આંસુડે ચીતર્યા ગગન ૯ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૯

આંસુડે ચીતર્યા ગગન (9)

શેષને મલાડ ખાતે અશોક કંસ્ટ્રક્શનના ઇન્ચાર્જ એન્જિનિયર તરીકે કામ મળ્યા પછી મુંબઈમાં પંદર દિવસમાં ઘણું જોઈ નાખ્યું. ઈંટો ને સિમેન્ટના ભાવોથી ચડતી પડતી દશા. કોંટ્રાક્ટરની આવક પર સરકારી તંત્રોનો પડતો આડકતરો ટૅક્સ, વેલ્યુઅરનાં ધાંધિયા, સર્ટિફિકેટ એન. ઓ. સી. માટે પટાવાળાથી મામલતદાર સુધાના હપ્તા તથા વેપારીને ઘરેથી કોંટ્રાક્ટરનાં ઘર સુધી રેતી કે ચુનો કે લાકડા કે લોખંડનાં બદલાતા વધતા ભાવો. ઘટતી ગુણો અને અધવચના સોદા… બધું સગી આંખે જોયા પછી શેષને થયું કે… દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે…

લેબર કોંટ્રાક્ટરના બે ગોટાળા પકડીને જ દસ દિવસના ટૂંકા ગાળામાં પોતાનો પગાર અશોક કંસ્ટ્રક્શનને મફત કરાવી દીધો. લેબર કોંટ્રાક્ટર સિંહા ૨૭ માણસો મોકલતો અને બિલ બનાવતો ૪૦ માણસનું. જ્યારે પૂછવામાં આવતું કે હાજરી પૂરાતી ત્યારે એ ૧૩ માણસો ક્યાંથી આવી જતા તે શેષે સિફતથી પકડી પાડ્યું હતું. નવો એન્જિનિયર ખૂબ જ સ્ટ્રિક્ટ છેતેવી ફીલિંગ ઝડપે ફેલાઈ ગઈ…. તેથી ધીમે ધીમે ખર્ચમાં કાપ પડતો ગયો… કામ વધતું ગયું… ત્રણ ચાર ઠેકાણે ચાલતા કંસ્ટ્રક્શન ને યોગ્ય પ્લાનીંગ વડે આઠ કલાકના સતત કાર્યથી બાંધકામની ગતિ વધી ગઈ.

નાની નાની બાબતોને ચીકાશ ધાર્યો રંગ લાવવા માંડી હતી. રોડ ઉપર વેરાતી કપચી કે રેતી તરફ કોઈ એન્જિનિયરે ધ્યાન નહોતું જે સાંજે ઢગલામાં ફરીથી ઉસેડી લેવડાવતા રો મટિરિઅલની કિંમતમાં તો મજૂરોનો રોજ નીકળી જતો હતો.

તે દિવસે ફોન ઉપર મુનીમનો સંદેશો અનસુયાબહેનને પઠવાતો સાંભળીને શેષ ધન્ય થઈ ગયો. મુનીમ લાભશંકર આમ તો અનસુયાબહેનનાં દૂરના ભાઈ થતા હતા. તેમને અમદાવાદ કોલ ઉપર કહ્યું હતું. –

‘બેન ! તમારી પસંદગી સો ટચના સોના જેવી છે. ત્રિવેદી સાહેબની નાની નાની ચીકાશ આપણને ખૂબ ફાયદો કરાવી જશે. જો કે આવો ચીકાશને કારણે હરામનું ખાતા બે ચાર માથાભારે તત્વો ત્રિવેદી સાહેબને વિતાડશે ખરા જ… પણ… હવે આપણે તે અંગે કંઈક કરીશું. આગલો પટેલ સિંહા જોડે બેસી ગયો. પણ અહીંયાં વાંધો નથી લાગતો. માણસ મહેનતુ છે. અને ચોખ્ખો પણ છે. આ લોકો કાદવ ખરડે તે પહેલા વાકેફ કરી દઈશું તો ઠીક થઈ જશે.’

‘………………………….’

‘ભલે, ભલે હું ત્રિવેદી સાહેબને કહી દઈશ.’

‘…………………………..’

‘અમદાવાદ તમને તે ફોન કરશે.’

‘……………………………’

‘ભલે આવજો અને ગુપ્તા એન્ટરપ્રાઈઝીસનો દોઢ લાખનો ડી/ડી આવી ગયો છે.’

‘………………………………………’

‘….ના….. હમણાં જરૂર નથી……’

‘………………………………..’

‘સારું . ’

‘……………………………..’

‘હં .’

પ્રાઇવેટ નોકરીમાં રજા વાજા ને વાંદરા જેવું હોય છે… રીઝે તો રાજ દે અને ખીજે તો તાજ લે… ખેર ! હમણાં બાજી રીઝમાં હતી તેથી ખાસ વાંધો નથી. અને આપણે તો શીખવું છે. કોઈપણ રીતે…

શેષ મુનીમ પાસેથી પસાર થયો ત્યારે લાભશંકર ભાઈએ બૂમ પાડી.

‘અરે ત્રિવેદી સાહેબ !’

‘અરે લાભશંકરકાકા… હું તે વળી કેવો સાહેબ… તમારા તો દીકરા કે ભત્રીજા બરાબર કહેવાઉં ભાઈ સાહેબ આ સાહેબ સાહેબ કાઢી નાંખો. ઠીક નથી લાગતું…’

‘ભલે ભલે ત્રિવેદીભાઈ પણ… ’

‘આ ત્રિવેદીભાઈ પણ દૂરનું છે…. મને ખાલી શેષ કહેશો તો પણ ચાલશે… ’

‘જબરો ભાઈ તું તો…’

‘હં ! આ તુંકારામાં જે સ્વત્વ છે તે સાહેબ અને ભાઈમાં નથી કેમ કાકા બરાબર ને?’

‘પણ ભાઈ તું સાંભળ તો ખરો. ’

‘હં કહો. ’

અમદાવાદથી અનસુયાબેનનો ફોન હતો પૂછતા હતા તમારે કંઈ કામકાજ કે પૈસાની જરૂર હોય તો કહેજો અને રાત્રે ફોન કરવાનું પણ કહ્યું છે.

‘ના રે ના કાકા હમણાં તો ફક્કડ ગિરધારી છું. વળી સરસ મજાનું ફર્નીશ્ડ ઘર છે. કોઇ વાતની જરૂર નથી. હા , મારા મિસિસ ટૂંક સમયમાં આવવાના છે. ત્યાર પછી જરૂર પડશે ’

‘તમારા મિસિસ? તમે મેરીડ છો?’

‘હા… પણ … કેમ?’

‘કંઈ નહીં મને તમે બેચલર લાગો છો.’

‘આ વાત મારા મિસિસ ને ન કહેશો … નહિતર ભડકશે… અને લોકો ધોળા વાળને કાળા કરવા કલપ લગાવે છે…. જ્યારે એ તો આવીને માથે ચૂનો લગાવશે…’

લાભશંકરકાકા હાથ માથા પર ફેરવતા હસી પડ્યા… ‘ખરી મઝાક તમે તો કરો છો..!’

‘જુઓ કાકા. લોખંડ, લાકડા જોડે રહીને મશીન ન બનવું હોય તો હસવું જરૂરી છે. છે કે નહીં?’

‘હા ભાઈ હસવું તો જરૂરી છે…. પણ ’

‘પણ અને બણ કાંઈ નહીં. દુનિયા આખી રડતી હોય છે. અને રડતી દુનિયા જોડે તમે રડવા લાગો તો કોઈ તમારો ભાવ પણ ન પૂછે. પરંતુ જો તમે હસો તો તમારી સાથે હસવા માટે આખું જગત આવે… હવે તમે જ કહો લાભનો ધંધો કયો? હસવાનો કે રડવાનો ?’

‘હસવાનો જ તો વળી.’

‘હસવાની કોઈ કિંમત લાગે છે?’

‘ના ભાઈ’

‘એક જોક કહું ?’

‘હા કહે… પણ ચા પીશે ને ?’

‘હા જરૂર પીશ. આપણા ડાયર સાહેબ છે ને ?’

‘હં ..’

‘તેમને મારા ભૂગોળના જ્ઞાન વિશે વાંધો હતો.’

‘કેમ ?’

‘ઇન્ટરવ્યુમાં પૂછ્યું You are citizen of India, you must know where Tamilnadu is.’

‘મેં કહ્યું સાહેબ agreed, I hope you are also citizen of India… may I know where Mohamayi is situated ?’

‘પછી….?’

‘પછી શું…? પછી એમની citizenship પણ ઊડી ગઈ. બિચારા મુંબઈગરા સાહેબને મોહમયીનો ભદ્રંભદ્રીય પ્રાસ ન સમજાયો….’

ફરીથી લાભશંકર હસવા માંડ્યા… ત્યાં ચા આવી….

ચા પીતા પીતા લાભશંકરભાઈએ પટેલ અને સિંહાએ કરેલ ગોટાળાની ચર્ચા કરી.

‘જુઓ શેષભાઈ તમે આવ્યા તે પહેલા અનસુયાબેન સાથે જ ફોન ઉપર વાત ચાલતી હતી. સિંહાનો જે કેસ તમે પકડ્યો તે વાત ઉપર બેનને ખૂબ આનંદ થયો. તમારી જગ્યાએ જે પટેલભાઈ હતા તેને સિંહાએ ભાગ કરીને ફોડ્યા હતા. કામની ગતિ ઘટી અને ઉપાડ વધ્યો એટલે બેનને ગંધ આવી અને પટેલને પ્રેશર કર્યું કે સિંહાને બદલે નવો માણસ રાખો. પટેલે તેમ ન કરતા – સિમેન્ટ… લોખંડ… નથી મળતું માટે કામ નથી થતું વગેરે વાત ઉડાડવાની કોશિશ કરી અને સાંતાક્રુઝ પાસે મોટી હોસ્પિટલનો કોંટ્રાક્ટ ખોવડાવ્યો.’

‘વધુ ડિટેઇલમાં તપાસ કરાવાઈ તો ખબર પડી કે સિંહાએ કટકી બાંધેલી હતી. અને વધુ વિશ્વાસમાં આવી જઈને પટેલે સિમેન્ટ સપ્લાયરો પાસેથી પણ કટકી મેળવવા ખટપટ શરૂ કરેલ – મોડા પેમેન્ટની જાણ બેનને થઈ ગઈ અને પાણીચું પકડાવતા વાર ન લાગી.’

‘હં, પણ આ વાતથી તો હું વાકેફ છું.’

‘કેવી રીતે ?’

‘સિંહાએ જાતે જ મને કહેલ ’

‘એણે વધુ શું કહ્યું ?’

‘શેઠિયાઓ આપણી મહેનત ઉપર તાગડધિન્ના કરે છે… બે લાખનું બંધાયેલ મકાન ત્રણ લાખે વેચશે, અને જે હક્કનું છે તે હક્કનું છે. મેં પૂછ્યું – શેનો હક્ક – તો કહે તમે પણ મહેનત કરો છો તેનો હક્ક. મેં કહ્યું – મારા હક્કનો તો મને પગાર મળે છે. અને અણહક્કનું મને કશું ખપે નહીં. સમજ્યા…?’

‘પછી…?’

‘પછી શું…? બેનને તમારા થ્રુ કહેવડાવ્યું. અને જે થવાનું હતું તે થયું.’

‘હવે પણ આ લોકોથી સંભાળજો.’

‘કેમ ? ’ ‘તેમનું ધાર્યું તમે થવા નથી દીધું. એ લોકો તમને તમારું ધાર્યું નહીં કરવા દે.’

‘બેન જે રીતે માર્ગદર્શન આપશે તે રીતે કરીશ….’

‘બેને મને તને ચેતવવા કહેલ તેથી તને કહ્યું. પણ હું મોડો પડ્યો. એ લોકો વહેલા હતા. પરંતુ તેં ટેકલ કરી લીધું છે એટલે વાંધો નહીં.’

‘કાકા મેં ખોટું તો નથી કર્યું ને? ’

‘ના બેટા ના… તારા જેવા બે વધુ ઈમાનદાર માણસો અશોક કંસ્ટ્રક્શનને મળી જાય ને તો કંપની એક નંબર ઉપર આવી રહે.’

એમની અશોક કંસ્ટ્રક્શન ઉપરની વફાદારી બે મત હતી.

શાંત ચિત્તે કૉટેજ તરફ જતા શેષને વિચાર આવ્યો કે બેનને સિંહા વિષે ખબર છે તો તેનો લેબર કોંટ્રાક્ટ રદ કેમ કરતા નથી? સિંહાને છંછેડવામાં અશોક કંસ્ટ્રક્શનનું હિત જોખમાતું હશે ? બેનને ફોન કરતી વખતે પૂછી જોઇશ.

કૉટેજ ઉપર પહોંચી અને અમદાવાદનો ટ્રન્કકૉલ બુક કરાવી દીધો. બિંદુનો પત્ર હતો. તે ફોડી વાંચવા લીધો.

‘પ્રિય શેષ,

તમારો પત્ર મળ્યો. અહીં મામા અને મામીનો પ્રેમ અનહદ છે. રીત રિવાજ – વહેવાર – અને કોઈપણ વસ્તુની કોઈપણ રીતે મને ખોટ વર્તાવા દેતા નથી. મામાએ મુહૂર્ત કઢાવી લીધું છે. તે પ્રમાણે પૂનમે હું મુંબઈ આવવા નીકળીશ. તે જ રીતે સુમીમાસીને પણ લખી દીધું છે. અંશભાઈ સાથે મૂકવા આવશે જ… પણ એમનાથી વધુ રહેવાશે નહીં કારણ કે તેમનું પણ પરિણામ આવવાની તૈયારી છે.

મામા હજી પણ ગવર્નમેન્ટ જૉબની ફેવર કરે છે. મને પણ કહ્યું છે કે તમને હું સમજાવું. તમે મારાથી સમજો એવા છો ખરા? ખેર… મુંબઈની હવામાં કેવું લાગે છે? એકલું એકલું સદે છે? ખાવાપીવાની બાબતમાં ક્યારેક ઈદ તો ક્યારેક રોજા… નથી કરતા ને? તબિયતની કાળજી નથી રાખી ને તો તમારી વાત તમે જાણો હં કે !’

મને ધમકાવે છે બિંદુડી ! તું અહીં આવ તો ખરી, ખબર લઈ નાખીશ… મૂછમાં મલક્તા શેષે વિચાર્યું.

‘અંશભાઈની મદદને કારણે અહીં સ્થિરતાથી ટકી ગઈ છું. મારે તેમને માટે કોઈક ડૉક્ટરરાણી અત્યારથી શોધી રાખવી પડશે. પણ દાળમાં કંઈક કાળું લાગે છે ખરું…! ભાઈ સાહેબ… ક્યાં તો ગબડ્યા છે… કે ગબડવાની પેરવીમાં છે અંશ… ક્યારેક ગુમસૂમ બેસી રહે છે… ક્યારેક એકલા એકલા કશુંક બબડે છે….’

‘વાહ ગુરુ ! માન ગયે… તને ખબર પડી ગઈ… અંશ ક્યાંક ગબડ્યો છે… આવીશ ત્યારે તેને પૂછવું પડશે… શેષ પત્ર વાંચતા વાંચતા ગણગણ્યો…’

‘તમારી વાત તો ઘણી ઓછી લખો છો. તેથી મારી વાતને પણ અહીં ટૂંકાવું છું હવે તો ફક્ત અઠવાડિયું વચ્ચે છે હું અને તમે … બસ તમે અને હું… વચ્ચે કોઈજ નહીં… હવા પણ નહીં… ખરું ને ! હા હવા પણ નહીં…’ પત્રને ગડીવાળીને મૂકતા શેષ વિચારોમાં ગુંથાયો…

નાથુ ચા મૂકી ગયો હતો… તે પીતા પીતા બિંદુ વિશે વિચારવા માંડ્યો… ખરી અચાનક જિંદગી શરૂ થઈ ગઈ છે. બધું જ અચાનક… અચાનક… છોકરી મળી અચાનક… નોકરી મળી અચાનક… સિદ્ધપુર જવા નીકળ્યો હતો ને નોકરીનો અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો અચાનક… અને તે પણ દસ દિવસમાં ઉંચકીને મુંબઈ મૂકી દીધો… હોસ્ટેલમાં મિત્રો વિચારતા હશે… શેષ સિદ્ધપુરીયો બોમ્બૈયો થઈ ગયો… મળતો નથી …. પત્ર પણ લખતો નથી… પણ… આ બ્ધું જેટલું જલદી અને અણધાર્યું થાય છે તેટલું જલદી જિંદગીનું ગાડું સ્થિર થશે ખરું?

બિંદુ પ્રેમાળ છે… સાસરિયું જીતીને તો આવી છે પણ આ કદાચ શરૂઆત છે… મુંબઈમાં એ કેવી રીતે સ્થિર થશે ?

ફોનની ઘંટડી વાગી… અમદાવાદ કૉલ બૂક કરાવ્યો હતો… ‘હેલો…!’

‘કોણ ?’ સામે છેડેથી ટહુકો થયો.

‘હું મુંબઈથી એસ.કે.ત્રિવેદી બોલું છું -’

‘હું આભા બોલું છું. આપને મમ્મીનું કામ છે ને ?’

‘હા , આપો ને’

‘મમ્મી તો ક્લબમાં ગયા છે. કંઈ સંદેશો હોય તો કહો.’

‘એમણે મને ફોન કરવા કહ્યું હતું.’

‘ભલે… બીજું કંઈ ?’

‘લાભશંકરકાકા સાથે વાત થઈ ગઈ છે. સિંહા એ પહેલા મળી ચૂક્યા હતા… હું મારી રીતે કાર્યરત છું. બેનને થેંક્સ કહેજો.’

‘શાના?’

‘મને ચેતવવા બદલ – અને હા આભાબેન તમે કેમ છો ?’

‘સરસ – થેંક્સ’

ફોન કપાઈ ચુક્યો.