Ghugavta sagar nu maun books and stories free download online pdf in Gujarati

ઘુઘવતાં સાગરનું મૌન - 1

સાગરના કિનારે બેસી નેહા સાગરને ઘૂઘવતો માણી રહી હતી.સાગરના ગહન પાણીમાં કેટલી વાતો છૂપાઈ હશે...સાગરને કિનારે બેસી કેટલાય પ્રેમી પંખીડા
પોતાની પ્રેમભરી કહાની સંભળાવી જતા હશે. પણ સાગર પોતાના હ્રદયમાં બધાંની મથામણો છૂપાવી દે...મૌન સાગરના હ્રદયમાં કેટલી વાતો ઊછાળા મારે છે.કોઈ કલ્પી શકતુ નથી.
નેહા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ..પ્રોઢા અવસ્થામાં પહોંચેલી નેહા હજી પણ સુંદર દેખાતી હતી. જવાનીની એની સુંદરતાની ચાડી એનાં ઘૂંઘરાળા વાળ અને કમનીય દેહ ઉચ્ચ વક્ષ...અણીયાળી આંખો..ગોરું ચંદ્રમા સમુ વદન ખાતુ હતું..આજ ઘણાં સમયે લગભગ પચીસ વરસે સાગરને મળવાની હતી.કેવી રીતે જુદા થઈ ગયાં સમજ પડી ન હતી. નેહાએ એકદમ જોરથી આંખો મીંચી દીધી..જાણે ભૂતકાળમા ડોકીયું કરવા માંગતી હોય...અને ખરેખર સામે સૌમ્ય શાંત ધીર ગંભીર સાગર આવી ગયો...અને એ પચીસ વરસ પહેલાની નટખટ નેહા બની ગઈ. કોલેજમાં પતંગિયાની જેમ ઊડતી..મજાક મસ્તી હલ્લા ગુલ્લા.અને સાગર ..એકદમ ગંભીર..શાંત..કામથી કામ...એનાં દિલમાં ઉતરવું ખૂબ અઘરું હતું. કારણકે દિલમાં તો આંખોનાં માર્ગે જવાય ને અને એ આંખ ઊંચી કરીને જોતો જ ન હતો. હજારો નખરા થયાં..હજારો બહાના શોધ્યાં પણ વાત આગળ વધતી જ ન હતી..પણ નેહા પણ ક્યાં છોડે એવી હતી...

હા એ દિવસ બરાબર યાદ છે નેહાને.. એની કોલેજ બીજી કોલેજ સાથે ક્રિકેટ રમતી હતી..સાગર કેપ્ટન હતો.કોલેજની બધી યુવતીઓ કોલેજના યુવાનોને પ્રેરણા આપવા માટે ચિયર ગર્લ્સનું કામ કરી રહી હતી. નેહા બ્લ્યુ રંગના ટૂંકા ફ્રોકમાં શોભી રહી હતી.એનો ગોરો વાન અને બોબ હેરમા એનો ચહેરો ચંદ્રની જેમ દમકી રહ્યો હતો. જ્યારે જ્યારે સાગર છ્ક્કો મારતો એ બેન્ચ પરથી ઊભી થઈને તાળીઓ પાડતી..એની કોલેજ જીતી ગઈ..એ એકદમ સાગરની સામે ધસી ગઈ...અને સાગરનો હાથ પકડીને કહેવા લાગી, "અભિનંદન સાગર, તે કોલેજનું નામ રોશન કર્યુ...અભિનંદન દિલથી."સાગરે પહેલીવાર નેહાની આંખમાં જોયુ.શરમાઈને હાથ છોડાવી લીધો..પણ આંખોએ કામણનું કામ કર્યુ..હવે સાગર આવતા જતા તીરછી નજરે નેહાને જોયા કરતો. અને નેહા ખડખડાટ હસી પડતી..કેટલી ચંચળ હતી..સાગર ધીમુ હસી લેતો..સ્મિત અને નજરુની આપ લે થયાં કરતી..અજનબી હતાં બન્ને પણ હવે અજનબી નહોતા લાગતાં.આંખો આંખોમાં હજારો વાતો થઈ જતી અને રિસામણાં મનામણા પણ થતાં..ક્યારેક નેહા સાગરને ચિડવવા..છૂપાઈ જતી તો સાગર મીઠો ગુસ્સો કરી લેતો અને કલાકો સુધી નેહા સામે જોતો નહી નેહા વિહવળ બની જતી. અને આંખોથી માફી પણ માંગી લેતી...

અને જ્યારે એની મિત્ર અવનીના લગ્ન લેવાયા એ દિવસ રાત અવની સાથે રહેતી હતી. અને સાગર અવનીનો પિત્રાઈ ભાઈ હતો..વારમવાર એક બીજાં સાથે મુલાકાત થઈ જતી..અને હા જ્યારે અવનીના ફેરા ફરાયા..બન્નેની નજર એકાબીજા પરથી હઠતી ના હતી...અને નેહાનું દિલ સાગર પાસે જઈને વસી ગયું..કેટલાં વહાલા એ દિવસો હતા..એક ક્ષણ પણ સાગરના વિચાર વગરની ન હતી..બસ સાગર.. સાગર.. ...સાગર.. અને સાગર પણ ક્યાં ઓછો દિવાનો હતો...હર ક્ષણ નેહાનો ઈન્તેઝાર..નેહા એના મગજ પર કબજો કરી બેઠી હતી...

"હાય, કેમ છે?" સાગરનો શાંત અવાજ સાંભળી નેહા જાણે સપનાંમાંથી જાગી પડી..સાગર કિનારેથી ઊઠવા પ્રયત્ન કર્યો પણ સાગર એની પાસે આવી બેસી ગયો...કેટલા વરસ પછી જોયો..સાગરને..છ ફૂટનો સાગર એવો જ લાગતો હતો કે પછી એ સાગરને પચીસ વરસ પહેલાનો જે છોડી ગઈ હતી એજ જોવા માંગતી હતી..હા કાળા વાળ થોડાં સફેદ થયાં હતાં..મધુર ધીમું સ્મિત એજ હતું.. આંખોમાં એજ સાગર ઊછળતો હતો...નેહા બસ નજર હટાવી ના શકી...સાગર...સાગર...તને વિંટળાઈ જાઉં સરિતાની જેમ..પણ હાય આ બંધન સમાજનાં...જીવવા નહીં દે મરવા પણ નહી...નેહા એક એક પથ્થર લઈ પાણીમાં ફેંકતી રહી..સાગર પાણીંમાં ઊઠતા તરંગો..જોતો રહ્યો..નેહાનાં મનમાં ઊઠતાં તંરગોને મેહસુસ કરતો રહ્યો...


નેહા સાગરમાં પથ્થર ફેંકતી રહી.એનું મૌન સાગરને અકળાવી રહ્યું હતું..પણ એનાં હોઠ પણ સીવાઈ ગયાં હતાં એને પણ સમજ નહોતી પડતી વાતની શરૂઆત કેવી રીતે કરવી.એ પણ સાગરમાં ઊછળતાં મોજાને તાકી રહ્યો હતો.નેહાની કાંકરીની કોઈ અસર સાગરના પાણીને થતી ન હતી.લાગણીઓનું પણ કદાચ આવું જ હશે.જીવનનાં નાનાં મોટા પ્રત્યાઘાતોનાં પથ્થર દિલ ઉપર પડ્યાં કરે અને દિલ સાગરની જેમ જીલ્યાં કરે..કેટલાં ઝાટકાઓ સહન કરે પણ ચાલ્યા જ કરે ઘડક્યા જ કરે જે સમયે ઈચ્છા હોય કે બસ આ સમયે ધડકન બંધ થઈ જાય એ સમયે વધારે જોરથી ધડકે...સાગરને પણ થયું બસ આ મારી આખરી પળ હોય બસ ધડકન બંધ થઈ જાય ..પણ દિલ તો વધારે ધડકવા લાગ્યું..

નેહાએ મને અચાનક કેમ બોલાવ્યો હશે? કૈંક કહેવું હશે કે વરસો પહેલાનો ગુસ્સો ઉતારવો હશે? કૈક તો બોલ નેહા.આ મૌનથી તો મારાં શ્વાસ રુંધાઈ રહ્યા છે. પ્રેમ છૂટતો નથી ચાહે પ્રેમી છૂટી જાય. નેહાને જોઈને એનું મન પ્રેમથી તરબતર થઈ ગયું પણ મન ઉપર અંકુશ રાખી બેઠો હતો.નેહાએ પોતાની નાની કાળી પર્સમાંથી એક ટિસ્યુ પેપર કાઢી ને આંખો લૂંછી લીધી.સાગરે પહેલીવાર એની આંખ સાથે આંખ મેળવી...એજ નેહા હતી ..એજ સુંદરતા..પણ આ સુંદરતામાં ઉદાસી ભળી હતી. આવી ઉદાસ આંખો પહેલા ન હતી..એ તો કેટલી ચંચળ અને નટખટ આંખો હતી..વાત વાતમાં હસતી આંખો..એ હસતી એના કરતાં એની આંખો વધારે હસી પડતી..આ શું થયું નેહા..નેહા..તારી આંખો આટલી સુની આટલી ઉદાસ કેમ છે? પણ શબ્દો હોઠો પર અટકી ગયાં બહાર આવતા જ નથી.ગળામાં ડૂમાઓ ભરાઈ ગયાં.નેહાએ ધીરેથી પોતાનો હાથ સરકાવ્યો અને સાગરનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

ગુંગળાયેલા શબ્દો બહાર નીકળ્યાં," સાગર, મારી યાદ આવતી હતી?" સાગરે હકારમાં ગરદન હલાવી.."તો મારી પાસે કેમ ના આવ્યો? મને કેમ ના બોલાવી ફોન પણ ના કર્યો. તું ભૂલી જ ગયો...મારી યાદ ના સતાવી મારાં પ્રેમને તે દિલથી મીટાવી દીધો!!" નેહાનો અવાજ તરડાઈ ગયો..એણે સાગરનો હાથ કસકસાવીને પકડી રાખ્યો હતો. સાગરે હળવેથી એનો હાથ પંપાળ્યો અને કહ્યુ, "શાંત થઈ જા નેહા તને હું કદી નહી ભૂલું અને તારો પ્રેમ છીપમાં જેમ મોતી સચવાઈ છે એવી રીતે મેં મારાં હ્રદયમાં સાચવી રાખ્યો છે. જ્યારે તારી યાદ આવે મારો હાથ છાતી પર રાખું છું અને ખૂબ નજદીક અનુભવું છું..પચીસ વરસ થયાં પણ એવી કોઈ ક્ષણ મારાં જીવનમાં નથી કે તું મારી સાથે ના હોય. ભગવાને આપણાં રસ્તા અલગ કર્યા છે આપણાં મન નહીં.અને પગલી પ્રેમ એ ખુશીનો પ્રસંગ છે દુખનો નહીં." કહી એની આંખો પ્રેમથી લૂછી નાંખી.નેહા શાંત થઈ ગઈ.ફરી બન્ને વચે મૌન છવાઈ ગયું.

સાંજ ઢળતી હતી..સૂરજ દૂર દરિયામાં ડૂબવાની તૈયારી કરતો હતો..હવાની આછી લહેર નેહાનાં વાળ સાથે અડપલા કરતી હતી. નેહાની સુગંધ સાગરના શ્વાસોને ભીજવતી હતી. આછાં પ્રકાશમાં નેહા ખૂબસૂરત લાગતી હતી. આછા કેસરી રંગની રેશમી સાડીમાં મીરા જેવી દેખાતી હતી.ગળામાં પહેરેલી પાતળી સોનાની સેર અને જરાક લાંબા એવાં કાનનાં ઝૂમખા અને આંગળીમાં મોટા હીરાની વીંટી એ જ બોબ વાળ અને કુમાશવાળા ગુલાબની પાંખડી જેવાં હોઠ અને અણીયાળી આંખો..ઉદાસીમાં પણ નેહાનું સૌંદર્યમાં ઊણપ આવી ન હતી. કે પછી પ્રેમીની નજરમાં ઊણપ નથી આવતી? પ્રેમથી નીહારતા પ્રેમીને પ્રેમીકામાં ઊણપ ક્યાંથી દેખાય??

હજું સાગરનો હાથ પકડીને નેહા બેઠી હતી. જાણે કદી નહી છોડે એવું લાગી રહ્યુ હતું. અચાનક નેહાના હાવભાવ બદલાઈ ગયાં.એણે નેહ ભરી નજરથી સાગરને જોયો..અને અચાનક એનો હાથ ચુમી લીધો અને કહ્યુ," મારી એક વાત માનીશ સાગર?"સાગરે મંદ સ્મિત કરીને કહ્યુ," બોલ શું વાત?" નેહા બોલી,"હું બે દિવસ શહેરમાં છું, ચાલ કોઈ હોટેલમાં જઈને રહીયે..!!!" સાગરે ધીરેથી હાથ છોડાવી લીધો અને કહ્યુ," નેહા, આ બરાબર નથી..તારા પતિ અને મારી પત્નીને જાણ થઈ જાય તો ખૂબ અનર્થ થઈ જાય, અને વળી નૈતિક રીતે પણ બરાબર નથી."નેહાનું મુખ શરમથી લાલ થઈ ગયું. થોડીવાર મૌન રહી.પછી સ્વસ્થ થઈને કહ્યુ," ચાલ સાગર આપણે જઈએ." પણ શરમથી એની આંખો જમીન ખોતરી રહી હતી.ફરી અટકીને બોલી," મારે તને જીવનની સચ્ચાઈ બતાવવી હતી. તું જે વિચારે છે એવું કાંઈ મારાં દિલમાં નથી. મારે તને મારી કથની સંભળાવવી હતી.તારા સાથની સુગંધ મારી સાથે લઈ જવી હતી..જેને સહારે હું જીવન આખું પસાર કરી દેત...ચાલ કાંઈ નહી મારાં નસિબમાં એ વાત પણ નથી..જ્યારે આટલું સહન કર્યુ છે તો થોડું વધારે ..મારે તારી પાસે કોઈ અપેક્ષા રાખવી જ ના જોઇએ.."ફરી નેહાની આંખો વહેતી થઈ ગઈ...કપાળમાં કૂવો ..કોઈ શું કરે?

સાગરે એનો હાથ પકડી લીધો.."ચાલ તારી ઈચ્છા પણ હું પૂરી કરીશ"..બન્ને બીજા દિવસે હોટલ હોલીડે ઈન માં મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં..સાગર ક્યાય સુધી નેહાની પીઠને તાકી રહ્યો..નેહાએ આવું કેમ કર્યુ હશે? એવું શું કહેવું હશે? એ સુખી લાગતી નથી..મેં એની સાથે ખૂબ અન્યાય કર્યો..મારે એનાં દુખ જાણવા પડશે. સાગર આંખનાં ઝળઝળીયા લૂછતો રિક્ષામાં બેસી ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED