મારી લાડકી Akash Gurjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી લાડકી

મારી લાડકી

આકાશ એમ. ગુર્જર

અશોકભાઈના ઘરે પોતાની દીકરી કાજલનાં લગ્નની તૈયારીઓ હરખ અને ઉલ્લાસ સાથે પુરા જોશથી ચાલી રહી હતી. અને હવે લગ્નને માત્ર ૨૫ દિવસ જ બાકી રહ્યા હતા. અને બીજી બાજુ બધી ખરીદીઓ પણ ચાલી રહી હતી.કાજલ એ અશોકભાઈની એકની એક દીકરી હતી. અશોકભાઈને બીજું કોઈ સંતાન નહોતું. તો અશોકભાઈ માટે તો કાજલ જ એમની લાડકી દીકરી હતી. અને કાજલની મમ્મી નીતાબેન પણ પોતાની દીકરી કાજલને ખુબ જ પ્રેમ કરતા હતા. આ રીતે અશોકભાઈનું નાનું કુટુંબ સુખી કુટુંબ હતું.

થોડીવાર પછી બારણાને ટકોરા મારતાં અશોકભાઈ ખુબજ થાકીને બજારમાંથી ઘરે આવે છે. અને ત્યાં નીતાબેન બારણું ખોલે છે. અને જોવે છે કે અશોકભાઈના હાથમાં કંકોત્રીમાંથી ભરેલી થેલી હોય છે. જે કાજલના લગ્નની કંકોત્રીઓ હોય છે. તો બીજી બાજુ કાજલ પોતાના પિતાને થાકેલા જોઈને રસોડામાંતી ઠંડુ પાણી લાવીને આપે છે. પછી અશોકભાઈ કાજલના માથા પર હાથ મુકીને એક વહાલથી સ્મિત કરે છે. થોડી વાર પછી કાજલ પણ એક કંકોત્રી પોતાના રૂમમાં લઈ જઈને વાંચે છે. કાજલ આખી કંકોત્રી વાંચીને પછી કવરમાં મુકતી જ હોય છે. ત્યાં જ એની નજર કંકોત્રીના પાછળના ભાગમાં પડે છે. તો એમાં અશોકભાઈ એ ખુબ જ સરસ સાદ છપરાવ્યો હોય છે.

||સાદ||

“કાળજાના કટકા જેવી લાડકીના દાન દઈશું,

હ્રદયના કટકાને કેમ કરીને વળાવશું?

સમજી અમર રિવાજ સૌ મનને મનાવશુ,

મનને કઠણ કરીને અમે દિકરી વળાવશું,

નથી સમજાતું કે અશ્રુ વહેતા દરીયા કેમ રોકીશું?

સાથ આપશો તો વસમું નહીં લાગે,

ખુશી એક જ વાતની કે શ્રેષ્ઠ સ્થાને એ જાય છે.

સાસરીયાને ઉજ્જવળ કરી દિપાવશે..”

મમ્મી – પપ્પા...

આટલું વાંચતા જ કાજલનાં આંખમાંથી કાજળ પણ વહીને અશ્રુ સાથે બહાર આવી જાય છે. ત્યાં જ અશોકભાઈ કાજલનાં રૂમમાં આવે છે. અને કાજલને રડતી જોઈને દીકરીને છાતી એ લગાવીને ખુબ જ ભાવુક થઈને રડી જાય છે. થોડી વાર પછી અશોકભાઈ કાજલના આંખના આંસુ લુછે છે. અને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવીને ત્યાંથી જતાં રહે છે. થોડીવાર પછી કાજલનો મોબાઈલ રણકે છે. કાજલ પોતાના મોબાઈલ તરફ જોવે છે. તો હમણાં જ પોતાના પિતા સાથે થયેલા એક સરસ લાગણીશીલ પળના સંવાદને પોતાના દિલમાં છુપાવી અને એક પ્રેમ ભરી સ્મિત સાથે કાર્તિકનો ફોન ઉપાડે છે. અને કાજલનો મીઠો સ્વરથી ‘હેલો’... શબ્દ સાંભળીને જ કાર્તિક મનમોહિત થઈ ગયો. અને રોમેન્ટિક મુડમાં આવીને એક સરસ શાયરી કહે છે.

“કોયલ જેવો મધુર કંઠ છે તમારો,

અને મોર જેવી સુંદર છે આંખો,

આ આંખનું કાજળ અશ્રુ સાથે વહી ન જાય,

નહી તો, આ પુનમનો ચાંદ પણ પડી જશે ઝાંખો,

કોઈ કહે છે, પુનમનાં ચાંદમાં પણ છે થોડો દાગ,

તો પણ આ દાગ સાથે સુંદર લાગે છે ચાંદ,

એટલે જ તો સૂકાં પત્તા સાથે પણ મહેકી ઊઠે છે ફુલોનો બાગ”..

પોતાનાં માટે આટલી અદભુત શબ્દોથી બનાવેલી શાયરીને સાંભળીને કાજલ પોતાના ફિયાન્સ (જેની સાથે સગાઈ થઈ હોય તે વ્યક્તિ) કાર્તિકને ખુબ જ ખુશ થઈ અને પ્રેમના રંગમાં રંગાઈ ને દિલથી આભાર માને છે. અને આમ બંને પ્રેમી પંખીડા પ્રેમ ભરેલી વાતો કરે છે. બંને એક બીજાને ખબ જ પ્રેમ કરતા હતા. અને આમ દિવસો વિતતા ગયા. હવે લગ્નના માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા હતા. ત્યારે કાજલના ઘરે તૈયારીઓ ખુબ જ ધુમધામથી ચાલી રહી હતી. ત્યાં જ સાંજનો સમય હતો અને અશોકભાઈ પોતાની ઘરની બાજુમાં રહેલા નાનાં ગલુડિયાં માટે દુધ અને રોટલી ખવરાવવા માટે જાય છે. ત્યાં જતા બધાં જ ગલુડિયાં અશોકભાઈને આવતા જોઈને એમનાં પગ પર વહાલથી ચડવા લાગ્યાં અને ભાઉ... ભાઉં... નો અવાજ કરીને પ્રેમથી આવકારવા લાગ્યા અને ત્યાં જ દિકરી કાજલ આવી. અને ગલુડિયાને વહાલથી રમાડવા લાગી. અને પછી અશોકભાઈ અને કાજલ બંને ચકલીઓ માટે પોતાના ઘરની બહારની છત પર લટકાવેલુ પાણીનું પાત્ર હતું. એમાં પાણી ભર્યું અને તરત જ ચકલીઓ ચી...ચી... નો અવાજ કરતી પાણી પીવા માટે આવી ગઈ. આવો અદભુત કુદરતી નજારો જોવા માટે કાજલ પોતાના પિતા સાથે હંમેશા આવી જતી. ગલુડિયા અને ચકલીઓને જોઈને કાજલને પોતાના જીવનનો યાદગાર મીઠો પણ મળી જતો.

થોડીવાર પછી જ્યારે અશોકભાઈ પોતાના ઘરમાં એકલા બેઠા હતા ત્યાર કાજલ એમની જોડે આવે છે. અને અશોકભાઈને કહે છે કે, ‘પપ્પા હવે મારા લગ્નના માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે. અને પછી તો હું આ ઘર છોડીને જતી રહીશ’. એટલે અશોકભાઈ પોતાની દિકરીના માથા પર હાથ ફેરવતા કહે છે કે, ‘બેટા વસમું અમને પણ લાગશે, કે મારી એકની એક લાડકી દિકરી અમને છોડીને જતી રહેશે. અને આ ઘર ખરી ગયેલા પાંદડાની જેમ એક સુકું વૃક્ષ બનીને રહી જશે’. ત્યારે કાજલ પોતાના પિતાનો હાથ પકડીને કહે છે કે, ‘પપ્પા, આવુ ના બોલો આ ઘરમાંથી હું ભલે જતી રહેવાની છું પરંતુ તમારા દિલમાં તો હું હંમેશા રહેવાની છું. પરંતું પપ્પા તમે મને એક વચન આપો કે જ્યારે મારી વિદાય થશે ત્યારે તમે બિલકુલ નહિ રડો. કેમ કે, જો તમે રડી ગયા, તો હું દિલથી ભાંગી જઈશ. અને હું નહિં છોડી શકું તમને’ ત્યારે અશોકભાઈ કહે છે કે, ‘બેટા, તુ કેવી વાત કરે છે. જ્યારે કોઈ દિકરી પોતાના મા-બાપને છોડીને બીજા ઘરે જતી હોય તો આ વિદાયના પ્રંસગમાં દિકરીનો બાપ કઈ રીતે રડ્યા વગર રહી શકે’. ત્યારે કાજલ પપ્પાને વચ્ચે રોકીને કહે છે કે, ‘પપ્પા પ્લીજ.. તમે રડતા નહિ નહિતો હું તમને છોડીને નહિ જઈ શકું તમે મને પ્રોમીસ કરો કે, તમે નહિ રડો’ ત્યારે અશોકભાઈ પોતાની દિકરીની ખુશી માટે દિલ પર પત્થર મુકીને પ્રોમીસ કરે છે કે, ‘હું નહી રડું અને તને હસતા મોઢે વિદાય કરીશ’ આટલું બોલીને તેઓ કાજલ સામે ફિક્કુ સ્મિત કરીને જતાં રહે છે.

આમ ચાર દિવસ તો વિતી જાય છે. અને છેલ્લે લગ્નનો પવિત્ર દિવસ આવી જાય છે. અશોકભાઈ અને નિતાબેન બન્ને પતિ-પત્ની એક નવું પરિણીત જોડું હોય તે રીતે તૈયાર થયેલા હતા. બંને ખુબ જ ખુશ હતા પોતાની દિકરીના લગ્નમાં અશોકભાઈએ પાણીની જેમ પૈસા વાપર્યા હતા. અશોકભાઈના ઘરે પહેલો અને છેલ્લો માંડવો રોપાણો હતો. કેમ કે, તેમની એકની એક લાડકી દિકરી હતી. હજુ સુધી જાન તો પ્રસ્થાન નહોતી થઈ એના પહેલા જ કાજલના મોંસાળમાંથી મામેરું આવી ગયું અને નીતાબેન પોતાના ભાઈના ઘરેથી આવેલા મામેરાને વધાવે છે. મામેરાને વધાવીને જ્યારે નીતાબેન પોતાના ભાઈને મળે છે. ત્યારે તેમના આંખમાંથી અશ્રુ વહી જાય છે. અને તેમના ભાઈ પણ ભાવુક થઈ રડી જાય છે. આ ભાઈ-બેન ના મિલન માં સુરજ નો પ્રકાશ પણ ઝાંખો પડી ગયો હોય એવું લાગતું હતું. અને બીજી બાજુ જાન પણ પ્રસ્થાન થઈ હતી, અને બેન્ડ બાજા ના સુંદર ગીતોના રણકાર સાથે કાર્તિક ઘોડી પર મહારાજાની જેમ તૈયાર થઈને બેઠો હતો આંખુ દ્રશ્ય જોતા જાણે એક સુંદર પ્રસંગ શોભી રહ્યો હતો. તો બીજી બાજું અમુક લોકો જમવા જાય છે. તો અશોકભાઈ બધાને આવકાર સાથે પુછતા હતા જમવાનું બધુ બરાબર છે ને. ત્યારે બધાએ ખુબ વખાણ કર્યા. હવે ધીરે ધીરે લગ્નના મુર્હતનો સમય આવી જાય છે. અને કાર્તિક તો માંડવામાં બેઠેલો જ હતો. જ્યારે કાજલ પોતાના મામા સાથે પોતાના ઘરમાંથી આવે છે. કાજલ એક ખીલેલા ફુલની જેમ દુલ્હનના વસ્ત્રોમાં ખુબજ સુંદર લાગતી હતી. જયારે કાજલ માંડવામાં આવીને કાર્તિક સામે મીઠું સ્મિત કરે છે. ત્યારે કાર્તિકના દિલ સાથે કાજલનું દિલ મળી જાય છે. અને કાર્તિકના મોઢો પર આપોઆપ સ્મિત આવી જાય છે. આ રીતે બંને પ્રેમી પંખીડા ખુલ્લા ગગનમાં આઝાદ ઉડી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. થોડી વાર પછી બધી વિધી પતી જાય છે. અને ‘બંને સપ્તપદીના સાથ વંચનો સાથે લગ્નના પ્રેમ ભર્યા સંબંધોમાં બંધાય છે’. હવે માત્ર વિદાય બાકી હતી..

સાંજનો સમય હતો અને દિકરી કાજલ પોતાની પિતરાઈ બહેનો સાથે ઘરમાંથી બહાર આવે છે. મંડપમાં તો જાણે પવન જ રોકાઈ ગયો હોય એ રીતે એક દમ શાંત વાતાવરણ હતું, જ્યારે અશોકભાઈ પોતાનું મોઢું નીચું રાખીને બેઠા હતા. અને આજે તો ગલુડિયા અને ચકલીઓ પણ શાંત બેઠા હતા. તો બીજી બાજું કાજલ પોતાની મમ્મીને પગે પડે છે. અને મમ્મી તેને મળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. કાજલના આંખમાંનું કાજળ પણ અશ્રુ સાથે વહી જાય છે. ‘ખુશીઓના માહોલથી બનેલો આખો પ્રસંગ વિદાયની સામે ઝુકી જાચ છે’. અને આ શાંત માહોલમાં વિદાય વધારે દુખદ થઈ જાય છે. જ્યારે દિકરી કાજલ પોતાના પિતાને પગે પડે છે. ત્યારે અશોકભાઈ ખુરશીમાંથી ઉભા થઈ જાય છે. અને કાજલને આશીર્વાદ આપીને મળે છે. ત્યારે કાજલ પોતાના પિતાની છાતી પર માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પણ તેના પપ્પા રડતા નથી. અને દિકરી એ આપેલા વચન આગળ જુકી જાય છે. અશોકભાઈનું રુદન એમના ગળા સુધી પહોંચી જાય છે, એમના આંખમાંથી પાણી આવી જાય છે, છતાં પણ તેમનું રુદન રોકી રાખે છે. જ્યારે કાજલ અશોકભાઈને જોવે છે ત્યારે વધારે રડે છે. કાજલ બધાને મળીને જવા માટે નીકળતી જ હોય છે ત્યાં જ અશોકભાઈ પોતાનું રડવું રોકી શકતા નથી. અને પોતાની દિકરીને મળવા માટે દોડ મુકે છે. અને કાજલને પોતાની છાતી સાથે લગાવીને ખુબ જ રડે છે. દિકરી કાજલ પણ પોતાના પપ્પા ના છાતી પર માથું રાખીને રડવા લાગી. અને આ પિતા પુત્રીના પ્રેમ આગળ કોઈ વચનનું મુલ્ય રહેતું નથી. પછી અશોકભાઈ પોતાના હાથથી કાજલના આશું લુછીને હસ્તા મોઢે વિદાય અર્પે છે.

વળના છેડે....

“મોટી છે પ્રિત પિતા ની કે પતિની,

હે ઈશ તુ મને કહી દે,

રિશ્તોના સમંદર મા,

ગહરાઈ છે વિદાયની.....”.

*****