Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૫ : ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર

સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંતે આખો દિવસ સૌમનસ્યગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ તેમાં આવતી જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ વાત ગુપ્ત રાખ્યા વિના સરસ્વતીચંદ્ર પોતાનો અને કુમુદસુંદરીનો સર્વ ઇતિહાસ ચંદ્રકાંતની પાસે અથથી ઇતિ સુદીવિદીત કરી દીધો. ગુપ્ત કથા જેમ જેમ પ્રગટ થતી ગઈ તેમ તેમ ચંદ્રકાંતે ખેદ, આશ્ચર્ય, આનંદ અને ગૂંચવડાઓ વારાફરતી અનુભવ્યાં અને પ્રાતઃકાળે દર્શાવેલી મનોવૃત્તિઓને સ્થાને કંઈક અપૂર્વ તરંગોમાં ચડ્યો.

‘ત્યારે તમે બે જણે મળી આ સંસ્થામાં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી, અને તમે જે કરો અને જગતને તમારે માટે જે માનવા ન માનવા જેવું લાગે તેને માટે ગાળો ખાવાનું મારે માથે નાંખ્યું ! વાહ ! વાહ ! ભોળા દેખાતાં કુમુદસુંદરીએ પણ ઠીક જ તાલ રચ્યો!’

ચંદ્રકાંત આ બોલતો હતો તે કાળે કુમુદ વસંતગુફામાંથી આવી એની પાછળ ઊભી હતી. એના પગનો ઘસારો લાગતાં ચંદ્રકાંતે પાછું વળી જોયું અને ચમકી ઊભો થયો.

‘આવો, બેસો.’ ચંદ્રકાંત બોલ્યો. કુમુદ એક પાસ બેઠી. ચંદ્રકાંત પણ બેઠો.

‘ચંદ્રકાંતભાઈ ! નીચે કોઈ આવેલા છે ને આપને બેને મળવા ઇચ્છે છે.’ કુમુદે સમાચાર કહ્યા.

‘અમને બેને !’ સરસ્વતીચંદ્ર કંઈક ચમકી બોલ્યો.

‘હા જી,’ કુમદ બોલી. બે જણ ઊતરી નીચે ગયા. ઓટલા ઉપર કુમુદ એકલો તેમને પાછા આવવાની વાટ જોતી બેઠી. બહાર દૃષ્ટિ કરવાની વૃત્તિ થઈને અટકી.

સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત નીચે ગયા તો ભોંયતળિયે સાધુઓ ઊભા હતા ને ગુફા બહાર ઊભેલા એક સવાર સાથે વાતો કરતા હતા. એ સવાર પોતાનો ઘોડો આ ગુફાઓની બહારના બાગમાં એક થાંભલે બાંધી આવ્યો હતો. એને શરીરે, અંગ્રેજી પોલીસના સવારના જેવો ‘ડ્રેસ’ હતો ને પગે ઘોડાને પાછળથી મારવાની ‘સ્પર્સ’ - એડીઓ-વાળાં ઢીંચણ સુધીનાં ‘બૂટ’ હતાં. ચંદ્રકાંતને દેખી એણે સલામ કરી અને સરસ્વતીચંદ્ર ભણી જોઈ બોલ્યો : ‘જોગીરાજ ! સાધુ નવીનચંદ્ર તે આપ ?’

સરસ્વતીચંદ્ર : ‘હા, હું જ.’

સવાર : ‘ચંદ્રકાંતજી, નવીનચંદ્ર આ જ ?’

ચંદ્રકાંત : ‘એ જાતે કહે છે પછી શું પૂછો છો ?’

સવાર : ‘નવીનચંદ્ર મહારાજ ! અમારા ન્યાયાધીશે મોકલેલું આ આમંત્રણ-આજ્ઞાપત્ર લો અને તેની નકલ ઉપર આ કલમ અને શાહી વડે આપની સહી કરી આપો. ચંદ્રકાંતજી, આ આપના ઉપરનું આજ્ઞાપત્ર.’

બે જણે પોતપોતાનાં આજ્ઞાપત્ર વાંચ્યા, પળ વાર એકબીજા સામે જોઈ રહ્યા, અને અંતે સહીઓ કરી નકલો પાછી આપી.

સવારે બીજા સાધુઓનાં નામ પૂછી લખી લીધાં ને એકદમ પાછો ગયો.

રાધેદાસ : ‘જી મહારાજ ! આ શું છે ?’

સરસ્વતીચંદ્ર : ‘ચંદ્રકાંત ! આ વાંચી બતાવ.’

ચંદ્રકાંતે વાંચવા જેવો ભાગ વાંચી બતાવ્યા.

‘ચૈત્ર વદ ૧૦ને રોજ શ્રી યદુનંદના આશ્રમમાં મહારાજ શ્રી મણિરાજની આજ્ઞાથી અને મહંત શ્રી વિષ્ણુદાસના આશ્રયથી આ રાજ્યના વરિષ્ઠ ધર્માધિકારી અને વિષ્ણુદાસજી પોતે અથવા તેમના કોઈ પ્રતિનિધિ સાધુ તમો નવીનચંદ્ર સાધુને પ્રશ્નો પૂછશે તેના ઉત્તર આપવા, અને તે દિવસ અને તે પછીના જે જે દિવસો એ બે જણ નીમે તે દિવસોએ, એ બે જણ જે જે સાક્ષીઓ પાસે તમારું અભિજ્ઞાન કરાવે તે કરવા દેવા, તમો સાધુ નવીનચંદ્રે પ્રત્યક્ષ રહેવું. તેમ કરવામાં પ્રમાદ કરશો તો તમને અસાધુ ગણી સંસારી જનોને માટે કરેલા આ રાજ્યના ધારાઓ પ્રમાણે આ રાજ્યના અધિકારીઓ પાસે બળાત્કારે બોલાવવામાં આવશે.’

જ્ઞાન : ‘આટલું તો આપણા ગુરુજીના અધિકાર પ્રમાણે પ્રશસ્ત છે. પણ આમ કરવાનું પ્રયોજ પણ એ લેખમાં કોઈ સ્થાને આવતું હશે.’

ચંદ્રકાંત વાંચવા લાગ્યો.

‘સુવર્ણપુર સંસ્થાનમાં બહારવટિયા ચંદનદાસ અને બીજાઓ ઉપર એવો આરોપ છે કે તેમણે નવીનચંદ્ર નામના મનુષ્યનો વધ કર્યો છે; આ રાજ્યમાં અર્થદાસ નામના વાણિયા ઉપર એવો આરોપ છે કે મુંબઈના સરસ્વતીચંદ્ર લક્ષ્મીનંદનનો વધ કર્યો છે. આ કામમાં ન્યાયાર્થી મુંબઈના ધૂર્તલાલ અને હીરાલાલ નામના છે. તેમનું કહેવું એમ છે કે આ સરસ્વતીચંદ્ર નવીનચંદ્રનું નામ ધારી ગુપ્ત વેશે ફર્યાં કરતો હતો પણ તે બે નામનું મનુષ્ય એક જ છે. આ વિષયનું ન્યાયશોધન ઉપલાં બે રાજ્ય અને સરકારી રાજ્ય એ ત્રણમાંથી એક અથવા અનેક સ્થાને થવાનું છે તેમાંથી જે સ્થાને શોધન થાય ત્યાં સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્રના અસ્તિત્વ અને અભેદના પ્રશ્નોનું નિરાકરણ થવામાં ઉપયોગી પ્રશ્નો સાક્ષીઓને પૂછવાને માટે મહારાજ મણિરાજે પોતાનાં વરિષ્ઠ ધર્માધિકારી શંકરશર્મા અને મહંત વિષ્ણુદાસજીને અધિકારી નીમેલા છે. તે આજ્ઞાનો નિર્વાહ કરવાને માટે નાગરાજ મહારાજના યદુશૃંગના સાધુજનો ઉપરના શાસનપત્રને આધારે આ આમંત્રણાજ્ઞાપત્ર કાઢેલું છે.’

જ્ઞાન૦ : ‘જી મહારાજ ! ગુરુજીની છાયામાં રહેનાર સાધુજનોને નાગરાજ મહારાજે આપેલ અભયપત્ર પ્રમાણે જે ન્યાયશોધન થાય તેમાં જ ગુરુજી સાહાય્ય આપે છે, અને ગુરુજી જેમાં સાહાય્ય આપે નહીં તેવાં સર્વ આજ્ઞાપત્ર વૃથા છે, માટે આપની શાંતિ કે સ્વસ્થતામાં કોઈ જાતની ન્યૂનતા થવી ઘટતી નથી.’

સરસ્વતીચંદ્ર : ‘ના સ્તો.’

એટલામાં એક બીજો સાધુ આવ્યો ને સરસ્વતીચંદ્રને કહેવા લાગ્યો : ‘જી મહારાજ ! વિહારપુરીજીએ કહાવ્યું છે કે પ્રાતઃકાળે ગુરુજી સમાધિમાંથી જાગશે તે પછી આપને અને આપના મિત્રને તેમનાં દર્શન માટે બોલાવીશું. આપના ઉપર આવેલું આજ્ઞાપત્ર આપને પહોંચ્યું હશે અને તે સંબંધમાં ગુરુજી ઉપર આવેલા લેખ પણ ગુરુજી કાલે જોશે. આપના જેવા પરમ સાધુજનને તો ગુરુજીની છાયામાં સર્વથા અભયછત્ર છે. બીજું આપના મિત્રના ઉપર પ્રધાનજીને ઘેરથી અને પ્રધાનજીએ મોકલેલા કેટલાક પત્રો આશ્રમમાં આવેલા હતા તે વિહારપુરીજીએ મારી સાથે મોકલેલા છે.’

સરસ્વતીચંદ્રે તે પત્ર લઈ ચંદ્રકાંતને આપ્યા.

સાધુ : ‘ચંદ્રાવલીમૈયા પણ રાત્રિએ ઘણું કરીને આપને મળશે.’

સરસ્વતીચંદ્ર : ‘તે ઉત્તમ જ થશે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED