સૌરાષ્ટ્રની રસધાર-કામળીનો કોલ Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રની રસધાર-કામળીનો કોલ

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કામળીનો કૉલ

“આ ગામનું નામ શું, ભાઇ?”

“નાગડચાળું, ક્યાં રે’વાં?”

“રે’વું તો મારવાડમાં, હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા!”

“ચારણ છો?”

“હાં, આંહીં રાતવાસો રે’વું છે. કોઇ રજપૂતનું ખોરડું છું, આંહીં?”

“હા, હા, દરબાર સાંગાજી ગોડની ધીંગી ડેલી છે ને, ગઢવા! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરના કચ્છમાં જોટો નથી. ગઢવા! હાંકો પાધરા.”

એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. ‘આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઇની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને વાછડાંની ચરાઇની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને ભેટી જાય, તો એની ખરેખરી ફજેતી થવાની.

ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને સાંગાજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે ? ગઢવો નખ્ખેદ પાનિયાનો લાગ છે, એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. હું નાગડચાળાનો કોટવાળ!’ એમ બબડતો ફેલાવશે. આજ મારું વેર વળશે. હું નાગડચાળાનો કોટવાળ!’ એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો.

અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યાઃ “અરે ભાઇ! આંહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે? કોઇ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો? અમે પરદેશી છીએ.”

એક નાનકડા ઝૂંપૃડાનું બારણું ઊઘડ્યું. અંદરથી ભરવાડ જેવો મેલોઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો. હાથનાં ધીંગાં કાંડાંમાં ફક્ત રૂપાનાં બે કડલાં પહેરેલાં. ગજ ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી હતી.

“કોનું ઘર પૂછો છો?”

“બાપ! દરબાર સાંગાજી ગોડની ડેલી ક્યાં આવી?”

આંહીં કોઇ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ, હું સાંગડો ગોડ નામનો રજપૂત છું, આ મારો કૂબો છે, મારી બુઢ્‌ઢી મા છે. તમારે શું કામ છે”

“ભાઇ! મારે દરબાર હોય તોય શું, ને તું કૂબાવાળો રજપૂત હોય તોય શું? મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે. હું ચારણ છું; હિંગળાજ જાઉં છું.”

“આવો ત્યારે.” કહીને સાંગડે ગઢવીને ઝૂંપડામાં લીધા. એની બુઢ્‌ઢી મા પોડાશીઓને ઘેર દોડી ગઇ. તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના આણીને વાળું રાંધવા મંડી. દરમ્યાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેસ ગામના કવિ ઇસરદાનજી પોતે જ છે.

“આપ પંડ્યે જ ઇસરદાનજી, જેને કચ્છ, કાઠિયાવાડ ને મરુધર દેશનાં માનવી ‘ઇસરા પરમેસરા’ નામે ઓળખે છે?”

હસીને ઇસરદાનજી બોલ્યાઃ “હું તો હરિના ચરણની રજ છું. ભાઇ! જગત ચાહે તેમ ભાખે.”

“કવિરાજ! તમારી તો કંઇ કંઇ દૈવી વાતું થઇ રહી છે. એ બધી વાત સાચી છે?”

“કઇ વાતું, બાપ?”

“લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવાં કવિ-પત્નીને ઠાકરિયો વીંછી કરડાવ્યો ને મૉત કરાવ્યું!”

“જુવાનીના તૉર હતા, બાપ સાંગા! હસવામાંથી હાણ્ય થઇ ગઇ. ચારણ્યે મને વીંછી કરડ્યાની બળતરા થાતી દેખી મે’ણું દીધું. મેં એને પારકાની વેદનાનો આત્મ-અનુભવ કરાવવા સારુ વનનો વીંછી લાવી કરડાવ્યો. ચારણીનો જીવ નીકળી ગયો.”

“હેં દેવ! આઇ પાછાં નગરમાં અવતરીને આપને મળી ગયાં એ વાત સાચી?”

“ભાઇ! ઇશ્વર જાણે ચારણી એ-ની એ જ હશે કે નહિ. મને તો એ જ મોઢું દેખાણું. મને સોણલે આવતી’તી ચારણી.”

“દેવ! પીતામ્બર ગુરુની તમે ખડગ લઇને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ શી વાત હતી?”

“બાપ, હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો. રાજસ્તુતિનાં છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી. પણ હર વખત દરબાર પોતાના કાવ્યગુણ પીતામ્બર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા માથું હલાવે. એ દેખી દરબારની મોજ પાછી વળી જાય, મારા લાખોનાં દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડ્યો. હું એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તરવાર લઇ એને ઘરે ગયો.

“આંગણામાં તુળશીનું વનઃ મંજરીઓ મહેક મહેક થાયઃ લીલુંછમ શીતળ ફળિયુંઃ ચંદ્રના તેજમાં આભકપાળા ગુરુ, ઉઘાડે અંગે જનોઇથી શોભતા, ચોટલો છોડીને બેઠેલાઃ ખંભા ઉપર લટો ઢળી રહી છે. ગોરાણી પડખે બેઠાં છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર સમશેર ઝીંકવા મારો હાથ તલપી રહેલ, પણ ્‌આ બેલડી દેખીને મારું અરધું હૈયું ભાંગી ગયું.

“પછી ગુરુએ ગોરાણીને વાત કહી. કહ્યું કે ‘ગોરાણી! દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે. શું એની વિદ્યાનાં વખાણ કરું? એનાં કવિત-છન્દો સાંભળી મારા ઉરનાં કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય! ગોરાણી! એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુલોકના માનવી ઉપર ઢોળે છે, લક્ષ્મીની લાલચે રાજાનાં ગુણગાનમાં વાપરે છે,

એ દેખીને મારો આત્મા થવાય છે. અહોહો! એ વાણી જો જગત્પતિનાં ગુણગાનમાં વળે તો! તો એ કવિતાથી ચોરાશીના ફેરા તો પતી જાય, ને જગતમાંયે પ્રભુભક્તિની પરમ કવિતા રચાઇ જાય. ગોરાણી! એના હરેક કાવ્યથી સભા થંભે છે. રાજા રાવળ જામની છાતી ફાટે છે,

રાજા મારી સામે જોવે છે, હું અસંતોષથી ડોકું ધુણાવું છું, મારા મોળા મતને લીધે રાજાની મોજ મારી જાય છે. ને જુવાન ચારણ મારા ઉપર બળીજળી જાય છે. હું એને દુશ્મન દેખાતો હોઇશ; પણ ગોરાણી! મારા મનની કોણ જાણે? હું તો આવી રસનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢીને ઇશ્વરભક્તિમાં વાળવા મથું છું.’

“બાપ સાંગા! પીતામ્બર ગુરુનું આવું કથન સાંભળતાં જ મારાં ગાત્રો ગળી ગયાં. હું ન રહી શક્યો. તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોડ ધઇ તરવાર પીતામ્બર ગુરુને ચરણે ધરી. એમના ખોળામાં માથું ઢાળ્યું, અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી. મારા ‘હરિરસ’ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે

લાગાં હું પહેલો લળે, પીતાંબર ગુરુ પાય,

ભેદ મહારસ ભાગવત, પાયો જેણ પસાય.”

સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો, ત્યાં તો માએ વાળુ પીરસ્યું. સાંગાએ પોતાને ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઇસરદાનજીને તેની ઉપર બેસાડ્યા. કવિએ એ ગરિબની આછીપાતળી રાબછાશ કોઇ રાજથાળી કરતાંયે વધુ મીઠાશથી આરોગી.

જમીને ઇસરદાનજીએ કહ્યુંઃ “ભાઇ, મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું.”

“માગો, દેવ! મારી પાસે હશે તે બધું આપીશ.”

“ફક્ત આ તારી ઊનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઇશ્વરની પૂજા કરીશ.”

“ભલે, બાપુ! પણ મને એક વચન આપો.”

“વચન છે.”

“હું વીનવું છું કે હિંગળાજથી પાછા વાળો ત્યારે આંહીં થઇને પધારો. હું આપને માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઇ ગઇ છે.”

ઇસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા. આંહી સાંગાએ કામળીની ઊન કાંતવા માંડી. વગડામાં કોઇ નદીને કાંઠે વાછડાં ચરતાં ફરે, વાછડાંને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિનાં ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાંત્યા કરે છે. આઠેય પહોર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે ‘મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે, ભેળો હુંયે તરી જઇશ.’

ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો. અને વાછડાં ચોમાસાની વાટ જોવા લાગ્યાં.

વાછડાંને ચોમાસું તો આવી મળ્યુ, પણ સાંગાને હજુ બારોટીજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયો. વાવાઝોડું મચ્યું. મુશળધાર મે’વરસવા લાગ્યો અને ગામની નદી બેય કાંઠે પ્રલયકારી પાણીના કોગળા કાઢવા લાગી. સાંગો વાછડાં લઇને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી મા ઝૂરશે. આ વાછડાં આંહીંને આંહીં થીજી જશે, ને હવે બહુ તાણ નથી રહ્યું, એમ વિચારી સાંગો વાછડાંને હાંકી પાણીમાં ઊતર્યો.

બીજાં બધાં વાછડાં તો ઊતરી ગયાં, પણ સાંગાએ જેનું પૂંછડું ઝાલ્યું હતું તે વાછડો મધવહેણમાં લથડ્યો. સાંગો તણાયો. કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઊઠ્યાંઃ ‘એ ગયો, એ તણાયો.’ પણ એને બચાવવા કોઇ ન પડ્યું. પાણીમાં ડબકાં ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે? એને બીજું કાંઇ ન સાંભર્યુંઃ

જળ ડૂબંતે જાય, સાદ જ સાંગરીએ દિયા,

કહેજો મોરી માય, કવિને દીજો કામળી.

(પાણીમાં ડૂબતે ડૂબતો સાંગો સાદ કરે છે કે ‘ઓ ભાઇઓ, મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભુલે.’)

નદીઆં, વેળું, નાગ : સાદ જ સાંગરીએ દિયા,

તોશો કાંઇ ત્યાગ, મન જોજો માઢવ તણું.

(નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે, છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે ‘કવિને કામળી દેવાનું ન ભૂલજો.’ એને બીજું કાંઇ નથી સાંભરતું. હે સાંગા, કેવો તારો ત્યાગ! માઢવ રાજા રોજ ચારણોને લાખપસાવ દેતો, તારા દાનની તોલે એ ન આવે.)

સાંગરીએ દીધા શબદ, વહેતે નદપાણી

દેજો ઇસરદાસને, કામળ સહેલાણી.

(વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઇસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.)

માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઇ ગયો. નદીની મોજાં એને દરિયામાં ઉપાડી ગયાં.

થોડે દિવસે ઇસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોસીએ પોતાની પાંપણોનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી જમવા બોલાવ્યા. ઇસરદાને પૂછ્યુંઃ “સાંગો ક્યાં?”

ડોસી કહેઃ “સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી લ્યો, બારોટજી!”

ચતુર ચારણ ડોસીનાં આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું-પીવું હરામ કર્યું. ડોસીએ છેવટે કહ્યુંઃ “સાંગાનો તો નદી-માતા તાણી ગઇ.”

ચારણ કહેઃ “એમ બને જ નહિ. રજપૂતનો દીકરો દીધે વચને જાવ કે?”

“અરે દેવ! સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ જાતાં જાતાં તમને કામળી દેવાનું સંભારતો ગયો છે, હો! પાણીમાં ગળકાં ખાતાં ખાતાં પણ એણે તો તમને કામળ્ય દેવાની જ ઝંખના કરી’તી.”

“સાંગાના હાથથી જ કામળી ન લઉં, તો હું ચારણ નહિ. ચાલો. બતાવો, ક્યાં ડૂબ્યો સાંગો?”

ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઇ, અને કહ્યુંઃ “સાંગો આંહી તણાયો.”

“સાંગા! બાપ સાંગા! કામળી દેવા હાલ્ય!” એવા સાદ કરી કરીને કવિ બોલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીનાં નીરમાંથી જાણે કોઇ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે, વળી પાછી રોઇ પડે છે; ત્યાં તો નદીમાં પૂર ચડ્યું, પાણીના લોઢ પછાડા ખાઇ ખાઇ કોઇ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધોઃ “સાંગા! કામળી દેવા હાલજે, મારી કામળી! હરિની પૂજાને મોડું થાય છે!”

“આવું છું, દેવ, આવું છું!” આઘેથી એવો અવાજ આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂંછડું ઝાલીને સાંગો તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાઝી પડ્યો. એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પાને સાંગો ફરી વાર મોજાંમાં સમાયો; ઇસરદાને છેલ્લો દોહો કહ્યોઃ

દીધાંરી કેવળ ચડે, મત કોઇ રીસ કરે,

નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.

(નાગડચાળાના હે ઠાકોર! તમે કોઇ રીસ કરશો મા કે હું સાંગાને એક કામળીને ખાતર કેટલો બધો વખાણીને તમારો પણ શિરોમણિ શા માટે બનાવું છુંઃ કારણ કે એ તો ખરેખરો દિલદાતાર ઠર્યો. દિલનો દાતાર હોય તેનું જ ઇંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમા દાનની વસ્તુની કિંમત નથી, પણ એક વાર મુખથી કહેલું દાન મરતાં મરતાં પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે.)