સરપ્રાઈઝ Akash Gurjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

આકાશ એમ. ગુર્જર

શિયાળાની ઋતુ હતી. અને કડકડતી ઠંડી પડતી હતી, ત્યાં પ્રિતેશ પોતાની ઘરની બહાર સરસ એવા સવારના કોમળ તડકામાં છાપું વાંચી રહ્યો હતો. પ્રિતેશ પોતાની પત્ની અને માતા પિતા સાથે ગાંધીનગરમાં રહેતો હતો. અને પ્રિતેશ એક વકીલ હતો.

પ્રિતેશ થોડી વાર પછી છાપું વાંચીને ઘરમાં આવે છે. અને પ્રેમથી એમની પત્નીને એક સ્મિત સાથે કહે છે કે “મેડમ, શું આ વકીલને આજે ગરમાગરમ ચા અને નાસ્તો મળી શકે છે.પછી રસોડામાંથી અવાજ આવે છે,” હા, મળશે જ ને આટલું બોલીને પ્રિતેશની પત્ની ચા અને નાસ્તો લઈને આવે છે. પછી બંને પતિ-પત્નિ ચા-નાસ્તો કરે છે અને થોડીવાર પછી પ્રિતેશ પોતાની પત્નિનો હાથ પકડીને કહે છે કે “થેંક્યુ, તુ મારી જીંદગીમાં આવી, અને મને તારા જેવી પ્રેમ કરવાવાળી એક સારી પત્ની મળી, તું મારું કેટલુ ધ્યાન રાખે છે”. પછી એમની પત્ની કહે છે” થેંક્યુ, કે મને પણ તમારા જેવા એક સારા પતિ મળ્યા, તમે પણ મારી ખુશી માટે કેટલું બધુ કરો છો”. આટલુ બોલીને બંને એક સ્મિત સાથે શરમાઈ જાય છે. પછી પ્રિતેશની પત્ની રસોડામાં જઈને બધું કામ કરવા લાગે છે. અને પ્રિતેશ પોતાનું લેપટોપ ખોલીને કંઈક કામ કરવા લાગે છે.

થોડીવાર પછી પ્રિતેશ લેપટોપમાં પોતાના જુનાં ફોટા જોતો હોય છે. ત્યાં જ એક એના ખાસ મિત્ર નિરવનો ફોટો આવે છે. નિરવનો ફોટો દેખીને પ્રિતેશ પોતાના ભૂતકાળમાં સરી પડે છે.

નિરવ અને પ્રિતેશ બંને નાનપણથી જ પાક્કા મિત્રો હતા, બંને એક જ ગામના અને એમાં પણ એક જ સમાજના હતા. બંને વચ્ચે ગાઢમૈત્રી હતી. નિરવ તેનાં કાકા અને કાકી જોડે જ રહેતો હતો કેમ કે એના માતા-પિતા જ્યારે એ નાનો હતો ત્યારે જ કોઈક બિમારીના કારણે ગુજરી ગયા હતા. એટલે તે પોતાના કાકા-કાકી સાથે જ રહેતો હતો. પરંતુ નિરવ માટે તો એના મિત્ર પ્રિતેશ જ ખાસ હતો. બંને મિત્રો હંમેશા એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા એટલી પાક્કી મૈત્રી હતી.

એક દિવસ એમના સમાજનાં સમુહલગ્ન હતાં એટલે પ્રિતેશ અને નિરવ બંને પણ ત્યાં ગયેલા હતાં. બંને મિત્રો સમુહલગ્નમાં થોડી વાર ફરે છે. અને પછી જમવા માટે જાય છે. ત્યારે ત્યાં આગળ ખૂબ જ ભીડ હતી. લોકો જમવા માટે પડાપડી કરતા હતા, તો પણ બંને મિત્રો વચ્ચે ઘુસી ને જમવાનું લાવે છે. ત્યાં અચાનક પ્રિતેશ પોતાની જમવાની ડીશ લઈને ફરે છે. અને બાજુમાંથી પસાર થતી એક છોકરી સાથે અથડાઈ છે. એટલે પ્રિતેશની બધી દાળ પેલી છોકરીના ડ્રેસ પર ઢોળાય જાય છે. અને પેલી છોકરી તો જાણે ગુસ્સાથી લાલચોળ થયેલી હતી, અને પ્રિતેશ પર ત્રાટકી ઊઠે, કે ખબર નથી પડતી કંઈ તમને, જોઈને ચાલોને... મારો આખો ડ્રેસ ખરાબ કરી દીધો, પ્રિતેશને તો કંઈ સંભળાતુ જ ના હોય અને એ પેલી છોકરી સામે દેખતો જ રહ્યો, એ છોકરીતો ગુસ્સામાં લાલચોળ જ હતી પરંતુ પ્રિતેશ તો જાણે આ છોકરીનો રૂપ અને એની આંખોમાં ડુબી જ ગયો. ત્યાં પાછળથી નિરવ આવીને પ્રિતેશને પુછે કે શું થયું યાર, ત્યારે પ્રિતેશ કહે કંઈ નઈ.., બસ એક નાનો અકસ્માત થઈ ગયો. આટલું બોલીને પ્રિતેશ હસવા લાગે છે, ત્યારે પેલી છોકરી તો વધારે ગુસ્સે થઈને ત્યાંથી જતી રહી. પછી બંને મિત્રો હસવા લાગ્યો.

આ રીતે બંને મિત્રો ઘણી વાર સાથે મજાક મસ્તી કરતા, એક દિવસ નિરવ પોતાના મિત્ર પ્રિતેશને કહે કે યાર, આપડે આ રીતે મજાક મસ્તી કરીએ છીએ પણ કદાચ એક વાર આપડે બંનેને આ મજાકો બહુ ભારે પડશે, આપડે બંનેને રડાવશે એક દિવસ આ મસ્તી, ત્યારે પ્રિતેશ બોલે છે. ચાલ ચાલ, હવે આયો મોટો મને શીખવાડવા વાળો, પછી બંને ફરીથી હસવા લાગે છે. આ રીતે બંને પોતાની મસ્ત જીંદગી જીવતા હવાઓની લહેરો સાથે.. અમુક સમય પછી બંને કોલેજ કરવા માટે શહેરમા જાય છે.

પ્રિતેશ પોતાના વકીલના અભ્યાસ માટે ગાંધીનગર એડમિશન કરાવી લે છે. જ્યારે નિરવ અમદાવાદમાં એડમિશન લઈ લે છે કોલેજ કરવા માટે,

પ્રિતેશ પોતાના વકીલના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે નિરવ પણ પોતાના કોલેજની લાઈફમાં વ્યસ્ત થઈ ગયો. નિરવ એક દિવસ પોતાના ક્લાસમાંથી બહાર આવતો હતો ત્યારે એની નજર બાજુના ક્લાસમાં પડી, એક છોકરી પોતાની બહેનપણી સાથે ક્લાસમાં નાસ્તો કરી રહી હતી, નિરવને આ છોકરી બરાબર દેખાઈ નહિ કેમ કે એ પડખું ફેરવીને બેઠી હતી અને નિરવને તો પાછી મજાક કરવાની પણ ટેવ, એટલે નિરવ ધીરે ધીરે ક્લાસમાં સંતાઈને ગયો અને બેન્ચીસ નીચે સંતાઈને એણે ધીરેથી પોતાના બેગમાંથી નકલી ગરોળી કાઢી અને જ્યાં આગળ પેલી બંને છોકરીઓ જમતી હતી ત્યાં આગળ બે ગરોળીઓ મુકી દીધી. અચાનક એક છોકરીની નજર આ ગરોળી પર પડી કે એ જોરથી બુમો પાડવા લાગી અવની, તારા હાથ પાસે જો ગરોળી છે. અવની એ જ્યારે જોયું ત્યારે અવની જોરથી બુમો પાડીને ઊઠળવા લાગી બાપરે ..ઈઈઈ..ઈ.. ત્યાં જ નિરવ જોરજોરથી હસવા લાગ્યો. આ બધુ જોઈને અવની એ પાછળ ફરીને જોયું તો એ કહે તું પેલો જ છે ને સમુહલગ્નમાં તારા મિત્ર એ મારા પર દાળ ઢોળી હતી ત્યારે નિરવ પણ અવનીને જોઈને આશ્વર્યથી જોવા જ લાગ્યો કે, અરે તુ પણ એ જ છે. પછી અવની ખુબ જ ગુસ્સે થઈ જાય છે. અને બોલે છે કે, તારા મા બાપ એ તને કંઈ સંસ્કાર જેવું કંઈ આપ્યુ છે કે નહિ. કે, ખાલી આટલા વર્ષ સુધી તને ધક્કો મારીને આગળ જ મોકલ્યો છે. આટલું બોલીને જ્યારે અવની નિરવ સામે જુએ છે તો નિરવના આંખમાં આંસુ આવી જાય છે. અને નિરવ ત્યાંથી કંઈ જ બોલ્યા વગર મોઢું નીચુ રાખીને જતો રહે છે. અને પોતાના ક્લાસમાં જઈને છેલ્લી બેંચ પર બેસીને ખુબ જ રડે છે. અને પોતાનું પર્સ કાઢીને એમાંથી પોતાના માતા-પિતાનો ફોટાને દેખીને ખુબ જ રડે છે. આ બધુ દ્રશ્ય જ્યારે અવની બહાર ઊભી ઊભી દેખતી હોય છે. ત્યારે એ પણ નર્વસ થઈ જાય છે. અને એને ખબર પડે છે કે નિરવનાં માતા-પિતા ગુજરી ગયા હોય છે. ત્યારે એને ખુબ જ દુખ થાય છે કે એણે નિરવને ખુબ જ ખોટું કહ્યું હતું. પછી નિરવ બીજા દિવસેથી કોલેજમાં આવતો અને એકલો એકલો એક જગ્યાએ બેસી રહેતો. અને જો સામે અવની આવતી હોય તો એ ત્યાંથી ભાગી જતો અને બીજી કોઈ જગ્યાએ જતો રહે તો. અને આવું ઘણી વાર થતું એટલે અવનીએ એક દિવસ નિરવને રોક્યો અને એની સામે માફી માંગી, ત્યારે નિરવ એક મસ્ત શાયરીની જેમ વાત કહે છે, કે

“ આંસુ ભરેલી આંખથી...

જોવું છુ તને એક માનથી,

જેને બદલી ના શક્યું કોઈ આજ સુધી

એને બદલી નાખ્યો તે એક વાતથી.

અને હવે જોવું છું તને પ્રેમભર્યા સન્માનથી... “

આટલું બોલીને નિરવ એક મીઠી સ્મિત આપીને જતો રહે છે. પછી તો અવની પણ શરમાઈને એક સ્મિત સાથે મંદ મંદ હસવા લાગે છે. અને પછી તો બીજા દિવસથી નિરવ અને અવની ઘણી વાર કોલેજમાં મળતાં, સાથે ફરતા, એક બીજાની મદદ કરતા, આરીતે કરતા કરતા બંને વચ્ચે મૈત્રી થઈ ગઈ અને આ મૈત્રી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ કંઈ ખબર જ ના પડી, એક દિવસ અવની અને નિરવ બંને રવિવારનો દિવસ હતો એટલે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટે ગયેલા હતા ત્યારે બંને એક સરસ બગીચામાં બેઠા હતા અને મસ્ત ઠંડો ઠંડો પવન કંઈક ખુશીનું આમંત્રણ લઈને આવતો હોય એમ વહેતો હતો ત્યારે નિરવ, અવનીનો હાથ પકડીને, કહે છે કે, અવની આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો શું હું તારી જોડે લગ્ન કરી શકું છું. અને એમાં પણ આપણે બંને તો એક જ સમાજના છીએ એટલે કોઈને કંઈ જ વાંધો નહી આવે. ત્યારે અવની સરસ એવા શરમથી લાલચોળ થઈને સ્મિત આપીને કહે જી હા, જરૂર કરીશુ આપડે લગ્ન પછી અવની અને નિરવ બંને એકબીજાનો હાથ પકડીને મંદ મંદ હસવા લાગે છે.

બીજી બાજુ નિરવના મિત્ર પ્રિતેશને તો આ કંઈ ખબર જ નહતી. પરંતુ નિરવ પણ હવે થોડા દિવસ પછી પોતાના ગામડે જવાનો હતો એટલે એણે વિચાર્યુ કે હુ મારી આખી પ્રેમ કથા મારા મિત્ર પ્રિતેશને કહીને એને સરપ્રાઈઝ આપીશ. એટલે એ બધુ ગામડે જઈને પ્રિતેશને સરપ્રાઈઝ આપવાનો હતો તો બીજી બાજુ પ્રિતેશ પણ પોતાના મિત્ર નિરવને એક સરપ્રાઈઝ આપવાનો હતો. અને એ સરપ્રાઈઝ એ હતી કે પ્રિતેશને જોવા માટે છોકરીના પિતા આપ્યા હતા. અને પ્રિતેશ પણ એક સરપ્રાઈઝ આપવાનો હતો નિરવને.

થોડા દિવસ પછી પ્રિતેશ તો પોતાના ગામડે પહોંચી ગયો અને નિરવ પણ રસ્તામાં જ હતો, અને અચાનક વચ્ચે બસ બગડી ગઈ તો ઊભી રહી અને હવે બસ ૧૦ કિલોમિટર જ બાકી હતું ત્યાં નિરવ બેઠો હતો અને ત્યાં તેનો મિત્ર પ્રિતેશ બાઈક લઈને આવતો હોય છે. અને તે નિરવને વચ્ચે જોઈ જાય છે. તો બાઈક ઊભું રાખે છે અને બંને મિત્રો હરખ અને ઉલ્લાસ સાથે એકબીજાને ભેટી પડે છે. અને ખુશીથી રડી પડે છે. બંને બહુ દિવસો પછી મળ્યા હોય એટલે ખુબ જ ખુશ હોય છે.

પછી પ્રિતેશ કહે છે કે ચાલ, તારી બસ બગડી ગઈ છે તો વાંધો નહી હું આવી ગયો છું ને ચાલ, બેસી જા બાઈક પર ત્યારે નિરવ કહે કે ના યાર, તુ મને બાઈક ચલાવવા આપને બહુ દિવસ થયા બાઈક ચલાવ્યું નથી. પ્રિતેશ પ્રેમથી કહે છે કે, ના, તું થાકેલો છે એટલે તારે બાઈક નથી ચલાવવું તું સાંતિથી બેસી પાછળ, આરામ કર. તો નિરવ જીદ પકડે છે કે, પ્લીઝ, પ્લીઝ યાર... ચલાવવા દે ને. ત્યારે પ્રિતેશ નિરવની જીદ આગળ જુકી જાય છે. અને કહે કે, ચાલ તુ ચલાવ બસ. હવે ખુશ ને.. પછી નિરવ બાઈક ચલાવે છે અને પ્રિતેશ પાછલ બેસે છે. પછી નિરવ બાઈક ચલાવતા ચલાવતા કહે છે કે, પ્રિતેશ મારું સરપ્રાઈઝ હવે તને કહું છુ, સાંભળ. તો પ્રિતેશ કહે અત્યારે નહી યાર, ઘરે જઈને શાંતિથી વાત કરીએ, અત્યારે તું શાંતિથી બાઈક ચલાવ, તો પણ નિરવને રહેવાતું નથી એટલે એ બધી વાત પ્રિતેશને કહી દે છે. પરંતુ છોકરીનું નામ સરપ્રાઈઝ રાખે છે. અને છોકરી કોણ છે. એ પણ સરપ્રાઈઝ રાખે છે. અને પ્રિતેશ નિરવની પ્રેમકથા સાંભળીને બોલ્યો વાહ મારા મજનું, તારી પ્રેમકથા તો જોરદાર છે. પરંતુ તારી લૈલાનું નામ તો બોલ, અને એ છે કોણ? પરંતુ નિરવ બોલ્યો એ બધુ હું તને ઘરે જઈને કહીશ, સરપ્રાઈઝ છે. આટલું બોલીને નિરવ હસવા લાગ્યો, પછી પ્રિતેશ પણ પોતાની સરપ્રાઈઝ વાત નિરવને કહ્યું કે મને એક છોકરીના પાપા જોવા આવ્યા હતા અને મને એમની છોકરીનો ફોટો પણ બતાવ્યો, તો મને તો આ છોકરી ખુબ જ ગમી ગઈ, અને એમ છોકરીના પપ્પાને પણ મારો સ્વભાવ અને હું બંને એમની છોકરી માટે ગમી ગયા. બસ હવે એમની છોકરી ગામડે આવશે એટલે એના પપ્પા એમની છોકરી પ્મરો ફોટો બતાવીને વાત કરશે. પછી ભગવાન જે કરે એ સારું પરંતુ હા, આ છોકરીનું નામ શું છે. અને એ કોણ છે? એ તારા માટે પણ સરપ્રાઈઝ છે. એ પણ હું તને ઘરે જઈને જ કહીશ. પછી પ્રિતેશ પણ હસવા લાગે છે. હવે ગામડે પહોંચવાના બસ ૨ કિલોમિટરજ બાકી હતા ત્યાં નિરવતો બાઈક ચલાવતો ચલાવતો અવનીને યાદ કરવા લાગ્યો અને મસ્ત હવાની લહેરો સાથે મંદ મંદ હસવા લાગ્યો ત્યાં અચાનક સામેથી મોટો ટ્રક સામેથી આવતો હોય છે. અને નિરવ પોતાના બાઈકનું બેલેન્સ નથી રાખી શકતો અને એ ટ્રક સાથે બાઈક લઈને અથડાઈ જાય છે. ત્યારે પ્રિતેશતો બાઈક પરથી ફેંકાઈને દુર જઈને પડે છે. અને નિરવના બંને પગ પર ટ્રક ફરી વળે છે. અને પછી ટ્રક ડ્રાઈવર બંને મિત્રો ને હોસ્પિટલમાં પહોંચાડે છે. ત્યારે પ્રિતેશને તો ખાસ કંઈ વાગ્યો નહતું. એટલે એ તો જલ્દી થી મલમ પટ્ટી કરાવીને ઊભો થઈ જાય છે. અને એ ખબર પડતાં એ તરત નિરવ પાસે જાય છે. નિરવને તો ઓપરેશન ચાલતું હતું અને પ્રિતેશ ત્યાં બહાર ઊભો ઊભો રડતો હતો પ્રિતેશ પોતાની જાત ને દોષ આપતો હતો. કે એણે નિરવને બાઈક ચલાવવા નહોતુ આપવાનું અને એ એના મિત્રને જોઈને રડવા લાગે છે. અને પછી પ્રિતેશ નિરવનો મોબાઈલ જોવે છે. તો એના મોબાઈલની સ્ક્રીન પર નિરવ અને અવનીનો ફોટો હોય છે. અવનીનો ફોટો જોઈને પ્રિતેશ આશ્વર્યથી દેખતો જ રહી જાય છે. કેમ કે જે છોકરીના પપ્પા પ્રિતેશ માટે સગુ લઈને આવ્યા હતા. એ છોકરી પણ અવની જ હતી. થોડી વાર પછી નિરવના કાકા કાકી અને અવનીને ખબર પડતાં બધાં હોસ્પિટલમાં પહોંચી જાય છે. આખા હોસ્પિટલમાં વાતાવરણ શોકાતુર થઈ ગયું હતું. થોડી વાર પછી ડોક્ટર બહાર આવીને કહે છે કે નિરવને હોશ આવ્યો છે. પરંતુ એની પાસે ટાઈમ ખુબ જ ઓછો છે. ત્યારે પ્રિતેશ બધા થી પહેલા દોડીને નિરવ પાસે જાય છે. અને નિરવને જોઈને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. પછી એ નિરવનો હાથ પકડીને નિરાશાથી બેસી જાય છે. પછી નિરવ કહે છે પ્રિતેશ, તુ રડીશ નહી પ્લીઝ... તુ જો... હું તને સરપ્રાઈઝ આપવાનો હતો ને તે આ અવની જ છે. અવની તરફ આંગળી કરતા નિરવે કહ્યું. પ્રિતેશે પણ રડતાં મોઢે કહ્યું કે, હું પણ તને જે સરપ્રાઈઝ આપવાનો હતો તે પણ આ અવની જ છે. પછી પ્રિતેશ, નિરવના છાતી પર માથું નાખી રડવા લાગે છે. ત્યારે નિરવની આંખમાં પણ આંસુ આવી જાય છે. અને અવની ને આ બધી વાત ખબર પડતાં એ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે નિરવ અવનીનો હાથ પકડીને પ્રિતેશના હાથમાં આપે છે. અને કહે છે કે અવની, આ મારો મિત્ર પ્રિતેશ તને ખુબ જ ખુશ રાખશે. અને એમ પણ મારી જીંદગી તો પુરી થઈ ગઈ છે. તો હવે તારી જીંદગી આજથી મારો મિત્ર પ્રિતેશ જ સાચવશે. આટલું બોલીને નિરવ પોતાની આંખો મીંચે છે... ત્યાં જ અવની પાછળથી પ્રિતેશને હાથ લગાવીને બોલાવે છે. અને પ્રિતેશ ભુતકાળમાંથી જાગી જાય છે. અને અવનીનો હાથ પકડીને પોતાના મિત્રને યાદ કરીને પ્રિતેશ રડવા લાગે છે.

“આમ, સપ્તપદીના સાત વચનો સાથે બંધાયેલો પ્રિતેશ તેની જવાબદારી સારી રીતે નિભાવે છે.”