Five Little Awesome Stories 9 books and stories free download online pdf in Gujarati

પાંચ નાની અદભુત વાર્તાઓ 9

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૯)

લેખક - અનિલ ચાવડા

બે આંખો

બે આંખો પરસ્પર વાતો કરતી હતી.

એક આંખે બીજી આંખને કહ્યું,

“આપણે બંને પરસ્પર જુદી જુદી હોવા છતાં પણ બધી જ ચીજવસ્તુઓને એક જ ચીજવસ્તુ તરીકે જોઈ શકીએ છીએ; આવું કેમ?”

“કારણ કે આપણે એકમેકમાં એકરસ થઈ ગયાં છીએ. આપણે આપણા સંબંધનું યોગ્ય સંતુલન રાખી શકીએ છીએ.” બીજી આંખે પ્રત્યુત્તર આપ્યો.

“પણ આપણી એકરસતા અને આપણું સંતુલન તૂટે તો?” પહેલી આંખે પ્રશ્ન કર્યો.

“તો આપણે બંને પોતાનાં દૃશ્યો અલગ અલગ રીતે જોવા લાગીએ, અને દરેક જીવને દરેક ચીજ બે-બે દેખાવા લાગે. આના લીધે હાલવા-ચાલવા, બોલવા-ઊઠવા, ખાવા-પીવામાં ખૂબ જ તકલીફ પડવા માંડે, માણસથી લઈને દરેક જીવમાં તકલીફોનો પાર ન રહે.” બીજી આંખે જવાબ આપ્યો.

ત્યારે પહેલી આંખે કહ્યું, “સારું તો આપણે એક જ રહીશું. કાયમ માટે...”

“હા, આપણાથી માણસ જેવા થોડા થવાય!!”

જ્ઞાતિચર્ચા

એક વાર બધી જ્ઞાતિઓ ભેગી થઈ અને ચર્ચાએ ચડી.

એક જ્ઞાતિએ કહ્યું, “માણસો પોતાના સ્વાર્થ ખાતર આપણું નામ વગોવે છે. કંઈ પણ કામ હોય તો આપણને આગળ ધરે છે.”

“પણ આપણો જન્મ પણ માણસે જ કર્યો છે. એનું શું?” બીજી જ્ઞાતિએ કહ્યું.

ત્રીજી જ્ઞાતિએ વાત કરી, “પણ માણસે તો સમાજની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપણો જન્મ કર્યો હતો. પણ આ તો ઊલટાની વ્યવસ્થા વધારે ગૂંચવાઈ.”

ચોથી જ્ઞાતિ બોલી, “જ્ઞાતિના આધારે લગ્ન કરાવે, જ્ઞાતિના આધારે નોકરીએ રાખે, જ્ઞાતિના આધારે સંબંધો બાંધે ને જ્ઞાતિના આધારે જ બધી લેવડ-દેવડ કરે છે.”

“તો એમાં આપણે શું કરી શકીએ, આપણે તો ખાલી માણસના હાથનાં રમકડાં છીએ.” પાંચમી જ્ઞાતિએ પોતાની નિરાશા વ્યક્ત કરી.

“પણ રમકડાથી બાળક યોગ્ય રીતે ન રમે ત્યારે મા-બાપે એ બાળકને સમજાવવું જોઈએ.” છઠ્ઠી જ્ઞાતિએ સૂચન કર્યું.

“પણ આપણે તો રમકડાં છીએ, આપણે થોડાં એમનાં મા-બાપ છીએ તે સમજાવી શકીએ. માણસ પોતે સમજે તો જ થાય...” સાતમી જ્ઞાતિએ તર્ક રજૂ કર્યો.

“આપણી કમનસીબી એ છે કે આપણે તો આત્મહત્યા પણ નથી કરી શકતાં.” આંખમાં ઝળઝળિયા લાવી આઠમી જ્ઞાતિ બોલી.

“હા, સાચી વાત છે.” એક જ્ઞાતિ ઊભી થઈ.

રોજની જેમ એકની એક જ ચર્ચા કરી એક મોટો નિસાસો નાખી આ વખતે પણ બધી જ્ઞાતિઓ છુટ્ટી પડી ગઈ.

દૃઢ મનોબળ અને બહાનાં

બહાનાંઓનું એક ટોળું હતું. માણસના મગજમાં તે રહેતું હતું. આ જ મગજમાં એક દૃઢ મનોબળ પણ રહેતું હતું. બહાનાઓ એનાથી ખૂબ જ ડરતાં હતાં.

એક દિવસ બધાં બહાનાંઓએ વિચાર્યું કે આજે તો માણસને કામે નથી જવા દેવો. એક બહાનાએ કહ્યું, “આજે તો હું એના મનમાં ફરી વળીશ અને એને કામે જ નહીં જવા દઉં.”

બીજા બહાનાએ કહ્યું, “તું જ્યારે નબળું પડે કે તરત હું ઊભું થઈ જઈશ.”

ત્રીજા બહાનાએ કહ્યું, “તમારા બંનેમાં જો સહેજે કચાશ રહેશે તો તરત જ હું હાજર થઈ જઈશ.”

આ રીતે બધાં જ બહાનાંએ સંપ કરી લીધો કે માણસને આજે કામ કરવા જ નથી દેવું.

માણસ સવારમાં ઊઠીને કામે જવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં જ પહેલું બહાનું આગળ આવ્યું, માણસનો કામ કરવાનો વિચાર થોડો નબળો પડ્યો. ત્યાં તરત જ બીજું બહાનું આવ્યું. માણસ આગળ વધતો હતો ત્યાં જ પાછો પડ્યો. થોડી વાર માટે તે ઊભો રહી ગયો. એ કશું વિચારે તે પહેલાં જ ત્રીજું બહાનું આગળ આવીને ઊભું રહી ગયું. હવે માણસ સીધો ખુરશીમાં જઈને બેસી ગયો.

પોતાનો કીમિયો પાર પડવાથી બહાનાંઓ અંદરો અંદર ખૂબ જ ખુશ થઈ રહ્યાં હતાં. હવે માણસ કામે જવાનું માંડી વાળવાનું વિચારતો હતો, ત્યાં જ બહાનાંઓને હડસેલીને કામ પ્રત્યેની દૃઢતા બહાર આવી. દૃઢતા આવતાંની સાથે જ બધાં બહાનાંઓ ફફડીને દૂર ભાગી ગયાં.

પરંતુ થોડી વાર પછી વળી બધાં બહાનાંઓએ એક સાથે જોર કર્યું. દૃઢતા નબળી પડવા લાગી. અચાનક દૃઢ મનોબળ આવ્યું અને તેના આવતાંની સાથે જ માણસમાં જોશ આવી ગયું. તે ઊભો થયો અને ફટાફટ પોતાની બૅગ લઈ કામે જવા રવાના થયો.

બહાનાંઓએ દૃઢ મનોબળને કહ્યું, “તું દર વખતે કેમ અમારી વચ્ચે આવે છે?”

દૃઢ મનોબળે કહ્યું, “જ્યાં સુધી હું છું, ત્યાં સુધી તમે ક્યારેય નહીં જીતી શકો.”

“પણ માણસ તારી કરતાં અમને વધારે પસંદ કરે છે.” એક બહાનાએ કહ્યું.

“બધા જ માણસ એવા નથી હોતા, જે માણસને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવું જ હોય છે, તે મને પસંદ કરે છે અને જે ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં મારો સાથ જાળવે છે, તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે જ છે.” દૃઢ મનોબળે દૃઢતા સાથે કહ્યું.

“પણ એક વાતની તને ખબર છે? જે અમને પસંદ કરે છે, એ પણ નિષ્ફળ જાય જ છે.” બહાનાએ ખંધું હસીને કહ્યું.

બે ઝાડ

પ્રયત્ન નામનાં બે ઝાડ હતાં. સુખેથી આસપાસમાં રહેતાં હતાં. ઋતુ પ્રમાણે બંને પોતાની પર પ્રયત્નોનાં ઇચ્છે તેટલાં ફળ ઉગાડી શકતા હતાં.

ફળ આવવાની ઋતુ બેઠી એટલે બંને પોતાની પર પ્રયત્નનાં ફળ ઉગાડવા લાગ્યાં. પહેલું ઝાડ પોતાની પર અનેક ફળ ઉગાડવા લાગ્યું, જ્યારે બીજું ઝાડ જરૂરિયાત પૂરતાં જ ફળ ઉગાડતું.

થયું એવું કે આ દરમિયાન જ ફળમાં રોગ આવવા લાગ્યો અને ફળ સડવા લાગ્યાં. બીજા ઝાડે તો ફળનું ઉત્પાદન જ બંધ કરી દીધું અને પહેલા ઝાડને કહ્યું, “હવે ફળ ઉગાડવાનો કોઈ અર્થ નથી. આમ પણ ફળ સડવા લાગ્યાં છે. એક પણ ફળ ખાવાલાયક નહીં થાય કે એના બીજમાંથી પણ ઝાડ નહીં થાય.”

પહેલા ઝાડે કહ્યું, “આટલાં બધાં ફળ ઉગાડીએ એમાંથી એકાદ ફળના બીજમાંથી કદાચ એકાદ ઝાડ નવું ઊગી નીકળે તો! આપણે ઘણા બધા પ્રયત્નના ફળ ઉગાડીશું ત્યારે માંડ એકાદ ફળ વ્યવસ્થિત પાકશે.”

“પણ એક તો આ બીમારી અને ઉપરથી ફળોનો આટલો બધો ભાર... આ ફળનો સડો તારી ડાળીઓને પણ નુકસાન કરશે. રહેવા દે. વધારે મહેનત કરવાથી કંઈ જ ફાયદો નહીં થાય.” બીજા ઝાડે ફરી કહ્યું.

પણ પહેલું ઝાડ તો એની કશી વાત મન પર લીધા વિના પ્રયત્નોનાં ફળ ઉગાડતું જ રહ્યું, પણ વારંવાર બધાં જ ફળ સડી જતાં અને ખરી પડતાં.

ફળ ઉગવાની ઋતુ પૂરી થઈ એટલે ફરી બીજા ઝાડે પહેલા ઝાડને કહ્યું, “જો મેં તો થોડાંક જ ફળ ઉગાડ્યાં હતાં, એટલે મારે તો ફળ પણ જલદી સડી ગયાં અને ભાર પણ ન ઉપાડવો પડ્યો. તેં આટલાં બધાં ફળ ઉગાડ્યાં તો પણ એમાંથી કંઈ થયું?”

પહેલું ઝાડ કશું જ બોલ્યું નહીં.

મહિનાઓ વીત્યા. વરસાદની ઋતુ આવી. અચાનક એક દિવસ જોયું તો પહેલા ઝાડની નીચે એક-બે નાનકડી કૂંપળ ફૂટી નીકળી હતી.

પહેલા ઝાડે કૂંપળ તરફ આંગળી ચીંધી ઉત્સાહપૂર્વક કહ્યું, “જોયું? સતત પ્રયત્નના ફળ ઉગાડતા રહીએ તો એકાદ ફળના બીજમાંથી તો જરૂર કૂંપળ ફૂટે જ !”

ઘર અને એનો પરિવાર

એક હતું ઘર. એક બારણું અને એક બારી તેનો પરિવાર હતો.

બારણું ઘરને શેરી અને રસ્તાઓ દેખાડતું હતું, જ્યારે બારી આકાશનું દર્શન કરાવતી હતી.

એક દિવસ બારીએ બારણાને કહ્યું, “આપણે બંને ઘરમાં હવા-ઉજાસ લાવીએ છીએ, ઘરને આકાશનું દર્શન કરાવીએ છીએ, ઘરને શેરી, ફળિયું અને બહારના રસ્તા દેખાડીએ છીએ. આપણે બંને ઘર માટે આટલું બધું કરીએ છીએ, છતાં ઘર આપણા માટે શું કરે છે? કશું જ નહીં. આપણે ઘર માટે આ બધું કરવાનું બંધ કરી દેવું જોઈએ.”

બારણાને બારીની વાત સાચી લાગી. બંનેએ એક સાથે બંધ થઈ જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે સવારે બંનેમાંથી એક્કે ખૂલ્યાં જ નહીં. હવા-ઉજાસ પણ આવતાં બંધ થઈ ગયાં. ધીરે ધીરે સુંદર ઘર ખંડેર થવા લાગ્યું. ઘરની ભીંતો જર્જરિત થવા લાગી.

એક દિવસ તોફાન આવ્યું. ઘરે બારી-બારણાને કહ્યું કે જો તમે ખૂલી જાવ તો પવન બારી-બારણા વાટે બહાર નીકળી જશે અને હું પડતાં બચી જઈશ, પણ બારી-બારણા ન માન્યાં અને ઘર આખરે પડી ગયું. ઘરની સાથે સાથે બારી-બારણા પણ ભોંય ભેગાં થઈ ગયાં.

પડતા ઘરે કહ્યું, “હું તમને ટકાવી રાખતું હતું ત્યારે તમે મને હવા-ઉજાસ આપતા, આકાશનું દર્શન કરાવતા, રસ્તો અને શેરી દેખાડતાં હતાં. સૌથી મોટું કામ તો હું કરતું હતું, તમને ટકાવવાનું !”

ભોંય પર પડેલાં બારી-બારણા કણસતાં કણસતાં ઘરની વાત સાંભળી રહ્યાં હતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED