અજબ ગજબનાં સોમવાર Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજબ ગજબનાં સોમવાર

અજબ ગજબનાં સોમવાર

લેખક : પ્રશાંત સેતા

(caprashantseta@gmail.com)

અજબ ગજબનાં સોમવાર

સોમવાર..!! બીજા લોકો માટે સોમવાર ભલે અઠવાડિયાંનો શુભ દિવસ હોય પણ મારા માટે હમેશા અશુભ સાબિત થતો. સોમવારથી લોકોનું આશાસ્પદ નવું અઠવાડીયું શરૂ થતું હોય છે પણ હું તો એમ જ ઇચ્છતો કે મારા અઠવાડિયામાં સોમવાર જ ન હોય..!!

હું ભલે મારા દિલનાં ખુણે – ખુણેથી ભગવાનને પ્રાર્થના કરું કે હું સમયસર ઓફિસ ન પહોંચી જાવ ત્યાં સુધી ખરાબ કહી શકાય એવું એ દિવસે મારી સાથે કશું જ ન થાય, છતાંય હું સોમવાર પર ક્યારેય ભરોસો ન કરી શકું. મારા ભગવાને દુનિયાનું ખરાબમાં ખરાબ બધું મારી સાથે સોમવારે જ ગોઠવેલુ. મારે સવારે ૯.૩૦ વાગ્યે ઓફીસે પહોંચવાનું હોય અને દર સોમવારે મારી સાથે કાંઇક અજુગતું થાય કે જેથી હું સમયસર ઓફિસે પહોંચી જ ન શકું. મારી ઓફીસનાં નિયમ પ્રમાણે ૯.૪૦ સુધી વાંધો નહી પણ ૯.૪૧ મીનીટે પહોંચું એટલે અડધા દિવસની ગેરહાજરી ગણાઇ જતી. આવું બે વાર થાય એટલે અડધા દિવસનો પગાર કપાઇ જાય.

હું છું ચેતન ચાવડા. બી.કોમ. એમ.બી.એ. બોરીવલી (ઇ) માં ટાટા પાવર કોલોનીની બાજુંમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં ધરતીકંપનાં નાનાંમાં નાના આંચકાથી પણ પડી જાય એવી ખખડધજ ‘ન્યુ આરાધના હાઇટ્સ’ નામની બિલ્ડીંગનાં ત્રીજા માળે એક રૂમ રસોડાનાં ફ્લેટમાં મારા બે મિત્રો સાથે ભાડે રહું છું. બીલ્ડીંગનાં નામમાં જ ખાલી ‘ન્યું’ છે અને એમાં પણ ખાલી અડધો જ ‘ન’ રહેલો છે. બાકી ‘યુ આરાધના હાઇટ્સ’ નાં તો પોપડા એટલા ખરી ગયા છે કે ઇંટો દેખાવા માંડી છે. ‘ન્યુ’ કહી શકાય એવું એ બીલ્ડીગમાં કાંઇ નથી એક વસ્તુને બાદ કરતા...અને એ છે બીજા માળે રહેતી ડોલી. જો ડોલી ત્યાં ન રહેતી હોત તો અમે ત્રણેય રૂમ પાર્ટનરો બીજે રહેવા જતા રહ્યા હોત..હાં એ વાત અલગ છે કે ડોલી આ બિલ્ડીંગમાં રહેતા એક પણ માણસને ઘાંસ નથી નાખતી...

જો પહેલવાન ખલી જેવા દસ લોકો આ બીલ્ડીંગને ધક્કા મારે તો બીલ્ડીગ પડી જાય એવી છે. એ બીલ્ડીંગમાં રહેતા લોકો ક્યારે શહીદ થઇ જાય એની કોઇ ગેરંટી નથી. અમે એ રૂમમાં ટીવી એટલે જ નથી લેતા. બીલ્ડીંગ પડી જાય તો આપણું ટીવી તો ગયું ને અને એ પણ ટાટા સ્કાય સાથે..!! હવે તો વિમા કંપનીનાં એજંટો પણ એ બીલ્ડીંગમાં રહેતા લોકોની પોલીસી નથી કાઢતા..કહે છે કે શું ખબર ક્યારે આ બીલ્ડીંગ પડી જાય અને અમે અલ્લાહને પ્યારા થઇ જઇએ...

ખેર, ૯.૩૦ એ દાદરમાં આવેલી ઓફિસે પહોંચવા માટે મારે બોરીવલી થી ૮.૨૦ ની ચર્ચગેટ ફાસ્ટ પકડવી પડે. અને ૮.૨૦ એ બોરીવલી સ્ટેશન પહેંચવા માટે મારે મોડામાં મોડું આઠ વાગ્યે ઘરેથી નીકળી જવું પડે...!! અને દર સોમવારે નહાયા વગર ભાગતો ભાગતો બોરીવલી સ્ટેશન પહોંચું છું તો પણ ૮.૨૦ ની કોઇ પણ કારણસર ટ્રેન ચુકી જાવ છું.

એક સોમવારે, ઓફિસ જવા માટે સમયસર બીલ્ડીંગની નીચે ઉતરી ગયો હતો અને એ પણ લાઇફબોયથી નહાઇને..!! પણ જેવો હું મેઇન રોડ પર રીક્ષા પકડવા માટે ઊભો હતો કે કોઇ ડફોળ કાર ડ્રાઇવરે ગંદા પાણીનાં ખાબોચિયા પર ગાડી ચલાવીને મને ભરી મુક્યો હતો. હું કાંઇ પ્રત્યાઘાત આપું એ પહેલા તો એ ક્યાંય નીકળી ગયો હતો. હું કાંઇ ન કરી શક્યો ખાલી પાછળથી આટલું ચિલ્લાવા સિવાય ‘ઓયે તેરી માં કી આંખ...’ એ દિવસે ઓફિસે એક કલાક મોડો થઇ ગયો હતો.

બીજા એક સોમવારે, નહાઇને જેવું પેંટ પહેરવા હાથમાં લીધું એટલે ખબર પડી કે લોંડ્રીવાળાએ બીજા કોઇનું પેંટ ભુલથી મને આપી દીધું હતું. હું મિલ્ખા સિંગની જેમ ભાગતો ભાગતો પછો લોંડ્રીવાળા પાસે ગયો (વધુ એક જોડી પ્રેસ કરાવા સાથે લઇ જ લીધી હતી કારણ કે સોમવાર હતો અને મને ખાતરી હતી કે મારૂ પેંટ નહી જ મળે). અને મારી ધારણા મુજબ મારૂ પેંટ શોધવા એણે બીજા કપડાઓ ફંફોડવા માંડ્યા પણ મારુ પેંટ ન મળ્યુ. મારુ પેંટ ભૂલથી બીજા કોઇને અપાઇ ગયું હતું. મેં એને મારુ પેંટ પાછુ મેળવી આપવાની ધમકી આપી હતી. મારૂ પેંટ સાંજ સુધીમાં મળી જશે એની ખાતરી આપી હતી. સમય જતો હતો. હવે, વાત એમ થઇ કે એની સાથે મેં ઊચા અવાજથી વાત કરી હતી એટલે એણે મને બીજી જોડી પ્રેસ કરવાની ના પાડી દીધી. આજુ-બાજુમાં બીજો કોઇ લોંડ્રીવાળો ન હતો..અને મારી પાસે બીજા કપડા પણ ન હતા..હતા, પણ પ્રેસ કરેલા ન હતા. આખરે, એ દિવસે મારે ભુલથી આવી ગયેલું પેંટ પહેરીને ઓફિસ જવુ પડ્યું હતુ. એ પેંટની કમર બેં ઇચ ટુંકી હતી અને લંબાઇ એક ઇંચ વધારે હતી. આખો દિવસ ઓફિસમાં એટલું ફીટ પહેરી રાખ્યું હતું જેથી આગલા બે દિવસ પેટમાં દુખ્યું હતુ અને કમર પરના ચાઠા તો પંદર દિવસે ગયા હતા. ઓફિસમાં મોડું થઇ ગયું હતુ એ વાત અલગ..!!

અને એના પહેલાનો સોમવાર પણ મેં ખરાબ જ નોંધાવ્યો હતો. ઓફિસ જવા માટે ચાલીને બોરીવલી સ્ટેશન જતો હતો.રસ્તામાં મંદિર જવાનું નક્કી કર્યુ હતું. હું મંદિરમાં શંકર ભગવાનને મોઢુ બતાવીને ત્રણ મીનીટમાં પાછો આવ્યો કે મંદિરની બહારથી મારા બુટ ગાયબ થઇ ગયા હતા. હાંફળો-ફાંફળો થતા મેં આજુબાજુમાં ગોતવાનાં પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. માત્ર ત્રણ મીનીટમાં મેં મસ્જિદ બંદરથી આગલે દિવસે જ લીધેલા બુટ ગુમાવ્યા હતા. પછી સવાર-સવારમાં મોજા પહેરીને રખડ્યો અને સૌથી પહેલી ફૂટવેરની દુકાન ખુલી તેને બોણી કરાવીને ઓફિસે જવા ટ્રેન પકડી હતી. ઓફિસે પહોંચ્યો ત્યારે બહું મોડું થઇ ગયું હતું.

સતત છેલ્લા કેટલાય સોમવારો મેં ખરાબ નોંધવ્યા હતા. ઓફિસે સમયસર ન પહોંચવા સિવાય પણ બધું ખરાબ સોમવારે જ થતું. હું સ્કુલમાં હતો ત્યારે એક છોકરીને પ્રપોસ કરવાનો હતો. પણ એ પહેલા જ એણે મને રાખડી બાંધી દિધી, એ રક્ષાબંધનને દિવસે સોમવાર હતો. મારા પર મામેરૂ કરવાની જવાબદારી નાખી દિધી જ્યારે મારી તો એના ભુલકાઓ પપ્પા કહીને બોલાવે એવી ઇચ્છા હતી.

હું કોલેજમાં હતો ત્યારે એક છોકરીને પ્રોપોસ કરવાનો હતો. જીમેઇલ ચેટ પર મેં એને કહ્યું હતું કે મારે તેનું એગત્યનું એક કામ છે એટલે મેક ડોનાલ્ડસ પાસે સાંજે સાત વાગ્યે આવે. હું તો સ્પ્રે છાંટીને સાંજે સાત વાગ્યે પહોંચી ગયો હતો પણ એ ન આવી. હું મેક ડોનાલ્ડસ પાસે સાંજે દસ વાગ્યા સુધી ઊભો રહ્યો પણ એ ન આવી. પછી ખબર પડી કે એ વિલે પાર્લેનાં મેક ડોનાલ્ડસ પાસે આવી હતી જ્યારે હું અંધેરી મેક ડોનાલ્ડસ પર રાહ જોતો હતો. એ દિવસ પણ સોમવાર જ હતો. ત્યારે મારી પાસે મોબાઇલ હતો નહી એટલે મારી લવ સ્ટોરી અધુરી રહી ગઇ.

લગ્નમાં કોઇને ત્યાં ગયો હોય અને પેંટની ચેન ખરાબ થઇ જવાથી લઇને ટ્રેનનાં પાટા ઠેકતા પકડાઇ જાવ એવી તમામ ઘટનાંઓ સોમવારે જ ઘટાય...મારો જન્મ પણ સોમવારે જ થયો હતો. મારી સેકંડ હેંડ બાઇક પણ સોમવારે જ ચોરાઇ હતી.

 • આવા જ એક સોમવારે મને નોકરી વગરનો કરી દિધો...

  એ સોમવારે રીવાજ મુજબ હું થોડો મોડો ઉઠ્યો. ઓફિસ જવા નીકળવા માટે પહેલેથી જ મોળું થઇ ગયું હતું. સોમવારે નહાયા વગર તૈયાર થઇ ગયો. ઓફિસ જતા પહેલા મારા બે પ્લાન હોય છે. એક, બહાર ચા અને નાસ્તો કરવાનો હતો અને બીજો રીક્ષા કરીને બોરીવલી સ્ટેશન પહોંચવાનો મારી ૮.૨૦ ની લોકલ પકડવા માટે..!! એ દિવસે નવાઇની વાત એ હતી કે મારા પર્સમાં પુરતા પૈસા ન હતા, માત્ર ત્રીસ રૂપીયા હતા અને એ પણ ચિલ્લર સાથે.!!. કેવી ખરાબ શરુઆત હતી..!!. ત્રીસ રૂપિયામાં કોઇ પણ એક જ પ્લાન નો અમલ થાય...

  હવે તમે મારી જગ્યા પર હોય અને જે કરો મેં પણ તેમ જ કર્યુ - એટીએમમાંથી પૈસા ઉપાડવાનું નક્કી કર્યુ. સવાર- સવારમાં નજીકનાં બેંક ઓફ બરોડાનાં એટીએમ બુથની બહાર લાંબી લાઇન હતી. વાર લાગે એમ હતું તેથી મેં એ જ એરીયામાં એ જ બેંકનાં બીજા એટીએમ તરફ પગ ઉપાડ્યા. વાહ, જરાય લાઇન ન હતી. હું ખુશ થતો - થતો અંદર ગયો અને દુ:ખનો તો પાર ન રહ્યો એ હકીકત જાણીને કે એટીએમ મશીન ખરાબ હતું. મહિનામાં પંદર દિવસ તો સરકારી બેંકોનાં એટીએમ મશીનો બંધ જ હોય છે. બાજુમાં બીજું એટીએમ હતું પણ બેંક બીજી હતી કે જેમાં મારુ એટીએમ કાર્ડ તો ચાલશે પણ મને ચાર્જ લાગે એમ હતું. છતાંય,ચાર્જની પરવા કર્યા વગર હું એટીએમમાં ઘુસી ગયો માત્ર એ જ જાણવા કે મશીનમાં રોકડ ન હતી..!! બીજી સરકારી બેંકનું મશીન..!! છેલ્લીવાર બસો રૂપીયા વધારે ઉપડ્યા ન હતા એટલા માટે મેં મારી જાતને બહુ કોશ્યો..!!

  આને કેવાય ખરાબ શરુઆત!

  બીજાઓ માટે સારો દિવસ પણ મારા માટે ખરાબ...!!!

  ખેર, પુરતાં પૈસા ન હોવાથી અને એટીએમે દગો દિધો એટલે મેં મારો નાસ્તો કરવાનો પ્લાન રદ કર્યો અને એના બદલે રીક્ષા પકડી વહેલા બોરીવલી સ્ટેશન પહોંચવાનું નક્કી કર્યુ. સમય બચે તો સ્ટેશન પર પહોંચી પૈસા ઉપાડી નાસ્તો કરીશ.

 • એ સમયે આશાનીથી રીક્ષા મળવી પણ મુશ્કેલ હોય છે.. પણ ત્યાં તો ચમત્કાર થઇ ગયો. માત્ર એક વાર હાથ ઊંચો કરતા જ મને પહેલી જ ખાલી રીક્ષા મળી ગઇ..!! વાહ, હું સમયસર ઓફિસ પહોચી જઇશ એવા એંધાણ હતા અને બોરીવલી સ્ટેશન પર મસ્ત ગરમ-ગરમ નાસ્તો પણ થશે..!!. મેં નિંરાતનો શ્વાસ લીધો અને રીક્ષામાં ગોઠવાઇ ગયો. હાશ! એ સોમવાર કાંઇ ખાસ ન નળ્યો. મેં હેડ ફોન કાનમાં ભરાવ્યા અને મોબાઇલમાં ગીતો શરુ કર્યા.

  થોડીવાર ચાલ્યા પછી મારી રીક્ષા ઝટકા ખાતી ખાતી ઊભી રહી ગઇ. ડ્રાઇવરે કોઇ ગુનો કર્યો હોય એમ પાછળ ફરીને મારી સામે જોયું. મેં કાનમાંથી હેડફોન કાઢ્યા અને પુછ્યં “ક્યા હુઆ ભૈયા?”

  ડ્રાઇવરે કહ્યું હતું “સાહેબ, હમરી રીક્ષામેં ગેસ ખતમ હો ગવા”

  મેં મારુ માથું કુટ્યું. માત્ર રીક્ષા મળી જવાથી મારે ખુશ થવાની જરૂર જ નથી. જો હું સમયસર ઓફિસે પહોચી જાઉં તો જ મારે ખુશ થવુ જોઇએ.

  હું ગુસ્સામાં રીક્ષાની બહાર નીકળ્યો.

  “અરે ભૈયા, અગર ગેસ ખતમ હોનેવાલા થા તો મુજે બીઠાયા ક્યું?”, મે રોડ વચ્ચે ખીજાઇને કહ્યું.

  “સોરી સાહેબ”, ડ્રાઇવરે મારી માફી માંગી.

  “ભાડ મે ગયા તુમ્હારા સોરી”, મેં એ મુર્ખ રીક્ષા ડ્રાઇવરને કીધું. “સવારી લેને સે પેહેલે તુમ્હે ફ્યુલ મીટર દેખના નહી ચાહીયે? યે મીટર ફેશન કે લીયે રખા હે ક્યા? તુમ્હે ખયાલ હોના ચાહિયે ફ્યુલ કા”

  “સર, હમકા માલુમ થા ગેસ થોડા હે... આગે હી પંપ હે તો હમકા લગા હમ પહોંચ જાયેંગે” એણે બેશરમીથી કિધું. “ અગર આપ હમરી થોડી મદદ કરો દો ઔર થોડા ધક્કા દો... તો.. હમ પંપ તક ગાડી પહુંચા દેત હે..ફિર વહા સે હમ આપકો બોરીવલી સ્ટેશન છોડ દેંગે...”

  “બેશરમ કી તરહ પેસેંજર કો ધક્કા લગાને કો બોલ રહે હો? શર્મ નહી આતી? ઉલ્લુ કે સરદાર” મેં એની સામે ખુન્નસથી જોયું અને બોલ્યો.

  “અબ મેં સ્ટેશન કેસે પહુંચુંગા, ઉલ્લુ કે પઠ્ઠે” મેં ઉમેર્યુ.

  એ શાંતિથી ઊભો રહ્યો અને કશું ન બોલ્યો એટલે હું થોડે વધારે માથે ચડી ગયો.

  “ગધે, એસે બેશરમ કી તરહ ખડા હે...જા ઔર રીક્ષા બેચ દે... સવારી લેના બંધ કર દે”

  આ વખતે હું કાંઇક વધારે બોલી ગયો હોય એવુ મને લાગ્યું.

  એના ચહેરા પરના હાવભાવ બદલી ગયા અને મારી શંકા મુજબ એણે ધૈર્યતા ગુમાવી. મેં અનુભવ્યું કે એ પચાવી શકે એના કરતા મેં વધારે ખવરાવી દીધું હતું. હું મારા ગજાની બહાર તેને બોલ્યો. મારા કાંઇક વધારે પડતા નખરા સામે તે આખરે ભડક્યો.

  “અબે ચલ નીકલ તુ અભી યહાં સે”, એ ધુંવાપુંવા થતો બોલ્યો હતો. એ ખરેખરનો ગુસ્સે થયો હતો “હમ કબ સે બોલ રહા હું કે ગેસ ખતમ હો ગવાત હમરી રીક્ષા બા તુમ કા સમજ મેં નહી આતા કા?”

  હું એને જોયા જ કર્યો હતો ખાસ કરીને એની ઘાટ્ટી કાળી-કાળી મુછોને..!! પોતે પણ કાળો -કાળો કોલસા જેવો જ હતો. સાલા નો બાંધો પણ મજબૂત હતો. દક્ષિણ ભારતની ફિલ્મોમાં મુખ્ય ગુંડાની પાછળ ઉભેલા એક ગુંડા જેવો હતો.

  “હમપે કબ સે ચિલ્લાઇ રહે હો. સાલે હમ કછો બોલ નાહી રહે તો કબ સે સુનાએ જા રહે હો... અગર હમરા યુપી હોતા હમ તેરેકો બોરીવલી અચ્છે સે પહોંચાતા. અભ ચુપચાપ યાહા સે નીકલ લીયો.. સુબહ સુબહ હમરા દિમાગ ખરાબ મત કરીયો”

  “દિમાગ ઓર દિન તો તુમ્ને ખરાબ કર દિયા મેરા” મેં કહ્યું પણ મને સંભળાય એટલું જ જોરથી.

  મેં શાંતી જાળવી કેમ કે એ બીજા ટેક્ષી ડ્રાઇવરોને એકઠાં કરી શકે એમ હતો. એ લોકોને લાંબી બુધ્ધિ ન હોય. માની લો કે એ મારી સાથે મારપીટ પર ઉતરી જાય તો? અને એનાથી વિશેષ માની લો કે અમારી મારપીટમાં કોઇ વચ્ચે ન પડ્યું તો? અમને કોઇ છોડાવે જ નહી તો? મને તો એ મારી મારીને બેભાન જ કરી નાંખે એમ હતો. અને સવાર સવારમાં રોડ પર ચાલતી આવી લડાઇની કોઇ ને કાંઇ પડી પણ ન હોય...આની સાથે લડાઇ ન કરાય..!!

  “માફ કરી દે..ચેતન એને..” મારી અંદરનાં ચેતને કહ્યું અને મારામાં દયા અને ભાવના નામની ચેતના જગાડી. મેં એની વાત ઝડપથી માની લીધી.

  મેં એને માફ કર્યો અને ચાલતો થયો. મારૂ દિલ બહુ ઉદાર છે. હવે હું ગુસ્સે ન હતો. એ એક માણસ હતો અને ‘માણસ માત્ર ભૂલ ને પાત્ર’. એ ગરીબ પણ હોઇ શકે. હું કાંઇ એનાથી ડરતો ન હતો, હું પણ એટલો જ ખતરનાક છું પણ મારી અંદરનો ચેતન હંમેશા કહે કે ગરીબની હાય ન લેવાય. જો એની આંતરડી કકડે ને તો દુ:ખી થઇ જવાય. એટલે મેં એને માફ કર્યો અને આગળ વધ્યો. માની લો કે હું એની સાથે મારપીટ કરું અને એને આડું અવળું વાગી જાય તો એના પરીવારનું શું થાય?

 • હવે, એની રીક્ષાએ મને જ્યાં તરછોડ્યો હતો ત્યાંથી બીજી ખાલી રીક્ષા મળવી એટલે રાજસ્થાનનાં રણમાં આસાનીથી પાણી મળવા જેવું હતું. ઓકે, ખાલી રાજસ્થાનનાં રણમાં જ નહી પણ કોઇ પણ રણમાં..!!

  મેં ટેક્ષી ભાડાંનાં કાંઇ પૈસા ચુકવ્યા નહી એટલે પુરે- પુરા ત્રીસ રૂપિયા મારી પાસે જ હતા. હુ કેટલો ખતરનાક માણસ હતો એને સમજાઇ તો ગયું જ હતું એટલે એણે પૈસા માંગવાની હિમ્મત જ કરી નહી. એ થોડો થોડો મારાથી ડરી તો ગયો જ હતો.!!

  ખેર, મેં ત્રીસ રૂપીયાનો રોડ સાઇડ સ્ટોલ પર જ નાસ્તો કરી નાંખ્યો. એક પ્લેટ ઇડલી, એક પ્લેટ ચાઇનીસ સમોસા દબાવી ગયો અને ઊપરથી ચા...

  નાસ્તો પતાવી બોરીવલી સ્ટેશન તરફ ચાલવા માંડ્યુ. ૮.૨૦ ની લોકલ કદાચ પકડાઇ જાય. કેવો ખરાબ સોમવાર હતો. ચાલીને જવું પડ્યુ.

  બોરીવલી તો ચાલીને પહોંચી ગયો પણ પૈસા ઉપાડવાનો સમય ન રહ્યો. અગાઊથી જ મોડુ થઇ રહ્યું હતું એટલે એટીએમમાં જવાનો સમય બચ્યો નહી. અને આમ પણ મારે હવે પૈસાની જરૂરત પણ ન હતી કારણ કે બોરીવલી સ્ટેશનથી તો દાદર સ્ટેશન સુધીનો ટ્રેન નો પાસ હતો. હવે સીધો દાદરમાં ક્યાંક થી પૈસા ઉપાડું તો પણ ચાલે એમ હતુ.

  જેવો બોરીવલી બ્રીજ પર ચડ્યો અને જોયું તો બે નંબર પર મારી ચર્ચગેટ ફાસ્ટ સીટી વગાડી રહી હતી.જાણે બહુ જ મોડું થતું હોય અને મારી જ રાહ જોતી હોય એમ..!! જેવી ધીરે-ધીરે ઊપડવા માંડી કે મેં બે-બે દાદરા એક સાથે ઉતરવાનું ચાલુ કર્યુ. ધીમે-ધીમે મારી ટ્રેન પ્લેટફોર્મ પરથી પસાર થતી હતી. હું દોડ્યો અને ચાલુ ટ્રેનમાં જ ચડી ગયો. કોલેજમાં સો મીટર દોડનો વિજેતા જો હતો.

  ટ્રેનમાં ચડી તો ગયો પણ તરત જ ખબર પડી ગઇ કે ફર્સ્ટ ક્લાસમાં ચડી ગયો હતો. મારી પાસે તો જનરલનો પાસ હતો. મેં ભગવાનને ખરા દિલ થી પ્રાર્થના કરવાની શરૂ કરી કે મહેરબાની કરીને ટીકીટ ચેકર ન મોકલતા. આમ તો આવા સમયે ભીડભાડમાં ટીકીટ ચેકર આવતો નહી પણ એ દિવસે સોમવાર હતો એટલે એ જોખમ ને સાવ નકારી શકાય એમ ન હતું.

  આગલા સ્ટેશન પર જેવી ટ્રેન થોડી ધીમી પડી કે હું ફર્સ્ટ ક્લાસમાંથી કુદી ગયો અને દોડીને થોડા ધક્કા મારીને અને થોડા ધક્કા ખાઇને જનરલ ડબ્બામાં ચડ્યો. મુંબઇની લોકલ ટ્રેનમાં એટલી ભીડ રહે કે તમે સેંડવીચ જ બની જાવ. મને દરવાજા પાસે એક પગ રાખી શકાય એટલી જગ્યા મળી એટલે ધક્કા મારીને બે પગ રાખવાની જગ્યા કરી અંદર ઘુસ્યો. મારી ઇચ્છા હતી કે એક દિવસ લોકલ ટ્રેન વેચાતી લઇ લેવી અને એકલાએ મુસાફરી કરવી. રોજે-રોજની કાંઇ માથાકુટ જ નહી...!!

 • સતત પચાસ મીનીટની એક જ પોઝીશનમાં મુસાફરી કર્યા બાદ આખરે હું દાદર સ્ટેશન પર ઉતર્યો અને નિંરાતનો શ્વાસ લીધો. અંદર આખો દબાઇ ગયો હતો. આવી પરિસ્થીતી સહન થઇ જતી પણ આઘરૂ ત્યારે થઇ પડતું જ્યારે આવી ભીડમાં કોઇ ગેસ છોડતું..!!. એવી જામ પેક ટ્રેનમાં કોઇ ગંધારો માણસ ફેંફસામાં ફસાયેલો ગેસ બહાર કાઢે ત્યારે આખા વાતાવરણમાં અરાજકતા ફેલાઇ જાય. લોકોનાં મોઢા તો જોવા જેવા થઇ જાય, બધા એક બીજાને શંકાની દ્રષ્ટીથી જોવા માંડે..!! અને એ ગંધ પણ ભીડમાં ઘડીકમાં જાય નહી એટલે કોઇ-કોઇ તો ગાળો પણ બકે..!!. અને આ હરરોજ થતું. મને ઘણીવાર વિચાર આવતો કે એ લોકો થોડીવાર માટે કન્ટ્રોલ કેમ નહી કરી શકતા હોય? જરા પણ નૈતિક જવાબદારીનું ભાન નહી? હાં, માન્યુ કે એ કુદરતી છે પણ સાથે સાથે બીજાનો તો ખ્યાલ કરવો કે નહી. બીજા લોકો પણ કુદરતે બનાવેલા જ છે ને?

  હું ઘણીવાર વિચારતો કે લેડીઝ ડબ્બામાં પણ આવુ થતું હશે?

  ખેર, હું પ્લેટફોર્મની બહાર નીકળવાનાં રસ્તા પર એવા ગર્વથી ચાલી રહ્યો હતો જાણે ઓલમ્પીકમાં બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો હોય. રીક્ષાએ લટકવ્યો હતો છતાંય સમયસર પહોંચી જઇશ એવા ભ્રમમાં હતો.

  જેવો હું બહાર નીકળવા જતો હતો ત્યાં જ સફેદ કલરનાં શર્ટ પહેરેલા અજાણ્યા માણસે મને રોક્યો. ટીકીટ ચેકર હતો. મેં પર્સ કાઢ્યું અને શ્વાસમાં એક ગર્વથી પાસ બતાવ્યો.

  “મેં એક જવાબદાર નાગરીક હું ઓર બિના ટીકટ કભી મુસાફરી નહી કરતા, સાહેબ” મેં અવાજમાં એક ગર્વથી છાતી બે ઇંચ બહાર કાઢીને કહ્યું.

  સાહેબે એનો હાથ મારા ખભ્ભા પર મુક્યો અને મને એની સાથે આવવા કહ્યું. લે આટલું કિધુ એમા તો સાહેબનો અહમ ઘવાઇ ગયો...

  મને એની અંધારીયા જેવી ઓફિસમાં લઇ ગયો અને બેસાડ્યો. પહેલા તો મને લાગ્યું કે એ ‘ગે’ છે અને મને શિકાર બનવવા માંગે છે, કે પછી મને જવાબદાર નાગરીક તરીકે કોઇ પુરસ્કાર માટે નોમીનેટ કરવા માંગે છે. પરંતુ મારી બન્ને ધારણા વિરુધ્ધ જરા પણ સમય વેડફ્યા વિના તેના ગમે ત્યારે ટુટી જાય એવા ટેબલનાં ખાનામાંથી તેણે મેમો બુક કાઢી હતી.

  “ઓ જવાબદાર નાગરીક, ચલો દો સો પચાસ રુપીયે નીકાલો...” સાહેબે કહ્યું

  તરત જ મારા પગ ધ્રુજવા લાગ્યા એ હકીકત જાણીને કે મારો પાસ બે દિવસ પહેલા પુરો થઇ ગયો હતો. હે ભગવાન! આ સોમવારનું મારે શું કરવું? આ સોમવાર અઠવાડિયામાંથી કેમ છટકી નથી જતો?.

  મેં કહ્યું કે મારી પાસે પૈસા નથી.

  “ચલો ચલો મેરા સમય બરબાદ મત કરો..ઓર દો સો પચાસ નીકાલો..”

  એ સમયે મારા કપડાં અને દેખાવ જોઇ ને કોઇ ન કહી શકે કે આ માણસનાં ખીસ્સામાં એક રૂપીયો પણ નહી હોય. એને પુરા બસો પચાસ રૂપીયા જોતા હતા.

  “બટવા નીકાલ...” એણે કડકાઇથી કહ્યું

  એણે કીધું એટલે મેં મારુ પર્સ ફંફોડી બતાડ્યું. કાંઇ ન હતું. ક્યાંકથી એક દસ રૂપીયાની નોટ નીકળી.

  “સર, યે દસ રુપીયે આપ રખ લો..” મેં એને દસ રૂપીયાની રૂશવત આપવાની કોશીશ કરી પણ એ માન્યો નહી. સાલો બહુ ઇમાનદાર લાગતો હતો, મારા દસ રૂપીયા ઠુકરાવી દીધા.

  એણે મને સખ્ત ભાષામાં ગમે તેમ કરી બસો પચાસ રૂપીયાની વ્યવસ્થા કરવા કહ્યું. નહીતર, રેલ્વેનાં કાયદા મુજબ જે પગલા લેવાય તેની તૈયારી રાખવાની હતી.મેં એને આજીજી કરી કે મારી ભૂલ થઇ ગઇ. પાસ રીન્યુ કરાવવાનું મારા મગજમાંથી જ નીકળી ગયું. મેં ઇરાદાપુર્વક ટીકીટ વગર મુસાફરી કરી ન હતી. પણ, એ માન્યો જ ન નહી. એને તો ૨૫૦ રૂપીયા જોતા જ હતા. કદાચ, એને પણ ટાર્ગેટ પુરો કરવાનો હશે..!!

  મેં મારા બે-ત્રણ મિત્રોને પરિસ્થીતીની જાણ કરી પણ કોઇ આજુ બાજુમાં ન હતુ. મેં ટીકીટ ચેકરને ખુબ જ વિનંતી કરી પણ એ એક ના બે થયો ન થયો અને પસાર થતી એક એક મીનીટે ગુસ્સે થતો હતો.

  “દો પુલીસવાલે કો યહા પર ભેજ દો...ચેતન ચાવડા નામ કે લડકે કો લે જાના હે...દો સો પચાસ નહી ભરના હે ઉસકો.... ઉસકે બદલે દસ દંડે માર કે છોડ દે ના..” એણે ફોન પર કોઇની સાથે વાત કરી

  એણે કાયદેસરની કાર્યવાહી ગેરકાયદેસર રીતે કરવાની શરૂ કરી એવુ મને લાગતા, આખરે, મેં મારો મોબાઇલ એની પાસે ગીરવે મુક્યો મને આસ-પાસ કોઇ એટીએમમાં જઇને પૈસા ઉપાડવા જવા દેવાની વિનંતી કરી.

  થોડીવારમાં દોડીને એની પાસે આવ્યો અને બસો પચાસ રૂપીયા એના મોઢા પર માર્યા. એણે આપેલો બસો પચાસનો મેમો એની સામે જ ફાડીને એવી રીતે ફેંક્યો કે મેમોના ટુકડાઓ મારા અને એના મોઢાની વચ્ચે વરસાદનાં છાંટાની જેમ નીચે પડતા હતા..એકદમ દક્ષિણ ભારતનાં ફિલ્મની સ્ટાઇલમાં..!!

  હું જાણે સુપ્રીમ કોર્ટમાં કોઇ કેસ જીત્યો હોય એમ પ્લેટફોર્મની બહાર નીકળ્યો.

 • ઓફિસે લગભગ ૪૫ મીનીટ મોડો પહોંચ્યો અને સોમવારનો રીવાજ જાળવી રાખ્યો.

  ખરાબ સોમવાર ઓફિસે પહોંચી જાવ એટલે પુરો થઇ જાય એવું જરૂરી નથી.

  હું એમબીએ કરીને નોન-બેંકીગ ફાઇનાન્સ કંપનીમાં લોન વેંચવાની નોકરી કરૂ છું. ગ્રાહકોને જરુરીયાત હોય કે ન હોય લોન લેવા માટે હું ફોન કરું અને સૌથી વધારે ગાળો સોમવારે જ ખાવ..અને આજે તો મારા બોસની ગાળો પણ ખાવાની છે...આજે મીટીંગ છે અને એની તૈયારી કરવાની હતી.

  ખેર એ દિવસે બાથરૂમમાં ફ્રેશ થયા પછી હું મારી સીટ પર ગોઠવાયો. મારા સહકર્મચરીયોએ એની ઘડીયાળ ચેક કરીને મોઢું બગાડ્યું જાણે હું મોડો આવ્યો એમાં એ લોકોનો પગાર કપાવાનો હતો..!! ખેર, બેસતાની સાથે તરત જ મેં મારૂ કંપ્યુટર ચાલુ કર્યુ. અને મેલબોક્ષ ખોલતાં જ ઇ-મઇલોનો નો ઢગલો થઇ ગયો. એમાં મારા બોસનો અરજંટ ટેગ સાથે એક મેલ હતો. કેટલી તોછડાઇથી મેલ લખતો. એના મેલમાં લખ્યું હતું કે રીપોર્ટ મોકલેલી છે તેમાં અમુક માહિતીઓ જોયે છે, અગીયાર વાગ્યા સુધીમાં પરત મળે એમ કરવાનું છે. મેં તેનો મેલ ફરી વાચ્યો અને ક્યારે મોકલ્યો તે ચેક કરતા ખબર પડી કે આગલી રાત્રે બાર વાગ્યે મેલ કર્યો હતો. ઓફીસ સમય સવારે સાડા નવ વાગ્યાનો છે એટલે સ્વાભવિક રીતે એની ગણતરી મુજબ અગીયાર વાગ્યા સુધીમાં કામ થઇ જવું જોઇએ. પણ, હું અગાઉહથી જ ૪૫ મિનીટ મોડો પહોંચ્યો હતો, એટલે કે સવા દસ તો થઇ ગયા હતા. ૪૫ મીનીટમાં કામ કેમ થશે એ વિચારતા જ મેં ફાઇલ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી. ફાઇલ ડાઉનલોડ થવામાં સામાન્ય રીતે જેટલી વાર લાગે તેનાં કરતા થોડી વધારે વાર લાગી. એટલે મેં ફાઇલ પર ફરી પાછું ક્લીક કર્યું અને ‘એપ્લીકેશન નોટ રીસ્પોન્ડીંગ’ નો મેસેજ આવ્યો. થોડી ક્ષણોમાં મેં મેલ એપ્લીકેશન બંધ કરવાનાં બટન પર ક્લીક કર્યું અને મારું કોમ્પુટર બહુ ખરાબ રીતે હેંગ થઇ ગયું. મેં પાછું એક વાર ક્લીક કર્યું અને કોમ્પુટરની સ્ક્રીન કાળી થઇ ગઇ. હું હાંફળો – ફાંફળો થઇ ગયો,અકળાઇ ગયો અને આમ ને આમ જ બીજી દસ મીનીટ બગડી ગઇ. મેં મદદ માટે આઇટી ડીપાર્ટમેંટમાં ફોન કર્યો પણ મારી ધારણા અનુસાર કોઇએ ફોન ન ઉપાડ્યો. મેં બીજા નંબર પર ફોન કર્યો અને એના પર વ્યસ્ત ટોન મળ્યો. બન્ને નંબર પર ફોન કરતો રહ્યો પણ આગલી દસ મીનીટ સુધી એક નંબર પર ‘નો રીપ્લાઇ’ અને બીજા નંબર પર વ્યસ્ત ટોન મળતો રહ્યો.

  “આઇટીવાળો સંતોષ કદમ એક નંબરનો કામચોર છે...” મેં દાંચ કચરીને મનોમન જ કહ્યું

  કંટાળીને મેં કોમ્પુટર ડાઇરેક્ટ બંધ કરી દીધું અને ફરી ચાલુ કર્યુ પણ કાંઇ ફર્ક ન પડ્યો. આમ ને આમ અડધી કલાક બગડી ગઇ. અગીયાર વાગવામાં પંદર મીનીટની વાર હતી અને હું બોસની કેબીનમાં ખાલી હાથ ગયો. બોસે મારી વાત સાંભળ્યા વિના જ મને ખખડાવ્યો, કેટલુ બધું સંભળાવ્યું, મારો કચરો કર્યો અને છેલ્લે ધમકી આપી કે આગલી એક કલાકમાં કામ ખતમ કરીને આપવું કા પછી મારે રાજીનામું આપી દેવું. છેલ્લે ગેટ આઉટ સાંભળી હું મારી જગ્યા પર પરત આવ્યો.

  હું મારી જગ્યા પર ગોઠવાયો. અને મારા કોમ્પુટરની સમસ્યાનું સમાધાન મારે જ કરવું પડશે એ હેતુથી મેં જાતે જ આઇટીનું કામ હાથમાં લીધું. નોન-બેંકીગ ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા હોય તો તમને બધું આવડતું હોવુ જોઇએ. તેલ લેવા ગયો આઇટી ડીપાર્ટમેંટ..!!. કોઇપણ કંપનીમાં આઇટી અને એચઆર ડીપાર્ટમેંટ બેકાર હોય છે. એ બન્ને ડીપાર્ટમેંટ મફતનો પગાર જ ખાતા હોય છે. પગાર સામે પુરતું વળતર નથી આપતા. જો મને એક દિવસ માટે કંપનીનો ચેરમેન બનાવવાની તક આપે તો આ બન્ને ડીપાર્ટમેંટનાં અડધાથી વધારે કર્મચારીઓને છુટ્ટા કરી દઉં.

  મેં થોડીવાર કોમ્પુટરમાં ચેડા કર્યા, સીપીયુંને બે વાર હવામાં થોડું ઊચું કરીને મુક્યું. પછી સીપીયુંને થોડી ટપલીઓ પણ મારી. બે-ત્રણ વાર ચાલુ-બંધ કર્યુ અને મારુ કોમ્પુટર ચાલવા લાગ્યું આઇટીવાળાની મદદ વગર..!! આવું મેં એક દક્ષિણ ભારતની એક ફિલ્મમાં જોયું હતું. એ લોકો સત્ય હકીકતો પર ફિલ્મ બનાવતાં હોય એવું લાગે..!!

  મેં ફરી બોસનો મેલ ચેક કર્યો. એણે મોકલેલા રીપોર્ટમાં થોડા સુધારા- વધારા કર્યા, થોડા વધારે ચાર્ટ અને ડાયાગ્રામ ઉમેર્યા, પાવર પોંઇટ પ્રેઝંટેસન અને એક્સેલમાં આવતા લગભગ તમામ ચાર્ટો વાપરી નાખ્યા. થોડા વધારાનાં ટેબલો પણ ઉમેર્યા. એણે રેપોર્ટ પર ઉઠાવેલા સવાલોના જવાબો પણ તૈયાર કર્યા. મેં મારી પ્રેસરમાં કામ કરવાની ક્ષમતા પર ગર્વ અનુભવ્યો. આજે મીટીંગ હતી એમાં માર્કેટીંગવાળાનાં પગાર વધારાની પણ વાત થવાની હતી. મારો પગાર વધવાનો હતો.

  જેવુ બધું કામ પત્યુ કે રીપોર્ટ એક વખત વાંચવા માટે પ્રીંટની કમાંડ આપી અને પ્રીંટર તરફ દોડ્યો. પ્રીંટર પાસે ગયો ત્યારે ખબર પડી કે પ્રીંટરમાં પેપર ન હતા. મેં પ્રીંટરની ટ્રેમાં પેપર રાખતા પ્રીંટ થવાનો અવાજ સાંભળતાં નિરાંતનો શ્વાસ લીધો..!! મેં એક પ્રીંટ હાથમાં લીધી ત્યારે ખબર પડી કે પ્રીંટર મારી નહી પણ બીજા કોઇની કોપીઓ છાપી રહ્યું હતું. અમારૂ પ્રીંટર કોમન હતું એટલે મારી પહેલા મારી સહ-કર્મચારીએ પ્રીંટની કમાંડ આપેલી હતી અને પ્રીંટરે તેની કમાંડનો પહેલા અમલ કર્યો હતો. અમારી ઓફીસનાં સાલા મશીનો પણ મહિલાઓને પહેલા પસંદગી આપતા અને તેઓની કમાંડ નો અમલ પહેલા કરતા..!! તેણે એક બે નહી પણ પુરા પચાસ પેપરની પ્રીંટ આપેલી હતી. મારી પાસે રાહ જોવા સિવાય કોઇ જ ઉપાય ન રહ્યો. હું પ્રીંટરની બાજુમાં ઊભી ગયો.

 • આખરે તેની કોપીઓ પ્રીંટ થઇ અને મારો વારો આવ્યો પણ કોપી ન આવી. પાછી એકવાર મેં કમાંડ આપી હતી અને હું પ્રીંટર પાસે દોડ્યો. પ્રીંટરે નોર્મલ સમય કરતા વધારે સમય લીધો. એકધારા પચાસ પેપરનો લોડ પ્રીંટર સહન કરી ન શક્યું..!! મેં પ્રીંટરના ડીસપ્લેમાં મેસેજ વાંચ્યો કે પેપર ફસાઇ ગયું હતુ. મારી ઓફીસનું લેસર જેટ ટાઇમ પર જ લફડાં કરતું..!! સોમવારે તો ચોક્કસ કરતું..!! મેં પ્રીંટરનું ઉપરનું ઢાકણું ખોલી ફસાઇ ગયેલુ પેપર બહાર કાઢ્યું, પેપર ફાટી ગયું હતું. એટલે પ્રીંટરની કાર્ટરીજ કાઢી અને પેપરનો બાકીનો ફાટેલો ભાગ બહાર કાઢ્યો. પછી અનુભવી પ્રીંટર રીપેરરની જેમ કાર્ટરીજમાં ફુંક મારી પાછી પ્રીંટરમાં ફીટ કરી દીધી. આ બધું વળી પાછું આઇટીવાળાની મદદ વગર..!! નોન – બેંકીગ ફાઇનાન્સ કંપનીમાં બધું આવડવું જોઇએ. આખરે, અડધી કલાકનાં સખત ટેકનીકલ પ્રયત્નો પછી મારા હાથમાં મારો રીપોર્ટ આવ્યો. આ બધી પ્રક્રિયા દરમિયાન મારા સહ-કર્મચારીયો મને એક અઘરા કર્મચારી તરીકે જોતા હતા. કેટલાક તો મોઢું પણ બગાડતા હતા.

  રીપોર્ટ મારા હાથમાં આવ્યો એટલે મેં પ્યુનને એક ફાઇલ શોધી આપવા માટે ઓર્ડર આપ્યો. હું થોડા પેપરો આ રીપોર્ટ સાથે જોડવા માંગતો હતો. બધું કામ એકદમ ચોકસાઇથી કરવું હતું. કાંઇ કસર છોડવા માંગતો ન હતો...મીટીંગમાં પગાર વધારાની ચર્ચાઓ થવાની હતી..!!

  પ્યુન સ્ટોર રૂમમાં ફાઇલ શોધવા તો ગયો પણ સામાન્ય સમયમાં મારી ફાઇલ લઇને ન આવતા હું પોતે જ સ્ટોર રૂમમાં પરિસ્થીતી જાણવા પહોંચી ગયો. પ્યુન હજી શોધી જ રહ્યો હતો. હું પણ એની સાથે શોધવા લાગી ગયો. બધી ફાઇલો લાઇનમાં ગોઠવેલી હતી એમાં મારે જે ફાઇલ જોઇતી હતી એ ફાઇલ જ ન હતી....

  કોઇ પણ કંપનીમાં કોઇ સાથે સંબંધ બગાડવાની નોબત આવે તો ગમે તેની સાથે સંબંધ બગાડવો પણ પ્યુન સાથે ક્યારેય સંબંધ ન બગાડવો...!! કારણ કે પ્યુન સિવાય ફાઇલ કોઇ ન શોધી આપે. ફાઇલ નહીં મળતા મને ગુસ્સો આવતો હતો પણ મેં શાંતી જાળવી. મેં પ્યુનને આજીજી કરી કે બીજુ કોઇ કામ હાથમાં ન લે અને મને મારી ફાઇલ ગમે તેમ કરી શોધી આપે. જો એ મને ફાઇલ જલ્દી શોધી આપશે તો મેં એને સની લીઓનનાં વીડીયો આપવાની લાલચ આપી. અને એણે કરી બતાવ્યું હતું, થોડીવારમાં જ મારી ફાઇલ લઇને હાજર થઇ ગયો. મેં વચન મુજબ એનું ઇનામ પણ આપ્યુ હતું. એ લાલચ વહેલા આપવાનીએ જરુર હતી. ખરેખર, સની લીઓન ખુબ કામની છે...

  આખરે મેં મારું કામ પતાવ્યું અને કામ પતાવવામાં ને પતાવવામાં ઘડીયાળ સામે ધ્યાન ગયું જ નહી. બપોરનાં ત્રણ વાગી ગયા હતા અને મને ખબર પણ ન પડી, લંચ ટાઇમ (૧ થી ૨) પણ ક્યારનો પુરો થઇ ગયો હતો. અને હજુ સુધી બીજા માળે મીટીંગમાં જવા મને બોલાવવામાં પણ આવ્યો ન હતો. એક કલાકનું કામ પતાવવામાં ચાર કલાક પસાર થઇ ગઇ હતી. આમને આમ અડધો સોમવાર પતી ગયો. આશ્ચર્યની વાત તો એ હતી કે મારો બોસ એકવાર પણ કામની ઊઘરાણી કરવા આવ્યો નહી.

  અંતમાં મારી તમામ મહેનત લઇને મારા બોસને મારા હટ કે કામ બદલ શાબાશી મેળવવા એની કેબીનમાં ગયો. મને એમ હતુ કે એ મને બેસવાનું કહેશે, મારો રીપોર્ટ ચેક કરશે, મારા કામનાં વખાણ કરશે અને પગાર વધારામાં મને નિરાશ નહી કરે પણ એવુ કાંઇ જ ન થયું. લેપટોપમાંથી નઝર ઉઠાવ્યા વગર મને રીપોર્ટ ટેબલ પર રાખી દેવા કહ્યુ હતું..!!. કેવો નમુનો હતો, ઉતાવળ ન હતી તો પણ મને આટલી મહેનત કરાવી..!!! કાઇ વાંધો નહી. એ બોસ હતો અને બોસ હંમેશા સાચો અને બીઝી હોય છે.

  “સર.આજ મીટીંગ હે ના?”, મેં અચકાતા પુછ્યું

  “મીટીંગ હો ગઇ..” મારી સામે જોયા વગર જવાબ આપ્યો

  મીટીંગ થઇ ગઇ? મને તો ન બોલાવ્યો. મારો રીપોર્ટ? મારો પગાર વધારો?

  “સર..”

  “ચેતન...તુમ્હારા પગાર નહી બઢેગા..” એણે તેના ચસ્માની ઉપરથી મારી સામે જોયું અને કહ્યું.

  મેં એની સામે લાચારીથી જોયું.

  “....સચ તો યે હે કી કાફી લોગો કો જોબ સે નીકાલને પડેંગે...” સર બોલ્યા અને ઉમેર્યું કે “...ક્યા પતા ઉસ્મે તુમ્હારા નંબર ભી આ જાયે..”

  આટલું બોલી પોતાનાં લેપટોપ પર ફરી કામ કરવા માંડ્યો.

  “...નાવ ગો...”

  હું એની કેબીનમાંથી બહાર આવી ગયો.

 • ખેર, હું જમવા માટે કેન્ટીનમાં ગયો. અમારી ઓફિસ મોટા કોમર્સીયલ બીલ્ડીંગોમાંની એક બીલ્ડીંગમાં હતી. અને અમારી બીલ્ડીગની કોમન કેંટીન ગ્રાઉંન્ડ ફ્લોર પર હતી.

  કેંટીનમાં બધા ટેબલ ખાલી હતા, માત્ર એક ટેબલ પર એક છોકરી પોતાનું ટીફીન ખાઇ રહી હતી. એને પણ એના બોસે લંચ પહેલા કામ પતાવવાની ધમકી આપી હશે એવું લાગતું હતું. હું જમવા માટે પ્લેટ લેવા ગયો અને ફરી એકવાર એ છોકરી તરફ નઝર કરી અને હું ચમક્યો. અરે, એ તો પેલી છોકરી છે જેને મેં કોફી કલરના ડ્રેસમાં બોરીવલી સ્ટેશન પર ગઇ કાલે સાંજે જોયેલી. અરે વાહ, એ છોકરી અહિયાં શું કરે છે? એ છોકરી તો મને ખુબ જ ગમતી હતી અને મને પહેલી નજરે પ્રેમ પણ થઇ ગયો હતો કે જે મને લગભગ સારી દેખાતી બધી છોકરીઓ સાથે થઇ જતો હોય છે. મને કોઇ સારી છોકરી દેખાય એટલે એમ જ થાય કે કદાચ આ જ મળી જાય..એ તો શું સારી છોકરીની મમ્મીને જોવ એટલે મને એમ જ થાય કે આ જ મારા સાસુ બને.. ન્યુ આરધનાવાળી ડોલીનાં મમ્મીને જોવ એટલે પણ મને એમ જ થાય કે મારા સાસુ બનવાની તક એમને જ મળે..!!

  ખેર, કોફી ડ્રેસવાળી પણ કાંઇ કમ નથી. પણ, કોફી ડ્રેસવાળીનો તો બોયફ્રેંડ હતો, મેં જોયેલો બોરીવલી સ્ટેશનની બહાર. મેં મારા મગજમાં ઘટનાંનુ પુનરાવર્તન કર્યું

  આગલા દિવસ સાંજની જ વાત છે, હું સાંજે પાંચ વાગ્યે બોરીવલી સ્ટેશન પર ઉતર્યો ત્યારે એ પણ મારી જ ટ્રેનનાં લેડીઝ ડબ્બામાંથી ઉતરી હતી. મારી નઝર એની સામે પડી હતી અને એની મારી સામે..!! નઝરની નઝર મળી અને મારા તરફથી હાં હતી.

  એનો ચહેરો કોઇ જાણીતી વ્યક્તિ જેવો લગતો હતો. મેં યાદ કરવાની કોશીશ કરી હતી પણ કાંઇ યાદ ન આવ્યું. ખેર, પ્લેટફોર્મ નંબર એકની બહાર નીકળતા નીકળતા હું એને ઘુરતો રહ્યો હતો. કોફી કલરનો એકદમ સાદો પણ મોંઘો એવો ડ્રેસ પહેર્યો હતો. ખભ્ભે પાતળી દોરીવાળું કાળું પર્સ હતું અને હાથમાં મોંઘો મોબાઇલ હતો. રૂપાળો ચહેરો અને આંખો એકદમ કાળી કાળી ભમરા જેવી..!! અને કાળી આખોમાં આછું આંજણ..!! એની સાઇડ લટને કાન પાછળ ધકેલવાની અદા જોઇને તો મારી પાછળ વાયોલીન વાગવા માડ્યું હતું. બન્ને હાથ આપોઆપ દિલ પર જતા રહ્યા હતા. એક થંડો પવન ફુકાયો હતો અને બધુ સ્લો મોશનમાં ચાલવા લાગ્યું હતુ. આવું ત્રીસ સેંકડ ચાલ્યુ. હું એ ત્રીસ સેકંડો માટે હું કોઇ નવી જ દુનીયામાં જતો રહ્યો હતો. એના રૂપનો આનંદ લેવામાં મારી ચાલવાની ગતી ધીમી પડી ગઇ હતી. એવામાં મને પાછળથી એક જેંટલમેને ‘એક્સક્યુઝ મી’ કહી આગળ નીકળવા માટે સાઇડ માંગી અને એને સાઇડ આપવામાં મારુ ધ્યાન થોડું ગયું એટલામાં તો એ છોકરી ગાયબ થઇ ગઇ. એ શું હતું? આટલી વારમાં ક્યાં ગાયબ થઇ ગઇ? શું એ ભુત હતી કે ગાયબ થઇ ગઇ? અને જયાં મારી હાજરી હોય ત્યાં ભુત કેવી રીતે હોય શકે?

  આમ-તેમ નઝર ફેરવી તો એ મને મળી ગઇ. તે એક રેલ્વે કેન્ટીન પર વેફર્સ લઇ રહી હતી. હું પણ કેન્ટીન પર ગયો અને તેનાથી ખાસ્સુ અંતર રાખી મારી હાઇટ ચેક કરી હતી. વાહ, એકદમ પરફેક્ટ આવતી હતી. હાઇટ મેચ થઇ ગઇ હતી, મારી તો હાં જ છે. અંદરનાં ચેતનની પણ હાં હતી. મારી હાઇટ પાંચ ફૂટ ત્રણ ઇંચ જ છે. આજ કાલ છોકરીઓ બહુ લાંબી હોય છે..!! અને આમ પણ બે-ત્રણ ઇંચ તો હાઇ હીલ પહેરીને જ વધારી દે છે..

  તેણે પૈસા ચુકવ્યા અને જતી રહી અને હું પણ એની પાછળ. વાહ, કોફી કલરના ડ્રેસવાળી છોકરી વાહ...! હવે મારા દિલમાં ડોલીનું સ્થાન બીજા નંબર પર હતું. પહેલા નંબર પર કોફી કલરનાં ડ્રેસવાળી છોકરી આવી ગઇ હતી.

  મારે પણ એ જ રસ્તેથી પ્લેટફોર્મની બહાર નીકળવાનુ હતું જ્યાંથી તેને નીકળવાનું હતું. હું તેની પાછળ જ હતો. અને આગલી પાંચ મીનીટમાં ડોલીનું સ્થાન પાછું પહેલા નંબર પર આવી ગયુ હતું.

  એ જેવી સ્ટેશનની બહાર નીકળી કે કોઇને જોઇને ખુશીથી જુમી ઉઠી હતી. અને સામે એક છોકરો બાઇક પાસે ઊભો હતો એને ભેટી પડી હતી. છોકરો પણ સરખી ઉંમરનો જ લાગતો હતો અને એ પણ છોકરીને ભેટી પડ્યો હતો. એનો ભાઇ હશે? ના..ના ભાઇ ન હોય, કોઇ ભાઇ બહેન સાવ આવી રીતે ચોંટીને ન ભેટે..એક મર્યાદા હોય..!! હું તો મારી જગ્યા પર જ થોડીવાર સ્તબ્ધ થઇને ઊભો રહી ગયો હતો. લોકો ધક્કા મારતા-મારતા આગળ નીકળી રહ્યા હતા.

  પછી એ છોકરાએ બાઇકની કિક મારી અને છોકરી પાછળ એકદમ ટાઇટ પકડીને બેસી ગઇ, પાક્કુ ભાઇ બહેન તો ન જ હતા..એ હજુ હસી રહી હતી અને બન્ને એકદમ ખુશ જણાતા હતા. ગણી શકાય એટલી ક્ષણોમાં તો બાઇક મારી નઝરની સામેથી ટ્રાફીકમાં અદ્રશ્ય થઇ ગઇ. અને ડોલીએ મારા દિલમાં એનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો.

  પણ, આ કોફી કલરનાં ડ્રેસવાળી છોકરી આ કેન્ટીનમાં શું કરે છે? આ બિલ્ડીંગમાં જ કોઇ કંપનીમાં કામ કરે છે?

  મેં મારી થાળી લીધી અને આટલા બધા ટેબલ ખાલી હોવા છતાંય એના ટેબલ પર જઇ ને બેઠો.

  મારી થાળીમાં રહેલુ જમવાનું એક્દમ સ્વાદ વગરનું હતું. બેમાંથી એક પણ શાક ભાવે એવું ન હતું – એક હતું કારેલાનું અને બીજુ હતું તુરીયાનું..!! રોટલીઓ સુકાઇ ગઇ હતી અને કોઇ-કોઇ વધારે બળી ગયેલી હતી. રસોઇયો દાળમાં મીઠું નાખતાં ભુલી ગયો હતો અને દાળનાં ભાગનું મીઠું રાઇતામાં નાખી દિધું હોય એવુ લાગતું હતું કારણ કે રાઇતુ એકદમ ખારૂ – ખારૂ મોનેકો બીસ્કીટ જેવુ હતું . ભાત થોડા ઠીક હતા અને દહીં ખાલી થઇ ગયું હતું. બપોરે ત્રણ વાગ્યે હું કેન્ટીનનાં લોકોને જમવા બાબતે ફરીયાદ ન કરી શકું. ઊલટાનું એ લોકોએ મોઢું બગાડ્યું અને મને એવી રીતે પીરસતા હતા જેમ કે હું કોઇ જેલ નો કેદી હોય..! અને મેં અજમલ કસાબથી પણ મોટો ગુનો કર્યો હોય..!!

  ખેર, હું કોફી કલરનાં ડ્રેસવાળી છોકરીની સામે બેઠો. એનું ધ્યાન જમવામાં અને મોબાઇલમાં ચેટીંગ કરવામાં હતું. પેલા બાઇકવાળા સાથે ચેટીંગ કરતી હશે..!! મેં ડોક ઊચી કરીને એના મોબાઇલમાં જોવાની કોશીશ કરી પણ કાંઇ દેખાયું નહી. એકવાર તો હું જોવા માટે થોડો ઊચો થયો અને એણે અચાનક મારી સામે જોઇને મોઢું બગાડ્યું એટલે હું પાછો ચુપચાપ બેસી ગયો.

  આજે તો ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો.

  મેં ખોખારો ખાઇને વાતની શરુઆત કરવા માટે ‘હેલો’ કહ્યું. એણે કાંઇ જવાબ ન આપ્યો. સામે પણ ન જોયું. મેં પાછી બોલાવી પણ કાંઇ જવાબ ન આવ્યો. મારે એને પુછવું હતુ કે મેં એને ક્યાંક જોયેલી છે પણ યાદ આવતું નથી. એ ચુપચાપ જમી રહી હતી. કાંઇ જવાબ ન આવતા મેં આજુબાજુમાં નઝર ફેરવી અને પુછ્યું “આપ કો મેને કલ બોરીવલી સ્ટેશન પે દેખા થા..આપ વહી હો ના...?”

  એ ચુપચાપ મારી સામે જોતી રહી. પણ કાંઇ જવાબ ન આવ્યો. એણે બહુ ભાવ ખાધો અને મેં ખાલી ભાત ખાધો.

  થોડીવારમાં કેન્ટીનનો એક માણસ મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું કે એ છોકરી મુંગી અને બહેરી છે.

  “ચેતનભાઇ, આપકી કોઇ બાત નહી સુનેગી..”

  હું તો ચોંકી ગયો, રાઇતાની ચમચી મોઢે પહોંચતા પહેલા થોડીવાર હવામાં જ રહી ગઇ...જેવી મોઢામાં ગઇ કે ખારૂ-ખારૂ રાઇતું વધારે ખારૂ લાગવા લાગ્યું.

  વધારે કેંટીનનાં માણસે ઉમેર્યુ કે “યે લડકી દિનકર સાહેબ કી હે..”

  અને એ વાત સાંભળીને ઊધરસથી રાયતું મોઢામાંથી બહાર આવી ગયું. દિનકર સાહેબ એટલે બીજું કોઇ નહી પણ મારો બોસ...!!

  હાય રે સોમવાર....!!

  પછી મને યાદ આવ્યું કે મને કેમ એમ લાગતું હતું કે મેં એ છોકરીને ક્યાંક જોયેલી છે. મેં એ છોકરીનો ફોટો મારા બોસનાં ડેસ્ક પર રાખેલા ફેમીલી ફોટો ફ્રેમમાં જોયેલો હતો.

  હાય હાય સોમવાર....!!

  “દિનકર સાહેબ ને એક કામ ઢંગ કા કિયા..લેકિન ઉસમે ભી ડીફેક્ટ આ ગઇ..” મેં કેન્ટીનવાળાને કહ્યું અને હસી પડ્યો. કેંટીનવાળો જતો રહ્યો. ખાલી ફોકટ ડરતો હતો..એ ક્યાં સાંભળવાની હતી. દિનકર સાહેબની ડીફેક્ટીવ પ્રોડક્ટ મારી સામે જોઇ રહી હતી.

  પછી હું એ છોકરી તરફ ફર્યો અને કહ્યું “દિનકર સાહેબ કી લડકી હે ના? તેરા બાપ એક નંબર કા ચોર હે...ચોચોચોરરર હે ચોચોચોરરર..” મેં ‘ચોર’ પર વધારે ભાર આપ્યો. શું ફર્ક પડે છે એ ક્યાં સાંભળવાની હતી?

 • જમીને ઓફિસની બહાર ચક્કર મારવા માટે નીકળ્યો. અમારી ઓફિસનાં મોટા કોમર્સીયલ અરીયામાં નાનો – બગીચો તેમજ એક નાનું તળાવ પણ હતું. લોકો જમીને ચક્કર મારવા તળાવ પર જતા. તળાવની ત્રણ ફુંટ ઉચી પાળીએ બેસતા. તળાવમાં માછલીઓ હતી એટલે કેટલાક લોકો વધેલી રોટલીઓ ખવરાવવા માટે તળાવે આવતા. થોડા લોકો બાગમાં ચક્કર મારવા માટે પણ જતા.

  હું એ તળાવની પાળીએ એકલો બેઠો હતો. સોમવાર હતો એટલે હવે શું ખરાબ થઇ શકે એ વિચારતો હતો.

  મેં તળાવનાં પાણીમાં જોયુ અને પાણીમાં મને ચેતન ચાવડાનું પ્રતીબિંબ દેખાયું..!! હું ચેતન ચાવડા એક કદરૂપા માણસનું ઉદાહરણ હતો. મેં જાડ્ડા કાંચનાં ચસ્મા પહેરેલા હતા, મને બન્ને આંખમાં આઠ-આંઠ નંબર હતા એટલે..!! મારા વાળ તેલમાં ચપોચપ હતા, અને ધર્મેન્દ્રનાં જમાનાની પાથી પાળેલી હતી કે જેમાથી અસહ્ય માત્રામાં વાવઝોંડુ આવી જાય તો પણ એક વાળ પણ ન હલે.નાનપણમાં દિવાળીમાં અનાર ફાટતા મારો દાબો ગાલ કાળો થઇ ગયો હતો અને એ દાગ હજુ સુધી ગયો ન હતો અને મારા કદરૂપા લાગવામાં એ ગાલનો બહુ મોટો ફાળો હતો...એ દિવાળીની ઘટના પણ સોમવારે જ ઘટાઇ હતી...પાણીમાં મારું પ્રતીબિંબ હલતું હતું અને સાથે હલી જતો હતો મારો આત્મવિશ્વાસ... માછલીઓ દેખાતી હતી...અને ખાવા માટે આવી ગઇ હતી પણ મારી પાસે ખવરાવવા માટે કાંઇ જ ન હતું.

  પછી હું પાળી પરથી ઊભો થયો અને મારૂ નીરીક્ષણ કર્યું. મેં એકદમ સાદું ફોર્મલ શર્ટ પહેરેલું હતું અને મારું પેંટ કમરથી એકદમ ફીટ અને લંબાઇમાં એક ઇંચ ટુકું હતું. કમર પટ્ટાનાં કાણા મેંદુવડાનાં કાણા જેવડા થઇ ગયા હતા. મારા બુટ ઘસાઇ ગયેલા અને મેલા હતા. હું દેખાવમાં એકદમ ખરાબ લાગતો હતો. એટલે જ કદાચ મારા વધારે મિત્રો ન હતા. અને જે હતા એ પણ મને ‘પકાવ’ કહેતા અને મારાથી દુર ભાગતા. મને લોકો નફરત કરતા અને મારી સાથે રહેવામાં પણ સંકોચ અનુભવતા...ખાલી સોમવાર જ નહી પણ દરેક વાર મારા માટે તો ખરાબ જ હતો..

  ખેર, સાથે - સાથે બાકિનો સોમવાર સાવચેત રહેવું એનો વિચાર કરતો હતો. હું તળાવ તરફ મોઢું ફેરવીને ઊભો હતો એટલી વારમાં મારા ખભ્ભા પર કોઇએ હાથ મુક્યો. હું જોવા પાછળ ફર્યો અને આશ્ચર્યનો પાર ન રહ્યો...દિનકર સાહેબની છોકરી મારી સામે ઊભી હતી. અંદરથી એક ઓડકાર આવ્યો અને ખાધેલું રાયતું ગળા સુધી આવી ગયું. શું બોલવું એ સમજાતું ન હતું.

  “મેરે પાપા કો બહોત ગાલી દી આપને....” એ બોલી અને મારી આંખનાં ડોળા બહાર આવી ગયા. આ તો બોલી શકે છે? હવે તો પાક્કુ મારી નોકરી ગઇ. કેન્ટીનવાળાનું થાળી-વાટકાથી ખુન પણ થવાનું.

  “અમમ..અમમ...” હું કાંઇ બોલી ન શક્યો.

  એ અદબ વાળીને હું કાંઇ જવાબ આપુ એની રાહ જોતી હતી. એણે થોડું આજુ -બાજું જોયું અને પછી મારી સામે જોયું તો હું એની સામે ન હતો. અને પાંચ સેકંડોમાં એણે બુમ મારી “અરે..ક્યા કર રહે હો...?”

  મેં એના પગ પકડી લીધા હતા, માફી માંગવા માટે..!!

  “મુજે માફ કર દો..ગલતી હો ગયી..” મેં જમીન પર બેઠાં-બેઠાં કહ્યું

  “પહેલે ખડે હો જાઓ..”

  હું ઊભો થયો અને કહ્યું “મુજે લગા આપ બહેરી હે..”

  “બહેરી હે તો પાપા કો મેરે સામને ગાલી દોગે..”

  હું ચુપ રહ્યો.

  “મેં બહેરી નહી હું...ના હી મેં ગુંગી હું..”

  “લેકીન વો કેંટીનવાલે ને બતાય કી તુમ ગુંગી ઓર બહેરી હો..”

  “..વો મેરી બહેન હે..”

  મારા તો પગ નીચેથી જમીન સરકી ગઇ. હવે યાદ આવ્યું કે દિનકર સાહેબનાં ફેમીલી ફોટોમાં બે છોકરીઓ છે...એક મમ્મી પાસે ઊભી છે અને બીજી પપ્પા પાસે..!!

  હે સોમવાર..!!

  “વો બોરીવલી સ્ટેશન પે મેરી બહેન કો દેખા હોગા..હમ દોનો જુડવા હે..” આટલું બોલીને એ જતી રહી. જતા પહેલા એટલું બોલી કે “તુમ્હારી નોકરી ગઇ વો બાત પક્કી હે..”

  હું એને પાછળથી સોરી સોરી કહેતો રહ્યો પણ એણે સાંભળ્યું જ નહી. દિનકર સાહેબની છોકરી હતી એટલે દિનકર સાહેબ જેવી જ હોય ને..!! અકળવાળી એકદમ..!!

 • ત્રણ વર્ષ પછી

  ત્રણ વર્ષ પછી પણ સોમવારની બાબતમાં કાંઇ સુધારો ન થયો..!! મને નોકરીમાંથી છુટ્ટો કર્યો એ દિવસ સોમવાર હતો. ડોલીનાં ઘરે ડોલીની ડોલી સજાવી એ દિવસે પણ સોમવાર હતો. ‘ન્યુ આરાધના હાઇટ્સ’ મુંબઇ નગરપાલીકાએ ખાલી કરાવ્યું એ દિવસે પણ સોમવાર હતો.

  અને બે વર્ષ પહેલા મારા જેવી જ ક્દરૂપી પુરુષ જેવી લાગતી સ્ત્રી સાથે મેં લગ્ન કર્યા. અને એ ઘટનાં ઘટાઇ એ દિવસે પણ સોમવાર જ હતો. મને દિનકર સાહેબે લાત મારીને કાઢી મુક્યો એટલે હું લોન વેચવાવાળો એજંટ બની ગયો એ દિવસે પણ સોમવાર હતો.

  છેલ્લા ઘણા સમયથી મેં સોમવારે ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દિધું હતું. મને સોમવારોફોબિયા થઇ ગયો હતો. છેલ્લા બે વર્ષથી મારી કદરુપી પત્ની દક્ષાનાં માનસિક ત્રાસ અને સોમવારની ઘટનાઓની હારમાળાઓને લીધે મને એક માનસિક બીમારી પણ થઇ ગઇ. છેલ્લા થોડા સમયથી એકલો એકલો અને પ્રાણીઓ તેમજ નીર્જીવ વસ્તુઓ સાથે સોમવારે વાતો કરતો અને લોકો સાથે મૌન રાખતો. એટલે દક્ષાને એવુએં લાગ્યું કે મારી ડગરી ચસકી જાય એ પહેલા મારે માનસીક રોગના ડોક્ટરની સલાહ લેવી જોઇએ. એક દિવસ અમદાવાદનાં કોઇ માનસિક રોગનાં ડોક્ટરે ફ્રી માં કેમ્પનું આયોજન કર્યુ એટલે હું ત્યાં પહોંચી ગયો. એ દિવસે પણ સોમવાર જ હતો છતાંય હિમ્મત કરીને પહોંચ્યો.દક્ષાથી બે દિવસ દુર રહેવાનો મોકો મળતો હતો એટલે ભાગી ગયો.

  હું અમદાવાદ માનસીક રોગનાં ડોક્ટરને મળવા ગયો ત્યારે અમદાવાદની એક સામાન્ય હોટેલમાં રોકાયો હતો..!!. મારો વારો તો બપોરે જ આવી ગયો હતો પણ દક્ષાથી દુર રહેવાનો મોકો મળ્યો હતો એટલે બીજા દિવસે સવારમાં નીકળવાનો પ્લાન હતો. બીજે દિવસે સવારમાં વહેલા ઊઠવાનું હતું અને મુંબઇની ટ્રેન પકડવાની હતી..!! ડોક્ટર સાહેબ પણ બહુ સારા હતા અને એક મહિનાંની દવા ફ્રી માં આપી હતી અને એક મહિનાં પછી ફરી આવવા કહ્યું હતું..

  રાત્રે સાડા અગીયાર વાગ્યાનો સમય હશે. હું અમદાવાદનાં આશ્રમ રોડ પર ચાલી રહ્યો હતો. ડીનર કરીને આરામથી મારા હોટેલ રૂમ પર પરત ફરી રહ્યો હતો. રસ્તો એકદમ શાંત હતો, પસાર થતા વાહનોની સંખ્યા પણ ઓછી થઇ ગઇ હતી. ચાલીને જવાવાળો તો એક પણ માણસ દેખાતો ન હતો. હું તો મારી ધુનમાં ચાલી રહ્યો હતો. એ દિવસે સોમવાર હતો અને ખરાબ કહી શકાય એવું કશું થયું ન હતું. એકવાર તો અમદાવાદમાં જ સેટ થઇ જવાનો વિચાર પણ આવ્યો હતો.

  એટલામાં મને ભાસ થયો કે કોઇ મારો પીછો કરી રહ્યું હતું. મેં મારી પાછળ કાંઇક અવાજ સાંભળ્યો. કોઇ મારી પાછળ હતું એવા ભાસથી મારા હ્રદયના ધબકારા વધી ગયા. એકાદ ધબકારો તો ચુકાઇ પણ ગયો હશે..!! મેં મારી ચાલવાની ગતિ વધારી. પાછળ જોયા વિના બજરંગ બલી મને જલ્દી હોટેલ રૂમ પર શાંતીથી પહોંચાડી દે એવી પ્રાર્થના કરવા લાગ્યો. હોટેલ હજી સો મીટર જેટલી દૂર હતી. શહેર અજાણ્યું હતું.

  એકવાર તો વિચાર પણ આવ્યો કે જે પીછો કરતું હોય એ એકલો હોય તો લડી લઉં..!! હાં, પણ એની પાસે હથીયાર હશે તો એ વિચારથી પાછળ ફરવાનું માંડી વાળ્યું! મેં ઝડપથી ચાલવાનું ચાલુ રાખ્યુ એટલે પાછળ આવતો અવાજ વધ્યો.

  એક મીનીટમાં મગજમાં એક સવાલ ઊભો થયો કે મારો પીછો કોણ કરતું હશે? કોણે મને આટલો ડરાવી દીધો છે? વધુ સમય નહી વેડફતા હું ઊભો રહી ગયો. આખરે, પાછળ ફરીને એકવાર જોવાનું નક્કી કર્યુ. મારા હાથ-પગ ધ્રુજી રહ્યા હતા. મેં એક ઊડો શ્વાસ લીધો. હું પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. મનોમન વિચાર્યુ કે જો હું એ પરિસ્થીતીમાંથી બહાર આવી જાઉં તો આવતા શનિવારે હનુમાન ચાલીસા સાતવાર વાંચીશ! અને બહુ અઘરૂ છે પણ મનોમન વચન આપ્યું કે દક્ષાને ગાળો નહી દઉ. મેં બન્ને મુઠ્ઠી વાળી, તમામ હિંમત જુટાવી અને પાછળ ફર્યો એ જોવા કે કોણે મારું બ્લડ પ્રેસર આટલુ વધારી દીધું હતું કે બ્લડ પ્રેસર માપવાનાં મશીન સ્ફિગ્મોમેનોમિટરમાં પણ માપી ન શકાય..!! એ મશીનનું નામ સમજવાની કોશીશ ન કરવી.

  આખરે, મારા આરોપીને જોઇને મને આનંદ થયો, હોઠો પર સ્મીત આવ્યુ. એ એક નાનકડું અને મસ્ત ગલુડીયું હતુ. એના ખાલી ગળાનાં નીચેના ભાગ પર નાનકડો સફેદ પટ્ટો હતો, બાકી આખું કાળુ હતુ.

  મેં નિંરાતનો શ્વાસ લીધો. એ ગલુડીયાએ તો મને રોમે રોમથી ડરાવી દીધો હતો. હું ઊભો એટલે એ ગલુડીયું મારા પગ પાસે આવીને ઊભુ રહી ગયું.

  ”એ ગલુડિયાં, તે તો મને સાવ ડરાવી જ દીધો” મેં ગલુડીયાને કહ્યું પણ એણે કાંઇ જવાબ ન આપ્યો. કદાચ, અંદરથી મારા પર હસતું હશે..!!

  ગલુડીયાએ મારા સવાલનો જવાબ નહી આપતા હું પાછો મારા રસ્તે ઉપડ્યો, ગલુડીયું પાછળ આવ્યું. હું પાછળ ફર્યો અને પુછ્યું “એ પપ્પી, શું જોયે છે તારે? મારી પાછળ કેમ આવે છે?”

  ગલુડીયાએ પાછો કાંઇ જવાબ ન આપ્યો. કાંઇ જવાબ ન આપ્યો એટલે મેં હિંદીમાં પુછ્યું

  “બોલના યાર...ક્યા ચાહિયે?” મેં પુછ્યું.

  હિંદીમાં પણ જવાબ ન આપ્યો એટલે મેં પંજાબીમાં પુછ્યું

  “કિન્ના સોણા હે તુ...તુસ્સી કુછ બોલતે ક્યુ નહી? ઓયે એક ગલ બતા.. તુ રેહતા કિથે હે..?’

  મેં એના વખાણ કર્યા પણ એણે ‘થેંક યુ’ ન કિધું. એટલે હું પાછો ચાલવા માંડ્યો. એ પાછું પાછળ આવ્યુ. ખરેખર, એકદમ પાગલ ગલુડીયું હતું. હું ઊભો રહેતો તો એ પણ ઊભુ રહી જતું, હું ચાલવા માંડું તો એ પણ મારી પાછળ ચાલવા માંડતું. આવું થોડીવાર ચાલ્યુ. પછી હું ગલુડીયા પાસે ગયો કે જે મારાથી માત્ર ત્રણ થી ચાર ફુટ પાછળ હતું. હું મારી ઘુંટીઓ પર ઊબળક બેઠો અને સીધુ ગલુડીયાંની આંખોમાં જોયું. મેં એની ચંચળ ત્વચા પર હાથ ફેરવ્યો. એનું મોંઢુ સમોસા જેવુ હતું. એ મારાથી જરા પણ ડર્યુ નહી.

  “તુ મારો પીછો કેમ કરે છે, દક્ષાએ તો નથી મોકલ્યું ને તને?”, મેં ગલુડિયાને પુછ્યું અને ઉમેર્યુ “તને ભૂખ લાગી છે?”

  ગલુડીયાંએ જવાબ આપ્યો નહી અને ચુપ જ રહ્યું. એનુ બ્રેક અપ થયું હોય એવું લાગતું હતું.

  ગલુડીયું એના ઘરનો રસ્તો ભૂલી ગયુ હતું કે શું એ સમજમાં આવતું ન હતું.

  “તું રસ્તો ભૂલી ગયું છે?”, મેં પુછ્યું પણ ગલુડીયું ચુપ હતું.

  મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હતું “ઓ મારા વહાલા, મારે સવારે વહેલા ઊઠવાનું છે, જો તું મને જવાબ નહીં આપે તો મને કેમ ખબર પડશે કે તને ભૂખ લાગી છે, કે તું રસ્તો ભૂલી ગયુ છે કે જેથી કરી છી મારે તને ક્યાં મુકવાનું છે એ ખબર પડે?”

  “ચેતન ચાવડા.. શું ગલુડીયાં સાથે વાત કરી રહ્યો છે.... જાણે એ સાચે જવાબ આપવાનું હતું...” અંદરના ચેતને બુમ મારી.

  આ મારો માનસીક રોગ જ એવો છે કે જે ન બોલી શકતી હોય એવી તમામ વસ્તુઓ સાથે સોમવારે હું વાતો કરૂ છું અને જે બોલી શકતા હોય એની સાથે નથી કરતો ખાસ કરીને દક્ષા..!! આમા વાંક દક્ષાનો જ છે..એ મને બોલવાનો મોકો જ નથી આપતી..!!

  ખેર, એ સમયે હાથ પર પહેલુ કામ એ હતું કે ગલુડીયાંને સહી સલામત એની જગ્યાએ પહોંચાડવું..!! પણ મને એની ખબર ન હતી એટલે સૌથી પહેલું કામ ગલુડીયાંને કાંઇક ખવરાવવાનું હતું. વધારે વિચાર્યા વગર મેં ગલુડીયાંને તેડી લીધું, અને ઊભો થયો. મેં એને બીસ્કીટ ખવરાવવાનું નક્કી કર્યુ. મેં રસ્તામાં એક પાનની દુકાન ક્રોસ કરી હતી ત્યાં કદાચ બેસ્કીટ મળી જાય એ હેતુથી પગ ઉપાડ્યા.

  હું ત્યાં પહોંચ્યો ત્યારે એ દુકાન બંધ કરી રહ્યો હતો પણ એક બીસ્કીટનું પેકેટ કાઢી આપ્યું. મેં ગલુડીયાંને નીચે મુક્યુ અને પેકેટ તોડીને એક બીસ્કીટ આપ્યું.

  “પ્લીસ ઇટ બીસ્કુટ્સ (મહેરબાની કરીને બીસ્કીટ ખા..)”

  ચમત્કાર! ગલુડીયાએ બીસ્કીટ ખાધું. હવે ખબર પડી એ ઇંગ્લીશ જ સમજતું હતું.

  એક પછી એક, એક-બે નહી પણ પુરા પાંચ બીસ્કીટ ખાઇ ગયું. પછી પોતાની જીબ ચાંટી. બહુ ભુખ્યુ હતું.

  જો હું અમદાવાદમાં રહેતો હોત તો આ ગલુડીયાંને મારી સાથે લઇ જાત એ વાતમાં શંકાને કોઇ જ સ્થાન ન હતું પછી ભલે દક્ષા અમારા બે માથી એક ને ઘરની બહાર કાઢી મુકે...કદાચ બન્નેને પણ કાઢી મુકે કાંઇ નક્કી નહી..!! દક્ષા બહુ ખતરનાક છે.

  હવે સમય પાકી ગયો હતો ગલુડીયાંને ગુડ નાઇટ કહેવાનો..!!

  મને ખબર ન હતી કે ગલુડીયું ક્યાં રહે છે. પેલા પાનવાળાને જો ગલુડીયાનાં રહેઠાણ વિશે કાંઇ માહિતી હોય તો પુછ્યું પણ એને જાણ ન હતી એટલે મેં જ્યાંથી એને ઉપાડ્યું હતું ત્યાં તેને પાછું મુકવાનું નક્કી કર્યું.

 • આગલી થોડી જ વારમાં મે જ્યાંથી તેને ઉપાડ્યું હતુ ત્યાં પાછુ મુક્યું. પછી મેં હોટેલ તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડીવાર પછી પાછળ ફરીને જોયું તો ગલુડીયું મારી સામે જોઇ રહ્યુ હતું પણ આ વખતે મારી પાછળ ન આવ્યુ. મેં એનો ચહેરો વાંચ્યો. તે એકદમ એકલતા અનુભવી રહ્યુ હતું. તે થોડી વધારે વાર મારી સાથે રહેવા માંગતુ હતું. કદાચ, એને મારી કંપની ગમી હતી! માણસોને તો મારી કંપની ગમતી ન હતી..પણ એ પપ્પીને ગમી હતી.

  આવા સુમસાન રોડ પર એને એકલું છોડવાનું મને ગમતુ ન હતું, પણ મારી પાસે કોઇ વિકલ્પ ન હતો.

  આખરે, મેં એ ગલુડીયાંને ફ્લાયીંગ કીસ આપી અને હોટેલ તરફ ગતીથી પગ ઉપાડ્યા. ગલુડીયાં માટે હું વિભિન્ન ભાવનાઓ સાથે ચાલી રહ્યો હતો એટલામાં તેનો જોરથી ચીખવાંનો અવાજ આવ્યો. હું એકદમ ડરી ગયો કારણ કે એની ચીખ એકદમ રૂદનવાળી હતી. મે પાછળ ફરીને જોયુ તો ત્રણ બાઇકવાળા ફુલ સ્પીડથી મારી બાજુમાંથી પસાર થયા. જેવો ગલુડીયાંનો ચીખવાનો અવાજ આવ્યો કે તરત જ હું જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં દોડ્યો. મારું ગલુડીયું જોર જોરથી ચીલ્લાઇ રહ્યું હતું. મને પરીસ્થીતી સમજતાં જરાપણ વાર લાગી ન હતી કે મારું ગલુડીયું ત્રણમાંથી એક બાઇકવાળા નીચે ચીપાઇ ગયું હતું. મે અંદાજો લગાડ્યો કે ગલુડીયું રસ્તો ક્રોસ કરતું હતું અને બાઇકવાળાનો ભોગ બન્યુ હતુ. ગલુડીયું બાઇકની હડફેટે આવતા રોડની વચ્ચો વચ્ચ ફેંકાયેલુ પડ્યું હતું. તેના મોંઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. બે-ત્રણ નાના નાના દાંત પણ તુટી ગયા હતા. વધારે સમય નહી વેળફતા મેં તરત જ એને ઊંચકી લીધુ અને ગળે લગાડી લીધું. હું એને રોડની સાઇડ પર લઇ ગયો. મોંઢામાં બહુ વાગ્યુ હતું. ઘા બહુ ખતરનાક હતો, અને એ નાનકડાં જીવથી સહન થાય એવો તો જરા પણ ન હતો. મારે એના પર છાંટવા માટે પાણીની જરૂર હતી. મેં એને રોડ સાઇડ પર મુક્યું અને જ્યાંથી બીસ્કીટ લીધા હતા ત્યાં પાણી લેવા માટે દોડ્યો પણ બદનસીબે એ દુકાન બંધ થઇ ગઇ હતી. આજુ બાજુની દુકાનો પણ બંધ થઇ ગઇ હતી. હુ પાછો ગલુડિયાં પાસે આવ્યો. તે હજું દર્દ સાથે શ્વાસો લઇ રહ્યું હતું. તેના મોઢામાંથી લોહીની સાથે હવે સફેદ ફીણ પણ નીકળી રહ્યા હતા. તેના પાછલા બન્ને પગો ખોટા થઇ ગયા હોય એવું લાગતું હતું કારણ કે એ ઊભું રહી શકતું ન હતું.

  મેં પાણી લાવવા માટે હોટેલ સુધી દોડ મુકવાનું નક્કી કર્યુ. મને લાગતું ન હતું કે હું પાણી લઇને આવુ ત્યાં સુધી ગલુડીયું જીવતું હશે. પણ, મને ત્યારે તો એમજ લાગતુ હતું કે આને પાણી જ થોડી રાહત આપી શકશે. અને એ જ આશા સાથે હું એક પણ સ્ટોપ વગર સો મીટર દોડીને ગયો અને ફટાફટ પાણી લઇને આવ્યો. હું પાણી લઇને આવ્યો ત્યારે મારા ધાર્યા વિરુધ્ધ ગલુડીયામાં હજી જીવ હતો પણ ચીખવાની ક્ષમતા ખાલી થઇ જતા માત્ર કણસી રહ્યુ હતુ. હું મારી ઘુટીઓ પર બેઠો અને એના મોઢા પર પાણી છાંટ્યું. એને થોડું સારુ લાગ્યું એટલે મેં થોડું વધારે પાણી છાંટ્યું અને એણે નાનકળી જીબથી પાણી ચાટ્યું. મે એનું મોઢુ ઊંચું કરી થોડું પાણી એના મોંઢામાં નાખ્યું. એણે પાણી સાથે મારો હાથ પણ ચાટ્યો. ત્યાં સુધીમાં મારી આંખોમાં પાણી ભરાઇ આવ્યા હતા અને ધીરે-ધીરે એની આંખો મીંચાતી જતી હતી. મેં પાણીનો છંટકાવ કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવારમાં છેલ્લીવાર એણે મારી સામે જોઇ અને હમેંશા માટે આંખો બંધ કરી દીધી. મેં એનો છેલ્લો શ્વાસ જોયો હતો અને એનું હ્રદય બંધ થયો એનો હું એકમાત્ર સાક્ષી હતો. મારા ગલુડિયાંએ દુનીયા છોડી દીધી ત્યારે સમય ૧૧.૫૮ થયો હતો. સોમવાર પુરો થવાને માત્ર બે મીનીટની જ વાર હતી...

  મને ખબર જ હતી કે એ જીવે એમ ન હતું, પણ મને એ ખબર હતી કે જ્યાં સુધી એને પાણી નહી મળે ત્યાં સુધી એની આત્મા શરીર નહી છોડે. મારાથી એનું દર્દ સહન થતું ન હતું એટલે કોઇ પણ સંજોગે મારે એના માટે પાણી લાવવાનું જ હતું.

  એ બાઇકવાળાઓ એ નાનકડાં ગલુડીયાંનો ભોગ લીધો.

  એ ગલુડીયું હરરોજ મરતાં ગલીનાં કુતરાની જેમ જ મરી ગયુ હતું. પણ, એ ઘટનાએ બહુ ખરાબ રીતે લાંબા સમય સુધી મારા રોજીંદા જીવન પર અસર કરી હતી. મારા ખરાબ સોમવારોમાંનો એ સૌથી ખરાબ સોમવાર હતો કારણ કે જીવનમાં પહેલીવાર મારી સામે કોઇએ એના શરીરમાંથી આત્મા છોડી હતી. સાથે સાથે મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કારણ કે એ ઘટના હું અને ગલુડીયું છુટ્ટા પડ્યા એની બે જ મીનીટમાં ઘટાણી હતી. માત્ર બે મીનીટ વધારે મેં એની સાથે સમય પસાર કર્યો હોત તો કદાચ એ ઘટના નીવારી શકાઇ હોત..!! અને મેં સોમવાર પર જીત મેળવી હોત..!! પણ સોમવાર હમેંશા માટે વિજયી રહ્યો અને મને હરાવતો રહ્યો. ચેતન ચાવડાએ સોમવાર સામે જીત મેળવવાનાં પ્રસાયો છોડી દિધા અને ગોઠણ ટેકવી દિધા.

  એ દિવસે મારે વહેલા ઊંઘવા માટે ઉતાવળ હતી પણ હું આખી રાત ઊઘી ન શક્યો અને આગળનાં ઘણા દિવસો સુધી બરાબર ઊંઘી ન શક્યો. એ ગલુડીયાનો ચહેરો મારી સામે આવતો જ રહેતો હતો એટલે આગળ જતા ઊઘ નહી આવવાનો માનસિક રોગ પણ થઇ ગયો. હવે દક્ષા મને નાગપુરમાં કોઇ માનસિક રોગનાં ડોક્ટરનાં કેમ્પમાં મોકલવાની છે.