25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ Rutvik Wadkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ

Continue...

પાછળ ના અંક માં અપને જોયું કે કેવી રીતે હું, કોંકણ અને રુશાલી નજીક આવ્યા. રુશાલી અમને ખુબ સરસ પદ્ધતિથી વર્ણન કરીને સમજાવતી હતી. ખોત (Villege Officer) ના ઘરે ગયા પછી જાણે એ મારી પર હુકમ ના ચલાવતી હોય! કે હું આમ જ રહીશ, ને મને એક પટલાણીની જેમ જ રાખજે. વગેરે વગેરે. વાતાવરણ ખુબ જ રોમેન્ટિક બનાવ્યું હતું, ને વળી અમારી સાથે ખુબ મઝાના કપલ પણ હતા, જેને જોઇને રુશાલી શરમાતી’તી.

આગળ સમજાવવા જતાં એ નાક મચકોડીને આગળ વધતી જ હતી કે રુશાલીનું પગથીયું ચુક્યું ને ત્યાં જ મમ્મીએ કહ્યું “काळजी घे, बेटा” (કાળજી લે દીકરી). બિચારી બેટા શબ્દ સંભાળીને મારી તરફ જોયું ને શરમાતા શરમાતા એણે ફરી વાળની લત કાને ચઢાવી. હું તો જોતો જ રહી ગયો. આપણી હિન્દી ફિલ્મોમાં લગ્ન નક્કી થઇ ગયા હોય અને એના સમાચાર મળે ત્યારે અપને કેવા ખુશ થઈએ! એવી એની ચાલ થઇ ગયેલી.

ખુબ લાગણીથી જાણે હાથ પકડીને લઇ જતી હોય અને નાના બાળકની જેમ કુતુહલ ઉભું કરતી હોય તેમ અમને તે આગળ લઇ ગઈ.

ખેડૂત (शेतकरी):

રુશાલીનો ઉત્સાહ આગળ જતા જતા વધતો જતો હતો, હું પણ ક્યાંક ને ક્યાંક એની અદાઓમાં અને કોન્કાણ ની ખુબસુરતીમાં ફસાતો જતો હતો. જાણે પોતાના કાકા ના ઘરે લઇ જતી હોય તેમ રુશાલી ખેડૂતના ઘરે લઇ ગઈ ને સમજાવ્યું કે ગામ ના બધા જ લોકોના ઘર નું ધાન પૂરું પડવાની જવાબદારી આ ખેડૂતની હતી. એટલે જ ગામ ના અર્થતંત્રનો પાયો આ ખેડૂત હતો. પપ્પાએ તે જ સમયે કહ્યું કે અમે પણ ધર્મે ખેડૂત જ છીએ. રુશાલી થોડુક મુસ્કુરાઈ અને ખેડૂત ના ઘર વિષયક સમઝણ આપી. તેનો બારેમાસ સળગતો ચૂલો, ઘર માં મોભાના સ્થાને ભગવાન ગણેશની સ્થાપના, “इरले” એટલેકે વરસાદના પાણી થી બચવા માટે ઉપયોગમાં લેવાતી વાંસની બનાવેલી છત્રી વિગેરે. વરસાદની વાત આવી કે હું થોડોક વધુ ખુશ થઇ ગયો, મારી મનગમતી ઋતુ કે જેમાં ચારે બાજુ હરિયાળી હોય, નવી મહેક હોય. મારા હાથમાં સરસ હાઈ ડેફીનેશન કેમેરો હોય, ને હું સરસ ફૂલોના ફોટા પડતો હોવ. એટલે થોડું મારું ધ્યાન ખેડૂત ના ઘર તરફ વધુ ઝૂક્યું ત્યાં જ રુશાલી એ એના વાળમાં હાથ નાખતા મારી આંખોમાં જોયું અને આંખોથી બોલી કે અપણે પણ વરસાદમાં ફરવા જઈશુ કે? એક જ “इरले” (છાત્રી) માં હું ખુબ શરમાઈ ગયો. જાને એની આંખો મારી પર કોઈ હક જમાવતી હોય. એક અજીબ હેત વરસાવતી હોય. મને ક્યાંક વાંચેલી ગઝલ યાદ આવી ગઈ..

વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું

બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું

વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,

કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે

વિચાર પણ કૈંક આવો જ હતો કે

ऐ बारिश ज़रा थम के बरस
जब मेरा यार आ जाये तो जम के बरस
पहले न बरस की वो आ न सकें
फिर इतना बरस की वो जा न सकें

પ્રેમમાં મારા જેવો ખડૂસ માણસ ક્યારે શાયર માનસ ધરીલે ખબર નથી પડતી. મને જ જોઈલ્યો. ચાલો આગળ પણ વધીએ નહીતર પ્રેમમાં પલળેલા જ રહીશું.

વરસાદ પડે અને માટીની સોડમ મહેકે ત્યારે ધરતી પુત્ર યાદ આવે જ. ધરતી પુત્ર સાથે એ ધારા ની માટી ને નવી ઓપ આપનારો કુંભાર ને કેમ ભૂલાય ?

કુંભાર:

અમે ધીમે ધીમે મત્સ્ય બજારમાંથી પસાર થતા થતા કુંભાર ના ઘર પાસે આવી ગયા. કુંભાર ના ઘર પાસે અવતાની વેંત રુશાલીએ એક સ્વીચ દાબી જેનાથી કુંભાર ના ઘરમાં કઈ ફેર ના પડ્યો. મને એમ કે કૈક રસપ્રદ પ્રતિકની ગોઠવણી હશે, પણ કંઈજ ના થયું એટલે મારી આંખો ચકળ વકળ થવા લાગી. રુશાલી સમજી ગઈ કે હું કૈંક શોધું છું, ને મારી ઉત્કંઠા જોઇને થોડું હસી પણ પડી, પપ્પા-મમ્મી આવે એ પહેલા જ એને મને આંખોથી ઈશારા કર્યા કે, શાંતિ રાખ. પપ્પા-મમ્મી આવતા જ સરસ સમજાવ્યું. દર ગણેશ ચતુર્થીએ કોંકણની લાલ માટીમાંથી સરસ મૂર્તિઓ બનાવી અને ઘરે ઘરે પહોંચાડવી, દર દિવાળી પહેલા ઘરે ઘરે કોડિયા પહોંચાડવા, ઉનાળો આવે ત્યારે ઠંડાપાણી માટે માટલા તૈયાર કરી રાખવા વિગેરે ગામલોકની જરૂરિયાત ના મહત્વના કામો કુંભાર પાસે છે. આજે પણ આપણા ગુજરાતમાં પ્રજાપતિ સમાજ ઉત્તમ માટીની કલાકૃતિઓ તૈયાર કરે છે. ઉપનિષદોમાં પણ કુંભાર ને કુંભાર (કુંભકાર, કુમ્હાર) જ કહે છે, જેનું વ્યવસાયિક નામ બદલાયું જ નથી તેવો આ એક જ વ્યવસાય છે.

મારી આંખો હજી રુશાલીએ પેલી સ્વીચ દાબી હતી એની પાછળનું કારણ જ શોધતી હતી. રુશાલી પણ સમજી ગઈ હતી કે આ હજી ત્યાંજ ચોટી રહ્યો છે. એટલે એને આંખોથી હસીને શાંતિ રાખવા આગ્રહ કર્યો. ને હું શાંત પણ થઇ ગયો. આગળ અમે વાણીયાની ઘરે ગયા.

વાણિયો(वणिक):

આજકાલ ના કહેવાતા બીઝનેસમેન એટલે તે વખત નો વાણિયો. ગામમાં વાણિયાનું સ્થાન ખુબ મોભાનું રહેતું. આ સમાજ ગામનો વેપાર વાણિજ્ય દેશ-પરદેશ પહોચાડતા. વિદેશીઓ તેમની પાસેથી જ વસ્તુઓ ખરીદતા. હીરા-માણેક, ઘરેણા, અનાજ, મસાલા વગેરે નિર્યાત કરતા. હું અહિયાં ઉત્સુક પણે તે વાણિયાની દુકાન ને નિહાળતો હતો એટલામાં રુશાલીએ વાણિયાની દુકાનમાંના છીપલાં અને મોતીના હાર ઉપર ઈશારો કરતા કહ્યું કે આવી ઝવેરાતો માટે કોંકણ નો વહેપાર ખુબ વખણાતો. પારંપરિક વસ્તુઓ માટે કોંકણ મોભાનું સ્થાન રહેતું. આટલું બોલતા રુશાલી ચૂપ થઇ ગઈ ને અમારી નજર ફરી મળી, જાણે એ કહેતી’તી કે આ હાર મને ગમે છે, પોની ના વાળ સરખા કરતા કરતા એ મંદ મંદ હસી પડી ને હું પણ કહેતો ગયો કે હા તારા માટે લાવીશ. ને લોલકની જેમ માથું ધુણાવી આગળ જતો રહ્યો.

આ વખતે અમારા વચ્ચે સ્પંદનો ખુબ વેગળા હતા, જાણે કોઈ પુરાની ગાઢ મૈત્રી હોય, ખુશી નો કોઈ પાર નહોતો. મને થોડોક આડકતરો વિચાર પણ આવ્યો, નેચરલ પણ છે. લગભગ, સ્ત્રીઓને માટે આજ કાલ શોપીંગ એટલે સ્વર્ગમાં ફરવા જવા બરોબર નું થઇ ગયેલ છે. તમને કદાચ આવો અનુભવ હશે જ, કેમ નહિ? ના હોય તો તમારી મિત્ર, પત્ની, દીકરી ને શોપિંગ કરવા માટે ફક્ત પૂછી જોજો. ખુબ બધું જાણશો. અમેરિકાની એક જાણીતી લેખિકા માર્સેલેને કોકસ પણ લખે છે, The quickest way to know a woman is to go shopping with her. (અનુવાદ: “એક સ્ત્રીને જાણવાનો ઝડપી રસ્તો એટલે તેણીની સાથે ખરીદી કરવા જવું”. પણ હા, મમ્મી સાથે ના લઇ જવાનું કહેતા, નહીતર પ્રશ્નોની હારમાળા તૈયાર જ છે)

મંદિરમાં આરતીનો સમય થવા આવ્યો હોઈ અમે પણ થોડી ઉતાવળ સાથે પ્રાચિન કોંકણ માં ફરી રહ્યા હતા. (ઉતાવળે પ્રેમ પણ વધી રહ્યો હતો, આગળ જ ને!) ત્યાંજ સુથાર નું ઘર આવ્યું.

સુથાર- લુહાર:

રુશાલી એ સમજાવ્યું કે ગામનો સુથાર ઉત્કૃષ્ટ કલાવાન માનવામાં આવતો. કુશળ કરીગારીઓ પૈકી સુથારીકામ પણ એક કલાકારી કહેવાય છે. ૫૦૦ વર્ષ પહેલા આ સુથારનું મૂળ કાર્ય ખેડૂત ને લગતા ઓજારો બનાવવાનું હતું. કોંકણની સવંતવાડી ના સુથરો જગ પ્રસિદ્ધ હતા. ખેડૂતોના ઓજારો બનાવ્યા પછી વધતું લાકડું અને કાષ્ઠમાંથી તે ખુબ સુંદર કલાકૃતિઓ બનાવતો અને નિર્યાત પણ કરતો. હું સુથાર ના ઓજારો નું નિરીક્ષણ કરવા માંડેલો ને જોવા મળ્યું કે ખરેખર આ કળા ના કસબીઓએ સુંદર સૃષ્ટિ નું નિર્માણ કર્યું છે. તેમણે માનવીય જીવન ને સરળ તો બનાવ્યું જ પણ સાથે સાથે ભવિષ્યની પેઢીને પણ ઉપયોગી નીવડનારી આ કારીગરી ની સભ્યતા વર્ષો સુધી જાળવી રાખી. આજે કદાચ હળને ટ્રેક્ટર સાથે જોડવામાં આવે તો પણ ટે મૂળ આકાર હળ નો છોડતો નથી. લાકડાની ખીંટી પણ હજીયે ત્યાંજ છે. સભ્યતાઓ કેટલીયે બદલાઈ પણ સુથારીઓની કારીગરી હજી પણ પુરાણી રીતભાતની જ વખણાય છે. એટલે જ કહેવાયું છે,

“By a Carpenter mankind was made, and only by that Carpenter can mankind be remade”.

પણ એકવાત એમ પણ કહેવાઈ છે ચંચળ સ્ત્રી હંમેશા પુરૂષની નજરો ને આકર્ષીને તેને કોઈ પણ કામ માંથી ખેંચી લે છે. મારી સાથે પણ એમ જ થયું. રુશાલી તરત ચંચળતાથી બોલતી બોલતી આગળ વધી અને અમને લુહાર પાસે ખેંચી ગઈ.

આ ક્ષણે અમે બંને મનથી ખુબ પાસે આવી ગયા હતા. (આભાસ ખુબ સુંદર હતો.) અને સાથે સાથે એક યુગલની (Couple) માફક ચાલવા લાગ્યા. રુશાળી બે હાથ ના નખ ઘસતી હતી અને એક વાર સિસકી પણ બોલાવી , જાણે એને મારા હાથમાં હાથ નાખીને ચાલવું ના હોય ! આ સાથે જ મને ‘ફના’ ફિલ્મ નું આ ગાયન યાદ આવી ગયું.

मेरे हाथ में तेरा हाथ हो
सारी जन्नतें मेरे साथ हो
तू जो पास हो फिर क्या ये जहाँ
तेरे प्यार में हो जाऊं फ़ना

આગળ લુહાર તરફ ગઈ અને હું પણ જાણે ખરેખર રુશાલી મારા હાથમાં હાથ નાખશે એમ હાથ ફેલાવી ઉભો રહ્યો, એવામાં તેણે સંભાળ્યું અને બોલી કે ૫૦૦ વર્ષ પહેલા કોંકણમાં રાજાશાહી હતી. તે સમયે યુદ્ધના ઓજારો આ ગામ નો લુહાર બનાવતો. આ જુની કારીગરીના લોખંડ ના ઓજારોને હજીયે કાંટ લાગ્યો નથી. તેઓ હજી પહેલા જેવા જ અકબંધ છે. દરેક ધનતેરસ ના દિવસે તે ઓજારો ની પૂજા કરવા માં આવે છે.


પપ્પાએ થોડું જલ્દીથી સફર પૂરો કરવા જણાવ્યું. (આરતી નો સમય). એટલામાં રુશાલીને જલ્દી થી કૈંક નવું દેખાડવાની તાલાવેલી હોય એમ અમને આગળ લઇ ગઈ. મારી નજર તો હજી પેલી સ્વીચ શાના માટે દાબી ટે જોવા માટે ચકળવકળ થતી હતી.

તેલી:

આગળ ગયા તો ગંગુ તૈલી દેખાયો, જાણે બળદો ની રાહ જોતો હોય તેમ એક તેલી (Oil Miller) તેલ કાઢવા માટે બેઠો હતો.

રુશાલીએ જણાવ્યું કે કોંકણમાં કોપરાનું તેલ ખુબ ખવાય છે. કોપરાનું તેલ કાઢવા માટે તેલી બળદનો સહરો લેતો હતો. એકાદ લીટર તેલ કાઢતા કાઢતા તેને દિવસ નીકળી જતો. આ કહેવા સાથે જ તેણે ખુબ સરસ વાત કહી જે મને ભાવી ગઈ. તે બોલી કે આ વ્યક્તિ પરથી દેખાઈ આવે છે કે પહેલા નોસમય અત્યારના સમય કરતાં કેટલો કષ્ટમય હતો. કષ્ટમય ઇવન ને લીધે માનસ તન અને મન બંને રીતે ઘડાતો હતો. કોપરાનું તેલ કાઢવા જતાં માણસ પોતાનું તેલ એટલે પરસેવો વહાવી દેતો. આજે આ વાત નું મહત્વ કદાચ નહિ સમજાય કે મહેનતી નર સદા સુખી.

હું પણ થોડું વિચારમાં પડી ગયો. સાલું ગજબ છે. આજે લોકો પૈસા ફેંકીને ખરું ખરું સરળતાથી મેળવી લે છે. અને એ જ પૈસા ખાતર આખું જીવન ખર્ચી નાખે છે છતાં પોતાનો આંતરિક વિકાસ નથી સાધી શકતો. આ તેલી જેવો અભણ માણસ તમને ને મને શું શીખવે ?, પણ હા તે સમયે હું જરૂર શીખી ગયો કે મહેનત ના ફળ મીઠા હોય છે. તેલી આપણને સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ પણ શીખવાડે છે. એક લીટર તેલ માટે વ્યક્તિ તન તોડી નાખે છે. ભલે ઘાણી ઉપર બળદ ફરતો હોય પણ બળદ ને ફેરવવા વાળો તો ઉભો જ છે ને !

ફિદા થઇ ગયો! પ્રાચીન કોંકણ ઉપર! (રુશાલી પર પણ, ફિલોસોફી તો જુઈ સહેબ!!)

રુશાલી ઘડી બે ઘડી કૈંક યાદ કરતી હોય એમ જણાતી હતી. “આપણે આગળ જઈએ?” એમ હું પપ્પા ને કહી ઉઠ્યો. ને રુશાલી અમને આગળ લઇ ગઈ. આ વખતે કંઈક નવી જ ચેતના હતી. એથોડીક ખુશ પણ હતી અને થોડું શરમાતી પણ હતી જાણે કૈંક મહત્વનું વિચારીને આગળ વધી રહી હોય.

બામ્બુ કલાકાર:

અમે વાંસના કારીગરની જમાતમાં આવ્યા. મને આપણા ગુજરાત નું વાંસદા ક્ષેત્રના હરિયાળા જંગલો યાદ આવી ગયા. રુશાલી એ સમજાવતા કહ્યું કે દરેક કારીગરને તે જમાનામાં અલગ ઓળખ હતી, કામ પ્રમાણે તેનું નામ હતું. દરેક નાત-જાતિ પોત પોતાના વ્યવસાય મુજબ ઓળખાતો અને નામ પણ વ્યવસાય ને અનુરૂપ જ હતું. દરેક વ્યક્તિ ને પોતાની જાતિ અનુસાર જ કામ કરવાની છૂટ હતી. અહિયાં વાંસ ના કળા કારીગરો ને કોઈ અલગ નામ નહોતું, કે કોઈ અલગ તેમની જમાત નહોતી. આ તો જરુરિયાત શોધ ની જનની છે તેમ, આદી કાળ થી માનવ પ્રકૃતિ ના ખોળે પોતાને વિકસાવતો આવ્યો છે, ને તેને પોતાની સાથે પ્રકૃતિને પણ શોભે તેવી કારીગરી કરી છે. અહિયાં વાંસ વાળીને જરૂરિયાત ની બધી જ વસ્તુઓ બનાવેલ હતી. ટોપલી, ધાન ધોવાધોવા માટેની रोवली”रोवळी” (એક પ્રકાર ની ટોપલી) અને તે જ ”रोवळी” ને મહારાષ્ટ્રીયન સમુદાય લગ્ન પ્રસંગે પણ ઉપયોગ માં લે છે.

આ વખતે રુશાલી ખાસ્સી શરમાઈ હતી. મારી સામે જાણી જોઇને નહોતી જોતી. અને ટે આગળ બોલી કે કન્યા પક્ષ ના સભ્યો લગ્ન સમયે વરરાજા ના સ્વાગત માટે આ ”रोवळी” માં દીવો મુકીને એક ગામ થી બીજે ગામ જતાં. મુંબઈ માં હજી આ પદ્ધતિ છે. આ દીવો ઓલ્વવો ની જોઈએ નહીતર તેને અપશુકન માનવામાં આવે છે. પપ્પાએ સ્વર પૂર્યો કે હજી અમારે ત્યાં પણ આવી જ પદ્ધતિ છે. રુશાલી ખુબ શરમાઈ ગઈ હતી. એને હળવેક થી મારી સામું જોયું અને આંખોથી કહ્યું કે હું ક્યારે તારે ત્યાં આ લઈને મોકલું ? હું મુસ્કુરાઈ ઉઠ્યો. વાંસની કળા કારીગરી જોઇને હું તેનું ઝીણવટ ભર્યું કામનું અવલોકન કરવા માંથી ગયો હતો. કમાલ છે ટે જમાનાની કે જયારે કોઈ જ ટેકનોલોજી નહોતી ત્યારે પણ માનસ ટેકનીક થી જીવતો. વાંસની ઘણી એવી રક્ષણાત્મક ઓજારોની પણ યાદી મારી આંખ સામે આવી ગઈ. મને એ પણ વિચાર આવ્યો કે સંબંધો આપણા બધા સૂકા વાંસ જેવા પોલા જ હતા, આતો વાંસળી બનાવી ને એટલે બધા ને મધુર લાગ્યા.

કવિ નિરંજન રાજયગુરુ ખુબ સરસ એક કવિતામાં કહે છે કે,”

વાંસ તણો કટકો તુજ હોઠે, શ્વાસ ફુંક ઝટ ભારી
નાદ સૂરીલો સાંભળશે આ જગના સૌ નરનારી
બે ધાતુ પ્રજળાવે, જોડે, એવી ધમણ્યું ધમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

મનમાં કૈંક અલગ જ રમત ઉઠી હતી,પ્રેમની, પ્રેમમાં પડવાની.(કોંકણ ના કે રુશાલી ના તેમાં હું થોડો મૂંઝાયો)

રુશાલી પણ હજી ઘણું કહેવા ઉત્સુક હતી. તેની આ સફર રોજની હશે પણ આજે કૈંક અલગ જ અંદાજ હશે એટલે એની સાથે કામ કરતી બીજી ગાઈડ છોકરીઓ તેણીને અલગ જ અંદાજમાં જાણે ચીડાવતી હોય તેમ ગઈ હતી. હું પણ તેમની સામું જોતો’તો ને ત્યારે જ જાને કોઈ સ્ત્રી પોતાના ધણી ને ‘એય ત્યાં ક્યાં જુઓ છો? અહિયાં હું ઉભી જ છું, મારું બાજુ ધ્યાન’. એમ થોડું જોરથી રુશાલી બોલી, આ સ્વયંપાક ઘર છે.

સ્વયંપાક ઘર- રસોડું:

દુનિયાની પ્રત્યેક સંસ્કૃતિ ની ઓળખ લેવા જવું હોય તો રસોડું પણ એક ઉત્તમ જગ્યા છે. રસોડું એ ટે સંસ્કૃતિ, સભ્યતા, રહેણી-કારણી અને સ્વાદની ઉત્તમ ઓળખ આપે છે. તેમાય કોંકણના રસોડાનો સ્વાદ ખુબ જ નોરાળો છે. કોંકણ ના લોકો નું જમવાનું મસાલેદાર, ચટપટું અને સુંઘતા જ ભૂખ લગાડે તેમ હોય છે. એટલે જ કોન્કાની માણસોની ચૌવિષ્ટ ખાદ્ય સંસ્કૃતિ છે. અહિયાં દરીયાકીનારો નજીક હોઈ માછલી નો ખોરાક વધુ છે. કહેવાય છે કે અહીયાની માછલી ની દાળ અને ભાત જેણે નથી ખાધો તેણે દુનિયા નું કોઈ દરિયાઈ ખાણું (સી ફૂડ) નથી ખાધું.

રુશાલીએ ત્યાં સાધનો ની પણ ઉત્તમ ઓળખ આપી. ત્યાં પુરણપોળી ને બનાવવા વપરાતી દાળ, પૂરણ, ને બનાવવા માટે પણ અલગ સાધન હતું. મારું ભાવતું ભોજનમાંથી એક એટલે પૂરણપોળી. રુશાલી સમું હું આંખોથી બોલી ઉઠ્યો અને સહજ મારી જીભ બહાર આવી ગઈ. તેણીને જાણ તો થઇ જ ગઈ હતી કે આ ભૈલા ને બહું ભાવે છે.

આગળ જતાં અમને સોની દેખાયો. રુશાલી ખુબ ઉત્સુકતાથી આગળ વધી રહી હતી.

સોની-કાસાર:

આ સોની ગામ નો ખુબ મોભાદાર વ્યક્તિ તરીકે ઓળખાતો. ગામ ની કળા કારીગરી દેશોદુનિયા સુધી ટે પહોચાડતો. હીરા ઝવેરાત દેશ વિદેશમાં લઇ જતો. સ્ત્રીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર હતું. રુશાલી એ આ સમજાવતા એક અનોખી રીતે મારી સામું જાણે એક ડીમાંડ કરી હોય તેમ, કહ્યું કે તેણીને પણ આ કોંકણ ની કારીગરી વાળી જ્વેલરી ખુબ પસંદ છે. ટે દિવસે તેણીએ ગાળામાં કૈંજ પહેર્યું નોતું, આ બાબત તરફ નજર જાય ટે માટે તેણે પોતાનો સરસ ચોટલો ડાબી બાજુ થી જમણી બાજુ લીધો.

બાજુમાં જ કાસાર હતો. (બંગાળી વાળો) ગામ ના મુખ્ય બાર બલોતમાંનો એક કાસાર, જેને ગામના દરેક ઘર ની વ્યક્તિઓ વિષે ખબર હોય. પ્રાચિન કોંકણમાં લગ્ન ખુબ નાની વયે થઇ જતાં હતા. આ કાસાર જે છોકરી ના લગ્ન થવાના હોય તેના ઘરે જઈનેલગ્ન પ્રસંગ ને અનુરૂપ, છોકરી ને ગમે તે બંગાળી એક પણ પૈસો લીધા વગર આપતો. પ્રથા એ હતી કે આ કાસાર જયારે આ છોકરી મોટી થાય અને એ છોકરી ના ઘરે લગ્ન હોય ત્યારે તે કાસારને મૂડી પરત કરે. એટલે છોકરી ની છોકરી આવે ત્યાં સુધી કાસાર રાહ જોતો. જે સમયે ટે નાની બાળકી ના લગ્ન લેવાતા હોય ત્યારે તેના પિતા ટે કાસાર ને એક સોનાનું દાગીનું ભેંટ સ્વરૂપ આપતા. (એ પિતા ની પત્ની જયારે નાની હશે ત્યારે લગ્ન સમયે આ જ કાસાર એ તે સ્ત્રી ને ઘરેણા આપ્યા જ હશે ને?) એટલે કે આ કાસાર છોકરીને આઠ થી બાર વર્ષ ની ક્રેડીટ આપતો.

મારી નજર માં આ ખુબ જ સાયન્ટીફીક ફાઈનાન્સ સીસ્ટમ હતી. આજે પણ સોની આપણને ઉધારી માં દાગીના આપે જ છે પણ વ્યાજ વસુલીને. ધન્ય છે તે જમાનો.

હું એટલું વિચારતો જ હતો કર ત્યાં રુશાલી પોતાની બંગડીઓ નો અવાજ કરતી કરતી આગળ વધી. અને તેણે ભ્રમરો ના ઈશારે મને પેલી ચાંપ (સ્વીચ) શા માટે દાબેલી તેની જાણ કરી. તેણે આ કૃત્રિમ ઝરણાના પ્રતિકને ચાલુ કરવા માટે ટે સ્વીચ દાબી હતી. મને જાને “ચંપુ” કહેતી હોય તેમ એને મોઢું નાક મચકોડ્યું. ત્યારે મને મારી પરમ મિત્ર વૈદેહી ની યાદ આવી ગઈ. આવી અસમંજસ ભરેલી પળોમાં મને “ચમ્યા” કહે છે. એ શબ્દ મને ખુબ જ ગમે છે. રુશાલી એ સમજાવ્યું કે ગામ ના આ ઝરણાંથી જ ખેતી અને જન જીવન નો આધાર હતો.

શ્રી માર્લેશ્વર – ચર્મકાર

અમે ચર્મકાર અને મરલેશ્વર મહાદેવની વાત જાણીને આવ્યા હતા. રુશાલી એ તેને પણ સમજાવ્યા કે કેવીરીતે એક ચર્મકાર પર ખુશ થઇ શિવજીએ તેમનું સ્વરૂપ લીધેલું. આજે પણ મરલેશ્વર ખુબ મહત્વનું તીર્થસ્થાન છે. આજે પણ મોચી સમાજ શિવજીનું અને પાર્વતી નું લગ્ન કરાવવા પોતાના ગામ થી દીવો અને જાણ લઈને જાય છે. રત્નાગિરીની હરમાળાઓમાં આ સ્થાન ખુબ જ રમણીય છે. કુદરત સોળે કળાએ ખીલ્યું છે. ખુબ સરસ ઠંડુ ઝરણું પણ છે. અચૂક મુલાકાત લેશો.

અનુસંધાન :

આ સફર આટલી જલ્દી પૂરી થશે એની મને ખબર નહોતી. અમને ગણપતિ બાપ્પા ને મળવાની ઉતાવળે પણ આગળ ધકેલ્યા હતા. ઘણા એવા રમણીય દૃશ્યો જોયા જેને અહી વર્ણવી શકાય નથી, કારણ કે તેને સાહજિક રીતે સંપૂર્ણ પાને નિહાળવાનો સમય જ નહોતો લીધો. કોંકણ અને રુશાલી સાથે નો સમય, એ છત્રીસ (૩૬) મિનીટ ક્યારે ગુજરી ગઈ મને ખ્યાલ જ નહિ. હજી મારું મન તો તેણીનો સાથ માંગતો હતો. પ્રેમ ક્યારે કોની સાથે કેવી રીતે થાય તેની જાણ માણસને ખબર નથી હોતી. તેમાં કોઈ સમય ની ગણતરી નથી હોતી. લોકો આજે લવ કેલ્ક્યુલેટર પર પ્રેમ શોધવા આખી ઝીંદગીગુજરી દે છે. અમને અંતિમ પથ પર રુશાલી સમજાવીને જતી રહી, તેણીને હું દૂર થી જોતો જ હતો. વારે ઘડીએ તે મારી તરફ જોતી હતી. સાંજ પણ ઘણી થવા આવી હતી. મોસમ મારી માટે થોડુક ગમગીન થયું હતું, કારણ કોંકણ અને રુશાલી બંને ને મુકીને જવું પડે તેમ હતું. મારી નજર કોંકણ તરફ પણ એટલી જ પ્રેમાળ હતી જેટલી રુશાલી તરફ હતી. થોડીક ટોચ ઉપર થી કોંકણ નિહાળતો જ હતો કે રુશાલી પગથીયું ચૂંકી અને પડી પણ હતી.મારો જીવ અદ્ધર થઇ ગયેલો. પણ સદનસીબે તેણીને કઈ જ વાગ્યું નહિ. કોંકણની સાંજ માં તે જાણે ગાયબ જ થઇ ગઈ. ને ફરી પાછું વળતા મારી આંખો અંતિમ વાર જોવા તરસી ગઈ. અહિયાં અસમંજસ એ હતી કે મારી આંખો વધુ કોને જોવા તરસેલી? કોંકણ ને જોવા કે રુશાલી ને , તે હું નક્કી ના કરી શક્યો. અંતે બંને ની સુમધુર યાદો સંગ્રહવી જ રહી. એક સંસ્કૃતિ ની ઓળખ આપણી હજી કાચી હોય તેમ મને લાગ્યું. હજી જાણવાની, તેને માણવાની મને ઈચ્છા હતી. હું તો પ્રેમ માં જ પડી ગયો.

તમને પણ આ મધુર સફર ગમી હશે. કોંકણ જરૂરથી ફરજો. અને તેના પ્રેમમાં પણ પડજો. એક સંસ્કૃતિ કે જે હજારો વર્ષથી સાચવાયેલી છે તેને પ્રેમ માં પડવાની મઝા જ કૈંક અલગ છે. રુશાલી ના પ્રેમમાં પણ પડ્યાનો મને આનંદ છે. પણ મારામાતે પ્રેમ એટલે “Intellectual Love Towards God”.

!!સમાપ્ત!!