પાંચ નાની અદભુત વાર્તાઓ 7 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ નાની અદભુત વાર્તાઓ 7

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૭)

લેખક - અનિલ ચાવડા

૧. પરી

એક હતી પરી. તે ખૂબ જ સુંદર હતી. ઈશ્વરે પૃથ્વી પર જ્યારે માણસને બનાવીને મોકલ્યો ત્યારે તેણે દરેક માણસને આ પરી ભેટ રૂપે આપી અને કહ્યું-

“આ પરી ખૂબ જ સુંદર છે, એની સુંદરતા વિશે તમે જેટલી કલ્પના કરશો તેટલી ઓછી છે, કારણ કે આ તમારી કલ્પના કરતાં પણ અનેક ગણી સુંદર છે; પણ એની એક તકલીફ છે. તમારે એને સુંદર રીતે રાખવી પડશે. જો તમે એની સુંદરતાને જાળવવામાં થાપ ખાઈ ગયા તો આ પરી તમારી અનેક બાબતોને નુકસાન કરશે !”

માણસ તો આ પરીને પામીને ખુશખુશાલ થઈ ગયો. એ જેવો પૃથ્વી ઉપર આવ્યો કે તરત જ થાપ ખાઈ ગયો. એની પાસે એક પરી હતી તે એને યાદ રહ્યું, પણ તે પરીના નિયમો તેના મગજમાંથી સાવ નીકળી જ ગયા. આ માણસ આ પરીને સુંદર રીતે રાખી ન શક્યો અને એના લીધે આખી જિંદગી હેરાન થયો. છેવટે મૃત્યુ પામ્યો.

અમુક માણસો પરીને સુંદર રીતે રાખતા, તો એ માણસો અનેક ગણી સિદ્ધિઓ પામતા. જ્યારે જે માણસ તેના વિશે બેદરકાર રહેતા તે અનેક ગણું નુકસાન વેઠતા.

મૃત્યુ પછી આ માણસ ઈશ્વરના દરબારમાં પહોંચ્યો. ઈશ્વરને જોતાં જ એણે કહ્યું- “તેં મને કેમ કાયમ દુઃખ આપ્યું, નિરાશા આપી, કેમ મને કાયમ નિષ્ફળ બનાવ્યો?”

પ્રભુએ કહ્યું, “મેં તને એક પરી આપી હતી, અને એ પરી સાથે પરીને રાખવાના નિયમો પણ કહ્યા હતા.”

માણસે આશ્ચર્યથી કહ્યું, “પરી? કઈ પરી, શેની પરી?”

“વ્યવસ્થાની પરી. મૅનેજમેન્ટની પરી. તેં તારા જીવનની વ્યવસ્થા સુઘડ નહીં રાખી હોય એટલે તું આખી જિંદગી હેરાન થયો.” ઈશ્વરે શાંતિથી કહ્યું.

૨. વેપાર

સમાજ નામનો એક વેપારી હતો. એની પાસે થોડાં ગધેડાં હતાં. એક દિવસ તે આ ગધેડા પર અમુક સામાન લાદીને જઈ રહ્યો હતો. થોડો આગળ ચાલ્યો એટલે તેને એક ધર્માત્મા મળ્યા. આ ધર્માત્મા શુદ્ધ, પવિત્ર અને ચૈતન્યશીલ લાગી રહ્યા હતા.

ધર્માત્માએ આ માણસને પૂછ્યું કે તે કઈ તરફ જઈ રહ્યો છે. માણસે કહ્યું, “હું વેપાર કરવા જઈ રહ્યો છું.”

ધર્માત્માને વેપાર વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. તેમણે એક ગધેડા પર લાદેલા પોટલા તરફ આંગળી ચીંધી પૂછ્યું- “આમાં શું ભર્યું છે?”

વેપારીએ કહ્યું, “તેમાં ભ્રષ્ટાચાર ભર્યો છે.”

સાધુને આશ્ચર્ય થયું, તેણે પૂછ્યું- “પણ ભ્રષ્ટાચાર ખરીદશે કોણ?”

માણસે કહ્યું, “એના ખરીદારો તો નાનામાં નાની વ્યક્તિથી લઈને છેક ઉચ્ચ હોદ્દા સુધીના છે. બહુ ઊંચા પાયે ચાલતો વેપાર છે આ તો. મોટા મોટા અનેક લોકો ખૂબ ખરીદે છે.”

“તો પછી આમાં શું છે?” બીજા પોટલા સામે જોઈ ધર્માત્માએ કહ્યું.

“એમાં નાની નાની ચોરીઓ, ગુનાખોરી, મારઝૂડ ને એવું બીજું ઘણું બધું.”

એને કોણ ખરીદે એવું ધર્માત્મા પૂછવા જ જતા હતા ત્યાં વચ્ચેથી અટકાવીને પેલા વેપારીએ કીધું કે, “એને ખરીદનારા પણ ઘણા છે.”

સાધુએ ત્રીજા પોટલા સામે જોઈને પૂછ્યું, “અને આ પોટલામાં?”

પેલો માણસ કશું બોલ્યો નહીં. ધર્માત્માની સામે ને સામે જોઈ રહ્યો. માણસનું આવું વર્તન જોઈ સાધુને જાણવાની વધારે જિજ્ઞાસા થઈ. ધર્માત્માએ ફરીથી એને પૂછ્યું. પેલા માણસે ધીમા અવાજે શાંતિથી જવાબ આપ્યો, “એમાં અધર્મ છે, અંધશ્રદ્ધા છે. ઈશ્વર છે. તમે તો હવે ઓળખીતા છો, જો ઇચ્છા હોય તો સાવ સસ્તામાં આપી દઈશ.”

સાધુએ આશ્ચર્યથી કહ્યું, “શું વાત છે, એમાં ઈશ્વર છે!”

માણસે કહ્યું, “હા. એના દ્વારા તમે લોકો પાસેથી ઘણું બધું મેળવી શકશો. બોલો જોઈએ છે?”

ધર્માત્મા સ્તબ્ધ થઈ ગયા. તે ઊંડા વિચારમાં ડૂબી ગયા. તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ખૂબ ભાવુક થઈ ગયા. હળવે રહીને ડોક ઊંચી કરીને તેમણે આકાશ સામે જોયું. પછી ધીમા અવાજે પેલા માણસને કહ્યું- “પણ કિંમત વધારે હશે, નૈં?”

એમનો જવાબ સાંભળી માણસે હળવું સ્મિત કર્યું.

ઘણી રકઝક પછી પવિત્ર ધર્માત્માને ઈશ્વર સાવ સસ્તામાં મળી ગયો; અંધશ્રદ્ધા અને અધર્મ બોનસમાં !!

૩. મિટિંગ

એક દિવસ બધા ધર્મો એક સાથે એક જગ્યાએ ભેગા થયા. વડવા ધર્મોએ બધાનો પરિચય માગ્યો. બધા ધર્મો પોતાનો પરિચય આપવા લાગ્યા. બધા ધર્મ પોતાનો જન્મ ક્યારે થયો, કઈ રીતે વિકસ્યા, વિભાજિત થયા પછી પોતાનામાંથી બીજા કયા કયા ધર્મો બન્યા, પોતે ક્યારે વિભાજિત થયા વગેરે વિશે વાત કરવા લાગ્યા. વિભાજિત થયેલા બીજા ધર્મો પણ તેઓ સાથે લઈ આવ્યા હતા. બધા ધર્મો પોતાની ખામીઓ અને ખૂબીઓ વિશે વાત કરતા હતા.

બે-ત્રણ ધર્મો અલગ ખૂણામાં ઊભા હતા. તેમને જોઈને એક વડવા ધર્મે કહ્યું- “તમે ત્યાં કેમ ઊભા છો, અહીંયાં આવી જાવ અને તમારો પરિચય આપો.”

પેલા ધર્મોએ મૂંઝાઈને કહ્યું, “અમને અમારો પરિચય હજી ખબર નથી. માણસો હજી અમને બનાવી રહ્યા છે. અમે પ્રોસેસમાં છીએ !”

૪. મિલન

શ્વાસ અને ઉચ્છ્‌વાસ બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. આમ તો બંને સગ્ગા ભાઈ, એક જ માતાપિતાનાં સંતાનો. પણ ક્યારેય એકબીજાને મળી શકતા નહોતા. જ્યારે શ્વાસ હાજર હોય ત્યારે ઉચ્છ્‌વાસ હાજર ન હોય અને ઉચ્છ્‌વાસ હાજર હોય ત્યારે શ્વાસ હાજર ન હોય. બંનેની નોકરી જ કંઈક એ પ્રકારની હતી કે ક્યારેય મળી જ ન શકાતું. આમ તો બંને આસપાસમાંથી જ સામસામેથી પસાર થઈ જતા, પણ કામના લીધે એટલી ઉતાવળ રહેતી કે મળવું શક્ય જ ન બનતું.

એક દિવસ બંનેએ એકબીજાને ટપાલ લખી અને મળવાનું નક્કી કર્યું. પણ મળવું ક્યાં તે નક્કી નહોતું થઈ શકતું. એમને શાંતિથી મળી શકાય એવી કોઈ જગ્યા પણ નહોતી મળતી. વળી કઈ રીતે મળવું એ પણ નક્કી નહોતું થતું, કારણ કે તે જેે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંથી તેમને રજા જ નહોતી મળતી.

ગમે તેમ કરીને તેમણે મળવાનું નક્કી કર્યું અને શાંતિથી મળી શકાય એવું એક સ્થળ પણ શોધી કાઢ્યું. આખરે એક દિવસ બંને ઑફિસ છોડીને ભાગી ગયા અને તેમણે નક્કી કરેલા સ્થળે મળ્યા. આ સ્થળનું નામ હતું મૃત્યુ !

૫. ઝાકળ અને આંસુ

વહેલી સવારમાં ઝાકળ અને આંસુ એકબીજાને મળી ગયાં. આંસુએ ઝાકળની મીઠાશ જોઈને તેને કહ્યું,

“તારામાં આટલી પ્રફુલ્લિતતા અને મીઠાશ કેમ છે?”

“કારણ કે હું પ્રકૃતિની હળવાશ છું.” ઝાકળે કહ્યું.

આંસુને કંઈ સમજાયું નહીં. એણે પૂછ્યું “શું?”

“મારા સ્પર્શથી વૃક્ષ, વેલ, પાંદડાંઓ અને પ્રકૃતિના તમામ જીવોમાં એક અજબની હળવાશ આવે છે.” ઝાકળે વિગતવાર જવાબ આપ્યો.

“એમ તો હું પણ માણસની આંખમાંથી વહીને માણસનો ભાર હળવો કરું છું, એમને હળવાશ આપું છું. તો પછી મારામાં આટલી ખારાશ કેમ?” આંસુએ પ્રશ્ન કર્યો.

ઝાકળે કહ્યું- “મને ખબર નથી.”

આંસુએ ઈશ્વરને ફરિયાદ કરવાનું નક્કી કર્યું. તે ઈશ્વરના દરબારમાં ગયું અને ઈશ્વરને ફરિયાદ કરી.

ઈશ્વરે કહ્યું, “તારી ખારાશનું કારણ એ જ કે તું પીડામાંથી ઉત્પન્ન થાય છે. વધારે પડતા હર્ષ અને શોકમાંથી જન્મે છે. સંવેદનમાંથી જન્મે છે; પણ એના લીધે તારી ખારાશ એ ઝાકળની મીઠાશ કરતાં સહેજ પણ ઊતરતી નથી !”

આંસુએ ગર્વભેર ઈશ્વરના દરબારમાંથી રજા લીધી.

બીજા દિવસે સવારે આંસુ અને ઝાકળ સાથે સાથે પોતપોતાની હળવાશ માણી રહ્યાં હતાં.