Thankyou Life books and stories free download online pdf in Gujarati

થેંક્યું લાઈફ

થેંક્યુ લાઈફ

કવિતામાં અને કલ્પનામાં ઝીંદગી એટલે કઈ કેટલુંયે.. પણ હકીકતમાં લાઈફ એટલે નાદાની અને અનુભવોનો સરવાળો. અનુભવો આપણે ટાંચી ટાંચીને પથ્થરમાંથી મૂર્તિ બનાવે. શરત એ કે દરેક અનુભવે કંઇક શીખવાની તૈયારી હોવી જોઈએ. અનુભવો એ નારાયણમૂર્તિથી બીલ ગેટ્સ ઘડ્યા, અનુભવોએ જ બરાક ઓબામા અને ઓસામા બિન લાદેનને ઘડ્યા. વેલ, જોકે આ અનુભવો નાદાનીના વૈભવ ની તોલે ના આવે. ‘મગર મુજકો લોટા દો બચપન કા સાવન, વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની..’ એયને જલસા ઓલ ધ ટાઇમ... મજા આવે ત્યારે ખાવ, પીવો, રમો, ઊંઘો.. આપણું પોતાનું રજવાડું. પછી શરુ થાય કુદરત સાથે સોદો. પગે પગે અનુભવો નો ઉમેરો અને નાદાનીની બાદબાકી..

ખેર અનુભવો થી મળતું ડહાપણ કઈ કાઢી નાખવા જેવું નહીં. પણ ‘દોઢ ડહાપણ’ જો ભેગું પાછું આવે તો પાછી ઉપાધિ. જો અનુભવોથી ડહાપણ આવે તો આપણું અનાલીસીસ સાચું નહીતો આપણે લાઈફ ની એક્ઝામમાં ફેઈલ. જે અનુભવો આપણે નવી દિશા, સ્ફૂર્તિ અને પ્રકાશથી ભરી દે તેને કહેવાય પ્રેરણાદાયી અનુભવો. મારા અનુભવેલા આવા કેટલાક કિસ્સા આ સાથે વર્ણવું છું. જેથી મારી સાથે તમારા ખજાના માં પણ અનુભવો નો ઉમેરો થાય.

મારી ઓફીસ માં એક સીનીયર મેડમ કામ કરતા. જુનિયરોને આશીર્વાદ લાગતું કોમ્પ્યુટર સીનીયરોને અભિશાપ લાગતું. ઓફીસમાં અવાર નવાર નાના મોટા સોફ્ટવેર ડેમોન્સ્ટ્રેશન યોજાય ત્યારે બધાય ભાગવાનું કરે કારણકે આવા અનુભવો ગાગર માં સાગર જેવા હોય. એકાદ કલાક માં ટ્રેનર બધા ફંક્શન બોલી જાય એટલે ‘તજજ્ઞ’ કહી શકાય એવા મિત્રોને બાદ કરતા કોઈ ને ટપ્પો પડે નહીં. પણ પેલા મેડમ આળસ ના કરે.. આવે અને ધીરજથી સાંભળે પણ ખરા. આવાજ એક સેશન દરમિયાન કંટાળેલા એક કર્મચારી એ પ્રશ્નાવલી ચાલુ કરી... “પેલું ફંકશન કામ ના કરતુ હોય તો?”, “ફલાણો ડેટા નાખવો હોય તો?”, “સર્વર ડાઉન હોય તો?”... (કહેવાની જરૂર ખરી કે એ ટાઇમપાસ હેરેસમેંટ હતું?). ટ્રેનેર કમને છેલ્લી દસ મિનીટ પાસ કરી રહ્યા હતા. મારા જેવા કેટલાક વ્યથિત થઇને ઉભા હતા તો કોઈ એન્જોય કરતા હતા. ત્યાં અચાનક પેલા મેડમ ઉભા થયા.. મને થયું આ ટ્રેનર પાછા પડે છે ત્યાં આ મેડમ શું કરી શીખવવાના હતા? પણ મેડમ ના બોલેલા વાક્યો મારા મનમાં કોરાઈ જવાના હતા. તેમણે કહ્યું “ કયું બટન દબાવાથી શું થશે એ પછી ની વાત છે પણ દાનત ખારા ટોપરાની નહિ રાખો તો કોઈક રસ્તો જરૂર મળશે.” બસ પછીતો સભા શાંતિ થી વિખેરાઈ ગઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી- જેમ ખોરું ટોપરું નાતો હનુમાનને ચડે, ના તેમાંથી તેલ નીકળે કે નાતો તેની ચટણી બને એ રીતે ઈરાદામાં ખોટ હોય તો આપણા થી કશું કામ ના થાય. બહાના અને મુશ્કેલીઓની જેમ સોલ્યુશન્સ અને આઇડિયાઝ નો પણ કોઈ તોટો નથી. નોકરી હોય ધંધો કે પછી ઘરકામ બસ કામ કરવાનો પ્રમાણિક ઈરાદો હોવો જોઈએ. ખરુંને?

પેલા મેડમ તો ભણેલા ગણેલા અને નોકરિયાત હતા પણ આવી જ ઉમદા ભાવના મેં એક તદ્દન અંગુઠાછાપ ડોશીમા માં પણ નીરખી. નાનું મોટું સફાઇકામ કરવા સાસુ અને વહુ દરરોજ નીકળે. જે મળે તેમાંથી ઘરખર્ચ માં મદદરૂપ થાય. એકવાર ઓફીસ માં સફાઈ કરવા આવેલ માજી ને મેં કહ્યું કે “ઘણા સમય થી બાજુ નો રૂમ સાફ થયો નથી બહુ ગંદો દેખાય છે. તમારાથી એ સાફ નહિ થાય. તમારા પૂત્રવધુ ને કહેજો કે એ કાલે કરી નાખે.” બીજે દિવસે રૂમ ની સાથે બાથરૂમ પણ એકદમ ચોખ્ખો પડ્યો હતો. સાંજે મેં ડોશીમાં ને કહ્યું તમારા વહુ એ રૂમ સરસ સાફ કર્યો છે. ટુ માય સરપ્રાઈઝ એમણે કહ્યું રૂમ તો એમણે સાફ કર્યો છે. અને સાથે એમણે કહ્યું “ચામડું મર્યા પછી ભેગું ઓછું જવાનું છે?”. સમજાયું? ડોન્ટ વરી મને પણ નોતું સમજાયું. તેમણે જ સમજાવ્યું ‘કોઈકે કામ શા માટે ના કર્યું અથવા બીજાની રાહ માં કામ રોકી રાખવાનો શો ફાયદો? આપણાથી શક્ય હોય તો આપણે જ કરી નાખીએ. શરીર ને કે બુદ્ધિને કસરત થશે તો એ વધુ સારું ચાલશે. અને થોડો ઘસારો લાગે તો પણ શો વાંધો? આખરે તો અહીજ મૂકીને જવાનું છે’. થોડા સારા શબ્દો મેં ગોઠવ્યા છે પણ માજી ના તળપદી “વાણી” નો મેસેજ “આસ્થા” કે “સંસ્કાર” ચેનલના ધર્મ ધુરંધરો કરતા ઓછો છે?

ડોન્ટ ગેટ બોરડ ધીસ ઇસ લાસ્ટ વન ઓકે? મારા એક મિત્રની એક એવી રીત કે એને જે વાત ના ગમે તેને ત્યાજ વખોડી નાખે. રોકડા જવાબો આપે. બાખડી પડતા એને વાર ના લાગે. કદી પોતાના વર્તન અંગે ખુલાસો કે પોતાની પોઝીટીવ સાઈડ રજુ કરવાનો પ્રયત્ન ના કરે. એક દિવસ અમે તેમને સમજાવ્યા કે તેમના આવા વર્તનથી તેમની ઈમેજ બગડે. હવે તેમનો વારો હતો બોલવાનો તેમણે કહ્યું “જુઓ ભાઈ આપણી એકજ પોલીસી છે. કોઈ આપણને સારા ના કહી જવા જોઈએ. મારા મનમાં ગુસ્સો ઘરબી રાખું તો કાંતો પોતાના પર અકળાઉં કાંતો પોતાનાઓ પર. એના કરતા ઠાલવીને હળવા થઇ જવાનું. પછીની વાત પછી. અને ભૂલેચૂકે સારા દેખાઈ જઈએ તો વળી ભવિષ્યમાં ‘ધોખો’ થયા જેવું લાગે અને દુખ થાય. એના કરતા જેવા છીએ તેવા દેખાઈ જવાનું.’ વાત એમ નથી કે આપણે પણ બાખડવું કે કેમ પણ વાત એમ છે કે દેખાવા પાછળ મહેનત કરવી એતો મેકઓવર કરવા જેવું છે. થોડો સમય રૂપાળા દેખાઈ શકીએ પછી? સારા ગુણો જીવનમાં ઉતારી શકાય તો વેલ એન્ડ ગુડ પણ આપણે બહુ સદગુણી છીએ એવો દેખાડો કરવો સમય ની બરબાદી અને ધોકો પણ છે. જો કે જે છીએ તે દેખાવા માટે પણ હિંમત જોઈએ.

મિત્રો આ અનુભવો મેં તદ્દન ઓરીજીનલ જેવા મેં અનુભવ્યા એવાજ ગરમા ગરમ પીરસ્યા છે. ..એન્ડ યસ.. થેંક્યું લાઈફ ફોર વન્ડરફુલ એક્સ્પીરીયન્સીસ....

હેલી એન. વોરા.

બીજા રસપ્રદ વિકલ્પો