ઘુઘવતાં સાગરનું મૌન Sapana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘુઘવતાં સાગરનું મૌન

નેહા પોલીસ સ્ટેશનમાંથી નીકળી. ઘેર પહોંચી ઘરનું વાતાવરણ ઉદાસ હતું. હજુ મહેમાન હતાં. ખાસ કરીને મામા અને મામી અને એમનો દીકરો અને દીકરાની વહુ અને એનાં બાળકો. ઘર ભરેલું હતું. અને નેહાનાં મમ્મી પપ્પા પણ હતાં. નેહા ઘરમાં દાખલ થઈ તો પ્રભાબેન ત્રાસી નજરે એની સામે તાકી રહ્યા. એની આંખોમાં ઉદાસી ડોકિયા કરતી હતી. નેહા પણ ઉદાસ હતી. પણ એક ક્ષણ પણ એમની પાસે બેસવાની હિંમત ન હતી. ગુનાહિત ભાવનાથી પીડાતી હતી. આકાશનાં મૃત્યુનું કારણ એ હતી. એ માં ની પાસે કેવી રીતે બેસે અને શું આશ્વાસન આપે? શું કહે મારા આ હાથે જ તમારા દીકરા નું ખૂન થયું છે!!! ના ના ના. એ નહી કહી શકે. નેહાને આ ઘરમાં શ્વાસ રૂંધાતા લાગતા હતાં. જાણે આ ઘરમાં એનાં માટે ઓક્સિજન જ નથી. આકાશનાં લોહી વાળા ઊંચા થયેલા હાથ ભૂલાતાં ન હતાં. અને આકાશનો પડતો દેહ અને પોતાનાં ધ્રૂજતાં હાથમાં પિસ્તોલ.. જાણે આ દ્રશ્ય નજર સામેથી હટતું જ ન હતું.

એ ચૂપચાપ પોતાનાં રૂમ માં જતી રહી. આકાશની એકલી કડવી યાદ ત્યાં એની પ્રતીક્ષા કરી રહી હતી. જિંદગી એ કેવા દાવ ખેલ્યા. એ દાવમાં મારી હમેશા હાર થઈ. શું મને જિંદગી જીવતાં ના આવડયું કે મારા ભાગ્યમાં આ બધું લખેલું હતું. નેહા તો એક ચંચળ હરણી જેવી હતી. નિર્દોષ અને ભોળી. ઊડતાં પતંગિયા જેવી. આ શું થયું??? એ પોતાનાં હાથ ખૂન થી રંગી બેઠી. કોને દોષ આપું?? સાગરને, આકાશને, ઈશ્વરને કે ભાગ્યને? કે મારી જાતને? નેહા તને જીવતાં આવડ્યું નહીં. કોઈને સુખી ના કરી શકી ન તો સાગરને ન તો આકાશને નતો મમ્મી પપ્પા ને કે ના તો પ્રભાબેનને! કેવી અભાગણી છે તું?? નેહાને રડવું હતું પણ ના રડી શકી. આંસું જાણે સુકાય ગયા હતાં. હૈયાના રણ સળગતાં હતાં.. એ સુંવાળી પથારીમાં આંખો બંધ કરી ને પડી રહી. આ સુંવાળી પથારી એને કાંટાની જેમ ખૂંચતી હતી. આ પથારીમાં આકાશ એનાં દેહ સાથે કેટલી વાર રમ્યો છે. ફક્ત શારીરિક સુખ માટે . એમાં પ્રેમ ના હતો...એ જોરથી આંખો બંધ કરી પ્રેમની એક પળ શોધવાં પ્રયત્ન કરતી રહી. પણ અંધકાર માં ભટકવા છતાં એ ક્ષણ ના મેળવી શકી. એને આકાશની ગેરહાજરી જરાં પણ સાલતી ન હતી. એનાં મોતનું પણ એટલું દુઃખ ના હતું જેટલું પોતાના હાથે પાપ થયું એનું હતું. નેહા આંખો બંધ કરી પડી રહી. આકાશનાં મોતથી આ રૂમ માં અદ્દભુત શાન્તિ હતી. ન કોઈ મહેણા ટોણા મારવાવાળું હતું. કે ના કોઈ એની સામે શકથી જોવાવાળું હતું. ન કોઈ માનસિક ત્રાસ અને બળ બળતાં શબ્દોનો ડામ હતો. સારું લાગતું હતું... નેહાનાં ચહેરા પર પહેલીવાર આકશનાં મ્રુત્યુ પછી આછું સ્મિત આવ્યું.

બે દિવસ પછી સાગરને ન્યાયાલયમાં હાજર કરાશે. ત્યારે હું કોર્ટમાં મારો ગુનો કબૂલ કરી લઈશ. મેં ગુનો કર્યો છે સજા મને મળવી જોઈએ. સાગર શું કામ સજા ભોગવે.. અને સાગરની પત્ની બાળકો બધાંનાં જીવન હવે હું બરબાદ નહી થવાં દઉં. ક્યારેય નહી. એ ઊભી થઈ અને રસોડામાં ગઈ. રમાબેન એને સારી રીતે સમજતાં હતાં. જાણતાં હતાં કે આ ઘરમાં નેહાની હાલત કેવી હતી. આકાશનાં સ્વભાવને પણ જાણતાં હતાં. કામ કરવા વાળા માણસો ક્યારે ઘરનાં સભ્ય બની જાય છે એ ખબર પડતી નથી. વળી રમાબેન તો જ્યારથી એ ઘરમાં વહુ બનીને આવી ત્યારથી ઓળખે છે. રમાબેને જ્યુસ આપ્યો. અને કહ્યુ," નેહાભાભી, જમી લો અહીં કોઈ તમને ખાવા પણ નહીં પૂછે." જ્યારે પહેલીવાર રમાબેને એને મેમસાબ કહી બોલાવી ત્યારે નેહાએ એને કહ્યુ હતું કે તમારે મને મેમસાબ નહીં કહેવાની. નેહાબેન કે નેહાભાભી કહેજો. યારથી રમાબેન નેહાને ભાભી કહીને બોલાવતાં.

નેહાએ માથું ધુણાવી ના કહ્યું. જ્યુસ પી ને એ મમ્મી પપ્પા જે રૂમ માં ઉતરેલા એ રૂમ માં આવી. આશાબેન આરામખુરશી માં બેઠેલાં. એ મમ્મી પાસે નીચે જમીન પર બેસી ગઈ.મમ્મી ચૂપચાપ એનાં સુંવાળા વાળમાં હાથ ફેરવતાં રહ્યા. પપ્પા પથારીમાં બેઠા હતા. નેહા બોલી" મમ્મી તમે લોકો જમ્યાં? આશાબેન બોલ્યાં,"હા, રમાબેન થાળી આપી ગયાં હતાં. ખબર નહી તારાં સાસુ જમ્યા કે નહી? નેહા તારે તારી સાસુ પાસે બેસીને જમાડવા જોઈએ. બેટા, થોડા કડવા વેણ સહન કરી લે.તારી માની વાત માની લે. અને સાસુનો પ્રેમ જીતી લે. આકાશ કુમારે તો સુખ ના આપ્યું પણ સાસુની સેવા કરી લે પ્રભાબેન ખરેખર દિલ નાં ખૂબ સારાં છે.."

પણ નેહા ક્યાં દિલની વાત કરી શકતી હતી. પ્રભાબેન સારાં છે પણ જ્યારે એમને હકીકતની ખબર પડ્શે ત્યારે મારો સાથ આપશે ?? કોઈ માં સાથ આપે? પોતાનાં દીકરાની ખૂનીને માફ કરી શકે? નેહા કશું બોલી શકી નહીં. સુની સુની આંખોથી બારીની બહાર તાકી રહી. મમ્મીનાં ખોળામાં માથું હજું રાખેલું હતું.

બહાર એક પંખી આઝાદી થી આકાશમાં ઊડી રહ્યુ હતું. માનવ પોતાનાં બનાવેલાં સમાજનાં નીયમોથી પોતાનાની જ સ્વતંત્રતા ખોઈ બેસે છે. આપણે બધાં જ પ્રકૃતિના સર્જન છીએ પણ આ પંખીઓ અને આ પ્રાણીઓ કેવાં આઝાદીના શ્વાસ લે છે જ્યારે માનવ.માનવ...મમ્મીને કઈ રીતે કહું કે મારે હાથે કેવું ઘોર પાપ થયું છે એક જીવ હત્યા અને એ પણ મારા સુહાગની! ના ના આ સમય નથી આ વાત કરવાનો.

નેહાએ પપ્પા સામે કરુણાથી જોયું..ત્યાંથી ઊઠી પ્રભાબેન પાસે આવી." બા તમે જમ્યા? પ્રભાબેન પણ એક સ્ત્રી હતાં.. નાજુક હ્રદય ધરાવતાં.. આંખો છલકાઇ ગઈ.. પ્રભાબેન પણ જાણતાં હતા જે દુઃખ નેહાએ ઉઠાવ્યા હતાં. એ પ્રભાબેન પાસે બેસી પડી અને બન્ને હાથ એમને વીંટાળી રડી પડી... પ્રભાબેન એનાં માથાં પર હાથ ફેરવતાં રહ્યા. રૂમ માં ફક્ત બે સ્ત્રીઓનાં ડૂસકાં સંભળાતા હતાં. બન્ને નાં રડવાનાં કારણો જુદાં જુદાં હતાં.