સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 6 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૬

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૬ : અલખ મન્મથ અને લખ સપ્તપદી

‘Fool, not to know that Love endures no tie, And jove but laughs at Lover’s perjury !’

-Dryden

‘Let me not to the marriage of true minds Admit impediments.’

-Shakespeare

વિષ્ણુદાસના મઠની અર્ધા કોશને છેટે વિવાહિત સાધુઓનો મઠ હતો. તે ગૃહસ્થમઠ કહેવાતો. તેની પાછળ તેટલે જ છેટે પરિવ્રાજિકામઠ હતો તેમાં અવિવાહિત અને વિધવા સાધુ સ્ત્રીઓ રહેતી. પરિવ્રાજિકામઠની રચના વિષણુદાસબાવાના મઠ જેવી હતી. ગૃહસ્થમઠ પણ ઘણી વાતમાં તેવો જ હતો. તેમાં ફેર માત્ર એટલો હતો કે તેને એક માળ હતો અને તે ઉપર નાના ખંડ ત્યાં વસનાર દેપતીઓને માટે હતા, અને દરેક ખંડની પાછળ નાનો સરખો અગાસીનો કટકો સૌ સૌનો નિરાળો હતો. આ મઠ ‘વિહાર’ નામથી પણ ઓળખાતો. ત્રણે મઠ વચ્ચે પર્વતની લીલોતરી અને શિલાઓ હતી; અને સાધુઓએ તેમાં ધ્યાનયોગ્ય, તપયોગ્ય, અને વિહારયોગ્ય કુંજવન કરેલાં હતાં, અને પર્વત ઉપર ઊડનારાં પક્ષીઓ તેમાં ટોળાબંધ આવજા કરતાં.

ભક્તિમૈયા વગેરેનો સાથ કુમુદસુંદરીને લેઈ ખરે મધ્યાહ્ને પરિવ્રાજિકામઠના દ્વાર આગળ આવ્યો. શ્રમથી અને ભૂખથી કુમુદસુંદરીનું શરીર ગ્રીષ્મના કુમુદ પેઠે મ્લાન થઈ ગયું હતું, પણ નવી સૃષ્ટિના દર્શનથી સતેજ થવા કોમળ પ્રયત્નનો ઉત્સાહ અનુભવતું હતું માર્ગમાં જ ત્રણે મઠોની સ્થિતિ અને અલખનું રસરહસ્ય એણે સાધ્વીઓ પાસેથી જાણી લીધાં હતાં અને નવીનચંદ્રનો ઈતિહાસ પણ પ્રસંગે પ્રસંગે પૂછી લીધો હતો. એના મનના મર્મ જાણનારી ચતુર વત્સલ સ્ત્રીઓને એની તૃષાને સર્વાંગે તૃપ્ત કરી હતી અને એની નિરાશાના ઉદરમાં આશાનો ગર્ભ પ્રકટાવ્યો હતો.

મઠના મધ્યભાગે વિશાળ ચોક હતો અને તેની વચ્ચોવચ એક ઓટલો અને ઓટલા ઉપર એક મોટો તુલસીક્યારો અને પીપળો હતા. તુલસીક્યારાને અઠીંગી પીપળાની છાયામાં કુમુદને બેસાડી અને આસપાસ પરિવ્રાજિકાઓ વીંટાઈ વળી અને અનેક સુંદર પ્રશ્નોત્તરની પરંપરાથી થોડોક કાળ તો અજ્ઞાત જ ચાલ્યો ગયો. અંતે એક ઓસરીમાં સર્વ ભોજન કરવા બેઠા. તે પછી સર્વની છૂટીછૂટી ટોળીઓ પડી ગઈ ; અને કોઈ ટોળીમાં જ્ઞાનની, તો કોઈમાં રસની, અને કોઈમાં રસની તો કોઈમાં વ્યવહારની વાર્તાઓ ચાલી રહી. કોઈ ટોળીમાં અધ્યાત્મ રામાયણ વંચાવા લાગ્યું, તો કોઈમાં તુલસીના ચમત્કાર પ્રકટવા લાગ્યા. એક સ્ત્રી પૂર્વાવસ્થામાં દક્ષિણી હતી, તે ‘તુકા’ ના અભંગ ગાતી હતી અને બેચાર જણીને મરાઠી-ગુજરાતીમાં છટાથી અને રસથી સમજાવી હતી. બે ત્રણ ટોળીઓમાં ભજન ગવાતાં હતાં અને સાથે તંબૂરા સાજક અને એકતારાના સ્વરનો સંવાદ થતો હતો.

આ પ્રમાણે રમણીય પવિત્ર કાળવિનોદ કરતાં ઉત્તર મધ્યાહ્ન ચાલ્યો ગયો. કુમુદે કંઈક નિદ્રા પણ લઈ લીધી, અને જાગૃત થતાં પર્વતની ઉત્સાહિની પવનલહરીથી ચારેપાસના સમાજ સાથે ભળી જવા ઉમંગથી પ્રયત્ન કરવા લાગી. તેના મનની સુધરતી દશા જોઈ સાધ્વીઓને પણ આનંદ થતો ગયો, અને સંધ્યાકાળે આકાશમાં ચંદ્રોદય થયો. તેની સાથે સ્ત્રીવનમાં કુમુદિની જેવી કુમુદ પણ ઉત્ફુલ્લ થઈ ભાસી. મઠની ઓસરીમાંથી એક બારી પર્વતના એક ઊંડા અતટ ભાગ ઉપર પડતી હતી, તેને જાણીવાળું બહાર લટકતું છજું હતું તેમાં કુમુદ બેઠી હતી, અને ઘડીમાં બારી બહાર જોતી હતી તો ઘડીમાં બારી પાસે ઓસરીમાં બેઠેલી બંસરી અને મોહનીની વાતો ધ્યાનથી સાંભળતી હતી.

બારી બહારનો અતટ પચાસેક વામ ઊંડો હતો, સુરગ્રામથી આવવાના માર્ગના એક છેડાના દશપંદર હાથ જેટલી જગાનું વળણ આ અતટને તળિયે આવતું હતું, ત્યાંથી એક પાસનાચઢાવ વચ્ચેનું તેનું મોં દેખાતું હતું, અને એ મોં આગળ એ વળણ દિવસે પણ બારીએ ઊભેલાંંની દૃષ્ટિને અદૃશ્ય થતું હતું. આજે શુક્લપક્ષનો મધ્યભાગ હતો અને સંધ્યાકાળથી જ ચંદ્ર આકાશના મધ્યભાગમાં ઉદય પામતો હતો. અતટ આગળના ઊંડા ઊંડાણમાં એનું શાંત તેજ ચમકતું હતું, અને કાળા કઠણ અંધકાર અને ખડકોના હ્ય્દયની ઊંડામાં ઊંડી અને એકાંતમાં એકાંત ખોમાં ચંદ્રિકાની કોમળ સૂક્ષ્મ પ્રભા ચંદનના લેપ પેઠે લીંપાઈ જતી હતી, અને એ કઠિનતા અને કોમળતાનું સુંદર રસિક તેજસ્વી મિશ્રણ આ દેશકાળના દૃશ્યને તેમ દૃષ્ટિને પ્રશાંતગંભીર કરી દેતું હતું. સુરગ્રામ ગયેલા સરસ્વતીચંદ્રને પાછો આવતો આ ખોના તળિયાને માર્ગે શોધતી કુમુદની આંખ એ તળિયાના અંધકારમાં પણ ફરકતી છાયાઓથી ચમકતી હતી ; એની ચિત્તવૃત્તિ ચંદ્રિકાનું એ ભાગ ભણીનું વહેવું આતુરતાથી લક્ષમાં રાખતી હતી; અને તળિયાના પવન ગૂચવાયાથી સુસવાટા આવતા કે ખડકોની બખોલમાં ઊગેલાં પાંદડાંનો ખખડાટ અથવા તેમની વચ્ચે થઈ નીકળતા પવનનો ઘસારો સંભળાતાં એના કાન સજ્જ અને સાવધાન થઈ જતા હતા.

આવી આતુરતા ભરેલી શાંતિ-અશાંતિના મિશ્રણ સમયે પાસે બેઠેલી બંસરી અને મોહનીની વાતો સાધારણ હોત તો તેમા કુમુદનું ચિત્ત ચોંટત નહીં. પણ બારી બહારનો દેખાવ શાંતગંભીર છતાં કુમુદને ઉન્માદ હતો તેવી જ આ સાધ્વીઓની ગોષ્ઠી શાંત રસથી ભરેલી છતાં કુમુદના મનોરાગની પ્રોત્સાહક હતી.

બંસરી - ‘મોહની ! સામે આ આકાશમાં ચંદ્ર લટક્યો છે તેની સામે મધુરીમૈયાનો મુખ્યચંદ્ર તોળાઈ રહેલો છે, પણ એ ચંદ્ર શીતળ અને શાંત છે તેને સાટે મધુરીનું પુષ્પજીવન તપ્ત નથી લાગતું ?’

મોહની - ‘મધુર મધુરી !તારા પુષ્પજીવનનો જૈવાતૃક ચંદ્ર આ જ પ્રદેશમાં છે તે જાણી તું શાંતિ પામ.’

કુમુદ - ‘પ્રિય બહેનો ! મારા જીવનને એ ભાન અભાન જેટલું સંતાપકર છે. આકાશના ચંદ્રની પ્રત્યક્ષતાથી તેની ચંદ્રિકાને ભોગવીએ છીએ, પણ મારા ચંદ્રનો પ્રત્યક્ષ સંયોગ મારે અધર્મ્ય છે અને હું તેની વાસના રાખતી નથી. મારા હ્ય્દયમાં પ્રકટેલો દવાગ્નિ પોતાનું ક્ષેત્ર બાળી દઈ કાષ્ઠાદિને અભાવે જ શાંત થશે.’

બંસરી - ‘તમારા સંસારીજનોની સ્થિતિ પ્રમાણે તારું કહેવું સત્ય છે. ગાઢ પ્રેમની ભરેલી માલતીના નિઃશ્વાસ સાથે પણ એવો જ ઉદ્‌ગાર નીકળ્યો હતો :

૫જ્વલતુ ગગને રાત્રૌ રાત્રાવખળ્ડકલઃ શશી

દહતુ મદનઃ કિં વા મૃત્યોંપરેળ વિદ્યાસ્યતિ ।

મમ તુ દયિતઃ શ્લીધ્યસ્તાતો જનન્યમલાન્વયા

કુલમમલિનં ન ત્વેવાયં જનો ન ચ જીવિતમ્‌ ।।’

તમ સંસારી જનોની અવસ્થા આવા લેખોથી અને તારા જેવાં દૃષ્ટાંતથી અમે સમજી શકીએ છીએ. પણ તું હવે અલખ ભગવાનના આશ્રમોમાં આવી છે ત્યાં તારા સંસારનાં કૃત્રિમ બંધન છૂટી જશે અને તારું કલ્યાણ થશે.

કુમુદ - ‘બહેન, પતિવ્રતાનો ધર્મ તો સર્વ માર્ગમાં એક જ છે અને તેમાંથી ચળવું નહીં એવો મારો નિશ્ચય છે.’

બંસરી - ‘માલતીનો પણ નિશ્ચય જ હતો અને તે ચળ્યો તે જ વાત ધર્મ્ય ગણાઈ.’

કુમુદ - ‘માલતીને મારા જેવો પ્રશ્ન ન હતો. એક પાસ માતાપિતાની આજ્ઞા અને બીજી પાસ પ્રિયજન-એ બેમાંથી કોને પ્રસન્ન કરવું તેટલું જ એને જોવાનું હતું. તેને કંઈ મારી પેઠે વિવાહિત પતિના બંધનમાંથી છૂટવાનો દુષ્ટ અભિલાષ ન હતો. મેં નિશ્ચય કર્યો છે કે એ અભિલાષથી મારે દૂર રહેવું.’

બંસરી - ‘મૈયા ! તારા હ્ય્દયની શુદ્ધિ અને મધુરતા તારી પાસે આ શબ્દો બોલાવે છે, પણ સત્યધર્મના જ્ઞાન વિનાની કેવળ હ્ય્દયશુદ્ધિથી શુદ્ધ દૃષ્ટિ ઊઘડતી નથી અને શુદ્ધ ધર્મ દેકાતો નથી.’

કુમુદ - ‘સર્વ ધર્મ જેને શ્રેષ્ઠ ગણે છે એ પાતિવ્રત્યને પ્રિય ગણવું અને આ જીવિતને અને જીવિતાના નાથને અપ્રિય ગણવાં એવો મારો ધર્મ છે, બંસરીબહેન, તમારી પ્રીતિ મને જે માર્ગે લેવા ઈચ્છે છે અને મને સુખી જેવા ઈચ્છે છે તે માર્ગને મેં ઘણા દિવસથી અશુદ્ધ ગણ્યો છે અને તેણી પાસ દૃષ્ટિ સરખી ન નાંખવા દૃઢ નિશ્ચય કર્યો છે.’

બંસરી - ‘મૈયા, તારા નામાભિધાન જેવો એ નિશ્ચય મધુર છે. પણ તેનો આધાર સત્ય ધર્મ ઉપર નથી.’

કુમુદ - ‘કેમ નથી ?’

બંસરી - ‘પતિવ્રત ઈચ્છનારી ! જે પતિરૂપને તારું વ્રત ગણવું ધર્મ્ય છે એ પતિ કિયો ? તું જે દૃષ્ટિને દૂર રાખે છે તે દૃષ્ટિ તારી ? કે એ દૃષ્ટિને દૂર રાખનારી દૃષ્ટિ તારી ? મધુરી ! આ યુગના સંસારી જનોમાં એટલા બધા દુરાચાર રૂઢ થઈ ગયા છે, એટલા અધર્મ ધર્મ ગણાયા છે કે તારા જેવી સુંદર મધુર પક્ષિણી પણ તેની જાળમાં પડી રિબાય છે. હવે તું આ અમારા સાધુજનોના આશ્રમોમાં આવી. જે વીર્યવાન કલ્યાણકારક આચાર પ્રાચીન આર્યો પાળતા તે, તમારા દૂષિત સંસારથી દૂર રહી, અમે અગ્નિહોત્રીના અગ્નિ પેઠે સાચવી રાખ્યો છે અને અમારા આશ્રમમાં આવી તું આચારનો ધર્મ જોઈશ અને જોઈશ એટલે પાળીશ. મધુરી, દુષ્ટ સંસારે જે યુવાન પાસ તારું પાણિગ્રહણ કરાવ્યું તે યુવાનને જાણતાં પહેલાં તું અન્ય જનને મનથી વરી ચૂકી હતી અને તે અન્ય જન જ તારો પતિ-તારો એક પતિ તે એ જ. કન્યા જેને મનથી વરે તે તેનો વર. માતાપિતાનો વરાવેલો કે વરેલો વર તે કન્યાનો વર નહીં, અને તેટલા માટે જ શ્રીકૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યું તે મહાધર્મ ગણાયો. મધુરી, જે ચંદ્રને તેં તારો આત્મા આપ્યો તે તારો એક જ પતિ અને જે યુવાનને તારાં માતાપિતાએ તારું શરીર આપ્યું તે તારો જાર. હવે તારું પતિવ્રત કેવું તે સમજી લે.’

કુમુદે ઊંડો નિઃશ્વાસ મૂક્યો અને આંખ ભીની થઈ તે બારી બહાર જોઈ લોહી નાખી. બહાર જોતાં ખોને તળિયે કંઈક છાયા-કંઈક ઘસારો લાગ્યો. મોહની ઊઠી, કુમુદની પાસેથી નીચે જોયું, અને એની જોડે એને શરીરે હાથ ફેરવતી બોલી :

‘મધુરી, તારા જારને જોવાને સંસારે તને જે દૃષ્ટિ વિવાહના નામથી આપી તે દૃષ્ટિ તારી નથી- તે વિવાહ તારો નથી. તારા જીવનો શુદ્ધ વિવાહ તો તારા ચંદ્ર સાથે થયો છે અને તારા હ્ય્દયની દૃષ્ટિ તે તો તેના ભણી વળી ચૂકી છે જ. તારી પોતાની દૃષ્ટિ તે આ ચર્મચક્ષુને પ્રવૃત્ત કરનારી એ હ્ય્દયદૃષ્ટિ જ;-જો જો મધુરી-આ ખોના તળિયા નીચેની છાયાઓ તને ચકિત કરે છે- શું એ છાયાઓમાં તારા પતિને જતો આવતો તું જોઈ શકતી નથી ? તું માતાજીની ધ્વજાઓમાંથી આ સ્થાને ચડી આવી તે ચંદ્રના દર્શનને માટે નહી ? એ શંકા કરનારી અને એ દર્શન શોધનારી તારા હ્ય્દયની દૃષ્ટિ તે જ તારી દૃષ્ટિ ! -એ દૃષ્ટિ તારા શુદ્ધ પતિને જ વરી છે અને એ દૃષ્ટિને લીધે જ તું પત્વ્રતા છે : માટે દુષ્ટ સંસારના દુષ્ટ આચારોએ જેના સંસર્ગથી તારી દેહલતાને મ્લાન કરી દીધી છે તેનો હવે સર્વથા ત્યાગ કરી તારા શુદ્ધ સત્ત્વને પામ. મધુરી, તારી દૃષ્ટિ તું કહે છે તે નહીં; તારી દૃષ્ટિ તો હું કહું છું તે જ-જો, એણે અત્યારે તને રોમાંચથી ભરી દીધી છે.’

કુમુદ - ‘એ સિદ્ધાંતોનો પ્રતિવાદ કે પ્રતિપક્ષ કરવાની મારામાં શક્તિ નથી. મારું ભાવિ તો મેં કહ્યું તેમ બંધાઈ ચૂક્યું છે. તેમાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કૃપા કરી ન કરશો.’

મોહની - ‘સંસારે તારી બુદ્ધિમાં આટલો બધો ભ્રમ મૂકી દીધો છે; અમે તને ભ્રષ્ટ નહીં કરીએ-શુદ્ધ સુંદર કરીશું.’

કુમુદ - ‘મારે એવાં શુદ્ધ પણ નથી થવું અને સુંદર પણ નથી થવું. એ શુદ્ધિ અને સૌંદર્યનો ગ્રાહક મને વિડંબનારુપ થયો છે અને જો મારું કલ્યાણ ઈચ્છો તો એ વિડંબનામાંથી મને મુક્ત કરો અને તમારા સત્સંગની શાંતિ આપો.’

મોહની ગંભીર થઈ દયા આણી બોલી : ‘તે યે પ્રાપ્તકાલ થશે ત્યારે મળશે. પણ મધુરીમૈયા, કહે વારું-ત્તું તે તારું શરીર કે તારો અંતરાત્મા ?’

કુમુદ - ‘બળ્યું એ શરીર અને બળ્યો એ અંતરાત્મા.’

બંસરી - ‘મોહનીમૈયા, જેનાથી મધુરી તપ્ત થાય છે એ વિષય પડતો મૂકી દે અને એને શાંતિ મળે એવો કાંઈ વિષય કાઢો.’

મોહની - ‘મધુરી, તને શો વિષય વિનોદ આપશે ?’

કુમુદ - ‘મારો સંસાર ભૂલી જવાય એવું ગમે તે બોલો.’

‘શું બોલીશું ? મોહની અને બંસરી એકબીજાના સામું જોઈ રહ્યાં.

‘આપણા આશ્રમોનાં વર્ણન કરીશું ? મોહનીએ પૂછ્યું.

બંસરી - ‘મોહની ! તને મારા કરતા બે વર્ષ વધારે થયાં છે. અને ઘણાં દિવસથી મન્મથાવતારનું માહાત્મય સમજાવવા તેં મને વચન આપેલું છે તે પાળવાનો અવસર સારો છે.’

કુમુદ - ‘એ વિના બીજી વાત નથી ?’

બંસરી - ‘અમ સાધુજનોમાંથી કોઈ વિહારમઠમાં રહે છે અને કોઈ પરિવ્રાજિકામઠમાં રહે છે. કોને કિયામાં રહેવાનો અધિકાર છે અને ક્યારે અધિકાર બંધ થાય છે કે બદલાય છે તે જાણવા ઉપર અમારી સતત દૃષ્ટિ રહે છે. અને અલખ માર્ગના ગુરુજનોએ સ્ત્રીજનની ચિંતા રાખી મન્મથાવતારનું માહાત્મ્ય રચી રાખેલું છે તે સર્વ સ્ત્રીઓને શાંતપ્રદ થાય છે. મધુરી, તું પણ તેથી શાંતિ પામીશ.’

કુમુદ - ‘મારા મનોરાગને પ્રદીપ્ત ન કરે એવી તે કથા હોય તો ભલે બોલો.’

મોહની - ‘તો બે જણ સાંભળો. શ્રી અલખ ભગવાનનાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ ત્રણ લખરૂપ છે. ‘હું એક છું તે અનેક થાઉં !’ એ કામરૂપ બ્રહ્મા પોતે જ શાશ્વત કામ છે. ત્યારે સર્વસંહારક રુદ્રે કામ દૃષ્ટિએ પડતાં તેને ભસ્મ કર્યો, પણ તે અનંગ થઈ અમર રહ્યો. ઉત્પત્તિ અને લયના કારણભૂત લખસ્વરૂપને આમ વશ ન થયો તે કામને જગતસ્થિતિના કારણરૂપ શ્રીયદુનંદનને, પોતાને ત્યાં પુત્ર કરી જન્મ આપ્યો અને આજ્ઞાવશ રાખ્યો તે પ્રધુમ્નરૂપે રહ્યો. બ્રહ્મારૂપે કામદેવ જાતે ઈશ્વર છે. શંકરે તેના દેહને બાળ્યો પણ તેના આત્માની અમરતાને વશ થઈ પાર્વતીને પરણી હાર્યા. તેને જીતનાર ેક -શ્રી યદુનંદન. તેના મંદિરમાં મન્મથનો અવતાર થયો, સમજી ?’

બંસરી - ‘ના.’

મોહની - ‘સંસારનું પોષણ કરવું તે વિષ્ણુની પ્રવૃત્તિ. એ દેવના ભક્તોએ કામદેવને બ્રહ્માનો અવતાર ગણી વિષ્ણુનો પ્રિયપુત્ર ગણી અને શંકરથી પણ અજયે અનંગ ગણી, તેને આદર આપવો, એ સત્ત્વ જગતના કલ્યાણનું સાધન છે અને તેમાં સ્ત્રીજનનું રક્ષણ તો એ જ કરે છે.’

બંસરી - ‘કેવી રીતે ?’

મોહની - ‘જો, ઈતર પ્રાણીઓમાં પરસ્પર સંહાર અને પરસ્પર ભક્ષણના ધર્મ પળાય છે ત્યાં કામદેવના પ્રતાપથી સ્ત્રીજાતિનું રક્ષણ થાય છે. એ જાતિઓમા તું જોઈશ તો ઢેલ કરતાં મોર સુંદર અને સિંહણ કરતાં સિંહ સુંદર અને અલંકૃત હોય છે - એ જાતિઓમાં સુંદરતા પુરુષમાં હોય છે અને તેના મોહપાશમાં પુરુષ સ્ત્રીને નાંખવાનો પ્રયાસ કરીને પણ સ્ત્રીના મોહમાં પડે છે અને તેનું રક્ષણ કરે છે અને તેનો ધર્મસહચર બને છે. મનુષ્યજાતિમાં એથી ઊલટું છે. અજ્ઞાની દશામાં તે રાક્ષસવિવાહ અને પૈશાચવિવાહ શોધી રાક્ષસ થાય છે. પણ જો તે જ્ઞાની થાય છે તો તેના જ્ઞાનની જ્વાળા શંકર જેવી થઈ મન્મથને ભસ્મસાત્‌ કરી શકે છે. મયૂરીમાં પોતા ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવા સુંદર સુપિચ્છ સુશિખ મયૂર જે મોહથી કલાપ અને નૃત્ય કરી શકે છે તે મોહને પુરુષના ચિત્તમાંથી જ્ઞાનાગ્નિ દૃગ્ધ કરી નાખે છે; અને અનેક સુંદરતા અને રસની ભરી સ્ત્રીને શ્રીમન્મથ સહાય ન થાય તો જેટલા પુરુષ એટલા કેવળ જ્ઞાની થાય ને જ્ઞાની એટલા સંન્યાસી થાય; અને જે પુરુષ જ્ઞાની ન થઈ શકે તે મધુરીના શરીરના જાર જેવા રાક્ષસ થાય અને સ્ત્રીનો ગમે તો અશરણ થાય કે ગમે તો દુષ્ટને શરણ થાય. શું ભગવાન મન્મથ આવી મુગ્ધ મધુરીને સહાય થયો હોય તો એની આ અસહ્ય દુષ્ટવશ અને અશરણ દશા થઈ હોત ?બોલ, બંસરી, બોલ.’

‘નો સ્તો.’ બંસરી બોલી. કુમુદ નિરુત્તર થઈ નીચી દૃષ્ટિએ મોહનીના ચરણને જોઈ રહી. તેના નેત્રમાં દીનતા આવી અને હ્ય્દયમાં કંઈ નવું સત્ત્વ પ્રવેશ પામતું ભાસ્યું.

મોહની - ‘જ્યારે સંસાર ભ્રષ્ટ થયો ત્યારે શ્રીકૃષ્ણ પરમાત્માના આ જયેષ્ઠ પુત્રનો અનાદર થયો અને માત્ર આપણા વિહાર જેવાં સ્થાનોમાં તેની પૂજા થાય છે.’

બંસરી - ‘જો તેની પૂજા આવશ્યક જ હોય તો આ પરિવ્રાજિકામઠ શા માટે જોઈએ ? અને આ મહાત્માઓ બ્રહ્મચર્ય પાળે છે તે શું ખોટાં ?’

મોહની - ‘બ્રહ્મા જે જાતે જ કામરૂપ છે તે તેને ત્યાં સરસ્વતી જેવી કુમારિકા અને નારદ જેવા બ્રહ્મચારી શિષ્ટ ગણાય છે, અને તેના જેવાં અલખ ગાન હ્ય્દયમાં ઊતરે છે તે તો, જગતના શ્રવણ માટે-કલ્યાણ માટે જ- પોતાના એ અલખગાનને સાકાર કરી, લખગાન કરી રહે છે. એવા નારદ અને સરસ્વતીઓ તો બ્રહ્મદેવનાં એટલે કામદેવનાં મોંઘાં બાળક છે અને બાકીના સંસારીઓને સ્વબન્ધુ ગણે છે. એ બ્રહ્મનાં બીજાં બાળકોની પ્રવૃત્તિથી જગતની વૃદ્ધિ છે. આપણા નારદ-ગણ ગુરુજીની પરિચર્યાના ગાનમાં મગ્ન રહે છે. આપણી સરસ્વતીઓ આ મઠમાં વીણાધારિણી થઈ રહે છે. અને બાકીની આપણી સૃષ્ટિ વિહારમઠમાં પ્રધુમ્નજીનું પાલન કરે છે અને શ્રીયદુનંદનની સેવા કરે છે.’

બંસરી - ‘સંસારીઓ કામદેવનું પાલન કરે અને સાધુજન પાલન કરે તેમાં શો ફેર ? સંન્યાસી અને અલખ યોગીના વૈરાગ્યમાં શો ફેર ?’

મોહની - ‘ચંદ્રાવલીના હ્ય્દયના પતિમાં અને મધુરીના શરીરના જાર પતિમાં જેટલો ફેર છે એટલો સાધુના અને સંસારીના મન્મથ પોષણમાં ફેર. ચંદ્રાવલીનો હ્ય્દયપતિ અલખયોગી છે અને મધિરીનો હ્ય્દયપતિ આજ સુધી એને અશરણ કરી નાખનાર સંન્યાસી હતો. હવે થાય તે ખરો.’

કુમુદ - ‘જાર’ શબ્દ મારા હ્ય્દયને ખૂંચે છે- હું તે પુરુષશને જ આ શરીરનો અધિકારી સમજું છું-એ શ્રદ્ધામાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરો તો હું તેના સામે હજી ટકી શકીશ. પણ તેની આમ નિન્દા કરો તે મારાથી વ્ઠાતી નથી.

બંસરી - ‘માટે જ તું મધુરી છે. મધુર જનોની હ્ય્દયવૃત્તિને મૂર્ખની કે દુષ્ટની કે શત્રુની પણ નિન્દા ગમતી નથી. તેમનાં હ્ય્દયમાં મધુરતા એટલી ગાઢ હોય છે કે નિન્દાના કણમાત્રની ખારાશથી એ મધુરતા અસ્વસ્થ થાય છે.’

કુમુદની સાથે છજામાં બેઠેલી મોહની એને ઉમળકાથી આલિંગન દેતી બોલી : ‘મધુરી ! તને જે શબ્દ વિષમ લાગે તે અમે અવશ્ય નહીં કહીએ અને તને સુખી કરે એવા જ ઉચ્ચાર કરીશું. ઉપકારિષુ યઃ સાધુઃ સાધુત્વે તસ્ય કો ગુળઃ। અપકારિષુ યઃ સાધુઃ સઃ સાધુઃ સદ્‌ભિરુચ્યતે ।। તારા ઉપર આટલું આટલું વિતાડનારને માટે તારું અંતઃકરણ આટલું દ્રવે છે તે તારી મધુરતાને અમે ખારી નહીં કરીએ. પણ પ્રસ્તુત પ્રકરણના દૃષ્ટાંતમાં કંઈ પદાર્થ તારા સંસારમાંથી લઈએ તો ક્ષમા કરજે. અમે લખભગવાનની વિભૂતિને લખ કરી તે દ્વારા અલખ જગાવીએ છીએ, માટે તારા સંસારને પણ લય ભભૂતિનો અંશ ગણી તેની કથા કરીશું.’

કુમુદ - ‘જો મારા હ્ય્દયને શાંત કરવાને માટે તેમ કરતાં હો તો ભલે, પણ એ હ્ય્દયમાં મર્મસ્થાન ચૂંથાય એ વિના અન્ય ફળ ન થાય એવી વાત છેડશો નહીં.’

મોહની - ‘બાઢમ્‌ - મારી મધુરી - બાઢમ્‌. અમે સર્વથા તેમ કરીશું; તો શાંત થા અને સાંભળ. એક કાળ એવો હતો કે સંસારમાં આઠ જાતના બધા મળી એટલે શુદ્ધ વિવાહ અને અશુદ્ધ વિવાહ ઉભય હતા. કાળાંતરે સંસારે ગાંધર્વવિવાહને વજર્ય ગણ્યો, પણ અમ અલખ માર્ગના યોગીકુળમાં તો એટલો એ વિવાહ જ પ્રશસ્ત અને અન્ય વિવાહનું મૂળરૂપ ગણ્યો છે. જગતનું કલ્યાણ તેથી જ છે એમ અમે માનીએ છીએ, અને તેનું કારણ એટલું કે ભગવાન મદનનો સ્વયંભૂ અવતાર બે હ્ય્દયમાં સંપૂર્ણ કલાથી પ્રગટે એટલે તેમાં અલખની લખ વાસના પ્રગટ થઈ ગણીએ છીએ, અને જે અલખનાં પ્રત્યક્ષ દર્શનનાં અધિકારી નથી તેને તે અધિકાર પામવાનો એક માર્ગ મન્મથના સ્વયંભૂ અવતારનું જ્યોતિ ઝીલવામાં છે.’

બંસરી - ‘તે તો સંસારીઓ પણ ઝીલે છે.’

મોહની - ‘ના, એમ નથી. મદનનો અવતાર એક નથી. મદનવૃક્ષની સ્થિતિ ત્રણ અને અવતાર અનેક છે. કામ, ભોગ અને પ્રીતિ એવી ત્રણ આ વૃક્ષની સ્થિતિ છે. એ વૃક્ષનાં પૃથવી તળે ગુપ્ત રહેલાં બીજ અને મૂળની દશા એ કામ; પૃથ્વી બહાર અનેક રસનલિકાઓથી-નસોથી તરવરતું થડ તે ભોગ; અને પત્ર, પુષ્પ, ફલસમૃદ્ધિ તે પ્રીતિ, રતિ આદિ નામથી ૬ શાસ્ત્રકારે કર્ણવી છે. હવે મદનના અવતાર પૂછો તો અનેક છે, પણ પ્રધાનપક્ષ આંગળીને વેઢે ગણાય એટલા ચાર છે. પાશવ કામ, જાર કામ, પરિશીલક કામ અને પુત્રાયિત કામ. પશુ જાતિનો કામ તે પાશવ કામ; તેમાં ધર્મવૃત્તિ નથી, અધર્મવૃત્તિ નથી, ને સંકલ્પસૃષ્ટિ નથી -માત્ર ચાક્ષુષાદિવૃત્તિથી ભોજયસૃષ્ટિની દૃષ્ટિ સાથે કામવૃક્ષનું બીજ રોપાય છે અને સ્થૂળ ભોગની પ્રીતિનો ફાલ થાય છે. બીજો જાર જનનો કામ તે જાર કામ; એમાં ચક્ષુંપ્રીતિ મનઃસંયોગ આદિ બીજદશાની પરંપરાથી કામનો અવતાર થાય છે, અને સંકલ્પસૃષ્ટિ સૂક્ષ્મ થઈ શકે છે; પણ તે કામ નિરંકુશ છે, અધર્મ્ય છે, મનુષ્યજાતિમાં અવ્યવસ્થા અને વર્ણસંકરનો પ્રેરક છે, પુરુષને અન્ય પુરુષાર્થોમાં બાધક અને વિક્ષેપક છે, સ્ત્રીજાતિની સમષ્ટિના શારીરિક તેમ આર્થિક એટલે જીવિકાના કલ્યાણના પરિણામે પ્રધ્વંસક છે, અને સંતતિનાં સર્વ સદ્‌ભાગ્યનો ઉચ્છેદક છે. નિરંકુશતાનો નિરંકુશ સ્વાદમોહ-એ જ આ વૃક્ષનો બીજાત્ય છે અને તેનું ભયંકર વિષ મરણ સુધી પહોંચ્યા કરે છે. પરિશીલક મદન સંવનન કાલથી વિવાહ સુધી બીજ દશામાં રહે છે અને વિવાહ પછી જ તેની ભોગદશા અને રતિસમૃદ્ધિ ઉદય પામે છે. આમરણાન્ત, સંયોગે તેમ વિયોગે, એ ઉદય, આકુંચન પ્રસારણ પામતો પામતો દંપતીના હ્ય્દયમાં સ્નેહમય અલખનું અદ્વૈત લખ કરાવે છે, અને નિષ્કામ વાસનાથી શારીરિક કામને,બાલિશ પુત્રવત્‌,કવચિત્‌ લાલન આપે છે તો કવચિત્‌ તેને અંકુશમાં મૂકી, લખ રૂપને તેમ અલખ રૂપને લક્ષ્ય કરે છે. વિવાહ પછીનો એ પુત્રાયિત કામ અને તજજન્યપ્રીતિ કીટભ્રમરી ન્યાયથી આધ્યાત્મિક થઈ જાય છે -આ દંપતી પરસ્પરનાં સ્થૂળ શરીર જોતાં જોતાં સૂક્ષ્મ શરીર જોવા લાગે છે અને તેમાંથી પરસ્પરનાં અધ્યાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ કરી તેનો ભોગ અને તેની રતિને પામે છે. એ ઉચ્ચતમ સૂક્ષ્મ પ્રીતિ અલખના વિહારવાસીઓને જ પરિચિત છે. સુંદરગિરિ બહારના સંસારીજન એટલી તો અઘોગતિને પ્રાપ્ત થાય છે કે આ અધ્યાત્મપ્રીતિનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. મધિરી ! મારી મધુરી! તારા મનના પતિના સંયોગથી તું આ પ્રીતિને પામત અને તેનું માહાત્મ્ય અનુભવત તે શુધ્ધ પ્રીતિમાંથી તારા આ માની લીધેલા પતિના સંયોગથી તું ભ્રષ્ટ થઈ ! શું એ ભ્રષ્ટ સંસારના અધોગત આચારવિચારમાંથી અમ સાધુજનોનો સંગ તને ઉદ્ધાર નહીં આપી શકે ?’

કુમુદ વજ્રમય હ્ય્દય કરી બોલીઃ ‘મોહનીમૈયા ! જે સ્વપ્નનું બીજ ઊડી ગયું તેની વાત પડતી મૂકો, એ બીજદશાનું માહાત્મ્ય મને મારા ઈષ્ટ જનના માહાત્મ્યનું સ્મરણ કરાવે છે અને હું શૂદ્રી જેવી એ મહાત્માના દર્શન કરવાને માટે જ આવી છું-તેના દર્શનથી તૃપ્ત થવું એટલો જ મારો અધિકાર છે અને એટલો જ મારો ઉદ્ધાર છે. એથી વધારે લોભ તે અતિલોભ છે ; એમાં મારો ઉદ્ધાર નથી, વિનિપાત છે. કૃપા કરી તે સંબંધે પ્રશ્ન ન પૂછતાં એ માહાત્મ્યનું જ પ્રકરણ ચલાવો; કારણ અમ સંસારીજનોના આચારવિચાર કરતાં જુદી જાતનો તમ સાધુજનોનો ઉત્કર્ષ મને એટલું આશ્વાસન આપે છે કે મારા હ્ય્દયશલ્યનું ઉન્મૂલન કરવાની મારી અશક્તિને હું અપવિત્ર ગણતી હતી તે નિર્દોષ છે એટલું આજથી -તમારી કૃપાથી-હું જોઉં છું.’ એના શબ્દોચ્ચારમાં એના હ્ય્દયની શાન્તિ સ્ફુટ થતી લાગી.

મોહની-‘માધુરી, તું એથી પણ વધારે જોઈશ. તારો હ્ય્દયદંશ કેવળ નિર્દોષ છે. એટલું જ નહીં, પણ તારી એ સ્થિતિને લીધે જ તું હજી પવિત્ર છે. એ દંશ જો તારામાં જાગૃત ન હોત તો અમે તને પામર અને દૃષ્ટ ગણત. પરિશીલક કામનું લક્ષણ તને કહ્યું.એ કામ વિવાહ પહેલાં પરિશીલક હોય છે અને વિવાહ પછી પરિશીલક તેમ જ પુત્રાયિત હોય છે. પણ તમ સંસારીજનોના આચારમાં વિવાહ પહેલાનું પરિશીલન કે સંવનન તો હોતું જ નથી -માત્ર પાછળથી ‘કેવલ પુત્રાયિત’ અને સ્થૂળ કામ હોય છે, ભોગ પણ સ્થૂળ હોય છે, અને પ્રીતિ પણ કેવળ સંપ્રત્યત્મિકા હોય છે.’

કુમુદ - ‘એ પ્રીતિ, એ સંવનન, અને એ પરિશીલન મને અભિજ્ઞાત કરાવો.’

‘તે તો તારા ઈષ્ટ પુરુષનું કામ. બાકી મોહનીમૈયા અનુભવહીન જનને આપી શકે તેટલો બોધ તને આપી શકશે.’ ચાલતી વાર્તાના શ્રવણમાં આવી ભળી બેઠેલી બેત્રણ સ્ત્રીઓમાંથી એક બોલી.

મોહની - ‘ચૂપ, પ્રમત્તા, ચૂપ ! તુંમધુરીનાં સુખદુઃખની મધુરતા જાણતી નથી ત્યાં સુધી તને કંઈ કટાક્ષવચન બોલવાનો અધિકાર નથી. મધુરી ! પ્રીતિ ચાર ૯ જાતની કહી છે : વિષયાત્મિકા, સંપ્રત્યત્મિકા, આભિમાનિકી અને આભ્યાસિકી. શબ્દરૂપાદિ પ્રત્યક્ષ વિષયોના ભોગથી થાય તે વિષયાત્મિકા પ્રીતિ; એ પાશવ કામનું ફલ હોય છે. જે પુરુષને મેં અથવા મારા કુટુંબે મારો પતિ માન્યો છે અથવા જેને હું શોધું છું તે આ જ પુરુષ હોવો જોઈએ એવી બુદ્ધિથી-સ્વયંભૂ મદનની સૂચના વિના-તે પુરુષ ઉપર કોઈ સ્ત્રી પ્રીતિ કરે તે સંપ્રત્યયાત્મિકા. તારા શરીરના પતિ ઉપર તું જે મધુર પ્રીતિ રાખે છે તે આવી સંપ્રત્યાત્મિકા છે. સંબંધાદિનો કોઈ જનમાં અધ્યારોપ કરવો અને તે હેતુથી પ્રીતિ થાય તે આ. વિષયના વિચાર વિના,અભ્યાસ વિના, માત્ર સંકલ્પનાત્મક જે મન તેના સ્વચ્છન્દ સંકલ્પથી જ, જે ભોગ થાય તેની પ્રીતિ અભિમાનથી થઈ માટે અભિમાનિકી કહી છે. કેવળ કોઈ સ્વચ્છન્દ સંકલ્પથી જાગેલા, પણ વિષયને ગૈણ ગણનાર, સ્વયંભૂ મદનના ઉત્કટ બોધના બળથી પણ યોગ્ય પરિશીલન વિનાની પ્રીતિ આભિમાનિકી થાય છે. સ્વયંવરે વેરાયેલાં વરકન્યાની પ્રીતિ અભ્યાસ વિનાની હોવાથી તેમ વિષયને ગૈણ ગણનારી હોવાથી આભિમાનિકી ગણવી. આવી પ્રીતિનું અવલોકન અમ સાધુજનોને થતું નથી અને અમારાં ચિત્ત જ્ઞાનભક્તિને વશ રહે છે તેમાં જાતે એવા સંકલ્પ થતા નથી, માટે હું તેનું દૃષ્ટાંત આપી શકતી નથી. પણ એટલું જાણું છું કે અલખ ઉપરની અમારી પ્રીતિને અલખન માનનાર નાસ્તિકો, આભિમાનિકી પ્રીતિન્ ગણે છે. જો નાસ્તિકોની અશ્રદ્ધા સત્ય હોય તો તેને મન આપણી બિન્દુમતીની પ્રીતિને તેઓ આભિમાનિકી ગણે તો તેમાં દોષ ન કહેવાય. હવે ચોથી પ્રીતિ આભ્યાસિકી છે. કર્મળાં પુનઃપુનરનુષ્ઠાનમભ્યાસઃ । કેવળ વિષયનો કે સંકલ્પનો, કે અભિમાનનો ભોગ કરવાને બદલે તેમના વિના અથવા તેમના સહિત પણ કોઈ કર્મના અભ્યાસથી જે પ્રીતિ થાય તે આભ્યાસિકી પ્રીતિ. સ્તન્યપાનની આસક્તિવાળું બાળક માતા ઉપર પ્રીતિ કરે તે આભ્‌યાસિકી :બાળકનું વિષયનું ભાન નથી, સંકલ્પ નથી, અભિમાન નથી, પણ માત્ર અભ્યાસ છે. સંસારી જનોમાં બાળકને બાળક સાથે વરકન્યાને નામે ગોઠવવાનો ચાલ છે. તે બાળક-યુગલને પરસ્પર સાહચર્યના અભ્યાસથી કાલક્રમે આભ્યાસિકી પ્રીતિ થઈ શકે છે અને ત્યાં સુધી આભિમાનિકી પ્રીતિ હોય છે, અથવા તારા જેવા મધુર જીવને સંપ્રત્યયાત્મિકા પ્રીતિ હોય છે, અથવા તો અપ્રીતિ અને કલેશ હોય છે- જે અપ્રીતિના ફળનું તારી આભિમાનિકી પ્રીતિના કુપાત્ર પુરુષે તને આસ્વાદન કરાવેલું છે.’

બેઠેલી સ્ત્રીઓમાંથી એક બોલી ઊઠી : પ્રયાસ્મૈયા ! સંસારીજનોના ધર્મ જાણવામાં નથી રસ અને નથી લાભ. એને સ્થાને હવે આપણા અલખ માર્ગના ધર્મ બોલો.ા

મોહની - ‘તું એકલી જ મારાં શ્રોતૃજનમાં હોત તો તેમ કરત. પણ સંસારસાગરમાંની માછલી જેવી આ મધુરી આપણા મીઠા જળમાં ખેંચાઈ આવી છે તેના પ્રાણવાયુને પોતાના સહજ પ્રાણનું રોધન કરી આપણા જળમાંના પ્રાણનું ધારણ કરાવવું છે તેના માર્ગ તું ન સમજે. મધુરીમૈયા ! આ ચાર જાતના કામ, તેના વૃક્ષની ત્રણ દશા, અને તેની ફલપુષ્પસમૃદ્ધિરૂપ ચાર જાતની પ્રીતિ તને કહી દીધી. હવે તેના પરસ્પર સંબંધ સમજ, અને અમારા આ માર્ગમાં તે સર્વના વ્યાવર્તક વિશેષ છે તે પણ સમજ. આજ સૂતાં પહેલાં આ વિષય તને કરબદર જેવો હું કરી આપીશ અને સ્વસ્થ નિદ્રાનો તું ઘણે દિવસે અનુભવ કરીશ.’

કુમુદ - ‘તમારી સર્વની હું દુખી જીવ ઉપર કૃપા છે.’

મોહની - ‘કામ, ભોગ અને પ્રીતિ, સ્થૂળ શરીરને વિષય કરે છે ત્યારે સ્થૂળ હોય છે ; સૂક્ષ્મ શરીરને વિષય કરે છે ત્યારે તે સૂક્ષ્મ હોય છે અને તેને અધ્યાત્મ પણ કહે છે. અમારે ત્યાં કેવળ સ્થૂળ કામાદિ નથી, પણ સ્થૂળસૂક્ષ્મ અને કેવળસૂક્ષ્મ હોય છે. ધર્મ, ભક્તિ અને જ્ઞાનથી જેમ મોક્ષ શોધાય છે તેમ આ ઉભય સૂક્ષ્મ કામાદિથી પણ શોધાયા છે. અમારાં સાધુજન કેવળ સ્થૂળ કામાદિને સંગ્રહતા નથી અને તેનો વિરોધ કરવામાં અમારી ષટ્‌સંપત્તિઓ વ્યાપૃત રહે છે. પણ સૂક્ષ્મ કામાદિનો અમે વિરોધ કરતા નથી. કન્યાનાં કંકણ પેઠે કોણે એકલાં અવિવાહિત રહેવું, અને અલખની લખવાસનાએ સંયોજવા માંડેલા કિયા જીવ-અણુઓએ ત્રસરેણકાદિ સંયુક્તરૂપ પામવાં, એ વ્યવસ્થા એ લખવાસનાની છે - શ્રી યદુનન્દનની છે, મનુષ્યની નથી. બે જીવઅણુનાં ભિન્ન સ્ફુરતાં હ્ય્દયમાં મન્મથોદય થાય અને એના મન્થનથી એ હ્ય્દય, ભિન્ન અણુઓ પેઠે, અયસ્કાન્ત અને અયોધાતુ પેઠે, એકબીજાના સાન્નિધ્યમાં આકર્ષાય ત્યારે સાધુઓ ચેતી લે છે કે વ્યતિષજતિ પદાર્થાનાન્તરઃ કોડપિ હેતુઃ । આ આન્તરહેતુભૂત લખવાસનાથી ઉન્મીલિત થતાં ઉભય હ્ય્દયકમલ પરસ્પરનું સંબોધન અને અભિજ્ઞાન કરે છે અને એ સંયોગ કરવા શ્રી યદુનન્દન ઈચ્છે છે કે નહીં તે જાણવા મન્મથને પરિશીલક કરે છે અને પુરુષસાધુ સાધ્વીજનનું સંવનન કરે છે. સ્ત્રી પરિશીલન કરે નહીં તો એ સંયોગવાસના પુરુષે ત્યજવી, અને પુરુષ સંવનન કરે નહીં તો સ્ત્રીએ સંયોગવાસના ત્યજવી, એવી પ્રભુની ઈચ્છા ગણીએ છીએ. પણ જો તેવું કાંઈ ન હોય તો શ્રી યદુનન્દનની ઈચ્છાને અનુકૂળ ગણી તેમના પુત્ર કામદેવ પોતાનાં સર્વ અસ્ત્ર લેઈ પરિશીલનકાર્ય સ્થૂળસૂક્ષ્મરુપે સજ્જ થાય તેમનો સત્કાર કરવો એ સાધુજનમાં લખરૂપની અલખપૂજા ગણાય છે. આ પૂજાનો સંવનનથી આરંભ થાય છે, પરિશીલન એ એનો દ્વિતીય પણ દુસ્તર વિધિ છે, અને તે વિધિ નિર્વિઘ્ન સમાપ્ત થાય તો સંસારી જનોના સાત વિવાહ ત્યજી, તેમ જ તેમનું વરણવિધાનજાળ ત્યજી, અમે ગાન્ધર્વવિવાહથી આ સર્વ પૂજા સમાપ્ત કરીએ છીએ અને મદનની કેવળ પરિશીલક દશા પણ સમાપ્ત થાય છે.’

કુમુદ - ‘પરિશીલન, સંવનન આદિ શબ્દોના અર્થ સમજાવો. તમારામાં લગ્નવિધિ નહીં ? તમારામાં બાલવિવાહ સમૂળગા નહીં ? વિધિ નહીં તે વિવાહ કેવો ? વિવાહ નહીં તો પછી વૈધવ્ય શાનું ?’

બંસરી હસી પડી - ‘મધુરી ! આજ તો તું છેક મુગ્ધા થઈ ગઈ ! એથી પણ ઓછી નાની બાલા થઈ ગઈ- કે આ પ્રશ્નો પૂછે છે ? નવીનચંદ્રજી જેવાનું પરિશીલન પામી આ પ્રશ્નો તું પૂછે છે તે કેવી નવાઈ !’

મોહની - ‘બંસરી ! સુરગ્રામનાં સંસારીઓનો સંસર્ગ મને થયો છે તેથી જાણું છું કે આપણને જેમ મધુરીના સંસારથી આશ્ચર્ય લાગે છે તેમ આપણા મદનવૃક્ષથી તેમને પણ આશ્ચર્ય લાગે છે. મધુરી ! અમારા વિહારમાં મદનવૃક્ષ, જેને મદનપ્રરોહ પણ કહીએ છીએ, તેની મૂળ વ્યવસ્થા કામસૂત્રકારોએ સંસાર માટે લખેલાં શાસ્ત્રો ઉપરથી કરી છે. પણ જેમ સંસારીઓ અન્નપાન અને વિહારનું ફળ શારીરિક પોષણ અને આનંદમાં શોધે છે તેમ અમે તે સર્વનું ફળ લખરૂપના પોષણમાં અને અલખ આનંદના બોધનમાં શોધીએ છીએ અને તેટલા પ્રયોજનને ઉદ્દશી એ મારા રહસ્યસિદ્ધાંતીઓએ, કામશાસ્ત્રકારોના આશય લઈ શ્રી કૃષ્ણપુત્ર કામદેવનું માહાત્મ્ય સમજી, તેને અંગે અમારા મગનપ્રરોહની વ્યવસ્થા કરેલી છે. આથી કામશાસ્ત્રની પરિભાષામાં અલખપ્રીતિના અર્થનો ગુમ્ફ ગૂંથી એવા જ શબ્દો જુદું પારિભાષિક સમજીએ છીએ. જો, શીલ્‌ શબ્દ મૂળ ગતિવાચક છે. કોઈને પ્રાપ્ત કરવું તે તેનું શીલન. કોઈના હ્ય્દયને પ્રાપ્ત કરવું તે પણ તેનું શીલન. પરિત : ચારે પાસથી વારંવાર શીલન કરવું તે પરિશાલન. એ શબ્દોવો પ્રયોગ ઘણાં રમણીય સ્થાનમાં થાય છે. યદનુગમનાય ગહનમપિ શીલિતમ્‌ - એમાં ગહનનાં અંતર્ભાગમાં પ્રાપ્ત થવું અને તેની ભુલભુલામણીના રહસ્યને પણ પ્રાપ્ત કરવું એ ઉભય અર્થ છે. સ્મેરાનના સપદિ શીલય સૌધમૌંલિમ્‌ - તેમાં સ્ત્રીઓ પુરુષને અને તેનાં હ્ય્દયરહસ્યને પ્રાપ્ત કરવાનો અર્થ છે. ચલ સખિ કુંજ સતિમિરપુંજં શીલય નીલનીચોલમ્‌ ।- એમાં નીલ વસ્ત્રમાં લપટાઈ જવાનો અર્થ છે. નીલ વસ્ત્ર જેવા અલખ હ્ય્દયનું રહસ્ય પામવા પણ તેમાં એમ જ લપટાવું પડે છે. વળી શશ્વચ્છુતોસિ મનસા પરિશીલિતોસિ એમાં એ શબ્દના સર્વ અર્થોની કળાઓ આવી જાય છે. શીલન શબ્દ આમ ગતિવાચક અને સમાધિવાચક પણ છે : એક હ્ય્દયે બીજા હ્ય્દયમાં, વસ્ત્રના શરીર થાય તેમ, સમાહિત થવું તે તેનું શીલન કરવું. લવંગલતાના સર્વ અંતર્ભાગમાં ચારે પાસથી વાતો કોમલ પવન ધીરેધીરે સરી જાય તેમ પુરુષ સ્ત્રીના અને સ્ત્રી પુરુષના હ્ય્દયમાં સરે તે પરિશીલન. લલિતલવડલતાપરિશીલનકોમલયસમીરે - એમાં અનેક લતાઓ વચ્ચે થઈ આવેલા પવનનું લતાઓએ પરિશાલન કર્યું એમ ઉભય સૂચના છે. મધુરી, નવીનચંદ્રજી જેવાએ તારું સુંદર પરિશીલન કર્યું અને પછી તારો ત્યાગ કર્યો એ અધર્મ થયો. જ્યાં પરિશીલન સંપૂર્ણ અને ઉભય પક્ષનું થયું ત્યાં વિવાહ જ સમજવો. અમારો અલખમાર્ગ તમને ઉભયને આ ધર્મ પ્રાપ્ત કરાવશે.’

કુમુદ - ‘એમ કંઈ થવાનુ નથી. મૈયા ! આપણું પ્રકરણ ચલાવો.’

મોહની - ‘એમ ચાલો. પણ લક્ષમાં રાખજે કે રત્નાકરના તરંગ દીર્ધકાળ સુધી એક પછી બીજા ગતિમાન રહી અંતે ખડકને તોડે છે. એમ અમે તમારો અધર્મ તોડીશું અને તે સુંદર રમણીય વિધિથી તમને પ્રસન્ન કરીને જ કરીશું. હશે. જો સંસારીઓના કામશાસ્ત્રમાં પણ કન્યાનું શીલન વિહિત છે, વિસ્રમ્ભણ વિહિત છે, અને તેવું જ સંવનન પણ આવશ્યક હોય ત્યારે વિહિત છે, સંવનન એટલે વશીકરણ અને તે માત્ર અનુરંજનલક્ષણ છે. કામસૂત્રકાર કહે છે કે વાલાયામેવં સતિ ધર્માધિગમે સંવનનં શ્લાદયમિતિ ઘોટકમુખ : ।। ધર્મ પ્રાપ્ત થયો હોય તો બાલાનું સંવનન શ્લાધ્ય છે. વિવાહમાં લાજાહોમમાં વર યાચે છે કે ‘આ કન્યા, મેં તારું સંવનન કર્યું છે તે અગ્નિનું અનુમત હો!’ સંવનન વિના વિવાહનો હોમ જ સિદ્ધ નથી. સ્ત્રી વનિતા શા માટે કહેવાય છે ? તેનું વચન થયું છે - સંવનન થયું છે, માટે તે વનિતા ; સંવનન વિના

સ્ત્રી વનિતા થતી જ નથી. પુરુષ સ્વભાવે દુષ્ટ છે અને સ્ત્રી લજ્જાવશ પરવશ છે અને તેની હ્ય્દયકલિકાની કોમળ નાની સરખી પાંખડીઓ પ્રીતિપુરસ્કાર સાવધ અદંશક નખ વડે પુરુષે ક્યારે ઉઘાડવી તે આ વાક્યમાં કહ્યું છે અને તે જ સંવનન પુરુષે સ્ત્રીનું કરવાનું તે, મધુરી, તારું નવીનચંદ્રજી કરી ચૂક્યા છે, તમારાં હ્ય્દયનું પરસ્પર પરિશીલન સમાપ્ત થઈ ચૂક્યું છે, અને હવે તો માત્ર એટલું જ કહેવાનું બાકી રહ્યું છે કે :

પુરશ્વક્ષુરાગસ્તદનુ મનસોડનન્યપરતા

તનુગ્લાનિર્યસ્ય ત્વયિ સમભવધત્ર ચ તવ ।

યુવા સોડયં પ્રેયાનિહ સુવદને મુશ્ચ જડતાં

વિધાતુવૈદગ્ધ્યં ફલતુ ચ સકામોડસ્તુ મદનઃ ।।

યસ્યાં મનશ્વક્ષુષોર્નિબન્ધસ્તસ્યામૃદ્ધિ : ।। જે જનમાં ચક્ષુને લખ નિબંધ અને મનનો અલખ નિબંધ તે જનમાં જ આદર કરવો, તે જનમાં જ ઋદ્ધિ છે અને અન્ય જનમાં નથી. આ નિબંધ ભગવાન મનમથ રચે તે પછી સંવનનકાળે અને પરિશીલનદશામાં સ્ત્રીપુરુષ આ મનમથના મંથનથી તપ તપે છે અને તે તપમાં સિદ્ધ થાય ત્યારે પરસ્પર ત્યારે સંકલ્પની પરિપાકદશા થતાં જે પ્રતિજ્ઞાઓ થાય તે ગાંધર્વવિવાહ. હ્ય્દયનો વિવાહ તો પરિશીલનની મંગલ સમાપ્તિ થતાં જ થયો સમજવો; પણ એ ્‌લખ વિવાહમાં લખશરીરનો ભાગ છે માટે લખ પ્રતિજ્ઞાઓ વડે લખ ગાંધર્વવિવાહ ઉચિત છે. મધુરી, તેં અને તારા ચંદ્રે આ તપ સાધ્યું છે, તારો પ્રિયજન આ ગિરિરાજ ઉપર છે, અને તું પણ અહીં અલખની પ્રેરી આવેલી છે, તો તારી માલતીના જેવી જડતાને અમે ત્યજાવીશું અને આવાં સુંદર હ્ય્દય ઘડવામાં વિધાતાએ જે ચાતુર્ય વાપર્યું છે તેને તમારા સંયોગથી અમે સફલ કરીશું અને પરિશીલનદશામાં કામનો કામ અપૂરિત રહેલે છે તેને પૂરી અમે મન્મથનું સફળ પૂજન કરીશું.

કુમુદ પોતાને માટે આ સર્વ વાતોમાં પોતાનું નામ સાંભળવું તે પાતક ગણતી હતી અને પોતાનું નામ એમાંથી દૂર રખાવવા પ્રયત્ન કરતી હતી. તેણે હવે ધૈર્ય ખોયું અને ચમકી બોલી ઊઠી.

‘મોહનીમૈયા ! જો તમારો આવો વિચાર હોય તો મને સત્વર પાછી ચંદ્રાવલીમૈયા પાસે મોકલી ધો કે જ્યાં હું પુરુષનું નામ પણ ન સાંભળું. તમારી કથા જેટલી રમણીય અને બોધક લાગે છે એટલા જ તેમાં આવતા મારા અને મારા પતિસંબંધમાંના ઉદ્‌ગાર મને કડવા લાગે છે. તમ સાધુજન સ્વયંવર કરો તો ભલે કરો. કન્યાઓ જ્યાં જાતે પોતાનું દાન કરે ત્યાં તમે કહો છો તે સત્ય હો. પણ મને તો મારા પિતાએ જેને અર્પી તેનું આ શરીર આમરણાંત થઈ ચૂક્યું છે, અને હ્ય્દય ઉપર તો બળ નથી પણ બાહ્ય વ્યાપાર તો મારા પિતાએ વરાવેલા વરને જ શરણે રાખીશ.’

મોહની - ‘હં - “હ્ય્દય ઉપર બળ નથી.” તે જ સત્ય છે. મારી મધુરી, જડ શરીરનો વિવાહ નથી, પણ ચેતન હ્ય્દયનો વિવાહ છે. વિવાહ હ્ય્દયનો છે અને શરીરનો વિવાહ, જેને શાસ્ત્રકારો ‘વરણવિધાન’ કહે છે, તે તો માત્ર તેનું ઉપલક્ષણ છે. સ્થૂળ શરીરનો વિવાહ સ્થૂળ છે- જડ છે. અમે સૂક્ષ્મ ચેતન વિવાહનો જ સત્કાર કરીએ છીએ. જોઃ

ન્યૂઢાનાં હિ વિવાહાનામનુરાગઃ ફલં યતઃ

મધ્યમોડપિ હિ સધોગો ગાન્ધર્વસ્તેન પૂર્જિતઃ ।

સુખત્વાદવહુફલેશાદપિ ચાવરણાદિહ

અનુરાગાત્મકત્વાચ ગાન્ધર્વં પ્રવરો મતઃ ।।

મધુરી,’ ગાંધર્વને ઉત્તમ ગણવાનાં આમાં કારણ ગણાવ્યાં તેમાં એક તો તેની અનુરાગાત્મકતા છે, અને બીજું કારણ અવરણ એટલે વરણવિધાનનો અભાવ છે. શકુન્તલાદિનાં દૃષ્ટાંત પછી પુરુષોથી કન્યાઓ વંચિત થાય નહીં માટે વરણવિદ્યાન પ્રશસ્ત ગણ્યું, પણ તે વિદ્યાન થયું એટલા માટે પરિશીલનની અને સંવનનની આવશ્યકતા મટી જતી નથી. સંસારી જનોએ તે મટાડી અને વિવાહને કેવલ સ્થૂળ કરી નાંખ્યો માટે તે ભ્રષ્ટ થયાં. તેમનાં શરીર તારા જેવાં તે જો ! કેટલાં નિર્બળ ! તેમનાં સંસાર જો !સુખમય નહીં, પણ કષ્ટમય ! સંસારીજનો સદાચારને છોડી દુરાચારમાં અને દુઃખમાં પડવાના માર્ગ ઉપર ભ્રષ્ટ થયા છે ને તેનાં ફળ ભોગવે છે ને ભોગવશે. મધુરી, એ માર્ગે ચડી, તારા પિતાએ તારા શરીરનું વરણવિદ્યાન કર્યું તેથી તારા અલખ વિવાહને બાધ નથી આવતો. ધાર કે નવીનચંદ્ર જોડે તારું વરણવિદ્યાન થયું હોત અને તેમાં સ્ત્રીમંડળ બેચાર ગીત ગાવાં ભૂલી ગયાં હોત- તેથી તારો વિવાહ અપૂર્ણ રહેત ?

કુમુદ - ‘ના.’

મોહની - ‘તેઓએ વરઘોડો કાઢ્યો હોત નહીં અથવા જ્ઞાતિભોજન કર્યું હોત નહી તો ?’

કુમુદ - ‘તો પણ કંઈ નહીં. સપ્તપદી એક જ આવશ્યક વિધિ છે.’

મોહની - ‘તો નેતિ નેતિ કરી અલખ આત્માનું અભિજ્ઞાન થાય છે તેમ નેતિ નેતિ કરી અલખ મન્મથના અવતારમાં જ વિવાહનું તત્ત્વ તને દર્શાવીશ. સપ્તપદીમાં બે પગલાં વાંકાંચૂકાં મુક્યાં હોત તો ?’

કુમુદ - ‘તેનું કંઈ નહી.’

મોહની - ‘તેમાં પ્રતિજ્ઞાના શબ્દો તારે ઠેકાણે તારો ગોર બોલ્યો હોત તો ?’

કુમુદ - ‘તે તો નિત્ય થાય છે જ.’

મોહની - ‘તો સમજ કે તારો વિવાહ આ વિદ્યાનમાં નથી, પણ સંકલ્પમાં અને સંકલ્પની પ્રતિજ્ઞામાં જ છે.’

કુમુદ - ‘હા, પણ મારા પિતાએ મારા દાનનો સંકલ્પ કર્યો અને પ્રતિજ્ઞા લેવડાવી.’

મોહની - ‘હા, પણ સંકલ્પ કરનાર અને પ્રતિજ્ઞા કરનાર એક કે જુદાં ? તારા પિતાએ સંકલ્પ કર્યો પણ પ્રતિજ્ઞા તારી પાસે લેવડાવી- સત્ય જોતાં વરકન્યા જ સંકલ્પ કરે ને પ્રતિજ્ઞાઓ લે. પિતાએ બલાત્કારે કે આજ્ઞા વડે પુત્રી પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવવી એવું કોઈ શાસ્ત્રનું શાસન કે વિધાન નથી. એ તો તમારા મૂક્ખ ભ્રષ્ટ સંસારી જનોનો આચાર યછે. પિતા કન્યાદાન દે તો શકુન્તલા જેવી આપત્તિમાંથી પુત્રીને ઉગારવાને જ સાક્ષી થાય છે; અને તેની, અને તેને અભાવે ઈતર કન્યાદાનના અધિકારીઓ છે તેની આવશ્યકતા તો માત્ર ઘોડે ચડનારનું પેંગડું ઝાલી રાખવાને માટે જ છે. તે ન હોય તો કન્યા જાતે સ્વયંવર કરે-વરણવિદ્યાન વિના અને કન્યાદાન વિના વિવાહસિદ્ધિમાં કંઈ બાધ નથી એટલું જ નહીં, પણ ભ્રષ્ટ માતાપિતા જ્યારે દાનનો અધિકાર વાપરી અવિવાહને વિવાહ નામ આપી કન્યાઓને સંપ્રત્યાત્મક પ્રીતિની જાળમાં નાખે, એને એ જાણ અલખભગવાનની કૃપાથી તૂટી જાય ત્યારે તેમાંથી મુક્ત થયેલાં હ્ય્દય અલખ મદનને વશ થઈ, પવિત્ર પરિશીલન કરી અલખપ્રીતિનો માર્ગ શોધો તો તે યોજના સુંદર અને ધર્મ્ય છે. મધુરી, ધર્મ્ય અલખ માર્ગ તારું હ્ય્દય ચડ્યું છે તેને અમે અપૂર્વ સહાય્ય આપીશું.’

કુમુદ ‘અષ્ટવર્ષા તે ગૌરી’ વગેરે વક્યોથી કન્યાવયની મર્યાદા નીમી જે પ્રતિજ્ઞાઓ શાસ્ત્ર તેની પાસે કરાવે છે, એને પિતાએ આપેલું દાન સફળ કરી સ્વામીની સેવા કરવા એ પ્રતિજ્ઞા લેવાય છે, તે નિષ્ફળ કરવાનો તમારો પ્રયત્ન અધર્મ્ય છે ને મારી પાસે તો વૃથા છે.

મોહની - ‘વૃથા હો પણ અધર્મ્ય નથી. તેં કહેલાં વાક્ય તમ સંસારી જનના કોઈક દેશકાળને ઉદ્દેશી કોઈ શાસ્ત્રકારોએ લખેલાં છે તેટલા કાળ માટે તે ઉપયોગી હશે. પણ તેમાં સર્વ દેશકાળનો સનાતન ધર્મ નથી. એવો ધર્મ તો અમે પાળીએ છીએ તે છે. જે શાસ્ત્રો તેં કહેલાં વાક્ય ઉચ્ચારે છે તેમાં જ બીજું પણ કહેલું છે તે સાંભળ. સંસારી જન ભ્રષ્ટ અને દુષ્ટ થઈ ગયા છે તેના વર્તનથી તો એ શાસ્ત્ર પણ વિરુદ્ધ છે. તેમાં તો રજોદર્શન પહેલાં જે સ્વામી વધૂનો અભિયોગ કરે તેને શિર અધોગતિ અને બ્રહ્મહત્યા મૂકી છે. ૧૫ એ શાસ્ત્ર પણ પ્રસ્તુત વિષયમાં શું કહે છે તે કહું છું. એ શાસ્ત્રોમાં પણ વરણકાલે વધૂએ વરને વરમાળા આરોપવી વિહિત છે. જો પિતાની દાનેચ્છા જ વરણને માટે પર્યાપ્ત હોય તો આ વરમાળાનો વિધિ વ્યર્થ થાય; જો તે વ્યર્થ ન હોય તો વરણમાં કન્યાની ઈચ્છા આવશ્યક છે. શું તે ઈચ્છા ગૌરી રોહિણી આદિ બાલકીઓને હોય છે ? શું વરવધૂની પ્રતિજ્ઞાઓ એવી કન્યા બોધપૂર્વક ગ્રહી શકે ? કન્યાની વૃત્તિ વિના પિતા કન્યાદાન આપે છે એવું શું તેને દેનાર પિતાએ સમજવાનું છે કે લેનાર વર સમજવાનું છે ? શાસ્ત્ર પ્રમાણે તો કન્યાદાનને કાળે કામસ્તુતિનો પાઠ યોજાય છે. તેમાં સ્પષ્ટ મંત્ર છે કે આ દાન કરનાર કામ છે, દાન લેનાર કામ છે અને દાન જાતે પણ કામ છે. વળી વર કહે છે કે સોમે આ કન્યા ગંધર્વને આપી, ગંધર્વે અગ્નિને આપી અને અગ્નિએ મને આપી. વળી વર કન્યાને કહે છે કે ‘હું સામ અને તું ઋક્‌, હું ધૌ અને તું પૃથ્વી, તે આપણે બે વિવહન કરીએ, ચાલ !’ વિશેષ વહન તે વિવાહ. જે વધૂ આ વાક્યોના શ્રવણને યોગ્ય છે તે શું તમારી રોહિણી દશાવાળી-કે જે પરિશીલનમાં કે કામમાં સમજે જ નહિ ? મધુરી, આદિ ઋષિઓ એવું ગણતા ન હતા. તેઓ તો કન્યા પાસે સપ્ત પદ ભરાવતાં વર પાસે કન્યાને ‘સખા’ શબ્દથી સંબોધાવે છે - સખે સપ્તસદા ભવ સા મામનુવ્રતા ભવ - અને કન્યા પાસે વરને લગ્નકાળે પગલે પગલે કહેવડાવે છે કે,

સુખદુઃખાનિ સર્વાળિ ત્વયા સહ વિભજ્યતે ।

યત્ર ત્વં તદહં તત્ર પ્રથમે સા બ્રવીદિદમ્‌ ।।

કુટુમ્બં રક્ષયિષ્યામ્યાબાલવૃદ્ધકાદિદમ્‌ ।

અસ્તિ નાસ્તીતિ પશ્યામિ દ્વિતીયે સા બ્રવીદિદમ્‌ ।।

ભર્તુભક્તિરતા નિત્યં સદૈવ પ્રિયભાષ્ળી ।

ભવિષ્યામિ પદે ચૈવ તૃતીયે સા બ્રબીદિદમ્‌ ।।

આર્તે આર્તા ભવિષ્યામિ સુખદુઃખસમભાગિની ।

તવાજ્ઞાં પાલયિષ્યામિ કન્યા તૂર્યપદેડબ્રવીત્‌ ।।

ઋતુકાલે શુચિલ્નાતા ક્રીડિંષ્યામિ ત્વયા સહ ।

નાહં પરતરં ગચ્છેં કન્યા પશ્વપદેવ્રવીત્‌ ।।

ઈહાથ સાક્ષી નૌ વિષ્ળુસ્તવયાડહં નૈવ વઝિ્‌ઝતા ।

ઉભયોઃ પ્રીતિઃ સમ્ભૂતા કન્યા ષષ્ઠપદેડબ્રવીત્‌ ।।

હોમયજ્ઞાદિકાર્યેષુ ભવામિ ચ સહાયિની ।

ધર્માર્થકામકાર્યેષુ કન્યા સપ્તદેડબ્રવીત્‌ । ।

જે કન્યાને માથે આવડી અને આટલી પ્રતિજ્ઞાઓનો ભાર મુકાય તે કન્યા શું આઠદશ વર્ષની કેવલ બાલા હોવી જોઈએ ? તમારા સાંપ્રત સંસારમાં તો કન્યાઓ સ્વમુખે આટલું બોલી શકતી નથી એટલું તેમનું સદ્‌ભાગ્ય છે, નીકર શુક પેઠે તે બોલી જાય તો પણ શું ? શાસ્ત્રકારે તો એમ જ જાણેલું કે આ વાર્યો બોલતી કન્યા તે સમજશે અને સ્વીકારશે તે જ્ઞાન અને તે સ્વીકાર પરિશીલન વિના થવાનાં નહીં. કારણ ‘વિષ્ણુ સાક્ષી છે કે આપણી પ્રીતિ બની ચૂકી છે’ એ છઠ્ઠા પગલાનું વાક્ય હવે કરવાની પ્રીતિની પ્રતિજ્ઞા નથી, પણ એ વાક્ય બોલાયું તે કાળે બનેલી પ્રીતિનું વાક્ય છે. દસબાર વર્ષની અપરિશીલિત અને અપરિશીલક કન્યાના મુખમાં આ વચન મુકાવનાર સંસારીઓ કેવા દુષ્ટ હોવા જોઈએ ? હજી તો સમાપ્ત નથી થતું. આ પછી વર વધૂના ખભા ઉપર હાથ મૂકી તેના ‘હ્ય્દયનું’ ‘આલભન’ કરે છે અને કયાના એ હ્ય્દયને ઉદ્દેશી કહે છે કે મારા વ્રતમાં તારા આ હ્ય્દયને મૂકું છું તે મારા જેવું તારું ચિત્ત હો !’

મમ વ્રતે તે હ્ય્દયં દધામિ મમ ચિત્તમનુચિત્તં તેડસ્તુ ।

મમ વાચમેકમના જુષસ્વ પ્રજાપતિષ્ટ્‌વા નિયુનત્કુ મહ્યામ્‌ ।।

જે કન્યા હ્ય્દયને વર આમ ‘આલભન’ કરે તે કન્યાનું વય પરિશીલન અને સંવનન યોગ્ય હોવું જોઈએ. તે પ્રતિજ્ઞા કરી કન્યા કહે કે આપણી પ્રીતિ થઈ, ત્યારે વર કહે કે ‘તારા હ્ય્દયને મેં આમ પ્રાપ્ત કર્યું છે તેવું નિત્ય હો !’પરિશીલન વિના આ કેમ થાય ? અથવા તો વધૂવર આમ બુદ્ધિવૂર્વક સત્ય ઉચ્ચારે તો તે જ પરિશીલક મદનની પરિપાકદશા. તે દશા પામ્યા વિના એ દશાના નામનો દંભવિવાહ સંસારીઓ યોજે છે તેથી શુદ્ધ વિવાહ થતા નથી અને એવા વિવાહથી સંયોજિત સ્ત્રીપુરુષ દંપતી નથી. મધુરી, તારા સાપ્તપદિક વિવાહકાળે તારી અશિક્ષિત બુદ્ધિની વંચના થઈ ગઈ. એવા વિવાહથી યોજાયેલો પુરુષ તારો પતિ નથી. જેને તને ભગવાન કામદેવ અર્પી છે ને જેની સાથે તારો મનઃસંયોગ થયો છે તેની સાથે તારી અલખ પ્રીતિ થઈ છે, તેની સાથે તારો અલખ વિવાહ થયો છે, ને તે જ તારા હ્ય્દય સાથે શરીરનો અધિકૃત ધર્મ્ય પતિ છે. તારા પિતાએ કરેલું કન્યાદાન તો કેવળ વંચના છે.

કુમુદ - ‘અન્ય કન્યાઓને માટે તેમ હો. પણ મેં તો મારી પ્રતિજ્ઞાઓ બોધપૂર્વક સાંભળી છે ને સ્વીકારી છે.’

મોહની - ‘તેમ હો. તો તેં બે જણને પ્રતિજ્ઞાઓ આપી ગણવી. મધુરી, હું તને ભ્રષ્ટ કરવા મથતી નથી. હું તને શુદ્ધ કરવાને મથું છું. અમ અલખમાર્ગી સાધુજન અલખ વિવાહ કરીએ યયછીએ. અમારાં સૂક્ષ્મ અલખ શરીરના ચેતનનું વિવહન પ્રથમ થાય છે અને તેવા વિવાહ પછી સ્થૂળ શરીર પ્રીતિ કરે છે. અમારો પરિશીલક મદન અને બીજદશા સમાપ્ત થતાં આ સૂક્ષ્મ વિવાહ થાય છે, તે પછી અમારાં દંપતીઓના અલખ જીવન અને સૂક્ષ્મ દેહ અલખ ભોગ ભોગવે છે અને ફલમાં અલખ આભ્યાસિકી પ્રીતિને પામે છે. કર્મપરંપરારૂપ સાહચર્યજીવનનો અભ્યાસ આ પ્રીતિને ઉત્પન્ન કરે છે અને એ જ પ્રીતિથી પોષણ પામી નવાનવા અલખ કામભોગમાં પોષણ પામે છે. જ્યાંસુધી દંપતીનાં શરીર શીર્ણ થતાં નથી ત્યાંસુધી કામ પુત્રાયિત થઈ રહે છે, અને સૂક્ષ્મ કામ દંપતીના સૂક્ષ્મ દેહોને સૂક્ષ્મ ભોગમાં પ્રવૃત્ત કરે છે. બેમાંથી એક સ્થૂળ દેહ શીર્ણ થતાં પુરુષ કિંવા સ્ત્રી સાધુજન એ શીર્ણ દેહને મરેલો ગણે છે પણ સૂક્ષ્મ દેહને અલખમાં લય પામી મુક્ત અને અમર થયો ગણે છે, અને એ અલખ દેહને પ્રત્યક્ષ ગણી સંસારી જનમાં વૈધવ્ય અને મૃતપત્નીક દશાનો મોહશોક થાય છે તે અમારે ત્યાં થતું નથી. વિવાહિત સાધુ, પતિનો અથવા પત્નીનો સ્થૂળ દેહ પડ્યા પછી ફરી વિવાહ કરતા નથી એટલું જ નહીં પણ પોતાના પ્રીતિવિષયને અલખરૂપે પ્રત્યક્ષ ઘણી તેના ભોગનું આસ્વાદન કરે છે અને એની સૂક્ષ્મ પ્રીતિ અવ્યભિચારીણી રહે છે. મધુરી, સંસારી જનો પેઠે અમારી વિધવાઓ કરકંકણનો કે સુંદર વેશનો નાશ કરતી નથી; પણ અલખ પતિને પ્રત્યક્ષ માની, સર્વ સુંદરતાનું સંરક્ષણ કરી, બિન્દુમતીના જેવા અલખ ભોગનું અને અલખપ્રીતિનું સતત સુધાસ્વાદન અમો કરીએ છીએ. મધુરી ! પ્રત્યક્ષ પ્રમાણ જો-આ કંકણધર હસ્ત !’

પોતાનો હસ્ત લંબાવી તેમનું કંકણ કુમુદને પ્રફુલ્લ અભિમાનથી અને આનંગથી દર્શાવતી મોહની પ્રેમાવેશમાં આવી ઊભી થઈ અને નેત્ર મીંચી બોલવા લાગી.

‘મધુરી, અલખ પ્રીતિ જ સત્ય છે, અને તેવી ધર્મ્ય સુંદર પ્રીતિ તારે નવીનચંદ્ર જેવા મહાત્મા સાથે શુદ્ધ પરિશીલનથી થઈ છે તે જ તારો વિવાહ, અને અન્ય વિવાહ તો વંચના થઈ છે. એ વંચનામાંથી હવે તું મુક્ત થઈ, અને તારી અલખ અને લખ સુંદરતાનો અધિકારી તારા યોગની વાસના રાથથે છે એવું તું જાણે તો તેટલા જ્ઞાનથી તારી સંપ્રત્યાત્મિકા પ્રીતિ સર્પની કાંચળી પેઠે સ્વતઃ શીર્ણ નહીં થાય ? શું તારા શુદ્ધ ભાગ્યોત્કર્ષનો પ્રવાહ તું દેખતી નથી ?’

કુમુદ - ‘તમે કહો છો એવો ભાગ્યોદય આ અવતારમાં તો હું ઈષ્ટ ગણું એમ નથી. તમારી વર્ણવેલી પ્રીતિને મારું હ્ય્દય પૂંજે છે. એવી પ્રીતિ મારા ભાગ્યમાં આવેલી ગઈ, અને હવે તો આ દૃગ્ધ જીવનું શરીર દ-ગ્ધ થાય તેટલો કાળ અથડાવાનું બાકી છે તે ચંદ્રાવલીમૈયાના વિરાગબોધથી શાંતિ પામી આથડી લઈશ.’ નિરાશ અને શ્રાંત થઈ, અશ્રુ રોકી કુમુદ બોલી.

મોહની - ‘પણ તે શા માટે ? નવીનચંદ્ર પ્રતિ તારો શું કાંઈ ધર્મ નથી ? સંસારીજનોએ કરેલી તારી વિવાહવંચનાએ શું એ ધર્મમાંથી તને મુક્ત કરી ?’

સ્થિર સ્વરે કુમુદ બોલી : ‘ધર્મઅધર્મનો વિચાર મને હવે સ્પષ્ટ થતો નથી, પણ મારી વિવાહવંચના થઈ નથી. મારી વિવાહપ્રતિજ્ઞાઓ મેં બોધસહિત કરી છે; તેના અર્થગાંભીર્યનું પ્રમાદથી મેં મનન ના કર્યું, પણ જેને એ પ્રતિજ્ઞાઓ આપી તેની સાથે અસત્યવાદિની તો હું નહીં જ થાઉં. તેમાં તમારા મુખમાંથી એ પ્રતિજ્ઞાઓના મંત્ર આજ આમ સ્પષ્ટ સાંભળીને તો હું એટલો નિશ્ચય કરું છું કે આ શરીર એ પતિને પરાણ રહેશે. મોહનીમૈયા ! આ પાસેની ખોમાં ભરેલા અંધકારના ઉપર ચડી ચંદ્ર જેમ આવો પ્રકાશ ભરે છે, તેમ તમારા બોધ મારા હ્યદયમાં આજ શાંત મંદ પ્રકાશ ભરે છે અને તેથી હું બે વાનાં પ્રત્યક્ષ કરું છું. પ્રથમ તો ખોની બહારના સ્પષ્ટ સુંદર પ્રકાશમાં નાહતી આ આકાશમાંની અને પૃથ્વી ઉપરની સૃષ્ટિ જેવી તમ સાધુજનની સ્વતંત્ર પવિત્ર સુંદર પ્રીતિસૃષ્ટિ જોઉં છું. પછી આ ખોને મુખે આ જાળીમાં કેદ થયેલી મારી આંખ, બહાર ખોમાં અને આ સ્થાનમાં જુદીજુદી સ્થિતિ જુએ છે તેવી જ મિશ્ર ગતિવાળા મારા અનેક પ્રીતિપ્રવાહને જોઉં છું- પણ આ બહારના પ્રકાશમાં નાહવાનો અધિકાર આ જાળીમાં રહેલા પ્રાણીને નથી તેમ મારા ચંદ્રના પ્રીતિપ્રવાહમાં નાહવાનો અધિકાર આ પ્રતિજ્ઞાજાળીમાં બેઠેલી હું છું તેને નથી.’

મોહની - ‘આ મધુપતમ વાક્યો પાસે હું નિરુત્તર છું. મેઘાવિની, અલખમતના કામશાસ્ત્રમાં મને નિરુત્તર કરનારી તું મળી. પણ આ જાળી બહાર તને કીયે માર્ગે કેવી રીતે લેવી અને અલખ પ્રીતિનો આનંદ તને કેમ આપાવવો એ શોધ હું હજી કરીશ.’

કુમુદ - ‘તમે એ શોધ કરશો તો પણ આવા પવિત્ર વૈરાગ્ય પામેલા મારા ચંદ્રને હું મારા યોગથી અસ્ત થયો જોવા ઈચ્છતી નથી.’

મોહની - ‘તે ઈચ્છા પૂરવી ન પૂરવી એ તો અલખનું કામ છેતારું નથી.’

કુમુદ - ‘ભલે, પણ જેને હું મારું કલ્યાણ ગણતી નથી તેનો લાભ મને અપાવવા તમારે શા માટે આટલો આગ્રહ ધરવો ?’

મોહની - ‘અલખનું કામશાસ્ત્ર જાણનારી મોહની તારી અલખ વાસનાઓ વધારે સમજી શકશે.’

કુમુદ - ‘મારી વાસના મેં તમને કહી દીધી.’

મોહની - ‘તારી આભિમાનિકી વાસના કઈ અને આભ્યાસિકી કઈ, લખ વાસના કઈ, અને અલખ વાસના કઈ, એ વિષય સમજવામાં અલખનું કામશાસ્ત્ર જે અપૂર્વ દૃષ્ટિ આપે છે તે વડે સર્વ મારે જાતે સૂક્ષ્મ બુદ્ધિથી જોઈ લેવું પડશે. મધુરી ! તારી જિહ્ના ઉપર જે હ્ય્દયમાધુર્ય લખરૂપ વિલસે છે તે પણ હું જોઉં છું, અને તારી હ્ય્દયશય્યામાં જે અલખ માધુર્ય છે તે પણ હું જોઉં છું. એ લખ માધુર્ય અને અલખ માધુર્ય પરસ્પર સંયુક્ત હોવા છતાં પરસ્પરથી ભિન્ન છે. હું તે ઉભય માધુર્યમાંથી મધ લઈ મધપૂડો રચીશ અને તેમાનું મધ તને આસ્વાદન માટે આપીશ.’

૧ . લગ્નના મંગળફેરા અને સાત પગલાં ભરાય છે તે સપ્તપદી.

૨ . ર્ષ્ઠહષ્ઠીિં

૩ . તટ વગરનો, ૪. જોનારીને

૫. પૂર્ણચંદ્ર ગનમાં રાત્રે રાત્રે જવાલારૂપે પ્રગટો ! મદન મને બાળી નાંખો !- મૃત્યુથી વધારે તે એ શું કરવાનો હતો ? હું તો મારા શ્લાધ્ય તાતને, વ્મળ વંશની જનનીને, અને વિમલ કુળને દયિત ગણું છું. તેના આગળ મારો પ્રિયજન પણ દયિત નથી અને આ મારું જીવન પણ દયિત નથી.- ભવભૂતિ

૬. રસો રતિઃ પ્રીતિભાવો રાગો વેગઃ સમાપ્તિરિતિ રતિપર્યાયાઃ । ઠઠ ફલાવસ્થા રતિ :ઠઠ ફલાવસ્થાયાં સુખત્વેન ચિતપરિસ્પન્દેન રમળાદ્રતિઃ । (કામશાસ્ત્રકારો)

૭. શીલ મનથી ધ્યાનમાં આરોપવું. પરિશીલક એટલે વારંવાર શીલન કરનાર.

૮. સંવનન = લગ્ન પહેલાં સ્ત્રીને વશ કરવાનો પ્રયત્ન-ર્ષ્ઠેિંજરૈર્ ુર્ૈહખ્ત.

૯. અભ્યાસાદભિમાનાચ્ચ તથા સંપ્રત્યયાદપિ । વિષયેભ્યશ્વ તન્ત્રજ્ઞાં પ્રીતિભાહુશ્વતુવિંધામ્‌ ।। (કામશાસ્ત્રકારો)

૧૦.કટ્ઠહષ્ઠઅ

૧૧. હાથમાં ઝાલેલું બોર (ફળ).

૧૨.મમ તુભ્યં સંવનનં તદગ્નિરનુમન્યતામિયં સ્વાહા ।

૧૩. માલતીમાધવ

૧૪. કામતંત્ર

૧૫. પ્રાગ્રજોદર્શનાત્પર્તી નેયાદ ગત્વા પતત્યધઃ । વ્યર્થીકારેળ શુક્રસ્ય બ્રહ્મહત્યામવાપ્નુયાત્‌ । - આશ્વલાયન, સંસ્કાર ભાસ્કર. (કામશાસ્ત્રકારો)

૧૬. ૐ કોદાત્કસ્મા અદાન્‌ કામોદાત્‌ કામાયાદાત્‌ । કામો દાતા કામઃ પ્રતિગૃહીતાકામૈતત્તે ।।

૧. સંસ્કારભાસ્કર - પ્રથમ પગલે કન્યાએ વરને કહેવું કે ‘સર્વ સુખદુઃખનો તારી સાથે વિભાગ કરવામાં આવે છે; જ્યાં તું ત્યાં હું તેવી જ.’૨. બીજે પગલે કહેવું કે ‘બાળખથી તે વૃદ્ધ સુધીનું આ કુટુંબ રક્ષણ કરાવીશ; ને જે છે અને જે નથી તે જોઉં છું.’૩. ત્રીજે પગલે કહેવું કે ‘ભર્તા ઉપર ભક્તિમાં નિત્ય રત થઈશ ; સદા જ પ્રિયભાષિણી થઈશ.’૪. ચોથે પગલે તેણે કહેવું કે ‘તું દુઃખી હોઈશ તો હું દુઃખી થઈશ - સુખદુઃખની સમભાગિની થઈશ ને તારી આજ્ઞાને પાળીશ.’૫. પાંચમે પગલે કહેવું કે ‘ઋતુકાળે શુચિસ્નાત થઈ તારી સાથે ક્રીડા કરીશ; હું બીજાને ગમન નહીં કરું.’૬. છઠ્ઠે પગલે કહેવું કે ‘હવે અહીં વિષ્ણુ આપણા સાક્ષી છે કે તેં મને છેતરી નથી જઃ આપણી બેની પ્રીતિ બની ચૂકી છે.’૭. સાતમે પગલે કહેવું કે ‘હોમયજ્ઞાદિ કાર્યોમાં તેમ ધર્માર્થકામકાર્યોમાં હું તારી સહાયિની થઈશ.’-સપ્તપદીમાં કન્યાની પ્રતિજ્ઞાઓ.