Dhvimukhi books and stories free download online pdf in Gujarati

દ્વિમુખી

જીવન -આશા સંસ્થા

સુરત.

સમય : સાંજના ૪:૦૦

જીવન-આશા સંસ્થાની પાસે એક રીક્ષા આવીને ઉભી રહે છે. તેમાંથી એક ગર્ભવતી સ્ત્રી બહાર આવે છે. તે સ્ત્રીનું નામ કલ્પના હોય છે. કલ્પના પોતાની પાસે રહેલા રૂપિયા માંથી રીક્ષા વાળાને તેના ભાડાના રૂપિયા ચુકવે છે. રીક્ષા વાળો પોતાના ભાડાના રૂપિયા લઈને ચાલ્યો જાય છે. કલ્પના અનેક આશા લઈને અહીં મદદ માટે આવી હોય છે.

જીવન-આશા સંસ્થાના સ્થાપક આશાજી ઘણા લોકપ્રિય છે. તે સ્ત્રીઓના જીવનમાં ઉભી થતી પરેશાની પોતાની સમજ શક્તિથી દુર કરે છે. તેઓ પોતે એક સમજુ સ્ત્રી અને સમાજમાં માનનીય વ્યક્તિ છે. દરેક સમાજના દરેક વર્ગના લોકો આશાજીને ખૂબ માન આપે છે તથા તેમનો ખૂબ આદર કરે છે.

કલ્પના પણ પોતાની સમસ્યા લઈને અહીં આવી છે. તે આશાજીના કેબીનની બહાર પહોંચે છે. આશાજીના કેબિનની બહાર ત્યાં કામ કરતી સ્ત્રીએ તેમને આશાજી બોલાવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું.

આશાજી કેબીનમાં કોઈકની જોડે વાત કરી રહ્યા છે. કોઈ જોડું તેમને મળવા આવ્યું હોય એવું કલ્પનાને તેઓની વાત પરથી લાગ્યું. કેબીનની અંદર બેઠેલું જોડું આશાજીને ધન્યવાદ કરતા હતાં. થોડી વાર પછી અંદર બેઠેલું જોડું એકદમ ખુશ થઈને આશાજીને ધન્યવાદ કહીને બહાર નીકળી ગયું.

જીવન-આશા સંસ્થામાં કામ કરતી સ્ત્રી અંદર જઈને આશાજીને કહે છે કે બહાર તમને મળવા એક ગર્ભવતી સ્ત્રી આવી છે. આશાજી તરત જ તેને કહે છે કે એમને અંદર બોલાવો. અને તે બહાર આવીને કલ્પનાને કેબીનની અંદર જવા ઈશારો કરે છે.

કલ્પના ધીમે ધીમે કેબીનની અંદર જાય છે. કેબીનની અંદરનો માહોલ એકદમ શાંત હોય છે. ત્યાં મુલાકાતીઓ માટેની બે ખુરશી આશાજીની ખુરશીની સામે મૂકી હોય છે. આશાજી વૃદ્ધ છે પણ તેમનામાં તાજગી ભરેલી હોય છે. તેમણે ચશ્મા પહેરેલા હોય છે. ઉંમરના કારણે કરચલી પડી ગયી હોય છે. તેઓ જ્યાં બેસે છે તેની પાછળ એક વૃદ્ધનો ફોટો હોય છે.

આશાજી : બેસો

કલ્પના : જી

આશાજી : શું નામ છે તમારું?

કલ્પના : જી, કલ્પના, કલ્પના પાટીલ.

આશાજી : ઘણું સરસ નામ છે તમારું, બોલો શું મદદ કરી શકું હું તમારી?

કલ્પના કાંઈ કહે એ પહેલાં જ તેણે રડવાનું શરૂ કરી દીધું. આશાજી પોતાની ખુરશી પરથી ઉભા થઈને કલ્પના પાસે ગયા. તેઓએ કલ્પનાનું માથું પોતાના ખભા પર લીધું અને તેને શાંત પાડવાની કોશીશ કરી. કલ્પના રડવાનું બંધ કરે છે. આશાજી કલ્પનાને પાણી આપે છે. કલ્પના તે પાણી પીએ છે અને પોતાની વાત શરૂ કરે છે.

કલ્પના : મારા લગ્ન રાજુ પાટીલ સાથે થયા છે. ઘણા વર્ષો પછી અમારા જીવનમાં ખુશીઓ આવી છે. હું ગર્ભવતી છું. પણ મારા સાસુજી મારુ ગર્ભ પરીક્ષણ કરાવવાનું કહે છે. મારા પતિ રાજુ તો ઘણા સારા છે. એ અને હું બંને છોકરી કે છોકરો જે હોય તે સ્વીકારવા તૈયાર છે.

આશાજી આ સાંભળી ઘણા ખુશ થાય છે અને કલ્પનાને વચ્ચે જ અટકાવી ને....

આશાજી : અરે વાહ, આ તો ઘણી સારી વાત છે. તમને ઘણા સારા પતિ મળ્યા છે.

કલ્પના પોતાની વાત આગળ વધારે છે.

કલ્પના : મારા સાસુજી ઘણા જુના વિચારધારા વાળા છે. એમને તો બસ છોકરો જ જોઈએ છે. એટલે એ મારું ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે.

આશાજી : તમારા પતિ આ વિશે શું કહે છે.

કલ્પના : આ વિશે તો રોજ મારા પતિ અને મારા સાસુજી વચ્ચે ઝઘડો થાય છે. પણ હવે એ પણ આ ઝઘડાથી કંટાળી ગયા છે. એટલે એ પણ સાસુજીની મનની શાંતિ માટે ગર્ભ પરીક્ષણ કરવા કહે છે.

આશાજી : એક કામ કરો, તમે તમારા પતિ અને સાસુજી ને અહીં લઇ આવો.

કલ્પના : મારા સાસુજી તો અહીં નહીં જ આવે.

આશાજી : જુઓ, તમે નસીબદાર છો કે તમારા પતિ સમજુ છે. એ છોકરી કે છોકરો જે આવે તે સ્વીકારવા તૈયાર છે. રહી વાત તમારા સાસુજીની, તો કોઈ પણ બહાને તમારે અને તમારા પતિએ અહીં લાવવાના છે. બાકીનું બધું હું સમજાવી દઈશ.

કલ્પના હજુ પણ વિમાસણમા છે. તે હજુ પણ એમ જ વિચારી રહી હોય છે કે મારા સાસુજીને અહીં લઇ આવવામાં સફળતા મળશે કે નહીં.

આશાજી : તમે ચિંતા નહીં કરો. હું બધું જ સાંભળી લઈશ.

આ સાંભળીને કલ્પનાનો વિશ્વાસ વધી જાય છે. અને સહર્ષ પોતાના ઘરે જાય છે. આશાજી આ જોઈને ઘણા ખુશ થાય છે. આશાજી પોતાના કેબીનમાંથી નીકળી પોતાના ઘર તરફ રવાના થાય છે.

આશાજી ઘરે પહોંચે છે. સોફા ઉપર બેસે છે. ઘરની નોકરાણી પાણી આપે છે. આશાજી પાણી પીએ છે.

આશાજી (નોકરાણીને) : સુદેશ અને સ્નેહા ક્યાં છે?

સુદેશ અને સ્નેહા આશાજીના પુત્ર અને પુત્રવધુ છે.

નોકરાણી : જી એ હોસ્પિટલ ગયા છે. ચેકઅપ કરાવેલુંને તેના રિપોર્ટ માટે.

આશાજી : સારું છે. હું રૂમમાં જાવ છું. જમવાના સમયે મને બોલાવી લેજે.

આશાજી પોતાના રૂમમાં જાય છે. રૂમનો દરવાજો અંદરથી બંધ કરે છે. પોતાના બૂકસેલ્ફમાંથી એક ગીતા લે છે અને પોતાના બેડ પર આરામથી બેસીને વાંચવાની શરૂઆત કરે છે. આશાજીને સમયનો ખ્યાલ જ નથી રહેતો. તે ગીતા વાંચવામા એટલા મશગુલ થઈ ગયા કે ક્યારે જમવાનો સમય થઈ ગયો એ ખબર જ ના પડી. થોડી વારમાં નોકરાણી તેના રૂમનો દરવાજો ખખડાવે છે. આશાજી ઉભા થઇને રૂમનો દરવાજો ખોલે છે.

નોકરાણી : જી જમવાનો સમય થઈ ગયો છે.

આશાજી : સુદેશ અને સ્નેહા આવ્યા?

નોકરાણી : હા, ક્યારના આવી ગયા એ બંને તો.

આશાજી : જમવાનું પીરસો, હું આવું છું.

આશાજી પોતાના રૂમમાં પરત ફરે છે. રૂમમાં મુકેલા ભગવાનના ફોટા સામે જુએ છે. તે મનોમન જ બબડે છે કે "રિપોર્ટ સારા આવ્યા હોય તો તને બુંદીના લાડુ ચડાવીશ"

આશાજી નીચે આવે છે. ડાઇનિંગ ટેબલ પર સુદેશ અને સ્નેહા પણ આવી ગયા હોય છે. તે બંને ખુશ નથી તે સ્પષ્ટ દેખાય રહ્યું હોય છે. આશાજી પોતાની જગ્યા ઉપર બેસે છે.

આશાજી : શુ આવ્યો રિપોર્ટ?

સુદેશ : રિપોર્ટ હજુ નથી આવ્યા. કાલે ફરી બોલાવ્યા છે.

આશાજી : કાઈ વાંધો નહીં. બધું સારું જ થશે.

આશાજી, સુદેશ અને સ્નેહા જમીને પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય છે. નોકરાણી ઘરનું કામ પતાવે છે.

આશાજી બીજા દિવસે સવારે પોતાનું રોજીંદુ કામ પતાવી ને જીવન-આશા સંસ્થા તરફ જાય છે. ત્યાં પોતાની સેવા શરૂ કરે છે. થોડી જ વારમાં કલ્પના પોતાના પતિ રાજુ અને પોતાના સાસુજીને લાઈને આવે છે. આશાજી એ બધાને આવકારે છે. અને પોતાની ઓળખાણ આપે છે.

આશાજી : હું આ સંસ્થા ચાલવું છું. કલ્પના, ઓળખાણ તો કરાવ.

કલ્પના : (પતિ તરફ ઈશારો કરીને) આ રાજુ છે, મારા પતિ. (સાસુજી તરફ ઈશારો કરીને) આ મારા સાસુ છે, કમલાજી.

આશાજી : કમલાજી, રાજુભાઇ તમને બંનેને મારા ઘણા અભિનંદન અને ઘણી શુભકામના.

કમલાજી : અભિનંદન? શુ કામ?

આશાજી : તમારા ઘરે ભગવાન ટૂંક જ સમયમા આશીર્વાદ આપવાના છે.

કમલાજી : હા, પણ આશીર્વાદ સારા આપે તો સારું.

આશાજી : હું કઈ સમજી નહીં.

કમલાજી : મતલબ છોકરો અવતરે તો સારું.

આશાજી : કેમ છોકરો? છોકરી કેમ નહીં?

કમલાજી : જી મારે છોકરો જ જોઈએ.

આશાજી : પણ છોકરી કેમ નહીં?

કમલાજી : ખર્ચો કોણ કરે?

આશાજી : શેનો ખર્ચો?

કમલાજી : છોકરીને પાળો, મોટી કરો, સાચવો અને છેલ્લે એના દહેજની તૈયારી કરો, જ્યારે છોકરો હોય તો દહેજ લેવાનું હોય. માટે જો ગર્ભ પરીક્ષણમા એમ બતાવે કે છોકરી છે તો....

આશાજી : તમે કયા જમાનામા જીવો છો. આજે ક્યાં દહેજ માંગે છે કોઈ. અને આજે તો છોકરીઓ છોકરા કરતા પણ આગળ વધી ગયી છે.

કમલાજી : (કલ્પનાને) તું મને અહીં આ બધાં માટે લાવી છે? તું ઘરે આવ. તારી વાત છે.

આટલું બોલી કમલાજી કેબીનમાંથી બહાર જવા ઉભા થાય છે. પણ આશાજી ઝડપથી તેમની પાસે પહોંચીને તેમને અટકાવે છે. અને તેમને કહે છે.

આશાજી : કમલાજી, ફક્ત એક જ વાત કહું છું. પછી તમારે જે કરવું હોય તે કરો.

કમલાજી : બોલો

આશાજી : તમારા માતાપિતા જો તમારા જેવું જ વિચારતા હોત તો આજે તમે આ દુનિયામાં આવ્યા હોત?

કમલાજી આ સાંભળીને અત્યંત શાંત થઈ જાય છે. થોડી વાર એમ જ બેસી રહે છે. અને એમની આંખ ભીની થઇ જાય છે.

કમલાજી : આશાજી, તમે તો મારી આંખો ખોલી નાખી, ધન્યવાદ, તમે નહીં હતે તો મારાથી એક મોટો અપરાધ થઈ જતે.

આશાજી : એવું કઈ નથી, હવે તમે તમારા ઘરે જાવ અને આવનારા મહેમાનની ખુશી ખુશી રાહ જુવો.

કલ્પના : આશાજી, તમે નહી હતે તો ખબર નહીં મારુ શુ થાત.

આશાજી : હવે તમે તમારું ધ્યાન રાખજો.

કલ્પના અને તેના પરિવારજનો સંસ્થામાંથી વિદાય લે છે. આશાજીને મનમાં ઘણી શાંતી થાય છે. પણ તરત જ એક ચિંતાનું મોજું ફરી વળે છે. તેઓ તરત જ પોતાનો ફોનથી સુદેશને ફોન જોડે છે અને સુદેશને રિપોર્ટ વિશે પૂછે છે. સુદેશ કહે છે કે રિપોર્ટ આવી ગયો છે.

આશાજી તરત જ ઘર તરફ જવા રવાના થાય છે. ઘરે પહોંચીને આશાજી સુદેશને મળે છે અને રિપોર્ટ જોવા માંગે છે. સુદેશ રિપોર્ટ આશાજીને આપે છે. આશાજી રિપોર્ટ જુએ છે અને તરત જ સોફા પર હતાશાથી બેસી જાય છે.

આશાજી સ્નેહા તરફ જુએ છે. એ રડી રહી હોય છે. સુદેશ પણ એકદમ ઉદાસ હોય છે.

આશાજી : મને છોકરી જોઈએ જ નહીં. સ્નેહા, તારે ગર્ભપાત કરાવવો જ પડશે.

સુદેશ અને સ્નેહા ખૂબ જ રડે છે.

આજની દુનિયામાં આવા જ વ્યક્તિઓ છે. દ્વિમુખી, બહારની દુનિયા માં કંઈક, અને ઘરે કંઈક.

બીજા રસપ્રદ વિકલ્પો