મારી પ્રિય ભાવિ પત્ની,
તારો પત્ર મળ્યો. તારા વિચારો જાણીને ખરેખર આનંદ થયો. મને ગમ્યું કે મારી ભાવિ જીવનસાથી મારી સમક્ષ આટલું ખુલીને પોતાની વાત રજુ કરવા જેટલી સમજદારી અને મારા પર વિશ્વાસ ધરાવે છે.
મારી વાત કરું તો મારી પરિસ્થિતિ પણ કંઈક અંશે તારા જેવી જ હતી. જયારે તને જોવા આવવાનું થયું ત્યારે મારા મનમાં પણ અનેક સંશય હતાં. કેવી હોઈશ તું ? ભપકાદાર જીવનશૈલીથી અંજાયેલ તો નહિ હોઈશ ને? ઘરનાં લોકોની લાગણી સમજી શકવા જેટલી તો સમજદાર હોઈશ ને? કે પછી પરિવારના સ્નેહ-પ્રેમને બોજારૂપ કે ટકટક સમજનાર હોઈશ? હા, સોશ્યિલ મીડિયા પર તારી પ્રોફાઈલ જોઈને મને તું સમજદાર અને ઠરેલ છોકરી લાગી હતી. પણ ઘણીવાર લોકોની સોશ્યિલ મીડિયા પરની ઇમેજ કંઈક અલગ હોય છે અને વાસ્તવમાં એ માણસ અલગ જ હોય છે. આથી મનમાં શંકા જરૂર હતી.
તું જયારે પહેલીવાર સામે આવી ત્યારે ખરેખર મારું હૃદય એક ધબકારો ચુકી ગયું. તું તારા ફોટા કરતાં પણ સુંદર લાગી રહી હતી. અને સાચું કહું તો તારામાં મને સૌથી વધુ ગમેલી વાત તારી સાદગી હતી. કોઈ જ ભપકાદાર વસ્ત્રો નહિ, મેકઅપનાં ઠઠારા નહિ. અને હા જયારે તું નાસ્તાની ડીશ લઈને આવી ત્યારે મારા માટે પણ મારું દિલ મારાં કહ્યામાં ના હતું. એટલું જોરમાં ધડકતું હતું કે મને લાગતું હતું કે ક્યાંક તને પણ એ ધક-ધક ના સંભળાય જાય. અને તેમાંય તારો લહેરાતો દુપટ્ટો મારાં હાથને સ્પર્શીને સ્થિતિને વધુ વિકટ બનાવતો હતો. અને સાચું કહું તો તું મને પહેલી નજરે જ ગમી ગઈ હતી.
હા મારાં માટે તારા વિચારો જાણવા પણ એટલા જ મહત્વનાં હતાં. હું નહોતો ઈચ્છતો કે તું કોઈના દબાણમાં આવીને આ સંબંધ માટે હા પાડે. એક સંબંધ એ સાચા અર્થમાં બન્નેનો સમ-બંધ હોવો જોઈએ જેમાં બંનેની ખુશી હોય, બન્નેને પોતાની વાત કહેવાનો, પોતાની મરજી મુજબ વર્તવાનો અધિકાર હોય એમ મારું માનવું છે. તારી પણ મરજી છે આ સંબંધમાં એ જાણીને મને આનંદ થયો. પતિ-પત્ની બનવાની સાથે સાથે આપણે બન્ને આજીવન એકબીજાના સારા મિત્રો બની રહીએ એવી હું આશા રાખું છું જેથી કોઈ પણ મૂંઝવણ વગર આપણે એકબીજા સાથે આપણા વિચારોની વહેંચણી કરી શકીએ.
જ્યાં સુધી આ ઘરમાં તારા ભળી જવાની વાત છે ત્યાં સુધી મને તારા પર વિશ્વાસ છે કે ખુબ જલ્દી તું અહીં પણ બધાનાં દિલ જીતી લઇશ. તું છે જ એટલી મીઠડી કે કોઈનું દિલ દુભાય એવું તું વર્તન નહિ જ કરે એ હું જાણું છું. સંબંધ નક્કી થયાનાં આટલાં ટૂંકા સમયમાં તું જે રીતે મમ્મી સાથે રસોડામાં સરકી જાય છે, બા-બાપાની સાથે જે પોતીકાપણાથી વર્તન કરે છે અને ઘરનાં નાના-મોટા દરેકનો વિચાર કરે છે એ તારું વર્તન મારું અને સાથે સાથે ઘરનાં દરેકનું દિલ જીતી લે છે. છતાં તને કદી કોઈ પણ મુશ્કેલી આવે તો તારા પતિ તરીકે, એક મિત્ર તરીકે હું હંમેશા તારી પડખે જ હોઈશ એ વચન આપું છું.
તેં આટલું ખુલીને મારી સાથે વાત કરી છે તો હું પણ તને કંઈક કહેવા માંગુ છું. મેં પણ મારી ભાવિ પત્ની માટે કે એની સાથે લગ્ન પછીના જીવન માટે કેટલાક સપના જોયા છે. હું ઇચ્છુ છું કે મારી પત્ની હંમેશા મને સમજે અને ઘરમાં શાંતિપૂર્ણ ખુશીમય જીવન જીવવા માટે સદા મારી મદદ કરે. ઘરમાં બા-બાપા કે મમ્મી-પપ્પા વડીલ છે. જો એ લોકો કદી કોઈ વાતમાં તને ટોકે તો તું શાંતિથી એમની વાત સાંભળે એમ હું ઇચ્છુ છું. બની શકે કે ક્યારેક તારી ભૂલ ના પણ હોય, છતાંય એમની સામે બોલીને કે એમની સાથે ઊંચા અવાજે વાત કરીને તું ઘરની શાંતિમાં ખલેલ ના પહોંચાડે તો મને ગમશે. ના, હું તને ખોટું સહન કરવા માટે નથી કહેતો. પણ ક્યારેક એમ બને કે ઉંમર સાથે માણસનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે. ત્યારે ફક્ત એમનું માન જાળવી લઇ એમની વાત સાંભળી લેવામાં કંઈ જ ખોટું નથી.
વળી તું જયારે નવી વહુ બનીને આવે ત્યારે બની શકે કે કોઈ તને ઘરના કોઈ વિશે કંઈ કહે. ત્યારે એ વાતને તરત સ્વીકારી ના લેતા તું તારી જાતે ઘરનાં લોકોને પારખીશ તો મને ગમશે. કોઈ જ માણસ સંપૂર્ણ નથી હોતું આપણે બન્ને પણ નથી. આથી ઘરનાં કોઈ જ માણસ વિશે તું કોઈ જાતનો પૂર્વગ્રહ ના રાખે અને નાની-નાની બાબતોમાં તું જતું કરવાની ભાવના રાખે એ આપણા માટે અને પરિવારની એકતા માટે લાભકારી હશે.
તને એક આરામદાયક જીવન આપવા માટે હું ખુબ મહેનત કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ. પણ પ્રારંભિક વર્ષોમાં જો કદી એવો સમય આવે કે આપણે ટૂંકા પગારમાં ઘર ચલાવવાનું આવે તો તું એ સમયમાં મારો સાથ આપીશ એવી આશા તો રાખી શકું ને? નોકરી માટે આપણા ઘરે કોઈ બંધન નથી તારા માટે. તારી ઈચ્છા હોય તો તું નોકરી કરી શકે છે અને તારી ઈચ્છા નહિ હોય તો તારા પર કોઈ જ દબાણ નથી.
અહીંનું વાતાવરણ, રહેણી-કહેણી બધું જ તારા માટે નવું છે. પણ આ નવા વાતાવરણમાં કોઈ મુશ્કેલી વિના ભળી જવામાં હું તને ચોક્કસ મદદરૂપ થઈશ. આ ઘરમાં તું પોતાની જાતને ક્યારેય એકલી ના ગણતી. તારી દરેક સમસ્યામાં હું તારી સાથે રહીશ અને આપણે બન્ને મળીને ચોક્કસ દરેક સમસ્યાનું સમાધાન શોધીશુ. મને ખબર છે કે તને વાંચનનો ખુબ જ શોખ છે. તારા એ શોખને વિકસાવવામાં હું તને મદદ કરીશ. જેમ તારા ઘરે તેં એક પુસ્તકાલય બનાવ્યું છે તેમ આ નવા ઘરે પણ આપણાં રૂમના એક ખૂણામાં હું તારા માટે નાનું પુસ્તકાલય ઉભું કરવાનો પ્રયત્ન કરીશ. જેથી તું તારો સમય વાંચનમાં પસાર કરી શકે.
વળી હું જાણું છું તું તારા પપ્પાની લાડકી દીકરી છો. તારા પપ્પામાં તારો જીવ વસે છે અને તારામાં એમનો. તારા માટે ઘણું અઘરું હશે એમને છોડીને આ ઘરે આવવાનું પણ હું વચન આપું છું કે હું કદી તને કોઈ વાતે ઓછું નહિ આવવા દઉં, હું પણ એમની જેમ જ તારું ધ્યાન રાખીશ. અને હા તું રોજ એમની સાથે ફોન પર વાત કરી શકે કે તને જયારે એમને મળવા જવાનું મન થાય ત્યારે મળવા જાય તો એમાં હું કે ઘરનાં કોઈ જ કદી વાંધો નહિ ઉઠાવીએ એ વચન આપું છું.
ગઈકાલે આપણે બહાર જમવા જવાના હતા. પણ કોઈક કારણસર મને નોકરીમાંથી રજા ના મળી અને આપણે ફક્ત આઈસક્રીમ ખાવા જઈ શક્યા ત્યારે મને હતું કે તું નારાજ હોઇશ કે મારાથી ગુસ્સે હોઇશ. પણ જે સરળતાથી તેં મારી સ્થિતિ સમજીને પરિસ્થિતિ સંભાળી લીધી એનાથી હું ખુબ પ્રભાવિત થયો અને તારા માટેના માન તેમજ પ્રેમમાં અનેકગણો વધારો થઈ ગયો.
( તારા લાંબા વાળ મને ખુબ જ ગમે છે. તેમાં પણ જયારે પવનના લીધે તારી ઊડતી લટોને તું સીધી કરે છે ત્યારે સાચ્ચે મારુ દિલ એક ધબકારો ચુકી જાય છે. હવે જલ્દીથી આવી જા મારી પત્ની બનીને પ્લીઝ.)
લિખતિંગ,
આતુરતાથી તારા આગમનની રાહ જોતો ફક્ત તારો ભાવિજીવનસાથી..
***
મારો આ લેખ વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.
Mail: shivshaktiblog@gmail.com
Blog: https://shivayshaktiblog.wordpress.com/