કરસનદાસ - પે એન્ડ યુઝ. Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કરસનદાસ - પે એન્ડ યુઝ.

કરસનદાસ - પે એન્ડ યુઝઃ

ક્યારેય વિચાર્યું નહોતું કે ટોઈલેટ હ્યુમર એકચ્યુઅલી 'સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ' પણ હોઈ શકે છે! બે દિવસ લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ પહેલાં 'કરસનદાસ (વાંચોઃ 'કર સંડાસ') પે એન્ડ યુઝ'ના મુંબઈમાં યોજાયેલા પ્રિમીયરમાં જવાનું થયું ત્યારે મનમાં મિકસ્ડ ફીલિંગ્સ હતી. એક તરફ, ડિરેકટર કૃષ્ણદેવ યાજ્ઞિકે 'છેલ્લો દિવસ' જેવી સુપરહિટ ફિલ્મ પછી શું બનાવ્યું છે તે જાણવાની તાલાવેલી હતી, (ટીકા કરનારાઓ ભલે ગમે તે કહે, પણ મને તો 'છેલ્લો દિવસ'માં ખૂબ મજા આવી હતી), ટ્રેલર જોયા પછી જાગેલી ઉત્સુકતા હતી અને શૌચાલયને સેન્ટરમાં રાખીને તે વળી કેવીક ફિલ્મ બની શકે તે જોવાની ચટપટી હતી, તો બીજી બાજુ, મનમાં ડર પણ હતો કે એન્ટરટેઈનમેન્ટ તો એક બાજુ રહ્યું, ક્યાંક નિરાશા અને ઇરિટેશનના ભોગ ન બનવું પડે.

થેન્ક ગોડ! મારો ડર સાવ ખોટો સાબિત થયો. 'કરસનદાસ પે એન્ડ યુઝ' રોક્સ! ફિલ્મ જોઈ એને આજે બે દિવસ કરતાં થઈ ગયા, પણ હજુય મનના પડદા પર ફિલ્મનાં કેટલાંક સીન્સ અને વિઝ્યુઅલ્સ ઝબકી જાય છે અને ચહેરા પર સ્માઈલ આવી જાય છે!

'કરસનદાસ પે એન્ડ પાર્ક'નો સૌથી મોટો પ્લસ મારા હિસાબે ઓડિયન્સના મનમાં જાગતી આ લાગણી છેઃ આવું મારું બેટું અગાઉ ક્યારેય જોયું નથી! સુલભ શૌચાલય ટાઈપનું પાયખાનું ચલાવતો નિમ્ન વર્ણનો છોકરો હીરો હોય, પારકાં કામ કરતી છોકરી હિરોઈન હોય , આખી વાર્તા અને ઘટનાઓ ટોઈલેટની આસપાસ આકાર લેતી હોય અને છતાંય ફિલ્મ મેઈનસ્ટ્રીમ કમર્શિયલ ફોર્મેટમાં જ બની હોય તેમજ એન્ટરટેઈન્મેન્ટમાં મામલામાં ઢીલી પડતી ન હોય... સૌથી પહેલાં તો આ વિષય, આ કેરેક્ટર્સ અને આ લોકાલ ધરાવતી ફિલ્મ બનાવવાની કલ્પના કરવા માટે પણ પુષ્કળ હિંમત જોઈએ. કલ્પના કર્યા બાદ આ ફિલ્મ પહેલાં કાગળ પર અને પછી પડદા પર એક્ઝિક્યુટ કરવા માટે ભરપૂર ટેલેન્ટ અને જોરદાર કોન્ફિડન્સ જોઈએ. આ મામલામાં રાઈટર-ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને ફુલ માર્ક્સ!

કૃષ્ણદેવ ધારત તો 'છેલ્લો દિવસ'ની સફળતાના પ્રવાહમાં એ જ ટાઈપની સેફ ફિલ્મ આસાનીથી બનાવી શક્યા હોત અને એમાં કશું ખોટું પણ ન ગણાત, પણ તેને બદલે પોતાની બીજી ગુજરાતી ફિલ્મ માટે તેમણે સાવ જુદો અને ખૂબ જોખમી વિષય પસંદ કર્યો. (એમણે જોકે વચ્ચે 'છેલ્લો દિવસ'નું હિન્દી વર્ઝન બનાવ્યું, જે બિલકુલ ન ચાલ્યું.)

'કરસનદાસ પે એન્ડ યુઝ' લગભગ શરૂઆતથી કરેક્ટ સૂર પકડી લે છે. પર્ફોર્મન્સીસ તગડાં છે. મયૂર ચૌહાણ ઉર્ફ માઈકલે ઓડિયન્સને 'છેલ્લો દિવસ'માં ખૂબ હસાવ્યા હતા. આ ફિલ્મમાં એ તિલોકનું પાત્ર જીવી જાય છે. દીક્ષા જોશી 'શુભારંભ'માં ય ગમી હતી. આ ફિલ્મમાં વધારે ગમી. અન્ય કલાકારોનું કામ પણ લીડ જોડી જેટલું જ મસ્ત છે. કાયમ ઓવરસાઈઝ્ડ જીન્સ ચડાવીને બીડીઓ ફૂંક્યા કરતા સુંદરની ભુમિકા કરનાર હેમાંગ શાહ મહત્ત્વની 'ફાઈન્ડ' પૂરવાર થવાનો. સૌએ ગુજરાતી બોલીની ખાસ પ્રકારની લઢણ સરસ પકડી છે. પાણીપુરીવાળો સહૃદયી મિત્ર અને નાયિકાના માથાભારે ફાધરના રોલ કરનાર એકટર્સ પણ ખૂબ સરસ. જોકે ફિલ્મનો અસલી સીન-સ્ટીલર તો પેલો ન્યુઝ ચેનલના હાઈપરએક્ટિવ રિપોર્ટર છે. કોણ છે આ મસ્ત એક્ટર? અગાઉ 'બજરંગી ભાઈજાન'માં નવાઝુદ્દીન સિદ્દીકીએ અતરંગી ન્યુઝ રિપોર્ટરના રોલમાં મજા કરાવી હતી અને હવે 'કરસનદાસ...'ના આ ગુજરાતી રિપોર્ટરે ખૂબ જલસો કરાવ્યો. આખી ફિલ્મમાં નાના-મોટા તમામ કલાકારોનું કાસ્ટિંગ પરફેક્ટ છે. Abhishek Shah, taka a bow!

ફિલ્મમાં બીજાઓનું મેલું સાફ કરનારાઓની વ્યથાને ખપ પૂરતું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે તે સારું થયું. રાઈટર-ડિરેક્ટર લવસ્ટોરીને વફાદાર રહ્યા છે. ફિલ્મમાં, અફ કોર્સ, ટોઈલેટ હ્યુમર હોવાનું જ. જો પ્રમાણભાન ન જળવાયું હોત તો અમુક દશ્યો અને ડાયલોગ્ઝ જુગુપ્સાપ્રેરક બની ગયાં હોત.

આજે 'કરસનદાસ પે એન્ડ યુઝ' આવી. થોડાં અઠવાડિયાં પછી અક્ષયકુમારની 'ટોઈલેટ - એક પ્રેમકથા' આવશે. 'રંગ દે બસંતી' અને 'ભાગ મિલ્ખા ભાગ'વાળા રાકેશ ઓમપ્રકાશ મહેરાએ મુંબઈના સ્લમડોગ્સ અને ટોઈલેટ્સ કેન્દ્રમાં રાખીને 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' નામની ફિલ્મ બનાવવાની ગતિવિધિ શરૂ કરી દીધી છે તેવું હમણાં જ ક્યાંક વાંચ્યું. આને સ્વચ્છ ભારત અભિયાનની અસર કહો કે ગમે તે, પણ એકાએક ટોઈલેટ ફિલ્મો જાણે એક નવા જોનર તરીકે ઊપસી રહી છે! આમાં પહેલો ઘા 'કરસનદાસ પે એન્ડ યુઝ' નામના રાણાએ મારી દીધો છે.

'કરસનદાસ...' પરફેક્ટ ફિલ્મ છે? ના. ક્યાંક ક્યાંક ફિલ્મ થોડી ડ્રેગ જરૂર થાય છે, ક્યાંક અમુક પર્ફોર્મન્સીસના ટુકડા થોડા ફેક લાગવા માંડે છે. સદભાગ્યે વાત વધારે વણસે તે પહેલાં ડિરેક્ટર તરત બાજી સંભાળી લે છે અને ગાડીને ટ્રેક પર લાવી દે છે. ભલે એકાદ ગીત કે થીમ મ્યુઝિકમાં શાહરુખના 'લુંગીડાન્સ... લુંગીડાન્સ' સોંગની સીધી અસર દેખાય, પણ આપણને તો 'કરસનદાસ...'નું સંગીત પણ ઓવરઓલ ગમ્યું.

ગુજરાતી સિનેમા એવા વિચિત્ર દોરમાંથી પસાર થઈ રહી છે કે કોઈ પણ ફિલ્મની કમર્શિયલ સક્સેસ વિશે કોઈ આગાહી કરી શકતું નથી. 'કરસનદાસ...'નું શું થશે એ તો સમય જ બતાવશે. શું હું આ ફિલ્મ જોવાનું રિકમન્ડ કરું છું? ભઈ, મને તો મોટાં હીરો-હિરોઈનવાળી અમુક બોલિવૂડની ફિલ્મો કરતાંય આ ડેરિંગબાજ ફિલ્મમાં વધારે મજા આવી છે. તમે તમારી રીતે નક્કી કરી લો!