આંસુડે ચીતર્યા ગગન ૭ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૭

આંસુડે ચીતર્યા ગગન (7)

બે દિવસ રહીને અચાનક બિંદુ સિદ્ધપુર આવી. એકલી. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. દિવ્યા અને મામી ઘરે હતા.મામા બહાર ગયા હતા. અને મારા નામે શોધતી શોધતી ઘરે પહોંચી ગઈ. હું તો દંગ જ રહી ગયો એને જોઈને.

‘ઘરમાં આવવાનું તો કહો.’

‘અરે પણ તું? અચાનક?’

‘તમારે લીધે આવવું પડ્યું’

‘પણ.. પણ… ’ હું બાઘો બનીને ગેંગે ફેંફેં કરતો જોઈને દિવ્યા ખડખડાટ હસી પડી.

‘અંશભાઈ મહેમાનને આવવા તો દો.’

‘ભલે’

બિંદુ મામીને પગે લાગી… મામી નવાંગતુકના આ વિનયી વલણથી ખુશ જરૂર થયા… પરંતુ કોણ છે તે રહસ્ય હજી એમની આંખમાં તરવરતું હતું.

મેં ઓળખાણ શી રીતે કરાવવી તે દ્વિધામાં મગજને કસવા માંડ્યુ – ત્યાં બિંદુ બોલી ‘મામી – અંશભાઈની હું શિષ્યા છું. કૉલેજમાં સાથે ભણીએ છીએ અને ખાસ કામે એમને મળવા આવી છું.’

‘ખાસ કામ એટલે ?’ હવે બાઘા બનવાનો વારો મારો હતો…

‘ખાસ કામ એટલે આ ઘરે આવવાનું… મામી… ચાલો મામા આવે તે પહેલા રસોઈ કરી શરુ કરી દઈએ.’

મામી જરા અચકાતા હતા… મહેમાન અને રસોડામાં… એમની શંકા નિવારતા એ બોલી ‘મામી કહો તો સ્નાન કરીને આવું – રસોડું મારાથી નહીં અભડાય….’

‘ના બેન એવું તો નથી પણ તમે મહેમાન કહેવાઓ…’

‘આ દિવ્યા બહેન બહારથી આવે તો એ મહેમાન કહેવાય?’ મલકતા બિંદુએ કહ્યું.

‘દિવ્યા તો છોકરી છે… પણ… ’

‘તો હું પણ તમારી છોકરી જ છું ને… ચાલો મામી… બાલુમામાનું ભાવતું ખાવાનું રીંગણાંનું ભડથું બનાવીએ…’ હવે આશ્ચ્રર્યચકિત થવાનો વારો મારો હતો…. આટલી નાની છોકરીમાં બાલુમામાનો પણ ટેસ્ટ જાણી લેવાની ખૂબી છે. ખેર… મૌન રીતે હું એણે આદરેલ નાટકનો પ્રેક્ષક બની ગયો…

દોઢ કલાકના ગાળામાં તો સુંદર સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઈ ગયું… મામી… મામા… કરતા બિંદુનું મોં સુકાતું નહોતું… અને પ્રેમાળ લહેકાથી દિવ્યાનું પણ મન એણે જીતી લીધું.

બાલુમામા આવ્યા ત્યારે ફરીથી તેમને પગે લાગી જમણવારમાં રસોઈના વખાણ સાંભળીને મામીને ઈર્ષ્યા આવી. અને મીઠી ચડભડ શરુ થઈ ગઈ.

‘આવી રસોઈ તું કદીક જ બનાવી શકે. આ છોકરી તો અન્નપૂર્ણા છે.’

‘બેસો હવે… આજકાલની છોકરીઓને બહુ ફટવી ન મારો.’

‘હશે ત્યારે… તને દુ:ખ થાય તો નહીં કહું. પણ હીરા આવું બનાવતી હતી અને કરુણાશંકર એ રસોઈના આંગળાં કરડી ખાતા… ’

અંશનો ચહેરો ગદ્ ગદ્ થઈ ગયો.

લાગણીનો સ્ત્રોત આંખમાંથી ઝરણું થઈને બહાર નીકળે તે પહેલા બિંદુએ ધડાકો કર્યો.

‘મામા, હીરા બા મારા સાસુ થાય.’

‘શું? ’ – મામા અને મામી સાથે ચમક્યા.

‘હા, મારું આ ઘર સાસરું છે.’

‘શું ફરીથી બોલ તો? ’ મામા મારી તરફ કતરાતા બોલ્યા…

‘અંશ… આ બધું શું સાંભળું છું? એક તો શેષનું હજી શમ્યું નથી ત્યાં તારા આ શું હોબાળા છે?’

‘મામા… મારું નામ બિંદુ… બિંદુ પટેલ…’

‘મામી એકદમ ચમક્યા… બિંદુ પટેલ… મારું પાણિયારું અભડાવ્યું? છોકરી તેં શું કર્યું?’

હું કંઈક બોલું તે પહેલા…

‘મામી અહીં જ તમારી ભૂલ થાય છે. પટેલ અમારી અટક, મારા દાદા ગામની પટલાઈ કરતા હતા તેથી પડી છે. બાકી અમે તો સજોદીયા બ્રાહ્મણ છીએ.’

‘શું ?’

‘હા. મારી મરતી મા ને એમણે વચન આપ્યું અને અમારા લગ્ન થયા.’

‘કોણ મરી ગયું? કોના લગ્ન થયા ? છોકરી તું આ શું ગાંડાની જેમ બકે છે?’ મામાને ગુસ્સે થવું હતું પણ થવાતું નહોતું…

દોઢ મહિના પહેલા બનેલ આખો પ્રસંગ તેણે રજેરજ કહ્યો અને સમાપન કરતા કહ્યું – ‘એમની રજા લીધા વિના હું અહીં આવી છું પરંતુ પરિણીત છોકરીને સાસરે આવવા કોઈની જરૂર પડે ખરી? અને ખરેખર તો મા બાપ જેવા આપ બંનેના આશીર્વાદથી હું વંચિત હતી તેથી હું આવી હતી.’

‘ભલે દીકરા કલ્યાણ થાઓ – શેષે જે કર્યું છે તે ભલે કર્યું – શેષને મારા આશિષ કહેજે.’

મામાના આશીર્વાદથી મામી પણ મૌન થઈ ગયા… અને દિવ્યા ભાભી ભાભી કરતી બિંદુને વહાલથી ભેટી પડી.

બિંદુના ગૃહઆગમનથી ઘર ઘર જેવું લાગતું હતું. મામીને તો મોટી રાહત થઈ ગઈ હતી. નવરાશના સમયે સિદ્ધપુર બતાવતો હતો. સગાવહાલાને ત્યાં જઈને રિવાજ પ્રમાણે દાપું મેળવતો હતો. મામા મામીએ હોંશથી પલ્લુ કર્યું… અને સૌ સારા વાના થયા… ત્યાં સુમીમાસીનો પત્ર આવ્યો. શેષભાઈને પ્રમોશન મળ્યું હતું અને મુંબઈ સ્થિર થવાનું નક્કી થયું.

બાલુમામાનો આગ્રહ ગવર્નમેન્ટ જોબનો હજી હતો. પરંતુ બિંદુની સમજાવટથી મામી દ્વારા મામાને શાંત કર્યા – નરભેશંકરકાકા ફરીથી આવીને એમના બનેવીને ત્યાં જઈ આવવા ભલામણ કરી ગયા. બિંદુને અને એની ગુણિયલ પ્રવૃત્તિને પણ બિરદાવી ગયા. શેષનો મુંબઈથી પત્ર આવ્યો હતો. બિંદુની સફળતા વિશે અભિનંદન પણ હતા – મુંબઈ જવાની તડામાર તૈયારી શરુ થઈ.