Kanta 2 books and stories free download online pdf in Gujarati

કાન્તા - 2

કાન્તા - 2

દુકાનમાં હું સીડી પર ચઢીને એસીનું ફિલ્ટર કાઢતો હતો, ને તે આવી, ને બોલી "નચિકેતભાઈ ક્યાં છે?"

હું કશું બોલ્યો નહિ, ને ફિલ્ટર ફસાવીને નીચે ઉતર્યો. મને જોઈને તે બોલી "સોરી, તમે ઓળખાયા નહિ એટલે..."

"મારુ નામ નચિકેતા છે." કહીને મેં તેની તરફ સ્ટુલ ધકેલ્યું. આજે પહેલીવાર મેં તેને ધ્યાનથી જોઈ, તેણે સાડી પહેરી હતી, અને બંને હાથમાં પંદર-વિસ વિસ કે વધારે કાંચની બંગડીઓ પહેરી હતી. અને મારી આદત અનુસાર મારી નજર તેના પગ-જૂતા પર પડી. સપાટ સેંડલ હતી, નખ નું પોલિશ ઉખડી ગયેલું હતું. પગમાં જાડી ચાંદીની ઝાંઝર હતી. તે મારી સામે સ્ટુલ પર બેઠી હતી. ત્રેવીસ-ચોવીસની હશે. માથા પર બિંદી પણ ચોંટાડી હતી, ને અંબોડામાં મોગરાની વેણી પણ બાંધી હતી. કાન માં પણ બે ઇંચ જેટલા લાંબા લટકણિયા હતા. આ બધું મને જરાય ગમતું નથી, પણ સહેજ જાડા હોંઠને કારણે અને તેના ઉપલા બે દાંત વચ્ચે સહેજ જગ્યા હોવાને કારણે તે સેક્સી લાગતી હતી. તેના ગાલ લીસ્સા નહોતા, રફ, ખરબચડી ચામડી હતી, પિમ્પલ્સ ગયા પણ તેની નિશાનીઓ રહી ગઈ હતી. ગમે-તેમ, કરડી ખાવા ગમે તેવા હતા.

તે બોલી "સોરી, મારે કારણે તમારી ઘણી બદનામી થઇ, પણ મારા હાથમાં કશું જ નહોતું."

મેં કહ્યું "છોડો, પતી ગઈ તે વાત.. હવે શું કામ છે તે કહો."

તે નીચું જોઈ રહી હતી, થોડીવારે બોલી " ગઈકાલે કહ્યું તેમ અમારો કેસ ચાલી રહ્યો છે. અને મેં તે ઘર, તેને છોડી દીધો છે. જોકે હજુ છૂટાછેડા નથી થયા."

મેં દુકાનમાં કામ કરતા છોકરાને બોલાવીને કહ્યું "આઈસ્ક્રીમ લઇ આવ." ને તેની તરફ જોઈને બોલ્યો "ખાશો ને??"

"હા."

"એટલે હવે તમે તમારા માં-બાપ સાથે રહો છો..."

"ના, બંને નથી, ભાઈ-ભાભી છે, પણ હું મારી મોટી બેન-બનેવીના ઘેર રહું છું."

"બાપના ઘરમાં, નહિ ને બેન સાથે? કેમ?"

"ભાઈ-ભાભીએ તો બારણું જ ખોલ્યું નહિ.. કહ્યું કે લગન થઇ ગયા, પત્યું...જીવવું હોય તો પણ અને મરવું હોય તો પણ ત્યાં જ મરજે, અમારે શાંતિથી જીવવા દે..નસીબ તારું, જા અહીં થી, કહીને ભાભી ધક્કો મારીને મને ઓટલા પરથી પણ નીચે ઉતારી ગઈ. ને કહી ગઈ કે અહીં આવતા શરમ ના આવી? રસ્તામાં કોઈ તળાવ-કુવા જોવાયા નહિ?"

બોલતા તેનો અવાજ તરડાયો, મને જાણે શું, કઈંક થવા લાગ્યું, મને સમજ પડી નહિ કે મને શું થતું હતું. જેની પાસે જવાનો કોઈ રસ્તો જ ના હોય, બધા બારણાં બંધ હોય તો તે શું કરે? માર ખાય.... ખાતી રહેવું પડે... અને જેમ કહે તેમ બોલવું પણ પડે... મારી તેના તરફની બધી જ કડવાશ ઓગળી ગઈ. અને તેની બહેન અને ખાસતો બનેવી માટે માન થયું... મેં બોલ્યો "પ્લીઝ, મને કશું ના કહો, મને કઈંક થાય છે." કહીને તેને પાણી આપ્યું. ને કહ્યું, "બોલો મારે શું કરવાનું છે?"

"કોર્ટનું કદાચ તમારા નામનું હાજર થવા માટેનું સમન્સ આવશે, ખાધા-ખોરાકી ન આપવી પડે કે ઓછું આપવું પડે તે માટે તેણે મને ચરિત્રહીન અને તમારી સાથે આડા સબંધ છે, એવું કોર્ટમાં લખાવ્યું છે, અને મહોલ્લાના ચાર જણે સાક્ષી પણ પુરાવી છે."

મને આઘાત લાગ્યો, જો તેનો પતિ હમણાં હાજર હોત તો... તેના મામલામાં મને વગર કારણે ઘસડવામાં આવ્યો હતો... મેં કહ્યું "તમે ચિંતા ના કરો, હું આવીશ અને તમારા પર જે આળ લગાડ્યું છે તે માટે હું મારી બનતી કોશિશ કરીશ."

"ના, ના, સમન્સ આવે તો પણ તમે આવશો નહિ, એ જ કહેવા માટે હું આવી છું."

"કેમ? હું નહિ આવું તેનો મતલબ શું કાઢવામાં આવશે તે જાણો છો? તેનો અર્થ એ થયો કે તમે કબૂલો છો, અને તે વાત તમારી વિરુદ્ધ પણ જઈ શકે છે."

"મારે કશું જોઈતું નથી, ભલે ગમે તે સાબિત થાય.. હું તેનાથી છૂટવા માંગુ છું. બસ, તમે હાજર ન થતા નહિ તો લાબું ખેંચાશે, હું તો , મને તો બદનામ કરી જ દીધી છે, પણ તમારા પર પણ કીચડ ઉછાળવામાં આવશે. પ્લીઝ, મારી આટલી વાત રાખજો."

"મને તમારા પતિના નાક પર પંચ મારવો છે, પણ કઈ વાંધો નહિ, બીજી કોઈવાર.. હું કોર્ટમાં નહિ આવું બસ?"

દુકાનમાં કસ્ટમર આવ્યા, મને ફોન આવ્યા, પણ તે બેઠી જ હતી, કેમ જતી નથી? જોકે તે ના જાય તો સારું... તે જોતા રહેવું ગમે તેવી હતી.

બધું કામ પતાવીને હું ફરી તેની પાસે આવ્યો. તે બોલી "મારે હજુ એક તકલીફ આપવાની છે, તમારે..."

"તમે ડરાવો નહિ, બ્લડ જોઈએ છે? એક બોટલ થી વધારે નહિ આપું...."

તે જોરથી હસી પડી, ને બોલી "ના એના પર તો તમારી વાઈફનો હક છે." અને પછી ગંભીર થઈને બોલી "મને કઈ કામ, નોકરી મળી શકે? તમારા કઈ ધ્યાનમાં હોય તો.... મને હવે બેનના ઘેરે તેમના પર બોજ બનીને રહેવું નથી, અને અલગ રહેવું છે."

"નોકરી એટલે? શું આવડે છે? કેટલું ભણ્યા છો?"

"બીએ પૂરું નથી કર્યું, કશું આવડતું નથી, ગમે તે કામ કરીશ, હું કોલેજમાં હતી ત્યારે છોકરાઓને ટ્યુશન આપતી હતી, તેમાં મને ખુબ મજા પડતી."

"મારો દોસ્ત કોચિંગ ક્લાસ ચલાવે છે, તેને મળજો, કદાચ તમને ગમતું કામ મળી જાય."

કહીને મેં મારા દોસ્તનો કાર્ડ આપ્યો. તે ખુશ થઈને બોલી " ખુબ આભાર, હું હમણાં જ તેમને મળતી જઈશ, અને તમારું નામ લઉં ને?"

"હા, પણ હમણાં ના જશો, તે જરા અલગ પ્રકારનો છે, હમણાં જશો તો તમને જોઈને જ જરૂર હશે તો પણ ના પાડી દેશે."

"એટલે? કશું ખોટું છે?" કહીને તે સામે મુકેલા મિરરમાં ઉભી થઈને પોતાને જોવા લાગી.

"ના, ના કશી ભૂલ નથી, પણ આ બધું કામમાં ન ચાલે, સાડી ઓકે પણ આ બંગડીઓ, પાયલ, ગજરો, આ છણ છણ અવાજ, વગેરે.. આ બધું ગૃહિણીને શોભે, કામકાજી મહિલાને નહિ.. તમે સમજો છોને?"

"હા, હું સમજી ગઈ, ભલે પછી મળવા જઈશ. અને કહીશ કે નચિકેતભાઈએ મોકલી છે. ફરીથી આભાર, જાઉં?"

"મારુ નામ નચિકેતા છે, જતા રહેશો કે મુકવા આવું?"

"ના, જતી રહીશ... ફોન કરીને કહીશ કે તમારા દોસ્તે શું જવાબ આપ્યો." કહીને હસીને બોલી ""સોરી, નચિકેતા બસ? હવે ભૂલ નહિ થાય." અને પછી એક એક અક્ષર છૂટો પાડીને બોલી "ન-ચી-કે-તા, આવું નામ હવે કોણ રાખે છે?"

"કાન્તા નામ પણ કોણ રાખે છે? જોકે તમારી ફોઈ દૂરંદેશી હોવી જોઈએ.."

"તમે ફોઈ હોતા તો શું રાખતા?"

"મણીબેન."

તે ખીલખીલાટ હસતી ચાલી ગઈ. ખીલખીલાટ અને ખુલીને હસી પડતી છોકરીઓ મને ખુબ ગમે..અને કાન્તા જેવી, કચડાયેલી, અપમાનિત કરવામાં આવેલી, કલંક લગાડવામાં આવેલી, પોતાના સગા ભાઈએ ધુત્કારીને રઝળતી, મરવા માટે છોડી દીધેલી ... અને છતાં પણ ખુલીને હસી શકવું?.. હિમ્મત જોઈએ..

રાતે ઘેર આવી ને માંને બધી વાત કરી. માં બોલી "હિમ્મતવાળી છે, બીજી હોતી તો સાચે જ કુવામાં પડી જતી. તેના સગ્ગા ભાઈ કરતા તો બેન-બનેવી સારા કહેવાય. તારા દોસ્તને કહેજે કે નોકરી એ રાખી લે, બચારી પગભર થશે."

"માં, તે ધંધો કરે છે, કમાવા બેઠો છે, કોઈ દાન-ધર્માદા કરવા કે બચારીઓને પાળવા નથી બેઠો, હું તેને કશું કહેવાનો નથી, તેના કામની હશે તો રાખશે, નહિ રાખે તો આપણને જાણમાં હશે તો બીજું કામ ચીંધીશુ, બસ."

"ભલે, તું નહિ માને.." થોડીવાર તે સુનમુન બેસી રહી, ને ધીરેથી બોલી "ગગા, તારી બહેન રડતી આવે તો તું શું કરે? બારણું ના ખોલે??"

માએ સવાલ પૂછીને મારુ દિમાગ ખરાબ કરી નાખ્યું, હું છેક અંદરથી હાલી ગયો, ક્યાંક મારી બહેન પણ??? તરત જ મેં બરોડા મારી બહેનને ફોન લગાવ્યો "શું કરે છે ચકુડી?"

"ઓહો, પહેલીવાર તારો સામેથી ફોન આવ્યો... બોલ બકા."

"બસ એમ જ.. કઈ તકલીફ તો નથી ને?"

"એટલે?"

"એટલે ઘરમાં બધું બરાબર છે ને? કઈ પ્રોબ્લેમ તો નથી ને?"

"તું શું બોલે છે, ને કેમ પૂછે છે? મને કઈ સમજાતું નથી."

"જરાય સહન કરવાનું નહિ, મજા આવે ત્યાં સુધી જ સાથે રહેવાનું, સમાજનું કે લોકોનું વિચારીને, કે ક્યાં જઈશ એવું વિચારીને મૂંઝાતી નહિ, હું બેઠો છું, અડધી રાતે આવી જજે, કોઈ તને એક સવાલ પણ નહિ પૂછે, જરાય મન મારીને રહીશ નહિ, સમજી કે નહિ?"

"તને શું થયું છે? તું શું બોલે છે? માંને ફોન આપ..."

મેં માંને ફોન આપ્યો, માં ફોનમાં બોલી "હું તને બધું કહું છું." કહીને ફોન લઈને બેડરૂમમાં જતી રહી. મારો બનેવી આમતો ખૂબ જ સારો છે, અને બહેન પણ ખુશ છે, પણ જો તે મારી બહેનને હાથ પણ લગાડે તો તેનું ખૂન કરતા મારુ રુવાંડુંયે ફરકે નહિ.

બીજે દિવસે અગિયારેક વાગ્યા હશે ને યોગેશ, મારો દોસ્ત કે જે કોચિંગ ક્લાસ ચલાવે છે, તેનો ફોન આવ્યો "આ છમ્મક છલ્લો કોણ છે? કહે છે કે તેં મોકલી છે."

"હા, તેને નોકરી જોઈએ છે."

"એટલે નોકરીએ રાખી લેવાની છે?"

"સમજ્યો નહિ..."

"અરે ભાઈ, તું કહે તો હું તેને કશું જ પૂછું નહિ કે ઇન્ટરવ્યુ લીધા વગર જ નોકરી આપી દઉં, તું ફક્ત બોલ..."

"ના, એવું કશું નથી, તારે જરૂર હોય ને તારા કામની હોય તો જ રાખજે. પણ ઓગણીસ-વિસ હોય તો ચલાવી લેજે ને રાખી લેજે."

"સમજી ગયો, ફેરવી ફેરવીને પણ કાન તો પકડ્યા જ.. મુકું છું, તે અંદર બેઠી છે. એના કરતા તું તારી દુકાને જ રાખી લેતો તો સારું ના રહેતું?"

"શુ સારું? એટલે?"

"મારી ક્લાસના તને રોજ ધક્કા ના ખાવા પડતા ને..." કહીને ફોન મૂકી દીધો.

હવે મને સારું લાગતું હતું. જ્યાં સુધી સ્ત્રીઓ આર્થિક રીતે પગભર નહિ થાય ત્યાં સુધી તેમનું શોષણ થતું જ રહેશે. ચાલો એક કામ તો સારું થયું. હવે કાન્તા બહેન-બનેવીની ઓશિયાળી નહિ રહે. થોડીજ વાર થઇ હશે ને કાન્તા નો ફોન આવ્યો, તે ખુશ-ખુશાલ હતી, "નોકરીએ રાખી લીધી છે, તમારો આભાર માનું એટલો ઓછો છે."

"મેં તો ફક્ત એડ્રેસ બતાવ્યું, બીજું કશું કર્યું નથી. કેટલો પગાર આપશે?"

"દસ દિવસ ટ્રેનિંગ આપશે ને જોશે પછી કહેશે."

"બસ, દિલથી કામ કરજો, તે ખૂબ જ ઉદાર, સાફ દિલનો અને સારો માણસ છે."

"મને વિશ્વાસ છે, તમારો દોસ્ત તમારા જેવો જ હશે ને..."

"હા, તેનું બોલવાનું થોડું રફ છે, પણ તમે ટેવાઈ જશો. મારી પાર્ટી બાકી છે."

અમે વોટ્સ એપ્પ પર મેસેજની આપ-લે કરતા. ઘણીવાર તે મને ફોન પણ કરતી, થોડી વાતો કરીને મૂકી દેતા. તે નોકરીએ લાગી પછી હું ક્લાસ પર ગયો જ નહોતો, આમ તો અવાર-નવાર બપોરે હું તેની ક્લાસ પર જતો હતો.

યોગેશનો ફોન આવ્યો "સાલા, મને તો એમ હતું કે હવે તારા ક્લાસના ચક્કર વધી જવાના, પણ તું તો પહેલા એક-બે દિવસે દેખાતો હતો, તે પણ બંધ થઇ ગયો."

"તું ધારે છે એવું કશું નથી, અને તમે રાઈનો પહાડ બનાવી દો છો, એટલે જ હું ક્લાસ પર પણ નથી આવતો."

"અમારો ડર રાખીશ તો તું કુંવારો જ મરી જઈશ... આવને ટોપા, તે તો તારા ખુબ વખાણ કરે છે."

"એમ? શું કહે છે?"

"ખુબ સારો છે, લાગણીશીલ છે, તારા જેવા બહુ ઓછા છે, એક જ મર્દ જોયો છે, વગેરે વગેરે... એવી તો શું મર્દાનગી બતાવી, મનેય કહે ને.. હું ય છોકરાઓને મર્દાનગી બતાવતા શીખવાડી શકું."

"મને જ ખબર નથી, તેને પૂછીને કહીશ."

"આજે બપોરે આવ, હું તેનું ટિફિન ઢોળી નાખીશ, એટલે તું તેને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જજે."

"ટિફિન ઢોળ્યાં વગર પણ અમે જઈ શકીએ છીએ, આમેય હું આવવાનો જ હતો, તેનું કામ છે ને વાત પણ કરવી છે."

"આવ, આવ, આ ફાસ્ટ જમાનો છે, ઘણો ઢીલો... અમને ડર છે કે પચાસ-સાઈંઠના હીરોની જેમ તું ઝાડ પકડીને ગીત ગાતો મરી ના જાય."

"અરે ભાઈ, તું ધારે છે એવું કશું જ નથી, હું તને બધી વાત કરીશ."

"અમનેય ખબર છે કે કશું જ નથી, એટલે જ તો કહીએ છીએ કે કશુંક કર.... સાલા, આપણા બધા દોસ્તો તેને જોઈ ગયા છે, અને બધાને તારે માટે તે ગમી છે."

બપોરે હું યોગેશની ક્લાસમાં ગયો. કાન્તા એક રૂમમાં છોકરાઓ સાથે બેઠી હતી, તેણે મને ગ્લાસમાંથી જોયો, તેના મોં પર હાસ્ય છવાયું ને મારી સામે હાથ હલાવ્યો. મેં પણ હાથ ઊંચો કર્યો, ને યોગેશની ચેમ્બરમાં ગયો, તે નહોતો, હું વળતો બહાર રિસેપશન માં આવ્યો, કાન્તા મારી પાછળ જ ઉભી હતી. તેના ચહેરા પર નિખાલસ સ્મિત હતું. મેં પૂછ્યું "યોગેશ નથી?"

"ના કશે કામથી ગયા છે, આવતા જ હશે, તમે તેમને મળવા આવ્યા છો?"

"ના, તમને...."

તેનું સ્મિત પહોળું થયું, બોલી "તમે બેસો, હું દસ જ મિનિટમાં ક્લાસ પતાવીને આવું છું."

"હા, હું અહીં જ છું, તમે તમારું કામ પતાવો." કહીને હું બેસી ગયો ને કાચમાંથી તેને જોતો રહ્યો. તે દુકાને આવી હતી તે કરતા આજે પંજાબી ડ્રેસમાં વધારે ખુબસુરત લગતી હતી. તે બંને હાથ હલાવી હલાવીને છોકરાઓને કઈ સમજાવી રહી હતી કે કહી રહી હતી. હું તેને જ જોઈ રહ્યો હતો, તે પણ થોડી થોડીવારે મારી તરફ સ્માઈલ કરતી હતી ને હાથથી "બસ, થોડી જ વાર.." નો ઈશારો કરતી હતી.

કાન્તા ક્લાસ પૂરો કરીને મારી સામે હસ્તી ઉભી રહી. હું ઉભો થયો, ને બોલ્યો "ચાલો ઓફિસમાં બેસીએ."

તે અચકાઈ, ને બોલી "સર નથી.. ને તેમની ઓફિસમાં મારાથી ન જવાય, અહીં જ બેસીએ..."

"ડરો નહિ, હું તમને લઇ જાઉં છું, તમે મને નથી લઇ જતા, તે તમને કશું નહિ કહે."

અમે બેઠા, પણ મને શું વાત કરવી તે સૂઝતું નહોતું. થોડીવારે તે જ બોલી "યોગેશસર તો કહેતા હતા કે તમે ક્લાસમાં લગભગ રોજ આવો જ છો, પણ મેં તો તમને આજે પહેલીવાર જોયા."

"તે તો જૂઠો છે, શા માટે રોજ આવું? કઈ કારણ તો હોવું જોઈએને... હા પહેલા રોજ આવતો હતો જયારે અહીં બે ખુબસુરત છોકરીઓ કામ કરતી હતી." અને હું હસીને ચીપી ચીપી ને બોલ્યો 'યોગેશસર...' વાહ ... તે ક્યારથી સર થઇ ગયો? આજ ધંધો કરવા જેવો છે, પૈસા પણ મળે અને બધા સર સર કહીને પણ બોલાવે. મારા નસીબમાં તો સર સાંભળવાનું તો છે જ નહિ પણ હું તો બીજા બધાને માન આપવામાંથી જ ઊંચો નથી આવતો..."

તે ખીલખીલાટ હસી પડી, "ઓકે, ચાલો હું તમને શરૂઆત કરી આપું, આજથી તમે મને માન આપવામાંથી ઊંચા આવી જાવ.. મને 'તમે' કહેશો નહિ, બસ?"

"સરસ, તું પણ મને તું જ કહેજે."

"ના, મને નહિ ફાવે, અમુક માણસો મારે માટે એવા છે કે જેમને હું તુંકારે બોલાવી જ ના શકું, તમે પણ એમાં ના એક છો." થોડીવારે તે બોલી "સોરી.હું તમને કહેતા જ ભૂલી ગઈ, જમવા ચાલો, મારુ ટિફિન ડાઇનિંગ હોલમાં છે."

"ના, એક ટિફિનમાં બે નું પેટ નહિ ભરાય, આપણે બહાર જઈએ."

"ના, ત્રણ વાગ્યે મારો ક્લાસ છે, ને અડધો કલાકમાં આપણાથી નહિ અવાય, ફરી ક્યારેક.. આજે તો ટિફિન જ ખાઈએ."

અમે ઉભા થયા, ને યોગેશ આવ્યો, આવતા જ બોલ્યો "તું ક્યારે આવ્યો? ને ક્યાં જાવ છો?"

"લંચ માટે જવાનો વિચાર હતો, પણ આ 'યોગેશ સર' થી ડરે છે એટલે આવતી નથી."

"જાવ, જાવ." અને કાન્તા તરફ ફરીને બોલ્યો "તારો ક્લાસ દિવ્યા લઇ લેશે, અને તું દિવ્યાનો ક્લાસ લઇ લેજે."

મેં કહ્યું "બસ? હવે તો 'યોગેશ સર' એ રજા આપી દીધી ને.. જઈએ?"

તે હસી ને બોલી "ચાલો, ક્યાં જઈશું?"

યોગેશે મને "તારી બાઈક અહીં રહેવા દે ને મારી ગાડી લઇ જા, ગરમી ખુબ છે." કહીને મારી તરફ ચાવી ફેંકી.

જમતા જમતા મેં પૂછ્યું " કામ સારું છે ને? ખુશ છેને?"

"હા, કામ મળ્યા પછી મને બહુ જ સારું લાગે છે."

"વરસ જેવું કેમ બગાડ્યું? કેમ કામ કર્યું નહિ? ઘરમાં ને ઘરમાં વધારે દિમાગ ખરાબ થાય."

"કોને કહેતી કે મને કામ, નોકરી શોધી આપો? બનેવીને કહ્યું હતું, પણ તેતો મને નોકરી કરાવવા માંગતા જ નથી, આ તો તમે મળ્યા ને તમને કહ્યું તો તમે નોકરી અપાવી. બનેવી તો હમણાં પણ ના પાડે છે, પણ હું જ માનતી નથી."

"મારુ તારા બનેવી પ્રત્યેનું માન વધતું જ જાય છે, ખરેખર બહુ ઓછા તેમના જેવા હોય છે. અને હા, ખાસ તો એ કહેવા આવ્યો હતો કે કોર્ટનું સમન્સ આવ્યું હતું, મેં સ્વીકારી તો લીધું પણ પછી બેલીફની સામે જ ફાડી નાખ્યું."

"સરસ તમે કોર્ટમાં આવશો નહિ, બસ, આ છૂટાછેડાનું પતે એટલે હું છુટ્ટી... પતી જાય એવું છે, પણ બેન-બનેવી...."

"શું બેન-બનેવી? જો તેઓ તારા માટે આટલું કર્યું અને કરે છે, તો તારી પણ ફરજ બને છે કે તેમની સલાહ મુજબ જ વર્તવું, તેઓ જે કઈ કરશે તે તારા સારા માટે જ કરશે ને???"

તે ઉભી થઈને હાથ ધોવા જતી રહી. તે મૂડ ઓફ થયેલી લાગતી હતી. મેં પણ થોડીવાર કશું બોલ્યો નહિ. પાછા ફરતી વખતે તે સામાન્ય થઇ ગઈ હતી. તે બોલી "તમારી મમ્મીની શું ખબર છે?"

"સાંજે તે દુકાને જ હોય છે, જાતે જ જોઈ જજે, કેટલા વાગ્યે છૂટે છે?"

"છ વાગ્યે."

"હું દુકાને જ હોઉં છું, ગમે ત્યારે મરજી પડે ત્યારે આવી જજે, રોજ પણ આવીશ તો મને વાંધો નથી. અને કઈ પણ કામ હોય તો કહેજે, એડવાન્સની જરૂર પડે તો પણ લઇ લેજે, યોગેશ આપશે.. ન આપે તો મને ફોન કરજે."

મેં તેને ક્લાસ પર ઉતારી, અને ગાડીની ચાવી પણ તેને જ આપી ને કહ્યું "હું ઉપર નથી આવતો, જાઉં છું. સાંજે દુકાને આવજે, આવીશને?" તેણે હસીને માથું હલાવ્યું, અને હું બાઈક લઈને જતો ના રહ્યો ત્યાં સુધી ઉભી રહી. મને તેની સાથે રહેવું, વાતો કરવી ગમતી હતી, કેમ? ખબર નથી...

ઘેરે આવ્યો તો માં બોલી "રવિવારે મારી સાથે આવજે, છોકરી જોવા જવાનું છે. મને તો પસંદ છે, અને બીજું બધું ઘર, વગેરે પણ સારું છે. તારી તો કોઈ પસંદ નથી, પણ જો છોકરીને તું ગમી ગયો તો પછી બીજું બધું નક્કી જ સમજ."

--------- બાકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED