Ver virasat - 17 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 17

વેર વિરાસત

પ્રકરણ -17

ઈનફ ઈઝ ઈનફ, નો મોર ઓન ધીસ.....' માધવીનો ચહેરો તપીને એટલો તો લાલઘૂમ થઇ ગયો હતો કે સામે બેઠેલાં આરતી કે રિયા શબ્દ ન ઉચ્ચારી શક્યા.

આખી વાત માધવીને માત્ર રિયાની જીદ કરતાં વધુ પોતાની પીઠ પાછળ રચાઈ ગયેલાં ષડ્યંત્ર જેવી વધુ લાગી રહી હતી .

ને આ છોકરીને શું કહેવું ? માધવીના મગજમાં વધુ એક ભડકો થયો : હજી તો આંખો પૂરી ખુલી નથી કે પાંખ ફૂટી આવી.

એ રિયાનો ચહેરો શું જોતી રોમેરોમ રોષ ફૂટતો રહ્યો હતો.

આ વાત કોઈ જેવીતેવી હતી ? પોતે થોડાં સમય માટે પેરીસ શું ગઈ આ છોકરીએ તો મનમાની કરી નાખી, ને માસી ? માધવીને પહેલીવાર આરતી પર શંકા ઉપજી : એમને આમ પણ પહેલેથી રિયા થોડી વધુ વહાલી રહી છે. એ ચોક્કસ આ બધું જાણતાં હશે ને છતાં અજાણ હોવાનો ડોળ કરતાં રહ્યા.

'મમ, તમે જો તમારો હુકમ સુણાવી દીધો હોય તો મારો મત પણ જાણી લો. ' રિયામાં ન જાણે ક્યાંથી હિંમત આવી ગઈ હોય તેમ પહેલીવાર સગી મા સામે મેદાને પડી હતી. : હું એક્ટિંગ જ પ્રોફેશન બનાવવા માંગું છું, તમે પરમિશન આપો કે... ખરેખર તો રિયાએ વાક્ય અધૂરું મુકીને આખી વાત બયાન કરી દીધી હતી.

રિયા બોલી નહોતી પણ એનો આડકતરો ઈશારો રોમા તરફ તો ચોક્કસ હતો. એને જો એને ગમે તે કારકિર્દી પસંદ કરવાની છૂટ હોય તો પોતાને કેમ નહીં ?

વાત તો મુદ્દાની હતી પણ રિયાના આ બયાને માધવીને રૂંવે રૂંવે ઝાળ લગાવી દીધી હતી : આટલી હિંમત ? રિયામાં આ હિંમત આવી ક્યાંથી ? જરૂર કોઈ ભેદ હતો.

માધવીના મનનો અખત્યાર બેતુકી કલ્પનાએ લઇ લીધો હતો. એક શક્યતા તો એ પણ નકારી ન શકાય કે રાજા જે પ્રભાત મહેરાનો જમાઈ થઈ, પ્રભાત ફિલ્મ્સનો માલિક બની બેઠો હતો હવે વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર સેતુમાધવન તરીકે ભારેખમ નામ થઈને જામી પડ્યો હતો. શક્ય છે તેને પોતાની અને દીકરીઓની ભાળ ક્યાંકથી મળી હોય. પ્રભાત મહેરાના અવસાન પછી કરોડોની મિલકત, પ્રભાત ફિલ્મ્સના બેનરનો, એકચક્રી સત્તાનો માલિક ભલે થઇ પડ્યો પણ માનસિક રીતે અસ્થિર પત્ની અને નિસંતાન અવસ્થા હવે રહી રહીને પાછલી ઉંમરે પજવતી હોય એટલે એને તો એક પંથે દો કાજ થઇ જાય ને ? દીકરીને જ ફિલ્મમાં લોન્ચ કરીને એ તો દીકરીની આંખોમાં હીરો બની જાય. આટઆટલા વર્ષ એને યાદ ન આવી કોઈની ને હવે !! નીચ માણસ, ચાલબાજ.... માધવીનું મોઢું કડવાશથી ભરાઈ ગયું ને રોમેરોમમાં એ કડવાશ વ્યાપી રહી.

માધવી સન્ન થઇ ગઈ હતી રિયાની જીદથી. આ છોકરી જીદ કરવામાં ભલે પોતાના પર ગઈ હોય પણ બાકી તો નખશિખ એના બાપ પર ગઈ હોય તેવું પ્રતીત થઇ રહ્યું. નરી સ્વાર્થી ને મીંઢી...

માધવી હજી વધુ કંઇક વિચારે એ પહેલા જ રિયા ઉભી થઇ ગઈ : મારે કાલે વહેલા જવાનું છે, ઓડીશન ભલે થયું પણ કાસ્ટિંગ એજન્ટ મહેર કહેતી હતી કે મેન્ટલી ફીટ હોવું ખૂબ જરૂરી છે. છેલ્લી ઘડીએ એ નાની સ્કીટ આપીને, રેડી થવા માત્ર દસ મિનીટ આપશે .

રિયાને તો હજી વધુ ઘણી બધી વિગતો કહેવી હતી જે કાસ્ટિંગ ડિરેક્ટર મહેરે જણાવી હતી પણ માધવીના ચહેરા પરના હાવભાવ જોઇને એ થોડી સહેમી ગઈ હતી , બાકી હોય તેમ નાનીનો ચહેરો પણ પહેલીવાર થોડો વિલાઈ ગયેલો લાગ્યો. વાતાવરણમાં આવેલાં પરિવર્તનને તો હજી એ સપનોની દુનિયામાં ડગલું માંડે એ પહેલાં જ ડગમગાવી દીધી હતી. હવે એક એક પગલું જાળવીને મૂકવાનું હતું.

'રિયા, બસ ...મારે જે કહેવાનું હતું તે કહી દીધું....' માધવીનો અવાજ અત્યંત નીચો હતો પણ તેમાં ગજકાય શિલાના કટકા થઇ જાય તેવી ધાર હતી, જાણે સાક્ષાત વિશ્વજિત બોલી રહ્યા હોય. : મારે હવે માત્ર એક જ વાત જ કહેવાની રહે છે, કે જો તેં આ જ તારું ભવિષ્ય છે એમ નક્કી કરી લીધું હોય તો તારી મરજી પણ તો પછી તું ચાહે ત્યાં જઈ શકે છે, ચાહે ત્યાં રહી શકે છે પણ મારા ઘરમાં આ બધું નહીં ચાલે , તું આ ઘરમાં નહીં રહે....

માધવીએ તો જાણે બોમ્બ ઝીંક્યો હોય તેમ વાતાવરણમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.

રિયાની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ હોય તેમ આશ્ચર્યથી પહોળી થઇ ગઈ : મમ્મીએ આ શું કહી દીધું ? મમ્મીનું ઘર ? એટલે ? આ ઘર પોતાનું ઘર નહોતું?

'મધુ, જરા સંયમ કર ....' આરતીએ પરિસ્થિતિ વણસતી જતી લાગી એટલે વાત હાથમાં લેવાનો એક નાકામ પ્રયાસ કર્યો .

'માસી, પ્લીઝ, તમે તો આ વાતમાં એક પણ શબ્દ બોલશો જ નહીં .. આ મારો નિર્ણય છે અને એ ફેરવવા માટે નથી.' માધવીએ લાલઘૂમ ચહેરો માસી તરફ ફેરવ્યો: એને તો સારાનરસાનું કોઈ ભાન નથી પણ તમે? તમે એને સમજાવવાને બદલે પ્રોત્સાહન આપો છો ?

'મધુ, જરા ઠંડી પડ, એને ક્યાં વળી કોઈ ફિલ્મ મળી ગઈ છે ? આ ઉંમરે આ બધાં ધખારાં કોઈને પણ ઉપડે...પણ આખરે તો.....' આરતીના મધ્યસ્થી કરવાના પ્રયાસથી માધવી જરા શાંત પડી રહી હતી ને બીજી બાજુ વિફરેલી રિયાએ પક્કડ જમાવી.

'ના, નાની , આ કોઈ ધખારા નથી, શક્ય છે કે આ વખતે ચાન્સ ન પણ મળે તો પણ પ્રયત્નો છોડવાની નથી ....' રિયાને માધવીની ઘરવાળી વાત રૂંવે રૂંવે ઝાળ લગાવી ગઈ હતી, અંદર ઉઠેલો ચચરાટ જાણે વધુને વધુ તેજ થઇ રહ્યો હતો. કોઈએ ચાબખો માર્યો હતો એ પણ મીઠાના પાણીમાં ઝબોળીને, એની બળતરા રહીરહીને તાજી થઇ રહી હતી.

' લો જોયું માસી, સાંભળ્યું ? આ તમારો નમૂનો શું કહે છે ? ' માંડ માંડ શાંત પડેલી માધવી પાછી ઉકળી રહી.

પહેલીવાર આરતીએ પોતાની જાતને આટલી નિસહાય મહેસૂસ કરી. આખરે આ માદીકરી વચ્ચે તૂટતાં તાર જોડવા કેમ કરીને ?

'રિયા, મમ્મીને સોરી કહે, ને માધવી, તું પણ જરા સમજ...' આરતીએ વધુ એક પ્રયત્ન કર્યો માદીકરી વચ્ચે સર્જાઈ રહેલી તિરાડ વકરે એ પહેલાં પૂરવી જરૂરી હતી.

'હું સોરી કહું ? શું કામ કહું ? મેં ન તો ગૂનો કર્યો છે ન મમ્મીનું અપમાન, મમ્મીએ મને ઘર છોડીને જતા રહેવાનું કહ્યું ને તમે માફી મારી પાસે મંગાવો છો નાની ??' રિયાના અવાજમાં ચિત્કાર હતો : હમણાં રોમા હોત તો મમ્મી એને આ રીતે ઘર છોડી દેવાનું કહેતે ? '

માધવી સમજી : ઓહ તો રિયાના દિલને પોતે અજાણતાં જ દુખવી બેઠી, પણ રિયા આ અર્થ તારવી શકે એવી મોટી ક્યારથી થઇ ગઈ ? માધવીને રિયાનું વર્તન અચરજ પમાડતું રહ્યું .

માધવીને પણ મનમાં તો હળવો રંજ ઉઠ્યો, ઘર છોડવા જેવી વાત આ તબક્કે ઉચ્ચારવાની જરૂર નહોતી.

આરતીએ જોયું કે રિયા રડી તો નહોતી રહી પણ એના મનનો ધૂંધવાટ આંખને ધૂંધળી કરતો હોય તેમ આંસુ બની જામ્યો હતો.: મધુ, તું કંઈ જરા વધુ પડતી જ સખ્તાઈ કરી ગઈ. માસી તો એક શબ્દ પણ બોલ્યા નહોતા છતાં માધવીને આરતીના મનમાં ચાલી રહેલી વાતનો પડઘો પડ્યો હોય તેમ થયું કે એ ઉઠીને રિયાને માથે હાથ ફેરવે અને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરવો રહ્યો.

માધવી ઉઠીને રિયા બેઠી હતી ત્યાં નજીક પહોંચીને હજી તેના વાળ પર હાથ પસવારે એ પહેલાં જ તો રિયા ચડપ દઈને ઉભી થઇ ગઈ.

'ઓકે, ગુડ નાઈટ,નાની, મમ '

'રિયા, સાંભળ, મેં તને જવા નથી કહ્યું, આપણી વાત હજુ અધૂરી છે ' માધવીના અવાજમાં ન ચાહવા છતાં ફરી થોડી કઠોરતા છલકાઈ ગઈ.

'સોરી, મમ, ફરી ક્યારેક.. અત્યારે નહીં, હું નથી ઈચ્છતી કે મારી સવાર બગડે. ' રિયાના સ્વરમાં રહેલો નિસ્પૃહતાનો પાશ માધવીને છરકો કરી ગયો. અજાણતાં જ વાત ધાર્યાં કરતાં વધુ વણસી ચુકી હતી.

રિયાએ પોતાના રૂમમાં જઈને બારણું એક ઝટકામાં બંધ કર્યું . જે અફાળવા પર થયેલો અવાજ કદાચ માધવીને અપાયેલો આડકતરો જવાબ હતો.

માધવી ને આરતી એકબીજા સામે તાકતાં રહી ગયા. બંને એકબીજાના મનની વાત વાંચી શકતા હોવા છતાં કોઈને હવે કશું કહેવાનું રહેતું નહોતું.

થોડી ઘડીઓ એમ જ વીતી ગઈ ને સ્તબ્ધતા ચીરતી ફોનની રીંગ રણકી. આરતીએ એક નજર વોલકલોક પર નાખી . રાત્રે સાડા અગિયારે વળી કોનો ફોન હોય શકે ?

' રોમા જ હશે ને .એની કોલેજ ત્રણ વાગે પૂરી થઇ જાય છે અને અત્યારે તો ત્યાં છ વાગ્યા હશે..' માધવીના ચહેરા પર થોડી પ્રસન્નતાની સુરખી છવાઈ.

'હલો....' માધવીએ જ ઉતાવળે જઈ ફોન ઉપાડ્યો. આરતી જોઈ રહી એક માના દિલમાં રહેલાં ભેદભાવને, પણ અત્યારે માધવીને કશું કહેવાનો અર્થ પણ નહોતો.

' શું બોલે છે ? ક્યારે ? કેમ ? કઈ હોસ્પિટલમાં ? ' માધવીના ચહેરા પર ચિંતાની ગાઢી લકીરો ખેંચાઈ આવી : પણ ચાન્સીસ શું છે ? ડોકટરો શું કહે છે ?

આરતીનું આશ્ચર્ય બેવડાયું : સામે ફોન પર કોણ હોય શકે ?

'હું હમણાં રિયાને કશું કહેતી નથી, પણ અમે હોસ્પિટલ આવીએ છીએ. અને જો સમીર, પૈસાની ચિંતા ન કરતો, અમે સહુ બેઠા છીએ, આપણા માટે તો માયા બચી જાય એ જ સહુથી મહત્વની વાત છે...'

સામે બેઠેલી આરતી એટલું તો સમજી શકી કે ફોન પર વાત કરનાર રિયાની મિત્ર માયાનો ભાઈ સમીર હતો, માયા હોસ્પિટલમાં છે એ તો સમજાયું પણ મામલો શું છે એ તો વાત પરથી ન સમજાયો.

ફોનનું રીસીવર ક્રેડલ પર ગોઠવતાંની સાથે જ માધવીએ આરતી સામે જોયું : માયાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ટીક ટ્વેન્ટીની બોટલ આખેઆખી ગટગટાવી ગઈ છે..હાલત સિરિયસ છે. બચે એવું અત્યારે તો લાગતું નથી.

' શું ? માયાએ આવું કર્યું ? પણ કેમ ? એવું તો શું થઇ ગયું ? હજી થોડા દિવસ પહેલાં તો પતંગિયાની જેમ અહીં ફરતી હતી..' આરતીને માયાની વાત સાંભળીને ઝટકો લાગ્યો હતો પણ મૂળ આંચકો તો હજી આવવો બાકી હતો.

'માસી, સમીર એ જ કહેતો હતો કે આ બંને ફિલ્મ માટે ચક્કર મારતા હતા, એ માટે પોર્ટફોલિઓ કરાવવા ઘરમાં ચોરી પણ કરી હતી માયાએ, ખબર ઘરમાં પડી એટલે સ્વાભવિકરીતે ઘરમાં સહુએ એને વઢી નાખી અને બાકી હતું તેમ એ એક પણ જગ્યાએ સિલેક્ટ નહોતી થઇ, પહેલીવાર વઢ નહોતી પડી પણ આ ઉપરાછાપરી રીજેકશન ને ઉપરથી ઘરમાં કંકાસ બેઉ ભેગાં થઇ ગયા, છોકરી માનસિકરીતે ભાંગી પડી, એટલે કદાચ... ' માધવીના અવાજમાં અજાણતાં જ સહાનુભૂતિ ભળી ગઈ.

'મધુ, હવે તું કંઈ સમજે છે ? ' આરતીએ શાંતિથી પોતાને કહેવી હતી તે વાત માધવી સામે મૂકી દીધી : ધારી લે કે માયાના સ્થાને રિયા હોત તો ?

માધવી વિચારમાં પડી. પોતે આવું તો કંઇ વિચાર્યું જ નહોતું.

'તને હમેશા એમ લાગે છે કે હું એમ જ રિયાની હામાં હા કરું છું પણ મધુ, તું જ વિચાર, તું જ જો કે તારું વર્તન હમેશા રોમા તરફ રહ્યું છે. તારી જાતને પૂછ્યું છે છે ખરું કે એનો વાંક શું છે ? એનો વાંક એટલો જ કે દેખાવમાં એ તને રાજાની યાદ અપાવતી રહે છે ? તું જે રીતે એને જાણતાં અજાણતાં ધુત્કારે છે ને તે મારાથી જોવાતું નથી. ને આ જે ફિલ્મનું ભૂત એને માથે સવાર થયું છે એ કદાચ પોતાને સાબિત કરવા માટેનું એક પગલું છે. રિયા પોતે જાણે છે એ ન તો રોમા જેવી ગોરી છે ન એના રૂપાળી, અને એને તો ખબર નથી તારું ધુત્કારનું સાચું કારણ, એટલે એ સમજે છે કે રોમા સુંદર છે એટલે તું એને વધુ ચાહે છે, તારી આંખોમાં ઉઠવાના આ પ્રયાસો છે મધુ, ને તું એ જોઈને પણ સમજી નથી શકતી ?'

માયાના આપઘાતના પ્રયાસના એક જ ખબરે માધવીની આંખો ખોલી નાખી હોય તેમ એ પોતાની જાતને ગુનાહિત મહેસૂસ કરી રહી. : માસી, તમારે મારી સાથે હોસ્પિટલ આવવાની જરૂર નથી, તમે હવે ઊંઘી જાવ, પણ મારું જવું જરૂરી છે. હું હોસ્પિટલ એક આંટો મારી આવું, સમીર કહેતો હતો માયાની હાલત ગંભીર છે. મારે તો જવું જ પડશે.

***

' સો ગર્લ્સ, લિસન ટૂ મી કેરફુલી, તમને હવે સેતુમાધવન સરનો માણસ એકાદ સ્કીટ હાથમાં પકડાવશે. મોટે ભાગે ક્યાં તો એ લવ સીન હશે કે ટ્રેજેડી ડ્રામા, એ સરખી વાંચીને મનોમન આખો સીન વિચારી લેજો. સીન તમારે પોતે વિઝ્યુલાઈઝ કરવાનો છે. ને યાદ રાખજો કે એક અમૂલ્ય તક તમને મળી છે એ હવે ગુમાવવી કે ઝડપવી તમારા હાથમાં છે. ' કાસ્ટિંગ ડિરેક્ટર મહેર હતી પારસી, રીતુની મિત્ર હતી એટલે મિત્રને મદદ કરવાને નાતે બની શકે ત્યાં રીતુના કેન્ડીડેટને કામ અપાવવાનો યથાશક્તિ પ્રયત્ન કરતી હતી. ઉંમરમાં થોડી મોટી એટલે કદાચ આ છોકરીઓ પર એને થોડી સહાનુભૂતિ થઇ રહી હતી. રિયા સાથે બીજી સાત આઠ યુવતીઓ હતી. બધી સેમીફાઈનલ સુધી તો આવી ચુકી હતી અને હવે વાત હતી ફાઈનલની.

હજી કોઈ પૂછપરછ છોકરીઓ કરે એ પહેલાં તો યુનિટનો બોય આવતો દેખાયો . તેના હાથમાં હતા ફૂલસ્કેપ કાગળની નાનકડી થપ્પી.

એક પછી એક કાગળ એને બધી છોકરીઓના હાથમાં થમાવી દીધા.

'જ્હોની, શું છે આજનો પ્રોગ્રામ ? ' મહેરે માત્ર ઔપચારિકતા માટે પૂછ્યું હોય તેમ વધુ લાગ્યું , પણ એનો ઈરાદો તો આજકાલ પ્રભાત ફિલ્મ્સમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો વધુ હતો. પોતાના ઉમેદવારમાંથી પસંદગી થાય તો નાણાંકીય ફાયદો તો ખરો જ પણ પોતાનું નામ વધુ ઊંચું થઇ જાય તે છોગામાં.

'આજે તો હેવી ડે છે ને, આ આઠ પછી મેલ આર્ટીસ્ટ સિલેકશન પણ આજે જ પૂરું કરવાનું છે. આવતા મહિનાથી શૂટ શરુ થાય છે તેમ સાંભળ્યું છે ..'

'મારા મેલ આર્ટીસ્ટ પણ છે... ' મહેર જ્હોનીને કહી રહી હતી. ટાઈમપાસ ગોસીપ પણ રિયાનું ધ્યાન એ બધામાં નહોતું. એનું ધ્યાન હતું સ્કીટમાં લખાયેલાં સીન અને ડાયલોગ પર.

એ તો ન હતા કોઈ લવ સીન ન કોઈ ટ્રેજેડી સીન.

'અરે જ્હોની, આ નવા આર્ટીસ્ટ પાસે અન્ડર પ્લે સીન્સ કરાવશો ? જરા સમજીને તો સીન આપવા જોઈતા હતા ને !!' મહેરે પાસે ઉભેલી એક યુવતીના હાથમાંથી પેજ લઈને સ્કીટ વાંચી લીધી હતી.

'અરે પણ આ તો જ કેરેક્ટર છે મેઈન, એટલે તો આટલી મગજમારી છે. ફિલ્મ લો બજેટ છે ને આની પર પ્રભાત ફિલ્મ્સે તરવાનું છે બોસ, એટલે આટલામાં સમજી જા. ' જ્હોનીએ મહેરને દબાયેલા અવાજે કહેલી વાત બીજા કોઈને કાને પડી કે નહીં એ તો ખબર નહીં પણ રિયાના કાન સરવા કરી ગઈ.

રિયાએ ફરી ધ્યાનથી પેજમાં સાઈકલોસ્ટાઈલ કરેલી મેટર વાંચી. સંવાદ હતા બાપ દીકરીની વાતના. જેની પરથી ફિલ્મનું પોત અનુમાન કરી શકાતું હતું. એટલે કે લો બજેટની સંવેદનશીલ ફિલ્મ, જો એમાં કાઠું કાઢી શકાય તો કંઈ વાત બને.

રિયાએ જોયું બધી જ છોકરીઓ કાગળમાં લખેલાં સંવાદ રટવામાં મશગૂલ હતી. એ એક તરફ બેસી ગઈ. મહેર અને જ્હોની ગુસપુસ કરતાં રૂમ છોડી ગયા હતા.

' શ્રધ્ધા આચાર્ય ...' થોડીવાર પછી અચાનક જ જ્હોનીએ આવીને નામ પોકાર્યું.

પોતાની સાથે જ આવેલી યુવતીઓમાંની એક ઉભી થઇ અને જ્હોની સાથે ચાલવા લાગી.

સહુ કોઈના જીવ તાળવે ચોંટ્યા હોય તેમ ઉચક જીવે પ્રતીક્ષા કરતાં રહ્યા. શ્રધ્ધા તો પાછી ન આવી પણ જ્હોની આવતો દેખાયો : મીનાક્ષી વર્મા...

એ પછી તો એક પછી એક વારા આવતા રહ્યા, પદ્મિની, યોગિતા, પૂનમ...

છેલ્લે વારો આવ્યો રિયાનો. : રિયા સેન, જ્હોનીના અવાજમાં કંટાળો હતો.

રિયા જ્હોનીની પાછળ પાછળ ચાલતી રહી. લાંબી એક લોબી પસાર કર્યા પછી એક મોટી કેબીન જેવો કમરો દેખાતો હતો. બહાર વેઈટીંગ રૂમ હતો અને અંદર સેતુમાધવનનું ચેમ્બર એટલી અટકળ તો રિયા કરી શકી.

'તમે બાજુના રૂમમાં જાવ, સર ત્યાં હશે ...' જ્હોનીએ થોડીવાર પછી આવીને કહ્યું, એ આગળ રહી દોરતો હોય તેમ સાથે આવ્યો પણ ખરો.

રિયા હળવે પગલે એની પાછળ દોરાઈ રહી.

રૂમ ખાસ મોટો નહોતો પણ નાનો ય નહોતો. કેમેરા અને લાઈટ્સને કારણે કદાચ સંકડાશ લાગી રહી હતી.

' ઓકે.. સો શેલ વી સ્ટાર્ટ ? ' એક સાઉથ ઇન્ડિયન લાગતાં માણસે કહ્યું.

'સર માટે રાહ નથી જોવી ? ' બીજાએ પ્રશ્ન કર્યો.

'ના, હવે કદાચ નહીં આવે... આપણે જ પતાવી દઈએ...' ત્રીજો બોલ્યો.

રિયાનું મન નિરાશાથી ભરાઈ ગયું.મુખ્ય માણસ પોતે સિલેકશન ન કરી શકે એટલે એનો અર્થ હવે કોઈ ઉમ્મીદ જ નહોતી.

'યેસ યંગ લેડી,આર યુ રેડી ?' સહુથી યુવાન દેખાતાં વ્યક્તિએ પૂછ્યું.

જવાબમાં રિયાએ માત્ર ડોકું ધુણાવ્યું. વાત માત્ર પંદર મિનીટની હતી. લાઈટ્સ કેમેરા ઓન થયા. રિયાએ કોઈ કચાશ ન રાખવી હોય તેમ દિલ દઈને પ્રયત્ન કર્યો હતો, એઅંદેશ તો આવી ગયો હતો કે પોતે લગભગ તો સિલેકશનમાંથી આઉટ જ હશે, છતાંય ડૂબતો તરણું પકડે એવા કોઈ ઉદ્દેશથી રિયા કોઈ કસર છોડવા માગતી નહોતી . બાકી હોય તેમ રિયાને માયા સતત યાદ આવતી રહી. એ તો બાજી મંડાય પહેલા મનથી હારી ચૂકી હતી. કદાચ આજે એટલે જ આજે ગેરહાજર રહી હતી ને !!

રિયાને ત્યારે ક્યાં ખબર હતી કે માયા બાજી મનથી જ નહીં જિંદગીથી હારી રહી હતી. નાણાવટી હોસ્પિટલમાં ડૂબતાં જતાં શ્વાસ હવે માત્ર સમયની ટીક ટીક પર ટક્યા હતા.

રિયા જયારે બહાર નીકળી હતી ત્યારે મન એટલું વ્યગ્ર હતું જેટલું પ્રવેશતાં ઉત્સાહિત હતું.

ઘરે આવીને એ ચૂપચાપ પોતાના રૂમમાં ભરાઈ ગઈ. મમ્મીને તો જોઈતી હતી તે જ તક મળી જવાની હતી ને ! રિયા મમ્મી શું પૂછશે અને પોતે શું જવાબ આપશે, દલીલો કરશે એ વિષે વિચારતી રહી. મનમાં કંઇક વલોવાતું રહ્યું.સાંજ ઉતરી રહી હતી. ભૂખરી, ઉદાસ અને બોઝિલ, પોતાના મન જેવી, રિયાને લાગ્યું. અંધારામાં બેસી રહીને દિલને શાંતિ વળતી હોય તેવું અનુભવાતું રહ્યું : આખરે પોતે જ કેમ આટલી અનવોન્ટેડ હશે ? વારંવાર ઉઠતાં આ પ્રશ્નનો જવાબ જ ક્યારેય ન મળતો.

બહાર ફોનની રીંગ રણકી રહી હતી. ક્યારેય ફોન ન ઉઠાવતી રિયાને પહેલીવાર જાણે કોઈ કહી રહ્યું હતું : ફોન ઉઠાવ રિયા, ફોન ઉઠાવ...

'હલો... ' ઈચ્છા ન હોવા છતાં લિવિંગરૂમમાં જઈને રિયાએ રીસીવર ઉઠાવી કાને માંડ્યું.

'રિયા, આખરે એ જ થયું... ' સામે છેડે સમીરના અવાજમાં કંપ હતો. સમીર માયાનો ભારાડી ભાઈ, કદાચ ગુસ્સાથી પાગલ થઇ ગયો હશે એટલે અવાજ ધ્રુજી રહ્યો હશે ?

'વેઇટ સમીર, મને સાચે નથી ખબર માયા ક્યાં છે, આજે એ મને મળી જ નહોતી... ' સમીર સાથે એક મિનીટ પણ જીભાજોડી ન કરવી હોય તેમ રિયાએ કંટાળીને હથિયાર હેઠાં મૂકી દીધા હતા.

'રિયા, મને ખબર છે.... માયા...' સમીરનો અવાજમાં રહેલું હીબકું બહાર આવી ગયું.

'શું વાત છે સમીર ? બધું બરાબર તો છે ને ? ' રિયાના અવાજમાં થડકો આવી ગયો. માયા ને સમીર વચ્ચે ચાલતી રહેતી નાનીમોટી લડાઈઓથી તો પોતે પરિચિત હતી પણ સમીરનો અવાજ તો કંઇક જૂદી જ વાત નિર્દેશ કરતો હતો.

' માયા ઈઝ નો મોર રિયા.....' સમીર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. : એના મોતનું કારણ હું બની ગયો.

'ક્યારે ? ક્યાં ? સમીર!! શું બોલે છે તું ? ' રિયાના હાથપગ ઠંડા પડતાં ચાલ્યા.

એને લાગ્યું કે એ જમીન પર પટકાઈ પડશે ને ત્યાં તો પાછળ આવીને ઉભા રહી ગયેલા નાનીએ એને ખભાથી ઝાલી સોફા પર બેસાડી દીધી.

'નાની.... માયા....' રિયાની કોરી આંખોમાં ચોમાસું ઘેરાઈ રહેલું જોયું નાનીએ, એના બાકીના શબ્દ ગળામાં જામી ગયેલા ડૂમામાં જ અટવાઈ ગયા.

આરતીએ રિયાનું માથું પોતાની છાતીસરસું દાબી દીધું : ન જાણે દૈવની શું મરજી છે ! પણ બધો અન્યાય માત્ર આ છોકરી ને જ ?

ના, બસ. હવે બહુ થયું. હવે તમારે મદદે આવવું જ પડશે !!

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED