glamour word books and stories free download online pdf in Gujarati

ગ્લેમર વર્લ્ડ

આજે લાવણ્યાનો શૂટિંગનો પ્રથમ દિવસ હતો અને પ્રથમ અનુભવ પણ. આમ તો એણે મોડેલિંગ કર્યું હતું પણ આ રીતે આટલી મોટી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ સાવ નવો હતો. સવારમાં એ ફટાફટ તૈયાર થઈ ગઈ અને ભગવાનનું નામ લઇ એ જવા માટે નીકળી. એ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવી પછી પણ એની ભગવાનમાં આસ્થા ઓછી થઈ ન હતી. એને ખુબ વિશ્વાસ હતો કે એના ભગવાન એને કદી નબળી નહિ પડવા દે અને સતત એની સાથે રહેશે.

આજે આરવ એને લેવા માટે આવ્યો હતો. એ લાવણ્યાને એના ઘરેથી સેટ સુધી મુકવા જવા માંગતો હતો. એને ખબર હતી કે આજનો દિવસ એની દોસ્ત માટે કેટલો મહત્વનો છે. એણે લાવણ્યાને ગાડીમાં બેસાડી અને પહેલાં સિદ્ધિવિનાયકનાં મંદિરે લઇ ગયો. "લાવી, આ તો બસ શરૂઆત છે. જોજે બાપ્પા સદાય તને સહાય કરશે. તું એક દિવસ ખુબ મોટી સ્ટાર બનીશ." અને લાવણ્યા શરમાય ઉઠી. એ પોતે પણ ખુબ ખુશ હતી, બંને લાવણ્યાના સેટ પર પહોંચ્યા. આરવે લાવણ્યાને વિશ કર્યું અને પછી મજાક કરતા બોલ્યો, "મેમ તમને ભલે ફિલ્મ મળી હોય, પણ અમને એના માટે કોઈ જ પાર્ટી મળી નથી. એ ચાલશે નહિ. અમને પણ પાર્ટી જોઈએ. તમારી ખુશીમાં અમને પણ ભાગીદાર થવું છે." આજે લાવણ્યા ખુબ ખુશ હતી આથી એણે આરવનાં ગાલ પર એક ચુંબન કરી દીધું. "બસ, ખુશ? ચાલશે આટલી ભાગીદારી?" અને આરવ તો ઉછળી પડ્યો. લાવણ્યા હું ભગવાનને પ્રાર્થના કરીશ કે દર મહિને તારી એક નવી ફિલ્મ શરુ થાય જેથી દર મહિને મને આ પાર્ટી તો મળે. અને લાવણ્યા શરમાયને ત્યાંથી જતી રહી.

પહેલો દિવસ હોવાથી એને થોડી અગવડ પડતી હતી પણ ડિરેક્ટર સારા હતા. લાવણ્યાને દરેક બાબત શાંતિથી સમજાવતા હતા. આથી લાવણ્યાને થોડી રાહત લાગી. સેટ પર બીજા બધાનું વર્તન પણ સારું હતું.

આ તરફ મિશાએ જેમ્સને ફોન કર્યો પણ જેમ્સે કોઈ જ જવાબ નહિ આપ્યો. વારેવારે ફોન કરવા છતાં જેમ્સે ફોન નહિ ઉપાડતા મિશાને ગુસ્સો આવ્યો. આથી એ મનમાં કંઈક નક્કી કરીને બહાર નીકળી. પહેલાં એ એના એક મિત્રને મળવા બોરીવલી ગઈ. બપોર સુધીનો સમય લગભગ ત્યાં પસાર કરી એ જેમ્સની ઓફિસે જવા નીકળી. જેમ્સની ઓફિસ બંધ હતી આથી એ ગુંચવાઈ. અને પોતાના ફ્લેટ પર પાછી આવી. ખુબ વિચાર કર્યા બાદ એણે રમેશ વર્માને ફોન જોડ્યો. રમેશ વર્માએ તરત જ ફોન ઉઠાવ્યો અને ઔપચારિક વાતો કર્યા પછી મિશાએ પેલી રમેશજીનાં મિત્રની ફિલ્મ કરવા તૈયારી બતાવી. રમેશ વર્માએ ફરી ફિલ્મની સામે કંઈક આપવાનાં "વ્યવહાર" ની વાત કરી. મિશા એ માટે તૈયાર થઈ ગઈ. કોઈ પણ ભોગે એને ફિલ્મોમાં રોલ જોઈતા હતા.

એણે વિચાર્યું કે જેમ્સની ફિલ્મમાં એક રોલ પાક્કો છે અને એક આ ફિલ્મ મળી જાય તો એની પાસે બે-બે ફિલ્મો આવી જાય અને એ બેમાંથી એક પણ સુપરહિટ થઈ તો મિશાની ફિલ્મોની સફર ચાલવા માંડે. અને જો નસીબજોગે બંને સફળ થઈ તો તો મિશા રાતોરાત સ્ટાર બની જાય.

રમેશે મિશાની મિટિંગ એમના મિત્ર મુકેશ સાથે ગોઠવી આપી. મુકેશે મિશાને ફોન કરીને એની ઓફિસે મળવા બોલાવી. મિશા સાંજે મુકેશે આપેલા એડ્રેસ પર પહોંચી ગઈ. આમ ખુબ મોટી તો નહિ પણ નાની પણ નહિ કહી શકાય એવી મુકેશની ઓફિસ હતી. મુકેશની ઓફિસમાં લગભગ ૮-૧૦ લોકો કામ કરતા હતા. જેમાંના મોટેભાગના પોતાનું કામ પતાવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. મુકેશે મિશાને કૅબિનમાં બોલાવી. મિશા થોડી ખચકાઈ પણ છતાં એ ગઈ. એણે જોયું તો મુકેશ એક આધેડ વયનો કાળો જાડો પુરુષ હતો. આંખો પર ચશ્માં પહેરતો હતો અને એના દાંત પાન-મસાલાનાં ડાઘથી ખરડાયેલા હતાં. મિશાને સૂગ ચડી. છતાં એ ત્યાં બેઠી.

"તમને રમેશે બધી વાત તો કરી છે ને?" મુકેશે મિશાને પૂછ્યું.

"હ હા. મારી વાત થઈ છે એમની જોડે." મિશાએ ખચકાટ છુપાવતાં કહ્યું.

"તો તમે કહો ત્યારે આપણે તમારી પસંદની કોઈક હોટેલમાં મિટિંગ ગોઠવીએ અને પછી બધું નક્કી કરીએ."

"ના એમ નહિ મિ.મુકેશ, હું પહેલાં તમારી સ્ક્રિપ્ટ વાંચવા માંગુ છું. એ ફિલ્મ વિશે બધું જાણવા માંગુ છું. પછી જો મને એમાં રસ પડે તો આપણે આગળ વિચાર કરીએ."

"પણ એવું કેવી રીતે? હું તમારા જેવા નવોદિતને એમ જ ફિલ્મની દરેક બાબત નહિ જાહેર કરી શકું."

"અને હું ફિલ્મ વિશે જાણ્યા વગર તમારા પર ભરોસો કઈ રીતે કરી શકું? હું પહેલાં સ્ક્રિપ્ટ વાંચીશ પછી જ આગળ નિર્ણય લઈશ."

થોડું વિચાર્યા પછી મુકેશે નમતું જોખ્યું.

"ભલે તો કાલે તમે આવો. હું ફિલ્મ વિશે થોડી ચર્ચા કરીશ તમારી સાથે પછી આપણે જોઈએ."

આમ બીજા દિવસની મિટિંગ નક્કી કરી મિશા ઘરે પહોંચી. લાવણ્યા પણ ત્યાં સુધીમાં ઘરે આવી ગઈ હતી.

"લાવણ્યા કેવો રહ્યો તારો પ્રથમ દિવસ નો અનુભવ?" મિશાએ પૂછ્યું. અને લાવણ્યા એને દિવસ દરમ્યાનની બધી વાતો જણાવવા લાગી. અને બંને વાતે વળગ્યા. તે દિવસે લાવણ્યા અને આરવ રાત્રે બહાર જમવા માટે જવાના હતાં. લાવણ્યાએ મિશાને પણ પૂછ્યું પણ મિશાએ ના પાડી. આથી લાવણ્યા અને આરવ બંને જમવા ગયા.

લાવણ્યાની પહેલી ફિલ્મની ખુશીમાં આજે એ પોતાના તરફથી આરવને પાર્ટી આપી રહી હતી. આરવ પણ લાવણ્યા માટે એને ગમતાં ફૂલોનો એક મોટો બુકે અને "કોન્ગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રશન" ની ટ્યુન વગાડતો એક કાર્ડ લઈને આવ્યો હતો. આ બધું જોઈને લાવણ્યા એકદમ ખુશ થઈ ગઈ. અને ત્યાંથી જ એને પોતાના મમ્મી-પપ્પાને ફોન કરી આ ફિલ્મની ખુશ-ખબરી આપી. એનાં મમ્મી-પપ્પા પણ અત્યંત ખુશ થઈ ગયા. લાવણ્યાનાં મમ્મી-પપ્પાએ આરવ સાથે પણ ઘણી વાતો કરી. એ લોકો આરવને લાવણ્યાના એક મિત્ર તરીકે ઓળખતાં હતાં. તેમને પોતાને પણ આરવ ગમતો. અને આરવ-લાવણ્યાની દોસ્તી ભવિષ્યમાં પ્રેમમાં પરિણમે એવી એમના મનમાં છુપી આશા પણ ખરી. એમણે આગળ એકાદવાર લાવણ્યાને કહી પણ જોયેલું કે આરવ એક સારો છોકરો છે અને એની સાથે લગ્ન કરવા હોય તો અમે આરવના મમ્મી-પપ્પાને વાત કરીએ. પણ લાવણ્યાએ આરવ ફક્ત એક સારો મિત્ર હોવાનું કહીને વાત ઉડાવી દીધેલી.

આ તરફ મિશાએ ફોનમાં ટી.વી. ઓન કર્યું તો એ ચોંકી ગઈ. ટી.વી. પર ન્યૂઝ આવી રહ્યા હતાં "જાણીતા પ્રોડ્યૂસર જેમ્સની હત્યા.." મિશાને બધું આમતેમ ફરતું લાગ્યું. એ એનાં બેડ પર ફોન હાથમાં લઈને બેસી પડી. જેમ્સની હત્યા? પણ કેમ? કોને કરી આ હત્યા? આમાં ક્યાંક પોતે પણ નહિ ફસાય જાય ને? પોતે જેમ્સને ફોન કર્યા એ પોતાની જ વિરુદ્ધ માં કામ કરશે? મિશાને ચક્કર આવતા હોય એમ લાગ્યું. એણે ઉતાવળમાં જેમ્સ સાથેના મેસેજ ડિલિટ કરી નાંખ્યા અને પોતાનો ફોન સ્વિચ-ઑફ કરી દીધો. અને ઘભરાટમાં હવે શું નો વિચાર કરવા લાગી.

હવે શું? શું જેમ્સની હત્યાનું પગેરું મિશા સુધી આવશે? ક્યાંક મિશાએ જ તો જેમ્સનું ખૂન નથી કર્યું ને? જેમ્સે મિશાનો ફોન નહિ ઉંચકતા મિશાને ખુબ જ ગુસ્સો આવ્યો હતો ક્યાંક આ એ ગુસ્સાનું પરિણામ તો નથી ને? લાવણ્યા અને આરવના ભવિષ્યનું શું? બંને એક થઈ શકશે? કે લાવણ્યાની કારકિર્દી બંનેની વચ્ચે દીવાલ બનીને રહેશે?

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED