સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 12 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૧૨

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨ - ચંદ્રકાંતના ગૂંચવાડા

‘મારે તે આ મલ્લભવનનું શું કામ હતું ?સરસ્વતીચંદ્રની સાથે દેશી રાજ્યોની ચર્ચાને અને આ મહાભારતના અર્થિવસ્તારનો શો સંબંધ છે કે જીવતા મિત્રની શોધની ત્વરામાં આ કથાઓથી વિલંબ થાય ?’ આવા વિચાર કરતો કરતો ચંદ્રકાંત સૌંદર્યઉદ્યાનના કોટ ઉપર એકલો એકલો ફરતો હતો અને એક પાસનો ઉદ્યાન અને બીજી પાસ નાગરિકોના વિનોદ માટે રાખેલું ઉઘાડું ચોગાન-તે ઉપર દૃષ્ટિ ફેરવતો હતો. એના મનમાં ઘણી જાતના ગૂંચવાડા હતા. પ્રથમ એણે વિદ્યાચતુર શોધ કરશે એવી આશા રાખી હતી. બહારવટિયા, કુમુદના સમાચાર, સામંતનો મંદવાડ આદિ અનેક વિધ્વાનોએ આ આશાને ખોટી પાડી. જાતે શોધવા જવા ચંદ્રકાંતે નિશ્વય કર્યો, ત્યારે ગુણસુંદરીના સ્નેહવ્યંજક શબ્દોએ એને શીતળ કર્યો, પણ ધારેલા શોધમાં કાંઈ પણ વધારો ન થયો. કાલ વિદુરભવનની સભામાં તો આજ કુરુક્ષેત્રની આસપાસનાં ભવનોમાં સરસ પણ પોતાના શોધમાં નિરુપયોગી ચર્ચામાં કાળક્ષેપ થઈ ગયો. સરસ્વતીચંદ્રના ઉપર આટલો સ્નેહ દેખાડનાર ગુણસુંદરી પાસે શી રીતે કહેવું કે હવે મને એકલો જવા ધો અને તમારા સાહાય્યની મારે અપેક્ષા નથી ? આ પ્રશ્નોએ ચંદ્રકાંતને મધુર ગૂંચવાડામાં નાખ્યો અને પાઘડી નીચે હાથ ઘાલી માથું પંપાળતો પંપાળતો તે ચારે પાસ શોધવા લાગ્યો કે ચારે પાસની જડ અને ચેતન સૃષ્ટિમાંથી કાંઈ સૂચના કે સમાધાન મળે છે ?

પોતે ફરતો હતો તે કોટના અગ્રભાગે બુરજના આકારની મેડીઓ હતી તેમાં ગુણસુંદરીને બેસવાની શાળાઓ હતી અને નીચે કુસુમનો લતામંડપ, જળકુંડ વગેરે હતાં. ત્યાંથી તે કોટના બીજા છેડા સુધી માત્ર અનેક વૃક્ષોના શિખરભાગ અને વચ્ચે વચ્ચે ભૂમિકાઓ દેખાતી હતી. કોટની બીજી પાસ ક્ષિતિજમાં રત્નનગરીનો કોટ અને તેનાથી ઊંચા પ્રાસાદો-મહેલો-ના ઉપલા ભાગ દેખાતા હતા. ઉદ્યાન અને નગરના કોટ વચ્ચેના ચોગાનમાં અનેક લોક આવજા કરતા હતા. ગામડાંથી આવેલા અનેક વ્યાપારીઓ હાટ માંડી બેઠેલા હતા, અથવા તો ધાન્યાદિક વેચવાના પદાર્થ ભરેલાં ગાડાં વચ્ચેવચ્ચે છોડી રાખી દલાલો સાથે અને નગરના વ્યાપારીઓ સાથે મોટે સ્વરે ભાવ ઠરાવતા હતા. વણઝારોની પોઠો, ઊંટ, ઘોડા, ઢોર અને ઘેટાબકરાંના વ્યાપારીઓ પોતાના સ્થાન જમાવી ઊભા અથવા બેઠા હતા. બંદરી માલની ખપત તથા આપેલ પણ આ સ્થાનમાં થતી હતી. વચ્ચેવચ્ચે ભિખારીઓ, સાધુઓ, ફકીરો અને બ્રાહ્મણો જુદાજુદા રાગ કાઢી, જુદાજુદા ઉચ્ચાર કરી, ઉદરપૂર્તિ પામવા ફરતા હતા. એ સર્વ ચિત્ર વચ્ચે દરબારી દોરથી અથવા રાજકીય સત્તાના ચિહ્‌નથી અથવા પટાવાળાઓના પરિવારથી અધિકારીઓ જણાઈ આવતા હતા અને આવજા કરતા હતા.

ચંદ્રકાંતની દૃષ્ટિ આ સર્વ ઠાઠ ઉપર ફરીફરૂ ફરી વળતી હતી. શું આટલા મહાન અને ચિત્ર સમુદાયમાં સરસ્વતીચંદ્ર મને શોધવા ન ઊભો હોય ?શું એ સૌમાં એના સમાચાર આપનાર કોઈ નહીં હોય ?

ખીસામાં હાથ મૂકી આળસ મરડે છે ત્યાં તેમાંથી હાથમાં બે-ચાર પત્ર આવ્યા. એ પત્ર વાંચેલા હતા તે પાછા મૂક્યા.

‘મુંબઈમાં ગંગા એટલી માંદી છે કે મારી ત્યાં જરૂર છે. ભર્યા ઘરમાં તેના તનમનની આ પ્રસંગે કોઈ સેવા કરનાર નથી એમ સંસારીલાલ લખે છે, ને કીકી લખે છે કે તમે નહીં આવો તો મારી બા મરી જશે.’

કારકુન લખે છે કે મુંબઈ છોડ્યાથી મારો ધંધો ધૂળધાણી થઈ જવા ઉપર છે અને ઘરમાં ખરચની વ્યવસ્થા જુદી જ છે.

સરસ્વતીચંદ્રના કરતાં આ વાત વધારે નથી- પણ ગંગા મરે તે તો કાળજે ધક્કો લાગે-આવે પ્રસંગે હું ત્યાં ન હોઉ તો ઈશ્વરનો અપરાધી થાઉં-પણ એનો મંદવાડ ક્યાં સુધી પહોંચશે તે કહેવાતું નથી અને આ શોધ કરવાનું પડતું મૂકવું એ તો ચંદ્રકાંતથી નહીં થાય.

માથે પાઘડી હતી તેની નીચે હાથ ઘાલી વાળમાં આંગળી ઘસતો ઘસતો તે કોટની ભીંત ઉપર આવજા કરવા લાગ્યો. થોડી વારમાં પ્રવીણદાસ અને શંકરશર્મા ઉપર આવ્યા. હાથ મેળવી વાતો કરતા સર્વ એક બુરજની અગાશીમાં ગયા. સર્વ રવેશ ઉપર બેઠા. ચંદ્રકાંતના મનની દોલાયમાન સ્થિતિ સર્વ સમજ્યા અને તેનું કારણ પૂછવા લાગ્યા.

ચંદ્રકાંત - ‘આપને વિદિત છે કે સરસ્વતીચંદ્રની શોધને માટે હું અત્ર આવેલો છું. આણી પાસ આવ્યો ત્યારે એ શોધ કર્યા વગરનો હતો તેવો જ હજુ સુધી છે. ઘરમાં મંદવાડ છે ત્યાં પણ મારી જરૂર છે. મને લાગે છે કે હવે મારે આપનાથી જુદા પડવું જોઈએ.’

શંકરશર્મા -‘આપ કેણી પાસ જવા ધારો છો ?’

ચંદ્રકાંત -‘ઘરમાં મંદવાડ છે તેની તો મિત્રોની સહાયતાથી વ્યવસ્થા કરીશ; પણ મિત્રરત્નની શોધ માટે નીકળ્યો છું તેમાં આપ શો આશ્રય આપી શકશો તેની જિજ્ઞાસા આજ સુધી અતૃપ્ત રહી એટલે હવે ઈશ્વરે આપેલા હાથપગ ચાલે તેણી પાસ ચલાવવા કલ્પના છે.’

શંકરશર્મા - ‘અમે શો આશ્રય આપીશું એમ પૂછો છો તેમાં અમે એટલે આ શરીર કે આ રાજ્ય ?’

ચંદ્રકાંત - ‘આપ કહો તે.’

શંકરશર્મા - ‘જો આપ રાજ્ય પાસે આશ્રય માગતા હો તો બે રીતે મળે. રાજ્યમાં કંઈ અપરાધ થયો હોય તો પોલીસ શોધ કરે. સરસ્વતીચંદ્રના સંબંધમાં અર્થદાસનું ન્યાયાન્વેષણ થવાનું એટલે પોલીસ શોધ કરે છે જ. બીજું અમારું ‘સરભરાખાતું’ રાજ્યના અતિથિવર્ગની સરભરા કરે છે- પણ આપ રાજ્યના અતિથિ નથી. આપરાજ્યપ્રસંગે પધારેલા નથી. આપ પ્રધાનજીના અતિથિ છો એટલે તેમના કુટુંબવત્‌ છો અને તેથી મહારાજને મન તથા અમારે મન પણ કુટુંબવત્‌ છો તે ન્યાયે આપ માગો તે આશ્રય આપવો એ અમારો ધર્મ છે.’

ચંદ્રકાંત - ‘સરસ્વતીચંદ્ર આપના રાજ્યમાં ગુપ્તપણે સંચાર કરે છે તેને શોધવામાં આપના રાજ્યસ્થાનનો કુટુંબન્યાય શો આશ્રય આપી શકશે તે જાણ્યા પહેલાં મારી ઈચ્છા વધારે સ્પષ્ટ કરી શી રીતે દર્શાવું ?’

પ્રવીણદાસ - ‘આપ મનમાં સંકોચ રાખી વાત કરો છો. પ્રધાનજીના મનમાં એમ છે કે અર્થદાસના સંબંધમાં સરસ્વતીચંદ્રના શરીરની શોધ પોલીસ કરે છે એટલે આપના શરીરને અથડામણમાં નાખવાની અગત્ય નથી.’

ચંદ્રકાંત -‘પોલીસ શું કરે છે તે જાણવા પામું તો મનની આતુરતા શાંત થાય, સૂચના કરું અને શો આશ્રય માગવો તે સમજું.’

પ્રવીણદાસ -‘તે આપને જણાવવામાં કાંઈ ઢીલ નહીં થાય.’

ચંદ્રકાંત - ‘મારે પોતાને પણ આ શોધને માટે જવાની ઈચ્છા છે તો આ શરીર અથડાવવું પડે તેની ચિંતા પ્રધાનજીએ રાખવી નહી. મારી શાંતિ એવી અથડામણથી જ થશે. હું આટલા દિવસ બેસી રહેલો છું તેનો મને બહુ ઉદ્વેગ થાય છે.’

શંકર - ‘આપનું મન રોકાયેલું રહે એટલા કારણથી જ મહારાજશ્રી જાતે પ્રધાનજીસહિત મલ્લભવન આદિસ્થાનોમાં આપની સાથે કાલગમન કરે છે. સરસ્વતીચંદ્રના મિત્ર ઉપરનો કુટુંબભાવ એમને એટલું કરાવે છે.’

ચંદ્રકાંત - ‘હું જેને સરસ્વતીચંદ્ર વિષે સૌના પ્રમાદનું ચિહ્‌ન ગણતો હતો તે આમ સ્નેહનું કાર્ય નીવડે છે,તે જાણી હું સ્વસ્થ થાઉં છું, પણ મારો ગૂંચવાડો તો મારા અથડાવાથી જ મટશે.’

પ્રવીણદાસ - ‘તેમાં આપની ઈચ્છા પ્રમાણે થશે જ.’

શંકર - ‘એ વાતનો સત્વર માર્ગ કાઢીશું. બીજું પ્રધાનજી સરનામાથી આ પત્રઆવેલો છે તે કોનો છે તે સમજાતું નથી, પણ સરસ્વતીચંદ્રના સંબંધમાં કાંઈક લખેલું છે તેથી આપને જોવા મોકલ્યો છે.’

ચંદ્રકાંતે પત્ર લીધો. વાંચ્યો. ગંગાએ પોતાના ઉપર પત્ર લખેલો પણ ઉપર ચંદ્રકાંતનું નામ લખવું રહી ગયેલું અને પ્રધાનનું નામ હતું, તેથી પત્રની આ દશા થઈ. તેમાં લખાણ ટૂંકું જ હતું.

‘મને મંદવાડ છે પણ તમે એમના એમ પાછા આવશો તે મને ઠીક નહીં પડે. તમારા ઘરમાં સર્વને એમ છે કે સરસ્વતીચંદ્ર મરે કે ન જડે તો તમારા ઘરમાં પૈસો આવે. મારા મંદવાડને બહાને તમને બોલાવવા કાગળ લખે છે તે આ જ મતલબથી. પણ એવો પૈસો આવેલો એ સૌ ખાઈ જશે ને તે નહીં રહે તમારી પાસે ને નહીં રહે સરસ્વતીચંદ્ર પાસે. સરસ્વતીચંદ્ર જડશે તો જેટલા તે આપણા છે એટલાં તમારા ઘરનાં આપણા નથી. માટે ખોટાં સગાંનું માનશો નહીં ને ખોળો છો તેને ખોળજો. ધુતારાલાલનાં માણસ તમારા ઘરમાં આવે છે, જાય છે ને લાંચલાલચો આપે છે. મારું નામ દઈ બોલાવે તો છેતરાશો નહીં ને આવશો નહીં. મને મદંવાડ છે ને મરીશ તેનું મને દુઃખ નથી, કારણ તમારા ઘરમાં સુખ દીઠું નથી ને દેખવાનું નથી; પણ હું મરીશ તો સરસ્વતીચંદ્ર મારાં છોકરાનું કલ્યાણ કરશે ને તમારા ઘરમાંથી છૂટી છોકરાં તેને હાથ જશે. માટે મારા મરવાની ચિંતા ન કરતાં સરસ્વતીચંદ્રનો જ સ્વાર્થ રાખજો.’

ચંદ્રકાંતને પરસેવો થઈ આવ્યો ને કપાળ પર ટીંપા ઊભરાયાં; પણ ઓઠ કરડી, થયેલો વિકાર બીડી રાખી, મુખ પર આવેલો ભાવ પાછો ખેંચી લીધો. પત્ર ખીસામાં મૂક્યો ને મૂકતાં મૂકતાં બોલ્યો :

‘આ પત્ર મારા ઉપર છે. તેનો સાર કોઈ વેળા સમજાવીશ. હાલ તો આપે જે ઉપકાર કરવા ધારેલો છે તે કરો.’

પ્રવીણદાસ - ‘બહુ સારું. પ્રધાનજીને સર્વ વાત વિદિત કરી આપને સંદેશો મોકલીશું.’

બે જણ ગયા. ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહીં. આણી પાસ ઉદ્યાન અને પેલી પાસ વસ્તીનો તરવરાટ-કશામાં એનું મન ગયું નહીં. એટલામાં આઘેના કોલાહલમાં અનેક અવ્યક્ત મિશ્ર અને મોટા સ્વર નીકળતા હતા તે વચ્ચેથી એક ઉચ્ચ સ્વરે ગાયેલી સાખી ચંદ્રકાંતના કાનના પડદા સાથે અથડાઈ :

‘જડ જેવો દ્રવતો શશી,

સ્મરી રસમય શશિકાંત.’

આ શબ્દો કાનમાં પહોંચતાં તે ચમક્યો અને ઉદ્યાનની બહાર સ્વર બોલનારને શોધવાને તેનાં નયન સહસા વળી ગયાં.