આદર્શ ઘરની સાફસફાઈમાં વ્યસ્ત હતો. એ ખાલી કેપરી અને બનિયાનમા જ હતો. અચાનક કબાટ એના પર પડતા તેનો પગ મચકોડાઈ ગયો. અને તેને વાગ્યું પણ ખરું અને એટલામાં જ ડોરબેલ વાગી. આદર્શને ગુસ્સો આવ્યો કે એકતો આ ઉપાધિ થઈ અને હવે કોણ આવ્યું હશે! તેણે દરવાજો ખોલ્યો તો સામે અસ્મિતા ઉભી હતી. "અસ્મિતા તું!" આદર્શ એક્દમ આશ્ચર્ય સાથે બોલ્યો. અને પછી એની માટે પાણી લેવા ગયો અને પાછો ગબડ્યો. "આદર્શ શું કરે છે! આમ કેમ ચાલે છે?" અસ્મિતા એની પાસે ગઈ. "અસ્મિતા એકચ્યુલી મારો પગ મચકોડાઈ ગયો છે. અને પછી આદર્શે વિગતે જણાવ્યું. " તું બેસ અહીં.. "કહી અસ્મિતાએ આદર્શને સોફા પર બેસાડયો. આદર્શ તો અસ્મિતાના સ્પર્શથી જ મુગ્ધ થઈ ગયો. " બાય ધ વે તું અહીં કેમ આવી છે અસ્મિતા! કઈ ખાસ કામ હતું? તારે મને કહેવું હતું ને! હું આવી જાત.. આવી હાલતમા બહુ દોડભાગ કરવી સારી નહીં. "આદર્શે જૂઠી લાગણીઓ અને ચિંતાઓ બતાવતા કહ્યું. " ના ના એટલું કઈ તકલીફ નથી મને.. હું તો એ જણાવા આવી હતી કે પપ્પાએ કોર્ટમાં મેરેજની ડેટ નક્કી કરી છે. પરમ દિવસે બપોરે 12:30 એ જવાનું છે. "અસ્મિતાએ સાદાઈથી કહ્યું. " વાઉ સરસ! તું ખુશ નથી! કેમ આટલી ઠંડી ઠંડી છે? " આદર્શ બોલ્યો. " ના એવું કંઈ નથી "અસ્મિતાએ પોતાની વેદના છુપાવી અને પછી ફિક્કી સ્માઇલ આપી. પછી અસ્મિતા ગ્લાસ મૂકવા અંદર ગઈ તો જોયું તો આખો રૂમ વેરવિખેર હતો. કાગળ, પસ્તી, પેપર વગેરેથી આખો રૂમ ભરેલો હતો.
" આદર્શ આ શુ હાલત કરી છે રૂમની! "અસ્મિતા બોલી.." તું ચિંતા ના કર હું ગોઠવી દઈશ.. "આદર્શ બોલ્યો. આદર્શ ઉઠવા જતો હતો ત્યાં જ અસ્મિતાએ એને બેસાડી દીધો અને કહ્યું," પહેંલા પોતાને સંભાળ પછી રૂમ ગોઠવજે. હું અંદર જઉં છું અને ખબરદાર જો અહીંથી ઊઠ્યો છે "કહી અસ્મિતા અંદર રૂમ ગોઠવવા જતી રહી. આદર્શ સોફા પર બેઠો બેઠો અસ્મિતાના સોન્દર્યમાં ખોવાઈ ગયો અને ઠંડા પવનમાં એની આંખો મીંચાઇ ગઇ... " બાપ રે! કોઈ પેપર પ્રેસમાંય આટલા કાગળ નઈ હોય જેટલા આ આદર્શના રૂમમાં છે! પછી અસ્મિતા બધુ હારબંધ ગોઠવવા લાગી. બધા નકામા કાગળો એક બાજુ, પેપર બીજી બાજુ અને ફાઈલો અલગ બાજુ કરવા લાગી. એટલામાં ઢગલાબંધ કાગળો વચ્ચે એને એક ડાયરી મળી. ડાયરી આમતો ત્રણ ચાર વર્ષ જૂની લાગતી હતી પણ એના પર ધૂળ નહોતી.. અસ્મિતાએ અનાયાસે જ ડાયરી ખોલી તો એમાંથી એક ફોટો સરી પડ્યો. આ ફોટો એક યુવતી નો હતો! દેખાવમાં ખૂબ જ સુંદર અપ્સરા જેવી સુંદર લાગતી હતી. આદર્શની ડાયરીમાં આ છોકરીનો ફોટો! શું તેની કોઈ બહેન હશે? પણ મને તેણે ક્યારેય આના વિશે જણાવ્યું નથી! કે પછી એની કોઈ ગર્લફ્રેન્ડ હશે! આ ફોટો જોઇ અસ્મિતાની ડાયરી વાંચવાની કુતુહલતા વધતી હતી. અને ડાયરીના પાના ઉથલાવવા માંડી.
આમ જ એક પાન ખોલ્યું અને વાંચવા માંડી. "આહાહા આજે પહેલી વાર સાચી હરિયાળી જોઈ. ' સ્મિતા ' જેવું નામ તેવું જ એનું સુંદર સ્મિત, એના વાળ, એનો ચહેરો કાશ એન્યુઅલ ફંક્શનમાં મારી જ સાલસા ડાન્સ પાર્ટનર બને.એણે આગળ ફરી પાનું ખોલ્યું એમાં એની ફ્રેશર્સ કેવી જોરદાર રહી હતી એનું વર્ણન કર્યું હતું એણે ફરી જલ્દીથી ડાયરી ઉથલાવી કારણ કે એણે જાણવું હતું કે એ છોકરી કોણ છે? ફરી પાનું જાતે ખુલ્યું આજે મારી કોલેજની પહેલી ગર્લ ફ્રેન્ડ પ્રિયાની બર્થડે હતી. કાળા અને ગુલાબી ગાઉનમાં બહુજ સુંદર લાગતી હતી. એણે ગિફ્ટ આપતી વખતે પહેલી વખત હગ કર્યું આહાહા... એના ઉભારો સ્પષ્ટ દેખાતા હતા... આગળ વાંચવામાં શરમ આવતા એક પળ માટે ડાયરી બંધ કરી દીધી.શું પ્રિયા એની કોલેજની પહેલી ગર્લ ફ્રેન્ડ હતી તો સ્મિતા કોણ હશે? અને આ ફોટો કોનો હશે? એ બે માંથી કોઈ કે ત્રીજી જ કોઈ?અસ્મિતા ની ધીરજ ખૂટી બહુ જલ્દી એણે બીજા પાના ખોલ્યા આજે ફાઇનલી મારી સગાઈ નક્કી થઈ ગઈ. મમ્મીને મારી પસંદ ગમી ગઈ. બસ હવે લગ્નની વાર છે. આટલું વાંચતા અસ્મિતા બે ડગલાં પાછળ ખસી ગઈ જો આદર્શનું પહેલે થી લગ્ન થઈ ગયું છે તો મારી સાથે કેમ? અને છૂટાછેડા થઈ ગયા છે તો ઉલ્લેખ તો કરવો જોઈએ ને!... સ્તબ્ધ થયેલ અસ્મિતા ફરીથી વાંચવા માંડી. ' માસ્ટર્સમાં થયેલી અમારી પહેલી મુલાકાત પછી, ધીરે ધીરે મિત્રતા વધતી ગઈ. ક્લાસ બંક કરી મૂવી માટે જવું, ગાર્ડન અને કેન્ટીનમાં કલાકો સુધી બેસવું બધું કેટલું સામાન્ય થવા માંડ્યું હતું પણ નિયતી છે જ એટલી સુંદર અને સ્માર્ટ કોઈ પણ આકર્ષિત એકદમ જ થઈ જાય ભગવાને સો ટકા એક્દમ નવરાશથી ઘડી હશે! એની સફેદ ત્વચા,ઉભરાતી જવાની, કોઈ પણ જવાન એણે જોઈને પાગલ થઈ જાય અને ના થાય તો જ નવાઈ!.. બસ એકવાર લગ્ન થાય એટલે સંપૂર્ણ પામીશ મિસીસ આદર્શ તરીકે...
હવે અસ્મિતા સંપૂર્ણ સચ્ચાઈ જાણવા અધિરી બની. થોડા પાના ઉથલાવતા એક પાન મળ્યું.
મંદ મંદ વહેતા પવન અને શિશિરની ઠંડીમાં પહેલી વખત સંપૂર્ણ સૌંદર્ય જોયું નિયતિનું બધી રીતે પરફેક્ટ હતી બસ હવે જલ્દી ખુશખબર આપે... આગળ વાંચવાની અસ્મિતાની હિંમત ન થઈ.
આદર્શ એની ડાયરી એ રીતે લખતો જાણે કોઈ ક્યારેય વાંચવાનું જ નહોતું જોકે એ કોઈ ના હોય ત્યારે જ લખતો અને તરત છુપાવી પણ દેતો.. કદાચ નિયતી પણ નહોતી જાણતી કે આદર્શ ડાયરી લખતો હશે...જો નિયતી મને ટેસ્ટી રેસ્ટોરન્ટમાં મને ગેલીના જોડે ગળે મળતા અને પછી પાર્કિંગ આગળ કિસ કરતા જોઈ ન ગઈ હોત તો એ મારી પાસે હોત... હવે મારે મારી ભૂખ સંતોષવા નવી સુંદરી શોધવી પડશે કામ અઘરુ છે પણ અશકય તો નથી જ...
અસ્મિતાને આંખો પર વિશ્વાસ નહોતો થતો. હજી રૂમ મા આવ્યે કલાક ય નહોતો થયો ને આટલા મોટા ઝટકા મળી ગયા હતા. આદર્શની પત્ની નિયતિ, તેનો પુત્ર સમીર, આદર્શના બીજી સ્ત્રીઓ સાથે અત્યંત આગળ વધેલા અનૈતિક સંબંધો! એની ગંદી વાસનાઓ! બધું વાંચી અસ્મિતા આભી બની ગઈ.. ઉપરાંત નિયતિ સાથે લગ્ન પછી પણ આડા સંબંધો! નિયતિ એને બીજા સાથે જોઈ ગઈ હતી એટલે જ સમીરને લઈ પોતાનો ઘર સંસાર સમેટી જઈ ચૂકી હતી. એટલામાં નાના બાળકનો ફોટો પણ પડ્યો એટલે સ્પષ્ટ હતું કે એ સમીર જ છે! અસ્મિતાને બીજી સ્ત્રી સાથેની વાતચીતથી વાંધો નહોતો પણ આદર્શે જે રીતે સંબંધોનું વર્ણન કર્યું હતું એ પરથી સ્પષ્ટ હતું કે એ કેટલો કામાંધ અને કેરેક્ટરલેસ હતો! છતા અસ્મિતા આગળ વાંચતી ગઈ... 'આજે મેં એક નવી જ અપ્સરા જોઇ. નિયતિને પણ ટક્કર મારે એવી કાયા! એની નાજુકતા.. અને બીજું શું શું લખ્યું હતું એટલે અસ્મિતાએ પણ છી! કહી નજર ફેરવી લીધી! આગળ લખ્યું હતું..' એનું નામ હતું અસ્મિતા! છેલ્લા ત્રણ ચાર દિવસથી એને નિહાળી રહ્યો છું પણ સાલો કઈ મેળ પડતો નથી! છેવટે આજે વાત થઈ ત્યારે નામ ખબર પડી અસ્મિતા.. સુરત નોકરી કરે છે.. કઈ પણ થાય આને તો હું હાથમાંથી નઈ જ જવા દઉં! નિયતિ જો ફૂલની કળી હોય તો આતો આખું ફૂલ જ છે! પણ આ વખતે સાવધાન રહેવું પડશે, નિયતિ વાળી ભૂલ હવે નઈ થાય! પહેલા એને સંપૂર્ણ વિશ્વાસમાં લેવી પડશે, ઉતાવળ નઈ થાય! પાછી આતો નિયતિથી ય વધુ ચાલાક અને હોશિયાર છે! સહેજે શક જશે તો મારી બધી ઈચ્છાઓ પર પાણી ફરી જશે! એકવાર માછલી જાળમાં ફસાઈ જાય પછી જોઉં છું ક્યાંથી છટકશે!' અસ્મિતાના હાથમાંથી અચાનક ડાયરી છટકી ગઈ. એના જોરથી પછડાવાના અવાજથી આદર્શ ઝબકીને જાગી ગયો! અસ્મિતાની આંખોમા આંસુ નઈ પણ ગુસ્સો અને ગંભીરતા હતા... "શું થયું અસ્મિતા?" કરતો આદર્શ રૂમમાં આવ્યો.. અસ્મિતાએ ખૂબ જ સહજતાથી નોર્મલ રીતે પૂછ્યું, "આદર્શ આ નિયતિ કોણ છે?" આદર્શ થોડો નવાઈમાં પડ્યો પણ જાણે કઈ ખબર ના હોય એમ બોલ્યો, "કોણ નિયતિ અસ્મિતા? હું કોઇ નિયતિને નથી જાણતો!" "બરાબર.. તો તો તું સમીરને પણ નહીં ઓળખતો હોય નઈ!" અસ્મિતાએ કહ્યું.. "ના મારો એક કોલેજમાં ફ્રેંડ હતો સમીર!" આદર્શ બોલ્યો.. "અચ્છા બરાબર.. તું સાચે નિયતિને નથી ઓળખતો આદર્શ?" અસ્મિતાએ પૂછ્યું.. "ના અસ્મિતા કેમ આમ પૂછે છે તું કઈ નિયતિની વાત કરે છે મને કશું સમજાતું નથી!" કહી આદર્શ જવા લાગ્યો.. "હું તારી પત્ની નિયતિની વાત કરું છું આદર્શ!" અસ્મિતાએ કહ્યું.. આદર્શ થંભી ગયો અને પાછળ ફર્યો.. "હા આદર્શ હું તારી પત્ની નિયતિ અને તારા કોલેજના ફ્રેંડ નઈ પણ તારા 1 વર્ષના દીકરા સમીરની વાત કરું છું.." અસ્મિતાએ કહ્યું.. આદર્શ અસ્મિતાની નજીક આવ્યો અને એના બંને હાથથી એના ખભા પકડયા.. "અસ્મિતા તું શું બોલે છે! મને કઈ સમજાતું નથી!!" આદર્શે કહ્યું.. અસ્મિતા પોતાના ખભા ઊંચા કરી આદર્શનો હાથ હટાવી બોલી, "નાટક કરવાનું બંધ કર આદર્શ! હું બધુ જાણી ચૂકી છું.. મારે તારી સાથે લગ્ન નથી કરવા! આ મારી અને તારી છેલ્લી મુલાકાત છે.. બાય!" કહી અસ્મિતા નીકળવા લાગી.. તો આદર્શે કહ્યુ, "હા! તું જે કાંઈ પણ કહે છે એ સાચું છે.. બસ! હું સ્વીકારી રહ્યો છું.." આદર્શના અવાજમાં ગુસ્સો હતો અને એની સાથે જ એ આગળ બોલ્યો, "પણ તું પોતાની જાતને શું સમજે છે!" અસ્મિતા થોભી હતી.. "તે પણ તો ઓમ સાથે લગ્ન કર્યા હતા ને! તું પણ તો એના સંતાનને જન્મ આપવાની છે! તો આપણા બંનેમાં શો ફરક!" આદર્શ ગુસ્સામાં બોલ્યો.. "શું બોલ્યો તું? ફરક.. આપણા બેમાં શો ફરક! અરે જમીન આસમાનનો ફરક છે તારામાં અને મારામાં! મેં ઓમને સાચો પ્રેમ કર્યો હતો તારા જેમ કોઈની સાથે દગો નથી કર્યો! છળ તો મારી સાથે થયું છે.. સમજયો! અને હા તું તો નિયતિ ને ય ક્યાં પ્રેમ કરતો હતો! તે તો ખાલી તારી વાસનાઓ માટે એનો ઉપયોગ જ કર્યો છે ને! એને છેતરી જ છે ને! " " અસ્મિતા.. "આદર્શ જોરથી બોલી ઊઠ્યો.." અવાજ ઊંચો કરીશ તો કશું બદલાઇ નઈ જાય.. અને હા! નિયતિ તને છોડીને ગઈ એ પાછળ પણ તું જ જવાબદાર હતો ને! તારા કામાંધ અને આડા સ્વભાવને લીધે જ એ જતી રહી.. પણ તું સુધર્યો નહીં આદર્શ! નિયતિ પહેલા અને પછી પણ કેટલીય સ્ત્રીઓ સાથે.. મને તો બોલતાય શરમ આવે છે! અને મારી સાથે પણ લગ્ન કરવા કેમ તૈયાર થયો છે એ પણ હું જાણું જ છું કે તું મારા વિશે શું વિચારે છે! સારું છે આજે નીતા આન્ટી તારા મમ્મી હયાત નથી નહીં તો આ બધું જાણીને જીવતા જ નરક અનુભવત!" "બસ અસ્મિતા! હવે ચૂપ થઈ જા! તું શું સમજે છે તું બહું સાવિત્રી છે! અરે કોણ રાખવા તૈયાર થાત તને! એક તો તું તલાકશુદા છે અને બીજવર શોધે છે! કોણ પાલવત તને અને તારા આ નાપાક સંતાન ને!" આદર્શ બોલ્યો.. "આદર્શ" કહી અસ્મિતાએ જોરથી આદર્શને લાફો મારી દીધો.. "તારી હિંમત પણ કઈ રીતે થઈ આ બોલવાની!" અસ્મિતાએ કહ્યું.. "તે મને લાફો માર્યો..! અસ્મિતા મને!" કહી આદર્શે અસ્મિતાને જકડી લીધી.. આદર્શની અંદરનો રાક્ષસ જાગી ઊઠ્યો હતો.. આદર્શ છોડ મને કહી અસ્મિતા પોતાને છોડાવા પ્રયત્નો કરી રહી હતી પણ આદર્શ એને છોડી રહ્યો નહોતો. "તું હવે બધું જાણી જ ગઈ છે તો હવે તને છોડવાનો કોઈ મતલબ નથી..! હું મારા બધા અરમાનો આજે જ પુરા કરી લઈશ! અસ્મિતા આદર્શની નિયતથી વાકેફ હતી એટલે એ ગભરાઈ ગઈ..માત્ર ત્રીસ મિનિટના ગાળામાં આદર્શની ત્રીસ વર્ષની જીંદગીની લગભગ બધી સચ્ચાઈ અસ્મિતા જાણી ગઈ હતી સ્કૂલ ગર્લફ્રેંડ સ્મિતાથી લઈને માત્રને માત્ર વાસના માટે ઉપયોગ કરનાર નિયતી સુધી તમામ વાતો ખુલી ચૂકી હતી. અસ્મિતા હવે આ ઘર છોડીને તરત ભાગી છૂટવા માંગતી હતી અને આદર્શ અસ્મિતા પ્રત્યેની પોતાની વાસનાની ભૂખ સંતોષવા ભૂખ્યાં વરુની જેમ તત્પર હતો એણે માત્ર ભૂખ નહોતી સંતોષવી પણ અસ્મિતાએ પોતાને મારેલા થપ્પડનો બદલો પણ લેવો હતો એટલે જ એણે અસ્મિતાને પોતાની બાહોમાં જકડી લીધી અને એના હોઠ અસ્મિતાનો સ્પર્શ મેળવવા હતા એટલામાં જ અસ્મિતાએ બળ કરીને આદર્શને દૂર હડસેળી દીધો અને પોતે મુખ્ય રૂમ તરફ ભાગી. એ દરવાજા સુધી જાય એ પહેલાં જ આદર્શે જોરથી કસીને એનો હાથ પકડી લીધો અને અસ્મિતાની ઓઢણી ખેંચી. અસ્મિતા હાથ ઉપાડવા જતા આદર્શે તરત પકડી લીધો અને આદર્શે જ ઊલ્ટો એક લાફો ઝીંકી દીધો અને દીવાલ સુધી લઈ જઈ ફરીથી કિસ કરવા ગયો આ વખતે અસ્મિતાએ આદર્શના ગાલ પર નખથી ઘણા વાર કર્યાં અને એટલે જ આદર્શના ગાલમાંથી લોહી નીકડવા લાગ્યું. અસ્મિતા જેટલા પ્રહાર કરતી આદર્શ એટલો જ વધુને વધુ ઉગ્ર બનતો જતો. આદર્શે અસ્મિતાના ડ્રેસની બાંય ફાડી નાખી અસ્મિતા પાણી પાણી થઈ ગઈ શું કરવું એવું વિચારવા લાગી અને ભગવાનનું નામ લઈ હતું એ બધું જોર લગાવી ફરી એક વાર આદર્શને ધક્કો મારી દીધો. આદર્શ છેક સામેની દીવાલે જઈને અથડાયો આદર્શ તરત ઊભો થયો અને ભાગવા જતી અસ્મિતાને જોરથી નીચે ફેંકી દીધી અને જોરથી બરાડ્યો "બહુ હિંમત આવી ગઈ છે અસ્મિતા?? જોજે આ હિંમત તારા બાળકને ભારે ના પડે.!!" અને હસવા માંડયો. અસ્મિતા ફર્શ પર રીતસરની ફસડાઈને પડી હતી એ સમજી ગઈ જો એ હવે જલ્દી કાંઈ નઈ કરે તો હું મારા ઓમ અને મારા પ્રેમની આખરી નિશાની પણ ગુમાવી બેસીશ. એણે થયું પણ ખરું કયા હકથી ઓમને પોતાનો ગણી રહી હતી પણ એની પાસે એ બધું વિચારવાનો સમય જ ક્યાં હતો!... એ આખરી વખત પોતાની રહીસહી તાકાત ભેગી કરી અને ઉભી થઈ. આદર્શ એની નજીક આવે એ પહેલાં જ બે પગ વચ્ચે લાત મારી દરવાજા તરફ ભાગી અને એની બુદ્ધિ સાચા સમયે દોડતા દરવાજાને બહારથી સાંકળ મારી દીધી અને એટલે જ એ થોડા સુરક્ષિત કહી શકાય તેવા ભાગમાં હતી...
***
ઘરે અસ્મિતાના મમ્મી અને પપ્પા ચિંતા કરતા હતા આટલી વાર થઈ છતાં અસ્મિતા ન આવી.એ અને બાળક સુરક્ષિત તો હશે ને! એટલે નિર્મિતા બેને અસ્મિતાને ફોન જોડ્યો પણ રીંગ ઘરમાં જ વાગતી હતી! આ અસ્મિતા પણને, ફોન ઘરે છોડીને જ જાય છે અને અહીં આપણી ચિંતામાં વધારો કરે છે...
***
‘આ વખતે તો ભાગી ગઈ સાલી, પણ હવે જશે ક્યાં? એની પાસે છૂટકો જ ક્યાં છે? મારી સાથે લગ્ન કર્યા સિવાય? એક એક થપ્પડ અને એક એક લોહીની બુન્દોનો હિસાબ લઈશ ’પોતાના લોહી વાળા ગાલ પર હાથ ઘસતા ઘસતા બોલ્યો. ‘અને આ વખતે તો એવો બદલો લઈશને કોઈ મર્દ પર હાથ ઉઠાવવો તો દૂર આંખ ઉઠાવીને જોતા પહેલા વિચાર કરવો પડશે ’પણ આદર્શ ક્યાં જાણતો હતો કે અસ્મિતા તો....
***
અસ્મિતાએ બહાર નીકળીને બે મિનિટ શ્વાસ લીધો અને પોતાની હાલત જોઈ ત્યારે ખબર પડી કે એને હાથે અને ગળામાં ઈજા થઈ છે પોતાના જીવ બચાવવામાં અત્યાર સુધી એનું ધ્યાન એ તરફ ગયું જ નહી!તદુપરાંત એક બાજુની બાંય પણ ફાટી ગઈ હતી.ઓઢણી તો આદર્શે ખેંચી લીધી હતી અને એ ત્યાં જ ભૂલી ગઈ હતી. એ એકવાર પડી ગઈ એટલે પગમાં પણ ઇજા થઇ હતી અને પોતાને બચાવવા માટે એણે ઘણી તાકાત વાપરી દીધી હતી અને ઉપ્પરથી ગર્ભકાળનો છેલ્લો મહિનો એની તકલીફો વધારી રહી હતી...!! છતાંય એ યંત્રવત્ બની ચાલતી જ જતી હતી અને મગજનાં વિચારો પણ... આદર્શ સાથેની પહેલી મુલાકાત, એ બેની દોસ્તી થવી, એટલામાં ઓમની બોસ તરીકે એની કંપનીમાં આવવું, શરૂઆતની નોકજૉક બાદ બંને વચ્ચે દોસ્તી થવી અને એણે ઓમ પ્રત્યે આકર્ષણ થવું!, બંનેના લગ્ન થવા બધું ફરી એક વાર યાદ આવવા માંડ્યું અને ફરી વિચારવા લાગી કે સારા દિવસો દેખાવા, પણ પ્રતિકા નામનું ગ્રહણે મારી બધી ખુશી છીનવી લીધી ઓમે આપેલ ધોખો યાદ આવતા એની આંખમાંથી આંસુ આવી ગયા એણે ક્યારેક એવું થતું કે સીધી જઈને ઓમને પૂછી લે કેમ આવું કર્યું? પણ એની હિંમત જ ન થતી અને પોતાની ઇચ્છા દબાવી દેતી...
એટલામાં અસ્મિતાને પેટમાં કોઈએ લાત મારી હોય એવું લાગ્યું પણ એણે એ નજરઅંદાજ કર્યું અને ફરી વિચારોમાં ખોવાઈ ગઈ કે કેવી રીતે આદર્શનું ફરીથી મારી જિંદગીમાં આવવું, વિવાહનો દિવસ, બાપ રે! મારા જીવનમાં બહુ ઓછા સમયમાં કેટલું બધું બની ગયું! હું સીધી સાદી જીંદગી જીવવા માંગતી હતી એના બદલે ખાડા - ટેકરાથી ભરપૂર જીવન નિકળ્યું... શું હું ફરી ક્યારેય ખુશ થઈ શકીશ? ઓમ સાથે મારો સંસાર કેટલી સારી રીતે ચાલતો હતો... કાશ! પ્રતિકા આ કંપનીમાં જ ન આવી હોત? કાશ હું એ વખતે પાછી સુરત ન ગઈ હોત તો ભલે સચ્ચાઈ ખબર ન પડત પણ મારું જીવન તો શાંતિથી ચાલ્યા કરતું! જાગૃતિબેન, રિંકલ બધાં કેટલા સારા છે માત્ર એક વ્યક્તિના લીધે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ.અસ્મિતાના પગમાં હવે વધારે જોર નહોતું. એણે ચક્કર જેવું લાગતા નજીકમાં નદી કિનારે થાક ખાવા અનાયાસે બેસી પડી.
નદી કિનારે પડેલા 3-4 પત્થર હાથમાં લીધા અને વારાફરતી પાણીમાં ફેંક્યા અને બનતા વમળને જોયા કર્યું. પણ હવે અહીંથી આગળ શું? એવું વિચારવા લાગી...
આટલું જાણ્યા પછી હું આદર્શ સાથે લગ્ન કરું એટલી મૂર્ખ નથી અને એ શકય પણ નથી.
ઓમના ઘરે તો પગ પણ ના મૂકુ.
આવી હાલતમાં ઘરે પણ કેવી રીતે જાઉં? આદર્શની સચ્ચાઈ કહીશ તો માનશે ખરા?
અને જો સચ્ચાઈ ના કહું તો લગ્ન ન કરવાનું બહાનું શું આપું?
લગ્ન નહીં કરું તો મારા સંતાનના ભાવિનું શું? સીંગલ મઘર માટે ઉછેર કેટલો અઘરો છે હું જાણું છું અને હવે કોઈની સાથે લગ્ન કરવાની હિંમત જ નથી!!... અને અસ્મિતા રડી પડી.
હવે મને એક જ રસ્તો દેખાય છે બધાં દરવાજા બંધ છે એક જ બારણું ખુલ્લુ દેખાય છે યમનો દરબાર ત્યાં તો મને નિરાશા નહીં જ મળે!....
એક વખત તો એણે એના મમ્મી પપ્પા, આકાશ અને સંતાનનો વિચાર પણ આવ્યો પણ સામનો કરવાની એનામાં હિંમત નહોતી. એટલે એ નદી કિનારે જ પડતું મૂકવાનું અને જળદેવતામાં જ સમાઈ જવાનું વિચારે છે. એ મનમાં નિશ્ચય કરીને ઊભી થઈ અને સરિતામાં ઝંપલાવવા તરફ ડગ આગળ વધારે છે....
- અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ