આંસુડે ચીતર્યા અગન ૧૪ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા અગન ૧૪

આંસુડે ચીતર્યા ગગન (14)

ચલચિત્ર શરૂ થઈ ગયું હતું. અર્ચના શાંતિથી પિક્ચર જોતી હતી. અંશના મનમાં અજંપો હતો…. બહુ ઝડપે આગળ વધતા જતા હતા. હજી થોડીક ગતિ ધીમી હોવી જોઈએની વાત તેના મનમાં ડંખતી હતી.

‘અર્ચના !’

‘હં .’

‘આપણે બહુ ઝડપથી આગળ વધતા હોઈએ તેવું નથી લાગતું ?’

‘હં ! પણ એનું શું ?’

‘કોઈ જોઇ જશે તો ?’

‘હું મમ્મીને વાત કરી દઈશ.’

‘ના હમણાં નહીં.’

‘કેમ ? તેં તો બિંદુભાભીને કહી દીધું છે. ’

‘ક્યારે ?’

‘આજે કાગળમાં તો મારો ઉલ્લેખ હતો. ’

‘ક્યારે ?’

‘દેરાણીનું કેટલે આવ્યું ?’

અંશ ખડખડાટ હસી પડ્યો…

‘કેમ હસવું આવે છે ?’

‘હું નકામો ગભરાયા કરું છું. તું તો મારા કરતા પણ આગળ વિચારે છે. ’

‘સાચું કહું અંશ… મને તો તું કાલે લઈ જતો હો તો આજે લઈ જા. મને તો તું જોઇએ બસ. ’

‘પણ અર્ચુ – અત્યારે આપણે આવું બધું વિચારવા નાના નથી ?’

‘જેને પોતાનો માન્યો હોય તે જ રખેવાળ બને પછી કંઈ ચિંતા હોય ?’

‘આ બધું જે મારે વિચારવાનું હોય તે તું વિચારે છે…. પછી મને શી ચિંતા… ’

‘ખરેખર… ’

‘જે નાવનો સુકાની દ્રઢ મનોબળનો હોય તે નાવને મઝધારમાં કે તોફાનમાં ક્યારેય ડૂબવાનો ડર રહે ખરો ?’

અંશ એના મુગ્ધ હાસ્યને જોઇ રહ્યો…

‘પિક્ચરમાં વીલન મારામારી કરતો હતો. બહુ રસ ન પડ્યો. નજર બાજુમાં ફેરવી તો અવિનાશ અને સરલા તેમની દુનિયામાં મગ્ન હતા.’

O O O O O O O O

તે દિવસે જીદ કરીને લાભશંકરકાકાને શેષ ઘરે તેડી લાવ્યો. બિંદુને જોઈને લાભશંકરકાકા વિચારમાં પડી ગયા.

‘કેમ કાકા, શું વિચારમાં પડ્યા ?’

‘દીકરા તારી વહુનું વતન કયું ?’

‘સુરત પાસે માંડવી. ’

‘હરીહરની દીકરી તો નહીં ?’

‘હા .. તમે ઓળખો છો એમને ?’

‘કેમ કરીને ભૂલાય એ દિલાવર આદમીને ’

‘હિંદ છોડોની ગાંધીજીની ચળવળમાં કીમ અને માંડવીમાં હરિહર પટેલ ને કારણે તો જાગૃતિ હતી.’ ‘એક તોફાનમાં ઘેરાઈ ગયો અને ગોળીએ દેવાયો. …’

‘હં.’

‘લીલાબેન જેવો જ ચહેરો છે. સમયની બલિહારી તો જુઓ. જ્યારે આ છોકરી પેટમાં હતી ત્યારે હરિહર પટેલને હું મળ્યો હતો… તે વર્ષો બાદ એ જ છોકરીના ખોળો ભરવાના સમયે ફરીથી મળવાનું થાય છે..’

‘બિંદુ.. , સાંભળે છે ? આ લાભશંકરકાકા તારા બાપુજીને સારી રીતે ઓળખે છે’

‘કેવી રીતે ?’

‘૧૯૪૨ માં હિંદ છોડોની ચળવળ શરૂ થઈ હતી ગાંધીજીના સાહિત્યથી આખા દેશમાં જાગૃતિ આવી રહી હતી. કૉંગ્રેસના અધિવેશનો થતા હતા. અને તે વખતે વિદેશી કાપડની હોળી કરી – ચરખો કાંતો ખાદી પહેરો… સ્વદેશી વસ્તુ ખરીદો… વાળી વાતોનો જુવાળ ચાલતો હતો. હરિહર પટેલ અને લીલાબેન પણ રાષ્ટ્રભક્તિના રંગોમાં રંગાયેલા હતા. રોજ સવારે પ્રભાતફેરી… પ્રાર્થના… ચરખો… અને લોકોનું નૈતિક બળ વધે તેવી શાણી વાતોથી હરિહર પટેલનું ઘર ગાજતું રહેતું.’

તે દિવસે હરિહર પટેલની સમજાવટથી હું પણ સ્વદેશી ચળવળમાં જોડાયો હતો. કીમમાં હું શિક્ષક તરીકે કામ કરતો હતો. વિદ્યાર્થીઓ દેશનું ભાવિ બદલી શકે તેવું તેઓ દ્રઢ રીતે માનતા હતા. તેમની વાતોથી પ્રભાવિત થઈ સ્કૂલમાં પણ વિદ્યાર્થી આલમને હું કહેતો રહેતો .

એક દિવસ અંગ્રેજ તરફી રાવબહાદુરો અને રાવ સાહેબોએ ભડકાવીને ગામમાં દંગો કર્યો. માંડવીથી હરિહર પટેલ આવીને એ દંગો સમાવવા ઉપવાસ પર ઉતર્યા. એટલે સ્વદેશી ચળવળ વાળાનું ધાડું જોરમાં આવ્યું. જેને કારણે ફરી હંગામો થયો. અને હંગામાના નિરાકરણ માટે ધરપકડો શરૂ થઈ અને જેમાં પ્રાઇવેટ ગોળીબાર થયો અને હરિહર પટેલ વીંધાયા…

ફરીથી આગેવાની લીલાબેને લીધી અને સ્વાતંત્ર્ય દિન સુધી ચળવળ જારી રહી.

બિંદુ શાંતિથી સાંભળતી હતી… બચપણમાં સુમીમાસીને સોંપીને શિબિરમાં જતી તેની બા યાદ આવી ગઈ… થોડી આંખ છલકાઈ ગઈ.

અનસુયાબહેનના પતિ સૂર્યનારાયણ ભટ્ટ પણ તે જ સમયના સક્રિય કાર્યકર હતા. અમદાવાદથી શાંતિ યાત્રા અર્થે તે સમયે ત્યાં આવ્યા હતા. એમની સાથે મને અમદાવાદ લઈ ગયા. તે સમયે અનસુયાબહેન અને સુમી બહેનની ઓળખાણ થયેલ .

‘શું અનસૂયાબહેન સુમીમાસીને ઓળખે છે ?’

‘હા અને તમારી નોકરીમાં સુમીમાસીએ અનસૂયાબહેનને વાત પણ કરેલી. તે સમયે પટેલની પોલ પકડાઈ ગઈ અને કોઈ ઘરના માણસની તાકીદે જરૂર હતી તેથી તો તમારું પોસ્ટિંગ અહીં થયું.’

‘શું વાત કરો છો બહેનને બધી ખબર છે?’

‘બહેનને તમારા બાપુજી વિશે પણ માહિતી છે.’

‘મારા બાપુજી વિશે ? ’ ‘હા કરુણાશંકર ત્રિવેદી પણ તેમની સ્વતંત્રતા ચળવળમાં ભાગીદાર હતા. જોકે તમારા જોડાયા પછી જ તેમને તે વિશે માહિતી મળી.’

O O O O O O O O

નાથુએ ભાણા પીરસ્યા. લાભશંકરકાકાને મળીને બિંદુને કોઈ ઘરની વ્યક્તિ મળ્યા જેટલો આનંદ થયો.

O O O O O O O O

ટર્મિનલ એક્ઝામનું પરિણામ જોઈને અર્ચનાની આંખ ઊઘડી ગઈ. અંશ પ્રેક્ટિકલમાં ખૂબ નબળો સાબિત થયો હતો. થિયરીમાં પણ માંડમાંડ પિસ્તાલીસ ટકા જેટલા માર્ક મળ્યા હતા. અર્ચના પણ એની જોડે જ હતી. અંશ નિરાશ થઈને બેઠો હતો.

O O O O O O O O

અર્ચનાએ કહ્યું – ‘અંશ આપણે બંનેએ આપણા ભવિષ્યને સુધારવું જોઇએ તેવું નથી લાગતું?’

‘હં . આ વખતે આવું કેમ થયું તે સમજાતું નથી – પણ પરિણામ સહેજ પણ સંતોષપ્રદ નથી.. – ’

‘આપણે બંનેએ એકમેકમાં ખોવાયેલા રહેવાને બદલે લાઇબ્રેરી વર્ક વધારવું જોઇએ. અને પ્રેક્ટિકલમાં ભણવાને બદલે લગાવાતા ગપ્પા ઘટાડવા જોઇએ. ’

‘બરાબર કહે છે. જો આવું જ ચાલુ રહે ને તો આપણું વર્ષ બગડે જ … પણ સાથે સાથે મિત્રવૃંદમાં પણ એવું થઈ જાય કે રખડી ખાધું… ’

‘મને તો એમ જ કહે મહેસાણાના હીરોને ઝીરો કરી નાંખ્યો.’

‘આપણું આજનું ધ્યેય ભણતર છે. ખરું ?’

‘હા. ’

‘એ આપણને યાદ રહે તેવું કંઈક કરવું છે ?’

‘હા..’

‘તને મારી હેરસ્ટાઈલ બહુ ગમે છે ને ? ’

‘હા…’

‘હું એ હેરસ્ટાઈલ જ્યારે તું ફરીથી એક્સલન્ટ રિઝલ્ટ લાવીશ ત્યારે કરીશ. ’

‘હં, અને હું શું કરું જેથી તને યાદ રહે ?’

‘તારી ટીખળો બંધ – અને ટીખળ કરવાનું મન થાય ત્યારે તે દિવસની તારી કોફી બંધ’

‘ભલે !’

બીજે દિવસે અર્ચના આવી ત્યારે હેરસ્ટાઈલ બદલાઈ ચૂકી હતી…. કાન ઉપરથી નીકળતી ગુંચળાવાળી લટ પાછળના વાળમાં સખત રીતે બંધાઈ ગઈ હતી. કાનના એરિંગ, નાકની ચુની ગાયબ હતા. સીધું સપાટ માથુ અને સફેદ ડ્રેસમાં વેરાગી સ્ત્રીનો સ્વાંગ હતો… ,,,, ‘’

અંશ તો જોઈને આભો જ બની ગયો. ‘તું આટલી મક્કમ રીતે બદલાઈ શકીશ ?’

‘હા .’

‘પણ તને આ શોભતું નથી.’

‘તને તારું પરિણામ શોભે છે ?’

‘ના. પણ થઈ ગયું તે ના થયું થવાનું છે ?’

‘ભલે ન થાય. પરંતુ આ ઠીક નથી. ’

‘કેમ ?’

‘મારે માટે તું તારા જીવનને ધડકનો થંભાવી દે. ’

‘કેમ તું મારે માટે જીવન નથી ?’

‘હશે. અર્ચના… પણ એ બધી વાતને હવે ન લાવ. ’

‘ભલે ચાલ કોફી પીશું ?’

‘હા. પીશું પણ કાલથી તું સરસ ડ્રેસમાં આવજે. ’

‘તારું વાંચન વધશે તો હું મારું વલણ સુધારીશ. ’

‘વધશે. પ્રોમીસ.’

મારી સામે ટગર ટગર જોતી તેની આંખોમાં અવિશ્વાસ અને વિશ્વાસનું તુમુલ યુદ્ધ ચાલતું હતું…. અચાનક આંખની કિનારીમાંથી છલકાઈ ગયેલા આંસુથી હું ક્ષુબ્ધ થઈ ગયો.

‘અર્ચુ ! હું ખૂબ વાંચીશ… તારી ચાહતની પ્રાપ્તિ મારી સિદ્ધિ છે. એ સિદ્ધિની સીડી…. કેડી… મારું ભણતર છે. હું ખૂબ વાંચીશ.’

‘ખરેખર વાંચીશ ને અંશ ! ’

એની ખુલ્લી મોટી આંસુથી ભીની થયેલી આંખમાં વિશ્વાસનું આંજણ આંજવા હું થોડોક નમ્યો. એનો હાથ હાથમાં લીધો. અને મૃદુતાથી પંપાળતા બોલ્યો ‘હા – વાંચીશું – અર્ચુ આપણે બંને વાંચીશું… લાઇબ્રેરીમાં છ કલાકથી ઓછું વાંચીએ તો આપણને બંનેને આપણા બંનેના સોગંદ … જોઇએ કોણ કોને વહાલું નથી ?’

એનેય કોણ જાણે શું આવેગ આવી ગયો કે પ્રેમથી મારો હાથ એણે ચૂમી લીધો… અંશ ! તારી પાસેથી આ જ હું ઇચ્છતી હતી…. આપણે આપણા ભવિષ્યના સુખને સુદ્રઢ બનાવવા અત્યારે ભણવું જ રહ્યું. હજી આપણે ખૂબ નાના છીએ….‘’

‘પણ અર્ચના… પ્લીઝ મારી ગમતી પેલા વાળની લટ… એને કેદખાનામાંથી છોડ ! તારા કાનપટીયાને… ત્યાંના તલને એ લટ તો દિપાવે છે. એ લટ પર તો તારો આખો દીદાર બદલાઈ જાય છે. અર્ચના… એને રાખવાની હં !’