Dayavan Hruday books and stories free download online pdf in Gujarati

દયાવાન હ્રદય

દયાવાન હ્રદય

આ એક સત્ય વાર્તા છે. મેં USની મુલાકાત દરમ્યાન રેડિયો પર સાંભળી હતી. આ વાર્તા દુનિયાના સૌથી મોટા શહેર ન્યુયોર્કમાં બની હતી.

એ વખતે શિયાળો હતો. સાંજના સમયે, એક ચિંતાગ્રસ્ત સ્ત્રી રોડની બાજુમાં ઊભી રહી ઠંડીમાં ધ્રૂજતી હતી. એણે જૂનો કોટ પહેરેલો હતો. એની સાથે એક નાની પાતળી છોકરી હતી. જે દેખાવે સાવ બીમાર અને વાળ વગરના માથે ઊભી હતી. એણે એની માપ કરતાં પણ મોટો ડ્રેસ પહેરેલો હતો જે કદાચ કોઈએ એને દયાથી આપી દીધો હશે. એમને દેખતા એટલું તો સાફ દેખાઈ આવતું હતું કે એ બન્ને સાવ ગરીબ અને નિરાશ્રય હતા. એ છોકરીના હાથમાં એક કાર્ડબોર્ડ હતું જેના પર લખ્યું હતું: “હું કેન્સરની દર્દી છું. પ્લીઝ મદદ કરો.”

માતા ભીખ માટે કટોરો લઈને ઊભી હતી. જ્યારે પણ ટ્રાફિક લાઇટ લાલ થતી ત્યારે બન્ને લોકો પાસે જતાં અને એમને રોડ પર ઊભા રાખી મદદ માંગતા.

અમેરિકા એ પૈસાદાર દેશ છે, પણ જો તમે બીમાર હોવ અને તમારી પાસે ઈન્સ્યોરન્સ ન હોય તો પછી ત્યાં તમને કોઈ સપોર્ટ કરવાવાળું નહીં મળે. લોકો જ્યારે કોઈને મદદ માંગતા જોવે ત્યારે સાવ થોડાક પૈસા આપતા હોય છે. આ પ્રકારની હાલત ઇન્ડિયામાં સાવ સામાન્ય જોવા મળતી હોય છે. આપણે એવા કેટલાય ભિખારીઓ જોઈએ છીએ જે નાના બાળકોને કાખમાં તેડી કટોરો લઈને ભીખ માંગતા હોય છે. પણ અમેરીકામાં આવું જોવા મળતું નથી. લોકો એ કમનસીબ સ્ત્રી અને બાળકને જોઈને માત્ર દયા જ અનુભવતા હોય છે.

એક દિવસ, એક પોલીસમેન ત્યાંથી પસાર થતો હતો ત્યારે એની નજર એમની પર પડી. એણે એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને નોટિસ કર્યું કે એ નાની છોકરીની સુજેલી આંખો અને માથે ટાલ જોઈને એ ખરેખર ખૂબ બીમાર દેખાતી હતી. એ એમને મદદ કરવા ઈચ્છતો હતો એટ્લે એણે પાકીટ ખોલ્યું. પાકીટમાં નોટોનું બંડલ હતું જે હમણાં જ એ બેન્કમાંથી લઈને આવતો હતો. આ વખતે એને ઉત્તમ કામ નિભાવવા બદલ ખૂબ જ સરસ બોનસ મળ્યું હતું. એણે વિચાર્યું, ‘મારી પાસે સરસ પરિવાર છે, સાર-સંભાળ રાખવાવાળી સરસ પત્ની અને પ્યારો દીકરો છે, ભગવાનની અત્યાર સુધી મારા પર ઘણી કૃપા રહી છે. પણ આ કમનસીબ લોકો પાસે એક વસ્તુ પણ નથી જે મારા પાસે છે. એમાં એમની કોઈ ભૂલ નથી કે ભગવાને એમના પર દયાળુ નથી રહ્યા.’ એણે એની પત્ની અને દીકરાને આપેલું પ્રોમિસ યાદ આવ્યું કે જ્યારે એને બોનસ મળશે ત્યારે એ પૈસા એમના માટે વાપરશે. થોડીકવાર મન અવઢવતામાં મૂંઝાયું. પછી એણે નક્કી કરી લીધું અને બેન્કમાંથી લીધેલા બધા પૈસા એ ગરીબ સ્ત્રીને આપીને કહ્યું, ‘પ્લીઝ, તમારા બાળકની કાળજી રાખજો’

જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે એનો દીકરો દરરોજની જેમ દરવાજાની સીડીઓ આગળ આવીને ભેટી પડ્યો. ઘર એકદમ હુંફાળું અને સરસ હતું. એ એની પત્ની સામે બેઠો અને બારી બહાર પડતાં સ્નો-ફોલ જોઈને આખી ઘટના એની પત્નીને કહી સંભળાવી. આખી ઘટના સાંભળ્યા પછી એની પત્ની થોડીકવાર શાંત બેસી રહી, પછી એમની સામે જોઈને હુંફાળું સ્મિત કર્યું. પણ એમનો દીકરો આ ઘટના સાંભળીને ગુસ્સે હતો. એણે કહ્યું, ‘ડેડ, તમને એવું પાક્કું કેવી રીતે કહી શકો કે એ બન્ને તમારી જોડે છેતરપિંડી નથી કરી? અને જો તમે એમને મદદ કરવા ઇચ્છતા હતા તો તમે એ પૈસામાંથી થોડાક પૈસા પણ એમને આપી જ શકતા હતા ને! તમે બધા પૈસા કેમ આપી દીધા?’

પોલીસમેન એની વાત પર હસ્યાં પછી કહ્યું, ‘બેટા, તને ખબર નથી કે ગરીબી શું છે. હું કામ કરું છું ત્યાં એવા કેટલાય કમનસીબ ગરીબ લોકોને મળું છું.’

દિવસો પસાર થઈ જાય છે ને બધા બધુ ભૂલી જાય છે.

એક દિવસ છાપામાં એક સમાચારે એ છોકરાનું ધ્યાન ખેંચ્યું, ‘માતા અને બાળક છેતરપિંડી કરતાં પકડાયા.’ રસપૂર્વક એણે સમાચાર આગળ વાંચ્યા:

‘એક લોભી માતાએ એની તંદુરસ્ત છોકરીને કેન્સરની દર્દી બનાવી એનો ઉપયોગ પૈસાની મદદ માંગવા કર્યો. એના માથા પરથી વાળ ઉતરાવી દઈ, ભૂખી રાખી અને મેલાઘેલા કપડાં પહેરાવી દીધા, જેથી એ કેન્સરથી પીડાતી હોય એવી દેખાય. આવી ચાલાકી વાપરીને એણે કેટલાય લોકોને છેતર્યા. એ સ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે.’

એ છોકરો જેના વિશે ખૂબ ઉદાસ હતો એને આખરે બધું સમજાઈ ગયું કે એ લોકો કોણ હતા. જ્યારે એના પિતા ઘરે આવ્યા ત્યારે એણે તરત જ કહ્યું, ‘ડેડ, તમને એ સ્ત્રી અને એની છોકરીએ છેતરી દીધા. જેને તમે કેન્સરની દર્દી માનીને બેઠા હતા એ છોકરી તો એકદમ તંદુરસ્ત છે, અને તમે એને બોનસના બધા પૈસા આપી દીધા.’

એના પિતાએ કોઈ જવાબ ન આપ્યો. એ નીચે બેઠા અને બારી બહાર જોયું. બહાર બાળકો રમી રહ્યા હતા. શિયાળો પૂરો થઈ ઉનાળો એની ઋતુનું વાતાવરણ બિછાવી રહ્યો હતો. શાંત સ્વરમાં એમણે કહ્યું, ‘બેટા, હું ખૂબ ખુશ છું કે એ છોકરી તંદુરસ્ત છે.’

છોકરાને નવાઈ લાગી. એણે વિચાર્યું, પોલીસમેન હોવાની નાતે એના પિતા ફોન ઉઠાવી પોલીસ સ્ટેશન વાત કરશે અથવા તો બધા પૈસા આપી દઈ પોતે છેતરાઇ ગયા એના લીધે નિરાશ થઈ જશે. પણ એમના ચહેરા પર એવા કોઈ હાવભાવના અણસાર દેખાતા નહતા.

એણે પૂછ્યું, ‘ડેડ, બોલો, તમે નિરાશ નથી?’

એના પિતાએ ફરીથી એજ જવાબ આપ્યો, ‘હું ખુશ છું કે એ છોકરી તંદુરસ્ત છે’

એ સમયે એની પત્ની હાથમાં કોફીનો મગ લઈને આવી. એણે બધી જ વાતચીત સાંભળી હતી. ખુશીથી એણે એના દીકરાને કહ્યું, ‘બેટા, તું બહુ નસીબદાર છે કે તને આટલા સમજદાર પિતા મળ્યા છે. એમણે પૈસા ગુમાવ્યા છતાં પણ એ જરાય ગુસ્સે નથી. તારે તારા પિતા પર ગર્વ થવો જોઈએ કે એમના બોનસની જરાયે ચિંતા કર્યા વિના એ છોકરી તંદુરસ્ત છે એ જાણીને પણ તારા પિતા ખુશ છે. એમનામાંથી તારે શીખવું જોઈએ બેટા. લોકોની મદદ કરવી જોઈએ સામેથી કોઈપણ અપેક્ષા રાખ્યા વિના.’

~~~

પુસ્તક: How I Taught My Grand Mother to Read and Other Stories

વાર્તા: Heart of Gold

લેખક: Sudha Murty

અનુવાદક: Parth Toroneel

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED