Kanta 4 books and stories free download online pdf in Gujarati

કાન્તા - 4

કાન્તા - 4

"એવું ના બોલ.. તારી નોકરી તો હમણાં હમણાં લાગી છે, જયારે તેઓ તો તને દોઢ વરસથી સાચવે છે."

" , દોઢ વરસથી કિંમત ચૂકવું છું..." કહીને તે ચૂપ થઇ ગઈ. તેના ગાલ પરથી આંસુ રળકીને તેના ગળામાં ક્યાંક ખોવાઈ જતા હતા. મેં તેનું મોઢું પકડીને બોલ્યો "બોલી નાખ..."

"દોઢ વરસથી તે મારા પર બળાત્કાર કરે છે... તેનો દોસ્ત પણ બળાત્કાર કરે છે."

મેં પાણીનો જગ ઉઠાવ્યો ને દીવાલ પર ફેંક્યો, મારુ દિમાગ ફાટી ગયું હતું... સાલો હું એલિયન તો નથી? હલકટ દુનિયા વિષે તો હું કશું જાણતો નથી..... મારા શરીરમાં આગ લાગી હતી.. મારે લડવું હતું, લોહીના ફુવારા ઉડે અને અને જમીન પર લોહીનું કીચડ થઇ જાય ત્યાં સુધી લડવું હતું, યુદ્ધ નું મેદાન હોય અને બંનેના હાથમાં તલવાર હોય તો લડવાની મજા આવે... પણ અહીં કોની સાથે લડવું? ન્યાય તો કરવામાં આવશે ... હું કરીશ .... પણ હાલમાં કાન્તા મારે માટે મહત્વની હતી, તેની આત્મા સુધ્ધનાં ચીંથરા ઉડી ગયા હતા, તો પણ.... મેં તેને છાતી સાથે ભીંસી ને બોલ્યો "સોરી..."

"તમે કેમ સોરી?"

"હું પુરા સમાજ વતી તારી માફી માંગુ છું."

તે મારી છાતીમાં મોઢું છુપાવીને હીબકા ભરી રહી હતી, થોડીવારે તે મોઢું ઊંચું કરીને મારી આંખોમાં તાકી રહી, અને બોલી "હજુ પણ એંઠવાડને વેંઢારવી છે?"

"જો તું એંઠવાડ હોય તો મારે માટે દુનિયાની બધી સ્ત્રીઓ એંઠવાડ છે, મારી માં પણ, મારી બહેન પણ..."

"તમારા જેવા, યોગેશ સર જેવા, જૂજ લોકોને કારણે દુનિયા ટકી રહી છે."

કાન્તા મારી છાતીમાં મોઢું છપાવીને મને સખ્ત પકડીને બેઠી હતી. હું તેના માથે હાથ ફેરવતો રહ્યો, ને બોલ્યો "તારી બહેન? તે જાણે છે?"

"ખબર નથી, પણ જાણે છે, પણ કશું બોલતી નથી, ને આંખ આડા કાન કરે છે."

"કેમ?"

"તેને મારી ચિંતા છે, તે અંદર ને અંદર ખવાતી જાય છે... જો તે વિરોધ કરે તો બનેવી મને ઘરમાંથી કાઢી મૂકે, ભાઈ રાખવા તૈયાર નથી, તો હું ક્યાં જઈશ? એમ વિચારીને ચૂપ છે."

થોડીવારે તે ફરી બોલી "નોકરી લાગ્યા પછી કારણે હું તમને રૂમ લઇ આપવા માટે કહેતી હતી, બનેવીને ખબર છે કે જો હું નોકરી કરીશ કે અલગ રહીશ તો બળાત્કાર કરી શકાશે નહિ... અને એટલે તે મને નોકરી કરવા દેતા નહોતા. હમણાં તે અકળાયા છે. પૈસા પણ એમને જોઈએ છે, ઘરમાં ઘણીવાર કહે છે કે છૂટાછેડાના પૈસા મળે તો બિઝનેસમાં નાખીએ, કાન્તાને પૈસાની શું જરૂર છે? અને બધું ઘરમાં છેને..."

સમાજનો એક નવો ચહેરો મારી સામે આવ્યો હતો. મેં તેને સમજાવ્યું કે હવે કૂતરીના પેટનો બળજબરી કે બળાત્કારની કોશિશ કરે તો શું કરવું. અને કહ્યું કે હવેના હિયરીંગમાં શું બોલવું. કોઈના તાબે થઈશ નહિ, મને ફોન કરજે અથવા મારે ઘેર આવી જજે.

ઘેરે માંને બધી વાત કરી, તે પણ ઉદાસ થઇ ગઈ, થોડીવારે વિચારીને બોલી "તેને તાત્કાલિક ત્યાંથી ખસેડવી પડે, આપણો કાલુપુરનો રૂમ ક્યારે ખાલી થવાનો છે?"

"તેને તો હજુ મહિના જેવા લાગશે. પણ હું તે એકલી રહે તે મતનો નથી, મને તેની સલામતીની ચિંતા છે."

"આપણે તેને અહીં તો લાવી શકતા નથી, જ્યાં સુધી કાયદેસર છુટા થાય ત્યાં સુધી આપણે કશું કરી શકતા નથી. જરાય ઉતાવળિયું પગલું ભરતો નહિ. તું તેને શું કરવું તે સમજાવી દીધું છે ને? કશું બને નહિ ત્યાં સુધી શાંતિ રાખ, અને કશું બને તો મારો વિચાર તેને બરોડા ચકુડી પાસે મોકલી દેવાનો છે."

"મેં પણ એજ વિચાર્યું છે."

મેં યોગેશ અને બીજા દોસ્તોને પણ બધી વાત કરી. બધા એક વાતે સંમત હતા કે કાન્તા માટે કઈ પણ કરી શકાય, બાકી તો આવા ઉકાળામાં પડાય નહિ.

હું ખોવાયેલો અને ધૂંધવાયેલો રહેતો હતો, ખાસ તો કઈ કરી શકતો નથી તે માટે. કાન્તાના છૂટાછેડા માટે ફરી મહિનાની મુદ્દત પડી હતી. તે સાથે હોય ત્યારે હું બધું ભૂલી જતો હતો, અમે બધું ભૂલીને એક-બીજામાં ઓગળી જતા હતા. તેના બનેવીને હું જેટલું માન આપતો હતો, તેનાથી સો ગણી હવે નફરત કરતો હતો. પપ્પાની મને આજે ખરેખર ખોટ સાલતી હતી. જોકે માં પણ કઈ કમ નથી, તેનો પણ પહાડ જેવો સહારો છે. કાન્તાને કહ્યું કે બરોડા જતી રહે, હું મૂકી આવું, પણ તે માની નહિ. કહ્યું કે તે બધું સાંભળી લેશે અને તાબે નહિ થાય.

સીધી સરળ જિંદગી મારા નસીબમાં નથી, નસીબ? શું હોય છે?? ગૂંચવાડા, તકલીફો, ટેનશન, વગેરેની પણ એક મજા હોય છે. બક્ષી લખે છે એમ 'મજામાં છું.' વાક્યને અર્થ મળે છે...

સવારમાં દુકાનની સફાઈ ચાલતી હતી, ને કાન્તા આવી... "ઓહો.. મારો તો દિવસ સુધરી ગયો, સવાર સવારમાં? તને નોકરીએથી કાઢી તો નથી મૂકી ને? મારાથી ભલામણ ની આશા રાખીશ નહિ."

તે હસી નહિ કે કશું બોલી પણ નહિ, ને સ્ટુલ પર બેસી ગઈ. તે ચિંતામાં અને ટેંશનમાં લાગતી હતી. નાના સ્ટુલને કારણે તેના નિતંબો અને જાંઘો ફેલાઈને બહાર ઉભરાતા હતા, હાથ ફેરવવાની ઈચ્છાને મેં માંડ માંડ રોકી ને બોલ્યો "શું થયું છે?"

"રાતે તેનો ફોન આવ્યો હતો. મને ડર લાગે છે."

તેનો હાથ પકડીને બોલ્યો ""કોનો? તારા પતિ નો? બરાબર બોલ, શું કહેતો હતો?"

"ઘણું બધું બોલ્યો, હું સખત ડરી ગઈ છું, આખી રાત હું સૂતી નથી."

"સીધું બોલને... ગોળ ગોળ ના બોલ."

"બધું કર્યું તેણે.. રડ્યો, માફી માંગી, પસ્તાવો કર્યો, પાછી ઘેરે આવી જવા કહ્યું, ધમકી આપી, રસ્તામાંથી ઉપાડી જઈશ એવું કહ્યું, તારી સાથે સૂવું છે, મારો હક છે એવું પણ બોલ્યો, તમને ગાળો આપી, તમને મારી નાખશે એવું પણ બોલ્યો.. બોલ્યો કે તારા ભાઈએ પણ મને કહ્યું છે કે પાછી લઇ જા, અમારા બસમાં નથી, તું મારી નાખીશ તો પણ અમને ખુશી થશે. એટલે છૂટાછેડા ભૂલી જા, ફરીથી મારે ઘેર આવી જા, તારો શોખ હું પૂરો કરાવડાવીશ.. " કહીને તે રડી પડી. રડતા રડતા બોલી "પાછો ફોન કરશે તો? સિમ બદલી નાખું?" મેં તેને પાણી આપીને તેની આંખો લૂછી, અને કહ્યું "ડરવાની કઈં જરૂર નથી, તેની હેસિયત ફક્ત બૈરાઓને મારવા અને ડરાવવા જેટલી છે. સિમ બદલવાની જરૂર નથી, હું છુંને? હવે ફોન આવે તો રેકોર્ડ કરજે."

તે રડતી રહી, મેં રડવા દીધી. થોડીવારે તે શાંત થયા પછી બોલી "કઈ રીતે રેકોર્ડ થાય? મને નથી આવડતું."

મેં તેનો ફોન લીધો, કોલ રેકોર્ડનું ફીચર મને મળ્યું નહિ. મેં મારા ફોનના બધા કોંટેક્ટ અને ડેટા મેમરીમાં લીધા અને તેની સિમ મારા ફોનમાં નાખી. ને તેના ફોનમાં મારી સિમ ને મેમરી નાખી. મારો ફોન તેને આપતા કહ્યું "લે, ઓટો રેકોર્ડ કર્યું છે, બધા કોલ રેકોર્ડ થશે." ને તેના ગાલે ટપલી મારીને બોલ્યો "જરાય ડરીશ નહિ, તે કશું નહિ કરે, જા કામ પર જા.."

મેં તેને મારાથી બનતી સાન્ત્વનાં અને હિમ્મત આપવાની કોશિશ કરી હતી, મને વિશ્વાસ હતો કે પેલો કશું નહિ કરે, પણ મને કાન્તા ની ચિંતા હતી. તે ડરતી રહેશે, ચોવીસે કલાક ફફડાટમાં કાઢશે, રિંગ વાગશે કે તે છળી ઉઠશે, ઊંઘી નહિ શકે, ખાઈ નહિ શકે, બીમાર પડી જશે.. રસ્તામાં ડરશે.. રીતે ડરમાં રહીને જીવાય નહિ. તેનો કોઈ કાયમી ઉકેલ લાવવો રહ્યો.... રોજ તે સવારે બસમાં બેસતી કે મને ફોન કરતી, અને સાંજે પણ તેનો ઘેર પહોંચીને ફોન ના આવતો ત્યાં સુધી હું ઉચાટમાં રહેતો, મોટેભાગે તો સાંજે હું તેને ઘર સુધી મૂકી આવતો.

રવિવારે અમે બધા દોસ્તો ક્લાસ પર વાતો કરી રહ્યા હતા, અને સાંજે ક્યાં જવું તે વાત કરતા હતા, કાન્તા પણ મારી સાથે હતી. ને માનો ફોન આવ્યો. મેં કાન્તાને કહ્યું "ચાલ, ઘેર જવું પડશે, તારા ભાઈ-ભાભી આવ્યા છે."

"કેમ?"

"ખબર નથી, માં કહ્યું કે ઘેર આવ અને સાથે હોય તો કાન્તાને પણ લેતો આવ."

બધા દોસ્તો મને સલાહ આપી કે સંયમ રાખજે, વાતને બગાડતો નહિ. રસ્તામાં કાન્તા બોલી "તમે મારા ભાઈને કશું કરશો તો નહિ ને?"

"ના, ફક્ત તેના સડેલા દાંત મફતમાં પાડી આપીશ, બસ.."

"તમે તેને આંગળી પણ લગાડશો તો હું તમારાથી નહિ બોલું."

મેં બાઈક ઉભી કરી દીધી, ને પાછળ ફરીને તેની સામે જોઈ રહ્યો. તે બોલી "તે મારો ભાઈ છે," કહીને તે ઈમોશનલ થઇ ગઈ.

બહેન તો છેવટે બહેન હોય છે...મેં કહ્યું "તારી લાગણી, પ્યારની અહીં કોઈને કદર નથી... તું લુચ્ચા, ગણતરીબાજ, સ્વાર્થી, ખંધા અને લંપટ લોકોની દુનિયામાં છે, તારા જેવા લાગણીશીલ લોકો અહીં ભોળા, મૂર્ખ, અક્કલ વગરના અને ગાંડામાં ખપે છે...ગમે-તેમ તારી લાગણીની હું ઈજ્જત કરું છું."

ઘેર તેના ભાઈ-ભાભી બેઠા હતા, સામે માં બેઠી હતી. મેં કાન્તા નો હાથ પકડ્યો ને તેમની સામે કાન્તાને સોફા પર બેસાડી અને હું તેની પાછળ સોફાની પીઠ પકડીને ઉભો રહ્યો. મેં કોઈપણ જાતની ઔપચારિકતા કર્યા વગર કહ્યું "બોલો... અને સીધા મુદ્દાની વાત કરજો..."

"તમારી નહિ હોય, પણ સમાજમાં અમારી તો ઈજ્જત છે. તમારે કારણે, ખાસ તો મારી વંઠેલ અને ચરિત્રહીન બહેનને કારણે અમારે શરમાવું પડે છે, લોકો હસે છે અમારા પર... નફ્ફટાઈની પણ એક હદ હોય છે. લાજ-શરમ બધું મૂકી દીધું છે..."

" તમ મારા ઘરમાં બેઠા છો, અને કાન્તાએ મને રોકી રાખ્યો છે.. પણ હવે એકપણ અપશબ્દ કાન્તા માટે બોલશો તો... તમે સમજો છોને કે ઇજ્જતવગરના લોકો શું કરી શકે? અને અમે ઈજ્જત વગરના સારા છીએ, ઇજ્જતદાર બની જઈશું તો પછી અમે પણ બહેનને ધુત્કારીને કહીશું કે જા મરી જા... બારણું નહિ ખોલીએ, ઓટલા પરથી પણ ધક્કો મારીને ઉતારી મુકીશું...હાક થું...."

" અમારા ઘરની મેટર છે, હવે બધું ગોઠવી દીધું છે, તેના પતિને પણ પસ્તાવો છે, અને તે એટલા મોટા દિલનો છે કે આટલું કર્યા પછી પણ તે આને અપનાવવા તૈયાર છે, અને જે વ્યવહાર બાકી હતો તે પણ હું પૂરો કરીશ, ટૂંકમાં રહી-સહી ઈજ્જત બચી જાય એમ છે. તે કાલથી નોકરીએ પણ નહિ જાય અને રાતે તેનો પતિ તેને ઘેર લઇ જશે, સમાજના આગેવાનોની હાજરીમાં બધું નક્કી કર્યું છે. અહીંયા ફક્ત બધી તમને જાણ કરવા આવ્યા છે, જેથી તમે પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સમાજના રિવાજો મુજબ વર્તો." અને મારી માં તરફ જોઈને બોલ્યો "તમે સમજદાર લાગો છો, એટલે અમે તમને કહેવા આવ્યા, હવે તમે તમારા દીકરાને સમજાવજો કે તે જે કઈ કરે છે તે સામાજિક રીતે અને કાયદાકીય રીતે પણ ખોટું છે. અમે જઈએ છીએ, ચાલ કાન્તિ.."

માં બોલી " કાન્તાને પૂછો કે તેને શું કરવું છે...?"

"એનામાં અક્કલ હોતી તો શાદીશુદા થઈને તમારા દીકરા સાથે છિનાળું કરતી? અને અમને સમાજમાં બેઈજ્જત કરાવતી?"

કહીને તે બંને ઉભા થયા, અને કાન્તા ની વાટ જોવા લાગ્યા, પણ કાન્તા ઉભી થઇ નહિ, તેથી તેનો ભાઈ તેની પાસે આવ્યો, ને તેનો હાથ પકડવા ગયો કે કાન્તા ઉઠીને દોડી અને સોફાની પાછળ, મારી પાછળ આવીને ઉભી રહી ગઈ. હું હાથ લાંબો કરીને બોલ્યો "હાથ દૂર રાખજો... નિર્ણય લેવાઈ ચુક્યો છે, અને હવે તમે માનભેર મારુ ઘર છોડી દો તો સારું..."

તે કાન્તા તરફ જોઈને બોલ્યો "મને શરમ આવે છે, તને બહેન કહેતા... ઓનર કિલિંગ કેમ કરવામાં આવે છે તે મને આજે સમજાયું." કહીને બંને જતા રહ્યા.

માં કાન્તાનો હાથ પકડીને તેને બેડરૂમમાં લઇ ગઈ. હવે હું સખ્ત ડરી રહ્યો હતો.. કાન્તાનો પતિ અને હવે તેનો ભાઈ પણ?? તેના પતિ કરતા પણ વધારે ડર મને તેના ભાઈનો લાગતો હતો, ઓનર કિલિંગ....

કાન્તા ત્રણેય તરફથી ભીંસમાં હતી, તેનો બનેવી, પતિ અને હવે ભાઈ પણ ...મેં આંખો બંધ કરી અને વિચારો લગામ નાખવાની કોશિશ કરી, પણ આંખ બંધ કરતા જોયું કે ત્રણ બિલાડીઓ કબૂતરને પીંખી રહી હતી, અને કબૂતર તરફડતું હતું... મારી કબૂતરી?? હું ઉભો થઇ ગયો, શું કરી શકું? કઈ કરી શકતો નથી....હા, જો તે તેના પતિથી કાયદેસર છૂટી થઇ જાય પછી અમારે માટે કોઈ મુશ્કેલી નહોતી.. અને પછી અમે કોઈને ગણકારીએ એવા પણ નથી...બસ, એક મારી અને કાન્તા વચ્ચે અડચણ હતી.. તેને દૂર કરવી પડે, કઈ રીતે?

અને તેનો મોકો પણ મને બે દિવસ પછી મળી ગયો.

યોગેશનો ફોન આવ્યો "કાન્તા નો હસબન્ડ આવ્યો હતો, કહેતો હતો કે કાન્તા ને મળવું છે. મેં ના પાડી તો દાદાગીરીથી બોલ્યો કે મારી પત્ની છે, તમે રોકી શકો નહિ."

"પછી?"

"મેં તેને કાઢી મુક્યો છે, કહ્યું કે નીચે ઉભો રહે, તારી પત્ની છે તો ડ્યુટી પછી બહાર મળજે, મારી પ્રોપટીમાં નહિ, તે નીચે ઉભો છે, શું કરવું છે?"

"કાન્તા શું કહે છે?"

"તે ડરેલી છે, ઘેર જતી નથી, કહે છે કે મને મારશે, તેને ઘેર લઇ જશે, મારે જવું નથી."

મેં થોડીવાર વિચાર કર્યો, ને કહ્યું "તેને કહે કે રોજ ડરીને રહેવા કરતા તેની સાથે એકવાર વાત કરી લેવી સારી...બહાર આપણે કાન્તા ને ક્યાં સુધી ને કેટલા દિવસ પ્રોટેક્ટ કરતા ફરીશું? બહાર કરતા ક્લાસમાં સારું છે, ક્લાસમાં કમસેકમ આપણી નજર સામે તો રહે. ઉપર બોલાવ અને તું નજીક રહેજે, તારા સીસીટીવી કેમેરા તો કામ કરે છેને? હું આવું છું."

"ના, તું આવીશ નહિ, તું દૂર રહે તે સારું છે, તારે લીધે નવા ઇસ્યુ ઉભા થશે અને હું બધું સાંભળી લઈશ."

થોડીવારમાં કાન્તા નો ફોન આવ્યો, "પેલો આવ્યો છે, મળું? મને તેનાથી ખુબ ડર લાગે છે, તમે કહો તેમ કરું."

"હા મળ, જરાય ડરીશ નહિ, તને શેનો ડર છે? યોગેશ છે ને.. તેની ઓકાત નથી કે યોગેશની હાજરીમાં તને હાથ પણ લગાડી શકે.."

ફોન મુક્યો, અને મારુ દિમાગ કામે લાગ્યું. મને ડરને ટ્રાન્સફર કરવો હતો, કાન્તા ના દિલમાંથી ડર કાઢીને તેના દિલમાં બેસાડવો હતો, માનસિક રીતે મારે તેના પર સરસાઈ મેળવવી હતી. મારે જલ્દી પ્રકરણનો અંત લાવીને કાન્તાને છોડાવવી હતી. મારી અંદર સુતેલા પ્રાગઐતિહાસીક જાનવર ને મારુ દિમાગ જાગવા દેતું નહોતું.. જગાડવો પડે તો સારું... માં કહે છે કે જીભ થી કામ પતતું હોય ત્યાં હાથ ચલાવવા નહિ, અને હાથથી કામ પતતું હોય ત્યાં હથિયાર વાપરવા નહિ.... મેં કશું નક્કી કર્યું, દુકાન કાકાને સોંપી અને બાઈક લઈને ક્લાસ પર આવ્યો.

--------- બાકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો