મંગાવી. વિદ્યા પણ સાથે જીપમાં બેઠી. પોલીસ ડ્રાઈવરે ગાડીને ઘટનાસ્થળે હંકારી મૂકી.

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૮)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED