કાળો મરમલ Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળો મરમલ

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કાળો મરમલ

“હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું; ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મૉત મીઠું કર્યું; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઇ ધરમ સારુ, કોઇ ધેન સારુ, તો કોઇ સતી બહેન સારુ પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે. દેનારની બલિહારી છે, બાપ કાળા! પોતાના નાનકડા ગામટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે, એણેય જીવી જાણ્યું. નાનાં કે મોટાં - પરાક્રમ તો જેટલાં પરમાર્થે, એટલાં સહુ સરખાં જ વદે.”

આવી આવી કંઇ કંઇ શૂરકથાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિમુખના પડતા બોલ ઝીલ્યા કરતો. ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિદ્રામાં જંપી જતું, ત્યારે આ ચારણને અને કાઠીને જાણે કે દિવસ ઊગતો. કસુંબાની કટોરી ભરીને પોતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી, ગઢવી ઉપર રંગ દેતા કે

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,

ભૂજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા!

(હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભૂજાઓ ભાંગી.)

વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ ! કે તમે તો

રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,

લીધા પે’પી લાંક, (તમે) દીધી દશરથરાઉત!

(તમે તો રજપૂતાઇનો આડો આંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાકેલું.)

વળી, હે રઘુવીર!

અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,

તું તારે દશરથ તણા, (તુંને) રંગ હો સીતારામ!

(હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો હે સીતારામ, રંગ હો બાપ! રંગ હો તમને! રંગ હો ઝાઝા!)

એમ કહીને પછી ગઢવી કટોરી હોઠે માંડતા. કટોરી લીંધા પછી ધીરે ધીરે ચડતા કૅફમાં ગઢવીની આંખો લાલચટક બનતી, હોકાની ઘૂંટો ટૌકા કરતી, ચલમના અંગારાયે જાણે કે જામીને વાતો સાંભળતા. વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીના બોધ દેતા - મા છોકરાને મીઠપથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાન પાતાઃ શૂરવીરતાના મર્મો સમજાવતા કે

ધનકું ઊંડા નહ ધરે, રણમેં ખેલે દાવ,

ભાગી ફોજાં ભેડવે, તાકું રંગ ચડાવ!

(હેબાપ કાળા, ઝાઝા રંગ દઇએ એવા વીરને કે જે સૂમની માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં ઓરે. વળી ભાઇ!)

તન ચોખાં મન ઊજળાં, ભીંતર રખ્ખે ભાવ,

કિનકા બૂરા નહ કહે, તાકું રંગ ચડાવ!

(ઝાઝા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર છે, દિલ ઉજ્જવળ છે, ને જે કોઇનું બૂરું બોલે નહિ, કે ચિંતવે નહિ. એમ છે, બાપ કાળા, એકલું ભુજબળ તો પલીતનેયે હોય. પણ વીરતા કોનું નામ!)

કાળો મરમલ કવિના મુખ સામે તાકી રહેતો, એના મનમાં સરસિયાના કાઠી ગાંગા વાળા ઉપર વેર ખદબદતું હતું. તેની સમસ્યા શમતી નહોતી. એના દિલમાં ઉધામા ઊઠે છેઃ “મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો. મરતાં મરતાં કહેતો ગયો કે ‘મારો કાળિયો આપા ગંગાને ભળે છે!’ ત્યાર પછી પડખે સરસિયા ગામના ગલઢેરા ગાંગા વાળાને આશરે હું ઊછર્યો, પણ એક દિવસ ગાંગા વાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો. એના વેરનું શું? ગઢવી તો મને ગોટાળે ચડાવે છે!”

એમ કરતાં કાળો જુવાન થયો. રામ ગઢવીને મુખેથી એણે શૂરવીરનાં ધીંગાણાંની ઘણી ઘણી વાતો સાંભળી. ગામને પાદર એણે કેટલાય પાળિયા જોયા. પછી રાતે રાતે ઊંઘમાં એને યુદ્ધના સ્વપ્નાં આવતાંઃ ‘મારી તરવાર! મારો મલિયો!’ એવા એવા હાકલા કરીને એ ભરનીંદરમાંથી ઝબકી ઊઠતો.

રામ ગઢવી ઊઠીને એને ટાઢો પાડતા ને એને શરીરે હાથ ફેરવતા. સાંજે કાળાને આવતાં અસૂર થઇ જાય તો બુઢ્‌ઢા રામ ગઢવી એને ગોતવા નીકળતા. એને મન તો કાળિયો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો.

એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું. બરાબર ઉતાર આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી. “બાપ કાળા! દોડ્ય દોડ્ય સરસિયે. મારું મૉત આવ્યું. ઝટ અફીણ લઇને પાછો આવજે.”

પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસિયે ગયો.

વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અફીણ જોખાવ છે. તે ટાણે ઓચિંતા ગામમાં હોકારા-પડકારા સંભળાયા. કાળો પૂછે છેઃ “શેઠ, આ શું છે.?”

વાણિયો કહેઃ “ ભાઇ, આપણે એની શી પંચાત! દરબાર ગાંગા વાળાના બે ભત્રીજા એને મારી ગરાસ લેવા આવ્યા છે તે વઢે છે. એમાં આપણે શું? ડાહ્યા થઇને દુકાન વાસી દઇએ, ને માલીપા બેઠા બેઠા સાંભળીએ; તરડમાંથી તાલ જોઇએ!”

ત્યાં તરવારોના ખણખણાટ અને બંદૂકોના ધડાકા સંભળાવા મંડ્યાં. કાળાનું શરીર કાંપવા લાગ્યું. એનો હાથ તરવારની મૂઠ ઉપરગયો, વાણિયો કહેઃ “એલા, તને એમાં શેનું શૂરાતન ચડે છે? તને તો ઊલટો ગાંગા વાળાએ જાકારો દીધો હતો!”

“વાણિયા! તું શું સમજ? મારા દાંતમાં હજી આપા ગાંગા વાળાનું અન્ન ચોંડ્યું છે. હું આંહીં જ મરીશ.”

“મર ત્યારે, મૂરખા!”

ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું. વાણિયાએ દુકાનમાં કમાડ અંદરથી વાસી દીધાં. કાળાએ જોયું કે ગાંગો વાળો મરાયો. એટલે તરવાર કાઢીને એણે દોટ દીધી. બેમાંથી એક ભત્રીજાને માર્યો, ત્યાં તો એનું માથું પણ પડ્યું. ગામના ઝાંપા બહાર જે રાવણાનું ઝાડ છે, ત્યાં સુધી લડીને એનું ધડ પડ્યું. અત્યારે ત્યાં એનું ખાંભી છે.

અફીણની વાટ જોઇને બેહોશ બની બેઠેલા રામ ગઢવીએ સાંજે જ્યારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો, ત્યારે અફીણ લીધા વિના જ ગઢવીઅ મોં ઢાંકીને મરસિયા ઉપાડ્યાઃ

વરસ દસ વીસે, ૧ મરમલ વાંછીતો મરણ,

પૂગ્યો પચવીસે, ક્યાંથી આવે કાળિયો?

(કાળો મરમલ તો દસ-વીસ વરસની ઉંમરે જ મરણ માગતો હતો. આ તો પચીસ વરસે મરણનો મિલાપ થયો પાંચ વરસનું મોડું થઇ ગયું. હવે એ પાછો ક્યાંથી આવે?)

પછેડા પાંખે, મરમલ વાંછીતો મરણ,

જોવણ અંગ જડતે, કીં કરી આવે કાળિયો?

(અરે ભાઇ! દસ-વીસ વરસે નહિ, એને તો એના જન્મ પછી તત્ક્ષમ કુંવરપછેડો ઓઢ્યા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની આવી ગઇ. મૉત સમા મિત્રનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઇ એ પાછો આવે?)

ભૂખાળું ભાલા તણો, કળકળત્ુાો કટકે,

(હવે) ભોજન ખગ ભેટ્યે, ક્યાંથી આવે કાળિયો?

(ભાલાની અને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તરવારરૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના શી રીતે પાછો આવે?)

કુંતારી હોળી કરી, (ઉપર) ઘરહર રંભા ઘેર,

(એમાં) નાખ્યાં વણ નાળિયેર, ક્યાંથી આવે કાળિયો?

(ધરતી ઉપર લાભારૂપી ભડકાની હોળી પ્રગટી હતી. અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણારૂપી એવો સુંદર હોળીમાં પોતાના મસ્તકરૂપી નાળિયેર ૨ નાખ્યા વિના કાંઇ કાળો પાછો આવે?)

આવે ગાતી અપસરા, સૂરા સામૈયે,

પાછો વણપરણ્યે, ક્યાંથી આવે કાળિયો?

(એ યુદ્ધ નહોતું, પણ કાળાનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી. અને શંકર આદિ સુર લોકો સામૈયું લઇને આવતા હતા. એવા ભભકેદાર વિવાહમાં વિના કાંઇ કાળો પાછો આવે?)

ભેળ્યું ખેત્ર ભડે, રોરવતાં રાંક વારે,

નસિયેર નીંઘલતે, ક્યાંથી આવે કાળિયો?

(એ યુદ્ધ નહોતું, એ દુકાળની અંદર શૂરવીરોરૂપી રાંકાઓએ ખેતર ભેળ્યું હતું. એ ખેતરની અંદર કાળા જેવો એકાદ નીંઘલેલ (પાકી ગયેલ) છોડ જોઇ ગયા પછી શૂરવીરોરૂપી રાંકાઓ એને છોડે નહિ, ને કાળો પાછો આવે નહિ.)

કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,

વણફૂટ્યે વહળોય, ક્યાંથી આવે કાળિયો!

(કાલી બાયડીને માથે પાણીનો ઘડો હોય (ગાંડીને માથે બેડું હોય) તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાંડીના માથા ઉપરનો ઘડો જેમ ક્ષેમકુશળ ઘેર ન પહોંચે, તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન આવે.)

પળચર, ખગ, વ્રેહમંડપતિ, (ઉપર) અપસર ઝુર અસે,

એતાંને અવઠોર્યે, ક્યાંથી આવે કાળિયો!

(યુદ્ધક્ષેત્ર ઉપર કાળાની વાટ જોઇને મારાંભક્ષી ગીધ પંખી બેઠાં હતાં. આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા. અરે, અપ્સરાઓનું વૃંદ ઊભું હતું. એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘરે આવે?)

(આ વાત બીજી રીતે એમ કહેવાય છે કેે કાળો સરસિયો ગાંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામ પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ ‘મરમલનો ઝાંપા’ એ નામે ઓળખાતો. એ પીપરિયે ગયો. ‘મરમલના ઝાંપા’નું રક્ષણ કરતાં કરતાં મર્યો.)