ધ ટેટૂ - ભાગ ૧ Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ટેટૂ - ભાગ ૧

ધ ટેટૂ

ભાગ – ૧

પ્રશાંત સેતા

ધ ટેટૂ – ભાગ ૧

(આ વાર્તા O. Henry ની ‘After Twenty Years’ નામની ઇંગ્લીશ ટુંકીવાર્તા પર પ્રેરીત છે)

જુન ૧૯૯૫

મુંબઇનાં મસ્જીદ બંદર વિસ્તારનાં ફૈઝલ સૈયદ અને દેવેન્દ્ર શેવાલે ખાસ મિત્રો હતા. બાળપણથી જ્યાં જુઓ ત્યાં સાથે ને સાથે જ રહેતા. સાથે જ ખાવું– પીવું, હરવું –ફરવું, રમવું તેમજ એક જ સ્કુલમાં ભણવું. અચરજ પમાડે એવી એક વાત હતી કે યોગાનુયોગ બંનેનો જન્મ પણ એક જ દિવસે થયો હતો, ૧૩ જુન ૧૯૭૪. કપાયેલા પતંગો સાથે લુંટવાવાળા તેમજ ડબલું લઇને રેલની પટરીઓ પર સંડાસ પણ સાથે જવાવાળા લંગોટિયા મિત્રો જોત જોતામાં તો યુવાન થઇ ગયા અને એક જ કોલેજથી સ્નાતકની ડીગ્રી પણ મેળવી લીધી. જેમ-જેમ સમય જતો ગયો તેમ – તેમ બંનેની મિત્રતા ગાઢ બનતી ગઇ. શોલેનાં જય-વિરુ જેવા મિત્રો હતા અને એક બીજા માટે પ્રાણ આપી દેવા પણ તૈયાર થઇ જાય એ વાતમાં પણ કોઇ શંકા ન હતી. એક હિંદુ અને એક મુસ્લિમ હોવા છતાંય બંનેમાં ક્યારેય જાતિવાદ આવ્યો ન હતો. ફૈઝલ અને દેવેન્દ્રનાં પરિવારજનોને પણ બંનેની મિત્રતાથી કોઇ આપત્તિ ન હતી, ઊલટાં તેઓ બંનેની મિત્રતાને લીધે નજીક આવ્યા હતા અને એમની વચ્ચે પણ સારા સંબંધો વિકસ્યા હતા. દેવેન્દ્રનો પરિવાર ફૈઝલનાં પરિવાર સાથે ઇદની ઊજવણી કરતો, તો ફૈઝલનો પરિવાર દેવેન્દ્રનાં પરિવાર સાથે દિવાળીની ઊજવણી કરતો.

કુશળ, મહત્વકાંક્ષી, આત્મવિશ્વાસથી છલોછલ એવા બંને મિત્રો અઠવાડિયામાં એકવાર હાજી અલી દરગાહ જતા અને એક વખત સિધ્ધિવિનાયક મંદિર જતા. સીધા, સાદા, પ્રમાણિક અને વચનબદ્ધ મિત્રો એક ઊમદા મિત્રતાનું ઉદાહરણ દુનિયા સમક્ષ રજુ કરતા હતા.

૧૯૯૫ માં ગ્રેજ્યુએશન પતાવ્યા પછી બંને સારી નોકરીની શોધમાં હતા અને સમય જતા સામાન્ય નોકરી પર લાગ્યા. ફૈઝલની પૈસા કમાવવાની ગગનચુંબી ઇચ્છા હતી, જ્યારે દેવેન્દ્ર ઓછામાં પણ સંતુષ્ટ હતો અને આગળ ભણી સારી નોકરી કરવા માંગતો હતો. ફૈઝલ થોડો મગજનો તામસી હતો જ્યારે દેવેન્દ્ર મગજનો એકદમ શાંત હતો. ફૈઝલ ધુની અને બહુ શાતિર હતો, જયારે દેવેન્દ્ર થોડો ધીમો અને ભોળો હતો. બંને મધ્યમવર્ગીય પરિવારનાં હતા એટલે વહેલી તકે પૈસા કમાવવાની શરૂઆત કરવી જરૂરી હતી. એક દિવસ ફૈઝલને વિદેશ જઇ વધારે પૈસા કમાવવાનો વિચાર આવ્યો અને તેણે દેવેન્દ્ર સમક્ષ પોતાનાં મનની વાત રજુ કરી, પરંતુ દેવેન્દ્રએ પોતાના દેશને જ પોતાની કર્મભૂમિ રાખવાની સલાહ આપી. બંને મિત્રો એકબીજાનાં નિર્ણયને માન આપતા એટલે ફૈઝલે એકલા વિદેશ જવાનો નિર્ણય કર્યો અને દેવેન્દ્રએ મુંબઇમાં જ રહીને આગળ વધવાનો નિર્ણય લીધો.

આખરે, વર્ષોથી સાથે રહેતા મિત્રોને છુટ્ટા પડવાનો સમય આવ્યો. ૧૩ જુન, ૧૯૯૫નાં દિવસે બંનેએ બાવીસમો જન્મદિવસ સાથે ઉજવ્યો. જોગાનુંજોગ એ દિવસે જ અડધી રાત્રે ફૈઝલે ભારત છોડી જવાનું હતું, દુબઇ જવાનો નિર્ણય કર્યો હતો ફૈઝલ રાત્રે દુબઇ માટે નીકળી જવાનો હોવાથી બંને મિત્રો સવારથી જ આખો દિવસ સાથે રહ્યા હતા. સાથે હર્યા – ફર્યા અને બાળપણની એક – એક ક્ષણોને યાદ કરી, જ્યાં– જ્યાં બાળપણની યાદીઓ જોડાયેલી હતી એ તમામ સ્થળો પર ગયા, જ્યાં ભણતા એ સ્કુલ અને કોલેજે ગયા, જ્યાં વાંચવા જતા એ ફોર્ટ એરીયામાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીએ પણ ગયા, અને હાજી અલી દરગાહ અને સિધ્ધિવિનાયક મંદિરને તો કેમ ભુલી શકે? એ દિવસે દરગાહ અને મંદિરમાં ભગવાનની સાક્ષીએ બંનેએ એકબીજાને વચન આપ્યું કે જીવનમાં એકદમ પ્રામાણિકતાથી કામ કરશે અને અસત્યનો માર્ગ ક્યારેય પસંદ નહી કરે. જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ કે પરેશાનીઓ આવે, પણ નૈતિકતાનાં માર્ગ પરથી ક્યારેય નહી ઉતરે.

બંને મિત્રોએ જન્મદિવસને કાંઇક ખાસ બનાવવો હતો, કાંઇક યાદગાર કરવું હતું એટલે એક વિચાર સુઝ્યો અને અમલ પણ કરી નાખ્યો. બંનેએ પોતપોતાની જમણા હાથની કોણીનાં નીચેના ભાગ પર એકબીજાનાં ધર્મનાં ટેટૂ કરાવ્યા. ફૈઝલે કૃષ્ણ ભગવાનનું ટેટૂ કરાવ્યું, જ્યારે દેવેન્દ્રએ મસ્જીદનું ટેટૂ કરાવ્યું હતુ.

આખરે, રાત્રિનાં દસ વાગ્યા આસપાસ ચાલતા-ચાલતા બંને મિત્રો મુંબઇનાં જુના અને જાણીતા એવા મરાઠા મંદિર થિયેટર પર આવ્યા. એ થિયેટર પરથી બંનેએ છુટ્ટા પડવાનું નક્કી કર્યું હતું. ફૈઝલ પાછો ક્યારે આવશે એ નક્કી ન હોવાથી છુટ્ટા પડતા પહેલા બંને મિત્રોએ એકબીજાને વચન આપ્યું કે દસ વર્ષ પછી એટલે કે ૧૩ જુન, ૨00૫નાં દિવસે એ જ જગ્યાએ એટલે કે મરાઠા મંદિર થિયેટર પર એ જ સમયે એટલે કે દસ વાગ્યે મળશે અને બત્રીસમાં જન્મદિવસની ઊજવણી સાથે કરશે. બંને વચનબદ્ધ મિત્રો એકબીજાને સારી રીતે ઓળખતા હતા કે દસ વર્ષ પછી બંને દુનિયાનાં કોઇ પણ ખુણામાં હશે તો પણ નક્કી કરેલા દિવસે અને સમયે પહોંચી જ જશે.

છુટ્ટા પડતા પહેલા બંને મિત્રો એકબીજાને ભીની આંખે ભેટી પડ્યા હતા.

‘યાર... જુના દિવસો બહુ યાદ આવશે...’, ફૈઝલે ભેટતા જ કહ્યુ હતું

‘આ દિવસો તો હજુ નવી યાદીઓ બનાવવાનાં છે... જુના દિવસો યાદ કરવાનાં નહી’, દેવેન્દ્રએ ગળગળા સ્વરમાં કહ્યું

‘જુના મિત્રને છોડીને નથી જવું ગમતું...’, ફૈઝલે કહ્યું અને આંખોમાં આંસુ સાથે એક અરજ કરતા કહ્યું, ‘...તુ સાથે આવે તો સારૂ...’

‘...યાર, જુના મિત્રો છુટ્ટા પડશે તો જ નવા મિત્રો બનશે ને? અને આમ પણ તું ક્યાં હંમેશ માટે જાય છે... પૈસા કમાઇને દસ વર્ષ પહેલા પણ પાછો આવી શકે છે...’, દેવેન્દ્રએ સાંત્વનાં આપતા કહ્યું અને ઉમેર્યુ, ‘...હું નથી આવતો કારણ કે હું મારી જન્મભૂમિને જ મારી કર્મભૂમિ બનાવવા માંગુ છુ... મારી માતૃભૂમિ માટે જ કામ કરવા માંગુ છું’

‘હાં, હું વહેલા આવી જવાનો પ્રયત્ન કરીશ’, ફૈઝલે કહ્યું અને ઉમેર્યુ, ‘...યાર, હજી એકબીજાને એક વચન આપીયે..’

‘શું?’, દેવેન્દ્રએ પુછ્યું

‘જો…એકબીજાથી કોઇ ભુલ થઇ જશે તો માફ કરી દઇશુ...’, ફૈઝલે કહ્યું

‘હા... માફ કરી દઇશુ અને જીવનમાં આગળ વધશુ...’, દેવેન્દ્રએ સાથ પુરાવતા કહ્યું હતુ અને આખરે ભારી હ્રદયે બંને છુટ્ટા પડ્યા.

ખબર નહી શા માટે, પણ, બંને મિત્રો થોડા ચિંતિત હતા. બંનેમાં પહેલીવાર એક આત્મવિશ્વાસનો અભાવ દેખાતો હતો. દસ વર્ષ બહુ લાંબો સમય કહેવાય. દસ વર્ષમાં ઘણા સમીકરણો બદલી જતા હોય છે. છતાંય, બાહ્ય આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો અને ફરી એક વખત બંનેએ એકબીજાને યાદ કરાવ્યું હતું કે દસ વર્ષ પછી એ જ્ગ્યા પર એ જ સમયે આજના દિવસને યાદ કરશે અને મળશે, એકબીજાનું ટેટૂ બતાવશે, ખુબ વાતો કરશે અને જન્મ દિવસની ધમાકેદાર ઊજવણી કરશે. અને પછી ભવિષ્યને શું આકાર આપવો એના પર વિચાર કરશે.

ક્યારેય દેવેન્દ્રથી દૂર નહી ગયેલો ફૈઝલ ભારત છોડીને જતો રહ્યો એને બે વર્ષ વિતી ગયા. ૧૯૯૫ થી લઇને ૧૯૯૭ સુધી ફૈઝલ દુબઇમાં કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. દેવેન્દ્ર મુંબઇમાં નોકરી કરતો હતો અને સાથે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. શરૂઆતમાં બંને એક બીજાનાં સંપર્કમાં હતા, પરંતુ સમય જતા સંપર્ક ઘટી ગયો હતો, અને પછી સંપર્ક નાબુદ થઇ ગયો હતો. બંને પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. બંનેને એકબીજા માટે મિત્રતાની ભાવના તો યથાવત જ હતી, અને નક્કી સમયે મળવાનું હતું એ પણ યાદ જ હતું.

પરીવર્તનને બાદ કરતા જીવનમાં કાંઇ સ્થાયી નથી. એ સિધ્ધાંત અહીંયા બંનેને પણ લાગુ પડતો હતો કારણ કે બંનેનાં જીવનમાં ખુબ પરીવર્તનો આવ્યા હતા, અચાનક સમય જતા બધા સમીકરણો બદલાઇ ગયા. ફૈઝલ સૈયદ કે જે એકદમ પ્રામાણિકતાનાં પ્રતિક સમાન હતો એ શોર્ટકટમાં પૈસા કમાવાની હાયમાં આગળ જતા પ્રામાણિકતાની લાઇન પરથી ઉતરી ગયો હતો. કોઇએ બ્રેઇન વોશ કરી નાખ્યું હોય એમ સદંતર ગેરમાર્ગે દોરાઇ ગયો હતો. ભગવાનની સાક્ષીએ મિત્રને આપેલું વચન તોડતા પહેલા એકવાર પણ વિચાર્યુ ન હતું. નોકરી કરતાં કરતાં દુબઇમાં કોઇ અંડરવર્લ્ડ ડોનનાં માણસનાં સંપર્કમાં આવ્યો હતો અને ગેરકાયદેસર ધંધામાં ધકેલાઇ ગયો હતો. ફૈઝલથી એકવાર કુંડાળામાં પગ મુકાઇ ગયો, પછી જ્યાં પગ મુક્યો ત્યાં કુંડાળા થઇ ગયા. દિમાગથી ફૈઝલ ખુબ જ શાતિર હતો એટલે ખોટા કામ કરવાવાળા માણસોનાં ધ્યાનમાં ફટાફટ આવી ગયો હતો. એ લોકો શાતિર દિમાગવાળાને જ શોધતા હોય છે. વિનાશકાળે વિપરીત્ત બુદ્ધિ એમ તેનું મગજ શું ફર્યુ કે તે આતંકવાદને પ્રોત્સાહન આપતા સંગઠનો સાથે જોડાઇ ગયો હતો. સારા અને ખરાબમાં ફર્ક જ ન સમજતો હોય એમ પૈસા કમાવવાની તલબમાં અને જિહાદમાં એવો ખોવાઇ ગયો કે પાછો પોતાની જાતને શોધી જ ન શક્યો. અને પોતાની જાતને આ દલદલમાંથી કાઢી પણ ન શક્યો, કદાચ નીકળવા પણ માંગતો ન હતો! પરિણામ, એક દિવસ એવો આવ્યો કે અંડરવર્લ્ડ ડોનનો ખાસ માણસ બની ગયો અને જોત – જોતામાં આગલા બે વર્ષમાં તે એક આંતરરાષ્ટ્રીય સ્તરનો અપરાધી બની ગયો હતો. ભારતમાં કરેલ આતંકવાદ પ્રવૃત્તિઓને લીધે ભારતની પોલીસને પણ તેની શોધ હતી.

અહીંયા ફૈઝલે ફેલાવેલા કહેરનાં લીધે વારંવાર દેવેન્દ્રને પોલીસની પુછપરછનો સામનો કરવો પડતો હતો. તે હંમેશા પોલીસની રડારમાં રહેતો અને સમયાંતરે ફૈઝલ દ્રારા થતી વારદાતો માટે પોતે બેકસુર છે એ સાબિત કરવા પોલીસ સમક્ષ હાજર થતો. તદૂપરાંત ફૈઝલને લીધે તેને લોકોની આકરી ટીકાઓનો પણ સામનો કરવો પડતો હતો. એ બધા ચક્કરમાં દેવેન્દ્રને પોતાની નોકરી પણ ગુમાવી પડી હતી. દેવેન્દ્રને એ વાત જાણીને ખુબ જ આઘાત લાગ્યો હતો કે તેનો ખાસ મિત્ર આતંકવાદી બની ગયો હતો અને આંતરરાષ્ટ્રીય ગુન્હેગારોની યાદીમાં ટોચનાં સ્થાન પર હતો. દેવેન્દ્રને ખુબ જ અફસોસ હતો કે એણે ફૈઝલને પોતાનાંથી દૂર કેમ જવા દિધો? કેમ અને ક્યારે ફૈઝલ પરથી ધ્યાન હટી ગયું અને એ ગુન્હાખોરીમાં અટવાઇ ગયો એની ખબર જ ન પડી. ફૈઝલ માણસ ખરાબ ન હતો, બસ ભટકી ગયો હતો અને કોઇ સાચો માર્ગ બતાવે એની જરૂર હતી. અને અચાનક એક દિવસ દેવેન્દ્રનાં હ્રદયમાં ફૈઝલ માટે રહેલો મિત્રતાનો પ્રેમ નફરતમાં પરિણમે એવી ઘટના ઘટાઇ. સન ૨00૨માં મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં દેવેન્દ્રનો પરિવાર ખતમ થઇ ગયો. સિરીયલ બોમ્બ બ્લાસ્ટનો એક બોમ્બ ઝવેરી બજારમાં ફાટ્યો હતો કે જ્યાં દેવેન્દ્રનો પરિવાર પૈકી માતા – પિતા, ભાઇ – બહેન, પત્નિ અને એના પેટમાં રહેલું બાળક ભોગ બની ગયા હતા. એક સાધારણ જીવન પસાર કરતા દેવેન્દ્રનાં જીવનમાં ખલબલી મચી ગઇ હતી, બહારગામ કોઇ કામથી ગયેલા દેવેન્દ્રને સમાચાર મળતા એના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી, એક સાથે પાંચ પરિવારજનોનાં અગ્નિ સંસ્કાર કરતી વખતે દેવેન્દ્રની હાલત બહુ કફોડી થઇ ગઇ હતી. આવી ઊથલ પાથળવાળી જિન્દગીથી થાકી ગયો હતો અને જીવનરૂપી રમતમાં મોટા માર્જીનથી હારી ગયો હતો. અને છેલ્લે મળેલી માહિતી મુજબ દેવેન્દ્ર પાસે જીવવા માટે કાંઇ ન બચતા એણે પોતાનું જીવન ટુંકાવ્યું હતુ. ઘણા લોકોનું માનવું હતું કે આઘાતમાંથી બહાર આવવા દેવેન્દ્ર મુંબઇ છોડીને બીજા શહેરમાં જતો રહ્યો હતો, પરંતુ પોલીસનાં રેકોર્ડ પ્રમાણે દેવેન્દ્ર ફરાર હતો. પોલીસને દેવેન્દ્રની તલાશ હતી કારણ કે બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ફૈઝલ હતો અને એ વખતે દેવેન્દ્ર પોલીસ સમક્ષ હાજર થયો ન હતો.

બીજી બાજુ, બોમ્બ બ્લાસ્ટવાળી ઘટનાનાં થોડા દિવસો બાદ જ અચાનક એક દિવસ એવા સમાચાર પ્રગટ થયા હતા કે ગેંગસ્ટરો વચ્ચે કોઇ મતભેદોને લીધે અંદરો – અંદર થયેલી ફાયરીંગમાં ફૈઝલ મરાઇ ગયો હતો. મુંબઇમાં જ આવેલા એના નિવાસ સ્થાને ફૈઝલની ડેડ બોડી લાવવામાં આવી હતી અને તેની દફનવિધી પણ મુંબઇનાં જ કોઇ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. ફૈઝલની મોતથી વિશ્વનાં ઘણા દેશોએ નિરાંતનો શ્વાસ લીધો હતો, ખાસ કરીને ભારતે, કારણ કે ત્યાં બેઠા-બેઠા સમયાંતરે ભારતમાં એ આતંક મચાવતો હતો. ફૈઝલની મોતથી પોલીસે દેવેન્દ્રને શોધવાનાં પ્રયાસો પણ છોડી દીધા હતા. અને બંને મિત્રોએ દુનિયા છોડી દિધી હતી એમ માની પોલીસે ફાઈલો બંધ કરી નાખી હતી. ફૈઝલનો પરીવાર પણ મુંબઇ છોડીને જતો રહ્યો હતો.

જુન ૨૦૦૫

અચાનક ૧૩ જુન, ૨૦૦૫નાં રોજ મુંબઇમાં કોઇ ચોકાવનારી ઘટના ઘટાઇ હતી. મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન સામે આવેલા મરાઠા મંદિર થિયેટર પાસે રાત્રિનાં સાડા દસ વાગ્યા આસપાસ અચાનક કોઇ ચળવળ થઇ રહી હતી. પોલીસનાં વાહનોનો થિયેટર સામે ઢગલો થઇ ગયો હતો. પોલીસનાં કાફલાઓનાં કાફલાઓ આવી પહોંચ્યા હતા. ઝરમર - ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને રાતનો સમય હતો એટલે દિવસની સરખામણીમાં ટ્રાફીક થોડો ઓછો હતો. ત્યાં હાજર સામાન્ય લોકો રેઇન કોટમાં તેમજ છત્રીઓ સાથે એકઠા થઇ ગયા હતા. હજુ સુધી ચોકકસ કારણ બહાર આવ્યુ ન હતું કે જમા થયેલા પોલીસનાં ટોળાનું કારણ શું હતું?

થોડીવારમાં આખા મુંબઇ શહેરમાં તેમજ આખા દેશમાં સમાચાર ફેલાઇ ગયા હતા કે મુંબઇનાં મરાઠા મંદિર થિયેટર પાસેથી ખ્યાતનામ આતંકવાદી સંગઠનનાં માસ્ટરમાઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ ફૈઝલ સૈયદની ધરપકડ થઇ હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ ફૈઝલ કોઇ ખાસ ઇરાદાથી ભારત આવ્યો હતો અને કોઇ મોટી વારદાતને અંજામ આપવા માટે વ્યુહરચના બનાવી રહ્યો હતો. ખુફિયા એજન્સીઓ પાસેથી માહિતી મળતાં જ મુંબઇ પોલીસનાં બહાદુર ઓફીસરોએ ફૈઝલને ઝડપી લીધો હતો.

અહીંયા થોડી અટકળો હતી. પોલીસને જે ફૈઝલની તલાશ હતી એ ૨00૨માં મરાઇ ગયો હતો, અને એ બાબત આખી દુનિયા જાણતી હતી, મુંબઇ પોલીસ એમાં અપવાદ ન હતી. તો પછી અચાનક રાતો-રાત ફૈઝલ જીવતો કેમ થઇ ગયો હતો અને તેની ધરપકડ કેવી રીતે થઇ તે પલ્લે પડતું ન હતું. અને બીજી ચોકાવનારી બાબત એ હતી કે પોલીસે જે માણસની ફૈઝલ સમજી ધરપકડ કરી હતી તેની પાસે કાયદેસર સાઉથ આફ્રિકાનો પાસપોર્ટ હતો અને પાસપોર્ટ મુજબ તેનું નામ અમોલ મિશ્રા હતું. પોલીસે એની પાસેથી એક નાની બેગ જપ્ત કરી હતી જેમાં બે-થી ત્રણ જોડી કપડા હતા. એણે ડેનિમ જિન્સ અને ઉપર કાળા કલરનું અડધી બાંયનુ ટી-શર્ટ પહેર્યુ હતું. ઉંમરમાં આશરે પાંત્રીસ વર્ષનાં સીધા – સાદાલાગતા માણસની ધરપકડ થઇ ત્યારે તે ચિલ્લાઇ- ચિલ્લાઇને વિનંતી કરી રહ્યો હતો કે એ કોઇ ફૈઝલ સૈયદ ન હતો. એ તો અમોલ મિશ્રા હતો કે જે તેના મિત્રને મળવા કેપટાઉન થી મુંબઇ આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ તેની વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી અને તાબડતોડ દસથી વધારે પોલીસનાં કાફલા વચ્ચે બહોળી સિક્યુરિટી સાથે પોલીસવાનમાં બેસાડી દેવામાં આવ્યો હતો.

ધરપકડ થયા પછી પોલીસની પુછપરછ દરમિયાન પણ એ માણસ એક જ વાતનું રટણ કરતો હતો કે તે અમોલ મિશ્રા હતો, એ એક હિંદુ હતો. એના કહેવા મુજબ તે મૂળ ભારતીય હતો પણ દસ વર્ષ પહેલા સાઉથ આફ્રિકાનો વતની થઇ ગયો હતો, અને મુંબઇ તેના મિત્રને મળવા આવ્યો હતો.

આ બાજુ પોલીસ અધિકારીઓનાં દાવા મુજબ અમોલ મિશ્રા જ ફૈઝલ હતો કારણ કે ફૈઝલ બહારવટીયાની જેમ અલગ-અલગ દેશોમાં વેશ પલટો કરી તેની યોજના કરેલી વારદાતોને અંજામ આપવા માટે જાણીતો હતો. ફૈઝલ પાસે અલગ અલગ દેશોનાં દસથી વધારે પાસપોર્ટ હતા અને અલગ – અલગ દેશોની પોલીસને ચકમો આપવામાં સર્વશ્રેષ્ઠ હતો. અમોલ મિશ્રા નામનો પાસપોર્ટ બનાવવો કોઇ મોટી વાત ન હતી

ભુતકાળમાં દેવેન્દ્રએ પોલીસને આપેલી માહિતી મુજબ ફૈઝલ સૈયદનાં જમણા હાથમાં કોણીની નીચેના ભાગ પર કૃષ્ણ ભગવાનનું ટેટૂ હતું. અને જ્યારે મૃતક ફૈઝલ સૈયદને ભારત લાવવામાં આવ્યો હતો એના હાથ પર પણ ટેટૂ હતું. અને હવે અનાયાસે જે અમોલ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી એને પણ સમાન જગ્યા પર કૃષ્ણ ભગવાનનું ટેટૂ હતું. અને એ ટેટુનાં આધારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝલનો ચહેરો તો જે અમોલ મિશ્રાની ધરપકડ કરાઇ હતી એની આસપાસ પણ ન હતો.માત્ર ખુફિયા એજન્સીઓની ખબરનાં આધારે કોઇ નિર્દોષ માણસની ધરપકડ કરી લીધી હતી.

બધાનાં મગજમાં એક વાત બેસતી ન હતી કે જ્યારે એ માણસનું નામ અમોલ મિશ્રા હતું તો તેની ફૈઝલ તરીકે ધરપકડ શા માટે કરવામાં આવી હતી? ઉપરથી તેની પાસેથી કોઇ ખતરનાક હથિયાર કે પછી કોઇ વારદાતની પ્લાનનાં પુરાવા મળ્યા ન હતા. જો એ ફૈઝલ સૈયદ હોય તો હિન્દુ દેવતાનું ટેટૂકરાવ્યું હોય એ પણ એક વિચારવા જેવી બાબત હતી.

દેખાવે એકદમ સામાન્ય લાગતા અમોલ મિશ્રાને જેલમાં પુરી દેવામાં આવ્યો

હજુ એક રહસ્યમય બાબત એ હતી કે એ માણસ મરાઠા મંદિર પાસે હતો એ વાતની ખબર આપવાવાળો માણસ કોણ હતો અને બીજુ કે એ માણસને કેવી રીતે ખબર પડી હતી કે ફૈઝલને જમણા હાથની કોણી નીચે કૃષ્ણ ભગવાનનું ટેટૂ હતું. બીજી બાજુ, અમોલ મિશ્રા એક જ વાતનું રટણ કરી રહ્યો હતો કે એ તેના કોઇ મિત્રને મળવા આવ્યો હતો તો એ મિત્ર કોણ હતો?

આ કેસમાં પોલીસને હજુ ખાસ્સુ કામ કરવાનું બાકી હતુ.

એ એક હાસ્યાસ્પદ બાબત હતી કે માત્ર અને માત્ર એક ટેટુનાં આધાર પર પોલીસે કોઇની ધરપકડ કરી લીધી હતી, શું એ વ્યાજબી કહેવાય? કોઇ દેશની કોર્ટ એવો કેસ દાખલ કરે કે જેમાં માત્ર ટેટૂનાં આધાર પર ધરપકડ કરેલા આરોપી પર કેસ ચલાવાય? પોલીસ પાસે અમોલ મિશ્રાને ફૈઝલ સૈયદ સાબિત કરવા માટે કોઇ સચોટ પુરાવા ન હતા, એક ટેટુને છોડીને!

ખેર, ધરપકડ તો થઇ ગઇ હતી પણ આ એક રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બની ગયો હતો. આ એક સંવેદનશીલ બાબત હતી કે જેમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ લાગુ પડતું હતું. ફૈઝલ સૈયદની તલાશ બીજા દેશોને પણ હતી. ભારતમાં જે રાજકારણીય પાર્ટીનું શાસન હતુ એ સિવાયની તમામ રાજકીય પાર્ટીનાં લોકોને વિવાદો ઊભા કરવાનો અવસર મળી ગયો હતો. મીડિયાવાળાઓ માટે કલાકોનાં કલાકો એક ને એક સમાચાર બતાવવા માટેનો ટીઆરપી વધારી શકે એવો કાર્યક્રમ હાથમાં આવી ગયો હતો. દેશનાં લોકો માટે પણ ચર્ચા કરવાનો વિષય મળી ગયો હતો.

અમોલ મિશ્રાને ગુન્હેગાર સાબિત કરવા માટે પોલીસ કળીઓ જોડી રહી હતી. પોલીસને પણ લાગી રહ્યુ હતું કે માત્ર ટેટુંના આધારે કોઇની ધરપકડ કરવી મુસીબતમાં મુકી શકે એમ હતું, પરંતું ખુફિયા એજન્સીનાં એવા કાબેલ વ્યક્તિ પાસેથી માહિતી મળી હતી કે જેની ખબરમાં વિશ્વાસ ન કરવો એ પણ જોખમકારક નિવળી શકે એમ હતું.

અમોલને કસ્ટડીમાં રખાયો અને પુછપરછ ચાલુ રહી. એની પુરી માહિતીઓ ભેગી કરવામાં આવી અને ધાર્યા મુજબ એનો રેકોર્ડ એકદમ સાફ નીકળ્યો. એકઠી કરેલી માહિતીઓ મુજબ અમોલ મિશ્રા કેપટાઉનની કોઇ કંપનીમાં નોકરી કરતો હતો. મુળ ભારતનો અમોલ મિશ્રા દસ વર્ષ પહેલા કામ મેળવવા માટે સાઉથ આફ્રિકા ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો.

બીજી બાજું એકદમ ગભરાયેલા અમોલને તો કાંઇ જ સમજમાં આવતું ન હતું કે એની ધરપકડ શા માટે થઇ હતી? ટેટૂ વિશે પુછવામાં આવેલા સવાલનાં જવાબમાં અમોલે કહ્યું હતું કે એણે એ ટેટૂ પંદર વર્ષનો હતો ત્યારે કરાવ્યું હતું, અને આવું સમાન ટેટૂ ફૈઝલ સૈયદનાં હાથમાં હોવું એ માત્ર ને માત્ર એક આકસ્મિક બાબત હતી. અમોલને ફૈઝલ સમજી કોર્ટમાં હાજર કરવો અને કેસ ચલાવવો એક મુર્ખાઇ હતી.

(આગળ અંતિમ ભાગ – ૨ માં વાચવા મળશે)