પ્રિય ભાવિ જીવનસાથી,
પત્ર લખવાનું નક્કી તો કરી લીધું પણ સંબોધન શું કરું એ ના સમજાયું. છતાંય આજે હિંમત કરીને આ પત્ર લખી રહી છું કારણકે જયારે આપણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે આપણે એકમેકના મનની વાતો જાણવી જરૂરી છે એમ મને લાગે છે.
ગયા અઠવાડિયે જયારે આપણો સંબંધ નક્કી કરવા માટે પરિવારજનોની હાજરીમાં મળવાનું ગોઠવાયું ત્યારે હું ખુબ ઘભરાયેલી હતી. જે વ્યક્તિ કે પરિવારને હું ઓળખતી નથી , જેને હું કદી મળી નથી એ જ લોકો કદાચ મારો ભાવિ પરિવાર બનવા જઈ રહ્યા હતાં. આમ તો પપ્પાને ઘણાં લોકોએ કીધું હતું કે ખુબ સારો પરિવાર છે અને દીકરી એ ઘરમાં જઈને સુખી રહેશે. પરંતુ તો પણ હૃદયમાં એક ફફડાટ હતો. કેવો દેખાતો હશે મારો ભાવિ જીવનસાથી? ઘરનાં લોકો કેવા હશે? બધાં મને એ પરિવારમાં સ્વીકારશે ખરાં?
જયારે નાસ્તો પીરસવા માટે હું તમારી સામે આવી ત્યારે મારાં પગ એટલા ધ્રુજતા હતાં કે મારાં માટે પોતાની જાતને સંભાળવું ખુબ અઘરું હતું. કદાચ તમને નાસ્તાની ડીશ આપતી વખતે મારાં હાથનાં કંપનને તમે પણ અનુભવ્યું જ હશે અને આથી જ કદાચ તમે આંખોથી મને "હું છું ને!" નો ઈશારો કર્યો હતો. જેનાથી ખરેખર દિલને એક શાંતિનો અનુભવ થયો. કેવું નહિ? આપણે આગળ કોઈ દિવસ એકબીજાને મળ્યા ન હતાં, ઓળખતાં ય ન હતાં અને છતાં તમારા એ ઈશારા પર મારુ મન ભરોસો કરતું હતું. વળી જયારે તમારા પપ્પા-મમ્મીએ દીકરી કહીને સંબોધન કર્યું ત્યારે જાણે સાચે જ હું એમની દીકરી જ હોઉં, પુત્રવધુ નહિ એવો એહસાસ થતો હતો. હૃદયમાં એકસાથે વહેતાં લાગણીના આ પૂરને કદાચ હું શબ્દોમાં નહિ વર્ણવી શકું.
જયારે આપણને બંનેને એકાંતમાં વાત કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે બંનેને શરમ અને ખચકાટ એટલો હતો કે શું બોલવું એ બેમાંથી કોઈ જ નક્કી ના કરી શકતું હતું. અંતે થોડી મિનિટના મૌન પછી જયારે તમે પૂછ્યું કે, "આ સંબંધ માટે કોઈ દબાણ તો નથી ને? તમે ખુશ તો છો ને આ સંબંધથી?" ત્યારે હૃદયમાં એક ખુશીની લહેર ફરી વળી કે ચાલો મારાં ભાવિ પતિ માટે મારાં વિચારોનું પણ મહત્વ તો છે. ત્યાર પછી જે સમજથી અને મર્યાદાથી તમે મારી સાથે વાતો કરી એ વાતોએ મારુ દિલ જીતી લીધું.
આજે આ પત્ર મેં એક મહત્વના ઉદ્દેશ સાથે લખ્યો છે. મને આશા છે કે તમે મારાં વિચારોને સમજી શકશો. આ ઘરમાં જીવનના ૨૪ વર્ષ વિતાવ્યા પછી જયારે એક નવોઢા તરીકે હું તમારા ઘરમાં આવું ત્યારે બની શકે કે મને ઘરનાં રીત-રિવાજો, પરંપરા અને કાર્યશૈલીને સમજતા થોડો સમય લાગે. જયારે ૧ છોડને તેની મૂળ જગ્યાએથી ઉખેડી બીજે સ્થાને લગાવવામાં આવે છે ત્યારે તેને પણ નવી જમીનને અનુકૂળ થતાં થોડો સમય લાગે જ છે ને! આથી જો કદાચ મને થોડો સમય લાગે તો ત્યારે ધીરજથી મને ઘરનાં રીત-રિવાજ સમજવામાં મદદની અપેક્ષા તો હું મારાં ભાવિ પતિ પાસેથી રાખી શકું ને?
હજુ આપણાં લગ્નનાં આડે છ મહિના છે. આ છ મહિનામાં અનેક પ્રસંગે કે વાર-તહેવારે હું ઘરનાં દરેક માણસની પસંદ-નાપસંદ કે એમના સ્વભાવને જાણવાની સમજવાની કોશિશ કરીશ. છતાંય કોઈ બાબતમાં મને ના સમજ પડે કે કોઈની બર્થડે-એનિવર્સરી નો મને ખ્યાલ ના હોય તો મને તમે મદદ કરશો જ એવી મને આશા છે. મારાં માટે ત્યાં સાસરામાં બધું જ નવું હશે, અજાણ્યું હશે. ત્યારે મને ડગલે ને પગલે તમારા તરફથી પ્રોત્સાહન પૂરું પાડતાં સ્મિતની જરૂર પડશે. હું કોઈ સારું કામ કરું તો તમારા તરફથી પ્રેમભર્યા બે શબ્દો તેમજ કોઈ ભૂલ કરું તો મને હિંમત આપતા બે શબ્દો મને નવા વાતાવરણમાં અનુકૂળ થવામાં મદદરૂપ થશે. તમારી અને ઘરનાં સૌની દિનચર્યા સમજતાં મને થોડો સમય લાગે એવું બને. કેમકે મારાં માટે ખાણીપીણી, પોશાક કે વાતચીતની ઢબ બધું જ અલગ છે, નવું છે. અચાનક એક દિવસમાં પોતાનામાં આ તમામ પરિવર્તન લાવવા કદાચ મારાં માટે અશક્ય હોય, પણ ધીરે ધીરે મારામાં આપમેળે પરિવર્તન આવી જશે. અને હું આ ઘરનાં રીત-રિવાજો સાથે અનુકૂલન સાધવા માટે મારાંથી બનતા તમામ પ્રયત્ન કરીશ અને એમાં સફળ પણ થઇશ એવો મને વિશ્વાસ છે. બસ આ મારાં પ્રયાસોમાં તમે મારો આધાર બની રહો એમ હું ઈચ્છું છું.
કોઈપણ સંબંધમાં એકબીજાને જાણવા માટે અને સમજવા માટે એકબીજા સાથે સમય ફાળવવો ખુબ જરૂરી છે, હું જાણું છું કે તમે તમારી જવાબદારી અને કામનાં ભારણને લીધે સતત વ્યસ્ત રહો છો. પણ થોડો સમય તમે આ નવા સંબંધ માટે ફાળવી શકશો તો આપણે લગ્ન પહેલા એકબીજાના વિચાર અને પસંદ-નાપસંદને સારી રીતે સમજી શકશું. જો આપણે એકબીજાના સાથથી ખુશ હશું તો પરિવારની તમામ જવાબદારી આપણે પુરી નિષ્ઠા અને પ્રેમથી નિભાવી શકીશું.
વળી હું જાણું છું કે એક માં અને દીકરાનો સંબંધ ખુબ જ સુંદર અને ઘનિષ્ઠ હોય છે. તમારા મમ્મી સાથે નો તમારો સંબંધ પણ આવો જ છે એ આટલા દિવસોમાં મેં અનુભવ્યું છે. આજ સુધી તમારા જીવનમાં તમારી મમ્મીનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે અને આપણાં લગ્ન પછી પણ આ સંબંધ આવો જ રહેશે એ હું ખાતરી આપું છું. મારાં પ્રયત્ન હંમેશા તમારા અને ઘરનાં દરેક વ્યક્તિનાં સંબંધો મજબૂત કરવાના જ હશે. હું કદી પણ મારાં વર્તન-વાણી કે વિચાર વડે તમારા પારિવારિક સંબધોને ઠેશ પહોંચે એવું કોઈ કાર્ય નહિ કરું. અને હા, મારાં માતા-પિતા પણ તમને એમનો દીકરો જ ગણે છે. જો જીવનમાં કોઈક વાર મારાં માં-બાપ તમને કંઈ સલાહ-સૂચન કરે તો એમનું માન જાળવીને પ્રેમથી એમને સાંભળી લેજો. પછી એ મુજબ વર્તવું કે નહિ એનો નિર્ણય તમારો પોતાનો હશે અને એમાં તમારી પત્ની તરીકે મારી સહમતી હશે એ હું વચન આપું છું.
હું વચન આપું છું કે હું અન્ય કોઈની પણ હાજરીમાં તમારી કોઈ પણ વાતની અવગણના નહિ કરું. જો મને કોઈ વાતમાં તમારી અર્ધાંગિની કે મિત્ર તરીકે કંઈક કહેવા જેવું લાગે તો હું એકાંતમાં ફક્ત તમારી સમક્ષ મારાં વિચારો રજુ કરીશ. વળી એમ પણ બની શકે કે દુનિયાદારીની કોઈ વસ્તુમાં કદાચ મને તમારા જેટલી સમજ ન પડતી હોય. તો એવા સમયે કોઈની હાજરીમાં ટોકવા કરતા મને એકાંતમાં સમજાવશો તો મને ગમશે.
મનમાં ઘણાં વિચારોનું વમળ હતું. પણ તમને આ પત્ર લખ્યા પછી મનનો ભાર થોડો હળવો થયેલ જણાય છે. તમારા વિચારો જાણવાની મને પ્રતીક્ષા રહેશે. હા આ પત્રમાં પણ કોઈ વાત તમને ના ગમી હોય તો મને ચોક્કસ કહેજો. મારાં વિચારોનું તમારી સાથે ફરી મનોમંથન કરવાનું મને ગમશે. અને જે સાચું હોય એ હું સ્વીકારીશ પણ. અંતે તો આપણે બન્ને હવે "હું-તું" ની સમાપ્તિ કરી "આપણે-અમે" તરફ જ પ્રસ્થાન કરીશું ને?
(અને હા, તમે મને જોવા આવેલા એ શર્ટ અને એ રંગ તમારા પર ખુબ શોભતા હતાં. અને તમારું સ્મિત તમારા વ્યક્તિત્વને ચાર-ચાંદ લગાવી દે છે. :):):)
લિખતિંગ,
જલ્દીથી તમારી પત્ની બનવા ઉત્સુક તમારી જીવનસંગીની...
***
મારો આ લેખ વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.
Mail: shivshaktiblog@gmail.com
Blog: https://shivayshaktiblog.wordpress.com/