સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 2 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨ : ગુફાના પુલની બીજી પાસ

સૌમનસ્યગુહાની પાછળ ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુંદરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની આદિ દશેક શરીરે બળવાળી સાધ્વીઓએ અનેક ગુફાઓ દેખાડી અંતે પુલની પાછળની ગુફામાં એને આણી. ચૈત્ર સુદમાં આ ગુફાની પાછળના એક વૃક્ષમાં અનેક પક્ષીઓ ભરાતાં અને તેમાં કોયલો પણ ઘણી આવતી. હજી વસંતઋતુ ગણાતી હતી અને આજની રાત્રિ આ સુંદર સ્થાને ગાળીશું એવો સંકેત તેમણે કુમુદ સાથે પ્રથમથી જ કર્યો હતો.

આ ગુફાનું નામ વસંતગુહા હતું અને તેનું બંધારણ સૌમનસ્યગુહાના જેવું જ હતું. માત્ર એનું સ્થાન જરી નીચાણમાં હતું અને તેને લીધે આખી ગુફા જોડેની ગુફાઓથી નીચી લાગતી.

સાધ્વીઓએ એ રાત્રિચર્યાને માટે ફલાહાર અને શયનવસ્ત્રો રાખેલાં હતાં તે સર્વ નીચલે માળે રાખી ઉપલે માળે આવ્યાં અને એક ઓટલા ઉપર બેસી બહારનું સૃષ્ટિસૌંદર્ય જોવા લાગ્યાં. કુમુદ તેમાં ભાગ લેતી હતી. અંતે વાર્તાવિનોદ પણ બંધ રહ્યો અને સર્વ માત્ર જોવામાં લીન થયાં. કેટલીક વાર આ મૌન રહ્યું. અંતે સાયંકાળ થયો અને એક જાણીએ દીવાસળી વતે, એક કોડિયામાં વાટ મૂકી સળગાવી. સળગાવતી સળગાવતી તે બોલી.

મધુરીમૈયા ! ગુરુજીએ નવીનચંદ્રજીને શૃંગ ઉપર પંચરાત્રિ વાસ આપવો કલ્પેલો છે તે આ જ. આની જોડેની ગુફામાં જ તે હશે અને અહીં હોય તો આવશે. અમે આખી રાત્રિ નીચલે માળે ગાળીશું અને તને આ સ્થાનમાં જ આખી રાત્રિ રાખીશું. આ તારી પાછળ તારા શરીરને યોગ્ય મુદુ શય્યા છે અને આહારફળ અને જળ છે, અને દીપ છે. અમે તને આ સ્થાને તારા ભાગ્યને આશ્રયે એકલી મૂકી નીચે ચાલ્યાં જઈશું.’

કુમુદ ભડકી, ‘શું બોલો છો ? તમે મને છેતરી ! આ ભયંકર સ્થાનમાં હું એકલી કેમ રાત્રિ ગાળવાની હતી ? હું તમારી સાથે નીચે જ આવીશ.’

‘મૈયા ! સાધુજનને આ સ્થાનમાં ભય નથી. તેમાં તને ભય લાગશે તો તેમાંથી તારનાર હૃદય પાસેથી જ જડી આવશે.’ પ્રીતિમાનિની બોલી.

‘મધુરી, આપણા સ્ત્રીના હૃદયતંત્રનો સ્વભાવ આવે પ્રસંગે જ વિપરીતકલ્પક અને વિપરીતકારી થાય છે. તને અમે છેતરી નથી.’ ભક્તિમૈયા બોલી.

કુમુદ - ‘ત્યારે મને વગર સૂચવ્યે નિમિત્ત કાઢી અહીં કેમ આણી ?’

ભક્તિમૈયા - ‘ચંદ્રાવલીમૈયાએ તારી ચિકિત્સા અને તારું ઔષધ યોજ્યું છે તે તું જાણે છે. મોહનીમૈયાએ તારા અભિસરણનો માર્ગ આ ઔષધના સાધન માટે સૂચવેલો તે પણ તું જાણે છે. ચંદ્રાવલીમૈયાએ તારું દૂતીકર્મ કર્યું અને વિહારપુરીજીની સહાયથી આ સ્થાનમાં નવીનચંદ્રજીને જે સિદ્ધિ માટે મોકલવા ગુરુજીની આજ્ઞા મેળવી છે તે તેં ગુરુજીને સ્વમુખે જ સાંભળ્યું. કહે વારુ, હવે તે તને બીજી કઈ સૂચના બાકી રહી કે તારી વંચના કર્યાનો આરોપ સાધુજનોને શિર મૂકે છે ?’

કુમુદ - ‘મારી સંમતિ વિના કાંઈ પણ કરવાનું નથી એમ મને ચંદ્રાવલીમૈયાએ સ્પષ્ટ કહ્યું હતું.’

ભક્તિમૈયા - ‘અને હજી સુધી અણે સર્વ તને એ જ કહીએ છીએ.’

કુમુદ - ‘તો અહીં આણવામાં મારી સંમતિ કેમ ન લીધી ?’

ભક્તિમૈયા - ‘મધુરીમૈયા ! ચંદ્રાવલી અને મોહની જેવી નિપુણ વિદુષીઓ તારા જેવી મુગ્ધાઓના હૃદયના મંત્ર વધારે સમજે છે ને તારા મુખની સંમતિ શોધતાં નથી પણ તારા હૃદયની સંમતિને બહુ સૂક્ષ્મ કળાથી જાણી શકે છે.’

વામની - ‘મધુરી ! શું તું એ મહાશયાઓને શિર તારા હૃદયથી આરોપ મૂકે છે? તો જો ચંદ્રાવલીમૈયા અને વિહારપુરીજીએ તારું સંયુક્ત દૂતકર્મ કર્યું તેથી તું અજાણી રહી નથી. એણે તારું સખીકૃત્ય કરીએ છીએ તે પણ યાજી વગાડીને કરીએ છીએ. અમારાં જેવાથી આરંભી, ગુરુજી જેવાએ જે જે સૂચનાઓ તારા દેખતાં કરેલી તે ભક્તિમૈયાએ તને કહી બતાવી. એ સર્વ જાણીને, જેવી રીતે માજીના મંદિરમાંથી તું યદુશૃંગ ઉપર ચડી આવી તેમ યદુશૃંગ ઉપરથી આ શૃંગ ઉપર ચડી આવી. આથી તે વધારે શું સંમતિને માથે શીંગડાં ઊગતાં હશે ?’

કુમુદસુંદરી વિચારમાં પડી, બોલ્યા વિના નીચું જોઈ રહી. પ્રીતિમાનિનીએ તેને વાંસે હાથ ફેરવવા માંડ્યો.

‘બેટા મધુરી, તું કોઈ રીતે ગભરાઈશ નહીં. તારી ઈચ્છા જવાની હશે તો પ્રાતઃકાળે અવશ્ય જઈશું. પણ દુષ્ટ સંસારે અનેક વંચનાઓ, જાળ રચી તારા હૃદયમાં અમૂંઝણ ભરી દીધી છે ને આ મહાત્મા જોડે આટલા આટલા માસ સુધી તને વાત સરખી પણ કરવા દીધી નથી - એક ઘડી હૃદય ઉઘાડવાનો અવસર આપ્યો નથી - તેની સાથે બે ઘડી આજની રાત તું બોલી લે, તારે કહેવાનું તે કહી લે, ને તેને કહેવાનું હોય તે સાંભળી લે. આથી બીજું કાંઈ પણ કરવાનું અમે તને કહેતાનથી. તારી સૂક્ષ્મ પ્રીતિનું ફળ તું આટલાથી મેળવીશ અને પછી પ્રાતઃકાળે તું કહીશ તો ચંદ્રાવલીમૈયા તને માજી પાસે લઈ જશે.’

કુમુદ બોલ્યા વિના નીચું જોઈ રહી અને એનું સ્મરણ આ વાક્યમાંનું સત્ય સ્વીકારતું હોય તેમ બુદ્ધિધનના મંદિરમાં પોતે ગાયેલી કડીઓ અત્યારે હૃદયમાં જ ગાવા લાગી :

‘પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય !

જીવતી પણ જડસમી પ્રિયમૂર્તિ જોઈ નયન અકળાય !’

પરિચિત પ્રિય રહી ઊભો પાસે નહીં બોલે, નહીં બોલું !

અપ્રસંગ ભજવતું ચિરાતું મર્મસ્થળ ક્યાં ખોલું ?’

બુદ્ધિમૈયા નામની સાધ્વી સૌની પાછળ બેઠી હતી તે બોલી :

‘મધુરીમૈયા ! જે પંચયજ્ઞનો ઉપદેશ નવીનચંદ્રજીને મળ્યો છે તે જ તારા શ્રવણપુટમાં મધુધારા પેઠે ટપકેલો છે. એ મહાત્મા સાથે મહાયજ્ઞોમાં સહચારિણી થવાનો અદ્વૈત પામવાનો લોભ શું તને નથી થતો ? એ યજ્ઞોમાં આ મહાત્માની વેદી આન્તરાગ્નિથી તપ્ત અને દીપ્ત બને અને તેનું સૂક્ષ્મ શરીર સંભૃત થઈ હોમાય ત્યારે તે વેદીનું અને પશુનું શું તારે અપ્યાયન નથી કરવું ?’

કુમુદસુંદરી - ‘એ અધિકાર આપવાના અધિકારીએ જ્યાં સુધી મને અધિકાર આપ્યો નથી ત્યાં સુધી સર્વ વાત વૃથા છે. મારે એ અધિકાર શોધવો નથી.’

પ્રીતિમાનિની - ‘એ સત્ય છે, એટલા માટે જ અમે તને અહીં એકલી મૂકીને જઈશું. તારી ઇચ્છા હોય અને તું અમારી સાથે સંદેશો મોકલીશ તો અમે તે લઈ જઈશું ને ઉત્તર આપીશું. તેમ ન કરવું હોય તો અહીં બેઠી બેઠી તું જે કંઈ ઉચ્ચારીશ કે ગાઈશ તે જોડેની ગુફામાં બેઠા બેઠા નવીનચંદ્રજી જરૂર સાંભળશે. તેમને તારું અભિજ્ઞાન થશે તો અદ્વૈતબળે કે પ્રતિબળે, રસબળે કે દયાબળે, સાધુજનોની યજોનાને બળે કે ગ્રહદશાને બળે, પણ સર્વથા શ્રી લક્ષ્યરૂપ ઈશ્વરની ઇચ્છાને બળે આ મહાત્માય તારા હૃદયને શીતળ ને શાંત કરવા આવશે. તે ન આવે તો - માનિની ! - તું એમની પાસે જઈશ નહીં અને પ્રાતઃકાળે તું કહીશ ત્યાં જઈશું. ત્યાં સુધી મનઃપૂત કરી જે વસ્તુ સૂઝે તે આદરજે.’

સર્વ ઊઠ્યાં અને કુમુદને એકલી મૂકી નીચે ચાલ્યાં ગયાં. કુમુદે તેમની પાછળ ઊઠવા પ્રયત્ન કર્યો, પણ તેનું શરીર પૃથ્વી સાથે ચોંટ્યું હોય એમ થયું ને એની ઇચ્છાને વશ થયું નહીં. ચારે પાસે રાત્રિ અને ચંદ્રિકા એકઠાં નીતરતાં હતાં, અને ઊઠવા ઇચ્છનારીને પૃથ્વી સાથે દાબી દેતાં હતાં. અંતે તે ઊઠી પણ એના ચરણ દાદર પાસે ન જતાં પુલ ભણીની બારી ભણી વળ્યા. બારી બહાર દૃષ્ટિ જતાં પાછી વળી અને દૃષ્ટિ કરનારી ઓટલા ઉપર બેઠી અને છાતીએ હાથ મૂકી ત્યાં બેસી જ રહી.

એના હૃદયમાં શું હતું તે એ પોતે જ સમજતી ન હતી. એ વિચારને વશ છે કે વિકારને વશ છે તે એના શરીર ઉપરથી જણાય એમ ન હતું. પણ બિન્દુમતીએ એને એકલી મૂક્યા પછી એણે કવિતા જોડી કાઢી હતી. તેમાં અર્ધી કવિતા તરંગશંકરની જોડેલી હતી. અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથના ‘હાર્મિટ્‌’ નામના લઘુકાવ્યનું તરંગશંકરે રૂપાન્તર કર્યું હતું તેની એક પ્રતિલિપિ રત્નનગરીમાં સરસ્વતીચંદ્રે કુમુદને આપીહતી. તેમાંથી અર્ધો ભાગ રાખી બાકીની અર્ધા ભાગની કવિતા કુમુદે પોતે જોડી ઉમેરી હતી. આ કવિતા સરસ્વતીચંદ્ર સાંભળે એમ અત્યારે ગાવા ઉપર એનું ચિત્ત વળ્યું, વળેલું ચિત્ત પાછું ફર્યું. ન ગાવાનો નિશ્ચય થયો.

‘એક વાર અગ્નિનો અનુભવ કર્યો. બીજી વાર એ અગ્નિમાં પડવાની કાંઈ આવશ્યકતા નથી.

હવે એ કાંઈ મુંબઈ જાય એમ નથી. આવા વિરક્ત પદનો સ્વીકાર કરી હવે કંઈ એ તેનો ત્યાગ કરવાના હતા ? અહીં જ સુધી થશે. મારા વિના તે સુખી છે અને એમના વિના હું - સુખી તો નથી - પણ સંતુષ્ટ રહીશ અને માજીના ચરણમાં હૃદયનો યોગ કરીશ.’

થોડી વાર તે બેઠી, વળી ઊઠી, ગુફાની ત્રણે ઉઘાડી પાસ દૃષ્ટિ કરવા લાગી, ચંદ્ર દીઠો ને ચમકી, પુલની બારી ભણી વળી, ત્યાં ઊભી રહી, પુલની પેલી પાસની છાયા દીઠી, વળી ચમકી, વળી પાછી વળી અને વચ્ચોવચ એક પથ્થર ઉપર બેઠી.

ઓઠે આંગળી મૂકી - ‘પ્રસંગ ગયો મળવાનો નથી. ઈશ્વરે જ જ્યારે ધકેલી ધકેલી અહીં સુધી મોકલી છે ત્યારે હું તેની ઈચ્છાને વશ થઈ પ્રસંગનો લાભ લઈશ. જો મારું જ મન પવિત્ર છે તો સરસ્વતીચંદ્રને તેનાથી શો ભય હતો અને મને પણ શો ભય હતો ? પણ એટલું તો ખરું કે મારા મનના ગૂંચવાડાની ગાંઠો તેમનાથી જ ઊકલશે અને - સુખે તો આ અવતારમાં નથી પણ - ધર્મ અને શાંતિનો માર્ગ તેઓ મને બતાવી શકશે.

પણ મારે માટે તેમને હલકો વિચાર આવશે. મારે માટે તેમણે શું ધાર્યું હશે અને શું ધારશે ? ઈશ્વર જાણે.

માજી ! મને જિવાડી છે તો જીવનનો વિધિ દેખાડો.

એ તો એ જ.’

થોડીવાર તે બેસી રહી અને અંતે હિંમત આણી. મુખ ઊઘડી ગયું અને ગાવા લાગ્યું.