ભેદ - 10 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - 10

ભેદ-૧૦

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ-૧૦

બીજે દિવસે બપોરે ઈ.સુહાસ ઉદાસવદને પોસ્ટમાર્ટમનો રીપોર્ટ લઇ પોલીસ સ્ટેશનમાં આવ્યા. ઈ.વિક્રમે તેમનું ઉતરેલું મોઢું જોતા પૂછ્યું “શું થયું ઈ.સુહાસ? કેમ ભાઈ તારું મોઢું આટલું ઉતરેલું કેમ દેખાય છે?”

ઈ.સુહાસ, “સાહેબ, તમે પણ જો સાંભળશોને તો તમે પણ નારાજ થઇ જશો”

ઈ.વિક્રમ “કેમ શું થયું?”

ઈ.સુહાસ, “સાહેબ પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યો છે.”

ઈ.વિક્રમ “અરે વાહ! મૃતકની માહિતી મળી?”

ઈ.સુહાસ “ના.... “

ઈ.વિક્રમ “કોઈ સુરાગ?”

ઈ.સુહાસ “ના....”

ઈ.વિક્રમ “આવું કેવી રીતે બને?”

ઈ.સુહાસ “સાહેબ, હત્યારો અત્યંત નિષ્ઠુર હોવાની સાથે સાથે. ખુબ ચાલાક પણ જણાય છે. એણે લાશની ઓળખ થાય એવા કોઈ પુરાવા જ નથી રાખ્યા. બન્ને લાશના ચહેરા મોટા પથ્થર વડે છુંદી નાખવામાં આવ્યા છે. વળી લાશોને સળગાવી દેતા પહેલાં એણે બંન્નેના માથે ટકો કર્યો છે અને શરીર પરના વાળ પણ ઉતારી લીધા છે. લાશ બરાબરની સળગી ગઈ હોવાથી અને શરીર પર કે માથાના કોઈ પણ ભાગ પર વાળ ન હોવાથી આપણે ડીએનએ પ્રિન્ટ પણ મેળવી શક્યા નથી. અને આપતો જાણો જ છો કે ડીએનએ રીપોર્ટ મેળવવા એની ક્વોન્ટીટી વધારે હોવી જરૂરી છે. વળી ખાડો ખોદતી વખતે જે પાવડો મળ્યો છે એના પર પણ કોઇપણ જાતની ફિંગરપ્રિન્ટ કે લોહીના ડાઘ મળી આવેલ નથી. હા, ડોક્ટરો માત્ર એટલું કહી શક્યા છે કે હત્યા નકકી એ પાવડાથી જ થઈ છે.”

ઈ.વિક્રમ “કપડાં તો બધા સળગી ગયા છે!”

ઈ.સુહાસ “હા......”

ઈ.વિક્રમ “ખાડાની અંદર શરીરના કોઈ વાળ પણ મળ્યા નથી!”

ઈ.સુહાસ “ના એપણ નથી મળી આવ્યા....”

ઈ,વિક્રમ “ચહેરો પથ્થર વડે છુંદી નાખ્યો છે તેથી આપણે ચહેરા પર કુત્રિમ માસ લગાડીને પણ એની ઓળખ કરી શકીએ એમ નથી.”

ઈ.સુહાસ “હા....”

ઈ.વિક્રમ “શરીર બળેલું છે એટલે કોઈ શારીરક ઓળખ પણ નહિ થાય”

ઈ.સુહાસ “હા...”

ઈ.વિક્રમ “સળગેલા કપડાં પર કોઈ નિશાની?”

ઈ.સુહાસ “ના....”

ઈ.વિક્રમ “કપડાં પર કોઈ ટેગ કે ખાસ પ્રકારનું બટન?”

ઈ.સુહાસ “ના....”

ઈ.વિક્રમ “લાશ પાસેથી કંઈ મળી આવ્યું છે? કોઈ વસ્તુ જેવી કે લાયસન્સ, મોબાઈલ, કે ઘરેણા જેવું?”

ઈ.સુહાસ “લાશ પાસેથી કોઇપણ સામાન મળી આવેલ નથી.”

ઈ.વિક્રમ “તો આપણને પોસ્ટમોર્ટમમાંથી કઈ માહિતી મળી?”

ઈ.સુહાસ “એક માહિતી મળી છે કે બન્ને લાશમાંથી એક લાશ યુવાનની છે અને બીજી યુવતીની છે.”

ઈ.વિક્રમે “સરસ... ચાલો આના આધારે કડી મળશે. બન્નેનું મૃત્યુ ક્યારે થયું?”

ઈ.સુહાસ “લગભગ આઠ થી નવ મહિના પહેલાં...”

ઈ.વિક્રમ “આ.... હેલી અને જયેશને ગુમ થયે પણ આટલો જ સમય થયો છે ને?”

ઈ.સુહાસ “હા....”

ઈ.વિક્રમ “ગુડ.... તો આપણે હમણાં આ જ ધારીને ચાલીએ કે આ બન્ને લાશો હેલી અને જયેશની જ છે. કારણ વિદ્યાના નિવેદન પ્રમાણે સલોની એ દિવસે કેમ્બ્રિજ કેનાલ પાસે ફોટા સળગાવતાં પહેલાં સાફ સાફ શબ્દોમાં બોલી હતી કે મિસ્ટર જયેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું. તમે સલોની પૂછપરછ ચાલુ કરી દો વળી એના ઘરમાંથી જયેશની કોઇપણ નિશાની મળતી હોય તો તે પણ શોધી કાઢો. હેલીના ઘરે પણ તલાશી લો... જુઓ નાનામાં નાનો સુરાગ પણ શોધવાનો પ્રયત્ન કરો. એવી કોઇપણ વસ્તુ કે જે હેલી કે જયેશની લગતી હોય એને ઉઠાવી લો. કશુજ નજર બહાર ના રહી જાય તે રીતે બારીકાઈથી બન્ને ફ્લેટમાં તલાશી લો.”

ધોન્ડુંરામ “સાહેબ હવે તમે શું કરશો? આપણી સામે લાશ છે પણ આપણે એ કોની છે એ કહી શકતા નથી. વળી આપણને ખુની વિષે સંપૂર્ણ માહિતી છે પણ એની ધરપકડ કરી શકતા નથી. સાહેબ, લાશ કોની છે જો એ જ સાબિત ન થાય તો આપણે સલોનીને કેવી રીતે પકડી શકીશું? કારણ કાનુનના નજરે જ્યાં સુધી જયેશ કે હેલીની લાશ મળતી નથી ત્યાં સુધી તેઓ મિસિંગ પર્સન છે.”

ઈ.વિક્રમ “ધોન્ડુંરામ ધીરજ રાખ હત્યા સુરાગ છોડે જ છે. એક કામ કર આ પોસ્ટમોર્ટમ રીપોર્ટ પકડ અને જીપ બાહર કાઢ આપણે લેબોરેટરીમાં જઈ ડોક્ટરને મળી આવીએ.”

થોડીવારમાં જ તેઓ લેબોરેટરીમાં ડોક્ટર શ્રીકાંત સામે ઊભા હતાં. ડોક્ટર શ્રીકાંત સાથે વાતચીત કરતાં ઈ.વિક્રમે કહ્યું “ડોકટર સાહેબ ડીએનએ પ્રિન્ટ મળવાની કોઈ શક્યતા ખરી?”

ડોકટર “ઇન્સ્પેકટર... બન્ને લાશ સંપૂર્ણ રીતે સળગી ગયેલ છે તેથી કોઈ જીવિત કોષ મેળવવો અમારા માટે શક્ય નથી. માટે ડીએનએની વાત તો ભૂલી જ જાઓ....હા આ ચાર્ટમાં બતાવેલ રચના પ્રમાણે બન્નેની હાડપિંજરમાં દેખાતાં તફાવતને આધારે અમે માત્ર એટલું જાણી શક્યા છીએ કે એક લાશ સ્ત્રીની છે અને બીજી લાશ પુરુષની”

વિક્રમ “સ્ત્રીને કોઈ ગર્ભ હોવાની નિશાની?”

ડોકટર “સપૂર્ણ લાશ સળગી ગઈ હોવાથી અને આટલા દિવસોથી લાશ સડેલી હોવાથી આ કેહવું મુશ્કેલ છે. છતાં જો આઠેક મહિનાનો ગર્ભ હોય તો કદાચ હું તપાસ કરી જોઉં”

વિક્રમ “ડોકટર શરીર પર કોઈ તો નિશાની હશે ને?”

ડોકટર “ના કોઈ નિશાની અમે મેળવી શક્યા નથી.”

વિક્રમ “ડોકટર શરીરમાં કોઈ ફેકચર કે પછી કોઈ ઈજાની નિશાની? કોઈ જન્મજાત ખોડખાંપણ?”

ડોકટર “ના.... બન્ને તંદુરસ્ત હતાં.. અને બન્નેમાંથી કોઈને પણ ફેકચર વગેરે કંઈ થયું નથી.”

ઈ.વિક્રમે વિસ્મયથી ધોન્ડુંરામ તરફ જોતા કહ્યું, “ધોન્ડું માત્ર નાનામાં નાનું પણ એકાદું ક્લ્યુ મળી જાય તો હું આખા કેસના મૂળિયાં સુધી પહોંચી જઈશ.”

ધોન્ડુંરામ પણ ઈ.વિક્રમની પરેશાની જોઈ વ્યથિત થતો હતો એણે જોરથી કહ્યું “હે ગણપતિદાદા, વિનાયકા, એકદંતા.. વિઘ્નહર્તા... માઝ્યા માલકા ચી મદદ કર રે.......”

ત્યાંજ ડોક્ટરે કંઈક વિચારીને કહ્યું. “એકદંતા પરથી મને યાદ આવ્યું. કે જે પુરુષની લાશ છે એની દાઢમાં એણે માઈનોર સિમેન્ટ ભરાવી છે.’ ઈ.વિક્રમ આનંદથી ઉછળી પડતાં બોલી ઉઠ્યો. ”શું વાત કરો છો ડોક્ટર જરા વિગતવાર સમજાવશો?”

ડોક્ટરે સામે રાખેલા કોપ્યુટરના કીબોર્ડ પર કેટલાક બટનો દબાવી. સ્ક્રીન પર એક દાંતના ચોકઠાની તસવીર લાવી ઈ.વિક્રમને સમજાવતાં કહ્યું, “આ મૃત પુરુષના દાંતના ચોકઠાનો x-ray છે. જડબાની ઉપલી હરોળના સામેના દાંત અને નીચેની હરોળના સામેના દાંતમાંથી કુલ પાંચ દાંત તૂટી ગયેલા હોવાથી એને તપાસવાની કોઈ શક્યતાઓ નહોતી. જડબાના ચોકઠાને વ્યવસ્થિત ગોઠવી જયારે અમે એનું નિરીક્ષણ કર્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે આમાં નીચેના જબડામાં ડાબી તરફ જે નાનું ટપકું દેખાય છે તેમાં પુરૂષે હત્યાના થોડાક દિવસ પહેલાં જ સિમેન્ટ ભરાવ્યો હશે એવી મને શંકા છે.”

ઈ.વિક્રમ બોલ્યો “થેંક્સ ડોકટર... તમે આ જડબાના x-rayની તસવીર મને મેલ કરી શકશો?”

ડોકટર ,”હા..કેમ નહિ? તમારો ઈમેલ આઈડી આપો. હું તરત એની પર આ તસવીરો સેન્ડ કરી દઉં.”

કંઈક યાદ આવતાં ઈ.વિક્રમ બોલ્યો,”ડોક્ટર બીજી લાશનો પણ જડબાના x-ray હોય તો એ પણ મને ઈમેલ કરી આપજો.”

ડોક્ટર “સોરી.... ઇન્સ્પેક્ટર બીજી લાશના જડબાના x-ray અમારી પાસે નથી.”

ઈ.વિક્રમ, “કારણ?”

ડોક્ટર,”હત્યારાએ પુરુષના કપાળ પર પથ્થરનો ઘા મારી એને એની ખોપડી ફાડી નાખી હતી જેથી ચોકઠાને વધારે ઈજા થઇ નહિ. જયારે બીજી લાશના ચહેરાને ભરપુર રોષથી છુંદી નાખવાના ઈરાદે પ્રહાર કર્યો હતો જેથી એના જબડાને ભારે નુકસાન થયું છે. છતાં પ્રયત્ન કરતાં અમે એને ગોઠવી શકીશું આપ જો કહેતા હોવ તો સાંજ સુધીમાં એનો પણ જડબાના x-ray હું તમને મેલ કરી દઉં.” ઈ.વિક્રમ “થેંક્સ..... પણ હાલ એ જહેમત ઉઠાવવાની જરૂર લાગતી નથી” આમ બોલી ઈ.વિક્રમ ત્યાંથી નીકળી ગયા. લેબોરેટરીના પગથીયા ઉતરતી વખતે ધોન્ડુંરામે પૂછ્યું “સાહેબ, કોઈના દાંતમાં સિમેન્ટ છે કે નહી એ કોને ખબર પડે! મને નથી લાગતું કે આ માહિતી કામમાં આવશે!” ઈ.વિક્રમે ધોન્ડુંરામ તરફ જોયું એ પછી તેઓ હસતાંહસતાં જીપમાં બેસતાં બોલ્યા “ધોન્ડું, હું તને કાયમ કહું છું ને કે હત્યા સુરાગ છોડે જ છે. હત્યારો લાખ કોશિશ કરે તો પણ એનાથી કોઈકને કોઈક ભૂલ થઇ જ જતી હોય છે. હવે મારી શંકા જો સાચી પડી તો સમજ સલોનીનો ખેલ ખલાસ.”

ધોન્ડુંરામ બોલ્યો “લાશના દાંતમાં સિમેન્ટ મળી આવ્યો એમાં સલોનીએ સુરાગ કેવી રીતે છોડ્યો કહેવાય? એની એમાં શું ભૂલ?”

ઈ.વિક્રમ “ધોન્ડુંરામ લાશના દાંતમાં સિમેન્ટ મળી આવવો એમાં સલોની કોઈ ભૂલ થઇ નથી. ભૂલ તો એણે બહુ પહેલાં જ મર્ડર સ્પોટ પર ફરી એકવાર જઈને જ કરી દીધી છે. ધોન્ડું, એકવાર કેસ સોલ્વ થાય તો તને બધી હકીકત કહી સંભળાવીશ...”

ત્યાંજ ઇન્સ્પેકટર વિક્રમનો ફોન રણક્યો, સ્ક્રીન પર નામ ઈ.સુહાસનું હતું. વિક્રમે ફોન ઉપાડી કહ્યું “હેલ્લો... બોલો ઇન્સ્પેકટર...”

ઈ.સુહાસ “સાહેબ અમે ઘરની તલાશી લીધી..”

ઈ.વિક્રમ “કશું મળ્યું?”

ઈ.સુહાસ “ના સાહેબ સલોનીનું કહેવું છે કે નજીકમાં જ ક્રિસમસ હોવાથી એણે ઘરની સફાઈ કરી છે. તેથી અમને કશું જ મળ્યું નહિ.”

ઈ.વિક્રમ “સા...., જુઠું બોલે છે, એને ક્રિસમસ સાથે શું લેવાદેવા? એને પુછ ઈશુએ એમનું પહેલું પ્રવચન ક્યાં આપેલું તે? અને હેલીના ઘરમાંથી કંઈ મળ્યું?”

ઈ.સુહાસ “ના... સાહેબ એ ઘરમાંથી પણ કશું મળ્યું નથી.”

ઈ.વિક્રમ “હમમમ... ઇન્સ્પેકટર કશું મળે પણ નહિ.. વિદ્યાની વાત સાચી જ નીકળી.. જે દિવસે વિદ્યાએ સલોનીને હેલીના ઘરમાં જોઈ હતી એ દિવસે જ એણે તમામ પુરાવા ત્યાંથી હટાવી પેલી કેનાલ પાસે સળગાવી દીધા હતાં. વળી સલોની એ ઘરમાં પણ સાફસફાઈ કરી દીધી હશે જોકે મહિનાઓથી બંધ પડેલાં એ ઘરમાં તને એ જણાઈ નહિ હોય.. સા.... ઘરરખ્ખુ બૈરાની આજ તકલીફ હોય છે. મર્ડર પણ તેઓ એકદમ સાફ કરે છે. વાંધો નહિ... તું ત્યાંથી નીકળી આવ. હવે આપણને એવા નાના મોટા પુરાવાની જરૂર પણ નથી. મારો દાવ સફળ જશે તો આજે સાંજે સલોની આપણી સામે બેસીને પોતાનો ગુનો કબુલ કરતી હશે...”

અને ઇન્સ્પેક્ટર વિક્રમની વાત સાચી પડી....

લાશ જયેશની જ છે એમ સાબિત થતાં ઈ.સુહાસે મહિલા કોન્સ્ટેબલો મોકલી તેના ઘરેથી સલોની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ઇ.વિક્રમ સામે લઈ આવ્યા. જ્યાં પૂછપરછ બાદ આખરે સલોની એ પૂછ્યું હતું કે “તમે હજુસુધી મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો કે લાશની ઓળખ છુપાવવા માટેની મારી આટલી બધી તૈયારીઓ અને પ્રયત્નો છતાં તમે લાશને કેવી રીતે ઓળખી શક્યા? આટલા વિપુલ પ્રમાણમાં તમને ડીએનએ પ્રિન્ટ મળી ક્યાંથી?”

ઈ.વિક્રમે મુસ્કુરાતા ધોન્ડુંરામ તરફ જોયું, ધોન્ડુંરામ બોલ્યો “હા સાહેબ એ જાણવાની મને પણ ઇંતેજારી છે.!!"

સલોની “તમે કેવી રીતે જાણી શક્યા કે લાશ કોની છે?”

( આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદનો ૧૧મો અને અંતિમ ભાગ )