અંતરની લાગણી પ્રિયતમાના સરનામે
રૂપેશ ગોકાણી
હે પ્રિયે, તારી સાથે કલાકો વાત કરું છું હું દરરોજ, મે અહી વિતાવેલી એક એક પળનું બયાન તને દરરોજ ફોન પર આપુ છું પણ સાચુ કહુ તો મારા હ્રદયના ભાવને હું ખુલ્લા દિલે તારી સમક્ષ રજુ કરી શકતો નથી એટલે આજે એક અલગ જ વિચાર આવ્યો, તને પત્ર લખવાનો. પત્ર વાંચીને હસતી નહી કારણ કે તારી જેમ ભાષામાં નહી પણ એકાઉન્ટમાં મે માસ્ટરી મેળવી છે પણ કાલીઘેલી ભાષામાં લખી રહ્યો છું મારા અંતઃકરણના ભાવને તો પ્લીઝ વાંચ્યા બાદ ફોનમાં પ્રતિભાવ જરૂર આપજે.
“પ્રિયે, આ ઢળતી સાંજે કાગળ અને કલમના સથવારે અને તારી મીઠી મધુરી યાદોને વાગોળતો મારા ઉરમાં ભરેલી સુમધુર લાગણીઓ અંકિત થઇ રહી છે ત્યારે એક વાત જરૂર કહીશ કે
“તારા વગરની ઢળતી સાંજે સન્નાટાનો શોર છે,અંતરમાં ઉનાળો અને આંખે વાદળ ઘનઘોર છે.”
“આજે આપણી સગાઇને ચાર મહિના થવા આવ્યા. ચાર મહિનામાં મને અહી ઓફિસમાં રજા પણ ન મળી કે હું ત્યાં આવી તારા દિદાર કરી, મારી આંખડીને ઠારી શકું. એકવખત તારા સુમધુર કંઠમાંથી વહેતી સરવાણીને મારા કર્ણ દ્વારા અંદર ઉતારી મારુ રોમ-રોમ પુલકિત કરી શકું. કમ્બખ્ત આ પૈસો કમાવવાની ઝંઝટમાં આ સોનેરી સમયને હું અસ્ત થવા તરફ દોરી જાંઉ છું. આ તો સારુ છે કે દરરોજ તારી સાથે થતી વાત દ્વારા તારા હ્રદયમાં રહેલી મારા પ્રત્યેના પ્રેમની ભીની સુવાસથી મને રંચક ટાઢક વળે છે, નહી તો આ ભર શિયાળે પણ મારુ અંતર તારા વિયોગથી બળબળતુ જ રહે છે.” “તને યાદ છે, જ્યારે આપણી સગાઇ બાદ પ્રથમ વખત આપણે બહાર ગયા તે દિવસ? દ્વારકાના એ દરિયાકિનારે સાગરના મોજા ના ઘુઘવાટ સામે પણ તારુ મૌન મને ખળી રહ્યુ હતુ. લજ્જાથી ઢંકાયેલા તારા નયનો જ્યારે છુપાઇ લપાઇને મારી સામે પડતા હતા ત્યારે તો જાણે મારુ કાળજુ કોતરીને તુ સુંદર મિનાકારી કરી રહી હો, તેવુ મહેસુસ થઇ રહ્યુ હતુ. તારી આંખોમાં ઘણા અવનવા ભાવ તે દિવસે મે જોયા હતા, તારે મને ઘણું કહેવુ હતુ, મારી પાસેથી ઘણું જાણવું હતુ, પણ બન્ને વચ્ચે લજ્જા પડદો બની પડી હતી.” “જેમ લજામણીના ફુલને સ્પર્શ કરતા હું ડરું છું કે ક્યાંક આ કરમાઇ ન જાય, તેમ છેવટે ડરતા ડરતા તારા કોમળ હાથને મે થામ્યો ત્યારે સાચુ કહું મારા રોમરોમમાં એક કરંટ દોડી ગયો હતો. મને તો એમ હતુ કે લજામણીના ફુલની માફક તને પણ સ્પર્શ કરતા તારા નયનોમાં રહેલી લજ્જાને કારણે તારી પાંપણો વધુ ઝુંકી જશે પણ આ શું મારા સ્પર્શથી તો જાણે સુર્યના આગમનથી સુર્યમુખીનું ફુલ ખીલી ઉઠે તેમ મારા સ્પર્શથી તારુ રોમરોમ ખીલી ઉઠ્યુ.” “આપણે સાથે વિતાવેલા એ ચાર દિવસોને હું યાદ કરીને રોજ જીવું છું. એ ચાર દિવસોમાં આપણે વહેંચેલી એક એક ભાવનાઓને યાદ કરીને જ આજે આટલો દૂર હું તારા વિના રહી શકું છું. અરેંજ્ડ સગાઇની આ જ એક વિલક્ષણતા છે કે બે વ્યકિત કે જે એકબીજાને જાણતા પણ નથી તેઓ ભવિષ્યમાં એકબીજાના હમસફર બનવાના છે ત્યારે એકબીજા વિષે જાણવાની, એકબીજાને સમજવાની અને એકબીજાના હ્રદયમાં પોતાના પ્રત્યે દોસ્તી વધારવાની તાલાવેલી હોય છે.” “પ્રિયે, દોસ્તી શબ્દ એટલા માટે વાપર્યો છે કે જો આપણી વચ્ચે ગાઢ મિત્રતા હશે તો જ આપણા વચ્ચે પ્રેમરૂપી પારીજાતના પુષ્પો આજીવન ખીલેલા રહેશે, એટલે જ તને યાદ છે મે સૌ પ્રથમ તને એ જ પુછ્યુ હતુ કે મારી મિત્ર બનશે? ત્યારે મારા પ્રશ્નના જવાબમાં જે તુ દિલ ખોલીને તારી મુશ્કાન વેરી હતી તે આજ સુધી મારી નજરમાં કેદ રાખી છે મે.” “આપણે બન્ને વચ્ચે એ ચાર દિવસોમાં ગાઢ મિત્રતા પણ થઇ અને એ મિત્રતા પ્રણયમાં પણ પરિવર્તિત થઇ તેની સાચુ કહું તો મને તો ખબર જ ન રહી. એ ચાર દિવસોમાં તો જાણે જન્મો જન્મ સાથ રહેવાના અને સાથ આપવાના મુક વચનો બન્ને વચ્ચે બંધાઇ ગયા અને એકબીજાને ક્યારેય જોયેલા પણ નહી તેવા આપણે બન્ને એકબીજા વિના એક પળ પણ ન રહી શકીએ તેવી પરિસ્થિતિ બની ગઇ. તારી સાથે દરરોજ ફોન પર ચાર પાંચ કલાક વાત તો કરું છું પણ અંતરની ઉર્મીઓને વાંચા આપવા હું અસમર્થ રહું છું એટલે જ મારા અંતરના ભાવ આજે કલમથી અંકારી રહ્યો છું. “તને તો ખબર જ છે કે કોમર્સનો હું વિદ્યાર્થી છું અને હાલ પણ બેન્કમાં મારી જોબ છે, તારી જેમ ભાષા પર એટલુ તો પ્રભુત્વ નથી જ મારુ પણ જ્યારે પુનમની રાત્રીએ પ્રથમ વખત આપણે બન્ને દ્વારીકાના દરિયાકિનારે ચાંદનીમાં બેઠા હતા ત્યારે ઠંડી હવાને કારણે લહેરાતી તારી કાળી ભમ્મર જેવી વાળની લટ મારા હ્રદયમાં પ્રણયનું વાવાઝોડુ લઇ આવી હતી, વારેવારે લટને સંવારવામાં તુ મશગુલ બની જતી ત્યારે મારા નયનો તારા દિદારમાં મશગુલ થઇ બેસતા, ત્યારે તારી એ લટને સંવારવાની મને ખુબ તાલાવેલી હતી પણ હજુ તારા શબ્દોની મહોર લાગી ન હતી તે હું અચકાઇ રહ્યો હતો.” “મારે તો આખી રાત એ સોળે કળાએ ખીલી ઉઠેલા ચંદ્રમાની ચાંદનીની સાક્ષીમાં તારા મુખની એ શિતળતાને મારા હ્રદયપટલ ઉપર સંગ્રહવી હતી પણ તારા મુખેથી નીકળેલુ એ વાક્ય, હવે જઇશું? બધા રાહ જોતા હશે. તેનો હું નકારમાં પ્રત્યુતર વાળી શક્યો નહી અને તારી હા માં હા મિલાવી આપણે ઘર તરફ રવાના થયા. બાઇકમાં પાછળ બેઠી હતી ત્યારે શરમને કારણે તારા ગાલ પર પડતી લાલાશનું વર્ણન તો હું શબ્દોમાં કરી શકવા સમર્થ જ નથી, સાઇડ ગ્લાસમાંથી તને છુપી નજરે જોવામાં જે અનેરો આનંદ મને હતો તે આનંદ આજે વેબકેમેરામાં તને નિહાળું છું તેમા પણ મળતો નથી.”
બીજા દિવસે ચોરી ચુપકે સવારમાં તૈયાર થઇ મને જગાવવા આવવાની તારી કળા મનભાવન હતી. તે દિવસે એવુ મેહસુસ કર્યુ કે મારી સંભાળ લેનાર કોઇ આવી ગયુ છે. તે દિવસે લાલ સારીમાં સજ્જ થયેલી તુ કોઇ અપ્સરાથી કમ લાગતી ન હતી. તારા ભીના વાળમાંથી જાણીબુઝીને ઝાટકેલી પાણીની બુંદો , પ્રથમ વર્ષાનો આનંદ આપે તેટલી સુખદાયક હતી. મારા માટે બપોરે મનભાવન ભોજન બનાવવું અને તારા હાથે મને પીરસવું એ અત્યારે બહુ યાદ આવે છે. આજે પણ જ્યારે ટીફીનનુ ઠંડુ જમવાનુ પ્લેટમાં લઉ છું ત્યારે તારા કંગન અને બંગડીઓથી ખન્ન ખન્ન થતા હાથનું સ્મરણ મને થઇ આવે છે.” “તારી સાથે એકાંતમાં બેસી વાત કરવાનો મોકો ભગવાને બીજા દિવસે મને આપી જ દીધો. તને યાદ છે સાંજે આપણે જ્યારે નાગેશ્વર મંદિરે ગયા હતા ત્યાં ગાર્ડનમાં રહેલા ઝુલા જોઇ તુ ઝુમી ઉઠી હતી. એ બાળસહજ નિર્દોષ હાસ્ય લાખો લુંટાવી દેતા પણ મને મળે નહી તેટલુ અમુલ્ય હતુ. તારી સાથે દિલ ખોલીને વાત કરવાથી હું ખુબ જ ખુશ હતો. જેમ મે તારી સાથે વાત કરી તેમ તે પણ તારા દિલમાં રહેલી ભાવનાઓ મારી સામે રજુ કરી, જેથી તને સમજી શકવામાં મને સફળતા મળી અને આપણે બન્ને મનથી એકબીજાની નજીક આવ્યા. પરત ફરતી વખતે મારા ખભા પર તારો હાથ અને સાથે સાથે ચહેરા પર લાલીમાના સ્થાને હળવુ સ્મિત અને સ્મિત વખતે ગાલ પર પડતા ખંજન તારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા હ્તા, ત્યારે મને એહસાસ થયો કે તુ મનોમન મને આજીવન હમસફર બનાવવા જઇ રહી છે.” “પરત ફરતી વખતે બાઇકને જાણીજોઇને મે સ્પીડમાં ચલાવી હતી, મને ખબર હતી કે બાઇકની સ્પીડથી તુ ગભરાઇને મને પાછળથી ભેટી પડશે, અને યાર સાચે જ બન્યુ પણ એવું. સર્પ જેમ ચંદનના વૃક્ષને વીંટો લે તેમ તારા બન્ને હાથ મને વીંટળાઇ ચુક્યા ત્યારે શિયાળામાં પણ ઉષ્ણતાનો એહસાસ કરાવ્યો હતો તે મને.” રાત્રે હોટેલમાં તને ડિનર માટે લઇ જવી તે પણ પ્રી-પ્લાન્ડ હતુ. ઘરે તો બધાની હાજરીમાં તુ ખુલ્લા મનથી વાત ન કરે એટલે તને વધુ સમજવા, જાણવા હું તને હોટેલ લઇ ગયો પણ હું રહ્યો બુદ્ધુ કે તારી પસંદ એકબાજુ મુકી મારી પસંદ મુજબ ઓર્ડર આપી દીધો. તારા પર માન તો ત્યારે આવ્યુ જ્યારે ખબર પડી કે એકદમ તીખુ અને સ્પાઇશી ખાનારી મારી પ્રિયતમાએ આજે મારા કારણે ફીકુ શાક ખાઇ લીધુ અને ગમગીનીનો ભાવ પણ ચહેરા પર વર્તાવા ન દીધો.
રાત્રે પણ જ્યારે તુ મમ્મી સાથે અલગ રૂમમાં સુવા માટે જતી રહે છે ત્યારે બેડરૂમમાં એકલવાયુ લાગવા લાગ્યુ હતુ મને. જે રૂમમાં સમજણો થયો ત્યારથી એકલો સુતો આવ્યો છું તે જ રૂમમાં એમ લાગતુ હતુ કે કાંઇક ખુટે છે અને એ કંઇક બીજુ કાંઇ નહી પરંતુ તારા અને મારા પ્રેમની સુવાસ હતી. “છેલ્લો દિવસ” સવારથી મારુ મન બેચેન હતુ કે આજે તુ તારા પપ્પાના ઘરે જતી રહેવાની છે. મને ખબર જ હતી કે તુ હંમેશાને માટે નહી જવાની, થોડા સમય બાદ આજીવન મારી અર્ધાંગીની બની મારા જીવનને મહેકાવવાની જ છે તુ પરંતુ ન જાણે કેમ તે દિવસે મન ખુબ વ્યાકુળ હતુ, એટલે તો તને યાદ જ હશે કે તુ મને જગાવવા આવી તે પહેલા જ હું જાગી ગયો હતો. તે દિવસે તુ મમ્મી અને બહેન બધા એટલા તે વ્યસ્ત હતા કે પાંચ મિનિટ તો શું એક ક્ષણ માટે પણ તને મારી સામે નજર કરવાની ફુરસત ન હતી.” “હાશ....... આખરે મારી બહેના જ સમજી કે મારી મનઃસ્થિતિ શું હશે અને તેણે જ બહાનુ કરી તને મારી પાસે મોકલી હતી. ફુલગુલાબી ટૉપ અને બ્લ્યુ લેગીંગ્સ અને કાનમાં લાંબી ઇયરીંગ્સ સાથે સજ્જ થયેલી જ્યારે મારા રૂમમાં પ્રવેશી ત્યારે હ્રદયના તાર ઝણઝણી ઉઠ્યા. આજે આ પલક પણ વેરી બની હોય તેમ લાગતુ હતુ કે પાંપણ બંધ થાય એટલી વાર પણ તારા દિદાર થતા ન હતા.” “આપણા જીવનના સફરની સરૂઆત જ્યાં કરવાની હતી ત્યાં આપણે બન્ને હતા અને સાથે હતુ અખંડ એકાંત. તને અને મને બન્નેને ખબર જ હતી કે આપણે હવે કોઇ ડિસ્ટર્બ કરવાવાળુ નહી.તારી ગોદમાં જ્યારે પ્રથમ વખત માથુ ઢાળીને સુતો ત્યારે શું કહુ પ્રિયે, ભવોભવ સુધી પ્રેમની સમાધી અવસ્થા લાગી ગઇ જાણે. હળવે હળવે તારી મુલાયમ અગુલીઓ મારા વાળમાં ફરતી જાણે હું તો હમણા તારા પ્રેમમય દુનિયામાં ખોવાઇ જઇશ.
“મે ક્યારેય સ્વપ્ને પણ કલ્પના કરી નહોતી કે આપણા વચ્ચે ચાર દિવસમાં જ પ્રેમની મહોર લગાડતુ એક મીઠુ તસતસતુ ચુંબન મને ભેટ સ્વરૂપે તારા દ્વારા મળી જશે. હું તો તારા ખોળામાં માઠુ ઢાળી મસ્ત બહાર બની સુખદ આનંડ લઇ રહ્યો હતો ત્યાં અચાનક તારા દ્વારા મારી તરફ ઝુંકવુ અને મારા ગાલ પર હોંઠથી તારા નામની સહી અંકિત કરવી એ મને ખુબ ગમ્યુ હતુ પ્રિયે. જેમ ભગવાનને પણ પોતાની સાબિતી પુરવા માટે કંકુ પગલા પાડવા પડે છે તેમ તે પણ આપણા બન્નેના ભવિષ્યના સબંધને સાબિત કરતી નિશાની મારા પર અંકિત કરી દીધી. “તુ છો બહુ છુપી રૂસ્તમ. મારી તો જાણ બહાર જ રહી ગયુ કે પ્રથમ વખતે મારે તને કોઇ ગિફ્ટ આપવાની છે અને તે તારા સ્વ-હસ્તે બનાવેલી આપણા બન્નેની છબી જ્યારે મારી સામે ધરી દીધી ત્યારે હું તો હતપ્રભ રહી ગયો. સાચે જ પ્રિયે, તે મને એ ચાર દિવસોમાં એટલો તે પ્રેમ આપ્યો છે કે જે આજીવન મારા માટે એક મીઠુ સંભારણું બની ગયુ છે. અહી અમદાવાદમાં ભલે હું એકલો રહું છું પણ એ ચાર દિવસની યાદો મને પળે પળ તારી સાથે જ રાખે છે. સવારે ઉઠતાથી શરૂ કરી રાત્રે બેડ પર સુતી વખતે અને ક્યારેક તો સ્વપ્નમાં પણ તારી હાજરી મને જોવા મળે જ છે. ખરેખર તુ એક મોટી ચોર છે, જેને ક્યારેય પહેલા જોઇ પણ ન હ્તી તે ચતુર મારા જીવનમાં આવી અને મારા કાળજાને મારી પાસેથી ચુરાવી ગઇ અને પાછુ ખુબી તો એ કહેવાય કે મને ખબર પણ ન પડવા દીધી. જાનુ, દિલ ખોલીને ઘણું લખી નાખ્યુ, ઘણા શબ્દો તો મારી કલમે પણ પહેલી વખતે ચડ્યા છે, આખો દિવસ ક્રેડિટ અને ડેબીટ, હોમલોન, વીથડ્રોલ વચ્ચે રમનારો આજે અચાનક કેમ ભાષા ઉપર પક્કડ વધારી અને શબ્દો સાથે ઘરગોખલે રમવા લાગ્યો એ બધુ બસ તારા સંગતની અસરને લીધે જ બન્યુ છે.
બહુ નાની વયે મે મારી જન્મદાત્રીને ગુમાવી દીધી હતી. પિતાજી ટુંકા પગારમાં નોકરી સાથે ઘર ચલાવવામાં મંડ્યા રહેતા અને મારી ખાસ સખી મારી બહેના હતી જેની સાથે હુ સુખ દુ:ખની બધી વાતો કરી શકતો હતો. અમારી મિત્રતા અજોડ છે. હુ એક જ ઇચ્છા છે કે આપણા વચ્ચે પણ એવી જ મિત્રતા રહે જેમાં કોઇ પડદો ન હોય હુ તારા શ્વાસને માપી શકુ અને તુ મારી દિલની ધડકનને ગણી લે. અને હા, મે તને કાલે કહ્યુ હતુ તે યાદ છે ને મારે ઓન્લી એક બેબી ગર્લ જ જોઇએ છે. બાઘડ બિલ્લા મને પસંદ જ નથી. ગર્લ્સ આર સો લવલી એન્ડ ક્યુટ. જીંદગીમાં હુ હર મોડ પર હુ તારો સાથ નિભાવીશ અને તારા આંખમાં કયારેય એક આંસુ નહિ આવવા દઉ. તારા પરિવાર અને ઘર સાથે વીસ વર્ષનો નાતો છોડીને જયારે તુ મારો સાથ નિભાવવા ચાલી નીકળી છો ત્યારે હુ હમેંશા તારા ભરોસા પર ખરો ઉતરવા પ્રયત્નશીલ રહીશ. હુ કયારેય કાચો પડુ તો મારો હાથ પકડીને ઉભી રહીશ ને?
જાનુ આ મારા દ્વારા લખેલી ચિઠ્ઠી માત્ર નથી પરંતુ તારી સામે ખોલીને રાખેલુ મારુ હ્રદય છે. મારા તારા પ્રત્યેના ભાવ બધા મે તારી સામે રજુ કરી દીધા છે. જેવુ લખ્યુ છે જેટલુ લખ્યુ છે તે બસ તારી યાદોમાં ઝુરી પડેલા એક પ્રેમીએ લખ્યુ છે. ચિઠ્ઠી વાંચીને મારી મજાક ન ઉડાવતી હો.” “હવે બસ એક જ રાહ તિવ્રતાથી જોઇ રહ્યો છું કે જલ્દી તુ મારી બની જા અને હું તારો બની જાંઉ. તુ મારો શ્વાસ અને હું તારા હ્રદયનો ધબકાર બની જાંઉ. હું તારા શબ્દો અને તુ મારી કવિતા બની જા. હું તારા જીવનનું ક્યારે પણ ન કરમાય તેવુ ફુલ બની જાંઉ અને તુ મારા જીવનની મઘમઘતી સોડમ બની જા.”
તારો અને એક માત્ર તારો જ ફિઆન્સ
નામ લખવાની જરૂર છે ?????
*****