સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 7 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭ : યજમાન કે અતિથિ ?

અથવા

પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા

‘Thyself and thy belongings

Are not thine own so proper, as to waste

Thyself upon thy virtues, they on thee.

Heaven doth with us, as we with torches do,

Not light them for themselves; for if our virtues

Did not go forth of us, “twere all alike

As if we had them not. Spirits are not finely touch’d

But to fine issues; nor Nature never lends

The smallest scruple of her excellence,

Herself the glory of a creditor-

Both thanks and use.’

- Shakespeare’s ‘Measure for Measure.’

સ્વાર્થો યસ્ય પરાર્થ એવ સ પુમાનેકઃ સતમગ્રણીઃ ।। પ્રકીર્ણ

તેમની નિદ્રા ઘણી વાર ટકી નહીં. ચૈત્રના શુકલપક્ષથી એકાદશીની રાત્રિનો છેલ્લો પ્રહર સામાન્ય મનુષ્યને શાન્ત નિદ્રા આપે તેણે કુમુદને જગાડી. જાગ્યા પછી સ્થૂળ સ્પર્શના સુખના સ્વપ્ને એની આંખોને થોડી વાર ઊઘડવા દીધી નહીં અને ઊંઘવા પણ દીધી નહીં. અંતે પાછલી રાત્રે પાસેના કોઈ વૃક્ષમાં કોયલ ટહુકી ને તેની સાથે એનું હૃદય જાગ્યું. જાગતાંની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં એ એકલીએકલી મનમાં મૂંઝાઈ; મૂંઝવણ છૂટતાં લજવાઈ; લજ્જા વિકસતાં સંકોચાઈ; સંકોચ પામતાં પામતાં ગભરાઈ; ગભરાતી ગભરાતી બીની; બીતી બીતી પ્રિયચરણને દૂર કરી ઊઠી જવા ગઈ; ઊઠતાં પહેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા; તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો; તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છૂટી; એ ધારાઓએ એને પાછી રસમાં ડુબાડી; રસે એને લલચાવી ને લોભાવી; લાલચે અને લોભે એને ઊઠતી અટકાવી ને આ સર્વ વિડંબનાનું કારણ નષ્ટ થતું થતું જીવ્યું. થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડંબના વધી. વિડંબના વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું. સ્વપ્નના વિશિષ્ટ ભાગનું સ્મરણ થતાં માતા, પિતા અને શ્વશુરજનની છબીઓ, સ્વપ્નને અંતે દીઠેલી હતી તે પ્રત્યક્ષ થઈ. તેમ થતાં એ ચમકી. ચમકતાં વાર જ સંપૂર્ણ જાગૃત થઈ, પ્રિય ચરણને ધીમે રહી ઓટલા ઉપર સુવાડ્યા ને પોતે અંધારામાં દૂર જતી રહી, અને હજી નિદ્રામાં જ હોય તેમ ત્વરાથી ઓટલાથી બે હાથ છેટે નીચે ભોંય ઉપર અંચળાનું ઉશીકું કરી સૂઈ ગઈ ને નિદ્રાવશ પણ થઈ. મૃદુલ સ્પર્શનો અપરિચિત સરસ્વતીચંદ્ર કુમુદે નિદ્રાકાળે નિદ્રામાં રચેલી સ્પર્શસૃષ્ટિના ચમત્કારથી, સુષુપ્તિના સ્વપ્નને અંતે, જાગૃત સ્વપ્નમાં પડ્યો હતો અને એ સ્વપ્નકાળે અનેક તર્ક અને વિકારોના સુખાભિલાષમાં, જાગરણવાળું મનુષ્ય નિદ્રામાં ઘસડાય તેમ, અવશ અને અજ્ઞાત ઘસડાતો હતો. આ સ્વપ્નનું કારણ દૂર થતાં તેમ આમ ઘસડાતો મટ્યો ને સાવધાન થઈ બેઠો થયો. બેસીને ચાર પાસ તથા ઊંચે ને નીચે દૃષ્ટિ ફેરવવા લાગ્યો. અંધકારની પરિચિત થયેલી આંખ અંધકારમાં પણ જોઈ શકવા લાગી ને થોડે છેટે નીચે સૂતેલી કુમુદની શરીરાકૃતિ તેણે જોઈ, ‘કોણ સૂતું છે ? કુમુદસુંદરી ?’ એવું કહેવા જતો જતો અટક્યો અને એક હાથ હડપચી ને બીજો છાતી ઉપર મૂકી ઇષ્ટ વિષય જોતોજોતો ઊભો રહ્યો; ન ચાલ્યો, ન બેઠો. બહારના આકાશમાં એક પાસથી અંધકાર ને એક પાસથી તારા ચમકતા હતાતેમ આના મસ્તિકમાં એક પાસથી સુખાભિલાષની વાસના સર્વવ્યાપિની થઈ ખડી થઈ ગઈ ને બીજી પાસથી જ્ઞાનપ્રકાશના વિચાર પણ એ અંધકારને માથે ચમકારા કરવા લાગ્યા. એના પગના ઘસારાથી શ્વાનનિદ્રાને ભોગવતી કુમુદ જાગી, ને એટલો પાછળના આકાશના તારાના પ્રકાશની અને પોતાની વચ્ચે કુમુદે સરસ્વતીચંદ્રની છાયા ઊભી દીઠી તો તે જ ક્ષણે વિચારના તારાઓ છાયાના માનસિક અંધકાર વચ્ચે વિશુદ્ધિની દીવાસળી સળગાવી આ ભાગ્યશાળી પુરુષને દેખતો કર્યો ને આંખો ચોળતો ચોળતો તે તરત ઓટલા ઉપર વિસ્મૃતિને વશ થઈ શાંત થઈ ગયા.

‘કુમુદસુંદરી ! તમે અહીં સૂતાં છો ? તમે જાણો છો ?’ ‘સરસ્વતીચંદ્ર ! કેમ બેઠા છો ? નિદ્રા નથી આવતી ?’ એમ બે જણનાં મુખમાંથી સામસામી પ્રશ્નો સાથે લાગા નીકળ્યા. કુમુદ પણ બેઠી થઈ.

‘વસંતગુફામાં પહેલી રાત્રે એકલી પડી એટલે આપના વિચાર થવા લાગ્યા ને નિદ્રા ન આવતાં અહીં આવી.’ સરસ્વતીચંદ્રનો ઉત્તર નીકળતાં પહેલાં કુમુદે બોલવાનો આરંભ કર્યો ને એ આરંભને અવકાશ આપવા પુરુષે પોતાના શબ્દ કંઠમાં રોકી દીધા.

સરસ્વતીચંદ્ર - ‘તમે આ ઓટલા ઉપર બેઠાં હતાં ?’

કુમુદ શરમાઈને ગૂંચવાઈ પણ અંતે બોલવાની છાતી ચલાવી :

‘હા, પ્રથમ તો આપના શરીરમાં મેં જ્વર જાણ્યો હતો તે ચિંતાએ અહીં મોકલી અને એ ચિંતામાંથી આપના શરીરની ખરી સ્થિતિ જાણવા સ્પર્શ વિના અન્ય માર્ગ ન હતો. અનેક વિચાર કરી આપના ચરણસ્પર્શથી એ કાર્ય પણ સધાશે ને હું પવિત્ર પણ થઈશ એવા વિચારથી આપના ચરણને ખોળામાં રાખી હું બેઠી ને બેસતાંમાં જ નિદ્રા પ્રાપ્ત થઈ. તેમાંથી જાગતાં હું દૂર ખસી અહીં સૂતી ને અહીં પણ નિદ્રાવશ હતી તે આપના પગના ઘસારાથી જાગી ઊઠી.’

સરસ્વતીચંદ્ર - ‘તમારી નિદ્રામાં મેં ભંગ પાડ્યો ખરો ?’

કુમુદસુંદરી - ‘જેણે આજ સ્વસ્થ નિદ્રાનું સ્વરૂપ મને દેખાડ્યું તેને તે સ્વરૂપમાં ભાત પાડવાનો પણ અધિકાર છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમારો વિશુદ્ધ લોભ મારા ચરણના સ્પર્શથી દૂષિત થયો.’

કુમુદસુંદરી - ‘પવિત્રતા અને દૂષિતતાના સ્વભાવ મનની સ્થિતિ પ્રમાણે બંધાય છે. નિદ્રાને વશ થઈ જવાથી મેં મારા ને આપના વિશુદ્ધ લોભને ચલિત કર્યા છે. મારી તો નિદ્રાનો જ ભંગ થયો હશે પણ આપના તો તપનો પણ ભંગ મારાથી થઈ ગયો હશે. હું તો ભાગ્યથી જ દૂષિત છું ને આપને તો મેં પોતે દૂષિત કર્યા.’

સરસ્વતીચંદ્ર - ‘તમને સર્વ અધિકાર મેં સોંપી જ દીધા છે. તમારા હૃદયની જે વાસનાની તૃપ્તિ શોધશો તે મારા ભાગ્યમાંથી તમારે તમારી જાતે લઈ લેવાનો અધિકાર તમને મારું હૃદય સોંપે છે, કારણ કે વિધિથી જ મારું પ્રાયશ્ચિત છે.’

કુમુદસુંદરી - ‘આપ હવે પ્રાયશ્ચિતની કથા જવા દો - તે વસ્તુના નામ શ્રવણથી જ હું કંપું છું.’

સરસ્વતીચંદ્ર - ‘હું તેમ કરવા પણ તત્પર છું.’

કુમુદસુંદરી - ‘મારા રસ અને ધર્મ વિચારવાનું કાલ મારા ઉપર આપે રાખ્યું હતું તે વિચારનાં સાધન મને સ્પષ્ટ કરો એવો મારા મનમાં અભિલાષ છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે પ્રશ્ન કરશો તેમ તેમ તે સિદ્ધ થશે.’

કુમુદસુંદરી - ‘આપ મારું આતિથેય કરો છો -’

સરસ્વતીચંદ્ર - ‘તમે તારું આતિથેય કરો છો તેવું હું તમારું કરું છું.’

કુમુદસુંદરી - ‘આપણા બેમાં યજમાન કોણ ને અતિથિ કોણ ?’

સરસ્વતીચંદ્ર - ‘મારે મન તમે અતિથિ ને તમારે મન હું.’

કુમુદસુંદરી - ‘પ્રીતિયજ્ઞમાં પણ તેમ થાય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘ના. તેમાં તો બે હૃદયનું અદ્વૈત હોય છે. સામસામી દર્પણ મૂક્યાં હોય ત્યારે એકમાં પડતું પ્રતિબિંબ તરત જ બીજામાં પડે અને તે પાછું પહેલામાં પડે અને એ રીતે અનેક પ્રતિબિંબ આ બે દર્પણમાં નવી સૃષ્ટિ રચે છે. એવા જ વિધિથી પ્રતિબદ્ધ દંપતીઓના હૃદયમાં વિચાર અને અભિલાષ અદ્વૈત પામી રચાય ત્યારે તેમાંથી જે ક્રિયા ઉદ્‌ભવ પામે તેની જ્વાળાઓથી અદ્વૈતયજ્ઞ રચાય છે.’

કુમુદસુંદરી - ‘આપણું એવું અદ્વૈત રચાવામાં કંઈ બાધ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘એ અદ્વૈત મનુષ્યનું રચ્યું રચાતું નથી; એનો પ્રભાવ તો ઈશ્વરની ઇચ્છામાં છે.’

કુમુદસુંદરી - ‘મારા અભિલાષ આપણા બેના કલ્યાણને જ શોધે છે, ને સુખવાસનાનો તિરસ્કાર કરે છે; પણ વાસના જાતે જ છૂટતી નથી.’

સરસ્વતીચંદ્ર - ‘આવી વાસનાઓ બે પાસના અદ્વૈતયજ્ઞથી જ છૂટે છે. જિહ્વા ઉપર શર્કરાનો સ્પર્શ થતાં જ જિહ્વા દ્રવે ને આસ્વાદ્ય વસ્તુને મૃદુ કરી જઠરાગ્નિમાં હોમે તે તેનો સ્વભાવ છે; આ પરિણામ અનિવાર્ય છે. પણ જિહ્વામાં લાલસા હોય નહીં ને શર્કરા આપનાર હાથ સંકુચિત રહે ત્યારે ઉપયનાં બે કાર્ય એક પન્થે થાય છે.’

કુમુદસુંદરી - ‘આ વસ્તુ એવી છે કે તેની વાત કરતાં લાલસા દારૂના ઢગલા પેટે સળગી ઊઠે છે ને વાત કર્યા વિના તો એક હૃદય બીજા પાસે ઊઘડી શકતું નથી. લાલસાનો નાશ કરવાની લાલસાને માટે પણ હૃદય ઊઘડે ત્યારે વાત થાય.’

સરસ્વતીચંદ્ર - ‘કેટલીક લાલસાઓ મૌનથી પણ તૃપ્ત કરાય છે. બે પ્રવાસીઓ જંગલમાં પ્રવાસે સાથે સાથે નીકળે. તેમને સામો ચોર મળે ત્યારે બે યે પ્રવાસીઓને ભય લાગે. એ ભયની વાત એક પ્રવાસી બીજાને કરે, ત્યારે આ બીજાનામાં ભય ન હોય તો ઉત્પન્ન થાય, અને બીજાને ભય થયો હોય તો તેનો ગુપ્ત ભય આવા સાથીને પણ ભય લાગતો જાણી, વધે. પરસ્પરનાં હૃદય ઊઘડવાથી આ બે જણનો ભય વધે અને ઉભયનાં મન નિર્બળ થાય. તેને સાટે આ બે જણ પોતપોતાનો ભય પોતાના મનમાં રાખે ને બહારથી હિંમત દેખાડે તો એ બીજાને હિંમત આવે અને તેમ કરતાં પહેલાને પણ હિંમત આવે મૌનથી જેમ આ બે જણ બેના હૃદયનો ભય નષ્ટ કરે છે, તેમ સ્ત્રીપુરુષ પોતપોતાની લાલસાઓને પોતાના હૃદયપટમાં ગુપ્ત રાખે ને હૃદયના એટલા ભાગને ઉઘાડે નહીં તો ઉભયની લાલસાઓ, તેલ વગરના દીવા પેઠે, ધીમે ધીમે જાતે જ ક્ષીણ થઈ જાય છે.’

કુમુદસુંદરી - ‘લાલસા, તૃપ્ત થવાની અનુકૂળતાના ભાનથી જ વધે છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ ભાન ભયંકર છે ખરું.’

કુમુદસુંદરી - ‘પ્રારબ્ધયોગે તે ભય પ્રાપ્ત થાય તો શો ઉપાય ?’

સરસ્વતીચંદ્ર - ‘એક પ્રારબ્ધયોગનો પ્રતિકાર બીજા પ્રારબ્ધયોગથી જ બની શકે - ઈશ્વરની કૃપાથી જ થાય - મનુષ્યનો અહંકાર આવા વિષયમાં વૃથા દંભ જ સમજવો.’

કુમુદસુંદરી - ‘એ તો સત્ય જ છે. પણ આવે પ્રસંગે મનુષ્યના હાથમાં યથાશક્તિ વાપરવાનું શાસ્ત્ર કયું ?’

સરસ્વતીચંદ્ર - ‘વિષયની વિસ્મૃતિ, સંકલ્પનો સંકોચ, સદ્વિચારનો ઉદય અને નિશ્ચયની સ્મૃતિ - એટલી સંપત્તિથી મનની લાલસા હઠે છે તો ખરી. બાકી તેના નાશનો ઉપાય તો સૂક્ષ્મ શરીરની સંપૂર્ણ સંસિદ્ધિ જ છે.’

કુમુદસુંદરી - ‘જેમ લાલસા એકદમ સળગી ઊઠે છે તેમ એકદમ શાંત પણ થતી નહીં હોય ?’

સરસ્વતીચંદ્ર - ‘પવન અગ્નિના ભડાકાને વધારે છે તેમ હોલવી પણ નાખે છે. જેને ઇષ્ટ ગણી લાલસા રાખીએ છીએ તેમાં કોઈ વિચિત્ર દોષનું નવું અણધાર્યું દર્શન એ લાલસાની શાન્તિ કરાવી દે છે. તે જ રીતે વિવેકની વિસ્મૃતિથી જ્ઞાનીને મોહ થયો હોય તો તે વિવેકની જ સ્મૃતિના ચમકારાની સાથે એ મોહ ઊતરી જાય છે.’

કુમુદસુંદરી - ‘આ વાસનાની જાળ ઈશ્વરે શા માટે પ્રવર્તાવી હશે ? એ જાળ આખા સંસારને વ્યર્થ ઊંચોનીચો કરતી દેખાય છે. એનાં સુખ પણ ખોટાં ને દુઃખ પણ ખોટાં.’

સરસ્વતીચંદ્ર - ‘સુખદુઃખ ખોટાં છે તે તો એમ જ. પણ ઈશ્વરની રચનાઓ સાધ્યસાધનભાવ વિનાની હોતી નથી.’

કુમુદસુંદરી - ‘વાસનાઓ તો અંતે દુઃખની જ સાધક છે ને એમનો તો નાશ જ ઘટે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે આ ઓટલે આવી પાસે બેસો - હું સમજાવું કે વાસનાનો પણ ઉપયોગ છે.’

કુમુદસુંદરી - ‘ના, હું તો નીચે બેઠી જ સારી છું. ધૃત આગળથી વન્હિ દૂર રાખ્યો જ સારો.’

સરસ્વતીચંદ્ર - ‘એ વાત પણ ખરી ને એ વાત તમે જ મારા સ્મરણમાં આણી તેથી મને હવે તમારી નિર્વાસનાનું બીજ દેખાય છે. કુમુદસુંદરી ! વાસનાના નાશનો હેતુ તમે યથાર્થ સમજ્યાં છો તો તેને માટે શક્તિ પણ ઈશ્વર આપશે. તો હવે વાસનાનું ફળ સાંભળો. જડ પદાર્થને જ્ઞાન કે વાસના કંઈ નથી તો પણ જડ ધર્મના નિયમ પાળી તેમની સૃષ્ટિ ટકી રહી છે ને ચાલી રહી છે. પશુપક્ષીઓમાં ને કૃમિઆદિમાં પ્રત્યક્ષદૃષ્ટિનાં જ્ઞાન ને વાસના છે તેથી તેમનાં સ્થૂળ શરીરનાં રક્ષણ થાય છે તેમ તેમની ભિન્નભિન્ન જાતિઓ ભોજન પામે છે. મનુષ્યજાતિ પણ જંગલી દશામાં એવી જ સ્થિતિમાં હોય છે ને પરિપાકક્રમે કાળે કરીને તેની બુદ્ધિ અને વાસનાઓ પરોક્ષ વસ્તુઓનું ગ્રહણ કરે છે. આટલા ભેદના પ્રમાણમાં મનુષ્યની સ્થૂળ બુદ્ધિ અને વાસનાઓ સૂક્ષ્મ થતી જાય છે, અને શુદ્ધ જ્ઞાનનો ઉદય આવી પરોક્ષગ્રાહિણી બુદ્ધિમાંથી થાય છે તેમ શુદ્ધ ધર્મનો ઉદય મનુષ્યોમાં આવી સૂક્ષ્મ થતી વાસનાઓમાંથી પ્રગટ થાય છે. અન્ય પ્રાણીઓને વાસનાઓ છે ને સુખદુઃખના ઉદ્દેશવાળી અપેક્ષાઓ છે તે અપેક્ષાવાળી સૃષ્ટિના પોષણ માટે મનુષ્યોમાંથી કેટલાંકમાં ધર્મબુદ્ધિ ઉદય પામે છે. જો એવી સૃષ્ટિ હોય નહીં તો સર્વ જ્ઞાની હોય કે જડ હોય, ને જડ પ્રાપ્તિ જેમ ધર્મ છે જ નહીં તેમ જ્ઞાની પુરુષો કોઈના અતિથેયના યજમાન થવા ઈચ્છતા જ નથી. ચર્મચક્ષુને પરોક્ષ રહેતા ધર્મ જ્ઞાનીને પ્રત્યક્ષ થાય છે ને એ ધર્મથી જગતની વ્યવસ્થાઓનું પોષણ થાય છે તે જ ધર્મને સ્થાને ધર્મના ઉદય પહેલાં અક્ષાનીમાં ઈશ્વર વાસનાઓ મૂકે છે તે એ જ વ્યવસ્થાના પોષણને માટે. એવી વાસનાઓ ન હોય તો માતાપિતા પોતાની પ્રજાનું પોષણ શું કરવા કરે ? બાળકની અનાથ દશાના પોષણયોગ્ય વાસનાઓ સ્ત્રીના હૃદયમાં ધાવણની સાથે જ જન્મે છે ને આ કઠોર કર્કશ સંસારમાં તે બાળકને સનાથ કરે છે. સ્ત્રીપુરુષની વાસનાઓ પણ એમ જ તેમનાં મર્મસ્થાનનું પોષણ કરે છે. કામશાસ્ત્રમાં કામને આહારધર્મ ગણેલા છે, શરીરસ્થિતિના હેતુ ગણેલા છે. સ્થૂળદૃષ્ટિથી આ વાત મનુષ્યની વ્યક્તિઓને ઉદ્દેશી કહેલી લાગે છે. અને તેમ કંઈક છે પણ ખરું; પણ પ્રધાન પક્ષે તેમ નથી. એ વાક્ય તો મનુષ્યલોકની સમષ્ટિને ઉદ્દેશે છે. જેમ વ્યક્તિઓના આહારથી આ સમષ્ટિસંસારનાં શરીર પોષણ પામે છે તેમજ વ્યક્તિઓ કામસેવન કરે તો લોકસંખ્યાનાં શરીરની સંખ્યાનું ને સ્થિતિનું પોષણ થાય; માટે સમષ્ટિને કામ આહારસધર્મ છે ને તેનો દ્વેષ લોકનાશક છે. પણ સંસારના અનેક પ્રસંગોએ ઉપવાસથી વ્યક્તિ પોતાનું ને સંસારનું કલ્યાણ કરી શકે છે તેવું જ કલ્યાણ કામના ત્યાગથી થાય તો ત્યાગ ધર્મરૂપ થાય છે.’

કુમુદસુંદરી - ‘જો ક્ષુધા અને તૃષા જેવી એ વાસનાઓ સંસારને માટે કલ્યાણકારક હોય તો પછી તેમાંનાં સુખદુઃખના ભયથી તેમનો નાશ કરવો તે અનુચિત નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘વાસનાઓની ઉપમા ક્ષુધા અને તૃષ્ણા સાથે નથી, પણ જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિઓ સાથે છે. ક્ષુધા અને તૃષ્ણાનાં કારણ અને વિકાસ સર્વત્ર શક્તિરૂપ છે તે મનુષ્યથી અનિવાર્ય છે, સમુદ્રના ભરતી ઓટ પેઠે તેમનાં આકુંચન પ્રસારણ થયા કરે છે ને સંસારની દૈનિક પ્રવૃત્તિસ્થિતિનાં એ કારણ છે. જ્ઞાનેન્દ્રિયો સ્વેચ્છાએ સ્વાનુકૂલ જ્ઞાનનું ગ્રહણ કરે છે ને એ જ્ઞાનમાંના રસ ચાખી તેના અમુક પ્રકારની લાલસા રાખે છે. કર્ણેન્દ્રિય શબ્દજ્ઞાનના ગાનસ્વરૂપની, નાસેન્દ્રિય ગન્ધજ્ઞાનના સૌગન્ધિકની, ચક્ષુ સુંદર રૂપાકારની, અને જિહ્વા સ્વાદની લાલસા રાખતાં આમ શીખે છે. એ શબ્દજ્ઞાનાદિ વિષયના ગ્રહણ સાથે અંતઃકરણની વૃત્તિના સંયોગથી આવી લાલસાઓ મનુષ્યને કોઈ નવી સૃષ્ટિમાં પ્રેરે છે. આમ આ ઇન્દ્રિયો દ્વારા આવેલા કંઈ કંઈ જ્ઞાનવિશેષનું અંતઃકરણ ચર્વિતચર્વણ કરે છે ને તે ચર્વિત વિષય અંતઃકરણમાં ગર્ભ પેઠે સ્પંદમાન થાય છે ત્યાં એ ગર્ભની માતા જેવી અંતઃકરણની પોતાની જ કોઈક વૃત્તિ તેને પ્રીતિથી પોષે છે ને અપૂર્વ સ્તન્યપાન આપે છે. આ પ્રીતિ, આ સ્તન્ય - તે અંતઃકરણમાં વાસનારૂપે આ ગર્ભવિષયના ઉપર દ્રવ્ય છે - વર્ષે છે. આ વૃત્તિ તો આ વાસનાઓનું રસનેન્દ્રિય છે અને જિહ્વા ઉપર અન્ન દેખી આવતા અમીરસ પેઠે આ વૃત્તિમાં વિષયચિંતનથી આ વાસના - આ રસલાલસા વિકાસ પામે છે. પણ તે લાલસાઓની પ્રવૃત્તિ નદીઓનાં પૂર જેવી છે, સેતુ બાંધી મર્યાદામાં રખાય છે, એમનો પૂરનો અશિષ્ટ માર્ગેથી વ્યભિચાર કરાવી પરીવાહ પણ થાય છે, અને દીર્ઘદૃષ્ટિવાળાં મેધાવી મનુષ્ય તેની ઉત્પત્તિને જ અટકાવે છે. આ વાસનાઓનાં કારણ નિવાર્ય છે, તેમની ગતિ રોકી શકાય છે, ને તેમના માર્ગમાં મર્યાદા મૂકી શકાય છે. જ્ઞાન અને રસ ઉભયમાં આવી સ્વાધીનતા છે, અને સ્વાધીનતા માટે જ તેને સ્વાધીન રાખવાના અને તેને આધીન થવાના ધર્મ પ્રત્યક્ષ થાય છે. જેમ તરવારથી સજ્જનનું રક્ષણ પણ થાય છે ને હત્યા પણ થાય છે તેમ આ વાસનાઓથી સંસારની વ્યવસ્થાઓ ઘડાય છે પણ ખરી ને ભગાય છે પણ ખરી. એ વ્યવસ્થા બગડે તે માર્ગે જનારે વાસનાનો નિરોધ કરવાનો ધર્મ છે ને એ વ્યવસ્થા સુધરે ત્યાં વાસનાનું પોષણ ધર્મ્ય છે. બીજે સ્થાને ગુણદોષનો પ્રસંગ નથી એટલે ધર્માધર્મનો વિચાર પ્રાપ્ત જ થતો નથી ને મનુષ્યની સ્વેચ્છા જ ત્યાં સ્વતંત્ર છે. જ્યાં તેની સ્વેચ્છાને આવી સ્વતંત્રતા નથી છતં તેની ગતિનો નિરોધ પણ નથી ત્યાં ધર્મનું બંધન છે ને તે બંધનનો તિરસ્કાર કરવો તે જ પાપ.’

કુમુદસુંદરી - ‘દંપતીને વાસનાઓમાં સ્વેચ્છાની જ મર્યાદા હશે કે અન્ય મર્યાદાઓ પણ હશે ? તેમના નિરોધના પ્રસંગ ક્યારે આવે ?’

સરસ્વતીચંદ્ર - ‘શાસ્ત્રકારોએ તેમાં પણ એકાદશી, અનધ્યાય, અને અનુદ્યોગના જેવી વ્યવસ્થાઓ રાખી છે ને વ્યવહારમાં પણ શાણાં મનુષ્યો તેને રાખે છે. સાધુજનો જેને સૂક્ષ્મ પ્રીતિ કહે છે તેની સામગ્રી તો જ્વાળામુખ પર્વતનાં ગૂઢ શિખરો જેવી યુગના યુગ સુધી રહી શકે છે ને એ શિખરોના અંતર્ભાગમાં ગૂઢ પરિપાક પામી આપણે જાણીએ નહીં તેવે પ્રસંગે શિખરો તોડી તે પ્રીતિ બહાર ભભૂકી નીકળે છે ને આપણને તેની નવી અજ્ઞાત અનિવાર્ય રેલાતી સૃષ્ટિમાં ડુબાડે છે. તેની વ્યવસ્થા કે ગતિ આપણા હાથમાં નથી ત્યારે સંસાર જેને પ્રીતિ કહે છે પણ સત્ય જોતાં જે આવી સ્થૂળ વાસનાઓ જ છે તેની સ્થૂળ વ્યવસ્થા સાધુજનોનાં સૂક્ષ્મ શરીરરૂપ જ્યોતિના તાપથી, ને રંગથી, ને પ્રકાશની શક્તિથી કરીએ તેવી થઈ શકે છે.’

કુમુદસુંદરી - ‘સાધુજનો પ્રીતિને જ લગ્નનું કારણ માને છે ને આપણા લોકમાં શું મનાય છે તે તો સમજાતું નથી. જો સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તો વિવાહના સપ્તપદી આદિના વિધિને શા માટે આવશ્યક ગણ્યા હશે ? જો આપણા લોકની બુદ્ધિ યથાર્થ હોય તો તો સંવનન ને પરિશીલનમાં જ અનીતિનો દોષ રોપાય. જો સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તો આપણા લોકના લગ્ન માત્ર અનીતિરૂપ છે ને તેમ પરણેલાં દંપતી છૂટાં પડે ને સ્વેચ્છાએ નવા પ્રીતિયજ્ઞ માંડે તે ધર્મ થાય. સાધુજનોમાં વિવાહના વિધિ શા માટે રૂઢ થયા હશે અને સંસારીઓમાં વિવાહ જાતે જ શા માટે થયા હશે તે સમજાતું નથી. આવા વિવાહ વિના દંપતી દંપતી થાય તો તેમની વાસનાઓનો વિરોધ ઘટે કે નહીં ને ઘટે તો શા માટે ?’

સરસ્વતીચંદ્ર - ‘વિશ્વકર્તાની સર્વ રચનાઓમાં વ્યવસ્થા હોય છે ને મનુષ્યસૃષ્ટિની કેટલીક વ્યવસ્થાઓ મનુષ્યને નિમિત્ત કરી મનુષ્યને હાથે જ તે કરાવે છે અને કેટલીક વ્યવસ્થાઓ અન્ય નિમિત્તો દ્વારા કરાવે છે. ઈશ્વરની આ સર્વ વ્યવસ્થાઓ વચ્ચેથી પોતાના ધર્મ શોધી કાઢી સાધુજનો મનુષ્યોને માટે સર્વ દેશમાં ને સર્વ કાળમાં જે વ્યવસ્થા સાચવે છે તે સનાતન ધર્મની વ્યવસ્થાઓ છે. પણ પોતપોતાના દેશકાળની વિશેષ અવસ્થાઓને ઉદ્દેશી પ્રૌઢ અને સમર્થ મનુષ્યો તે દેશકાળને માટે જે વિશેષ વ્યવસ્થાઓ રચે છે તે અલ્પકાલિક અને દૈશિક ધર્મની અંગભૂત થાય છે. આ વિશેષ-ધર્મોની વ્યવસ્થા પણ લોકકલ્યાણના જ ઉદ્દેશ રાખે છે. સાધુજનોના સનાતન ધર્મના વિધિ સનાતન છે, અને આરોગ્યવાળાં અંતઃકરણને માટે છે. એ આરોગ્યને સ્થાને કંઈ રોગ હોય ત્યારે તેને માટે વિશેષ ધર્મ રચાય છે ને જેમ જેમ પ્રજામાં આરોગ્ય આવતું જાય તેમ તેમ વિશેષધર્મનો ત્યાગ અને સનાતન ધર્મનો સ્વીકાર થાય છે. સનાતન ધર્મ આહાર જેવો છે; વિશેષધર્મ ઔષધ જેવો છે. ઔષધકાળે ઔષધ ને આહારકાળે આહાર રાખવાં એવી સનાતન ધર્મની જ વ્યવસ્થા છે; સંવનન અને પરિશીલન એ સનાતન ધર્મના વિધિ છે અને શુદ્ધ હૃદયોના શુદ્ધ સંયોગથી હૃદયના ગાન્ધર્વ વિવાહ રચાય ત્યાં જ સનાતન વિવાહની પ્રતિજ્ઞાઓ બંધાઈ ચૂકી સમજવી. વિવાહ એ આવી પ્રતિજ્ઞાના સાકાર લેખ જેવા વિધિ છે અને સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ વિવાહનું સ્થૂળદૃષ્ટિનું માટે પ્રત્યક્ષ મૂર્તરૂપ છે. સર્વ દેશના સાધુજનોએ આ વિધિવ્યવસ્થાથી પોતાના પ્રીતિયજ્ઞનો આરંભકાળ પ્રસિદ્ધ કરે છે અને તે યજ્ઞમાં ભંગ પડે એવાં કાર્યથી દૂર રહેવાની પ્રત્યક્ષ સૂચના લેવામાં, કૃષિકાર વર્ગનાં ક્ષેત્રની વાડો અને ગ્રામ તથા નગરો વચ્ચેના સીમના બાણ પેઠે, અન્ય સાધુજનો વિવાહના વરણવિધિને સંજ્ઞારૂપે આવશ્યક ગણે છે. સનાતનધર્મના વિવાહનું કારણ પ્રીતિ છે ને ફળ પ્રીતિ છે. સંસારની સુંદરતા અને વૃદ્ધિ પણ એવી પ્રીતિથી જ છે, ને એ પ્રીતિ આટલી મર્યાદામાં હૃદયમાં રચાય તો સાધુજનો તેને વિશ્વકર્તાની વ્યવસ્થાનો અંશ ગણી સ્વીકારે છે. બાળકના સાદા શરીરમાં યૌવનકાળે નવાં અંગ અને નવી વ્યવસ્થાઓ થાય છે તેની પેઠે જ પ્રીતિ પણ નવું અંગ થાય છે ને જેમ નવાં સ્થૂળ અંગનો ત્યાગ નથી થતો તેમ પ્રીતિનો પણ નથી થતો. આ દેશમાં કોઈ કાળે પ્રીતિવૃક્ષના આ મૂળમાં ને થડમાં ને તેમને ઊગવાની ભૂમિમાં કંઈક મહાન રોગ જણાયાથી તે જાણનારાઓએ પ્રીતિવૃક્ષનાં બીજની અને ભૂમિની ઉપેક્ષા કરી છે. કેટલાક છોડ અને રોપાઓ નાનાં કુંડામાં ઉપરથી રોપીએ છીએ ને કુંડાની તળેની પડઘીને લીધે એ રોપા ભૂમિમાં પહોંચતા નથી તેમ પ્રીતિનાં બીજને ભૂમિની ઉપેક્ષા કરનાર વ્યવસ્થાપકોઅ, આ દેશમાં પ્રીતના છોડ બાળવિવાહનાં કુંડામાં ઉપરથી રોપી, એ છોડનાં રક્ષણ ને પોષણ જેટલાં થઈ શકે તેટલામાં જ સંતોષ માનેલા છે, અને તેમણે દીઠેલા રોગના કરતાં આટલી વ્યવસ્થામાં ઓછી હાનિ ને વધારે લાભ ગણ્યો છે.

કુમુદસુંદરી ! આપણા લોકમાં વસીએ ત્યાં સુધી આપણું અને તેમનું કલ્યાણ તેમની વ્યવસ્થા પાળવામાં છે અને તે જ ધર્મ છે. આપણે એ લોકની ત્યાગ પ્રાપ્ત થાય ને સાધુજનોનાં અંશભૂત થઈએ ત્યાંથી સાધુજનોના સનાતન ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આપણે તેમનાં અંશભૂત થયાં છીએ એવો, સર્વ સાધુજનોએ, આપણી પરીક્ષા કરી, નિર્ણય કર્યો છે - માટે આપણે તેમના સનાતન ધર્મનાં અધિકારી થયાં છીએ ને સંસારના લોકધર્મથી મુક્ત થયાં છીએ.’

આટલું વચન નીકળતાં કુમુદસુંદરી એકદમ ઊઠી ને ઓટલા ઉપર સરસ્વતીચંદ્રથી કંઈક દૂર છતાં પાસે બેઠી ને બોલી :

‘જો સદ્‌વિચારને અંતે તમે આ જ નિર્ણય ઉપર આવો છો તો આમ તમારી પાસે બેસવું એ જ મારો ધર્મ છે.

સરસ્વતીચંદ્ર - ‘શા માટે ?’

કુમુદસુંદરી - ‘જે વાસનામાં અધર્મ નથી તેની તૃપ્તિ એ જ શાન્તિ છે, ને દયા એ પણ એક વાસના છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે કોના ઉપર દયા આણો છો ?’

કુમુદસુંદરી - ‘તમારા શરીરમાં જ્વર મેં પ્રત્યક્ષ કરેલો છે ને તેનું ઔષધ કરવું એ યજમાનનો ધર્મ છે.’

સરસ્વતીચંદ્ર હસી પડ્યો ને એક હાથ લાંબો કર્યો.

‘તમે ઠગાયાં. જુઓ મારા હાથ - તે શીતળ છે કે ઉષ્ણ છે ?’

કુમુદસુંદરી તે હાથ ઝાલી રહી.

‘આ હાથ અત્યારે તો સ્વસ્થ, શાંત ને શીતળ છે. શું આશ્ચર્ય ? રાત્રિએ તેમ ન હતું.’

સરસ્વતીચંદ્ર - ‘તમારો હાથ ઉષ્ણ છે - પણ અનુષ્ણ થવા લાગે છે.’

કુમુદસુંદરી - ‘તમારો હાથ ઉષ્ણ થવા માંડે છે.’

સરસ્વતીચંદ્ર - ‘કુમુદસુંદરી, મારો હાથ મૂકી દેશો એટલે પાછો અનુષ્ણ થઈ જશે ને તમારો તો થયો જ છે. આવાં ક્ષણિક કારણોથી, વીજળી પેઠે, ક્ષણમાં દૃષ્ટ અને ક્ષણમાં નષ્ટ થતા વિકારોને માટે દયા આણવી એ ધર્મ નથી. આપણી સતત વાસના તો કલ્યાણની છે, ક્ષણિક સુખની કે ક્ષણિક દુઃખના નાશની નથી.’

હાથ મૂકી દેતી દેતી કુમુદ બોલી :

‘તમે સત્ય કહ્યું. મારા સ્પર્શથી તમને જ્વાર થાય છે ને એ સ્પર્શને અભાવે જરૂર શાંત થાય છે. મને તમારી દયા આવે છે ત્યારે મને એવો જ્વર આવે છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ દયા અસ્થાને છે.’

કુમુદસુંદરી - ‘તે અસ્થાને હો કે સ્થાને હો, તે ધર્મથી આવશ્યક હો કે ન હો; પણ તેમાં અધર્મ તો નથી જ ને ?’

સરસ્વતીચંદ્ર વિચાર કરી બોલ્યો :

‘તે પણ છે. કુમુદસુંદરી ! લોકવ્યવસ્થાને માટે રાજા ધારા કરે. તે પણ તેની આજ્ઞાઓનો સમૂહ છે. રાજાથી પરોક્ષ હોઈએ, કોઈ દેખે નહીં ને જાણે નહીં એવું હોય, તોપણ આ આજ્ઞા અંતઃકરણથી પાળવી એ સર્વ સાધુજનોનો સનાતન ધર્મ છે ને લોકનું તેમ લોકવ્યવસ્થાનું કલ્યાણ પણ તેમાં છે.

કુમુદસુંદરી - ‘રાજાની કઈ આજ્ઞાનું ઉલ્લંઘન થવાનો આપણને ભય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘તમારું વય એ આજ્ઞા પ્રમાણે બાળક છે, અજ્ઞાન છે - ત્યાંસુધી તમારું પ્રારબ્ધ તમારા હાથમાં નથી પણ તમારા પિતાના હાથમાં છે. તેમની સંમતિ વિના આ વયમાં આપણા સંસર્ગનો કે વિવાહનો રાજાજ્ઞાની નિષેધ છે. પરિવ્રાજિકામઠમાં કે ચંદ્રાવલીમૈયા પાસે બે વર્ષ રહેશે તો તે પછી યોગ્ય વિધિથી વિહારમઠમાં જવાને રાજાભણીનો પણ બાધ નહીં આવે.

સંસારની કલ્યાણકર વ્યવસ્થા કરવી તે રાજાનો ધર્મ છે ને તે ધર્મને અનુવર્તી તેણે ધર્મબુદ્ધિથી કરેલી આજ્ઞાઓને સાધુજનો શિર ઉપર ચડાવે છે. લોકવ્યવસ્થાને માટે ચિંતા કરી રાજાએ કરેલી આજ્ઞાને નિષ્ફળ કરવી એ સાધુજનોના મનથી લોકના અકલ્યાણનો અને અવ્યવસ્થાનો માર્ગ છે અને એ માર્ગ સાધુજનોને વર્જ્ય છે. એટલા વિષયમાં ધર્મમૂર્તિ રાજાને ગુરુ ગણી આજ્ઞા ગુરુણામવિચારણીયા એ પથ્ય નિયમનું સાધુજનો સેવન કરે છે.’

કુમુદસુંદરી - ‘એ બાધની કથા તમે અત્યાર સુધી ભૂલી ગયા હતા ?’

સરસ્વતીચંદ્ર - ‘ના. એ બાધ તમને નથી આવતો પણ મને એકલાને જ આવે છે. રાજાજ્ઞાનનો અપરાધી હું થઈશ - તમે નહીં થાવ. એ અપરાધને માટે શિક્ષાપાત્ર હું થઈશ - તમે નહીં થાવ. એ શિક્ષાને પ્રાયશ્ચિતરૂપ ગણી મારા શિર પર વહોરી લેવા હું સજ્જ છું અને જ્યાં સુધી એ અપરાધ કરવાની વાસના હું રાખતો નથી પણ અન્ય ધર્મને બળે તેના પ્રસંગનો પ્રતિકાર કરી શકતો નથી ત્યાં સુધી, હું ઈશ્વરને ઘેર નિર્દોષ છું અને ઈશ્વરને ઘેર પણ તેથી મારો અપરાધ હશે તો તેની શિક્ષા પણ મારે પ્રાયશ્ચિત્તરૂપ જ છે. એ શિક્ષાની મને વાસના હતી અને તેથી મેં તમને આ બાધની વાત કહી ન હતી. તે, તમારી કલ્યાણવાસના પ્રત્યક્ષ કરી એટલે, અને તમારા પ્રશ્નનો સત્ય ઉત્તર આવશ્યક થયો એટલે, હવે મેં કહી દીધી.’

કુમુદસુંદરી - ‘આ શરીર છે ત્યાંસુધી આ દયા તો નષ્ટ થવાની નથી. કાલ રાત્રે તમે મને ત્રણ માર્ગ બતાવ્યા હતા તેમાંથી ચંદ્રાવલીમૈયા જેવા પરોક્ષવેદીના યજ્ઞ આપણે બે વર્ષ પાળીશું ને તે પછી પર્ણકુટીમાં રહેવું કે વિહારમાં રહેવું કે હાલની પેઠે રહેવું તેનો વિચાર બનશે તેટલો આ પંચરાત્રિમાં કરીશું ને બાકીનો અવકાશે કરીશું. એ પરોક્ષવેદીને કાળે કેમ વર્તવું એ પણ આ પંચરાત્રિમાં જ વિચારીશું. બે વર્ષ થતાં સુધી ને તેટલા કાળ માટે રાજ્યભયમાં તમારું શરીર રત્ન પડે એ કામ તો નહીં જ કરું.’

સરસ્વતીચંદ્ર - ‘આપણે લોકકલ્યાણમાર્ગે પ્રવર્તવું તે કેવળ આપણે માટે જ છે એમ નથી. જે રાજાજ્ઞા તોડવાનો આપણે ભય ગણીએ છીએ તેથી મને શિક્ષા થવાનોભય મારા હૃદયને કંઈ સ્પર્શ નથી કરતો; પણ આ પરમપવિત્ર સાધુજનોની કીર્તિ અને સ્થિતિ ઉભયને આપણી પ્રવૃત્તિને લીધે રાજભયમાં અને લોકભયમાં આવી પડવું પડશે. તેમણે કરેલા આપણા અત્યંત આતિથેયનો આ બદલો દુષ્ટ થશે.’

કુમુદસુંદરી - ‘પવિત્રતામાં પણ આમ પરમાર્થ દર્શાવી આપે મારા હૃદયને અતિદૃઢ કર્યું. સાધુજનોને ભયમાં ન નાંખવાથી વાસનાથી મારી સર્વ વાસના ભસ્મ થઈ સમજો.’

સરસ્વતીચંદ્ર - ‘પ્રભાત થવા લાગ્યું.’

કુમુદસુંદરી - ‘સૃષ્ટિના પ્રભાત સાથે આપણું પણ પ્રભા જ થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ પ્રભાતની સૃષ્ટિ આપણે કેવી રચવી તેનો વિચાર તમને સોંપું છું.’

કુમુદસુંદરી - ‘તે યોગ્ય કરો છો. એ વિચાર ગૃહકાર્યના જેવો છે માટે મારે જ કરવો ઘટે છે. મારી સાથે આવેલાં સાધુજન ઊઠ્યાં હશે તેમને હું મળીશ ને આપના મંડળને આપ મળો. જે સાધુજનો આ સ્થાનમાં આપણને પ્રેરે છે તેમની ઇચ્છાને અનુકૂળ લાગશે તે કાળે હું પાછી આપની સેવામાં આવીશ ને હજી મારે આપની પાસેથી જાણી લેવાનું છે કે આપ આયુષ્યશેષ કેમ ગાળવાના છો, આત્મહિત અને લોકહિત કેમ સાધવાના છો, અને હું તેમાં કેવી રીતે સાધનભૂત થઈ શકીશ. આ સર્વ વાત જાણી લઈ પછી હું મારે કરવાના વિચાર કરીશ. આપ જે બુદ્ધિ અને રસનાં પવિત્ર જ્યોતિને આપશો તેનું હું પૂર્ણ પ્રીતિથી પોષણ કરીશ. હવે આ કન્યાને ધારણ કરો. હું આપની આજ્ઞા માગું છું.’

આ સૂક્ષ્મ પ્રીતિએ જોડેલી જોડ પળવા છૂટી પડી. કુમુદ પુલ ઉપર થઈ અદૃશ્ય થઈ. અદૃશ્ય થતાં પહેલાં, સ્થૂળ શરીરને દૂર રાખનાર જીવોનાં સૂક્ષ્મ શરીરોની માત્ર દૃષ્ટિઓએ, વિદાયગીરીનું આલિંગન લઈ લીધું.