વેર વિરાસત
પ્રકરણ -14
' ના રોમા, એ નહીં બને..... તારે ફોર્મલ સ્ટડીઝ તો પૂરી કરવી જ પડે ને ! ' પંચગનીથી મુંબઈ આવી રહેલી કારમાં માધવી રોમાના વિચાર જાણી સ્તબ્ધ રહી ગઈ હતી. .
' પણ મમ...મને પેઈન્ટીંગમાં જ રસ છે, હું હિસ્ટ્રી કે અકાઉન્ટ ભણીને કરીશ પણ શું ? 'રોમા પોતાના નિર્ણય પર અફર હોય તેમ મક્કમતાથી બોલી. એ મક્કમતા ઘરમાં હતી ત્યાં સુધી ક્યારેય જોવા નહોતી મળી.
' એ બધી પછી વાત, પણ પહેલા.....' માધવીએ વાત ટુંકાવવી હોય તેમ ત્યારે તો કાપી નાખી હતી પણ ઘરે આવ્યા પછી પણ રોમા એકની બે ન થઇ.
માત્ર એક દાયકામાં તો દુનિયા ધરમૂળથી ફરી ચૂકી હોય એવી પ્રતીતિ માધવીને થતી રહી.
પંચગીનીની બોર્ડીંગ સ્કૂલમાં એડમિશનથી લેવા ગયા હતા ત્યારે સહેમાઈ ગયેલી રોમા માધવીને યાદ આવી ગઈ. આ જ રોમા આજે આ શબ્દો બોલી રહી હતી ?
સ્વભાવે શાંત આછાબોલી પણ હસમુખી ને મિલનસાર હતી, આ જ ભીરૂ રોમા જરૂર પડે ત્યારે ગળું ખોંખારીને બોલી શકે એ કેળવણી કદાચ બોર્ડીંગ સ્કૂલમાં કેળવી ચૂકી હતી. એની સરખામણીમાં રિયા વધુ આક્રમક થવી જોઈતી હતી પણ એ તો જરૂર કરતાં વધુ ગંભીર અને શાંત થઇ ગઈ હોવાનો ખ્યાલ આ સરખામણીને કારણે માધવીને ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યો.
' એટલે એને કરવું છે શું ? ' આરતીને હજી નહોતું સમજાઈ રહ્યું કે માધવી દીકરીઓ સાથે ન કરવા જેવી વાતોમાં કેમ આમ વાંધા પાડે છે??
'માસી, એને પણ રિયાની જેમ જ ભણવું નથી.....' માધવી ચિડાઈને બોલી.
'નો મમ, સોરી, તમે નાનીને ખોટી માહિતી આપી રહ્યા છો. નાની, મને આર્ટ કે કોમર્સ કોલેજમાં ભણવા નથી જવું પણ મને પેઈન્ટીંગ શીખવા જવું છે, પીસીએ, પેરીસ કોલેજ ઓફ આર્ટ્સમાં..'
એ જાણ્યાં પછી આરતી પણ અચંબામાં પડી. : આ પેરીસનું તૂત કોને એના માથામાં ઘુસાડ્યું ?
'નાની, મમ, આ જુઓ, મારા આર્ટ ટીચર શર્મા મિસે બધું મંગાવીને રાખ્યું હતું. ફોર્મ પણ ભરી રાખ્યું છે, માત્ર તમારી સાઈન બાકી છે, જુઓ...'
રોમાએ તો પેરીસ કોલેજ ઓફ આર્ટસના બ્રોશર્સ સાથે એડમીશન ફોર્મ પણ ભરીને રાખ્યું હતું તે કાઢીને મૂક્યું.
હજી તો સત્તરમું બેઠું આ છોકરીને ને પોતે શું કરવું છે તે પણ વિચારી લીધું છે !! માધવીએ થોડી રીસ સાથે માસી સામે જોયું. તેમના ચહેરા પર હજી એ જ શાંતિ બરકરાર હતી.
'રોમા બેટા, તારી મમ્મી તો તારી રાહ જોઇને બેઠી હતી પણ તે તો આવવાની સાથે ફરી જવાની વાત કરી દીધી.....' આરતીએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો.
રોમા ક્ષણવાર માટે વિમાસણમાં પડી હોય તેમ લાગ્યું ; મમ્મી, જો તમે ઇચ્છતાં હો મારે અહીં જ રહીને ભણવું તો એમ રાખો પણ મને મારા આ શોખનું તો ભણવા દેશો કે નહીં ? મારે કોઈ ડિગ્રી નથી જોઈતી, મારે તો પેઈન્ટીંગ જ કરવું છે, અને હા, જો તમને ડિગ્રીનો આટલો મોહ રાખતા હો તો પીસીએમાં ડિગ્રી કોર્સ પણ છે .'
'અરે પણ તને એક ફોર્મલ ડીગ્રી તો જોઈએ કે નહીં? કોઈ અંડર ગ્રેજ્યુએટને એમ પ્રવેશ આપી દે ખરા? માધવીએ શક્ય એટલી દલીલો કરી જોઈ.
રોમા પણ માધવીનું જ લોહી હતી. એક એક વાત જાણીને આવી હોય તેમ જવાબ આપતી રહી.
'મમ, આર્ટસ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ માટે પણ કોર્સ છે... આ લો... જુઓ... ' રોમાએ બ્રોશર માધવીના હાથમાં થમાવી દીધું.
રોમાની વાતચીત, એના મનોબળ,જિંદગીમાં નક્કી કરી લીધેલાં લક્ષ્યાંક જોઇને ખરેખર તો માધવી પ્રભાવિત થઇ ગઈ હતી પરંતુ હજી તો ઉગીને ઉભી થઇ રહેલી આ છોકરીને આમ આટલે દૂર મોકલી દેવાની.. ?? એ વાત જરા મનમાં બેસતી નહોતી.
કલાક પછી પણ માદીકરી વચ્ચે કોઈ સમાધાન આવતું ન જણાયું એટલે માસીએ દરમિયાનગીરી કરવી પડી.
' મધુ, , તું એમ ઈચ્છે છે કે વિના કોઈ નક્કર કારણ રોમાને એને ગમતી લાઈન ન લેવા દેવી જોઈએ ? માસીએ માધવીને જ સપડાવી.
'મેં ક્યાં એમ કહ્યું ? ' માધવીએ અચાનક જ અટેક મોડ છોડી ડીફેન્સ મોડમાં આવી જવું પડ્યું.
' તો પછી સમસ્યા જ ક્યાં છે ?' માસીએ એક જ ક્ષણમાં મામલાને રફેદફે કરી નાખવો હોય તે રીતે કહ્યું : આખરે એ માંગે છે શું ? ' માધવીએ વાત સમજાઈ હોય તેમ માથું ધુણાવ્યું.
' પણ માસી, આ તો મનમાની કરવા દીધી હોય તેમ કહેવાયને ? માધવીનો ચચરાટ હજી શમ્યો નહોતો.
'મધુ, તું હજી ભૂલી તો નહીં જ હોય ને કે તું કેવી હઠ લઈને બેઠી હતી ? ' આરતીએ એક પાસો ફેંકી જોયો, માધવીને મનાવવાનો. એમની ગણતરી સાચી હતી. તીર નિશાન પર લાગ્યું હતું.
માસીના એક પ્રશ્ને માધવીની જબાન પર તાળું લગાવી દીધું. એ ચૂપ થઈને સાંભળતી રહી.
'એ જ કહું છું મધુ, સમય બદલાયો છે. અને રોમાની માગ કોઈ આસમાનના તારા માટે તો નથી ને ....તો એને કરવા દે ને જે એના મનને ગમે...!! ' પોતે માધવીને સમજાવી તો લેશે તેવી આશાને અંકુર આરતીને ફૂટતાં લાગ્યા.
'પણ એક સમસ્યા છે માસી...'.માધવીના અવાજમાં ચિંતા છતી થતી હતી.
'શું ?' માસીના ચહેરા પર પ્રશ્નાર્થ ખેંચાયો.
'જો રોમાને મનગમતી લાઈન લેવાની છૂટ આપી તો રિયા પછી માંગવાની જ.....' માધવીની શંકા ખોટી નહોતી.'
'હા, એ તો છે જ, પણ તો શું થયું ? ' માસીને માધવીની ચિંતા ન સમજાઈ .
'આ પેઈન્ટર થવાની વાત તો સમજ્યા, એ તો ભારે હાઈ પ્રોફાઈલ પ્રોફેશન,પણ રિયાને ફિલ્મોનું ભૂત ચઢ્યું છે માથે, કાલે એ સાચેસાચ કહે કે મારે એક્ટ્રેસ થવું છે તો ?' માધવીના અવાજમાં ભારોભાર કડવાશ હતી.
એક જમાનામાં એક્ટ્રેસ બનવા માટે માતા પિતા, ઘર ને આરામકશ જિંદગી છોડીને આવનાર પોતે આ કહી રહી હતી.
'મધુ, આ તું કહી રહી છે? ' માસીના અવાજમાં આશ્ચર્ય હતું : એક ઠોકર જિંદગીના કેવા ગણિત શીખવી દે છે !!
'માસી, તમે જોયું ને માબાપની ઈચ્છા વિરુદ્ધ જવાની સજા !! આખરે એનું પરિણામ ? માબાપને સંતાપીને મને મળ્યું શું ?' માધવીએ ધરબી રાખેલો લાવા ફરી સપાટી પર આવતો હોય તેમ લાગ્યું.
'હા, કારણકે મધુ તેં પાયાના પથ્થર ખોટા પસંદ કર્યા હતા. ' માસીએ માધવીના ઉઘાડાં જખમ પર વધુ ઉઝરડાં ન કરવા હોય તેમ ફૂંક મારી: એ પણ નસીબ... પણ,અહીં વાત તો જુદી છે, તું રોમાની સાથે છે. '
બે એક દિવસમાં તો ઘરનું વાતાવરણ ફરી ગયું. રોમાએ પેરીસ જવું એ વાત પર હવે સહુ કોઈ ખુશ હતા. પત્રવ્યવહાર થઇ ચુક્યો હતો, એક છેલ્લો ઇન્ટરવ્યુ બાકી હતો જે માટે રૂબરૂ પેરીસ જવાનું હતું એની તડામાર તૈયારી ચાલી રહી હતી. જો એડમીશન મળી ગયું તો પછી રોમાએ ત્યાં જ રહી જવાનું હતું. હોસ્ટેલની લાઈફ, રોજીંદો સરસામાન, નવાં કપડાં , નવી ચીજવસ્તુઓ... માધવીને ઘડીભરની ફુરસદ નહોતી. સહુ કોઈ ખુશ હતા, ખુશી જો કોઈનું સરનામું ભૂલી ગઈ હોય તો તે હતો રિયાનો ચહેરો.
રિયા ચૂપચાપ આ તૈયારીઓ થતી જોતી રહી હતી, એની આંખોમાં ન તો આંસુ આવતા ન કોઈ ઈર્ષ્યા, હા, ઉદાસી જરૂર ડોકાઈ જતી.
'આવતી રહે મારી દીકરી..... ' આરતી કયારેક રિયાને પાસે ખેંચી છાતીસરસી વળગાડી દેતી. આરતીનું મન ભરાઈ આવતું માધવી દ્વારા સરેઆમ થતી રિયાની ઉપેક્ષાથી. સમજાવીને થાકી પણ માનતી જ નહોતી. એને તો રિયાના ચહેરા સાથે જ રાજા યાદ આવતો હતો.
રિયા ઘરમાં હોય કે ન હોય એની હાજરીની નોંધ માધવી ક્યારેય લેતી નહીં. રિયા મમ્મીના આ વ્યવહારથી સમસમીને રહી તો જતી. પહેલા તો નાનીના પાલવમાં એ એનું હ્રદય ખોલી શકતી : નાની, રોમા મમ્મીની દીકરી છે ને હું ડેડીની ? તો ડેડી ક્યાં છે ? મમ્મી ડેડીને કેમ આટલો ગુસ્સો કરે છે ? પણ છેલ્લાં થોડાં સમયથી તો એ પણ બંધ કરી દીધું હતું.
આરતી કુનેહથી આખો મામલો જાળવી તો લેતી પણ દિનબદિન નાની છોકરીના માનસમાં એક વાત કોતરતી જતી હતી : મમ્મી દ્વારા થતી એની ઉપેક્ષાનું એકમાત્ર કારણ હતા ડેડી. એ પિતા જેનો ચહેરો તો નહોતો જ જોયો પણ નામ સુધ્ધાં જાણ્યું નહોતું. મમ્મીની ઉપેક્ષા કોઠે તો પડી ગઈ હતી પણ તેનો ભાર જમા થઇ રહ્યો હતો બાપ પરત્વેની નફરતના પલ્લે.
કારણ માધવી હોય કે બોર્ડીંગ સ્કુલ પણ બંને બહેનો વચ્ચે એક પારદર્શક દિવાલ ખડી થઇ ચૂકી હતી. અને એ દિવસે દિવસે વધુ મજબૂત થઇ રહી હતી, જેનું પહેલું પગથિયું હતું રોમાની પેરીસ જતી ફ્લાઈટ.
એક તરફ માધવીને રોમાની પેરીસ જતી એર ફ્રાન્સની ફ્લાઈટ ટેક ઓફ થઇ રહી હતી અને બીજી તરફ એ જ રાત્રે રિયા પોતાની મનગમતી કારકિર્દી માટેની તૈયારી કરી રહી હતી.
પેરીસ જતી એર ફ્રાન્સની મધરાતની ફ્લાઈટ રોમા અને માધવીએ બૂક કરી ત્યારે જ માધવીએ કોઈએ એરપોર્ટ મુકવા આવવાની ને ઊંઘ બગડવાની જરૂર નથી એવી તાકીદ કરી હતી પણ માને તો એ માસી શાના?
'ના, મારે નથી આવવું એરપોર્ટ....' રિયાએ પહેલેથી જ કહી દીધું હતું
'રિયા, એમ નહીં, આવવું પડે. ' નાનીના દબાણ સામે રિયા પહેલીવાર વિફરી હતી. : નાની, સખત માથું દુખે છે, ને તાવ જેવું પણ છે.
તો પણ માધવીએ ઉભા થઈને રિયાના કપાળે ટેમ્પરેચર જોવા ન હાથ લગાવ્યો કે એ વિષે પૂછ્યું, અને ન તો રોમાએ વધુ કંઇક કહ્યું.
મધરાતે આરતી પછી ફરી ત્યારે રિયાના રૂમની લાઈટ ચાલુ હતી.
'રિયા, બેટા, કેમ છે ? તાવ છે હજી ?' રિયાનું કપાળ સ્પર્શી જોયું આરતીએ. તાવ જેવું તો કંઈ લાગ્યું નહીં ને રિયા કહેતી હતી તેમ ન તો એનું માથું દુખતું હોય કે ન કળતર થતું હોય એમ ન લાગ્યું. રોમાને માધવીને મૂકવા જવાની વાત ટાળવા જ રિયાએ આ વાત ઉપજાવી કાઢી હશે એટલું તો આરતીને સમજાઈ રહ્યું.
'બેન જતી હોય આટલે દૂર ભણવા તો તું એને એરપોર્ટ પર મૂકવા પણ ન આવી..... એ તો બરાબર ન કહેવાય ને ?? '
'નાની, પ્લીઝ... બહુ ઊંઘ આવે છે...' રિયાએ આરતીને આડકતરી રીતે બહાર જવાનું કહી દીધું.
આમ પણ દિલ આળું થયું છે તે સમયે આ વિષે વધુ વાત કરવાનો કોઈ અર્થ નહોતો, આરતીએ વિચાર્યું અને લાઈટ ઓફ કરી રૂમની બહાર નીકળી ગઈ .
'નાનીજી, રિયા તૈયાર છે ?' વહેલી સવારમાં આરતી ચા પાણીમાંથી પરવારી નહોતી ત્યાં તો રિયાની ફ્રેન્ડ માયા આવી ચઢી.
'માયા ? તું ? અત્યારે ? ક્યાં જવાનો પ્રોગ્રામ છે ? ' આરતીને નવાઈ લાગી.
'ઓહ નાની, અમારે મોર્નિંગ શોમાં મૂવી જોવા જવું છે ને પછી માયાના ઘરે બધા મળવાના છે... આજથી તો વેકેશન છે ને !! ' માયાને જવાબ આપવા ન દેવો હોય તેમ રિયા પોતાના રૂમમાંથી જવાબ આપવા દોડી આવી.
'ઓહ, એમ વાત છે... ઠીક ત્યારે... ' આરતીને આખી વાત ધ્યાન આપવા જેવી પણ ન લાગી. પૂજાનો સમય થતો હતો એટલે વધુ વાતચીત કર્યા વિના આરતી ઉઠી પોતાના રૂમમાં ગઈ.જો આરતી માત્ર થોડીવાર વધુ બેસી રહી હોત અને રિયાને જતાં જોઈ શકી હોત તો એને ખ્યાલ આવ્યા વિના ન રહેતે કે આ છોકરીઓ કયા કામે જઈ રહી છે!!
' રિયા, જો ડ્રાઈવર સાથે આવ્યો તો આપણે ક્યાં ગયા એ નાનીને ખબર પડી જશે.' માયા હતી રિયા જેટલી જ, પણ ભારે ચબરાક હતી.
'પણ, એને ન લઇ ગયા તો નાની આખું ગામ માથે લેશે.....'
'ઓહો તું તો કહે છે ને કે નાની મેનેજેબલ છે ? બાકી વાત તારી મોમની.... એમને થોડી ખબર પડવાની ?' માયાએ તરકટી વિચાર રોપ્યો રિયાના મનમાં.
'હા, તો જઈશું કઈ રીતે? રીક્ષામાં ?' રિયાનું હૈયું એક સેકંડ માટે ગભરાયું : પોતે રીક્ષામાં ગઈ એ વાત મમ્મીને ખબર પડે તો ?
'ઓહો, હું છું ને સાથે ... ચલ હવે....'માયાએ આગેવાની લીધી ને બંને છોકરીઓએ બિલ્ડીંગ દેખાતું બંધ થયું કે રીક્ષા પકડી.
'જુહુ તારા રોડ ....' માયાએ રીક્ષાવાળાને કહ્યું ને રીક્ષા દોડવા લાગી.
થોડીવારમાં તો જુહુ તારા રોડ આવી ગયો. રીક્ષા છોડી દઈ બંને છોકરીઓએ સાથે રાખેલી કાપલી પર લખેલું અડ્રેસ શોધવા માંડ્યું: એક્સપોઝ સ્ટુડીઓ , હોટસ્પોટ કાફેની બાજુમાં , જુહુ તારા રોડ.
ખાસ્સીવાર પછી એક્સપોઝ સ્ટુડીઓ મળ્યો તો ખરો પણ એ સાથે જ બંને છોકરીઓના મોઢા પડી ગયા. એક જર્જરિત મકાનના ભોંયતળિયે માંડ બસો સ્ક્વેર ફૂટની જગ્યામાં આવેલા એક્સપોઝ સ્ટુડીઓના દિદાર જોઇને જ આખી વાત ખુલ્લી પડી જતી હતી.
'હલો, મિ. સંતોષને મળવું છે, અમે તમને ફોન કર્યો હતો....હું રિયા સેન ને આ માયા બાલી.... ' રિયાએ આગળ જઈને ટેબલ પર બેસીને લખી રહેલા માણસને કહ્યું.
પેલા માણસે જેનાથી લખી રહ્યો હતો તે બોલપેન બંધ કરી શર્ટના ઉપલા ખિસ્સામાં મૂકી.
'અચ્છા તો તમે ફોન કર્યો હતો ? ' પેલા માણસને નવાઈ લાગી હોય તેમ વારાફરતી રિયા ને માયા સામે જોતો રહ્યો.
' તમે મિ. સંતોષને બોલાવો કે વાત કરાવો. અમને આજની અપોઇન્ટમેન્ટ આપી હતી..' રિયાના સ્વરમાં રહેલી થોડી ચીડ ખુલ્લી પડી જતી હતી. આ માણસ વિના કોઈ કારણ સમય ખરાબ કરી રહ્યો હતો.
' હું જ છું સંતોષ, મારી જોડે વાત થઇ હતી તમારા લોકોની... તો પોર્ટફોલીઓ કોનો બનાવવાનો છે ? તમારો ? કે તમારો ? ' એને વારાફરતી બંને સામે જોયું.
નાનકડી ખોબા જેવી રૂમમાં પડદાથી ઉભી કરેલી આડશમાં બે બેકડ્રોપ,ત્રણ પ્રોજેક્શન લાઈટ્સ,કેમેરા, કેમેરા, માઈકસ, મોનીટર, સાઉન્ડ મિક્સર પડ્યાં હતા. બે ચાર લાઈટ્સ સાઉન્ડ સિસ્ટમ, માઈક ગોઠવીને આ મહાશય સ્ટુડીઓ ચલાવતા હતા. કામ હતું ફિલ્મ ન્યુ કમરના પોર્ટફોલીઓ બનાવવાનું.
આ એક્સપોઝ સ્ટુડીઓને જોઇને બે છોકરીઓના ઉત્સાહ પર જે પોતું ફરી વળ્યું હતું એવી જ વાત સંતોષની હતી. એને ધાર્યું હતું કે કોઈ માલદાર નવયુવતીઓ પોર્ટફોલીઓ કરાવવા આવશે તેની બદલે આ તો કોઈ સાવ નાની સ્કૂલગર્લ જેવી નીકળી. બે ક્લાયન્ટ પાસે મહિનાનો ખર્ચ નીકળી આવશે એવી આશા સાવ ઠગારી પુરવાર થઇ હતી, પણ આશ્વાસન ગણો તો એટલું ખરું કે પહેરેલાં કપડાં પરથી માલદાર પાર્ટી લાગી રહી હતી.
' અમારું નામ જ અમારે માટે કાફી છે. બાકી તમને ખ્યાલ નહીં હોય કે પરવીન બાબીની પહેલી તસ્વીર અહીં શૂટ થયેલી.... ' સંતોષને તો બીજાં થોડાં નામ બોલવાની ચાનક ચઢી હતી પણ છોકરીઓ ગપ્પાં માનીને ભાગી જાય તો ? એવા કોઈ ખ્યાલથી ચૂપ થઇ ગયો.
રિયા ને માયા સ્ટૂલ જેવી ખુરશી પર ગોઠવાયા એટલે સંતોષે પોતાની કામગીરી શરુ કરી.
'હા, તો કયો પેકેજ લેવો છે ?' સંતોષના ચહેરાએ ધંધાદારી અભિગમ અપનાવી લીધો હોય તેમ સ્મિત કરીને બોલ્યો અને તે સાથે જુદા જુદા પેકેજના રેટ કાર્ડ કાઢીને સામે ગોઠવી દીધા.
ખરેખર તો સસ્તામાં સસ્તો પેકેજ પણ બંને છોકરીઓની પહોંચ બહાર હતો.
'અમારી પાસે બારસો રૂપિયા છે. ' માયાએ થોડાં હિચકિચાટ સાથે કહ્યું : એમાં કોઈ પેકેજ છે ?
' લો કર લો બાત.... ' સંતોષ એના દાંત બતાડતાં હી હી કરીને હસ્યો : યંગ લેડી, તમે જોયું કે નહીં ? બધા પેકેજ પાંચ હજારથી તો શરુ થાય છે.
'પણ અમારી પાસે પાંચ તો શું બે હજાર પણ નથી. હવે શું કરવું છે ? ' ક્યારની શાંત બેસી રહેલી રિયાએ વાતમાં ઝુકાવ્યું.
'એટલે ? ' સંતોષ થોડો છેડાયો હોય તેમ લાગ્યું : ભાવતાલ કરો છો ? શાક બકાલું લેવા આવ્યા હો તેમ?
'ના, વાત અરસપરસની છે. તમને પણ બિઝનેસ જોઈએ છે ને અમારે પોર્ટફોલિઓ.... બંનેનું કામ થતું હોય તો ઠીક છે નહીંતર......' રિયાએ હેન્ડબેગ હાથમાં લીધી, બેલ્ટ ખભે ભરાવવો હોય તેમ.
છે તો નખ જેવડી પણ શાતીર દિમાગ છે.... સંતોષના દિમાગમાં રિયાની બોડી લેન્ગવેજ એક તેજલિસોટો કરતી ગઈ.
'પણ બારસોમાં તો શું થાય ? થોડું બજેટ વધારો તો કામ થાય.....' સંતોષે છેલ્લી સોગઠી ફેંકી.
માયા ને રિયા એકમેક તરફ જોઈ રહ્યા. બારસો રૂપિયા પણ ભારે મુસીબતથી બચાવી શક્ય હતા. માયાના તો ઘરની હાલત જ એવી નહોતી કે પૈસા બચે. ને રિયાને હાથમાં પૈસા મળતા નહીં. માધવીનો નિયમ હતો જે પણ કોઈ જરૂરી ચીજ જોઈતી હોય એક ચિઠ્ઠી પર લખીને આપવાની, મમ્મીને લાગશે કે આ યોગ્ય છે, બીજે જ દિવસે મળી જશે, બાકી છોકરીઓના હાથમાં પૈસા આપવાની વાત જ માધવીને હજમ નહોતી થતી.
'તો હવે શું કરીશું બોલો ? ' સંતોષની વાત પરથી એટલું તો રિયા સમજી ચૂકી હતી કે એને પણ આ બે છોકરીઓને જતી નહોતી કરવી, નહીતર તો ક્યારનો રસ્તો બતાડી દીધો હોત !
'રસ્તો તમારે કાઢવાનો છે, તમે જ બોલો ને !! ' માયા ઘડીભર રિયાનું આ રૂપ જોઈ રહી. ભાગ્યે જ વધુ બોલતી રિયા ભાવતાલ એવી રીતે કરી રહી હતી જાણે કોઈ કુશળ પંટર હોય.
'એક વાત છે. હું હમણાં તમારો દસ હજાર રૂપિયા વાળા પેકેજનો પોર્ટફોલીઓ બનાવી આપું....પણ એક શરત છે.... '
' શરતમાં જો બે હજાર પણ એડવાન્સ આપવાના હોય તો જવા જ દો ' રિયા હવે પામી ગઈ હતી કે કોઈ સંજોગમાં આ સંતોષ એની નવી ક્લાયન્ટને જતી નથી કરવાનો.
' અરે, સાંભળી તો લો !! ' સંતોષને ખ્યાલ આવી ગયો હતો કે પોતે બતાવેલી ગરજ રિયા સમજી ગઈ છે. : મારી વાત જૂદી છે. મારે તમને એ કહેવું હતું કે અમારે તો આ રાત દિવસનો ધંધો છે. એટલે કાસ્ટિંગ એજન્ટો સાથે રાતદિવસ ઉઠબેસ થતી રહે છે. એવા કોઈક મિત્રોને હું તમારો પરિચય કરાવી દઉં, એ પછી તમને કામ મળે એટલે મને મારી રકમ હિસાબે ચૂકવી આપવાની..... છે મંજૂર ?'
રિયા અને માયાએ એકબીજા સામે જોઈ લીધું. માયાની આંખોમાં દ્વિધા ચોખ્ખેચોખ્ખી દેખાતી હતી.
' ઓ કે, ડન...' રિયાએ એક જ શ્વાસે સંતોષની ઓફર માની લીધી : તો હવે તમે અમારો દસ હજારના પેકેજનો પોર્ટફોલીઓ બનાવશો !! રાઈટ ?
'યેસ મેમ, રાઈટ.... આઈએ...' સંતોષનો અવાજ ફરી ગયો હતો. હવે એમાં આદર ભાળ્યો હતો. માલેતુજાર ક્લાયન્ટ સાથે હોય તેવો આદર. એ બંને છોકરીઓને સ્ટુડીઓની અંદરની બાજુ દોરી ગયો. બસો સ્ક્વેર ફીટની ખોબા જેવી રૂમ પાછળ એક બીજા બે રૂમ હતા. એક હતો જેમાં ફોટો શૂટ થતું હશે અને બીજા રૂમ ભર્યો હતો જાત જાતના ડ્રેસીસથી.
'આ છે મોસ્ટ ફેમસ કશ્ચ્યુમ્સ ઓફ બોલીવુડ , આમાં આપણે તમારા જૂદા જૂદા મૂડ કેપ્ચર કરીશું. ચારથી છ કલાક લાગશે..... ઓકે?'
માયાએ અવઢવમાં રિયા સામે જોયું. રિયા તો માનસિક તૈયારી કરીને આવી હોય તેમ લાગી ; પહેલા કશ્ચ્યુમ્સ તો જોવા દો...
'આ છે મોસ્ટ ફેમસ સાડી, બ્રહ્મચારી ફિલ્મમાં મુમતાઝે પહેરેલી, સુપર હિટ ગાના, આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે ....' સંતોષે એક ઓરેન્જ કલરની ટીકીભરત ભરેલી અમેરિકન જ્યોર્જેટ સાડી કબાટમાંથી ખેંચી કાઢી. ગોટો મારીને મુકેલી સાડીમાંથી આવી રહેલી સુકાયેલાં પરસેવાની બદબૂ નાકમાં ઘૂસી ગઈ. રિયાની નજર એક ખૂણામાં ચાલી રહેલા ચૌદ ઇંચના મોનીટર પર પડી. જૂની હિન્દી ફિલ્મોના સુપર હિટ સોંગ્સ પ્લે થઇ રહ્યા હતા.
'ને આ પાકીઝા, મીનાકુમારી, ચાલો દિલદાર ચાલો વાળો ગરારા...' સંતોષના હાથમાં પીળો પડી ગયેલો ગરારા હતો. એક જમાનામાં સંપૂર્ણપણે વ્હાઈટ હશે એવી આછી આછી કલ્પના કરી શકાતી હતી.
' ને આ મધુબાલા, પ્યાર કિયા તો ડરના ક્યાનો અનારકલી ડ્રેસ....' સંતોષની ઈચ્છા તો આખું વોર્ડરોબ બતાવવાની હતી પણ છોકરીઓના ઉતરી ગયેલા ચહેરાને જોઈ ને એનો ઉત્સાહ જરા ઠંડો પડી ગયો. આ છોકરીઓએ કદાચ એ જમાનો જોયો પણ નહીં હોય ને !!
'આ સિવાય કોઈ....' માયા હજી પૂછે પહેલા જ સંતોષનો ઉત્સાહ છલકાઈ ગયો : આ મરલીન મનરોવાળો ડ્રેસ, સેવન યર્સ ઈચ....એમ તો હેલનવાળા ડ્રેસ પણ છે, મને થયું તમે બંને મનમાં કોઈ ફોકસ લઈને આવ્યા છો, સાઈડ કેરેક્ટર્સ કે વેમ્પવાળા ડ્રેસ નહીં જચે.
રિયા અને માયા પાસે હવે જે હતા તે ડ્રેસ પસંદ કર્યા વિના બીજો વિકલ્પ પણ નહોતો. ચેન્જીંગ રૂમને નામે એક નાની અંધારી કોટડી હતી. બંને ચેન્જ કરીને નીકળ્યા ત્યારે મેકઅપ આર્ટીસ્ટ કમ હેરડ્રેસર પણ ક્યાંકથી ફૂટી નીકળી હતી. પાકીઝાના વ્હાઈટ ડ્રેસમાં રિયાને થયું કે પોતે તો કાળી કોલસા જેવી લાગે છે અને એમાં થોડું પુષ્ટ શરીર... પણ, ના, એ બધું જોવાનો વિચારવાનો પ્રશ્ન નહોતો. અત્યારે તો જે કામ કરવા આવ્યા છે તે પૂરું કરવું જ રહ્યું.
માત્ર વીસ મિનિટમાં બંને છોકરીઓનો અવતાર બદલાઈ ગયો હતો.
માયાએ મધુબાલાના અનારકલી પર પસંદગી ઉતારી હતી. માથે કેપ ને એમાં ભરાવેલું પીંછું, ખરેખર તો એને જોકર બનાવતાં હતા. બાકી હોય તેમ બંનેના ચહેરાં પર હતા ગંદા હલકાં કોસ્મેટીક્સના ઠઠારા.
બંને છોકરીઓ તૈયાર થઇ પછી શરૂઆત થઇ ફોટો શૂટની.
'આ જ ભાવમાં વિડીયો શૂટ પણ કરી આપીશ પણ, આમ તો એક દિવસ વધુ લાગે પણ હું આજે જ કરી આપીશ .... ' કામ કરતી વખતે પણ સંતોષ સેલ્ફ માર્કેટિંગ બાજુ પર મૂકતો નહોતો.
મધુબાલા ને મીના કુમારી પછી વારો આવ્યો મુમતાઝ ને ઝીનત અમાનનો. જે ગંધાતી ઓરેન્જ સાડી દેખાવમાં લાગતી હતી તે મુમતાઝની સ્ટાઈલથી બ્યુટીશિયને ડ્રેપ કરી પછી તો એનો દેખાવ જ ફરી ગયો. બાકી હતું તેમ હેર સ્ટાઈલ ને મેકઅપની કમાલ...
'તુમ જય ભાદુડી કી ફિર ઝરીના વહાબ કા કોપી મત મારના.... મસ્ત રહેને કા, ખુદ કા સ્ટાઈલ કરને કા.... કાલા હૈ તો વ્હાઈટ અવોઇડ કર કે કલર હી ડાલને કા... મેકઅપ ક્યા હૈ !! આઈઝ ઔર લીપ્સ.... ક્યા સમજી ?' ખ્રિસ્તી મેકઅપ આર્ટીસ્ટનું મોઢું જ બંધ નહોતું થતું, પણ રિયા એની એક એક વાત મનમાં ઉતારતી રહી.
કારણ કે એ જોઈ રહી હતી પોતાની જાતને કાળીમાંથી કામણગારી બનાવનાર યોગને !!
બાકીની કમાલ તો હજી બાકી હતી. સંતોષે પોતાની કરામત દેખાડવાની બાકી હોય તેમ લાઈટ્સને ચોક્કસ એંગલમાં ગોઠવી. ગંદી અંધિયાર ઓરડીમાં કોઈ અપ્સરા ઉતરી આવી હોય તેમ સામે ભીંત પર રહેલો આદમ કદનો આયનો કહેતો હતો. રિયા પોતાની જાતને જ મિરરમાં જોઇને દંગ રહી ગઈ : આ એ પોતે જ હતી ?
જો મમ્મી જોતે તો એને મને કે કમને માનવું તો પડતે જ કે એ રોમાથી વધુ સુંદર છું.
પાંચ કલાક પછી બંને છોકરીઓ મેકઅપ ધોઈને પોતાના વસ્ત્રો પહેરી બહાર નીકળી ત્યારે લાગ્યું કે ખુલ્લી હવા એકદમ ઠંડી પણ છે ને તાજી પણ.
'રિયા, આ તો ભારે કાળી મજૂરીનું કામ છે. ' અથાક પરિશ્રમે, મેકઅપમાં ભળતાં પરસેવાની વાસે માયાને પહેલા જ ચરણમાં સ્વપ્નભંગ કરી દીધી હતી. : ને મને તો તારી બેવકૂફી ન સમજાઈ.... રિયા...માયા આજના આ આયામથી ભારે ચીડચિડી થઇ ગઈ હતી.
'પેલો સંતોષ, એ કોઈ આપણો સગો છે કે રૂપિયા દસ હજારનો ઓર્ડર દઈ દીધો ? ' માયાના મનમાં ચિંતા ઘેરાઈ રહી હતી. સંતોષને આપવા માટે આ દસ હજાર રૂપિયા લાવવા ક્યાંથી ? ને એને કોઈ નેગેટીવ્ઝ રાખી હોય ને તેનો કોઈ ગંદો ઉપયોગ કરી લે તો ?
'માયા, તને એમ કે પેલા સંતોષે તો કહ્યું ને હું એની સેલ્સ ટોકમાં આવી પણ ગઈ, એમ જ ને ?' રિયા મંદ મંદ હસી રહી હતી.
'યાર, હસે છે શું ? મારો જીવ તાળવે ચોંટ્યો છે, મારા ભાઈને તું ઓળખતી નથી હજી....' માયાનું ટેન્શન હજી ઘટવાનું નામ નહોતું લઇ રહ્યું.
'તને એક ફાયદાની વાત કહું હવે....' રિયા જરા મલકીને વધુ પાસે આવી. ' જો, એને શું કહ્યું ? હું તમને કાસ્ટિંગ એજન્ટ સાથે સંપર્ક કરાવીશ...બરાબર?
'હા તો ? '
'તો શું ? આપણે ક્યાં કોઈને ઓળખીએ છીએ ? જાતે ક્યાં આ ધક્કા ખાતે, આપણું તો કામ થઇ ગયું ને !! આમ કે આમ, ગૂટલીઓ કે દામ....જો એમાં કંઇક કોન્ક્રીટ થાય તો આપણે ક્યાં એના પૈસા ખાઈ જવા છે.... આપી દઈશું ને ગણીને...'
'હા, પણ ધારો કે કંઈ જ ન થાય, આપણને કંઈ કામ ન મળ્યું, પેલા એજન્ટો દ્વારા તો ? 'માયાનો ફફડાટ હજી ઓછો નહોતો થયો.
'તો શું ? નસીબ એના ...' રિયા નફ્ફટાઈથી બોલી.
'એટલે ?' માયાના અવાજમાં આશ્ચર્ય હતું.
'એટલે માય ડિયર માયા, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર.....ડુ યુ અન્ડરસ્ટેન્ડ ?'
માયા હજી અવઢવમાં હતી ને ત્યાં તો રીક્ષા બાન્દ્રાના ગુલિસ્તાન બિલ્ડીંગ પાસે આવીને અટકી.
રિયાએ ઝડપથી પગ ઉપાડ્યા, ઉપર જઈને માથા પર સવાર એ કામ કર્યા વિના ચેન પડવાનું નહોતું.
ઘરમાં કોઈ જણાતું નહોતું, રિયાએ હળવેકથી માધવીને રૂમ ખોલી ખુલ્લા રહેતાં વોર્ડરોબમાંથી શિફોનની એક સાડી સરકાવી લીધી ને પોતાના રૂમમાં ભરાઈને ડોર લોક કર્યું. હવે સૌથી પહેલું કામ હતું મુમતાઝની જેમ સાડી લપેટવાનું. એના મન પર એક્સપોઝ સ્ટુડીઓમાં ચૌદ ઇંચના ટીવી પર ચાલતાં સોંગ તાજું હતું, હવે એક જ કામ હતું એ સ્ટેપ્સની પ્રેક્ટીસ કરવાનું.
સ્ટીરીઓ સિસ્ટમના વોલ્યુમને હાઈ કરીને રિયા કેટલા કલાક થિરકતી રહી એ તો એને પણ ખબર ન પડી.
એની સાધના ભંગ કરી બારણે પડતાં ટકોરાંએ, ઓહ નો , નાની બહાર ઉભા હતા.
રિયાએ ઝટપટ સાડી ઉતારી ને મ્યુઝીક તો બંધ કર્યું પણ સામે આદમ કદનો અરીસો હસી રહ્યો હતો : માય લેડી.... યુ વિલ બી ધ ફર્સ્ટ ફીમેલ સુપરસ્ટાર......
ક્રમશ: