પાંચ નાની અદભુત વાર્તાઓ 10 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ નાની અદભુત વાર્તાઓ 10

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૧૦)

લેખક - અનિલ ચાવડા

૧. સર્જન

ઈશ્વર બધા જીવોનું સર્જન કરી રહ્યા હતા. ઘણા બધા જીવોનું સર્જન કર્યા પછી તેઓ એક જીવના સર્જનમાં અટકી ગયા. આ જીવના સર્જન પાછળ તેમણે અનેક દિવસ અને રાત સતત મહેનત કરી. છતાં તેમને લાગતું હતું કે હજી તેમાં કશુંક ખૂટે છે. તેઓ સતત આ જીવના સર્જનની પાછળ જ મચ્યા રહેતા.

આથી અન્ય જીવોને ઈર્ષા થઈ. તેમણે ઈશ્વરને ફરિયાદ કરી કે, “તમે અમને સાવ ઓછા સમયમાં જેમ ફાવે તેમ બનાવી નાખ્યા અને આ જીવ પાછળ તમે સતત રાત-દિવસ મથ્યા કરો છો, આવું કેમ?”

“હું તમારા માટે જ એક સુંદર જીવનું સર્જન કરી રહ્યો છું.” ઈશ્વરે નમ્રતાપૂર્વક કહ્યું.

“અમારા બધા માટે?” અન્ય જીવોએ પ્રશ્ન કર્યો. “પણ આ જીવમાં એવું તે શું છે, જે અમારા બધા માટે છે?”

“હું આ જીવમાં મારાં તમામ હૂંફ, પ્રેમ, લાગણી અને સાંત્વના સમાવવા માગું છું.” ઈશ્વરે શાંતિથી જવાબ આપ્યો.

“એવો કયો જીવ છે જેમાં તમે આ બધું જ સમાવવા માગો છો, તમે શેનું સર્જન કરી રહ્યા છો?” અન્ય જીવોેએ ફરી પ્રશ્ન કર્યો.

“હું ‘મા’નું સર્જન કરી રહ્યો છું.” ઈશ્વરે કહ્યું.

૨. ખુરશી અને પથ્થર

એક ખુરશી ઘરના દ્વાર પાસે પડી હતી. દ્વાર પાસે એક પથ્થર પણ પડ્યો હતો. આવતાં જતાં લોકો તેની પર પોતાના પગ લૂછીને ઘરમાં પ્રવેશતા હતા. ટૂંકમાં એ પથ્થરનું કામ પગલુછણિયા જેવું હતું. પથ્થરને જોઈને ખુરશીએ કહ્યું,“તને ખબર છે, હું જે ડાળીએથી આવી છું, ત્યાં અનેક સુંદર પંખીઓના માળા હતા, નાનાં નાનાં બચ્ચાંઓ તેમાં કલરવ કરતા રહેતાં. પંખીઓના સુંદર ધ્વનિથી હું હંમેશાં ખુશ રહેતી હતી. ન જાણે મારી જિંદગીમાં ખુરશી થવાનું લખ્યું હતું.”

“તો એમાં ફેર શું છે, ત્યાં સુંદર પંખીઓ બેસતાં હતાં, અહીં માણસો બેસે છે તારી પર. તું તો ત્યારે પણ લાકડું હતી, અત્યારે પણ લાકડું જ છે ને... તારા લાકડાપણામાં ક્યાં ફેર આવ્યો?” દ્વાર પાસેના પથ્થરે કહ્યું.

“હા, તારી વાત સાવ સાચ્ચી. ત્યાં પણ હું લાકડું જ હતી, અહીં પણ લાકડું જ છું. માત્ર એક ફેર પડ્યો.”

“કયો ફેર?” પથ્થરે તરત જ પ્રશ્ન કર્યો.

“ત્યારે હું લીલી હતી. મારામાં કોઈ જીવ સળવળાટ કરતો હતો. મારા રસ અને પાનમાંથી અનેક જીવજંતુઓને ઊર્જા મળતી હતી. જ્યારે અત્યારે હું સાવ નિર્જીવ છું.” ખુરશીએ નિસાસો નાખીને કહ્યું.

પથ્થરે કહ્યું, “પણ એમાં તારા હાથની વાત ક્યાં છે? જ્યાં સુધી તું ડાળી હતી ત્યાં સુધી તેં તારી ઊર્જા અને શક્તિ દરેકને આપીને તારો ડાળી-ધર્મ બરાબર નિભાવ્યો. અત્યારે તું ખુરશી છે, તો અત્યારે ખુરશી-ધર્મ બરાબર નિભાવ.”

ખુરશીએ સામે પૂછ્યું, “તમે આટલું સરળતાથી કહી શકો છો, કારણ કે તમે માત્ર એક પગલુછણિયાનો પથ્થર છો, લીલાછમ હોવું શું છે એ તમને ક્યાંથી ખબર હોય!”

“હશે, પણ તમને ખબર ન હોય તો એક વાત કહી દઉં. એક સમયે હું ઈશ્વર તરીકે પૂજાતો હતો. ત્યારે લોકો મને અનેક જાતના પ્રસાદ ધરાવતા, ફૂલો ચડાવતાં, અનેક સુગંધી દ્રવ્યો છાંટતા, નમતા, કરગરતા, મારી સામે પોતાની અનેક આશાઓ, અપેક્ષાઓના ઢગલા કરતા. ત્યારે હું લોકોની આશા, અપેક્ષાઓ અને ઇચ્છાઓને લૂછવાનું કામ કરતો હોઉં એવું લાગતું હતું...”

“તો પછી તમે અહીં ક્યાંથી આવ્યા, પગલુછણિયાની જગ્યાએ?” ખુરશીએ પ્રશ્ન કર્યો.

“ખબર નથી, માણસોમાં અંદર અંદર ધર્મ બાબતે કશી રકઝક થઈ અને મંદિર તોડી પાડવામાં આવ્યું. મંદિરના પથ્થરો જુદી જુદી જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા. અચાનક એક દિવસ એક માણસની નજર મારા પર પડી. તેણે મને ઉપાડ્યો અને લાવીને અહીં ઘરના દરવાજા પાસે મૂકી દીધો, પગલુછણિયાની જગ્યાએ... એ વખતે પણ હું નિષ્ઠાથી કામ કરતો હતો, અત્યારે પણ હું લોકોના પગ લૂછવાનું કામ પૂરી નિષ્ઠાથી કરું છું. આમ પણ ઈશ્વર એ લોકોની જુદી જુદી ઇચ્છાઓનું પગલુછણિયું જ છે ને!”

૩. આત્મહત્યા

એક હતી આત્મહત્યા. એ આત્મહત્યા કરવા માગતી હતી. અનેક વખત પ્રયત્નો કરવા છતાં તે મરી નહીં.

એક દિવસ તેણે છાતી પર મોટો પથ્થર બાંધી કૂવામાં ધૂબકો મારીને મરી જવાનું નક્કી કર્યું. તે કૂવામાં ધૂબકો મારવા જ જતી હતી ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો.

“આ શું કરો છો?”

“આત્મહત્યા!” આત્મહત્યાએ સીધો જ જવાબ આપ્યો.

“પણ તમે શું કામ આત્મહત્યા કરવા માગો છો?” પેલી વ્યક્તિએ કહ્યું.

“મારી પર અનેક વ્યક્તિઓની હત્યાનો આરોપ છે. હું જિંદગીથી કંટાળી ગઈ છું.” આત્મહત્યાએ પીડાભર્યા સ્વરે કહ્યું.

પેલી વ્યક્તિને પણ થોડી વાર માટે નવાઈ અને ભય લાગ્યાં. તેણે હળવે રહીને પૂછ્યું, “તમે કોણ છો?”

“આત્મહત્યા!”

“હેં !” પેલી વ્યક્તિને કંઈ સમજાયું નહીં, તેણે બાઘાની જેમ પ્રશ્ન કર્યો.

“હા, હું આત્મહત્યા છું. લોકોની હત્યા કરું છું.”

પેલો માણસ થથરી ગયો.

“હું લોકોની હત્યા કરી કરીને કંટાળી ગઈ છું. મારે નથી જીવવું, મારે પોતે પણ આત્મહત્યા કરી લેવી છે.” આત્મહત્યાના સ્વરમાં જાણે તીણું આક્રંદ હતું.

“કોઈ પણ વ્યક્તિ જ્યારે મરતી હોય છે ત્યારે એને ખૂબ જ પીડા થતી હોય છે. તમને આમ મરતાં જોઈને મને પણ લાગી આવ્યું, પણ હું તમને કઈ રીતે રોકી શકું?”

“હું પણ એ જ કહું છું, મારા મૃત્યુમાં જ તમારી ભલાઈ છે.”

“ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે.” આટલું કહી તે વ્યક્તિ પોતાને રસ્તે ચાલતી થઈ.

હજી એકાદ ડગ ભર્યું હશે ત્યાં કૂવામાં ધબાંગ કરતો અવાજ આવ્યો. પેલા માણસના શરીરમાં કંપારી છૂટી ગઈ. ઇચ્છા ન હોવા છતાં પણ તેણે પાછા ફરીને જોયું.

જોયું તો એ સાવ અવાચક થઈ ગયો. આત્મહત્યા તો હજી એમ ને એમ જ કૂવા પાસે ઊભી હતી. તેણે આત્મહત્યાને પૂછ્યું,

“શું થયું? કૂવામાં પડવાનો અવાજ તો આવ્યો... અને તમે હજી અહીં જ...”

“એ હું નહોતી. તમારી જેવી જ કોઈ વ્યક્તિ હતી. મારા નસીબમાં આત્મહત્યા નથી.” આત્મહત્યાએ મોટો નિસાસો નાખ્યો. “હું ઇચ્છું તોય આત્મહત્યા કરી શકું તેમ નથી. જ્યારે લોકો આત્મહત્યા કરવાનું બંધ કરી દેશે ત્યારે હું આપોઆપ મૃત્યુ પામીશ. પણ, મને ખબર છે એવું ક્યારેય નહીં થાય, કેમકે લોકો મરીને મને સતત જીવતી રાખે છે !”

૪. તું અને હું

એક હતો ‘તું’ અને એક હતો ‘હું’.

તું અને હું બંને એકમેકને ઓળખતા હતા, છતાં સાવ અજાણ્યા પણ હતા. એકબીજાના સંબંધી પણ હતા અને એમની વચ્ચે કોઈ તંતુ જ નહોતો એવું પણ હતું. તેઓ ખાસ મિત્ર હતા અને કટ્ટર દુશ્મન પણ હતા.

આ ‘તું’ અને ‘હું’ વચ્ચે જરૂર પડ્યે વ્યવહાર થતો રહેતો. પણ આ વ્યવહારમાં બંનેને પોતાના ‘તું’પણાનો અને ‘હું’પણાનો ભાર ખૂબ જ નડતરરૂપ બનતો હતો.

એક દિવસ ‘તું’એ ‘હું’ને કહ્યું, “આપણી બંને વચ્ચે આમ તો ઘણો બધો સંબંધ છે, છતાં કશો જ સંબંધ નથી. આપણે આ સ્થિતિમાંથી નીકળી જઈએ તો કેટલું સારું!”

‘હું’એ કહ્યું, “હા, એ તો સારી વાત છે, આના લીધે આપણું ‘તું’પણું અને ‘હું’પણું પણ નાશ પામશે, પણ એની માટે આપણે શું કરવું જોઈએ?”

બંને ગૂંચવાયા. એમણે વિચાર્યું કે આપણે કોઈકની મદદ લઈએ, બહુ વિચાર્યા પછી એમને થયું કે હવાની મદદ લઈએ તો? એ તો બધી જગ્યાએ જતી હોય છે, એટલે એને વધારે ખબર હશે.

તેઓ હવા પાસે ગયા અને કહ્યું, “તું અને હું અમે બંને જુદા જુદા હોવાને લીધે ઘણી વાર અમને તું-પણાનો અને હું-પણાનો ભાર ખૂબ નડે છે, તો અમારે અમારો આ ભાર દૂર કરવા માટે શું કરવું જોઈએ?”

હવાએ થોડું વિચારીને શાંતિથી કહ્યું, “તમે બંને ‘આપણે’ થઈ જાવ!”

૫. પ્રાર્થના

માનવીઓ વારંવાર ઈશ્વરને પ્રાર્થના કર્યા કરતા હતા. ઘણી બધી પ્રાર્થનાઓ ઈશ્વરના દરબારમાં આવતી હતી અને માણસે કરેલી અરજીનું પ્રતિનિધિત્વ કરતી હતી.

એક માણસે ઈશ્વરને ખૂબ જ પ્રાર્થના કરી. પ્રાર્થનાની તીવ્રતા વધી ગઈ. પ્રાર્થના છેક ઈશ્વરના દરબારમાં ગઈ અને તેણે ઈશ્વરને માણસના અંતરની વાત કરી. માણસની આટલી તીવ્ર પ્રાર્થનાથી ઈશ્વર પ્રતન્ન થયા અને માણસે માગેલી વસ્તુ ઈશ્વરે માણસની પ્રાર્થનાને આપી. પ્રાર્થના ઈશ્વરે આપેલી વસ્તુ લઈને માણસ પાસે આવવા રવાના થઈ.

પ્રાર્થના ખૂબ લાંબા સમય સુધી ચાલતી રહી, પરંતુ તે માણસ સુધી પહોંચી જ નહીં, તે ખૂબ થાકી ગઈ હતી. આખરે તેણે પાછા ઈશ્વર પાસે જઈને માણસ પાસે પહોંચવાનો સરળ રસ્તો પૂછવાનું નક્કી કર્યું. પ્રાર્થના ઈશ્વર પાસે ગઈ. તેણે ઈશ્વરને પૂછ્યું, “પ્રભુ, હું ક્યારનીયે માણસ પાસે જવા નીકળી છું, પણ હજી સુધી માણસ પાસે કેમ નથી પહોંચી શકતી?”

ઈશ્વરે હળવેથી સ્મિત કરતા કહ્યું, “એનું કારણ એ જ છે કે જે માણસે તને મારી પાસે મોકલી છે, તેની ધીરજ ખૂટી ગઈ છે. પોતાની પ્રાર્થના સફળ થાય તે પહેલાં જ એ માણસે પ્રાર્થના કરવાનું છોડી દીધું છે!”