ષડયંત્ર Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ષડયંત્ર

ષડયંત્ર

પ્રશાંત સેતા

[૧]

ગુજરાતનાં પાલનપુરથી દસ કિલોમીટર દૂર દસ હજારની વસ્તીવાળા વળિયા ગામનાં સરપંચ મહેન્દ્ર ચૌધરીની યુવાન છોકરી ઉર્વશી ચૌધરીનું અપહરણ થઇ ગયું. ચોંકાવનારી વાત એ હતી કે એ દિવસે ઉર્વશીનાં લગ્ન હતા, અને લગ્ન મંડપમાં તેની રાહ જોવાઇ રહી હતી. ઘટનાં કાંઇક એવી ઘટાઇ હતી કે સવારે સાડા દસ વાગ્યે ઉર્વશી પાલનપુરનાં એક બ્યુટીપાર્લરથી તેની હોન્ડા સિટી કારમાં વળિયા ગામની વચ્ચો -વચ્ચ આવેલી સરપંચ ચૌધરીની હવેલી પર પાછી ફરી રહી હતી. ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો અને ઉર્વશી લગ્નનાં ડ્રેસમાં પેસેન્જર સીટ પર તેની બહેનપણી વૈશાલી સાથે બેઠેલી હતી. વળિયા માત્ર ત્રણ - ચાર કિલોમીટરનાં અંતરે હતું ત્યારે કાચા રોડ પર અચાનક અપહરણકર્તાઓએ સફેદ સ્કોર્પિયોથી હોન્ડા સિટીને ઓવરટેક કરી સ્કોર્પિયોને હોન્ડા સિટીની આગળ મુકી દીધી હતી. ઉર્વશીની કારનાં ડ્રાઇવરે તેની પ્રતિક્રિયામાં કારની જોરદાર બ્રેક મારી કારને રોડ સાથે ચોંટાડી દેવી પડી હતી. સ્કોર્પિયોમાંથી વાંદરા ટોપી પહેરેલા સામાન્ય બાંધાનાં ચાર લોકો ઉતર્યા. ચારમાંનાં એકે હોન્ડા સિટીનો કાંચ તોડી ડ્રાઇવરનાં ગળે દેસી તમંચો ધરી દિધો અને ડ્રાઇવરને ગાડી નીચે ઉતારી દિધો હતો, બીજાએ મોટો છરો કાઢ્યો અને ઉર્વશીની બહેનપણી વૈશાલીનાં ગળે રાખી દિધો હતો અને બીજા બે લોકોએ ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠેલી ઉર્વશીનો દરવાજો ખોલી તેને બાવડેથી ગાડીની બહાર ખેંચી સ્કોર્પિયોમાં ધકેલી દિધી હતી. બે મિનીટમાં છરાની ધારે, અને દેસી તમંચાની નળીએ ઊંચી વગવાળા સરપંચની છોકરીનું અપહરણ થઇ ગયું હતું. હોન્ડા સિટીનાં ડ્રાઇવર અને ઉર્વશીની બહેનપણી કોઇ પ્રતિક્રિયા આપે, કોઇને ફોન કરે કે પછી મદદ માટે બુમ મારે, એ પહેલા તો સ્કોર્પિયો ધુળની ડમરી ઊડાળતી પાલનપુર જતા રોડ પર અદ્રશ્ય થઇ ગઇ હતી. એ લોકોનાં મોઢા ખુલ્લાં જ રહી ગયા હતા અને સરપંચને શું જવાબ આપવો એની ચિંતામાં પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.

પાલનપુર જીલ્લાનાં વળિયા ગામનાં સરપંચ મહેન્દ્ર ચૌધરી સામે ઊંચા અવાજે કોઇ વાત કરી શકતું નહી, અને જે સરપંચની એક ત્રાડથી સામેવાળાની ચડ્ડી ભીની થઇ જતી એવા માણસની છોકરીનું તેનાં નાક નીચેથી અપહરણ થઇ ગયું હતું. 300 વિઘા જમીન, તબેલામાં ચારસોથી પણ વધારે ગાયો અને ભેંસો, બાપ – દાદાની ગામની વચ્ચે મોટી હવેલી, બે ફાર્મ હાઉસ અને ઉપરથી ગામનાં સરપંચ..!! આવા ધનાઢ્ય સરપંચની છોકરીનું અપહરણ કરવાની હરકત કરીને કોઇએ પોતાની મોતને નિમંત્રણ આપ્યું હતું.

સરપંચ ચૌધરીની હવેલીમાં લગ્નનો માહોલ પૂર જોશમાં જામેલો હતો. નિરજ ઠાકોર, બાજુનાં સાવલી ગામનાં સરપંચનો વિદેશમાંથી ભણીને આવેલો છોકરો જાન લઇને આવી ગયો હતો. લગ્ન મંડપમાં પંડિતજી લગ્નવિધી શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ઉર્વશીની રાહ જોવાઇ રહી હતી કે જેનું લગ્ન સ્થળેથી ત્રણ - ચાર કિલોમિટરનાં અંતરે અપહરણ થઇ ગયું હતું. આખું વળિયા ગામ સરપંચની છોકરીનાં જલસાવાળા લગ્નની મજા માણી રહ્યું હતું ત્યારે અપહરણકર્તાઓ એવા સુવર્ણ મોકાનો બહુ સફાઇથી ફાયદો ઊઠાવી ગયા હતા.

થોડીવારમાં સરપંચનાં દિકરા ગિરીશનો ફોન વાગ્યો. મંગેશ, હોન્ડા સિટી કારનાં ડ્રાઇવરે ગિરીશને માહિતી આપી કે ઉર્વશી બહેનનું અપહરણ થઇ ગયું હતું. ગિરીશે તેનાં પિતાને જાણ કરી કે જે ઉર્વશીની લગ્નવિધી શરૂ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ગિરીશની વાત સાંભળતા તેનાં પિતા મહેન્દ્ર ચૌધરીનો દિમાગ સટકી ગયો અને બોલી ઊઠ્યા ‘આ પેલા હરામખોર તરૂણની જ હરકત છે, મારી દિકરીને અગવા કરી છે. હવે એ નહી બચે માદરબખાલીનો....’. આટલું કહીને સરપંચે તેનાં વેવાઇ ઠાકોરને ઘટનાંથી માહિતગાર કર્યા અને જીપોનો કાફલો લઇને ઘટનાં સ્થળ પર જવા રવાના થઇ ગયા. જામી રહેલા લગ્નનાં માહોલનું એક માતમ જેવા વાતાવરણમાં પરાવર્તન થઇ ગયું. લગ્નમાં જમા થયેલા લોકોને વિશ્વાસ બેસતો ન હતો કે એવો કોણ માઇકા લાલ હશે કે જેણે મહેન્દ્ર ચૌધરીની છોકરીને અગવા કરવાની હિમ્મત દાખવી હતી. વળિયા ગામનું તો કોઇ સપનામાં પણ આવી હરકત કરવાનું વિચારી શકે એમ ન હતું..!!

ગરમ મગજનાં સરપંચ ચૌધરી કોઇ હરકત ન કરે અને કાયદાને પોતાનાં હાથમાં ન લે એ માટે ગિરીશે પોલીસને પણ જાણ કરી દિધી અને એ લોકોને પણ તાબડતોડ ઘટનાં સ્થળે પહોંચી જવા કહ્યું.

નિરજ ઠાકોર કે જે થોડી મિનીટોમાં ઉર્વશી સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો હતો તેણે એક સ્મિત સાથે ગિરીશ સામે જોયું, અને ગિરીશે પણ સામે નિરાંતનો શ્વાસ લેતી સ્માઇલ આપી. ગિરીશ નિરજ પાસે ગયો અને કહ્યું કે ઊર્વશીનાં અપહરણનું કામ સફળતાપૂર્વક પાર પડી ગયું હતું.

હવે, એ લોકો પણ ઘટનાંસ્થળે જવા નિકળ્યા.

[૨]

ખેર, ઉર્વશીનું અપહરણ કરવાનો પ્લાન ઉર્વશી, ગિરીશ અને નિરજે જ બનાવ્યો હતો. અને એ એવું અપહરણ હતું કે જેમાં બધાનું સારું થવાનું હતું. વાત જાણે એમ હતી કે ગિરીશ અને તેની બહેન ઉર્વશી વચ્ચે ભાઇ – બહેનનો અતુટ પ્રેમ હતો. બન્ને ભાઇ – બહેન કમ અને મિત્રો વધારે હતા. હવે, ઉર્વશીને બાજુનાં દેઢીયા ગામમાં રહેતા તરુણ નામનાં છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. આર્થિક રીતે સાધારણ તરુણ પણ ઉર્વશીને બહુ પ્રેમ કરતો હતો. પરંતું, બંનેનો મિલાપ સરપંચ ચૌધરીને લીધે એ જન્મમાં તો શક્ય જ ન હતો. ક્યાં હતી ધનાઢ્ય સરપંચની છોકરી ઊર્વશી અને ક્યાં હતો સામાન્ય કરીયાણાની દુકાનદારનો છોકરો તરુણ...!! ઉર્વશી – તરુણનાં લફરાંની સરપંચને ખબર પડી ગઇ હતી અને પ્રથમ તબક્કાનાં પરિણામરૂપે તરુણને માત્ર બે ફ્રેક્ચરની ભેટ આપી હતી અને તરુણનાં પિતાને તરુણને સમજાવવા માટે સલાહ આપી હતી. કરીયાણાની દુકાનની સાથે – સાથે તરુણને પણ સળગાવી દેશે એવી ચૌધરીનાં સાગરીતો ધમકી આપી ગયા હતા. આ બાજું, ઉર્વશીને ઘરની બહાર નહી નીકળવાનાં ફરમાન જાહેર કરી દિધા હતા. ઉર્વશીને એ વાત બિલકુલ મગજમાં બેસતી ન હતી. તે દુ:ખી હતી અને તેનાં દુ:ખમાં મદદ કરી શકે એવો એક જ માણસ હતો અને એ હતો, ગિરીશ.! ઉર્વશીએ ગિરીશને તરુણ સાથે મિલાવી આપવાની મદદ માંગી હતી, અને એ મદદનાં પરીણામરૂપે અપહરણનાં પ્લાનનો ઉદભવ થયો હતો. આ બાજું સરપંચે ઉર્વશી માટે બાજુંનાં ગામનાં તેનાં હોદ્દાનાં જ ધનાઢ્ય સરપંચનાં છોકરા સાથે વાત નક્કી કરી નાખી હતી. ઉર્વશીને દબાણમાં આવી હાં પાડવી પડી હતી અને તાબડતોડ સગાઇ પણ કરાવી નાખી હતી. પોતાનાં પિતા વિરુધ્ધ જઇ ઉર્વશીને ભગાડવી ગિરીશ માટે તો પડકારજનક જ હતું, પરંતુ, પોતાની બહેનને ન ગમતા પાત્ર સાથે જિંદગી વિતાવતી જોવા કરતા એકવાર પિતાની વિરુધ્ધ જવામાં કોઇ આપત્તિ દેખાતી ન હતી. સમય જતાં બધુ ઠીક થઇ જશે એવી આશા હતી. ઉર્વશીને ઘરની બહાર નીકળવાની સખ્ત મનાઇ હતી અને સતત દેખરેખ હેઠળ હતી એટલે લગ્નનાં દિવસે જ ભગાડવાનો મોકો મળી શકે એમ હતો.

ઉર્વશીનો મંગેતર નિરજ ઠાકોર ભણેલ – ગણેલ, સમજું અને હોશિયાર હતો સાથે - સાથે ગિરીશ અને ઉર્વશીનો સારો મિત્ર પણ હતો. ગિરીશે નિરજને પુરી વાત સમજાવી હતી કે તેની બહેન તરુણને પ્રેમ કરતી હતી. જો નિરજ તેની સાથે લગ્ન કરશે તો ત્રણ જિંદગીઓ બરબાદ થઇ શકે એમ હતી – નિરજની, ઉર્વશીની અને તરુણની..!! જો તે સગાઇ તોડી નાખે તો પણ તેનાં સરપંચ પિતા તરુણ સાથે તો લગ્ન નહી જ કરવા દે એટલે ઉર્વશીને તરુણ સાથે ભગાડવી જ પડે એમ હતી. નિરજ માની ગયો હતો, અને ઉર્વશીનાં અપહરણનાં પ્લાનનો એક હિસ્સો બની ગયો હતો. પછી તરુણનો સંપર્ક કરી તેને વિશ્વાસમાં લીધો હતો. પહેલા તો તરુણે આવી હરકત કરવાનાં શું પરીણામો આવી શકે છે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો, પરંતુ આખરે ઉર્વશી સાથે એક થવા માટે બીજો કોઇ વિકલ્પ ન દેખાતા પરિણામની પરવા કર્યા વિના અપહરણનો ભાગ બની ગયો હતો.

પ્લાન મુજબ બ્યુટીપાર્લરથી પરત ફરતી વખતે ઉર્વશીને ઉપાડવાની હતી, તરુણને બાર કિલોમીટર આગળથી મહેસાણા નેશનલ હાઇ-વે પરથી લેવાનો હતો અને બન્નેને અમદાવાદ છોડવાનાં હતા. ગિરીશનાં મિત્રો પૈકી રાકેશ અને જીગરને મુખ્ય અપહરણકર્તાઓનાં પાત્રો સોપવામાં આવ્યા હતા. ઉર્વશીની બહેનપણી વૈશાલી કે પછી ડ્રાઇવર મંગેશને તો અંદાજો પણ ન હતો કે ઉર્વશીનું અપહરણ બનાવટી હતું...!!

[૩]

ખેર, ગિરીશ અને નિરજ ઘટનાં સ્થળ પર જવા નીકળ્યા. અપહરણનાં સમાચાર મળ્યા એ વાતને વિસ મિનીટ થઇ ગઇ હતી પરંતુ બીજા કોઇ સમાચાર આવ્યા ન હતા.

ગિરીશે તરુણને ફોન જોડ્યો, ‘ક્યા પહોંચ્યા..? બધું બરાબર છે?’

‘ગિરીશભાઇ, ઉર્વશીને અગવા કરેલી કોઇ ગાડી હજુ સુધી આવી નથી’, તરુણે અધિરાઇથી કહ્યુ

તરુણનો જવાબ સાંભળી ગિરીશ મુંજાયો. પ્લાન મુજબ તરૂણને જ્યાંથી બેસાડવાનો હતો તે અપહરણનાં સ્થળેથી માત્ર દસ થી બાર મિનીટનાં અંતરે હતું.

‘ગિરીશભાઇ, મને તો એવું લાગે છે કે મને અને ઉર્વશીને છુટ્ટા પાડવાનો આ તમારો માસ્ટર પ્લાન હતો. મને ત્યાં ઊભો રાખીને લગ્ન મંડપમાં ઉર્વશીનાં ફેરા ફેરવી દેવા હતા…’, તરુણે અકડાઇને કહ્યું

‘નહી તરુણ...પ્લાન મુજબ ઉર્વશીનું અપહરણ થઇ ગયું છે…’, આટલું કહી ગિરીશે ફોન મુકી દિધો. તરુણને કોઇ પ્રતિક્રિયા આપવાનો સમય જ ન રહ્યો

ગિરીશને મગજમાં બેસતું ન હતું કે અપહરણની આટલીવારમાં તો એ લોકો મહેસાણા બાજું ખાસ્સું આગળ નીકળી ગયા હોવા જોઇતા હતા. ગિરીશે ઉર્વશીને ફોન જોડ્યો અને યાદ આવ્યું કે પ્લાન મુજબ ફોન ઘરે જ છોડવાનો હતો.

ગિરીશ અને નિરજ ઘટનાં સ્થળે પહોંચ્યા કે જ્યાં પાલનપુરનાં ઇન્સપેક્ટર ચાવડા તેની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. અપહરણનાં કેસોના સ્પેશિયાલીસ્ટ ઇન્સપેક્ટર ચાવડા મંગેશની પૂછપરછ કરી રહ્યા હતા. મંગેશનાં બયાનો ગિરીશ અને નિરજને ચોંકાવનારા હતા, કાંઇક ખોટું થઇ ગયું હતું. મંગેશનાં બયાનમાં સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો, વાંદરા ટોપી પહેરેલા ચાર અપહરણકર્તાઓ, દેસી તમંચો અને છરો જેવા શબ્દો હતા.

ગિરીશનાં પ્લાન મુજબ ઉર્વશીનું અપહરણ મારૂતી સુઝુકી ઇકો કારમાં માત્ર બે લોકો દ્વારા થવાનું હતું, અને કોઇપણ જાતનાં હથિયારો તો પ્લાનનો હિસ્સો જ ન હતા. ગિરીશ બાજુ પર ગયો અને તેનાં મિત્રોને ફોન કર્યો કે જે ઉર્વશીનું અપહરણ કરવાનાં હતા. એ લોકોનો ફોન મુકતા ગિરીશ હતાશામાં સરી પડ્યો. તેનાં મિત્રોએ માહિતી આપી કે લગ્ન સ્થળથી એક કિલોમીટર દૂર એ લોકો ઉર્વશીની કારની રાહ જોઇ રહ્યા હતા, ત્યાં અચાનક સમચાર મળ્યા હતા કે ઉર્વશીનું અપહરણ થઇ ગયું હતું. અપહરણનાં સમાચાર મળતા એ લોકો ત્યાંથી નાસી ગયા હતા. ગિરીશનાં મિત્રોને એવો વહેમ હતો કે ગિરીશે અપહરણનું કામ બીજા કોઇને સોંપી દિધું હશે એટલે એ લોકોએ ગિરીશનો સંપર્ક કર્યો ન હતો.

[૪]

ગિરીશ સાથે બહુ મોટી રમત રમાઇ ગઇ હતી. ઉર્વશીનું સાચું અપહરણ થઇ ગયું હતું. ગિરીશે નિરજને એ વાતથી માહિતગાર કર્યો

‘શું? ઉર્વશીનું સાચુ અપહરણ?’, નિરજે ગભરાઇને સવાલ કર્યો

‘હાં, અપરણકર્તાઓ મારા સાગરીતો નથી’, ગિરીશે જવાબ આપ્યો.

‘પણ આવું કેવી રીતે બની શકે, ગિરીશ?’, નિરજે સવાલ કર્યો

‘એ તો મને પણ નથી સમજાતું’, ગિરીશે અજાણી દિશામાં જોતાં જ જવાબ આપ્યો

‘હવે શું થશે?’, નિરજે પુછ્યું

ગિરીશ કાંઇ જવાબ ન આપી શક્યો. બન્નેને ચુપ રહેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.

આ બાજું સરપંચ ચૌધરીએ ઇન્સપેક્ટર ચાવડાને તરુણને શોધી અને તેની સામે હાજર કરવાની માંગણી કરી. ચૌધરીનાં મત મુજબ આખી ઘટનાનો મુખ્ય સુત્રધાર તરુણ જ હતો. ચૌધરીએ તેનાં માણસોને પણ તરુણને કોઇ પણ ખુણામાંથી શોધી લાવવાનાં ફરમાન જાહેર કર્યા. એ વાતથી ઘબરાઇ ગિરીશે તરુણને ફોન જોડ્યો અને તેને નાસી જવા કહ્યું. ગિરીશે વધારે ઉમેર્યું હતું કે ઉર્વશીનું સાચે અપહરણ થઇ ગયું હતું. રેશમનાં દોરાની ગાંઢ વળી ગઇ હતી કે જે ખૂલવી અઘરી થઇ ગઇ હતી. ગિરીશની વાત સાંભળી તરુણ બેબાકળો થઇ ગયો અને છુપાઇ જવાને બદલે ઘટાનાં સ્થળ પર આવવા માટે કહેવા લાગ્યો. પોતાનાં પિતાનાં સ્વભાવને ધ્યાનમાં રાખતા ગિરીશે તરુણને સમજાવવાની ઘણી કોશીષ કરી.

‘તરુણ, મારી વાત સમજવાની કોશીષ કર. તું હમણા ભાગી જા. ઉર્વશીને તારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી’, ગિરીશે આજીજી કરી

તરુણ એક ના બે ન થયો અને ઘટનાં સ્થળ પર આવવા નિકળી ગયો

પોલીસે આજુબાજુમાં તપાસ શરૂ કરી. વાયરલેસથી અમદાવાદ તેમજ આબુ - અંબાજી જતા તમામ વાહનોની સઘન તપાસ કરવાની જાણ કરી. હાઇ – વે પર નાકાબંધી જાહેર કરી દિધી. સરપંચની છોકરીનું અપહરણ થયું હતું, અને ચૌધરીનો દબદબો જોતા પોલીસે બધા કેસો પડતાં મુકીને સરપંચની છોકરીને શોધી આપવી પડે એમ હતું

થોડીવારમાં તરુણ ત્યાં પહોંચ્યો. તરુણને જોતા જ સરપંચ તેનાં પર ત્રાટક્યા અને તેનો કોલર પકડી લીધો. ઇન્સપેક્ટર ચાવડાએ સરપંચને કાયદો હાથમાં ન લેવાની સલાહ આપી. સરપંચ ચિલ્લાઇને તરુણને પોતાની દિકરીને ક્યાં રાખી હતી એવું પુછી રહ્યા હતા જ્યારે તરુણ આજીજી કરી રહ્યો હતો કે ઉર્વશીનાં અપહરણમાં તેનો કોઇ હાથ ન હતો. પોલીસે તરુણને ચૌધરી ગુસ્સામાં કાંઇ કરે એ પહેલા કવર કરી લીધો. અત્યારે શંકાની સોઇ તરુણ તરફ જ હતી. હોઇ શકે તરુણે જ અપહરણ કરાવ્યું હોય અને હવે અજાણ્યો બનીને સામે ચાલીને પોતે બેગુનાહ છે એવો ઢોંગ કરતો હોય..!!

‘તે મારી છોકરીને અગવા નથી કરી તો કોણે કરી?’, સરપંચે પોલીસની પકડમાંથી છટકવાનાં પ્રયાસ કરતા તરુણને પુછ્યુ

‘સરપંચજી, કોણે અગવા કરી છે એ જાણવા કરતા શા માટે અગવા કરી છે એ જાણવું વધારે જરૂરી છે...’, ઇન્સપેક્ટર ચાવડાએ હસ્તક્ષેપ કરતા કહ્યું

‘ચાવડા, તમે ગમે તે કરો પરંતુ બે કલાકની અંદર મારી છોકરી મળી જવી જોઇએ. બાકી….’, આટલું કહી સરપંચ જતા રહ્યા

પોલીસને ઘટનાં સ્થળેથી બીજા કોઇ પુરાવાઓ ન મળ્યા. બે સાક્ષીઓ હતા અને મજબુત ગાડીનાં ટાયરનાં નિશાનો હતા. પોલીસ સતત વાયરલેસથી સપંર્કમાં હતી પરંતુ સફેદ સ્કોર્પિયોનાં કોઇ સમાચાર પ્રકટ થયા ન હતા. ઇન્સપેક્ટર ચાવડા વિચારમાં પડી ગયા કે આમ સ્કોર્પિયો અદ્રશ્ય ક્યાં થઇ શકે?

[૫]

પોલીસ તરુણને પુછપરછ માટે લઇ ગઇ. અત્યારે પોલીસની નજરમાં મુખ્ય સુત્રધાર તરુણ જ હતો. સરપંચે જણાવ્યા પ્રમાણે ઓકાત વગરનો તરુણ ઉર્વશી સાથે લગ્ન કરવા માંગતો હતો, સરપંચે તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને ઉર્વશીનાં લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા. રોષે ભરાયેલો તરુણ ઉર્વશીનું અપહરણ કરી સરપંચને ડામ આપવા માંગતો હશે. પોલીસ હમેંશા ગુન્હા પાછળનો હેતુ નક્કી કરે છે અને પછી કેસની તપાસ કરે છે. અત્યારે તો પોલીસની નજરમાં તરુણ સિવાય કોઇ શંકાનાં દાયરામાં ન હતું.

ઇન્સપેક્ટર ચાવડાએ જતા પહેલા ગિરીશને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું.

કસ્ટડીમાં લેતા જ પોલીસે તરુણની ધોલાઇ ચાલુ કરી. એંસી ટકાથી વધારે કેસો પોલીસની પહેલી ગેરકાયદેસર ધોલાઇથી જ સર થઇ જતા હોય છે. તરુણનાં કેસમાં પણ પોલીસે એ જ નિતી અપનાવી હતી, પરંતું કાંઇ હાથમાં ન આવ્યું. તરુણની એક જ રટ હતી કે તેણે કોઇ અપહરણ કર્યું ન હતું. એ તો ઉર્વશીને સાચો પ્રેમ કરતો હતો, અને ઉર્વશી સાથે પ્રેમ તેની મિલકત માટે કરતો ન હતો. ઉલટાં એ તો સરપંચને લખી આપવા પણ તૈયાર હતો કે એને સરપંચની મિલકતમાં કોઇ રસ ન હતો, અને ઉર્વશી પણ લખી આપવા તૈયાર હતી કે તે સરપંચની મિલકતમાં કોઇ ભાગ માંગતી ન હતી. એ બન્ને તો બસ ખુશ રહેવા માંગતા હતા. નાનપણથી એકબીજાને પસંદ કરતા હતા, માત્ર ઓકાતનો પ્રશ્ન હતો જે ઉર્વશીએ સંપૂર્ણપણે નજર અંદાજ કર્યો હતો..!! પોલીસ માટે તરુણ વિરુધ્ધ કોઇ સચોટ પુરાવા ન હતા, છતાંય કસ્ટડીમાં રાખ્યો. હાં, પણ વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય એમ ન હતો.

આ બાજુ થોડીવારમાં ગિરીશ ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર ચાવડા સમક્ષ હાજર થયો. ઇન્સપેક્ટર ચાવડાએ માહિતી આપી કે તરુણને બરાબરનો ધોવા છતાંય ગુન્હો કબુલ કરવા તૈયાર નથી.

‘જો એણે ગુન્હો કર્યો હોય તો એ કબુલ કરે ને, ચાવડા સાહેબ?’, ગિરીશે કહ્યુ

‘એટલે?’,

ગિરીશ અત્યારે પોલીસને એ લોકોનાં બનાવટી અપહરણનાં પ્લાન વિશે જણાવવા માંગતો ન હતો.

‘ચાવડા સાહેબ, ગિરીશ એક સામાન્ય છોકરો છે. અને ઉર્વશીને સાચો પ્રેમ કરે છે. એ ઉર્વશીને ક્યારેય નુકશાન નહી પહોંચાડે...’

‘તમે તરુણની તરફદારી કેમ કરો છો?’, ચાવડાએ આશ્વર્યથી પુછ્યું

‘તરુણ એક સારો છોકરો છે, હું પણ મારા પિતાનાં નિર્ણયની વિરુધ્ધ હતો… હું ઇચ્છતો હતો કે ઉર્વશી તરુણ સાથે ખુશ રહે, એની સાથે લગ્ન થાય. મને મારી બહેન બહુ વહાલી છે એટલે એની ખુશી જ મારી ખુશી હતી...’, ગિરીશની આંખોનાં પાંપણ સુધી આસું પહોંચી ગયા, ‘મારા પિતાએ પોતાનો ઠાઠ અને માભો જાળવી રાખવા મારી બહેનની ખુશીઓને સોદો કરી નાખ્યો હતો..’

‘તમારે કોઇની સાથે દુશ્મની?’, ઇન્સપેક્ટર ચાવડાએ પુછ્યું

‘અમે ધનાઢ્ય અને રાજકારણી લોકો છે, ઘણા લોકોને તકલીફ હશે’,

‘તાજેતરમાં કોઇ અણબનાવ થયો હોય?’, ઇન્સપેક્ટર ચાવડાએ પુછ્યું

ગિરીશ યાદ કરવા લાગ્યો.

‘ચાવડા સાહેબ, એક વાત છે… થોડા સમય પહેલા જમીન મુદ્દે બાજુનાં પિપળીયા ગામનાં એક જમીનદાર સાથે માથકુટ થઇ હતી… જમીન મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે...અમારા બન્નેની જમીન વળિયા – પિપળીયા ગામની સિમા પર જ છે, એ જમીનદારે ધિરે – ધિરે અમારી જમીન પર કબ્જો જમાવ્યો હતો. એ બાબત પર આક્રોષ વ્યક્ત કરતા મારા પિતાએ તેના માણસો દ્વારા જમીનદાર અને તેના દિકરાઓને ધબડાવ્યા હતા. જમીનદારે મારા પિતાને તેની સાથેની દુશ્મની બહુ મોંઘી પડશે એવી ધમકી આપી હતી...’, ગિરીશે થોડા સમય પહેલા બનેલી એક ઘટના વર્ણવી

‘હમમ.... ગિરીશભાઇ, હવે તમે જઇ શકો છો’, ઇન્સપેક્ટર ચાવડાએ ગિરીશને રજા આપી

[૬]

હવે પોલીસ માટે બાજુનો પિપળીયા ગામનો જમીનદાર પણ શંકાની રડારમાં આવી ગયો હતો. પરંતુ, તરુણની જેમ જમીનદારને ઉઠાવીને લાવી ન શકાય. વધુ સમય વેડફ્યા વગર ઇન્સપેક્ટર ચાવડા ટીમ સાથે પૂછપરછ માટે બાજુનાં ગામ પિપળી ગામનાં જમીનદારનાં ઘરે પહોંચી ગયા

‘બોલો…’, જમીનદારે પોલીસને કહ્યુ

‘ઉર્વશી ક્યાં છે?’, ઇન્સપેક્ટર ચાવડાએ સિધો સવાલ કર્યો

‘કોણ ઉર્વશી?’, જમીનદારે પુછ્યું

‘તો તમે ઉર્વશી ને નથી ઓળખતા? તો તમે મહેન્દ્ર ચૌધરીને પણ નહી ઓળખતા હોય?’,

‘વાતને ગોળ ન ફેરવો, સીધે – સીધુ કહો’, જમીનદારે અકળાઇને કહ્યુ

‘વળિયા ગામનાં સરપંચ મહેન્દ્ર ચૌધરી સાથે તમારા જમીનનાં લીધે વિવાદો ચાલે છે. એ વિવાદનાં અંજામરૂપે તમે સરપંચની છોકરીનું અપહરણ કરી લીધું’, ઇન્સપેક્ટર ચાવડાએ આરોપ મુક્યો.

‘શુ?’, જમીનદારે હેબતાઇને કહ્યુ

‘તમે સરપંચની છોકરી ઉર્વશીને ક્યાં રાખી છે?’,

‘મગજ ખરાબ થઇ ગયુ છે, તમારું? મારી પાસે એવી ઘણી જમીન છે...હું જમીન માટે કોઇનું અપહરણ કરાવું?’, જમીનદારે ગુસ્સાથી કહ્યુ

‘જમીન માટે લોકો ખૂન પણ કરાવે, અપહરણ તો ખેર નાની બાબત છે’, ચાવડા સાહેબે સામે જવાબ આપ્યો

‘મેં કોઇ અપહરણ નથી કરાવ્યું.’, જમીનદારે કહ્યુ અને ઉમેર્યું ‘અને બીજી વાત કે આમ મારા પર આરોપ મુકતા પહેલા તમારી પાસે કોઇ પુરાવા હોવા જોઇએ...’,

‘એમ?’, ઇન્સપેક્ટર ચાવડાએ કહ્યુ

‘ચાવડા સાહેબ, પહેલા પુરાવા લઇને આવો. આમ મને દબાવવાની કોશીષ ન કરો. હવે તમે નીકળો અને અમારા જેવા ખાનદાની લોકોને હેરાન ન કરો..’, જમીનદારે ભારપુર્વક કહ્યુ

‘હું અત્યારે જાવ છું, પરંતુ જો એકપણ પુરાવો તમારા વિરુધ્ધ હાથ લાગ્યો એટલે તમને અહિંયાથી ખેંચીને જેલમાં નાખીશ.’, ઇન્સપેક્ટર ચાવડાએ ધમકી આપી અને જતા રહ્યા

જમીનદાર કાંઇ બોલી ન શક્યા. જમીનદારનાં કપાળ પર ડર અને ચિંતાથી ગરમીનાં બિંદુઓ ફુટી નીકળ્યા

[૭]

અપહરણ સવારે સવા સાડા દસ વાગ્યે થયું હતું. બપોરે ત્રણ વાગી ગયા હતા છતાંય ઇન્સપેક્ટર ચાવડાનાં હાથ કાંઇ લાગ્યું ન હતું. પોલીસ પર ઉપરથી દબાણ વધી રહ્યું હતું. ખાલી હાથ ઇન્સપેક્ટર ચાવડા તેના ઉપરી અધિકારીઓની તેમજ સરપંચની ગાળો ખાઇ રહ્યા હતા. અને ચોંકાવનારી વાત એ હતી કે સફેદ સ્કોર્પિયોનાં કાંઇ જ સમાચાર ન હતા..!! આવડી મોટી સ્કોર્પિયો ક્યાં અદ્રશ્ય થઇ ગઇ હતી એ જ વાત સમજાતી ન હતી. ઉર્વશી અપહરણ કેસ ઇન્સપેક્ટર ચાવડાનાં નાકે દમ લાવી દેવાનો હતો, હજુ તો આ શરૂઆત હતી..!! પોલીસે ખબરીનું નેટવર્ક સક્રિય કરી નાખ્યું. કેસને લગતા દરેક ખુણાથી તપાસવાની કોશીષ કરી. છેલ્લી સાડા ચાર કલાકમાં અપહરણ પાછળનાં બે હેતુઓ પાછળ ખાસ્સુ કામ કર્યું પણ કાંઇ હાથ લાગ્યું નહી.

સમય વાયુવેગે પસાર થઇ રહ્યો હતો. એટલીવારમાં સાંજે સાડા પાંચ વાગ્યે ઇન્સપેક્ટર ચાવડાને સફેદ સ્કોર્પિયોનાં સમાચાર મળ્યા અને સાથે એક લાશનાં પણ..!! સ્કોર્પિયો વળિયા – પિપળીયા ગામની સરહદ પર આવેલા જમીનદારનાં ખેતરમાં રહેલા એક ખંડેર પાસે મળી હતી. એ જ જમીનદાર કે જેની ઇન્સપેક્ટર ચાવડા બહુ કડકાઇથી પુછપરછ કરી આવ્યા હતા, અને જેનો જમીન બાબતે સરપંચ ચૌધરી સાથે વિવાદ ચાલતો હતો. તાબડતોડ ઇન્સપેક્ટર ચાવડા ઘટનાં સ્થળ પર પહોંચ્યા, નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો બરામદ થઇ ગઇ, અને સ્કોર્પિયોની બાજુમાં ખંડેરની બહાર એક લાશ પડી હતી. કોઇ પુરુષની લાશ હતી અને છાતી ભાર પડેલી હતી. લાશને સિધી કરી ઓળખતા ઇન્સપેક્ટર ચાવડાની આંખનાં ડોળા બહાર આવી ગયા હતા. એ લાશ ગિરીશની હતી.

ઇન્સપેક્ટર ચાવડા પરસેવે રેબઝેબ થઇ ગયા. હવે સરપંચને સંભાળવા બહુ અઘરૂ થઇ જવાનું હતું.

[૮]

ગિરીશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. સ્કોર્પિયો મળી ગઇ હતી પરંતું એમાં ઉર્વશી ન હતી. ખંડેરમાં પણ ઉર્વશી ન હતી. સ્કોર્પિયોથી બે – ત્રણ કિલોમીટરનાં રેડીયસમાં સઘન તપાસ હાથ ધરી. આખરે થોડે દૂર એક જાળીમાં ઉર્વશી ચિંથરેહાલ હાલતમાં મળી. અર્ધ – નગ્ન અવસ્થામાં મળેલી ઉર્વશીનાં શ્વાસો ચાલી રહ્યા હતા પરંતુ બેહોશ અવસ્થામાં હતી....જોઇને લાગતું હતું કે ઉર્વશી પર ક્રુર રીતે સામુહિક બળાત્કાર થયો હતો. ઇન્સપેક્ટર ચાવડાનાં હોંશ ઊડી ગયા, તેનાં માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ રહ્યા હતા.

પાછલી સાત કલાકમાં સરપંચ ચૌધરી પર આભ તુટી પડ્યું. બે ચોંકાવનારી ઘટાનાઓ ઘટાઇ ગઇ હતી. આખા વળિયા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો. પહેલા ઉર્વશીનું અપહરણ થવું અને પછી ગિરીશની હત્યા..!! અને પછી ઉર્વશી મળી કે જેના પર અમાનવીય બળાત્કાર થયો હતો. ગામવાળાની તો વિચારશક્તિની બહાર હતું.

ગિરીશની લાશ જોતા અત્યાર સુધી શાંત રહેલી ચૌધરાયણ પોક મુકીને રડી પડી. મુછને તાવ પર રાખતા સરપંચ જગ્યા પર જ ખોડાઇ ગયા. દિકરી પર ક્રુર બળાત્કાર અને દિકરાની મોતનો આઘાત સરપંચથી સહન ન થયો અને હાર્ટ એટેક આવી ગયો. સરપંચને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ બાજુ ઇન્સપેક્ટર ચાવડાની મુશીબતો વધતી જતી હતી. ઉર્વશીનો કેસ પુરો થયો ન હતો ત્યાં પડકારજનક ગિરીશની હત્યાનો કેસ ઉમેરાઇ ગયો હતો. ઇન્સપેક્ટર ચાવડા પર દબાણ હતુ કે જો ફટાફટ નિવેડો નહી આવે તો વળિયા ગામનાં લોકો રોષે ભરાસે અને લોહીની નદીઓ વહેશે. પોલીસ સ્ટેશન સળગાવી નાખશે એ વાતમાં પણ કોઇ શંકા ન હતી. વળિયા ગામનાં લોકો માટે સરપંચ ભગવાન સમાન હતા. સરપંચે મુશિબતનાં સમયે ગામની હમેંશા મદદ કરી હતી. જરૂરીયાતમંદોની મદદે ઊભા રહેવામાં સરપંચ ઉચ્ચ ક્રમાંકે હતા અને તેની આગેવાની હેઠળ ગામલોકો પોતાને સુરક્ષિત મહેસુસ કરતા હતા, સરપંચ માટે ગામ લોકોને બહુ માન હતું. મગજથી તામસી હતા, પરંતુ માણસ તો સારા જ હતા.

તાબડતોડ ઇન્સપેક્ટર ચાવડા પિપળીયા ગામનાં જમીનદારને તેના બન્ને દિકરાઓ સાથે ખેંચી લાવ્યા. એની હદમાં રહેલા ખંડર પાસેથી સ્કોર્પિયો મળી હતી, ગિરીશની લાશ અને ઉર્વશી પણ ..!!

‘બોલો, શા માટે આવું કર્યુ?’, ઇન્સપેક્ટર ચાવડાએ ધમકાવતા પુછ્યુ

‘અમને નથી ખબર આ કોણે કર્યું’, જમીનદારનાં એક છોકરાએ કહ્યુ તેનાં જવાબમાં ચાવડા સાહેબે એક તમાચો ચોડી દિધો

‘તારી જમીન પરથી સ્કોર્પિયો મળી છે કે જેમાં ઉર્વશીનું અપહરણ થયું હતું, એક લાશ મળી છે...અને તું કહે છે તને ખબર નથી?’, ચાવડા સાહેબે ઉધ્ધતાઇથી કહ્યુ

‘અમને કોઇ ફસાવવાની કોશીષ કરી રહ્યું છે’, જમીનદારનાં બીજા છોકરાએ ડરતાં-ડરતાં કહ્યુ

‘તને કોઇ શા માટે ફસાવે?’, ચાવડા સાહેબે કડકાઇથી પુછ્યુ

‘અમે મોટા જમીનદાર છીએ, ઘણા લોકોની અમારી જમીન પર નીચ નજરો રહેતી હોય છે’, જમીનદારે કહ્યુ

એટલીવારમાં સબ – ઇસપેક્ટર પરમાર આવ્યા અને ઇન્સ્પેક્ટર ચાવડાનાં કાનમાં કાંઇક કહ્યું. સબ-ઇન્સપેક્ટરને ખબરી પાસેથી માહિતી મળી હતી કે જમીનદારે તેનાં મોટા દિકરા માટે ઉર્વશીનું માગુ નાખ્યું હતું કે જેનાં જવાબરૂપે સરપંચ ચૌધરીએ અપમાનજનકરીતે જમીનદારને ઘરની બહાર કાઢી મુક્યા હતા. એ પછી બન્ને વચ્ચે જમીન વિવાદ પણ શરૂ થયો હતો. જમીનદાર પાસે બદલો લેવાનું સચોટ કારણ હતું.

‘એક તો જમીનનો વિવાદ અને બીજો તમારા દિકરાની વાત ચૌધરીએ ઠુકરાવી દિધી હતી. આ વાતનું તમને માઠું તો લાગ્યું જ હશે, નહી જમીનદાર?’, ઇન્સપેક્ટર ચાવડાએ પુછ્યુ

‘મારા દિકરાની વાત ચૌધરીએ ઠુકરાવી દિધી તો હું અપરાધ કરું? ઇન્સપેક્ટર સાહેબ, અમે ખાનદાની અને ઇજ્જતદાર જમીનદાર છે, અમે કોઇ અપરાધ કરીને અમારી ઇજ્જત પર કિચડ ન ઊછાડીયે...અને રહી વાત અમારી જમીન પર અપરાધ થવાની તો એ જરૂર અમને ફસાવવાનું કાવતરૂ છે...’, જમીનદારે વિનંતીપુર્વક કહ્યુ

ઇન્સપેક્ટર ચાવડાનું ઇન્વેસ્ટીગેશન ફરી – ફરીને અપહરણ અને હત્યાનાં હેતુ પર આવી જતું હતું.

[૯]

અપહરણ થયાને નવ કલાક થઇ ગયા હતા. અપહરણની ભોગ બનેલી ઉર્વશી તો મળી ગઇ હતી કે જેની ભાનમાં આવવાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. સરપંચ ચૌધરી હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે રમત રમી રહ્યા હતા, ગિરીશની લાશ મુર્દાઘરમાં પડેલી હતી, અને ચૌધરાયણ શોકમાં ડુબી ગઇ હતી. સરપંચ ચૌધરીનો પુરો પરિવાર વેર -વિખેર થઇ ગયો હતો.

તરુણને ઉર્વશીનાં સમાચાર મળતા તરુણ શુન્યમન્યસ્ક અવસ્થામાં સરી પડ્યો. તરુણનાં પિતા ઇન્સપેક્ટર ચાવડાને તરુણને છોડી દેવાની સવારથી આજીજી કરી રહ્યા હતા, પરંતું તેને છોડી શકાય એમ ન હતો. રાત્રે દસ વાગ્યે તરુણ ઇન્સપેકટર ચાવડા સમક્ષ ભાંગી પડ્યો. તરૂણથી રહેવાયું નહી અને એ લોકોનાં બનાવટી અપહરણનાં પ્લાન વિષે ઇન્સપેક્ટર ચાવડાને માહિતી આપી દિધી.

‘શું? તમે આવડી મોટી વાત મારાથી છુપાવી?’, ઇન્સ્પેક્ટર ચાવડા ભડકી ઊઠ્યા અને તરૂણનો કોલર પકડી તરૂણને દિવાલ સાથે દાબી દિધો

‘સાહેબ, અમારો કોઇ બદઇરાદો ન હતો. હું અને ઉર્વશી એકબીજાને સાચો પ્રેમ કરતા હતા..અને એક થવા માંગતા હતા..આ પ્લાન ઉર્વશીએ જ બનાવેલો હતો’, તરુણ રડવા લાગ્યો

‘પોલીસને ગુમરાહ કરવાનાં અપરાધમાં હું તને જેલમાં સબડાવી શકું છું’, ચાવડા સાહેબે ગુસ્સાથી કહ્યુ

‘સાહેબ અમારી ભૂલ થઇ ગઇ’,

ઇન્સપેક્ટર ચાવડા કાંઇ બોલ્યા નહી અને ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા.

બીજા દિવસે સવારે ગિરીશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો. ગિરીશની મોત વિન્ડ પાઇપ (શ્વાસનળી) દબાવી નાખવાથી થઇ હતી. અંદાજે ત્રણ થી ચાર લોકોએ મળીને હત્યા કરી હતી. શરીર પર હાથાપાઇનાં નિશાનો પણ હતા. ઇન્સપેક્ટર ચાવડા અંદાજો લગાડી રહ્યા હતા કે ગિરીશે સફેદ સ્કોર્પિયોનો પતો લગાવી લીધો હતો અને પોતાની બહેનને બચાવવા એ ખંડેર પર પહોંચી ગયો હતો. પોતાની બહેનને બચાવવાનાં પ્રયાસમાં ગિરીશે પોતાની જાન ગુમાવી હતી.

હજી સુધી અપહરણ પાછળ કોઇ સચોટ ઇરાદો સામે આવતો ન હતો. બનાવટી અપહરણની આડમાં કોણે સાચે અપહરણ કરી નાખ્યું હતું એ પહેલીનો જવાબ ઇન્સપેક્ટર ચાવડાએ જલ્દી આપવાનો હતો .

ઇન્સપેક્ટર ચાવડાએ નિરજને ઊઠાવી લીધો, ઉર્વશીનાં બનાવટી અપહરણમાં નિરજ પણ સામેલ હતો. બની શકે છે કે બનાવટી અપહરણની આડમાં નિરજ ઠાકુરે જ ઉર્વશીનું સાચુ અપહરણ કરાવી નાખ્યું હોય. અને એ બાબતની ગિરીશને જાણ થતા તેને પતાવી દિધો હોય. નિરજને ઉર્વશી સાથે સાચે લગ્ન કરવા હોય પરંતુ ઉર્વશીને નિરજ પસંદ ન હોય એ બાબતનું પણ લાગી આવ્યું હોય.

નિરજની પૂછપરછ ચાલુ કરી

‘તમે લોકોએ ભેગા મળી આવડી મોટી વાત મારાથી છુપાવી. તમને ખબર છે આનું શું પરીણામ આવી શકે છે?’, ઇન્સપેક્ટર ચાવડાએ શરૂઆત કરી

‘સાહેબ, ઉર્વશીનું અપહરણ કરાવવામાં અમારો કોઇ ખરાબ ઇરાદો ન હતો. હું ઉર્વશીની સાથે લગ્ન કરીને ત્રણ લોકોની જિંદગી બરબાદ કરવા માંગતો ન હતો. અને આ પ્લાન ખુદ ઉર્વશીએ જ બનાવેલો હતો…’, નિરજે પોતાની વાત મુકતા કહ્યુ

‘બની શકે કે તને ઉર્વશી ગમતી હતી પરંતું ઉર્વશી તારી સાથે જિંદગી વિતાવવા માંગતી ન હતી અને એના આક્રોષમાં તે જ આ ક્રુત્ય કર્યુ હોય..’, ઇન્સપેકટર ચાવડાએ શંકાથી પુછ્યું

‘ના સાહેબ ના, મારો આમાં કોઇ જ હાથ નથી. બનાવટી અપહરણનો હું એક ભાગ હતો, પરંતુ મેં ઉર્વશીનું સાચું અપહરણ નથી કરાવ્યું’, નિરજ પર આરોપ મુકાતા બચાવમાં કહ્યુ

‘અપહરણ કોણ કરવાનું હતું?’,

‘ગિરીશનાં બે મિત્રો’, નિરજે કહ્યુ

‘ફોન કર અને અભી હાલ એ લોકોને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહે’, ઇન્સપેક્ટર ચાવડાએ કહ્યુ અને નિરજે એમ કર્યુ

[૧૦]

બન્ને પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને પૂછપરછ ચાલુ કરી પરંતુ ખાસ કાંઇ હાથ લાગ્યુ નહી. રાકેશ અને જીગર ગિરીશનાં ખાસ મિત્રો હતા. માત્ર અને માત્ર ગિરીશની યારી નિભાવવા માટે પ્લાનનો હિસ્સો બન્યા હતા.

ઇન્સપેક્ટર ચાવડાનાં હાથમાં ખાસ કાંઇ આવતું એટલે અકળાઇ રહ્યા હતા. પુરી ઇન્વેસ્ટીગેશન ટીમની નિંદર હરામ થઇ ગઇ હતી.

ઇન્સપેક્ટર ચાવડા નિરજ પાસે આવ્યા અને એક સવાલ પુછ્યો, ‘તમારા ખોટા અપહરણની વિશે કોણ – કોણ જાણતું હતું ?’

નિરજની માહિતી મુજબ ખોટા અપહરણની જાણ સાત વ્યક્તિઓને હતી - ઉર્વશી, તરુણ, ગિરીશ, રાકેશ, જીગર, નિરજ પોતે અને હજી એક વ્યક્તિ કે જેની ઇન્સપેક્ટર ચાવડાએ હજી સુધી પૂછપરછ કરી જ ન હતી. બનાવટી અપહરણ વિશે માહિતી ધરાવનાર સાત વ્યક્તિઓમાંથી છ લોકોની સઘન પુછપરછ થઇ ગઇ હતી. એ સાતમી વ્યક્તિનું નામ પુરા અપહરણ કાંડમાં પહેલીવાર સામે આવ્યું.

થોડીવારમાં સબ – ઇન્સપેક્ટર પરમાર ઇન્સપેક્ટર ચાવડાને બોલાવવા માટે આવ્યા. કેસને લગતી બહુ અગત્યની માહિતી મળી હતી. સબ – ઇન્સપેક્ટર પરમારને ખબરીની ટીપ મળી હતી કે વળિયા ગામનાં એક ખેતરમાં કામ કરતા રાજસ્થાનનાં ચાર ખેત મજુરો અપહરણની સવારથી દેખાયા ન હતા.

‘એ ચારેય કોના ખેતરમાં કામ કરે છે ?’, ઇન્સપેક્ટર ચાવડાએ અધિરાઇથી પુછ્યુ.

જવાબમાં સબ – ઇન્સપેક્ટર પરમારે જે નામ આપ્યું એ સાંભળીને ઇન્સપેક્ટર ચાવડાને અંદાજો આવી ગયો હતો કે હવે કેસ પુરો થવાની ચરમસીમા પર આવી ગયો હતો. એ વ્યક્તિ એ જ સાતમી વ્યક્તિ હતી કે જે ઉર્વશીનાં બનાવટી અપહરણ વિશે માહિતી ધરાવતી હતી અને તેનું નામ નિરજનાં મોઢે સાંભળ્યું હતું.

ઇન્સપેક્ટ ચાવડાએ એ ચારેય લોકોને ગમે ત્યાં હોય ત્યાંથી પકડી લાવવા સબ – ઇન્સપેક્ટર પરમારને આદેશ આપ્યા. બાજુંના તમામ રાજ્યોનું પણ ખબરી નેટવર્ક સક્રીય કરી નાખવા કહ્યું

ઇન્સપેક્ટર ચાવડાને કેસને લગતી મોટી લીડ મળી ગઇ હતી પરંતુ એ માણસે આવું શા માટે કર્યુ એ હેતુ સમજાતો ન હતો. બીજા દિવસે ઇન્સપેક્ટર ચાવડા ઉર્વશી સાથે વાત કરવા માંગતા હતા પરંતુ અડધી રાત્રે ત્રણ વાગ્યે ખરાબ સમાચાર મળ્યા હતા કે ઉર્વશી મોતને ભેટી ગઇ હતી. ઉર્વશી પર જોર – જબરદસ્તી થઇ હતી...માર પણ મારવામાં આવ્યો હતો...અને એ બધું ઉર્વશી સહન કરી શકી ન હતી. ડોક્ટરોએ બનતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મોતની સામે જીતી શકી ન હતી.

આ બાજું સરપંચ ચૌધરીની તબિયતમાં સુધારો થતો ન હતો. તબિયત વધારે ને વધારે બગડી રહી હતી, હાર્ટ – એટેક પછી પેરાલિસીસની અસર થઇ ગઇ હતી. સરપંચ ચૌધરી હોસ્પિટલનાં સ્પેશિયલ વોર્ડમાં સતત વેંટીલેટર પર હતા.

ઇન્સપેક્ટર ચાવડાએ એ સાતમી વ્યક્તિને પકડી લાવવા નિકળી પડ્યા. ટીમ સાથે એ વ્યક્તિનાં ઘરે પહોંચ્યા તો ઘરે ન મળી. એ શંકા હકીકતમાં બદલાઇ ગઇ હતી કે ઉર્વશીનાં અપહરણ પાછળ તેનો જ હાથ હતો.

[૧૧]

એ સાતમી વ્યક્તિ હતી વૈશાલી, ઉર્વશીની ખાસ બહેનપણી કે જે અપહરણ સમયે ઘટનાં સ્થળ પર હાજર હતી. બ્યુટી પાર્લરથી પરત ફરતી વખતે ઉર્વશીની બાજુમાં જ બેઠી હતી. વૈશાલીનાં ખેતરમાં જ રાજસ્થાનનાં એ ચાર મજુરો કામ કરતા હતા. ઇન્સપેક્ટર ચાવડાએ ઘટનાં સમયે વૈશાલીની ઔપચારીક પૂછપરછ કરી હતી કે જેનાં જવાબો ડ્રાઇવર મંગેશે આપેલા જ હતા. ઇન્સપેક્ટર ચાવડાને વૈશાલીની વધારે પૂછપરછ કરવાનો વિચાર સુધ્ધા આવ્યો ન હતો. અપહરણનાં કેસો સોલ્વ કરવામાં આગવું નામ ધરાવતા ઇન્સપેક્ટર ચાવડા આ કળી કેમ ચુકી ગયા એ સમજમાં આવતું ન હતું, બહુ મોટી ભુલ થઇ ગઇ હતી. વૈશાલી ઉર્વશીની ખાસ બહેનપણી હતી, અને ઉર્વશી વિશે તમામ માહિતીઓ વૈશાલી પાસે હોઇ શકે એ પહેલુંનો વિચાર સુધ્ધાં ઇન્સપેક્ટર ચાવડાને આવ્યો ન હતો. આખું ઇન્વેસ્ટીગેશન કોઇ અલગ જ દિશામાં ચાલી રહ્યું હતું.

વૈશાલી અને તેનાં ચાર સાગરિતો ગાયબ હતા. વૈશાલીનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ઇન્સપેક્ટર ચાવડાએ વૈશાલીનો ફોન સર્વેલન્સમાં નાખી દિધો.

આ બાજુ સબ – ઇન્સપેક્ટર પરમારે વૈશાલી સાથે તેનાં ચાર સાગરિતોનાં ફોટાઓ આખા ગુજરાત તેમજ પડોશી રાજ્યોનાં બધા પોલીસ સ્ટેશનોમાં મોકલી આપ્યા

ઇન્સપેક્ટર ચાવડા નિરજને મળ્યા અને વૈશાલી આવું શા માટે કરે તેની પૂછપરછ કરી, પરંતું નિરજને કાંઇ જ અંદાજો ન હતો. એ તો વૈશાલીને બરાબરથી ઓળખતો પણ ન હતો. પછી રાકેશ અને જીગરની પૂછપરછ કરી પણ ખાસ કાંઇ માહિતી મળી નહી. ઇન્સપેક્ટર ચાવડા તરુણને મળ્યા.

‘શું? આ બધું વૈશાલી એ કરાવ્યુ?’, તરુણે આશ્વર્યથી પૂછ્યું અને ઉમેર્યુ, ‘પણ, વૈશાલી આવું શા માટે કરે?’

‘એ તો અમે પણ જાણવા માંગીએ છે કે વૈશાલી આવું શા માટે કરે? પોતાની ખાસ બહેનપણી સાથે આવું કરવાનો ખાસ મકસદ શું હોય શકે?’, ચાવડા સાહેબે પુછ્યું

‘સાહેબ મને કાંઇ ખબર નથી… વૈશાલી અમારી ખાસ મિત્ર છે...મને તો માનવામાં નથી આવતું કે વૈશાલીએ આવું કરે...’, તરુણ હતાશ થઇ ગયો.

તરુણ ઉર્વશીની મોતથી સંપુર્ણપણે ભાંગી ગયેલો હતો, અને ઉપરથી વૈશાલીનો હાથ હતો એ સાંભળીને વધારે શોકમાં ડૂબી ગયો

ઇન્સપેક્ટર ચાવડાએ તરુણ, નિરજ, રાકેશ અને જીગરને ગામ છોડીને નહી જવાની શરતે જેલમાંથી છોડી મુક્યા. વૈશાલી આવું શા માટે કરે એ જાણવા માટે ઇન્સપેક્ટર ચાવડા સરપંચનાં ઘરે ગયા. આ સવાલનો જવાબ કદાચ ચૌધરાયણ પાસે હોઇ શકે એ આશાથી સરપંચનાં ઘરમાં માતમનો માહોલ હોવા છતાંય પૂછપરછ માટે પહોંચી ગયા

[૧૨]

સરપંચનાં છોકરાની ચિતા બરાબરથી ઠરી ન હતી ત્યાં ઉર્વશીની ચિતા તૈયાર થઇ રહી હતી. ચૌધરાયણ અજ્ઞાત દિશામાં જોઇ રહી હતી. સામે તેની લાડકી દિકરી સફેદ કપડામાં વિંટાયેલી હતી. છેલ્લી છત્રીસ કલાકમાં કેટલુંય બની ગયું હતું. ઘર તો લગ્નનાં માહોલથી હજી શણગારેલું હતું, પરંતુ ઢોલ – નગારા અને શરણાઇને બદલે પોક મુકીને રડતા લોકોની ગુંજ ગાજી રહી હતી.

ઇન્સપેક્ટર ચાવડાએ ચૌધરાયણને પાંચ મિનીટ બહાર બોલાવ્યા. ઇન્સપેક્ટર ચાવડાને એક જ સવાલનો જવાબ જોઇતો હતો કે વૈશાલી પાસે આવું કરવા માટે શું કારણ હોઇ શકે?

‘ચૌધરાયણ, વૈશાલી આવું શા માટે કરે?’, ઇન્સપેક્ટર ચાવડાએ કહ્યુ

ચૌધરાયણ ચુપ હતી. બન્ને સંતાનોનાં મોતનાં શોકમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ હતું

‘ચૌધરાયણ, એવું કાંઇક છે જે અમને ખબર નથી. કેસ ખતમ કરવામાં કાંઇક ખૂંટતુ હોય એવું લાગે છે. વૈશાલી પકડાય એ પહેલા અમારે જાણવું છે કે વૈશાલી આવું શા માટે કરે?’, ઇન્સપેક્ટર ચાવડાએ કહ્યુ

ચૌધરાયણનાં મોઢામાંથી શબ્દો નીકળી શકતા ન હતા.

‘ચૌધરાયણ, તમારે બોલવું જરૂરી છે’,

‘વૈશાલી…’, ચૌધરાયણ બોલી

‘હાં શું વૈશાલી?’, ઇન્સપેક્ટર ચાવડાએ અધિરાઇથી પૂછ્યુ

‘વૈશાલી સરપંચ ચૌધરીની જ દિકરી છે…’, ચૌધરાયણે ખુલાસો કર્યો

‘શું?’, ઇન્સપેક્ટર ચાવડાએ આસ્ચર્યથી પૂછ્યુ

‘હાં, સરપંચ ચૌધરીની નાઝાયદ ઓલાદ છે. અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ગિરીશ અને ઉર્વશી પણ અજાણ હતા’, ચૌધરાયણે માહિતી આપી અને દોડીને જતી રહી

જ્યારે ઇન્સપેક્ટર ચાવડા વૈશાલીનાં ઘરે ગયા હતા ત્યારે ત્યાં વૈશાલીની માં હતી તે બીજી ચૌધરાયણ હતી.

ઇન્સપેક્ટર ચાવડાનો ફોન વાગ્યો. ચાર અપહરણકર્તાઓમાંથી એક જણ રાજસ્થાનનાં ઉદેપુરથી પકડાઇ ગયો હતો. રાજસ્થાન પોલીસે તેની બરાબરની ધોલાઇ કરતા તેણે બીજા ત્રણ જણનાં ઠેકાણાની માહિતી આપતા આગલી અડધી કલાકમાં જ રાજસ્થાનમાં અલગ – અલગ જગ્યાએથી પકડાઇ ગયા હતા. ચારેયને ઇન્સપેક્ટર ચાવડાનાં પોલીસ સ્ટેશન પર મોકલવા રવાનાં કરી દેવામાં આવ્યા હતા.

ચાર આરોપીઓ તો પકડાઇ ગયા હતા પરંતુ વારદાતની મુખ્ય સુત્રધાર વૈશાલી હજુ ફરાર હતી.

ઇન્સપેક્ટર ચાવડા પોલીસ સ્ટેશનમાં માંથુ ખંજવાળતા રહી ગયા. કેસ ક્યાંથી ક્યાં વળાંકો લઇ રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આમ થી આમ ચક્કર મારી રહ્યા હતા એવામાં સારા સમાચાર મળ્યા કે વૈશાલીનું લોકેશન ટ્રેસ થઇ ગયું હતું. અંબાજીમાં કોઇ હોટેલ આસપાસ દેખાતું હતું. વધુ સમય વેડફ્યા વગર સબ – ઇન્સપેક્ટર પરમાર બે મહિલા કોન્સટેબલ સાથે તાબડતોડ અંબાજી જવા રવાના થઇ ગયા

આ બાજુ પાલનપુર પહોંચતા વૈશાલીનાં ચાર સાગરીતોની ઇન્સપેક્ટર ચાવડાનાં કોન્સટેબલોએ બરાબરની ધોલાઇ કરી. એ લોકોએ અપરાધ કબુલ કરી લીધો. એ ચારેય વૈશાલીનાં ખેતરમાં દૈનિક વેતન પર મજુરી કરતા હતા. રાજસ્થાનનાં ગરીબ યુવાનો વારંવાર વૈશાલી પાસે એડવાન્સ વેતન માંગતા રહેતા. એ લોકોને પૈસાની જરૂરીયાત હતી એ જાણી વૈશાલીએ અપહરણનું કામ ચારેય પાસે કરાવવાનું નક્કી કર્યું હતું. ઉર્વશીને અગવા કરવાનાં પચાસ – પચાસ હજાર રૂપિયા આપ્યા હતા. એ લોકોએ ઉમેર્યું હતું કે ગિરીશને મારી નાખવાનો કોઇ પ્લાન ન હતો, માત્ર અપહરણ જ કરવાનું હતું. ગિરીશે એ લોકોને શોધી લીધા એટલે ગિરીશને પતાવી દેવો પડ્યો હતો. ઉર્વશીનો બળાત્કાર કરવાનું પણ પ્લાનનો ભાગ ન હતો. એ તો અમે ઉર્વશીને જોઇને બહેકી ગયા હતા. અમારે તો માત્ર બે દિવસ તેને અગવા કરીને રાખવાની હતી અને એક તગડી રકમ ચૌધરી પાસેથી માંગવાની હતી, બસ..!!

આખા વળિયા ગામમાં ગમગિની છવાઇ ગઇ. બધાને હમેંશા મદદ કરતા સીધા – સાદા ગિરીશની હત્યા થઇ ગઇ હતી. એકદમ હસમુખ અને પ્રેમાળ ઉર્વશીનું નરાધમ અપરાધીઓએ બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારી દિધી હતી. અને સરપંચનું અડધું અંગ ખોટું થઇ ગયું હતું.

[૧૩]

અપહરણની ચાલીસમી કલાકે અપહરણની મુખ્ય સુત્રધાર વૈશાલી ઇન્સપેક્ટર ચાવડાની સામે આવી. દેખાવમાં ભોળી લાગતી વૈશાલીએ કાબિલે તારીફ અપહરણનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કદાચ જાણતી ન હતી કે કોઇ પણ અપરાધની અંતિમ મંઝિલ તો જેલ જ હોય છે. બનાવટી અપહરણની આડમાં સાચું અપહરણ કરાવી પોતાની ખાસ મિત્રની સાથે વિશ્વાસઘાત કર્યો હતો, અને એ વિશ્વાસઘાતનાં પરીણામરૂપે બે નિર્દોષ લોકોએ જિંદગી ગુમાવી પડી હતી.

‘વૈશાલી, હવે તારા મોઢેથી પુરૂ સત્ય સાંભળવું છે’, ઇન્સપેક્ટર ચાવડાએ પુછ્યુ

વૈશાલીએ પહેલેથી શરૂઆત કરી, ‘સરપંચ ચૌધરીએ અમારી સાથે બહુ અન્યાય કર્યો. હું, ગિરીશ અને ઉર્વશીની જેમ સરપંચની જ છોકરી હતી, પરંતુ મને અને મારી માંને સ્વિકાર્યા નહી. હું તેની નાઝાયદ ઓલાદ હતી. પોતે બે પત્નીઓ રાખી શકતા હતા પરંતુ મારી માં ને તરછોડી ચૌધરાયણ સાથે રહેવાનું પસંદ કર્યુ હતું. અમને રખડતા છોડી દિધા હતા..નાનકડું ખેતર આપી ગામની સીમમાં ઘર બનાવી આપ્યું...પોતાનાં છોકારાઓને બધી સગવડ અને સુવિધાઓ, જ્યારે મારે કાંઇ જરૂરીયાત હોય તો મારી માં ને લોકોથી બચી તેની સામે હાથ ફેલાવવો પડતો હતો...બહુ ગુસ્સો આવતો હતો...તેનાં છોકરાઓને બહાર ફરવું, અને મોજ મજા કરવા મળતા હતા જ્યારે મને કાંઇ જ મળતું નહી...મારે ખેતી કરાવીને ઘર ચલાવવું પડતું હતું...બહુ દાઝ હતી મને ચૌધરી પર....હું એને તકલીફ આપવા માંગતી હતી...ઉર્વશીનું અપહરણ કરી હું ચૌધરીને તકલીફ આપવા માંગતી હતી...તેની પાસેથી એ રોડ પર આવી જાય એટલી રકમ માંગવી હતી...રે ગિરીશને મારી નાખવાનો પ્લાન ન હતો...ઉર્વશીનો બળાત્કાર કરાવવાનો પણ પ્લાન ન હતો...માત્ર અને માત્ર ચૌધરીને રોડ પર લઇ આવવો હતો...ઉર્વશીનાં બનાવટી અપહરણનો હું પણ ભાગ હતી...અને એ અપહરણની આડમાં જ મેં મારો હેતુ સિધ્ધ કરવાનું વિચાર્યું હતું’

‘અગર તારી સાથે અન્યાય થયો હતો તો તારે કાયદાની મદદ લેવી જોઇતી હતી..’,

‘કાયદો? ક્યો કાયદો? કાયદાની મદદ લેવાની કોશીષ કરેલી, પરંતુ ચૌધરી અમારી પહોંચની બહાર હતો...અને કાયદાની પણ...’ વૈશાલીએ નફફટાઇથી કહ્યુ

ઇન્સપેકટર ચાવડા ચુપ થઇ ગયા અને વૈશાલીને લઇ જવા કહ્યું. સબ – ઇન્સપેક્ટર પરમારને વૈશાલી અને તેનાં ચાર સાગરીતો વિરુધ્ધ ચાર્જશીટ બનાવવાનાં આદેશ આપ્યા. ચાલીસ કલાકમાં અપહરણ કેસોનાં સ્પેશિયાલીસ્ટ ઇન્સપેક્ટર ચાવડાએ વધુ એક જટીલ કેસ પાર પાડી દિધો હતો...વૈશાલીનાં બદલાની ભાવનાએ એક પરિવારને ઊજાળી નાખ્યો હતો. વૈશાલીની માં ને તો દુર – દુર સુધી અંદાજો ન હતો કે આવળી મોટી ઘટનાંની મુખ્ય સુત્રધાર પોતાની દિકરી જ હતી...

સરપંચ ચૌધરીને વૈશાલી તકલીફમાં જોવા માંગતી હતી એ હેતુ સર થઇ ગયો હતો પરંતુ બે નિર્દોષ લોકો એ બદલાની ભાવનાનો શિકાર થઇ ગયા હતા.

**** સમાપ્ત ****