Prime Time-04 books and stories free download online pdf in Gujarati

Prime Time-04


પ્રાઈમ ટાઈમ

હેલી વોરા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.મારાં વિચારોની ‘હેલી’

૨.હોલી આઈ હૈ

૩.“ખો ન જાયેં યે.... તારે ઝમીં પર!”

૪.ટીન... ટીન...

૫.હોસલા હો બુલંદ....

મારાં વિચારોની ‘હેલી’

હેલી નિમિષ વોરા વિજ્જ્ઞાન વિદ્યાશાખામાં વનસ્પતિશાસ્ત્ર માં હાવર્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક, માસ્ટરડીગ્રી ઓક્સફોર્ડમાંથી, ડોકટરેટ માટે ના થીસીસ અમેરિકા વિજ્જ્ઞાન વનસ્પતિ વિજ્જ્ઞાન શાખા ને આપેલ છે હાલે રીસર્ચ લેબ ખાતે કાર્યરત. અને શોખ થી પ્રકાશિત કરેલ બંને પુસ્તકો બેસ્ટ સેલર. વધારા નો સમય સેવા કર્યો માં ફાળો આપું છું.....એ બધી વાત ખરી નથી. આ તો શું કે યુથ અચીવર્સ સીરીઝ વચ્ચે વાચકો ને ઝાટકો ન લાગે એટલે જરાક ટેકો આપ્યો. બાકી તો આખું આર્ટીકલ આપવા જેવું કઈ ખાસ છે નહિ.

ગણિત વિષય માં સ્નાતક થયા પછી અત્યારે એક સરકારી કચેરી માં ક્લાર્ક છું સાથે એક ખુશહાલ પત્ની અને માતા. મને વાંચવાનો શોખ મારા પિતા તરફથી વારસા માં મળ્યો છે. અને બાળપણમાં રમકડા થી વધુ પુસ્તકો મળ્યા. બાળવાર્તા ઓ મન પર છવાતી ગઈ. અને વ્યસન જામતું ગયું. એક પછી એક વાર્તા વંચાતી ગઈ અને એ વધુ મોટી અને વધુ પરિપક્વ બનતી ગઈ. બાળવાર્તાઓ નું સ્થાન ફિકસને લીધું અને ગીજુભાઈ બધેકા નું હરકિશન મહેતા એ. વેલ આ તો શરૂઆત હતી. પછી વાંચન વિશાળ થતું ગયું. અને સાથે વિચારો પણ. ધીરે ધીરે વાંચન નું રૂપાંતર વિચારો અને અભિવ્યક્તિ માં થતું ગયું . તર્ક પોતાની જગ્યા બનાવતો ગયો.અને લખવાનું શરૂ થયું. અને હું ગુજરાતી ની ટીમ માં આવવા ની તક મળી.

વાંચવું અને લખવું એ બહુ ગૂંથાયલુ કામ છે. નવા નવા વિચારો જનરેટ થાય અને અભિવ્યક્ત થાય. વેલ વાંચન ગણું શીખવતું હોય એવું આપણે લાગે. પણ અનુભવ વિનાની શીખ પાંગળી છે. એક ન દેખાતો પણ છતાં જબરો શિક્ષક જીવન છે. અનુભવ બોધપાઠ સીધો તૈયાર કરી ને હાથ માં ન પકડાવે પણ અંદર થી પેદા કરે. એટલે સીધી ભેજા માં ઉતરે કારણકે એ આપણી મહેનત ની,પીડાની કે મંથન માંથી જન્મેલી હોય. જયારે પુસ્તક ની શીખ શો રૂમ માં સીધા રેડી માલ જેવી હોય. વાપરીએ તો ઠીક નહીતો કઈ નહિ. પણ આવો રેડી માલ ઘર માં ભરેલા અનાજ ને મસાલા જેવો હોય. એની ખપત તો થવાની જ છે. જયારે ભૂખ લાગે ત્યારે આપણે ગંગા ન થવું પડે પેલું વાંચેલું સ્ટોક માં પડયું હોય એને વાપરો ને જમી લો. મતલબ કે ખપ માં લાગે. પણ અહિયાં હજુ એક ખૂટતી કડી છે. તૈયાર માલ સ્ટોર કરવો અને રસોઈ બનાવવી. વાંચેલું હોય તેમાંથી ઉપયોગી હોય એ મગજ માં સાચવવું પડે. આજુબાજુ ખોટા વિચારો, નકામા કચરા જેવી વાતો, ખટપટો, અને નકારાત્મક બેક્ટેરિયા, વાયરસો ને ફૂગ જેવા સુક્ષ્મ જીવો ફરતા જ હોય. એલોકો આ વાંચન ના ફ્રેશ ઉત્તમ વિચારો, માહિતીઓ અને આઈડીયાઝ ને બગાડી ન નાખે એટલી સફાઈ પણ રાખવી પડે. અને બહુ વાંચીએ અને બહુ યાદ રાખીએ પણ સમય આવે ત્યારે એને કનેક્ટ ન કરી શકીએ, ઉપયોગ માં ન લઈ શકીએ તો પાછું ઘઉં ના પીપ ભર્યા હોય પણ રોટલી કરતા ન આવડતી હોય એવું કામકાજ થાય. એટલે વાંચન એ એક ટાઈમપાસ નહિ પણ આખી પ્રોસેસ છે. અને એનો આસ્વાદ લેવો મને બહુ પસંદ છે.

મારા એવા પણ મિત્રો છે જેમને વાંચન પસંદ નથી. છતાં પણ તેઓ ટકોરાબંધ તૈયાર છે. એન્સૈક્લોપેડિયા ને હાથ નથી લગાડયો ક્યારેય પણ ગામ માં કઈ વસ્તુ ક્યાંથી મળશે, કેટલા રૂપિયામાં મળશે, કયો દુકાનદાર સારો, કયો માણસ કેટલામાં છે, અને ટોપ ઓફ ઓલ ખુશ કેમ રહેવું એ બધું એમના ડીફોલ્ટ સેટિંગ માં હોય છે. આવા લોકો જીંદગી ના વિદ્યાર્થીઓ હોય છે. અને સારૂં એવું રખડેલ હોય છે. આવા લોકો ને ગુરૂત્વાકર્ષણ બળ નો ફોર્મ્યુલા ખબર નથી હોતી પણ દરેક વસ્તુ પૃથ્વી તરફ આકર્ષાય છે એ વસ્તુ થી સુપેરે વાકેફ હોય છે અને કેટલાક તો તેનો ઉપયોગ પણ કરી જાણે છે. આ થઈ સિક્કા ની બીજી બાજુ. ખેર પણ વાંચન ની મજા કે મુલ્ય તો આનાથી જરાય ઘટ્‌યા નહિ.

વેલ વાંચન ને મારા વ્યક્તિત્વ અને લેખન ની ઈચ્છા સાથે સીધો સબંધ હતો એટલે આપણે આ વાત કરી. ચોપડીઓ ની બહાર હું ‘આમ આદમી’ જ છું અને તેમ હોવાનું મને ગૌરવ છે. ઘરકામ, પરિવાર, બાળક અને નોકરી વચ્ચે મારો ચીચુડો ચાલ્યા કરે છે. પણ જીવન એક સુખદ કો ઈન્સીડંસ ને કારણે વધુ આનંદ દાયક છે. એ યોગાનુયોગ એવો કે મારી અને મારા પતિ ની મોટા ભાગ ની ચોઈસ મળતી આવે. એટલે મારી આ પ્રવૃત્તિઓ વધુ સંઘર્ષ વિના ચાલતી રહી અને મારી હાર્દિક ઈચ્છા છે કે ફક્ત ચાલે જ નહિ પણ વિકસે. એક નાગરિક તરીકે અન્ય સામાન્ય લોકો ને જેમ પરિવાર અને અન્ય કર્યો માં ગુંથાયલા રહેવાને કારણે કોઈ ખાસ પ્રદાન નથી આપી શકતી. પણ શક્ય પ્રયત્ને ગંદકી માં વધારો ન કરવો, આપણે લાગુ પડતા વેરા બાબતે શક્ય તેટલી પ્રમાણિકતા દાખવવી, વોટીંગ કરતા પહેલા તટસ્થ રીતે બે વિચાર કરવો કે કોણ સત્તા માટે યોગ્ય રહેશે, આસ પાસ ના લોકો પ્રત્યે ઉમદા અભિગમ દાખવવો, જે નિયમો પ્રજાની સુરૂચિ અને સગવડ માં મદદરૂપ થાય છે તેમને ફોલો કરવા, તર્ક અને વિચાર પછી અમલ કરવા પ્રયત્ન કરવો, અને જયારે તક મળે ત્યારે સમાજ અને પર્યાવરણ ને થોડી મદદ કરવી એટલું કરવાનો મારો પ્રમાણિક પ્રયાસ રહે છે.

જેમ સમાજ કોઈ પણ વયજૂથ ના તમામ લોકો ની માફક હું પણ ફન લવિંગ છું. મુવીઝ જોવી, સુંદર સ્થળો ની મુલાકાત લેવી, સામાજિક ગેટ- ટુગેધર માં ભાગ લેવો અને તેમનું આયોજન કરવું, સંગીત સંભાળવું, કવિતાઓ કે ગઝલો વાંચવી, ક્રિકેટ મેચ જોવી અને તક મળે તો લાઈવ આ બધા નો લાભ લેવો મને પસંદ છે. પણ મને વ્યય કે દંભ પસંદ નથી. કારણકે વ્યય માત્ર વસ્તુ નો નહિ પણ કીમતી સમય અને શક્તિ ને પણ બેકાર રેલાવા દે છે આપણા એંઠવાડાઓ ની માફક. અને દંભ એ આત્મા ને કાટ લગાડે છે અંદરની ધાતુ ને એ જબરૂં નુકસાન કરી શકે. અને ફક્ત ભીડ નું પ્રાણી કે ટોળામાનું ઘેટું બની રહેવાની મારી કોઈ હાર્દિક ઈચ્છા નથી. સમૂહ કે સંપ મને પસંદ છે ભીડ કે ટોળા નહિ. પરિવાર કે દોસ્તો કે વૈચારિક સામ્યતા ધરાવતા લોકો સાથે સમય પસાર કરવાની મને મજા આવે પણ દરેક વખતે વૈચારિક કે અંગત નિર્ણયો બાબતે સ્વાતંત્ર્‌ય આપવું કે લેવું એ પણ મને પસંદ છે. બસ એક મોટા અવાજ નીચે ગામ, અણગમા કે અનિર્ણિત પરિસ્થિતિ માં ઢસેડાયા કરવું તો જરાય ન ગમે તે રીતે શક્ય પ્રયત્ને આવું હું પણ અન્યો સાથે ન કરૂં એ બાબતે સજાગ રહું છું.

આતો બધા વિચારો થયા. એને ને જીવન ની થોડું છેટું હોય છે. આમાંથી કેટલા અમલ માં મૂકી શકાય છે, જે નથી મૂકી શકતા એ માટે શું પ્રયાસ કરવા અને ન જ થાય ત્યારે કેમ કાબુ માં રહેવું એમાં આખું જીવન આવી જાય. હું તો આગળ કહ્યું એમ કોમન મેન છું. કોઈ સિદ્‌ધિ ઓ હાસલ નથી. નારીમાત્ર ની જેમ સંવેદનશીલ છું. જયારે દૈનિક કર્યો માંથી સમય ન મળે ત્યારે દુખ થાય. અન્ય વ્યક્તિઓના ગેરવર્તાવ થી પીડા પણ થાય. જયારે ઉપર જવાનું હોય ત્યારે ડર લાગે. અને સંઘર્ષ ની પરિસ્થિતિ સામે ઘણી વાર હથિયાર હેઠા પણ મૂકી દેવા પડે. અને તેર મણ નો પાણા જેવડો ઈગો તો ભેગો જ હોય. ચિનુ મોદી કહે છે તેમ

‘ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે .... થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી....’

પણ હા એક રહસ્ય એ પણ છે કે સંઘર્ષ કે તકલીફ શીખવે છે. ટાગોર સાહેબ કહેતા કે તકલીફો કે દુખ જો તમને ન મળી હોય તો તમારો જીવન નો પ્યાલો અધુરો છે. બસ દરેક તકલીફ માંથી શીખવાની અને એને સીડી નું પગથીયું બનાવવાની જરૂર હોય છે એવું મહાન લોકો કહે છે હું નહિ. હું તો ફરિયાદ કરૂં,ગુસ્સો કરૂં, અને પછી ભૂલી ને ફરીથી એક સૂર્યોદય જોઈને ખુશ થાઉં અને ફરી ચાલવા લાગુ.

હોલી આઈ હૈ

૫ વર્ષ ના કમલ ની મમ્મી કેલેન્ડર જોઈ રહી હતી. નોકરિયાતો અને તેમના પરિવાર વાળા સામાન્ય રીતે કેલેન્ડર બે કારણોથી જોતા હોય છે.એક તો રજાઓ શોધવા અને બીજું દૂધ નો કે છાપા નો હિસાબ મેઈન્ટેઈન કરવા. રજાઓ શેના માટે? બસ એમાજ તો એમને થોડું જીવવાનો મોકો મળતો હોય છે. તારીખીયું જોતા જોતા મમ્મી બોલી આ વખતે આપણી હોળી ગઈ. બાજુમાં ટેબલ નું ખાનું ખોલી ને તેમાનો કીચેઈન, ચાવીઓ, સ્ટેપલર, જૂની કંકોત્રીઓ નો ખજાનો ચુપ ચાપ ફંફોસી રહેલા કમલ ના કાન હોળી ના નામ પર ચમક્યા. હાથ માં નેલકટર સાથે તે તરત મમ્મી પાસે દોડયો.

‘મમ્મી હોલી આઈ હૈ?’

‘ સંક્રાંત ની રાજા પણ રવિવાર માં ગઈ અને આ વખતે ધૂળેટી પણ ગઈ’. મમ્મી હજી કેલેન્ડર થી જ વાતો કરતી હતી.

‘ મમ્મી કે ને.... હોલી આવશે?’ કમલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં ભણતો એટલે ‘હોળી’ બોલતા ન આવડતું.

‘વળી તે ડરોઅર ખોલ્યુંને?’ મમ્મી તાડૂકી. ‘નેલ કટર વાગી જશે તને હજાર વાર કહ્યું છે.’

‘હા પણ મમ્મી હોલી આવવાની છે?’

‘પેલા નેલ કટર ડરોઅર માં મુક તો જોઉં.’

કમલ દોડી ને મૂકી આવ્યો. એટલા માટે નહિ કે તે કહ્યાગરો હતો.પણ એટલા માટે કે તેને મમ્મી પાસે થી જવાબ જોઈતો હતો.

‘હવે તો કહીશ ને?’

‘ડરોઅર બંધ કોણ કરશે?’ આપણે આપણો સમાજ ટટળાવે અને આપણે આપણા બાળકો ને.

વળી તે દોડયો ને જોરથી ડરોઅર ને ધક્કો માર્યો.

‘હવે તો કે’

‘શું?’ આટલી જ સીરીઅસલી લઈએ છીએ આપણે બાળકો ની વાતોને.

‘અરે હોલી મમ્મી કેટલી વાર કહું?’

‘આવા જવાબ આપતા શીખવે છે તારી સ્કુલ માં? આજે જ આવું છું તારી સ્કુલ માં’

હવે આંસુડા આવ્યા..... સ્કુલ એટલે બાળક નું ભવિષ્ય સુધારવા વર્તમાન ની વાટ લગાવતી સંસ્થા. ખાસ તો ત્યારે જયારે બાળક નાનું હોય.

‘ના મમ્મી ના... ના જાજે. નહિ જાને? બોલ ને નહિ જાને સ્કુલ? બોલ ને....’

‘હવે ધ્યાન રાખજે બોલવામાં.

આંખમાં આંસુડા સાથે તે મસ્ત હસ્યો, રીલીફ સ્માઈલ. પણ માઈન્ડ માં એક પ્રશ્ન હશે.... ‘યે સાલા બોલવામાં ધ્યાન કૈસે રખા જાતા હોગા?’

‘હોલી ક્યારે આવશે કેને...’

‘આવતા રવિવારે...સન્ડેના...’

‘યેસ યેસ યેસ યેસ....હોલી...હોલી...હોલી.... સન્ડે એટલે કેટલા દિવસ પછી?’

‘એઈટ’

‘વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એઈટ....આવડા બધા નહિ...ટુ દિવસ પછી હો?પ્લીઝ મમ્મી. હું નેલ કટર નહિ અડું બસ? ટુ દિવસ પછી.ઓકે?’

હવે મમ્મી હસી.એટલે કમલ ની હિંમત થઈ એની પાસે જવા માટે. એને હસતી મમ્મી બહુજ ગમતી.પણ એ ક્યારેક જ હસતી.

‘બેટા એમ ન હોય. હોળી આવે ત્યારે જ આવે.’

આંખો ગોળ ગોળ ફેરવી ને પછી કમલે સ્વીકારી લીધું કે ટુ દિવસ પછી જુગાડ નહિ થાય. એઈટ દિવસો સ્વીકારવા જ પડશે.

‘તો ત્યાં સુધી આપણે શું કરશું?’

‘પિચકારી ગયા વર્ષ વાળી તૂટી ગઈ છે. પપ્પા ને તું બજાર માંથી નવી લઈ આવજો. અને કલર પણ.’

‘યસ યસ યસ’ કમલ દોડી ને આખા હોલ માં ગોળ ગોળ ચક્કર લગાવવા લાગ્યો.

‘મોટી પિચકારી બંદુક વાળી ઓરેન્જ કલર ની ને કલર પિંક ને ગ્રીન ને રેડ ને યેલ્લો પણ લઈશ. દીદી ને લગાવીશ ને મોન્ટુ ને તો આખો ભરી નાખીશ ગ્રીન કલરથી. અને એટલું બધું પાણી ભરી જઈશ શેરી માં કે ખલાસ જ ન થાય. બધા ગ્લાસ અને વાટકા ને ચમચીઓ પણ ભરી જઈશ.અને રાત સુધી બધા ને રંગી નાખીશ. કાકા ને, દાદી ને, માસી ને, બાબુ ને....આખી દુનિયા ને રંગી નાખીશ.અને સ્કુલ માં છુટ્ટી ટેન ડેઝ યે યે યે યે . અને અને અને જલેબી લાવજે હો.. લાવીશ ને મમ્મી?’ મમ્મી તો બીઝી એઝ યુંઝુઅલ.

‘હા.પણ એના માટે આજે તારે લેસન કરવું પડશે રાતે , અને ખીચડી માં નખરા ન કરજે સાંજે, અને ચ્યવનપ્રાશ માં મોઢું બગડતો નહિ પછી શરદી થઈ જાય છે અને...’ એક જલેબી અને કેટલી બધી શરતો.

‘પપ્પા ને હજી કેટલી વાર છે આવવાને?’

‘રોજ નાં ટાઈમે આવશે સાંજે. કદાચ લેટ પણ થાય.’

‘ફોન કરને ... મારે વાત કરવી છે. કરને ‘

‘તું લોહી ન પી હવે. પપ્પા ને કામ હોય અને મને પણ કામ છે અત્યારે.’ આપણે ઈમ્પોર્ટન્ટ લોકો અને અને આપણા કામો પણ ઈમ્પોર્ટન્ટ.

સાંજ સુધી તો ખુરશી ઢસેડી ને કબાટ માંથી રંગોળી ના રંગો શોધી કાઢ્‌યા. તૂટેલી પિચકારી પોતે આખા પલળી ને ધોઈ નાખી. ગંદી અડે તો તો મમ્મી વઢે ને. મમ્મી તો જો કે તોય લોશીજ.

‘કમલ બધું કેવું વેરી મુક્યું છે? આ ભંગાર પિચકારી ક્યાંથી ઉપાડી લાવ્યો? અને આખો પલળ્યો કેમ છે?’

‘હવે તૈયાર કરી દે પપ્પા આવશે સિક્સ ઉપર કાંટો આવશે એટલે.’ ભીના કમલ ને તૈયાર કરવો જ પડે એમ હતો. કમલ શુઝ પહેરી ને ગેટ પકડી ને ઉભો રહી ગયો. હર્ષ અને દર્શિની બોલાવવા આવ્યા રમવા માટે. તો બુમો પાડી ને કહેવા લાગ્યો. ‘મેં આજ પિચકારી લેને જાને વાલા હું. ઔર કલર ભી’. પછી ગેટ એક હાથે પકડી બીજા હાથ ની આંગળીઓ લેખવા લાગ્યો..’.પિંક,ગ્રીન,યલ્લો.. પપ્પા કે સાથ... બાઈક પે જાઉંગા..ખેલને નહિ આઉંગા.તુમ લોગ જાઓ.’ વેલ હર્ષ અને દર્શિની પણ ગુજરાતી જ હતા!

‘મુજેભી દેગા પિચકારી?’ હર્ષે પૂછ્‌યું.

‘નહિ.... .... ઠીક હૈ દુંગા પર તું મુજસે કિટ્ટી મત હોના કલ કે જૈસે.’

બીજા પાડોશી બાળકો ને પણ વગર પૂછી વધામણી આપવા લાગ્યો.પંદરેક મિનીટ ગેટ ને લટક્યા પછી તેના હાથ દુખવા લાગ્યા. એટલે આંગણ માં ફરવા લાગ્યો. કલર ના નામો યાદ કરતા કરતા. થોડી થોડી વારે ગેટ પર જોઈ આવતો, અંધારૂં થવા લાગ્યું. આસપાસ વાળા અંકલ ના બાઈક ની હેડ લાઈટ દેખાઈ નથી કે તે પપ્પા...પપ્પા કરતો દોડયો નથી. ફરી ભોંઠો પડી ને આંગણ માં ફરવા લાગે.

આખરે બાઈક આવ્યું. અને થાકેલા કમલ ના જીવ માં જીવ આવ્યો. ‘પપ્પા હાલો પિચકારી લેવા’ પપ્પા એ એને ધક્કો મારી ને બાઈક ઘર માં લીધું અને બરાડયા. ‘શું મગજમારી માંડી છે આવતા વેંત?’ ડરી ગયેલો કમલ બોલ્યો’મમ્મી એ પણ કીધું હતું કે લેવા જવાની છે... હોલી આવશે એઈટ ડેઝ પછી....’

‘વર્ષા.... શું છે આવતા વેંત?’ બોસ પીડિત પપ્પા વધુ જોર થી તાડૂક્યા અને અંદર તરફ ધસ્યા.

કમલ બહાર બેસી રહ્યો અંદર જવાની હિંમત ન થઈ. પિચકારી અને કલરો દુર જવા લાગ્યા... અને આંખ માં ફરી આંસુડા આવી ગયા...

પપ્પાએ ચા પીધી ગરમ ગરમ ‘અને આ બોસ લોહી ઉકાળે છે... પગાર હજુ થયો નથી ને કે છે રજા નહિ આપું હોળી ની.... હદ છે. આજે પણ બે કલાક એક્સ્ટ્રા કામ કરાવ્યું.અને અપમાન કરે વારે વારે એ અલગ. આ તો નોકરી છે કે નરક......’ ચા અંદર ગઈ. ઉભરો બહાર આવ્યો પછી યાદ આવ્યું કે કમલ ક્યાં? ભાઈ કમલ તો બહાર બેઠા બેઠા આંસુ સારી રહ્યા હતા. પપ્પા ને દેખી ને નારાજ થઈ ને મોઢું ફેરવી લીધું.

‘ કયા કયા કલર લેવા છે તારે?’ પપ્પા તેની બાજુમાં બેસી ગયા.

અને કમલ ની આંખો માં જ બધા રંગો દેખાવા લાગ્યા.

હેપ્પી હોલી.

“ખો ન જાયેં યે.... તારે ઝમીં પર!”

કચેરીઓ ના કર્મચારીઓ ના રૂટીન માં એક ઈન્ટરેસ્ટીંગ બાબત હોય છે ‘ચા’. ચા અથવા એના નામે મળતો બ્રેક જે કહો તે. ઓફિસો, બેંકો, ટ્રેન, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર માં ફરતા ચા વાળા એ એક બહુ કોમન દ્રશ્ય છે અને ઘણા ખરા ચા ના ફેરિયાઓ કટિંગ ચા ની જેમ પોતે પણ કટિંગ એટલે કે નાના બચ્ચા હોય છે. આવો જ એક કટિંગ મારી ઓફીસ માં આવતો. ટૂંકા કપડા, વધી ગયેલા વાળ, હાથ માં ચા નું થર્મોસ ને બીજા હાથમાં ડિસ્પોઝેબલ કપ. એના કપડા જેમ એની બુધ્ધી પણ થોડી ટૂંકી હતી. કેટલા કપ ચા થઈ એ લેખતા બરોબર ફાવે નહિ. રૂપિયા એક વાર માંગે ને પછી ઉભો ઉભો રાહ જોવે. બીજી વાર માંગતા એને ન આવડે. જે માંગે એ બધા ને ચા આપે. પણ જો એને એમ કહીએ કે આ ચાર જણા ને ચા આપી ને બીજા રૂમ માં આવજે તો એને સમજ ન પડે. એવડું લાંબુ સોફ્ટવેર એના મગજ માં ફીડ જ થયેલું ન હોતું. બધા ચા પીવે. કોક એને મૂરખ કહે તો કોક મગજ વગરનો. કોક કહે લબાચો તો કોક ગાળ આપી ને બોલાવે. કોક પૈસા આપે તો કોક ૫ રૂપિયા ગુપચાવી ને ઉલ્લુ બનાવ્યા નો આનંદ લે. અને ક્યારેક તો નવરા માણસો એને બોલાવી ને ‘જા પેલા પાસેથી રૂપિયા લઈ લે ને ઓલા પાસેથી રૂપિયા લઈ લે’ કરીને અડધો પોણો કલાક ફ્રી માં ટાઈમપાસ કરી લે. પછી રૂપિયા આપે કે નહિ એ ખબર નથી. કોક એને ઉપર નીચે અમસ્તા ધક્કા ખવડાવી ને મજા લે. આ એ જ ઉજળા સમાજ ના લોકો ની વાત છે જે એમના સાહેબો કે સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકો પાસે નમી નમી ને સૌજન્ય પૂર્વક ની સારી વાતો કરે અને પોતાના જ્જ્ઞાન નું કે ધાર્મિકતા નું પ્રદર્શન કરતા હોય છે. આ એ જ પિતાઓ અને માતાઓ હતા જે પોતાના બાળકોના પડયા બોલ ઝીલતા હોય છે....

આવી જ અને આનાથી ઘણી જ બદતર હાલત ભારત ના હજારો લાખો બાળકો ની છે. ગરીબી કે દરિદ્રતા ની આપણી વ્યાખ્યા આપણા જેવી રૂપાળી, પોશ અને સભ્ય હોય છે. આસપાસ ના બાળકો ને મેં એક વાર પૂછ્‌યું કે ગરીબ એટલે શું? તો એક કહે કે એલોકો ને જમવામાં બંને ટાઈમ રોટલી શાક જ મળે... ઢોસા ને પંજાબી ને એવું ન મળે. બીજું કહે એલોકો ને પ્લેઈન દૂધ જ મળે બોર્નવીટા ન હોય એમાં! ત્રીજું કહે એમની કાર અને બાઈક પણ જુના હોય અને રમકડા પણ જુના હોય... આપણી વ્યાખ્યાઓ પણ આવી જ સુંદર ગરીબી ની હોય છે. પણ ગરીબી તો ગલીચ, મતલબી , કડવી અને સખ્ખત હોય છે પથ્થર જેવી. જેમ કાદવ માં કમળ તો ભાગ્યે જ જોવા મળે બાકી લીલ અને વાસ મારતી જીવડા વાળી ફૂગ ઉગી નીકળે એમજ ઉગી નીકળે છે માણસો માં વિકૃતિઓ. કોઈ વિચાર નહિ, કોઈ મોરલ નહિ, કઈ સારૂં કે ખરાબ નહિ બસ ભૂખ અને પ્રાથમિક જરૂરતો પૂરી કરવાના હવાતિયા.

દરેક ના જીવન નો યાદગાર સમય પૂછો અને જો એ વ્યક્તિ માતા કે પિતા બન્યો હશે, તો એ સમય હશે એના બાળક ને જોવાનો, રમાડવાનો સમય. પણ એ ફક્ત પોતાના બાળક પુરતો જ સીમિત છે. એ નો વ્યાપ વધી ને ભત્રીજા, ભાણેજ કે પાડોશી ના બાળક પુરતો પહોચે છે. એની આગળ વાઈ ફાઈ નું નેટ વર્ક પહોચતું નથી. મજુરો, ગણોતીયાઓ જે લોકોની રોજ ની આવક પરિવાર ની રોટલી ના ખર્ચા ના સરવાળા જેટલી નથી થતી એમના ફૂલ જેવાં બાળકો રસ્તે રઝળતા ધૂલ કે ફૂલ થઈ જાય. અને દુનિયા ની સૌથી ભૂંડી પીડા ભૂખ ને નાથવા આ ક્રુર વિશ્વ માં નીકળી પડે છે. અને એને રોટલો આપવા માટે આપણા ધનવાનો એમની પસેથીયે કામ લે છે. શેઈમ શેઈમ.....૧૦-૧૨ કલાક કામ ના બદલા માં ચપટીભર પગાર. એમના નાનકડા હાથ ખોખા ઉપાડવા માં ભૂલ કરે તો માર પડે. અને એલોકો ક્યાં સ્કુલ ગયા છે કે ગણતરી આવડે? કોક દી પૂરો પગાર તો કોક દી ઓછો. અને ઝેરીલા રસાયણો વાળી કંપની માં પુખ્ત ભણેલા ગણેલાઓ ને રાખીએ તો તો ક્યારેક એ ફરિયાદ કરી ને આ ધંધો બંધ કરાવે. બાળકો તો ભોળા હોય. એમની પાસે કરાવી લેવાય. એમની વાતો આમેય ક્યાં કોઈ સાંભળવાનું છે..... અંધા, બહેરા, લંગડા થઈ જાય તો એમના નસીબ... આપણી કંપની ને તો ચાંદી ..... સરકાર પાસે બધા ડીપાર્ટમેન્ટ છે... બધા કાયદા છે બધા નેતાઓ છે .... બધા અધિકારીઓ છે..... હા હા હા હા....

નાનકડી ચા ની કે બુટ ચંપલ ની દુકાન થી માંડી ને મોટી કંપનીઓ સુધીના ઓ ને બાળ મજુરો જોઈએ છે. સસ્તા, ધમકાવી કે મારી શકાય અને નુકસાન થાય નાનું મોટું તો ઉહાપોહ ન થાય....દાંત ભીડાઈ ગયા ને ધૃણા થી? હજી તો બહુ સારી વાતો થાય છે, અત્યંત નીચ વાત પર આવવાનું બાકી છે ચાઈલ્ડ પ્રોસટીટ્‌યુશન....... યસ. આ વાત કાઈ નવી નથી. કુમળા ફૂલો ની સાથે... કરવા વાળા બીપ બીપ બીપ બીપ મહાનુભાવો આપણી વચ્ચે જ અપ ટુ ડેટ થઈ ને ફરે છે, મંદિર, મસ્જીદ, દેવળો માં પૂજા પાઠ કરે છે અને અદભૂત વાતો ના વડા ઉતારે છે....

થોડા સમય પહેલા મારા પરિચય માં એક યુવતી કિશોરી આવી હતી. જેને અમારા રસ ના વિષયો હતા કલર્સ. ડરેસિંગ, હરવું ફરવું.... પણ એને બસ જાને શેમાય રસ નહોતો. અત્યંત ડેલીકેટ એવી એ યુવતી વિવાહ ની વાત જ કરવા માગતી નહોતી એટલે એના પરિવારજનો અકળાતા અને અન્ય પરિણીત કન્યાઓ ને એને સમજાવવાનું કહેતા. એક નાજુક પળમાં એણે કરેલી વાત માં એના ફર્સ્ટ કઝિને એના બાળપણ માં એની સાથે નિયમિત રીતે કરેલી એવી હરકતો વિષે વાત કરેલી જેને કહેવા લખવા કે ફરી યાદ કરવાનું સામર્થ્ય મારામાં નથી.... અત્યારે એનો કઝીન બે બાળકો નો પિતા છે અને આની ઝીંદગી ઝૂંટવાઈ ગઈ છે.....

આવા સડેલા, ગલીચ અને પીડોફીલીક લોકો ની કેટેગરી માં અનેક સેલીબ્રીટીઝ પણ છે. છેક ચારેક દાયકા પૂર્વે લખાયલી ઓલ ટાઈમ ક્લાસિક ‘ગોડ ફાધર’ માં એક પ્રખ્યાત ડાયરેક્ટર આવો પીડોફીલીક હતો અને સુંદર બાળકીઓ ને આવો વ્યવસાય કરાવવામાં બાળકીની માતા જ સહાય કરતી...આ આર્ટીકલ લખવું મારા માટે અત્યાર સુધી નું સૌથી મુશ્કેલ કાર્ય રહ્યું છે. આવું વિચારવા અને લખતા મને દિવસો નહિ રાતો લાગી છે. ડીપ્રેસિંગ નાઈટ્‌સ. એક આખે આખું પુસ્તક આવી કેટલીય ગોબરી વાસ્તવિકતાઓ નો રાફડો ખોલે છે. પણ એમાં સુંદરતા ય છે. પ્રેમ ની સુંદરતા, દયાળુપણા ની સુંદરતા. અને એની ખૂબી એ છે કે કોક આવી ઘટનાઓ ના સાક્ષી એવા અનુભવી પરિપક્વ વ્યક્તિ ની આ સ્ટોરી નથી પણ એક ફ્રેશ એન્જીનીયરનું એ પહેલું પુસ્તક છે. હેટ્‌સ ઓફ જીતેશ દોંગા.

આપણા ગુજરાતી પ્રાઈડ ઈ બૂક એ પ્રસિદ્ધ કરેલું એક યુવા લેખક જીતેશ દોંગા નું પુસ્તક ‘વિશ્વ માનવ’ ની હાર્ડકોપી હમણાં વાંચી. બુક ને કેટલા માર્ક્સ આપવા કે એમાં શું કરવું જોઈતું હતું વધુમાં એ બાબતે લખવું એ મારો વિષય નથી. પણ પુસ્તક હૃદય માં ક્યાંક સ્પર્શે છે મતલબ કે હૃદય થી લખાયું હશે એ નક્કી. પુસ્તક વાંચી ને મજા આવી ગઈ એમ કહેવું એ કોક ના આઘાતજનક સમાચાર ફેસબુક વોલ પર વાંચી ને લાઈક કરવા જેવું કામ છે. યસ એમાં મજા આવે એવું ઓછું અને સહન કરવું પડે એવું વધારે છે. નોટ ક્રિટીકલી.... હે હે હે.... પણ એના કન્ટેન્ટ માં એક વાસ્તવિક ડાર્કનેસ છે. કડવાશ છે. થુંકી નાખવાનું મન થાય એવી હકીકત બિન્દાસ્ત કાગળ પર લીધી છે અને તે પણ પોતાના પહેલા જ પુસ્તક માં એક યંગસ્ટરે કરેલું પરાક્રમ છે એટલે હેટ્‌સ ઓફ.

જો મને એક આર્ટીકલ લખવામાં એક ફૂલ સાથેની દુર્ઘટના ને વાચા આપવા માં આટલી તકલીફ પડી તો જીતેશે આ પુસ્તક લખવા માટે શું ફેસ કર્યું હશે એ દિવસો અને મહિનાઓની પીડા, હતાશા, સ્ટ્રેસ નું મીટર લગાવ્યું હોય તો પીક પર કાંટો આવી ગયો હશે. તો જે લોકો આવી ઝીંદગી જીવતા હશે એમની હાલત કેવી હશે? એલોકો પેલા ચા વાળા બચ્ચા જેમ અર્ધ મગજ ના કે ખરાબ ભાષા માં ગાંડા કે પછી ક્રિમીનલ કે વિકૃત જ બની શકે. કારણકે એમના જીવનમાં કોઈ આશા, આનંદ, ઉમંગ જેવી કોઈ સુખદ અનુભૂતિ હોતી જ નથી. આ અનુભૂતિઓ જ આપણે ડાહ્યા બનાવી રાખવા માટે જવાબદાર છે....આવા લોકો ના જીવન માં આશા પુરવાનું એમનું બચપણ બચાવવાનું કામ એક વીરલો મહિનાઓ કે વર્ષો નહિ પણ દાયકાઓથી કરે છે. અને સુખદ યોગાનુયોગ એ છે કે એ પણ એક એન્જીનીયર છે જેણે લાખોની આવક, ગ્લેમરસ લાઈફ ને હડસેલીને જીવન બાળકોને બચાવવા માટે ખરચી દીધું છે. એ દૂત નું નામ આપણે છેક એને નોબેલ મળ્યા પછીજ ઓળખ્યા છીએ. એ છે કૈલાશ સત્યાર્થી.

ખરૂં નામ કૈલાશ શર્મા ધરાવતા આ મહાપુરૂષ નો જન્મ ૧૧ જાન્યુઆરી ના વિધીશા એમ.પી. ખાતે થયેલો. આ ૬૦ વર્ષીય યોદ્ધા એ અત્યાર સુધી ૫૦, ૧૦૦ કે દોઢસો નહિ પણ પુરા દસ હજાર બાળકો ને આવા દોજખ માંથી ઉગાર્યા છે. બાળકોને નોકરી આપનારી કાર્પેટ બનાવનારી કંપનીઓ કે હીરા ના કારખાના કે પછી ફૂટબોલ બનાવવાની ફેકટરીઓ સામે અહિંસક અવાજ ઉઠાવી ને બાળકો ને ફક્ત બહાર જ નથી કાઢ્‌યા પરંતુ શાળા એ જતા કર્યા છે. અને આવું ન કરવા માટે તેને અનેક વાર જીવ થી મારી નાખવાની ધમકીઓ મળી છે!!!! રાજસ્થાન માં પથ્થરો ની ખાણ માંથી બાળકો ને ઉગારવા ગયા ત્યારે એમને બુરી રીતે ઘાયલ પણ થવું પડેલું. અને યુવા જીવન અને પ્રોમિસિંગ હેપનિંગ લાઈફ ના પુરા ૩૦ વર્ષ એટલે જીવન નો સૌથી કીમતી સમય તેમણે આ કાર્ય માં આપ્યો છે. બ્રાવો. મેન ઓફ કરેજ.

દુનિયા ના મહાનતમ પારિતોષ્િાક મેળવતી પહેલા ની સ્પીચ માં એમણે શું કહ્યું ખબર છે? કઈ જ નહિ એમણે સ્પીચ આપવાનો એમ કહી ણે ઈનકાર કરી દીધો કે હું મૌન દ્વારા બાળકો ની ચીસો અને રૂદનને રીપ્રેઝેન્ટ કરૂં છું..... સાચે અદભૂત.... મધર ટેરેસા ની હાર માં બેસવા વાળા બીજા ભારતીયને શત શત પ્રણામ.

ટીન... ટીન

આવી એક કોમિક સ્ટ્રીપ આવતી બાળપણ માં યાદ છે? મને તો યાદ નથી કેમકે હું તો ચંપક વાંચતી. હે...હે...હે... વેલ અત્યારે વાત એ ટીન ટીન ની નહિ પણ આપણા ટીનેજર્સ મિત્રો ની છે. બાળપણ અને યુવાની ની વચ્ચે ની અવસ્થા ને એક આખું નવું પરિમાણ આપ્યું છે આપણા ટીનેજર મિત્રો એ. એક નિરાલી રંગીન દુનિયા ના સભ્યો છે આપણા ટીનેજર્સ. આપણું ભવિષ્ય. આ મિત્રો શું વિચારે છે, શું ઈચ્છે છે સમાજ પાસેથી, કેવી ઝીંદગી એમને પસંદ છે કેવો વર્તમાન એમણે પસંદ છે અને કેવી આવતી કાલ બનાવવા ઈચ્છે છે એ એમના જ શબ્દો માં જાણીએ.

આર્કિટેક્ટ ની તેજસ્વી વિદ્યાર્થીની સલોની કહે છે કે એમને સ્વતંત્રતા ગમે છે. એ ઈચ્છે છે કે જીવન ના તથ્યો એ જાતે શોધે...એના માટે એ જોખમો લેવા પણ તૈયાર છે. પણ સાથે જ એ એમ પણ કહે છે કે આ સ્વતંત્રતા નો અર્થ એ નહિ કે એ એના માતા પિતા ને કે વડીલોને ગણકારવાનું છોડી દે. એને હજુ મમ્મી સાથે શોપિંગ કરવા જવાનું અને પપ્પા પાસે આઈસ્ક્રીમ મગાવવાની મજા આવે છે. જયારે ટીનેજર્સ અન્ય લોકો સાથે ઉદ્ધતાઈ થી વર્તે છે ત્યારે એને દુખ થાય છે. એને હીંસક બનાવો અને ગુનાહિત બનાવો પસંદ નથી.

સલોની ના મતે એને તથા તેના મિત્રો ને પોતાની અલગ પહેચાન હોય એ પસંદ છે. પણ સાથે એમને સરળ રસ્તાઓ પસંદ છે. વધુ પડતો સંઘર્ષ એ લોકો ચોઈસ કરતા નથી. એ સ્વીકારે છે કે એક ટેન્ડર એજ માં ભણતર માટે એલોકો ને મળતી સ્વતંત્રતા એમને એક લપસણા પડાવ પર ઉભા રાખે છે. જ્યાં સમતોલન જાળવવું પડે છે. પણ ટીનેજર્સ હકારાત્મક અને મહત્વાકાંક્ષી છે જેને લીધે એમના લક્ષ્ય પર ધ્યાન આપે છે. એમના થી કોઈ ગેરવર્તન થઈ જાય તો એમને પસ્તાવો થાય છે.

બળાત્કાર ના ઘ્રૃણાસ્પદ કિસ્સાઓ થી એમણે ખુબ ખેદ અને તકલીફ પહોચે છે.

આજે જયારે માતાપિતા પુત્રીઓ ને પણ શિક્ષણ માં સમાન તક આપવા તૈયાર થયા છે ત્યારે પુત્રીઓ ને પણ લાઈફ માં પોતાનું કરીઅર સેટ કરવાની સ્વાભાવિક ઈચ્છા ધરાવે છે.

વેલ સલોની અને એના મિત્રો ફેશન બાબતે પણ એકદમ જાગૃત છે. જયારે મિત્રો સાથે વાતો કરવાનો સમય મળે ત્યારે લેટેસ્ટ ફેશન, ડરેસીસ, એસેસરીઝ , કોસ્મેટીક્સ એ બધું અને એ એના કોઈ સારા સ્ટોર બાબતે વાત કરવાનું એમને પસંદ છે. એમને સારી નોકરી કે ધંધા ઉપરાંત જીંદગી એન્જોય પણ કરવી છે. થોડો સમય પોતાના શોખ માટે રોજીંદા ફાળવી શકાય એવી પ્રવૃત્તિ એ કરવા માંગે છે.

તેમને કેવો પરિવાર અને સમાજ ગમે એવા પ્રશ્ન નો જવાબ પણ બહુ રસપ્રદ છે. એમને માતાપિતા પાસેથી સ્પેસ અને ફ્રીડમ જોઈએ છે. પણ સાથે તેઓ એવું નથી ઈચ્છતા કે માતા પિતા તેમને ફક્ત ફાઈનાન્સ કરે. તેઓ ઈચ્છે છે કે માતા પિતા પણ એમના નિર્ણયો માં એમની ઊંંચ નીચ ના સમય માં ઈન્વોલ્વ થાય. અને પોતાના કરીઅર માં મળતી સફળતાનું શ્રેય પણ પોતાના માતાપિતા ને આપે છે.એક બીજી રસપ્રદ બાબત એ છે કે જેમ જોક્સ માં આપણે વાંચતા કે સંભાળતા હોઈએ છીએ તેનાથી વિપરીત તથ્ય એ છે કે કન્યાઓ આર્થ્િાક રીતે સ્વતંત્ર રહેવા માંગે છે. પોતાના ખર્ચા માટે માતા પિતા કે ભવિષ્ય માં પણ તેઓ કુટુંબ પર આધારિત રહેવા માંગતા નથી.

આતો થઈ છોકરીઓ ની વાત. હમણાં જ ટીનેજ માંથી બહાર આવેલા એન્જીનીયર લેખક જીતેશ દોંગા કહે છે કે છોકરાઓ ને તો ફ્રી સમય માં રખડવાનું ગમે. જગ્યા ડઝ નોટ મેટર. એને પોતાની પેશન નું કામ કરવાનું જ ગમે પણ એના માટે એને પુરતી કદર અને કીમત પણ જોઈએ. એક સારી લાઈફ જીવવા જેટલી આવક પણ જોઈએ. ગુજરાતી પ્રજા જયારે પોતાની ભાષા ના સારા પુસ્તકો માટે સમય કે રૂપિયા ફાળવવા માં પાછી પડે છે ત્યારે એને નિરાશા થાય છે.

એન્જીનીઅરીંગ કોલેજ ના યુવા પ્રાધ્યાપક પ્રો. હયાતી રૂપાણી કહે છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માં આવતા ઘણા વિદ્યાર્થીઓમાં કરીઅર કે કન્ટેન્ટ માટેની ગંભીરતા નો અભાવ જોવા મળે છે. કેટલાક તરૂણો અતિ સંવેદનશીલ રીએક્ટ કરે છે જેને લીધે સામાન્ય સમસ્યાઓ ને ગંભીર સ્વરૂપ આપી દે છે અને દુર્ઘટનાઓ સર્જે છે.

આવું થવા માટે કદાચ તેમની ઉમર જવાબદાર છે. હોર્મોન્સ માં થતા ફેરફારો ને લીધે સર્જાતી વિચિત્ર માનસિક સ્થિતિ આવા પગલાઓ માટે જવાબદાર હોતી હોય છે.

અને હા રહી ભણતર અને કરીઅર ની વાત તો ભણતર પ્રત્યે નો કમર્શિઅલ અભિગમ સમાજ માટે ખતરનાક નીવડી શકે. કયા કોર્સ માં જવું અને કેવી કોલેજ માં જવું એ બાળક ના રસ, કેપેસીટી અને માતા પિતા ના ખિસ્સા પર આધાર રાખે ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. પણ ફક્ત ખિસ્સા થી અને ખિસ્સા માટે નું ભણતર જબરજસ્ત નુકસાન કરી શકે.

બાકી રહી આ તરૂણો ના વિચારોની વાત. તો એમની ડિમાન્ડ જેન્યુઈન છે. કેટલીક બાબતો કદાચ પરમ્પરા ને કે આપણી લોકલ સોસાયટી સાથે બંધ બેસતા ન આવે એવું શક્ય છે. પણ જો એમાં કોઈ બદ ઈરાદો ન હોય ત્યાં સુધી એમને શક્ય તેટલો સહકાર આપી શકાય.

માત્ર શીખવવું એ પેરેન્ટિંગ નથી, એ ટુ વે પ્રોસેસ છે. શીખવવા જેટલું જ શીખવાનું છે. જેટલો આદર જોઈએ છે એટલો જ આપવાનો પણ છે. એમના વિચારો ને અને ઈચ્છાઓ ને અને એમની ચોઈસ ને....

હોસલા હો બુલંદ....

આ વખતે કરીએ કેટલાક આપણી વચ્ચેના લોખંડી ઈરાદાઓ ધરાવતા યુવાનો ની વાત જેમણે જાતે પોતાના રસ્તા પસંદ કર્યા, જાતે એના પર ચાલ્યા, જાતે મુશ્કેલીઓનો સામનો કર્યો અને બન્યા અચીવર્સ...એમની વાતો માંથી આપણે શોધીશું કેટલીક ચાવીઓ જે લાગુ પડતી હશે આપણા તાળાઓ ને પણ...યસ એ તાળાઓ જે આપણા સફર માં આવી ને યા તો આપણે અટકાવી દે છે યા તો આપણી દિશા બદલી નાખે છે . હવે મારા મોઢે કે કલમે કશું નહિ.... સીધા જીએ આપણા પહેલા અચીવર તરફ...

કેના ધોળકિયા

* વોલીબોલ ના રાષ્ટ્રીય ખેલાડી.

* ૨૭ રાષ્ટ્રીય અને ૧૦ આંતર રાષ્ટ્રીય મેચીસ.

* વર્લ્ડ યુનિવર્સીટીઝ વોલીબોલ ટુર્નામેન્ટ માં ભારતીય યુનીવર્સીટી ટીમ ના કેપ્ટન.

* સ્પોર્ટ્‌સ ઓથોરીટી ઓફ ગુજરાત ના હોદ્દેદાર અને સી બી એસ ઈ ક્લસ્ટર ના ઓબ્ઝર્વર.

* ગુજરાત સ્ટેટ અસોસિઅશન ફોર વીમેન માં રાજ્ય કક્ષા ના ખેલાડીઓ ના સિલેક્ટર.

* જયદીપ સિહ બારિયા એવાર્ડ, ક્ચ્છ ક્વીન એવાર્ડ તથા રમતવીર તેમજ અન્ય અનેક એવાર્ડસ ના વિજેતા

હાલે સ્પોર્ટ્‌સ કોચ તરીકે ફરજ બજાવતા કેના એક ઉમદા, ખેલદિલ,ખુશ મિજાજ વ્યક્તિત્વ છે. શિક્ષક માતા પિતા ના પુત્રી કેના ના બહેન ખેવના પણ રાજ્ય કક્ષા ના વોલીબોલ ના ખેલાડી રહી ચુક્યા છે. એમને ગ્રાઉન્ડ પર રમતા જોવા એ એક લહાવો છે. એમને એમનું પેશન કઈ રીતે મળ્યું? એમના ટેલેન્ટ વિષે કઈ રીતે પરચો મળ્યો એ બહુ ક્યુટ કહાની છે.

કેના કહે છે કે પ્રાથમિક શાળા માં દેડકા દોડ માં એક વખત પહેલો નંબર આવેલો ત્યારે ઈનામ માં રેકેટ નો સેટ મળેલો. અને એના પર હાથ અજમાવ્યો ત્યારે ખબર પડી કે આતો આપણ ને ફાવે એવું કામ છે. આમાંતો મજા પડે. એનાથી ટેબલ ટેનીસ રમતા શીખ્યા અને ઘર થી નજીક જ આવેલા જીમખાનામાં દરરોજ રમવા જતા. ત્યાના કોચ ને ખ્યાલ આવ્યો કે કેના તો સ્ટ્રોંગ પ્લેયર છે. આ રીતે ટેબલ ટેનીસ તેમની મધર ગેમ હતી.

આ હતી ચાવી નંબર એક. આપણે આપણા પેશન ની અચાનક ક્યારેક પરિચય થાય છે. કેમ થાય, ક્યારે થાય, કઈ રીતે થાય એ લાઈફ અને ડિવાઈન પર આધાર રાખે છે. જસ્ટ એને ઓળખી કાઢવો પડે નહીતો તુલસીદાસ ચંદન ઘસતા રહે અને રામ તિલક કરાવી ને નીકળી જાય.હા હા હા...

સમય જતા ભણતર ભારી થવા લાગ્યું. અને ટેબલ ટેનીસ માં આગળ વધવા ખુબ પ્રેક્ટીસ ની જરૂર રહેતી. જેથી ધીરે ધીરે ટેબલ ટેનીસ છોડવું પડયું. પણ કહે છે ને ક્યારેક કોઈ અંત કોઈ શરૂઆત હોય છે. બસ એ જ રીતે એક દિવસ હાઈસ્કુલ માં સ્પોર્ટ્‌સ ના પીરીયડ દરમિયાન એમના કોચે જોયું કે કેના બહુ સારી ફિટનેસ ધરાવે છે અને સ્પોર્ટ્‌સ માં પ્રતિભા ધરાવે છે. આથી એમણે કેના ને વોલીબોલ રમવા પ્રોત્સાહિત કર્યા. અને સમજાવ્યું કે આમાં કોઈ ખાસ કોચિંગ કે પ્રેક્ટીસ વિના શાળા માં જ માર્ગદર્‌શન અને પ્રેક્ટીસ થી એ આગળ જી શકે એમ છે. અને પછી સીધું એન્જીન આવ્યું પાટા પર. પુરપાટ દોડવા માટે.

કેના ના માતા એક ઉમદા, હોશિયાર અને નામનાપ્રાપ્ત જીવ-વિજ્જ્ઞાન ના શિક્ષિકા રહી ચુક્યા છે. એમની સ્વાભાવિક ઈચ્છા કેના ને વિજ્જ્ઞાન પ્રવાહ માં ભણાવવાની હતી. પણ ધીરે ધીરે એ સમજી ચુક્યા હતા કે કેના નું પેશન સ્પોર્ટ્‌સ છે. અને એમણે સામેથી કેના ને તેના પેશન ની દિશા માં જવા ની છૂટ આપી. નહિ કે ઠોકી બેસાડી ને અભ્યાસ કરાવ્યો અને ન એને કન્યા હોવાનો છોછ અનુભવ કરાવ્યો. કોઈ વ્યાખ્યા આપવી હોય ને તો આને જ કહેવાય ‘સપોર્ટ’.

અને આ હતી ચાવી નંબર બે. પણ એ લાગુ પડે છે વાલીઓ ને તેમ છતાં તાળું ખુલે તો રસ્તો બાળક નો સરળ થાય છે.

વેલ સો બાયોલોજી,કેમેસ્ટ્રી અને ફીઝીક્સ ની જગ્યા હવે વોલોબોલ, કીટબેગ અને ટ્રેકસુટે લીધી અને શરૂ થયો સફર... શાળા કક્ષાની મેચ માંથી જીલ્લા કક્ષાએ અને ત્યાંથી રાજ્ય કક્ષાએ ધડાધડ સિલેકશન થતું ગયું. જેમ મેં કહ્યું તેમ એમને રમતા જોવા એ એક લહાવો છે. રાજ્ય કક્ષાએ થી તેમની વરણી વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા એ જોધપુર ખાતેથી રાષ્ટ્રીય કક્ષાએ કરી અને આપણા કેના બની ગયા સ્ટાર. એમનો ફર્સ્ટ નેશનલ કેમ્પ હતો નેતાજી સુભાષચન્દ્ર સ્ટેડીયમ કલકત્તા ઓહ સોરી કોલકોતા ખાતે. અને આટલા સફર દરમિયાન એમની ઉમર કેટલી હશે? ફક્ત તેર વર્ષ. અને આ સફર માં કેના આ યશ ના પૂરેપુરા ભાગીદાર એમના સ્પોર્ટ્‌સ કોચ અહેમદ શેખ સાહેબ ને લેખાવે છે. એમની ભરપુર મહેનત અને કેના ના ઉત્સાહ ભર્યા પ્રતિસાદ વગર આ બધું શક્ય નહોતું.

આ દરમિયાન તેમનો અભ્યાસ ચાલુ હતો. એમણે જયારે પૂછ્‌યું કે રમત ગમત માં આગળ સતત પ્રવૃત રહેવાને લીધે અભ્યાસ માં તકલીફ નહોતી પડી? ત્યારે એમણે કહ્યું કે “ મારો અભ્યાસ પ્રત્યે નો અને ગેમ પ્રત્યેનો અભિગમ અત્યંત ઈઝી હતો જેને લીધે મને વધુ સંઘર્ષ કરવો ન પડતો.

ક્લિક થયું? ચાવી નંબર ત્રણ આવી ગઈ. ટેક ઈટ ઈઝી. સાલું મને ઘણી વાર વિચાર આવતો કે મને તદ્દન સામાન્ય દૈનિક કામ નો આવડો સ્ટ્રેસ થઈ જાય છે તો બરાક ઓબામાં તો ગુજરી જવા જોઈએ, આખી દુનિયાની તાણ ના માર્યા.... આનો જવાબ આમાં આવી ગયો.

જયારે એમને પૂછ્‌યું કે કન્યા હોવાના કારણે તમને ક્યાય સામાજિક મુશ્કેલીઓ નડેલી? આના ઉત્તર માં એમણે કહ્યું કે હા ક્યારેક, પણ જો તમે મજબુત હો તો કશો વાંધો ના આવે. મજબુત ઈરાદો એ ચાવી નંબર ચાર.

હવે આ તરફ એક જુવાળ ઉભો થયો.એમની માતૃભૂમિ કચ્છ માં કેના ને પગલે વોલીબોલ તરફ ખેલાડીઓ નો રસ વધવા લાગ્યો. કચ્છ જીલ્લા ની અન્ડર ૧૪ અને જુનીઅર વીમેન ટીમો નો આંતર જીલ્લા કક્ષા એ દબદબો બોલવા લાગ્યો. ટીમ ધીરે ધીરે એક ચમકતી સબળ અને ચેમ્પિયન ટીમ બનવા લાગી. ધીસ ઈસ હાઉ વન પર્સન ચેન્જીસ ધ સિનેરિયો....

રાષ્ટ્રીય કક્ષાની લગભગ ૨૭ ટુર્નામેન્ટ રમેલા કેના જયારે સ્કુલ નેશનલમાં પતિયાલા ખાતે રમી રહ્યા હતા ત્યારે તેમની પસંદગી રાષ્ટ્ર્‌રીય ટીમ ના સંભવિત ખેલાડી તરીકે થઈ.

હવે થોભો ... આ બધું એટલું ગ્લોસી નથી જેટલું દેખાય છે. સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એમણે સતત રોજના ઓછા માં ઓછા ૮ કલાક કમરતોડ પ્રેક્ટીસ કરવી પડતી. કોઈ પણ સીઝન માં અને કોઈ પણ સંજોગોમાં. અને કેના એમના આગવા મિજાજ માં હસતા હસતા કહે છે કે તમને તો ખબર જ હશે કે સ્પોર્ટ્‌સ માં આપણે ગુજરાતીઓ કેવા છીએ... બસ એ જ વાત સતત એમને નડતી રહી. ગુજરાતી ની ટીમ માં પસંદગી ઘણા ને ખટકતી.એક અદભૂત ખેલાડી હોવા છતાં એમની પસંદગી સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ માટે કરવામાં ન આવી.

ઈન્ટરવ્યુ ના આ તબક્કે મેં એમને પૂછ્‌યું કે આવા અનુભવે તમને હતાશ ન કર્યા? તમે પાછા વળવા જેવા વિચાર ન આવ્યા? આના ઉત્તર માં એમણે જે સરળ જવાબ આપ્યો એ જ એમન આ કક્ષા એ લઈ જવા માટે જવાબદાર છે. “ હતાશા ચોક્કસ થઈ હ્વેં ૈં ુટ્ઠજ ઙ્ઘીીંદ્બિૈહીઙ્ઘ ર્ુંટ્ઠઙ્ઘિજ દ્બઅર્ ુિા. ” અને યેસ એમની મક્કમતા અને પ્રખરતા જ્ન્યુઈન હશે એટલે ત્યાર પછી અનેક ઈન્ટર નેશનલ ગેમ્સ માં એક ‘ગુજ્જુ’ પ્રથમ વખત સિલેક્ટ થયા અને રમ્યા. અને સાથે એ ઉમેરે છે , “ આજે પણ લોકો ગુજરાત નંબર ૪ ને યાદ કરે છે.” તાળીઓ...

આ હતો અભિગમ અને મહેનત . એટલે ચાવી નહિ ચાવીઓનો ગુચ્છો.

આ અદભૂત પ્રજ્વલિત સફર ના કોઈ યાદગાર અનુભવ પૂછતાં તે કહે છે કે ભારત શ્રીલંકા સીરીઝ માટે ભારત ના ૪૦ સૌથી મજબુત ખેલાડીઓ માંથી જયારે સિલેકશન થવાનું હતું ત્યારે કેના એમાં પસંદ થયા અને સીરીઝ ની પાંચે પાંચ મેચ ભારત જીત્યું. કાશ આપણે ક્રિકેટ સિવાય ની ગેમ્સ પણ જોતા હોત..... ફેડરેશન કપ માં કાંસ્ય પદક ને પણ એ યાદગાર ગણે છે. અને થાઈલેન્ડ ખાતે ઓસ્ટ્રેલીયા ની ટીમ ને હરાવેલી એ પણ એક યાદગાર મેચ હતી.

અત્યારે પણ રમત ગમત ક્ષેત્રે પ્રવૃત કેના ને જયારે પૂછ્‌યું કે જીવન ના આટલા સફર માંથી હાથ શું લાગ્યું ?આ પ્રશ્ન અવોર્ડસ કે ખ્યાતિ ના અર્થ માં નહિ પણ ચાવી ના અર્થમાં હતો. અગાઉ ની ચાવીઓ આપણે કેના ની વાતો માંથી શોધેલી પણ જે રીતે “ફિલોસોફર્સ સ્ટોન” માં હેરી પોટર અને તેના બે મિત્રો બ્રૂમ પર બેસી ને સ્ટોન સુધી જવાના ગુપ્ત માર્ગ ની ઉડતી ચાવીઓ પૈકી સાચી ચાવી શોધે છે તેમ એમને જાત ના અનુભવ પરથી જીવન ની કઈ ચાવી જાતે શોધી ?એમ.

કેના એ જે કહ્યું એ તેના જ શબ્દો માં “ સ્ટ્રોંગ વિલ પાવર અને કુદરત પર ભરોસો. જીવન હથેળી વેંત માં જ રહેલા અનુભવો થી ભરપુર છે. બસ જરાક આગળ જી ને પકડવાનું છે. જીવન માં કદી કોઈ શોર્ટ કટ હોતા નથી. બસ સખ્ખત મહેનત, અભિગમ અને વિશ્વાસ હોય છે. રમતો રમતા રહો. એ તમારા વ્યક્તિત્વ ને ઉજાગર કરે છે. અને લાગણીઓ ના પ્રવાહ થી ઉપર રહી ને જોતા શીખવે છે..”

આ હતી માસ્ટર કી. બસ તમે કોઈ પણ વય જૂથ ના કેમ ન હો યુવાન હો ટીન એજર હો કે પછી હો આધેડ કે વૃદ્ધ. લાગુ પડતી ચાવીઓ પિછાણી લ્યો અને ચાલવા લાગો તાળાઓ તરફ. જીવન ગમે ત્યારે શરૂ થઈ શકે છે.

વેલ ચાવીઓ ખૂટતી હોય તો ધીરજ રાખજો હોસલા હો બુલંદ ના આવતા અંકો માં વધુ યુવા પ્રતિભાઓ અને વધુ ચાવીઓ, તો ટાઈમ ફોર અ શોર્ટ બ્રેક જાઈએગા મત હમ ફિર લૌટેંગે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED