નૈતિક-અનૈતિક Shakti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નૈતિક-અનૈતિક

માલવે મહેકને ફોન કર્યો. "મહેક, શું કરે છે? "

"કંઈ ખાસ નહિ માલવ. ચા પીતાં-પીતાં નવલકથા વાંચી રહી છું. બોલને શું કહે છે?"

"ચાલને આજે સાંજે આપણે બંને ડિનર માટે જઈએ. પછી રિવરફ્રન્ટ પર બેસવા જશું."

"આજે?"

"હા મહેક. કેટલો ટાઈમ થઈ ગયો આપણે ડિનર માટે ગયા ને? તું તૈયાર રહેજે. હું જલ્દી આવી જઈશ."

"પણ માલવ આજે તો હું જગજિતસિંઘનો ગઝલ શૉ જોવા જવાની છું મારી ફ્રેન્ડ્સ સાથે."

"મહેક, તું ના જાય તો ના ચાલે પ્લીઝ? મારે તારી સાથે સમય વિતાવવો છે."

"માલવ તને તો ખબર છે ને મને ગઝલનો કેટલો શોખ છે? આપણે તો કાયમ જ સાથે રહેવાના છે ને? કોણ ક્યાં નાસી જવાનું છે? પણ જગજિતસિંઘનો શૉ રોજ રોજ થોડો આવે છે આપણાં શહેરમાં?"

"ઓકે મહેક. તું જા. આપણે પછી ક્યારેક જશું." માલવે નિરાશ થઈ ને કહ્યું.

"અને હા માલવ આજે પ્લીઝ તું બહાર જમી લેશે? હું તો બહાર ફ્રેન્ડ્સ સાથે જમીશ. તો તારા માટે મારે બનાવવું ના પડે." મહેકે કહ્યું.

"હા સારું. ચાલ બાય." માલવે ફોન મુક્યો.

માલવ મનમાં અકળાયો. એને મહેક સાથે સમય વિતાવી ગઈકાલના વિચારનો પશ્ચાતાપ કરવો હતો. પણ મહેકે અલગ કાર્યક્રમ ઘડ્યો હતો. માલવને શું કરવું એ સૂઝ્યું નહિ. પછી કંઈક યાદ આવતા એણે પરમને ફોન કર્યો. પરમ માલવનો ખાસ મિત્ર હતો. અને માલવની ઓફિસની નજીકમાં જ તે નોકરી કરતો હતો. ઘણીવાર તે નોકરીથી છૂટીને માલવની ઓફિસમાં આવીને બેસતો. માલવનાં ઑફિસના તમામ કર્મચારીઓ પણ પરમને સારી રીતે ઓળખતાં.

"પરમ સાંજે તું શું કરી રહ્યો છે?"

"કંઈ ખાસ નહિ. બોલને કંઈ કામ હતું?"

"પરમ સાંજે મારી સાથે ડિનર કરવા આવીશ? એવું હોય તો ઓફિસથી નીકળીને હું તને લેવા આવીશ."

"અરે વેઇટ વેઇટ.. ભાભી ક્યાં ગયા? કંઈ ઝઘડો થયો છે ભાભી સાથે?"

"ના ના. એવું કંઈ નથી પણ એ આજે જગજિતસિંઘની ગઝલ સાંભળવા જવાની છે. અને તું ના આવે તો મારે એકલાએ બહાર ખાવા જવું પડે એમ છે."

"ઓહ બરાબર. તો ચોક્કસ મળીએ આપણે. મને શું વાંધો હોય તારી સાથે આવવામાં?"

અને સાંજે ૭.૩૦ વાગ્યે માલવ ઓફિસેથી પરમને લઈને હોટલમાં જમવા ગયો. આમતેમ વાતો કરતાં-કરતાં પરમે માલવને પૂછ્યું, "માલવ તારી ઓફિસમાં જે કેશા નોકરી કરે છે એના વિશે તારું શું માનવું છે?"

"મારુ શું માનવું છે મતલબ? મારે શું લેવાદેવા એની સાથે?" અચાનક કેશાનો ઉલ્લેખ થતાં માલવ થોડો મૂંઝાયો અને પોતાની અકળામણ છુપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"ના એમ નહિ. તને શું લાગે છે? એ કેવી છોકરી છે?"

"ખબર નહિ પરમ. ઓફિસમાં બધા એ ચારિત્રહીન છે એવી વાતો કરે છે. પણ મને એ એવી નથી લાગતી." માલવે કહ્યું.

"માલવ મને એ ગમે છે. હું એને પ્રેમ કરું છું. પ્લીઝ તું મારુ કંઈક કરીશ?" ખબર નહિ કેમ પણ માલવને નહિ ગમ્યું કે પરમને કેશા પસંદ છે. પરમે પણ આ વાતની નોંધ લીધી. છતાં માલવ પોતાના હાવ-ભાવ છુપાવતા બોલ્યો,

"અરે ક્યારથી તને એ ગમે છે? તેં તો મને કીધું પણ નહિ ને?"

" એ બધું હમણાં છોડ. હું પછી તને બધું કહીશ. પણ તું મને મદદ કરીશ? બોલને." પરમે ફરી પૂછ્યું.

"હા હા. હું મારાથી બનતી મદદ કરીશ તારી લાગણીઓ એનાં સુધી પહોંચાડવામાં." માલવે વાત ટાળતાં કહ્યું.

માલવ અને પરમ છુટા પડ્યાં. પરમનાં ખુબ આગ્રહ પછી માલવે એક દિવસ પરમને પોતાની ઓફિસમાં બોલાવ્યો. અને એ જ સમયે કેશાને પણ બોલાવી એ પોતે કામનું બહાનું કાઢી ઑફિસની બહાર નીકળી ગયો. આ તરફ કેશા ઓફિસમાં માલવને ના જોતા પાછી વળવા જતી હતી પણ પરમે એને બોલાવી અને મસ્તીમાં કહ્યું, "કેમ કેશા? હવે તો ઓળખતી પણ નથી કે શું?". અને કેશાએ પોતાના સ્વભાવગત મસ્તીમાં જવાબ આપ્યો અને બંને વાતે વળગ્યા.

થોડી આમ-તેમ વાતો કર્યા પછી પરમે પોતાના પ્રેમનો એકરાર કરતાં પોતાની લાગણીઓ વિશે કેશાને કહ્યું. કેશાએ પહેલા તો વાતને મજાકમાં લઇ હસી કાઢી. પણ પરમે કહ્યું કે પોતે મસ્તી નથી કરતો. સાચે જ કેશાને પ્રેમ કરે છે ત્યારે કેશા ઝંખવાય ગઈ. અને થોડા ગુસ્સા સાથે એણે પરમને કહ્યું કે એમની વચ્ચે કોઈ જ સંબંધ શક્ય નથી કેમકે એ પોતે બીજા કોઈને પ્રેમ કરે છે. પરમને થયું માલવે એને કીધું કેમ નહિ? શું માલવને પણ આ વાત ખબર નહિ હોય? એ ગુંચવાયો. પણ તરત તેણે કેશાની માફી માંગી લીધી. અને પૂછ્યું કે કેશા કોને પ્રેમ કરતી હતી?

કેશાએ તરત કહ્યું કે એ પોતે માલવને પ્રેમ કરે છે. અને સામે માલવે પણ પોતાની સમક્ષ પ્રેમનો એકરાર કર્યો છે. આ સાંભળતા જ પરમનાં પગ નીચે થી જમીન ખસી ગઈ. શું હતું આ બધું? શું આ જ કારણથી પોતે કેશાને પ્રેમ કરવાની વાતો કરી ત્યારે માલવનો ચહેરો પડી ગયો હતો? છતાં એણે કેશાને પૂછ્યું કે જો એવું હોય તો માલવે એને કીધું કેમ નહિ? માલવે ચોક્કસ એને તો જાણ કરી જ હોત. કેશાએ કીધું માલવ ન હતો ઈચ્છતો કે પરમને આ સંબંધની જાણ થાય. કારણકે એવું બની શકે કે પરમને આ વાત નહિ ગમે અને એ મહેકને આ વિશે જાણ કરી દે. તમે ઈચ્છો તો ઓફિસમાં કોઈને પણ પૂછી શકો છો અમારા સંબંધ વિશે. ઓફિસમાં બધાને જ જાણ છે મારા અને માલવનાં પ્રેમ વિશે.

પરમથી આ બેવડો આઘાત સહન નહિ થયો. એકબાજુ જે છોકરીને એ પ્રેમ કરતો હતો તે એનાં પ્રેમનાં પ્રસ્તાવને ઠોકર મારી રહી હતી તો બીજી બાજુ પોતાના જીગરજાન મિત્રએ એની સાથે આટલું મોટું છળ કર્યું હતું. પોતે પરિણીત હોવા છતાં એને શરમ ન આવી પોતાની જ ઓફિસની છોકરી સાથે આડો સંબંધ રાખવામાં. અને જયારે પોતે કહ્યું કેશાને પ્રેમ કરતો હોવાનું ત્યારે પણ એણે જણાવવાનું ઉચિત નહિ સમજ્યું? એ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો.

આ તરફ માલવ પરમનાં ફોનની રાહ જોઈને કંટાળતા ફરી પોતાની ઓફિસમાં આવ્યો. ત્યાં એણે પરમને ના જોયો. એને થયું હશે કંઈક કામ હશે તો જતો રહ્યો હશે ઉતાવળમાં. હું સાંજે એને ફોન કરીશ. માલવને સપને પણ ખ્યાલ ન હતો કે કેશાએ પરમની સામે એમનાં સંબંધનો ઘટસ્ફોટ કર્યો હશે. એણે કેશાને પોતાની ઓફિસમાં બોલાવી. કેશાનાં હોઠ પર એક મારકણું સ્મિત આવી ગયું. અને અરીસામાં જોઈને પોતાનો મેક-અપ ઠીકઠાક કર્યો. એનું વર્તન જોઈ ઓફિસમાં બધા ગુસપુસ કરવા લાગ્યાં. પણ કેશાને ક્યાં આ બધાથી કોઈ ફરક પડતો હતો? એ સ્મિત કરતી કરતી માલવની કૅબિનમાં જવા માટે ઉભી થઈ.

માલવ સાચે કેશાના પ્રેમમાં પડી ગયો છે? કેશાએ કેમ એવું કીધું કે એની અને માલવ વચ્ચે સંબંધ છે? શું સાચે કેશા અને માલવ વચ્ચે અનૈતિક સંબંધ છે જેની બીજાને જાણ નથી? શું મહેકની સાદગી અને નીરસતાની સામે કેશાના બોલ્ડ અને ફેશનેબલ વ્યક્તિત્વથી માલવ ખેંચાયો હતો? હવે પરમ શું કરશે? માલવ સાથે વાતની ચોખવટ કરશે? માલવ આ પરિસ્થિતિમાં શું કરશે? કેશા સાથે રહેવું પસંદ કરશે? કે મહેક પાસે પાછો જશે? જોઈએ નૈતિક-અનૈતિક નાં આગળનાં ભાગમાં…

***

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/