સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 12 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨ : મિત્ર કે પ્રિય ?

પ્રેયો મિત્રં બન્ધુતા વા સમપ્રા સર્વે કામાઃ

શેવધિર્જીવિતં ચ ધર્મદારાશ્ચ પુંસામ્‌ ।

- ભવભૂતિ

(અર્થ : ધર્મપત્ની પતિનો સર્વથી વધારે મિત્ર છે, સર્વ સગપણનો સરવાળો છે, સર્વ ઇચ્છાઓનું સ્વરૂપ અને સર્વ ભંડાર છે, ને પતિનું જીવન જ છે. - ભવભૂતિ )

પોતે ઉછરેલું ચંદનવૃક્ષ સંસારનો આ નવો પ્રહાર કેવી રીતે સહી શકે છે અને પોતે તેને કેટલું બળ આપેલું છે તેનું ગણિત કરતો કરતો એ વૃક્ષનો માળી સરસ્વતીચંદ્ર, અનેક વિચારોમાં મગ્ન થઈ, તેના અને પોતાના સહવાસ અને સંગતઃસ્વપ્નોના સ્થાનભૂત ઓટલા આગળ ઊભા રહી, બહાર દૃષ્ટિ નાખવા લાગ્યો. ગુફાઓ વચ્ચેના ઝરાઓના આરા ઉપર સાધ્વીઓની વચ્ચે થઈને નીચી દૃષ્ટિથી ચાલતી કુમુદ જતી જણાઈ. છેટે એક સ્થાને તેણે પાણીમાં પેસી કેશ પલાળી સ્નાન કર્યું, સાધ્વીઓમાંનું કોઈ પણ બોલતું દેખાયું નહીં. પૂતળીઓની પેઠે મૂગી રહી સર્વ સ્ત્રીઓ કુમુદની શોકપ્રવૃત્તિમાં સહાય થતી હતી. કુમુદનાં આંસુ ઝરાના પાણીમાં વહી જતાં માળ ઉપર ઊભેલા પુરુષે કલ્પ્યાં. કેડ સુધી લટકી રહેતે ભીને વાળે, ઊંચાનીચા અવયવોમાં ચોંટી જતે ભીને લૂગડે, બેસી જતા દેખાતા ગાલે, અસ્વસ્થ પણ મન્દ શિથિલ ક્રિયાએ, પાણીમાં નાહતી કુમુદમાં સરસ્વતીચંદ્રના હૃદયને તૃપ્ત કર્યું, લીન કર્યું, અભિલાષી કર્યું, દયાળુ કર્યું, તપ્ત કર્યું, શોકગ્રસ્ત કર્યું, અને અંતે અનેક ઊંડા નિઃશ્વાસોથી ધમણથી ધમતું કર્યું. પ્રીતિની નાડીઓ એના હૃદયમાં અને શરીરમાં નવા અને અપૂર્વ મંદ વેગથી વહન પામવા લાગી અને દુઃખી નર્મદના અનુભવને તેમાં પુનર્જન્મ આપતી હોય તેમ એની પાસે ધીમે ધીરે સ્વરે ગવડાવવા લાગી.

‘સલામ, રે દિલદાર ! યારની, કબૂલ કરજે

રાખીશ મા દરકાર, સાર દેખી ઉર ધરજે.

ઘણા ઘણા લઈ ઘાવ, તાવમાં ખૂબ તવાયાં !

નહીં અન્ન પર ભાવ ! નાવમાં નીર ભરાયાં.

સરખાસરખી જોડ, કોડનાં બંને માર્યાં

છૂટી પડી ગઈ સોડ ! હાડમાં બેનં હાર્યાં !

એક અંગીનાં અંગ, નંગ-કુંદન બન્યો છે !

છાજ્યો નહીં રે સંગ, રંગમાં ભંગ પડ્યો છે !

કુમુદ ! કુમુદ !

પ્રિયા ! તું શોક છોડી દે !

જગતના બંધ તોડી દે !

તું કાજે હું કરું શું ? કહે !

હૃદય પર શલ્ય શાને વહે ?

હવે ઊભાં નવે દેશે !

હવે ફરીએ નવે વેશે !

નથી સંસારની ભીતિ;

ત્યજી સંસારની રીતિ.

સગાં સંસારનાં છોડ્યાં;

છૂટ્યાં તેઓથી તરછોડ્યાં.

સુરમ્ય જ સાધુનો પન્થા;

ધરી લે-ચહાય તો-કન્થા.

હવે વિશ્વંભરે જ રચ્યો,

પ્રિયા, સંકેત, જો, આ મચ્યો !

પ્રિયા, સૌ શોક દોડી દે !

જડાઈ જા તું આ હૃદયે !

પ્રિય ! સૌ શોક ત્યજને તું !

પરાપ્રીતિયજ્ઞ યજને તું !

જૂના હૃદયમાંથી આ નવા ઉદ્‌ગાર નવા વેગથી નીકળતા હતા એટલામાં સાધ્વીઓએ કુમુદને અંચળો આપ્યો ને તેણે તે પહેરવા માંડ્યો. કુમુદની આંખોમાં આંસુ છે કે નહીં તે આટલે દૂરથી દેખાતું ન હતું. પણ એણે ભીનું શરીર લોહ્યું, જૂનું રંગીન રાતું વસ્ત્ર બદલ્યું; ને નવું પહેર્યું - એટલામાં જ્ઞાતાજ્ઞાત સુંદર અવયવો, ઉપર ઉભેલાની આંખને, કંઈ કંપઈ સાનો કરવા લાગ્યા. અંચળો પહેરાઈ રહ્યો ને કુમુદ સાધ્વીને રૂપે ઊભી ત્યાં એ સાનો બંધ થઈ ગઈ ને માટે વૈરાગ્યની મૂર્તિ જેવી બાળાનાં દર્શન આજ જોનારના હૃદયમાં પવિત્ર સંસ્કારોને ભરવા લાગ્યાં. શાંત સ્થિર થઈ સરસ્વતીચંદ્ર એને જોઈ રહ્યો ત્યાં કન્થા ધરેલી કુમુદના સામી સાધ્વીઓ ઊભી રહી અને પરિચિત પણ

સ્ત્રીકંઠની કોમળ ગર્જના કરી ઊઠી તે ઉપર સુધી સંભળાઈ કે

‘નન્દકો નન્દન એક આનંદ દેત હૈ ! વિષ્ણુદાસજીકો જય ! ચંદ્રાવલીમયાકો જય! મધુરીમયાકો જય !’

થોડી વારમાં સર્વ મંડલ ચાલવા લાગ્યું અને ગુફાઓનાં છજા નીચે અદૃશ્ય થયું. સરસ્વતીચંદ્ર શાંત થયો અને થોડીક વારમાં અન્ય વિચારોમાં પડી અંતે પોતાના સ્વપ્નનો ઇતિહાસ લખવામાં મગ્ન થયો. બેચાર ઘડી એ લેખમાં ગાળી હશે એટલામાં કાને સ્વર સંભળાયો :

‘જી મહારાજ ! આજ્ઞા હોય તો ઉપર આવું.’

‘નિરાંતે આવો.’ સરસ્વતીચંદ્ર ઊભો થતો થતો બોલ્યો અને રાધેદાસ ઉપર આવ્યો.

રાધેદાસ - ‘જી મહારાજ ! વિહારપુરીજી સંદેશો મોકલે છે કે આપના પ્રિય મિત્ર પ્રાતઃકાળે યદુશૃંગ ઉપર આવશે અને તેમને ક્યાં વાસ આપવો તે પુછાવે છે.’

‘અવશ્ય જ્યાં હું છું ત્યાં જ લાવજો.’ હર્ષમાં આવી સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો.

રાધેદાસ - ‘જેવી આજ્ઞા.’

રાધેદાસ ગયો.

સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો.

‘ચંદ્રકાંત પ્રાતઃકાળે આવશે - પણ કુમુદનું તે પ્રસંગે શું કરવું ? મિત્રના સમાગમકાળને પ્રિયાના વિયોગનો પ્રસંગ કરવો ? કુમુદના સૂક્ષઅમ પરિતાપને કાળે, આટલા સહવાસને અંતે, તેને ક્ષણ પણ દૂર કરવી ધર્મ્ય નથી. પણ સંસારની દૃષ્ટિથી જોનાર અને સાધુઓની દૃષ્ટિનો અપરિચિત મિત્ર કુમુદને અહીં જોઈ શા શા સંકલ્પ નહીં કરે અને મારા ઉપરની એ મિત્રની પ્રીતિમાં શાં શાં વિઘ્ન નહીં આવે ? મારા પોતાના ભાગ્યના એ પરિણામના તર્ક હું શા માટે કરું છું ? પ્રિય કુમુદ ! તારા સંપ્રત્યયની અનુકૂળતા તને ગુપ્ત રાખવામાં જ હશે, તારે એ મિત્રથી અદૃશ્ય રહેવું હશે, તો જોડેની ગુફા તારે માટે છે ને નીચલો ખંડ મિત્રને માટે રહેશે. તારે તેને મળવાની ઇચ્છા હશે તો તો મારે કાંઈ વિચારવાનું જ નથી. મિત્ર મારી શુદ્ધ પરીક્ષા કરશે તો મને સાધુવત લેખશે ને કુમુદના યોગનું એ અભિનંદન કરશે મારી કથામાં શ્રદ્ધા રાખશે, ને મારા પ્રીતિયજ્ઞમાં ઉત્તમ આશ્રય આપશે. મિત્ર મારી અશુદ્ધ પરીક્ષા કરશે તો મારો ત્યાગ કરશે, ને મેં તો સર્વનો ત્યાગ કરેલો જ છે તે હું મારો ત્યાગ બીજું કોઈ કરે તેમાં શો દોષ કાઢું ? એ મારો ત્યાગ કરશે તેથી મારા હૃદયની એના પ્રતિની પ્રીતિ ન્યૂન થવાની નથી. સંસારના સંપ્રત્યયનો અનુભવી ને વિદ્વાન એ સંપ્રત્યયોથી દોરાય તેમાં એની પ્રીતિનો દોષ શો કાઢવો? કુમુદ સાથે હું નવીન ધર્મથી બંધાયો છું ને બંધાઉં છું ને તે ધર્મનો ઉદય, મેં ધર્મથી કરેલા આમંત્રણને લીધે ને ધર્મથી પ્રાપ્ત થયેલા અદ્વૈતને લીધે થયો છે તો તેનો સત્કાર અનિવાર્ય છે ને તેને પ્રતિકૂળ થયા વિના મિત્ર સાથેના ધર્મનો જેટલો સત્કાર થશે તેટલો કરીશ ને નહીં થાય તેટલો નહીં કરું. સાધુઓની સનાતન ધર્મ આ માર્ગ મને દર્શાવે છે તો બીજું કાંઈ વિચારવાનું નથી. સાધુજનો, તમારા સનાતન ધર્મના સર્વ પંથ સુદૃશ્ય છે, ને સુખ તેમ શાંતિના ને કલ્યાણના દાતા છે. તમરા ધર્મમાં દૃષ્ટિને ભારે ગૂંચવાડા નથી ને ગૂંચવાડા નીકળે છે તે જાતે જોવા સૂક્ષ્મ અને રમણીય હોય છે તેવાં તેમનાં સમાધાન પણ સૂક્ષ્મ અને રમણીય થાય છે. સત્ય છે કે એ ધર્મનાં પાલન કઠણ અને કષ્ટસાધ્ય થાય છે - પણ એથી જ તે પાલન તપરૂપ છે, એથી જ તે સાધુજનોને સિદ્ધ કરે છે, અને એથી જ તે અસાધુજનોને ગમતા નથી. પણ એ ધર્મ જાણવામાં કે પાળવામાં આ તપ વિના બીજો ગૂંચવાડો નથી. કુમુદ ! ચંદ્રાવલીમૈયાની રસબુદ્ધિએ આપણે માટે યોજેલા તપમાં, અને આપણાં સૂક્ષ્મ જીવનમાં, ‘આપણે કેવી રમણીયતા અને સંસિદ્ધિ ધર્મથી અનુભવી છે ?’