છિન્ન Rajul Kaushik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છિન્ન

વીશ યુ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી , સંદિપ.

શ્રેયાએ ઉંઘતા સંદિપના ગાલે હળવુ ચુંબન કરી લીધુ.અને બીજી ક્ષણે સંદિપે બેડમાંથી ઉભી થવા જતી શ્રેયાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી.

આજે સાંજે નથીંગ ડુઇંગ, હું અને તું ડીનર સાથે લઇશું.

અરે વાહ! પોતાના મનની વાત સંદિપના મોઢે? ચાલો સવાર તો સારી ઉગી. આગલા દિવસનુ ટેન્શન ભુલાઇ ગયું .મનથી મુંઝાતી શ્રેયાને હાશકારો થયો. બાકી તો એને લાગતુ નહોતું કે વાત સાવ આમ સહેલાઇથી પતી જશે.

હમણાંથી સંદિપ વધુ ને વધુ જાણે રિસાળ બની ગયો હતો. પહેલાની એની બે-ફિકરાઇ , વાતને હળવી રીતે લેવાનો સ્વભાવ બદલાતો હતો. શ્રેયાના જરાક નાના અમસ્તા નકારને પણ એ સહી શકતો જ નહોતો. અને કલાકો સુધી બોલ્યા વગર બેસી રહેતો. ઓફીસમાં પણ એને કામ કરવાનો મુડ રહેતો નહી. આ વળી નવી વાત.અંગત પ્રોબ્લેમને કામ સાથે સાંકળવાની ક્યાં જરૂર? અંગત સમસ્યાઓ અંગત જ રહેવી જોઇએને? અંતરમાં ગમે તેટલો ભૂચાળ ચાલતો હોય પણ એનો હચરકો બહાર બીજા સુધી પહોંચે નહી એટલો તો પોતાની પર કંટ્રોલ હોવો જોઇએ ને?

સાંજ ખરેખર સરસ રહી. ઘણા સમયે જાણે એકબીજાની નિકટતા ફરી એકવાર જીવાતી ગઈ. આમ જોવા જાવ તો પ્રોબ્લેમ જ ક્યાં હતા અને આમ જોવા જાવ તો એના સોલ્યુશન પણ ક્યાં હતા ? બસ એક નાનુ અમસ્તુ અંતર તો હતુ બંનેના સ્વભાવમાં , બંનેના વિચારોમાં અને અમલમાં .પણ ક્યારે એ નાનુ અમસ્તુ અંતર ,એ નાની અમસ્તી ફાટ ક્યારે મોટી ખાઇ બનીને વિસ્તરતી રહી એની કોઇને ખબર ના રહી.

એ દિવસે સંદિપ બહાર સાઇટ પર હતો અને શ્રેયા ઓફીસમાં .ખાસ કોઇ કામ ન હોય ત્યારે શ્રેયા હજુ પેઇંન્ટીંગ કરી લેતી.એના માટેનો એ સૌથી વધુ ઉત્તમ સમય હતો જેમાં પોતાની જાતને પોતાની રીતે વ્યક્ત કરી શકતી. એની જાત સાથે સંવાદ રચી શકતી . આ એક એવો શોખ હતો જેના લીધે એને ક્યારેય એક્લતા લાગતી જ નહીં .એવા એકાંત માટે એ તલસતી જેમાં એ પોતાની જાત સાથે ઐક્ય સાધી શકે.

સંદિપે ધસમસતા ઓફીસમાં આવીને શ્રેયાના હાથમાંથી બધુ જ પડતુ મુકાવીને ઓફીસમાંથી બહાર લઈ ગયો. કારમાં બેસીને કાર સીધી હાઇવે કર્ણાવતી ક્લબ તરફ લીધી. શ્રેયાનુ આશ્ચર્ય વધતુ જતુ હતુ. એક વાત તો એને સમજાઇ ગઈ રહી હતી કે એ કોઇ વાતને લઈને ખુબ ખુશ હતો.કોઇક તો વાત હતી જે એ શ્રેયા સાથે શેર કરવા માંગતો હતો.

સંદિપને એસ.જી હાઇવે પર બનતી નવી થ્રી સ્ટાર હોટલના ઇન્ટીરીયરનુ કામ મળ્યુ હતુ. એના માટે એ ખુબ મોટો પ્રેસ્ટીજ ઇસ્યુ હતો.શ્રેયા પણ ખુબ ખુશ થઈ ગઈ.વ્હાલથી સંદિપનો હાથ પકડીને હળવુ ચુંબન કરી લીધુ. કોન્ગ્રેચ્યુલેશન સંદિપ, i am too happy and very proud of you.પછીતો આખા રસ્તે આ પ્રોજેક્ટને લઈને વાતો થયા કરી.શ્રેયાએ ખુબ ઉત્સાહપૂર્વક પુછ્યા કર્યુ, સાંભળ્યા કર્યુ.

"સંદિપ, એક વાત કહુ? આ વખતે પ્લીઝ પહેલેથી તકેદારી રાખજે, પાછળથી દર વખતની જેમ ટેન્શન ,દોડાદોડી કે ઉજાગરા ના થાય...."

... એક જોરદાર બ્રેક અને પછી ઝાટકા જોડે ગાડી ઉભી રહી ગઈ.

"નોટ અગેઇન , પ્લીઝ ડોન્ટ સ્ટાર્ટ નાઉ ઓલ ધેટ એટ લીસ્ટ નોટ ફોર ધીસ મોમેન્ટ."

શ્રેયાથી જીભ કચરાઇ ગઈ.સંદિપનો મુડ એકદમ ખરાબ થઈ ગયો. એક પળ અને એણે ગાડી ઘર તરફ પાછી વાળી લીધી. ગુસ્સાથી તમતમતો ચહેરો જોઇને શ્રેયા ડઘાઇ ગઈ.શું કરે એ? એતો બે બાજુથી ભિંસાતી હતી. જો કઈ બોલે નહી અને હંમેશની જેમ જ પુનરાવર્તન થયા કરે તો એને દુ;ખ થતુ કે એણે કેમ સંદિપનુ ધ્યાન ના દોર્યુ. સંદિપના મુડને લઈને જે રીતે કામમાં અવરોધ ઉભા થતા અથવા ક્યારેક એનો કામ પર ચડવાનો મુડ ન હોય ત્યારે શ્રેયાને અંદરથી સતત ટેન્શન રહ્યા કરતુ અને એને એમ થતુ કે છેવટે એક વાર સંદિપને કહી તો જોવા જેવું જ હતુ. પણ જો બોલે તો તો વાત જ વણસી જતી.

ઘરે પહોંચીને સંદિપ સીધો જ બેડરૂમમાં ઘુસી ગયો અને શ્રેયાના લાખ વાના છ્તાં બહાર જમવાના ટેબલ પર ના આવ્યો. છેવટે શ્રેયા એકલી જ નીચે આવી.

નયનભાઇ અને વિભા બહેનનુ ઘરમાં કયારેક ઉચક મન લઈને ફરતા ઉભય પર ધ્યાન તો જતું જ હતું. અને એમાંય વિશેષતો નયનભાઇના કારણકે ક્યારેક આવુ બનતું ત્યારે ઘર હોય કે ઓફીસ શ્રેયા તો સ્વસ્થતાથી કામે લાગે જતી પણ સંદિપ ઉખડેલો ઉખડેલો રહેતો. આજે તો એકદમ ઘેર પાછા આવ્યા ત્યારે તો શ્રેયાના ચહેરા પર તણાવ દેખાયો હતો. જો કે એ નીચે આવી ત્યારે પુરી સ્વસ્થતાથી નયનભાઇ અને વિભાબહેન સાથે જમવા બેઠી, સંદિપને ઠીક નથી એટલે ઇચ્છા થશે તો મોડેથી જમશે એમ કહીને વાત વાળી લીધી.

ઘણા વખતથી બંને જણ વચ્ચે ઉભી થતી તંગદિલી ગમે તેટલી ઢાંકવા છતાં પણ ડોકાયા વગર ક્યાં રહેવાની હતી? સંદિપના ઘર પુરતી જ આ ક્યાં વાત હતી? હવે તો શ્રેયાના ઘર સુધી એની ઝાળ પહોંચી જતી.ક્યારેક શ્રેયાના ઘેર જવાનુ આવતુ ત્યારે બને ત્યાં સુધી આવી તંગ પરિસ્થિતિમાં એ જવાનુ જ ટાળતી કારણકે એ તો બધાની વચ્ચે સ્વસ્થ રહી શકતી પણ સંદિપની વર્તણુક ચાડી ખાઇ જતી.કાયમનો બોલકો સંદિપ ખપ પુરતુ કે શુન્યમનસ્ક થઈને બેસે તો કોના ધ્યાન બહાર રહેવાનું હતું?

જો કે બે-ચાર દિવસ પછી વળી પાછું બધુ ઠેકાણે પડી જતુ અને રાબેતા મુજબ સંદિપ અસલી મિજાજમાં આવી જતો પણ આ વખતે એને મુડમાં લાવવો જરા અઘરો લાગી રહ્યો હતો. બીજા દિવસની સવારે એ ઉઠ્યો ત્યારે હંમેશની જેમ શ્રેયાએ એને ગુડ મોર્નીંગ કહ્યુ પણ એને સામે જવાબમાં રોજીંદા ઉમળકાનો અભાવ વર્તાયો. સંદિપ એના સમયે તૈયાર થઈને ઓફીસે જવા નિકળી ગયો. શ્રેયાને ડૉ. દિવાનના બંગલા પરની સાઇટ પર જવાનુ હતુ એટલે લગભગ આખો દિવસ તો એમને સામસામે મળવાની શક્યતા હતી જ નહીં . આવુ ક્યારેક બને ત્યારે દિવસમાં બે-ચાર વાર તો મોબાઇલ પર વાત કરી લેતા સંદિપનો એક્વાર પણ મોબાઇલ રણક્યો નહી. અને શ્રેયાએ મોબાઇલ જોડ્યો તો સતત રીંગ વાગતી રહી. કોલર ટ્યુન સતત રણકતી રહી.

જબ કોઇ બાત બિગડ જાયે , જબ કોઇ મુશ્કિલ પડ જાયે

તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ...

આ ટ્યુન સંદિપે એના અને શ્રેયાના મોબાઇલ પર સેટ કરી હતી .બંને ને ખુબ ગમતુ હતુ આ ગીત.સંદિપને ખુબ શોખ હતો આવી જુદી જુદી રીંગ ટોનનો. એના અને શ્રેયાના મોબાઇલ પર એ જ બધુ સેટ કર્યા કરતો અને સંભળાવતો..

જો શ્રેયા , તારામાં હમ સાથ સાથ હૈ ના

યે તો સચ હૈ કે ભગવાન હૈ

હૈ મગર ફિરભી અન્જાન હૈ .ધરતી પે રૂપ મા-બાપકા ઉસકે ધાગાકી પહેચાન હૈ

ગીત ની રીંગ ટોન વાગે તો સમજી જવાનુ તારા મમ્મી કે પપ્પાનો ફોન છે.

જુદા જુદા ગ્રુપ માટે અલગ રીંગ ટોન સેટ કર્યા છે એટલે જોયા વગર પણ તને ખબર પડી જશે કે કોનો ફોન છે.

મોબાઇલ જ શ્રેયા એને સોંપી દેતી. તારે જેટલા નંબર નાખવા હોય જે રીંગ ટોન સેટ કરવા હોય એ તુ કર્યા કર , આ મારુ કામ જ નહી, મારે તો બસ ફોનની રીંગ વાગે અને વાત થાય એટલુ બસ છે.અને ખરેખર શ્રેયામાં એટલી ધીરજ જ નહોતી અને સંદિપને ખુબ શોખ હતો એને ખુબ મઝા આવતી આવા બધામાં..

"જો શ્રેયા આ મિશન ઇમ્પોસીબલનું મ્યુઝીક સાંભળ્યુ? કોનામાં નાખુ ?"

શ્રેયા હસી પડતી," તારાથી વધીને કોઇ ઇમ્પોસીબલ મને તો લાગતુ નથી, એમ કર તારામાં જ એ રીંગ ટોન નાખી દે."

"કેમ મેડમ ,અમે તમારુ શું બગાડ્યુ છે? "

સંદિપ મુડમાં હોય ત્યારે શ્રેયાને લાડથી મેડમ કહીને બોલાવ્તો.

"કેમ ભુલી ગયો ? હજુ તો ગયા શનિવારનો તારો છબરડો?"

સંદિપનો સ્કુલના સમયનો ખાસ મિત્ર નિરવ કાયમ માટે અમેરિકા જતો હતો અને એને ડીનર માટે બોલાવ્યો હતો. શ્રેયાને પણ એની સાથે ખુબ ફાવતુ.પ્લાન એવો હતો કે શનિવાર સાંજથી એ આવી જવાનો હતો અને મોડે સુધી સાથે જ રહેવાના હતા. કોને ખબર ફરી ક્યારે મળાય? શ્રેયા એ દિવસે વહેલી સાઇટ પરથી આવીને ડીનરની તૈયારીમાં લાગી હતી જેથી નિરવ અને સંદિપ આવે ત્યારે એ ફ્રેશ થઈને એમની સાથે બેસી શકે.

સાંજે લગભગ છ વાગ્યે શ્રેયાનો મોબાઇલ રણક્યો.

"શું કરે છે શ્રેયા? એક સરપ્રાઇઝ છે તારા માટે. લે વાત કર."

સામે છેડે સંદિપ હતો એ તો શ્રેયાને રીંગ ટોન પરથી જ ખબર હતી પણ હવે કોની સાથે વાત કરવાની છે એ કલ્પના કરે તે પહેલા સામેથી જપનનુ હેલ્લો સંભળાયુ.જપન સેપ્ટના ગ્રુપમાં હતો. આડી અવળી વાત કરીને એણે સંદિપને મોબાઇલ આપ્યો.

"સંદિપ , કેટલી વાર છે ? નિરવ હમણાં આવશે ,યાદ છે ને?"

"યસ મેડમ. બસ અમે હમણાં જ થોડી વારમાં પહોંચીએ."

"આ અમે એટલે?"

"હું અને જપન. એ અહીં મળવા આવ્યો હતો અને મેં એને રોકી લીધો છે, લેતો આવુ છુ એને, આપણી સાથે જમશે.અને એણે આવવાની હા પાડી એટલે મૌલિકને પણ બોલાવી લીધો છે એ આવતો જ હશે."

શ્રેયા ચકરાઇ ગઈ. આમ સાવ જ છેલ્લી ઘડીએ કોઇ જાણ વગર સંદિપે બધુ બદલી નાખ્યુ હતુ. નિરવ સાથે શાંતિથી સાંજ પસાર કરવાના બદલે સંદિપને આ શું સુજ્યુ ? જપન અને મૌલિકતો અહીં જ રહેવાના હતા, એમને તો ફરી પણ ક્યારેક મળી શકાય અને નિરવને તો કોણ જાણે હવે ફરી ક્યારે મળાશે? આ મિંયા મહાદેવનો વળી કેમનો મેળ પાડ્યો?

અને ખરેખર એમ જ બન્યુ. નિરવ આવ્યો તો ખરો પણ જપન અને મૌલિકની હાજરીમાં શ્રેયા અને સંદિપ જોડે સાંજ વિતાવવાનો એનો ઉત્સાહ થોડો મોળો પડી ગયો.

"સોરી, બાબા. ભુલ થઈ , તારી વાત સાચી છે પણ એકવાર કહેવાઇ ગયા પછી કેવી રીતે ના પાડુ? "

રાત્રે જ્યારે નિરવ પણ વહેલો નિકળી ગયો અને જપન-મૌલિકના ગયા પછી સંદિપે પોતાની ભૂલ કબૂલી પણ સાંજ આખી વેરણ-છેરણ થઈ ગઈ એનો શ્રેયાને એટલો તો અફસોસ રહી ગયો કે ના પુછોને વાત. આમ બનતુ ત્યારે છેવટે થાકી ને શ્રેયા હંમેશા કહેતી " સંદિપ, યુ આર ઇમ્પોસીબલ."

***


"શ્રેયા, વ્હેર આર યુ? આર યુ ઓકે? આ મોબાઇલ પકડીને કેમ ક્યારની બેસી રહી છું? એની પ્રોબ્લેમ?"

મિસિસ દિવાને આવીને શ્રેયાને આમ ક્યારની એકદમ સ્થિતપ્રજ્ઞ બેઠેલી જોઇને પુછ્યુ. ડૉ. દિવાનને પુરતો ટાઇમ મળતો નહી એટલે મિસિસ દિવાન જ કામ જોવા આવી જતા.રોજબરોજના નાનામોટા ચેન્જીસ કે અપૃવલ પ્રમાણે શ્રેયા આગળ કામ વધારતી. જો કે લગભગ તો એક વાર ડિઝાઇન નક્કી થયા બાદ ખાસ કોઇ ચેન્જીસ કરવાના રહેતા જ નહી પણ તેમ છતાં મિસિસ દિવાન દિવસમાં એક વાર અહીં આવતા તો ખરા જ.

શ્રેયાએ ઝબકીને પોતાની જાતને સંભાળી લીધી. પણ ફરી સમય મળતા સંદિપને મોબાઇલ જોડ્યા વગર ના રહી શકી. ફરી એનો એ જ ટ્યુન વાગતો રહ્યો.

જબ કોઇ બાત બિગડ જાયે , જબ કોઇ મુશ્કિલ પડ જાયે

તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ...

શ્રેયાએ થાકીને ઓફીસે ફોન જોડ્યો.

"કેમ કંઈ કામ હતુ?"

થોડી રીંગ વાગ્યા પછી સંદિપે ફોન તો લીધો પણ એકદમ સપાટ અવાજે પુછ્યુ.

"મોબાઇલ પર ક્યારની રિંગ મારુ છું ."

"મોબાઇલ ઘેર રહી ગયો છે. "

વળી પાછો એ જ કોઇ ચઢાવ-ઉતાર વગરનો સંદિપનો અવાજ સાંભળીને શ્રેયાને હવે તો ખરેખર વાત બગડી જ નહી પણ વણસી ગઈ હોય એમ હ્રદય પર બોજ લાગવા માંડ્યો. આગળ શું બોલવુ એનીય સુધબુધ જતી રહી અને સાવ દિગ્મૂઢ થઈને ઉભી રહી.

અને સંદિપે ફોન મુકી દીધો. સંદિપ ગઈકાલની વાતને લઈને અતિશય ગુસ્સે હતો. શ્રેયાને એને જે ટકોર કરી એ જ એનાથી સહન થયુ નહોતુ. શ્રેયાને કઈ પણ કહેવાનો એનો અબાધિત અધિકાર તો એણે વણમાગ્યો પહેલેથી જ લઈ લીધો હતો પણ શ્રેયાએ એને શા માટે કઇ કહેવુ જોઇએ? અને તે પણ એક સારી નવી વાત શરૂ થતી હોય ત્યારે? ક્યારેય એને એવુ જરૂરી લાગ્યુ જ નહોતુ કે આગલી ભુલો યાદ રાખવાથી ફરી એની એ ભુલો કરવાથી બચી જવાય.અને શ્રેયા હંમેશા માનતી કે પહેલા જે કઈ ખોટુ થયુ હોય એ ધ્યાન પર રાખી નવેસરથી એક વધુ સારી શરૂઆત કરવી જોઇએ.

સાંજે ઘરે આવીને પણ ખાસ કોઇ વાતમાં રસ લીધા વગર ચુપચાપ જમીને એ સ્ટડી પ્લસ પર્સનલ લાઇબ્રેરી કહો કે ઘરની ઓફીસ કહો એમાં જઈને કામે લાગ્યો. પરવારીને શ્રેયા એની પાછળ ત્યાં પહોંચી તોય એની કોઇ નોંધ લીધા વગર એ એમ જ કામ કરતો રહ્યો.

"સંદિપ, આઇ એમ રિયલી સોરી."

આગલા દિવસે શ્રેયાથી જે જીભ કચરાઇ ગઈ હતી એનો જ આ ગુસ્સો હતો એટલે શ્રેયાએ ખરા દિલથી સોરી કહ્યુ.પણ સંદિપે કોઇ જવાબ આપવાની વાત તો બાજુમાં એની સામે જોવાનુ પણ ટાળ્યુ.

"સંદિપ, પ્લીઝ હવે તો બસ કર. તું હંમેશા કહે છે કે બને તેટલી વાતનો જલદી ઉકેલ લાવવાનો અને હવે તું જ વાત વધારે છે? ક્યાં સુધી આમ બોલ્યા વગર ચાલશે?"

"શું બોલુ? બોલવાનુ તો તારે જ છે મારે તો બસ સાંભળવાનુ જ હોય છે ને? જ્યારે જે મન થાય તે બોલી લેવાનુ બસ , સામા માણસનો તો વિચાર જ નહીં કરવાનો."

"સંદિપ, એવુ તો મેં શું કહી નાખ્યુ કે આમ આડુ બોલે છે? અને કીધુ હોય તો એ તારા સારા માટે કીધુ હતુને? તને ય ખબર છે દર વખતે પહેલેથી પ્લાન ન કરવાથી કે પ્લાન પ્રમાણે પહેલેથી કામ ન કરવામાં કેટલી વીસે સો થાય છે .અને તેમ છતાં ક્યારેય તને મારી વાત સાચી કે બરાબર હોય એવુ લાગ્યુ છે?"

"બરાબર છે. તારી બધી વાત મારે સાચી અને બરાબર છે એમ જ કહેવાનુ હોય છે ને?"

"ના, કહેવા ખાતર કહેવાનુ હું નથી કહેતી. તને ખરેખર સાચી લાગતી હોય તો જ કહેજે."

"સારુ, હવેથી એમ કરીશ બસ."

"સંદિપ, ધીસ ઇસ નોટ ધ વે ટુ ટોક ઓકે?"

"કેમ તેં તો કહ્યુ ને કે વાત ક્યાં સુધી લંબાવવાની , એટલે હવે હુ પતાવવાની વાત કરુ છું ,ધેટ્સ ઓલ."

ઘીસ ખાઇ ગઈ શ્રેયા. વાતને જો સમજણપૂર્વક લેવાની હોય અને સ્વીકારવાની હોય તો બરાબર છે બાકી આમ પરાણે કહેવા ખાતર કહેવાથી વાત પતી નહોતી જતી.પણ અત્યારે સંદિપનો મુડ અને જીદ જોતા આગળ ચર્ચા કરવાનો હવે કોઇ અર્થ પણ રહેતો નહોતો અને ચર્ચા કરે તો પણ કયા મુદ્દા પર? એની વાત ક્યારેય સંદિપને ,એના માનસને , એના સ્વભાવને અનુકૂળ આવે એવુ બન્યુ નહોતુ અને બનવાની કોઇ શક્યતા દેખાતી નહોતી. તો પછી એણે શું કરવાનુ? આમ જ દર વખતની જેમ હથિયાર હેઠા જ નાખી દેવાનાને? કાયમ એમ જ બનતુ ,ક્યાંતો સંદિપ કહે એ એણે સ્વીકારી લેવાનુ અથવા તો સંદિપ વાત જ છોડીને ઉભો થઈ જતો. લગભગ તો ચર્ચાને કોઇ અવકાશ રહેતો જ નહીં.અને ચર્ચા કરવા જાય તો તે સંદિપને માફક આવે એવી વાત હોય તો જ વાત આગળ વધતી નહીંતો એ એકદમ અક્ળાઇ જતો.અને એ એમજ કહીને ઉભો રહી જતો કે ,શ્રેયા ક્યારે તને મારી વાત સાચી લાગે છે કે આજે લાગવાની છે?

શ્રેયાને કાયમ એક વાતનુ દુઃખ રહેતુ. જો એ સંદિપની વાતમાં હાજી પુરાવે તો જ બધુ સમેસુતર ચાલતુ , ક્યારેય જો સંદિપથી વિરૂધ્ધ એનો ઓપિનિયન હોય તો સંદિપને એમ જ લાગતુ કે શ્રેયા ક્યારેય એની કોઇ વાતમાં હા નથી પાડતી. સો સંમતિ નહોતી દેખાતી પણ સામે એકાદ નકારો કે અલગ મત હોય તો એ જ તરત ધ્યાન પર આવી રહેતો.લગભગ એવું જ બનતુ કે સંદિપે એમ જ કઈ નક્કી લીધુ હોય અને શ્રેયાની સંમતિની જ એને અપેક્ષા રહેતી. કોઇવાર શ્રેયાની એમાં મરજી ન પણ ભળે તો એને અકળામણ થઈ આવતી. ક્યારેક અનાયાસે એવુ બનતુ કે કોઇ વાતે ચર્ચા કે ચણભણ થઈ હોય અને એ વાત જો આગળ ન વધી હોય તો દોષનો ટોપલો શ્રેયાના માથે જ આવતો. અને જ્યારે જ્યારે જે કામ સફળતાપૂર્વક પાર પડ્યુ તો જેની ક્રેડિટ તો સંદિપની જ.

અને આજે તો હવે વાત આગળ વધારવાનો કે ખુલ્લા મને ચર્ચા કરવાનો કોઇ અવકાશ રહ્યો જ નહી ત્યારે શ્રેયાએ સંદિપની નજર સામેથી ખસી જ જવાનુ મુનાસીબ માની અને એણે સ્ટડી રૂમ છોડી બેડરૂમમાં જવાનુ ઉચિત માન્યુ.

એ આખી રાત શ્રેયા ઉંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી રહી અને સંદિપ ઓફીસમાં કામ કરતો રહ્યો.