રોબોટ્સ એટેક 23 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 23

રોબોટ્સ એટેક

ચેપ્ટર 23

નાયકે તેના મગજમાં આવેલો આઇડિયા બતાવવો શરુ કર્યો, “જુઓ સાથીઓ આપણુ મુખ્ય લક્ષ્ય છે આપણા મસિહાને તેમના ટાર્ગેટ શાકાલ સુધી બને તેટલા ગુપ્ત રીતે કોઇ રોબોટ્સની નજરમાં આવ્યા વગર ત્યાં સુધી પહોચાડવાનુ!! બરાબર? તેને બધાને પ્રશ્ન કર્યો. બધાએ તેના જવાબમાં કહ્યુ, હા. . બરાબર. તેને આગળ ચલાવ્યુ, “હવે આપણે તેમનુ ધ્યાન ભટકાવવા માટે એક તરકીબ કરવાની છે. શાકલનો અને તેની સેનાનો મુખ્ય ટાર્ગેટ તો ડૉ. વિષ્નુ જ છે. તેઓ જે તરફ ડૉ. વિષ્નુ હશે તે તરફ જ વધારે તાકાત લગાવવા પ્રયત્ન કરશે. તેથી જ્યારે તે યુદ્ધ સ્થળે પહોંચે ત્યારે આપણે તરત તેને નજર આવે તે રીતે એક ચક્ર્વ્યુહની રચના કરવાની છે અને તેની વચ્ચે આપણે ડૉ. વિષ્નીની સુરક્ષા કરી રહ્યા છે એવુ લાગવુ જોઇએ. તેથી શાકાલની સમગ્ર સેનાનુ ધ્યાન તે તરફ જ રહેશે. હવે ચક્રવ્યુહ જોયા પછી તેને વધારે વિચારવાનો સમય નહી મળે અને તેને તાત્કાલિક ચક્રવ્યુહ તરફ જ આક્રમણ કરવુ પડશે. એ સમયે આપણે આપણી સુરક્ષીત ટીમ દ્વારા આપણા મસિહાને પાછળના રસ્તેથી શાકાલ સુધી પહોચાડી દઇશુ. વળી તેમના બધાનુ ધ્યાન આપણા તરફ હશે. તેથી આપણા મસિહાને તેમની નજરમાંથી બચીને નિકળવુ આસાન થઇ જશે. આપણે બસ તે તકનો લાભ ઉઠાવવાનો છે. પણ એ માટે આપણે ચક્રવ્યુહ ખુબ જ મજબુત રીતે બનાવવો પડશે. તે માટે સૌથી મજબુત અને સશક્ત સૈનિકોને અંદર અને તેના પછી બીજી લાઇનમાં તેનાથી ઓછી શક્તિવાળા અને એ પ્રમાણે આઠદસ લેયર બનાવવા પડશે. સૌથી બહારની બે પંક્તિના સૈનિકો પણ એકદમ મજબુત અને સશક્ત અને અનુભવી જોઇશે. જેથી આપણે જ્યારે તેનુ સૈન્ય ચક્રવ્યુહ ભેદીને અંદર પહોચે ત્યારે તેને છુટુ પાડીને ફરીથી ચક્રવ્યુહ બંદ કરીને તેમનુ વિભાજન કરીને તેમની તાકાતને ઓછી કરી નાખીશુ. જેથી તેઓ જ્યાં સુધી તેને ભેદીને અંદર સુધી પહોચે ત્યાં સુધીમાં તો આપણે આપણા મસિહાને શાકાલ સુધી પહોચાડી દઇશુ”. નાયકે એકદમ મહાભારતના સમયમાં રચાયેલા ચક્રવ્યુહની રચના જેવા વ્યુહને થોડો ફેરફાર કરીને ઉપયોગમાં લેવાની યોજના બતાવી હતી. નાયકે તેઓ આખો પ્લાન સમજાવીને તેની વાત પુરી કરી. પણ મેજરના મગજમાં હજી પણ એક સંદેહ હતો. તેમને નાયકને પુછ્યુ, “નાયક તારો પ્લાન તો ખુબ જ સરસ છે પણ અહીં શાકાલ પાસે આધુનિક હથિયારો છે. જો શાકાલ આપણી પર તોપગોળાથી કે ગોળીબારી કરીને હુમલો કરશે તો આપણી આ યોજના ફેઇલ થઇ જશે”. નાયકે કહ્યુ, “હા પણ એ માટે પણ મારી પાસે એક આઇડિયા છે. આપણે તેના આધુનિક હથીયારો કોઇ કામમાં ન આવે તેવો વ્યુહ રચવો પડશે. એ માટે આપણી પાસે એવી ઢાલો તો છે જ જેની સામે ગોળીબારી ફેઇલ થઇ જશે. પછી આપણે જે જગ્યાએ ટેંટ છે તેની ઉપર પર પણ મજબુત ધાતુનુ લેયર બનાવી દઇશુ જેથી શાકાલ પાસે તોપગોળાનો કે મિસાઇલનો ઉપયોગ કરીને પણ આપણને કોઇ નુકશાન નહી પહોચાડી શકે. અને આપણે બે હરોળની વચ્ચે થોડુ વધારે અંતર રાખીશુ જેથી તે તોપગોળા કે મિસાઇલ દ્વારા હુમલો કરે તો તેનુ નિશાન ચુકાવી શકાય. જ્યારે તેનો કોઇ કારસો નહી ચાલે ત્યારે તેને સામે ચાલીને ચક્રવ્યુહ ભેદવા માટે આપણી સામે હાથોની લડાઇ કરવી જ પડશે. અને એજ તકનો આપણે લાભ ઉઠાવીશુ. તેની સેના નજીક આવ્યા પછી તો આપણુ સૈન્ય તેને હરાવવા માટે સક્ષમ છે”. તેની આખી વાત સાંભળીને મેજર સહિત બધાએ તાળીઓ પાડીને તેનુ અભિવાદન કર્યુ. મેજરે કહ્યુ, “વાહ નાયક ખુબ જ સરસ યોજના બતાવી છે. મને આ યોજના ખુબ જ પસંદ આવી. મને એ વાતનો ગર્વ છે કે તુ મારો શિષ્ય છે. આપણે આ યોજના પર જ ચાલીશુ. બીજા કોઇને કંઇ કહેવુ છે?” મેજરના સવાલના જવાબમાં બધાએ નાયકની યોજના પર સહમતી બતાવી. આમ,નાયકની યોજના પર મહોર લાગી ગઇ. પાર્થ પણ નાયકની યોજના સાંભળીને ખુશ થઇ ગયો. તેને નાયકને ભેટીને અભિવાદન કર્યુ. તેને પણ નાયકની યોજના ખુબ જ પસંદ આવી. તેને નાયકના ખુબ જ વખાણ કર્યા અને તેને શાબાશી આપી. આ બધી વાતો કરવામાં અને યુદ્ધની યોજના તૈયાર કરવામાં સવારના ચાર વાગી ગયા. ત્યારબાદ મેજરે બધાને કહ્યુ, “જુઓ સાથીઓ, હવે થોડીવાર માટે બધા આરામ કરી લો. કારણકે શાકાલ સુધી સમાચાર ક્યારના પહોંચી ગયા હશે અને તેને તેની તૈયારી શરુ પણ કરી દીધી હશે. આપણે બસ તેના આવવાની રાહ જોવાની છે. તે જ્યારે અહિંયા આવે ત્યારે તેને એમ જ લાગવુ જોઇએ કે આપણને તેના આવવા વિશે કોઇ માહિતી નથી. જેથી તે થોડો ગફલતમાં પડે અને એજ મોકાનો લાભ ઉઠાવીને આપણે આપણી યોજના સફળ બનાવવાની છે”. મેજરની વાત સાંભળીને ફરીથી બધા જોશમાં આવી ગયા. બધાએ છુટા પડતા પહેલા ભગવાન કાશીવિશ્વનાથની જયકાર બોલાવી. ત્યારબાદ બધા આરામ કરવા માટે ગયા પણ બધા જ ચોકન્ના પણ હતા. કારણકે તેઓ જાણતા હતા કે શાકાલ ક્યારેય પણ આવી શકે છે એ માટે તેમને તેમના તરફથી બધી જ તૈયારી કરીને રાખી હતી. હવે તેમને બસ શાકાલના આવવાની રાહ જોવાની હતી.

***

આ તરફ શાકાલ અને તેની રોબોટ્સ સેના પણ હવે યુદ્ધ માટે તૈયાર જ હતા. તેથી શાકાલે સેનાને કુચ કરવા માટેનો આદેશ આપ્યો. તે ખુદ પણ સેનાની સાથે યુદ્ધમાં જવા માટે જોડાયો. પાર્થ અને મેજરના અંદાજા પ્રમાણે જ તે તેની સેનાની વચ્ચે જ સુરક્ષા ઘેરો મજબુત કરીને જ આગળ વધી રહ્યો હતો. તેના સુધી પહોચવુ આસાન તો નહતુ જ! પણ પાર્થે તે મુશ્કેલ કામને શક્ય બનાવવાનુ બીડુ ઝડપ્યુ હતુ. શાકાલની સેના સવારથી જ તેના સુરક્ષા ઘેરામાંથી અને ત્યારબાદ શહેરમાંથી નીકળીને જે તરફ મેજર અને તેમની સેનાએ પડાવ નાખ્યો હતો તે તરફ આગળ વધી રહી હતી. શાકાલની સાથે તેની રોબોટ્સ સેના હોવાથી તેમની ઝડપ વધારે ન હતી. તેમને યુદ્ધ સ્થળે પહોચતા સુધીમાં બપોરનો સમય થઇ ચુક્યો હતો. આખરે જ્યારે તેઓ યુદ્ધના સ્થળે પહોચ્યા ત્યારે તેમને જે દ્રષ્ય જોયુ તે જોઇને તેમના હોશ જ ઉડી ગયા. શાકાલે 555ની વાત પરથી ડૉ. વિષ્નુની સેનાની જે સંખ્યા ધારી હતી તેના કરતા ઘણી વધારે સંખ્યામાં તેમની સેના હતી. બીજી આશ્ચર્યની વાત એ હતી કે તેમના ધાર્યા પ્રમાણે તેમના અહિંયા આવવાની તેમને જાણ ન હતી. તેઓ ત્યાંથી નીકળીને અહિંયા સુધી આવ્યા ત્યારે પણ તેમની ઉપર કોઇ નજર નથી રાખી રહ્યુ કે, કોઇ ગુપ્તચર તો તેમની પાછળ નથી તે પણ તેમને જોયુ હતુ. છતાંપણ જ્યારે તેઓ ત્યાં પહોચ્યા ત્યારે દુશ્મન સેના યુદ્ધ માટે પુરી રીતે તૈયાર હતી. તેથી શાકલની પહેલી યોજના, જે તેમના પર અચાનક હુમલો કરીને તેમને ચોંકાવવાની હતી તે ધુળમાં મળી ગઇ. ઉલટુ તેમને ચોંકવાનો વારો આવ્યો. અત્યારે તેને 555 પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. પણ હવે તેના પર ગુસ્સો નિકાળીને પણ કોઇ ફાયદો ન હતો. હવે તેમને અત્યારે જે પરીસ્થિતિ ઉભી થઇ હતી તેમાંથી કોઇ રસ્તો નિકાળીને આગળ વધવાનુ હતુ. કારણકે અહિંયા સુધી આવીને તે હવે પાછો પણ ફરી શકે તેમ ન હતો. પણ હવે શાકાલ માટે ખુબ જ વિકટ પરીસ્થિતિ ઉભી થઇ હતી. કારણકે સામે પક્ષે સેના તેના કરતા ડબલ સંખ્યામાં હતી. તે ઉતાવળમાં અને અહંકારમાં તેની પાસે જે સેના હતી તે લઇને નીકળી ગયો હતો. બીજા શહેરમાં રહેલી તેની સેનાને તેને બોલાવી ન હતી. તે જ તેની સૌથી મોટી ભુલ હતી. પણ હવે કંઇક તો રસ્તો નિકાળવો જ પડશે.

હવે આ પરિસ્થિતિથી નિપટવા માટે શુ કરવુ ? તે વિશે જ તે વિચારી રહ્યો હતો. ત્યાં જ તેને જોયુ કે દુશ્મન છાવણીમાં અચાનક હલચલ શરુ થઇ ગઇ. તેઓ એક વર્તુળ બનાવીને એક ટેંટનો ઘેરો બનાવવા લાગ્યા. એક વર્તુળ પુરુ થતાં જ તેની ફરતે બીજુ વર્તુળ થવા લાગ્યુ. એમને એમ એક પછી એક બીજુ વર્તુળ થતુ જ ગયુ. શાકાલ આ બધુ ધ્યાનથી જોઇ રહ્યો હતો. તેને એ આઇડિયા તો આવી ચુક્યો હતો કે તેની વચ્ચે કોણ છે. હવે તેના માટે ડૉ. વિષ્નુ સુધી પહોંચવુ ખુબ જ મુશ્કેલ થઇ ગયુ હતુ. તે કોઇ એક્શન લે તે પહેલા જ દુશ્મન સેનાએ તેમની ચાલ ચાલી દીધી હતી. શાકાલ દુશમનની આખી ચાલ સમજી ગયો હતો. પણ ચાલ સમજવામાં તેને મોડુ કરી દીધુ હતુ. તે હવે સમજી ગયો હતો કે હવે હવાઇ હુમલો કે ગોળીબારી કરીને આ યુદ્ધ જીતી શકાશે નહી. છતાં પણ તે હવે મોડુ કરવા માગતો ન હતો. તેને તરત જ પહેલી હરોળ પર ગોળીબારી કરવાનો આદેશ આપ્યો પણ બધુ જ વ્યર્થ હતુ. ડૉ. વિષ્નુની બનાવેલી મજબુત ઢાલો સામે તેની ગોળીઓનો વરસાદ વ્યર્થ હતો. ત્યારબાદ તેને તોપગોળાથી હવાઇ હુમલા કરીને ચક્રવ્યુહને ભેદવાની કોશીશ કરી જોઇ પણ તેમાં પણ તે સફળ ના થયો. તે જ્યારે તોપગોળો છોડતો હતો ત્યારે મેજરની સેના પહેલેથી જ તેનો અંદાજો લગાવીને તેનુ નિશાન ચુકાવી દેતા હતા. હવે શુ કરવુ તેની અવઢવમાં તે હતો ત્યારે જ તેને તેના ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે, શહેર અને તેનો સુરક્ષા મહેલ લોકોએ અંદરથી બંદ કરી દીધો છે અને તે હવે પાછા ફરી શકે તેમ નથી. હવે તે સમજી ચુક્યો હતો કે તે બધી બાજુથી ફસાઇ ગયો છે. હવે તેની પાસે એક જ રસ્તો બચ્યો હતો. ‘દુશ્મન સેનાએ બનાવેલા ચક્રવ્યુહને વીંધીને તેમના સુધી પહોચીને ડૉ. વિષ્નુને ખતમ કરવા’. હવે તે જો એમ કરવામાં સફળ રહે તો જ તે શહેરમાં પાછો ફરી શકે તેમ હતો. તે માટે હવે તેને વધારે સમય વ્યર્થ કરવો પોષાય તેમ ન હતુ. કારણ કે દુશ્મન પહેલા જ તેનાથી એક કદમ આગળ હતો. હવે જો તે વધારે વાર લગાડે તો દુશ્મન તેમની બીજી કોઇ ચાલ ચાલવામાં પણ સફળ થઇ જાય. તેથી શાકાલે વધારે વિચાર્યા વગર તેની સેંનાને સીધો ચક્રવ્યુહ પર હુમલો કરવા માટેનો આદેશ આપ્યો. શાકાલને વધારે વિચારવાનો સમય ન મળતા તેને એજ પગલુ ભર્યુ,જે નાયકે પ્લાન કર્યુ હતુ. તેમનો પહેલો પ્લાન સફળ થયો હતો. જ્યારે શાકાલ ગોળીબારી અને તોપગોળાથી હુમલા કરવામાં વ્યસ્ત હતો ત્યારે બીજો પ્લાન સફળ બનાવવાની કવાયત પણ શરુ કરી દીધી હતી.

જ્યારે શાકાલ નાયકે બનાવેલા પ્લાનમાં પુરી રીતે સપડાઇ ગયો છે. તે નિશ્ચીત થઇ ગયુ, એટલે તેમને તેમના પ્લાનની બીજી ચાલ ચાલવાની શરુ કરી દીધી. પાર્થ અને તેની સુરક્ષા માટે નિમણુક કરેલી ટીમ તેમની છાવણીની પાછળની તરફથી નીકળીને યુદ્ધસ્થળની ફરતે મોટો ઘેરાવો લઇને,કોઇની નજરમાં આવ્યા વગર શાકાલની સેનાની સમાંતરમાં આવી ગયા. પણ હજુ તેમની અને શાકાલની વચ્ચેનુ અંતર વધારે હતુ અને વચ્ચે ખુલ્લુ મેદાન હતુ. તેથી તેના સુધી પહોચવુ ખુબ જ મુશ્કેલ હતુ. જો તેઓ જે તરફ હતા ત્યાંથી તેના પર સીધો હુમલો કરે તો પણ તેમના નજીક પહોંચતા સુધી શાકાલને તેમના આવવાની જાણ થઇ જાય અને તે સતર્ક થઇ જાય. તેને સમજાઇ જાય કે આ તેમનો કોઇ પ્લાન છે અને તે તેઓ સુરક્ષાઘેરાને વધારે મજબુત કરી લે. પણ પાર્થ તેને એવો કોઇ જ મોકો આપવા માગતો ન હતો. તે માટે તેને થોડીવાર ત્યાંજ ઉભા રહીને યુદ્ધ જોયે રાખ્યુ. તેને જોયુ કે શાકાલનુ સૈન્ય ચક્રવ્યુહ તરફ આગળ વધી રહ્યુ છે પણ શાકાલ તેની જગ્યાએ જ ઉભો છે. જેથી જેમ જેમ તેનુ સૈન્ય આગળ વધતુ જતુ હતુ તેમ તેમ તેની પાછળની તરફથી સુરક્ષા કમજોર પડતી જતી હતી. પાર્થે એ જોયુ અને તેને નક્કી કર્યુ કે હવે જો તેમને શાકાલ સુધી પહોંચવુ હશે તો પાછળથી જ જવુ પડશે. તરત જ તેને તેની સુરક્ષા ટુકડીને આદેશ આપ્યો અને તેઓ શાકાલની સમાંતર બાજુએથી તેની પાછળની તરફ જવા લાગ્યા. થોડી જ વારમાં તેઓ શાકાલના સૈન્યની એકદમ પાછળની તરફ હતા. ત્યાંથી તેઓ એકદમ શાંતિથી કોઇ જ અવાજ કર્યા વગર શાકાલની સેનાની પાછળ ગોઠવાઇ ગયા. હવે તેઓ જેમ શાકાલની સેના આગળ વધી રહી હતી તેમ તેમ તે બધા પણ આગળ વધી રહ્યા હતા. હજુ પણ તેઓ શાકાલથી ઘણા દુર હતા.

***

આ તરફ જ્યાં શાકલના સૈન્યનો હુમલો થઇ રહ્યો હતો ત્યારે મેજર અને નાયકની કમાન નીચે તેમની સેના તેનો ખુબ જ દટીને સામનો કરી રહી હતી. અત્યાર સુધી બધુ તેમની યોજના અનુસાર જ થયુ હતુ. જ્યારે શાકલના સૈન્યએ તેમના પર હુમલો શરુ કર્યો અને તેનુ સમગ્ર ધ્યાન તેમના તરફ આવી ગયુ,તે જ વખતે પાર્થ અને તેની સુરક્ષા ટુકડી છાવણીની પાછળથી નીકળી ગયા હતા. તેમના પ્લાન પ્રમાણે જ્યારે તે શાકાલના સૈન્યની સમાંતરમાં પહોંચ્યા ત્યારે શાકાલનુ સૈન્ય તેમની તરફ આવી રહ્યુ હતુ. જ્યારે શાકાલનુ સૈન્ય તેમની હરોળ ભેદવામાં સફળ થઇ ગયુ ત્યાં સુધીમાં પાર્થ તેની ટુકડી સાથે શાકાલના સૈન્યની પાછળ ગોઠવાઇ ગયો હતો. પણ પહેલી હરોળે યોજના મુજબ જ ફરીથી મજબુત હરોળ બનાવીને અંદર પહોચેલા સૈન્યને અન્ય સેનાથી અલગ પાડી દીધુ હતુ. હવે તેઓ ચારે તરફથી ઘેરાઇ ગયા હતા. અને તે કંઇ સમજે કે આ શુ થઇ રહ્યુ છે? તે પહેલા જ મેજરની સેનાએ ડૉ. વિષ્નુના બનાવેલા આધુનિક હથિયારોથી તેમને ડેસ્ટ્રોય કરવાનુ શરુ કરી દીધુ હતુ. શાકાલના આધુનિક રોબોટ્સ પણ તેમની સંખ્યા ઓછી હોવાથી વધારે સમય મુકાબલો આપી શક્યા ન હતા અને ધીમે ધીમે ખતમ થઇ રહ્યા હતા. આજ વખતે પાર્થને હુમલો કરીને શાકાલ સુધી પહોચવાનુ હતુ. પણ તેને યોજનામાં થોડો બદલાવ કર્યો હતો તેથી તેને થોડો વધારે સમય લાગે તેમ હતુ. મેજર પાર્થના સિગ્નલની રાહ જોઇ રહ્યા હતા. જ્યારે પાર્થ તેમને સિગ્નલ આપે ત્યારે જ તેમને ડૉ. વિષ્નુના બનાવેલા હથિયારને એક્ટીવ કરીને બધા જ રોબોટ્સને થોડો સમય સુધી નિષ્ક્રિય કરી દેવાના હતા. પણ આ મોકો તેમની પાસે એકજ વાર આવવાનો હોવાથી પાર્થ કોઇ જોખમ લેવા માગતો ન હતો. તેથી જ તે દિશા બદલીને શાકાલના સૈન્યની પાછળની તરફ ગોઠવાઇ ગયો હતો. પાર્થ અને તેની ટુકડી શાકાલના સૈન્યની પાછળ તરફ ગોઠવાઇ ગઇ હતી. પણ હજુ પણ તેની અને શાકાલની વચ્ચેનુ અંતર ઘણુ વધારે હતુ. તેથી તેને થોડી વધારે રાહ જોવી પડે તેમ હતી. શાકાલના સૈન્યએ પહેલી હરોળને ફરીથી તોડીને અંદર પ્રવેશ કરી લીધો હતો. આ વખતે પહેલી હરોળને ફરીથી ચક્રવ્યુહને બંદ કરવામાં વધારે સમય લાગ્યો હતો. જેના લીધે આ વખતે રોબોટ્સ વધારે સંખ્યામાં અંદર આવી ગયા હતા. જેથી અંદરની હરોળને તેમનો મુકાબલો કરવો ખુબ જ મુશ્કેલ બની ગયુ હતુ. છતાંપણ તેઓ ખુબ જ મજબુતીથી તેમને મુકાબલો આપી રહ્યા હતા. આ વખતે મેજરની સેનાના કેટલાક સૈનિકો રક્ષા પંક્તિને બચાવવામાં શહીદ થઇ ગયા હતા. બીજી હરોળ પણ ધીમે ધીમે કમજોર પડી રહી હતી. મેજર જાણતા હતા કે જો બીજી હરોળ તુટી ગઇ તો પછી શાકાલનુ સૈન્ય ખુબ જ ઝડપથી અંદરની બે હરોળ સુધી આવી જશે અને અંદરની હરોળ મજબુત હોવા છતાં જો રોબોટ્સ વધારે સંખ્યામાં હશે તોતેઓ છેક અંદર પહોચી જશે. તેમને આખી સચ્ચાઇ ખબર પડી જશે અને પાર્થના શાકાલ સુધી પહોંચ્યા પહેલા જ તેમની આખી યોજના નિષ્ફળ થઇ જશે. તેથી તેમને નાયકને તરત જ એક બીજી મજબુત ટુકડી લઇને બીજી હરોળની મદદમાં જવા માટે મોકલ્યો અને બાકી બચેલા સૈનિકોનો તેમનો ઉત્સાહ વધારવા માટે કહ્યુ. મેજરનો આદેશ થતાં જ થોડી જ વારમાં નાયક એક બીજી ટુકડી લઇને બીજી હરોળની મદદમાં આવી ગયો. નાયકે આવતાંની સાથે જ સૈનિકોનો ઉત્સાહ વધારવા માંડ્યો અને તેઓને હાકલા પડકારા કરીને તેમનો જુસ્સો વધારવા લાગ્યો. નાયકે સૈનિકોને કહ્યુ કે, આ યુદ્ધ તેઓ તેમની માતૃભુમીના માટે લડી રહ્યા છે અને માતૃભુમિની રક્ષા કરતા જો જાન પણ ચાલી જાય તો તેનાથી મોટુ સુખ બીજુ કયુ હોઇ શકે!! નાયકના આવવાથી સૈનિકોમાં અચાનક જ એક નવુ જોશ આવી ગયુ. જે સૈનિકો થાકી ગયા હતા તેમનો થાક અચાનક જ ક્યાંક અદ્રષ્ય થઇ ગયો અને તેઓ ઝનુનથી રોબોટ્સના માથા વધેરવા લાગ્યા. પરિસ્થિતિ અચાનક બદલાઇ ગઇ. હવે રોબોટ્સની પકડ કમજોર પડી ગઇ અને મેજરની સેના ભારે પડી રહી હતી. થોડી જ વારમાં બધા જ રોબોટ્સ ખતમ થઇ ગયા. ત્યારબાદ નાયકે તેની ટુકડીના બે વિભાગ પાડીને એક વિભાગને બીજી હરોળમાં ગોઠવી દીધો. તે ખુદ બીજો વિભાગ લઇને પહેલી હરોળમાં શાકાલના સૈન્યને લડાઇ આપવા લાગ્યો. નાયકના પહેલી હરોળમાં આવવાથી પહેલી હરોળ પણ જુસ્સામાં આવી ગઇ અને શાકાલના સૈન્યને ઝનુન પુર્વક વાઢવા લાગી. પહેલી હરોળમાં આવેલા અચાનક નવા જ જોશ અને તેના લીધે તેના રોબોટ્સ સૈનિકોના કપાતા માથા જોઇને શાકાલને પણ આશ્ચર્ય થયુ. હવે તેને ભાન થયુ કે તેને અહિંયા આવીને ખુબ જ મોટી ભુલ કરી છે. તેને દુશ્મનની શક્તિને ઓળખવામાં થાપ ખાધી છે તે વાત હવે તેને સમજાઇ ગઇ. તેને બીજી એક ટુકડીને આગળ લડવા માટે મુકી.