Chhinn books and stories free download online pdf in Gujarati

છિન્ન

૬ વાગ્યાની ઇન્ડિયન એર લાઇન્સ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે શ્રેયા એકલીજ સંદિપને લેવા પહોંચી હતી. માત્ર એ અને સંદિપ હોય એવો થોડો વ્યક્તિગત સમય મેળવી લેવો હતો. એરપોર્ટની બહાર આવતા સંદિપને એ જોઇ રહી. ડાર્ક બ્રાઉન કોડ્રોય પેન્ટ અને એકદમ લાઇટ બ્રાઉન ટી-શર્ટ , પવનમાં ઉડતા કોરા વાળ અને અમેરિકા રહીને થયેલો થોડો ઉઘડતો વાન ,ચહેરા પરની બેફીરાઇ , ઓહ! સંદિપ પહેલા પણ આટલો જ સ્માર્ટ લાગતો હતો કે આજે એને વધુ ધ્યાનથી એણે એને જોયો?

સંદિપે આગળ આવીને ઉમળકાથી શ્રેયાને હળવા આલિંગનમાં જકડી લીધી. એનો વિશ્વાસ સાચો ઠર્યો હતો. જતી વખતે શ્રેયાએ કોઇ જવાબ આપ્યો નહોતો પણ પાછો આવશે ત્યારે શ્રેયાના નિર્ણય બાબતે એને ખાતરી હતી. સામાન ડેકીમાં મુકીને સંદિપે સ્ટીયરીંગ વ્હ્લીલ સંભાળી લીધુ. અને શ્રેયાના આશ્ચર્ય વચ્ચે ગાડી સીધી એણે કામા તરફ લીધી. એક રીતે સારુ લાગ્યુ કે સંદિપ એકલતાની કેટલીક વધુ પળો મળશે.આ ૬ મહિના દરમ્યાન ન કરેલી વાતો, કેટલીક અજાણી અવ્યક્ત થયેલી લાગણી એ એની સાથે શેર કરી શકશે. જોકે આખા રસ્તે એ ચુપ રહી અને સંદિપ આખા રસ્તે કઈને કંઇ બોલતો રહ્યો.

" વેલ કમ બેક ટુ ઇન્ડિયા સંદિપ એન્ડ હાર્ટીએસ્ટ કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ." બંને કામાના બેંક્વેટ હોલમાં જેવા પ્રવેશ્યા કે તરતજ તાલીઓના ગડગડાટ વચ્ચે આખા ગ્રુપ અને નજદીકી પરિવારજનોએ બંનેને વધાવી લીધા.દિગ્મુઢ થયેલી શ્રેયાનો હાથ થામી ને સંદિપ આગળ વધ્યો.

થેન્ક્સ અ લોટ ફોર બીઇંગ વીથ અસ ટુ સેલિબ્રેટ ધીસ મોમેન્ટ.

આ શું? સંદિપ.

ઓહ શ્રેયા ! આઇ એમ સો હેપ્પી એન્ડ ધેટ્સ વ્હાય આઇ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ સરપ્રાઇઝ ....સંદિપ શ્રેયાને લઈને બંનેના પરિવાર તરફ વળ્યો.

એ ખૂબ ખુશ હતો અને શ્રેયા ગુંગળાઇ રહી હતી. ઓ પ્લીઝ સંદિપ , આપણી કોઇ પળો આપણી અંગત ન હોઇ શકે? સાચી વાત છે ખુશી વહેંચવાથી વધે છે પણ પહેલા એ ખુશી ,એ આનંદ મને તારી સાથે તો માણી લેવા દેવો હતો!

પણ આજે સંદિપ કંઇ સાંભળવાના મુડમાં નહોતો. એ મહેફીલનો માણસ હતો .એને એનુ ગૌરવ યારો - દોસ્તો - સાથે શેર કરવુ હતુ. શ્રેયા ખેંચાતી રહી.

અને બસ પછી તો સંદિપની ધાંધલ ધમાલ, મસ્તીના પુરમાં એ હંમેશા વહેતી રહી. કોલેજનો બાકીનો સમય પણ એમ જ પસાર થતો રહ્યો. રિઝલ્ટ, ડીગ્રી કે સર્ટીફીકેટ આવે તે પહેલા બંને પોત-પોતાની રીતે અંગત રીતે પ્રેક્ટીકલ અનુભવ લેતા રહ્યા. અને એક દિવસ લાલ પાનેતરમાં લપેટાઇને અગ્નિની સાક્ષીએ એ શ્રેયા વિવેક શ્રોફમાંથી શ્રેયા સંદિપ પરીખ બની ગઇ.

***

સ્કોટ્લેન્ડની એ હરિયાળીમાં એ લીલીછમ બનતી ગઈ. સંદિપ અહીં સાંગોપાંગ એનો જ હતો. ટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ ,શ્રેયા કહેતી અને અહીં એની અને સંદિપ વચ્ચે કોઇ ક્રાઉડ નહોતું. એકબીજાને પામવાના આયાસોમાં એકમેકમય બનતા ગયા.પુર્ણતાના આરે પહોંચવાની એ અનુભૂતિ ....! આહ આજે શ્રેયાને થતુ હતું કે એનો નિર્ણય યોગ્ય જ હતો. સંદિપને તો વળી વિદેશની ધરતી પરનું આ મુક્ત બંધન -વિહોણુ વાતાવરણ એકદમ જચી ગયું. શ્રેયાને ક્યારેક સંકોચ થઈ આવતો પણ અહીં ક્યાં કોઇ એને ઓળખવાવાળુ હતુ? લજામણીનો છોડ ખીલતો ગયો.

સંદિપ , પપ્પાનો મેઇલ છે . શ્રીજી કોર્પોરેશનની નવી ઓફિસનું ઇન્ટીરિયર કરવા માટે ઓફર મળી છે તને..સામન્ય રીતે શ્રેયા મેઇલ ચેક કરી લેતી અને મેઇલ પર એમની સુખની ક્ષણોમાં દૂર રહીને પણ પરિવારને સામેલ કરી લેતી.

ઓહ! નો શ્રેયા નોટ નાઉ.અમદાવાદ પા્છા જઈએ ત્યારે બધી વાત,

અત્યારેને અત્યારે કોણ તને કામ શરૂ કરવાનુ કહે છે,પણ પ્લીઝ, તુ તારો કન્ફર્મેશન માટેનો જવાબ તો લખી દઇ શકેને? શ્રેયાને થોડી અકળામણ થતી.પણ સંદિપને કોઇ ઉતાવળ નહોતી.

યુરોપને તો એનો પોતાનો આગવો ઇતિહાસ છે તો સાથે અફાટ સૌંદર્યના ખજાનાની અણમોલ ભેટ પણ છે. શ્રેયા , આ બધુ માણવાનુ મુકીને તું કામની વાત અત્યારે ક્યાં માંડીને બેસે છે? આ રોમન સ્ટાઇલનુ બાથનુ કન્સ્ટ્રકશન તને ફરી ક્યારે જોવા મળવાનુ છે? આ વિન્ડસર કેસલ-એડીનબરા પેલેસ, આ સેન્ટ પૉલ ચર્ચની ભવ્યતા , વેલ્સનો આ સ્નોડોનિયા અને લેન્ડ્ઝ એન્ડ્ની આ રમણીયતા ફરી તને અમદાવાદ તો શું પણ દુનિયામાં માં ગમે તેટલુ તુ ફરીશ તો પણ તને શોધી જડવાની છે?

આમ જોવા જાવ તો વાત સાચી હતી.

ઓ કે બાબા, તારી મરજી ,શ્રેયાને એનો આગ્રહ છોડી દેવો પડતો.પણ એટલુ તો એને ચોક્ક્સ થતું કે સામે આવેલી તક જતી તો ના જ કરી શકાય.અને અત્યારે કામ ક્યાં શરૂ કરવાનુ છે? એણે તો બસ ખાલી એની સંમતિ જ દર્શાવવાની છે . લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે એણે જરા આગળ વધીને માત્ર કપાળ પર તિલક કરવા દેવાનુ છે. સંદિપની હા હશે તો એ લોકો સંદિપ માટે રાહ જોવા તૈયાર હતા.

પણ શ્રેયા અંતે તો બધુ ભુલીને સંદિપમય બનતી ગઈ. સ્કોટલેન્ડની એ ધરતી પર સુખની પાંખે સમય ઉડતો રહ્યો.. આગળ વધીને કેટલુ ફર્યા એનો હિસાબ માંડવા બેસે તો માઇલોના માઇલો મુસાફરી કરી પણ કેટલીક યાદો હંમેશ માટે ચિત્ત સાથે જડાઇ ગઈ. નૈસર્ગિક સૌંદર્યની સાથે અંગત રસ જોડાયેલો હતો. બર્મિગહામના એ સિમ્ફની હોલનુ આકર્ષક ઓડીટોરિયમ , એની લાઇટ એન્ડ સાઉન્ડની અદભૂત ક્ષમતા સંદિપને ખુબ અભિભૂત કરી ગયા. વર્લ્ડ હેરિટેજ તરિકે જાણીતા બાથનુ રોમન સ્ટાઇલનુ કન્સ્ટ્રકશન એ બધુ જ સંદિપના રસના વિષયો હતા .વેલ્સના લેન્ડુડમાં વિક્ટોરિયલ એડવર્ડીયન સમયની ભવ્યતા અને લાલિત્યનો સમન્વય સંદિપને અપીલ કરી ગયો .

તો શ્રેયા માટે પણ અહીં ક્યાં કોઇ ખોટ હતી? સ્નોડોનિયાની એ નાનકડી ટ્રેનની ૩૦૦૦ ફિટની ઉંચાઇએથી હલકા ધુમ્મસ વચ્ચે નીચે દેખાતો પેનોરમિક વ્યુ અને સંદિપનો હાથ પકડીને ઉભેલી શ્રેયા પરથી પસાર થતા એ ધુમ્મસભર્યા વાદળ ! જીવનભર એ સ્પર્શ એને યાદ રહી જશે .તો પછી એ કોનવોલના એ લેન્ડઝ એન્ડને ક્યાં ભુલી શકવાની હતી? યુ કે ની ધરતીના છેડા પર આવીને ઉભા હતા બંને જણ . એ દિવસે સમી સાંજે ઢળતા સૂર્યના ઉજાસ પર ધુમ્મસનુ ઘેરૂ આવરણ આવી ગયું. શ્રેયા સાગર કિનારે ઉભી છે કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાતી હતી એનો ભેદ પણ એ કળી શકતી નહોતી. સાગરનો એ ઘુઘવાટ ,લહેરાતા પવનની હળવી થપાટો ,હવાના સૂસવાટાનુ ગજબનુ સંમિશ્રણ કોઇ અજબ મોહિની ફેલાવી રહ્યુ હતુ. શ્રેયા તો બસ એમાં ઓગળતી રહી અને સંદિપ એ પિગળતી શ્રેયાને પોતાના શ્વાસોશ્વાસમાં સમાવતો ગયો.

જીવનના સૌથી ઉત્તમ દિવસો હતા એ. બસ બંને જણ એકમેકમાં ખોવાતા પામતા રહ્યા. જે શ્રેષ્ઠ હતુ તે અન્યોઅન્ય આપતા ગયા.

***

શ્રેયા........સંદિપે પાછળથી આવીને એને એકદમ જકડી લીધી અને હાથમાં એક કવર મુકી દીધુ. શ્રેયાએ એમજ જકડાયેલી રહીને ખોલેલા કવરમાંથી લેટર કાઢયો. રાજપથ હાઇવે પર ખુલતા નવા મોલમાં જ્વેલર શૉ રૂમના ઇન્ટીરીયરનુ કામ સંદિપે શરૂ કરવાનુ હતુ.સંદિપ ખુબ ખુશ હતો. નયનની ઓફીસમાં સંદિપની પોતાની અલગ ચેમ્બરનુ ઇન્ટીરીયર જોઇને એનુ નામ હવે નવા ઉભરતા ઇન્ટીરીયરની કક્ષામાં મુકાઇ રહ્યુ હતું. હનીમુનથી પાછા આવ્યા બાદ આ બીજી મોટી ઓફર હતી. શ્રીજી કોર્પોરેશનની ઓફીસના ઇન્ટીરઈયરનુ કામ તો એ પાછો આવે તે પહેલાં મળી ગયુ હતુ . શ્રીજી કોર્પોરેશનની આખા ફ્લોર પરના એ ઓફીસની જુદી જુદી પાંચે કેબીનમાં ટ્રેન્ડી લુકની સાથે સાવ અનોખી રીતે મોર્ડન ટચનુ કોમ્બીનેશન એણે ઉમેર્યુ હતું. તનિષ્કના શૉ રૂમ માટે આનાથી વધુ ઉત્તમ કોમ્બીનેશન કયું હોઇ શકે? સંદિપ ખુશ હતો. એની સર્જનાત્મકતાને ખીલવા હવે ખુલ્લી રસાળ જમીન જો મળતી હતી! અને આ ઓફરથી એનો આત્મવિશ્વાસ અને થોડે અંશે જાત માટે ગર્વ ઉભો થયો હતો . કારણકે સાવ જ અનાયાસે મળેલી આ પહેલી તકના લીધે મનમાં એક ગુરૂર ઉભો થયો હતો કે હીઇઝ સમથીંગ વેરી સ્પેશીયલ. નહીંતર એની સાથે જ બહાર પડેલા કેટલાય એના કો -સ્ટુડન્ટસ હજુ તો જોબ શોધતા હતા અથવા તો અનુભવ માટે ક્યાંક નાની મોટી ફર્મ સાથે જોડાયા હતા.

હનીમુનની મધુર સફરેથી પાછા વળીને હવે બંનેએ કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રેયાનો ઝોક ઘરના ઇન્ટીરિયર તરફ વધુ હતો. ઘરની વ્યક્તિઓની સંવેદનાને સજાવવી હતી . નાની નાની વાતને લઈને ઘર અને ઘરમાં વસતા -શ્વસતા સંબંધોની દુનિયાને સજાવવી હતી જ્યારે સંદિપને બહારની દુનિયામાં વધુ રસ હતો. વિશાળ ફલક પર એને વિસ્તરવું હતું અને એના માટે આ નવા નવા ખુલતા મૉલ ,નવા શૉ રૂમ , નવી ઓફીસો એની ઉડ્ડાન માટેના ખુલતા આસમાન સમા હતા. લોકોમાં એક ઓળખ ઉભી કરવી હતી. સંદિપ નયન પરીખમાંથી માત્ર સંદિપ પરીખનુ નામ લોકોમાં એસ્ટાબ્લીશ થવુ જોઇએ એવો આગ્રહ મનના એક ઉંડે ખુણે ધરબાયેલો હતો. અને આ મૉલમાં શરૂ થતુ કામ એના શ્રી ગણેશ હતા.

શ્રેયા, જો જે ને આ એક કામ બીજા અનેક કામને ખેંચી લાવશે. શ્રેયા પણ એમ જ ઇચ્છતી હતી ને ?

સંદિપ, તારો નવો લે આઉટ તો બતાવ.

બતાવીશ , તને નહી બતાવુ તો કોને બતાવીશ? પણ પહેલા એને તૈયાર તો થવા દે.

વોટ? સંદિપ પંદર દિવસ થવા આવ્યા અને હજુ તેં લે આઉટ તૈયાર નથી કર્યો? તને યાદ તો છે ને આ છવ્વીસ જાન્યુઆરી એ મૉલનુ ઇનોગ્રેશન છે ? તને ખાતરી છે કે તુ આટલા દિવસોમાં કામ પુરુ કરી શકીશ?

શ્રેયા , વિશ્વાસ રાખ મારા પર. એક વાર કામ ચાલુ થશે પછી કંઇ જોવુ નહી પડે.

પણ કામ ચાલુ તો થવુ જોઇએ ને સંદિપ?? દરેક કામ માટે પુરતો સમય જોઇશે. તને કદાચ પેપર પર ડીઝાઇન તૈયાર કરતા વાર ન પણ લાગે પણ તારી ટીમને તો એ કામ પુરુ કરવા માં જેટલો સમય જોઇએ એટલો તો લાગવાનો જ છે ને?

અને ખરેખર એમ જ બન્યું . સંદિપના મુડ અને મિજાજ ક્યારે બદલાઇ જતા અને સમય ક્યાં પસાર થઈ જતો એની ખબર પડે તે પહેલા તો ઇનોગ્રેશનનો દિવસ નજીક આવતો ગયો અને શ્રેયાએ પોતાનુ કામ અટકાવીને એની ટીમને સંદિપના કામે લગાડવી પડી. છેક છેલ્લા દિવસ સુધી કામ રહ્યુ. જો કે કામની ખુબ પ્રસંશા થઈ. શૉ રૂમ હોય તેના કરતા અનેક ગણો દેખાય એવા મિરર વર્કને લઈને અમદાવાદના અદ્યતન શૉ રૂમોમાંનો એક શૉ રૂમ ગણાયો. સંદિપનુ નામ લોકોમાં જાણીતુ પણ થયુ પણ એની પાછળના ટેન્શન , કામને લઈને દોડાદોડી શ્રેયા સિવાય કોઇને ના દેખાયુ.

આહ! આજે હું ખુબ ખુશ છું શ્રેયા.

ઇનોગ્રેશનના અંતે જ્યારે બીજી બે ઓફિસોના ઇન્ટીરીયરના કામ સંદિપને મળ્યા ત્યારે સાંજનું ડીનર આજે બહાર જ લઈશું એવુ સંદિપે શ્રેયાને કહીને ગ્રાન્ડ ભગવતીમાં ટેબલ બુક કરાવી લીધું. પણ શ્રેયા થોડી ઉદાસ હતી.

કમ-ઓન શ્રેયા ચીયર્સ. એન્જોય ધ ડિનર યાર. તારી વાત સમજુ છું , છેલ્લા દિવસ સુધી કામ ચાલ્યુ એ તને નહીં જ ગમ્યુ હોય પણ જે વાત પતી ગઈ છે એને અત્યારે યાદ રાખીને અપ-સેટ કેમ થાય છે? મારો સ્વાભાવ છે તું જાણે છે ને? જે પતી ગયું છે એને ભુલીને આગળ વધવાનું હોય નહીંકે એને યાદ રાખીને બેસવાનું.

શ્રેયા મૌન હતી. એ કેમ કરીને સમજાવે કે જે પતી ગયું છે એ ભુલવાના બદલે ફરી એની એ ભુલ ના થાય એના માટે થઈને પણ એ યાદ રાખવનુ હોય. એને સંદિપને કહેવુ હતું કે જો એણે અગાઉથી કામનુ વ્યવસ્થિત પ્લાનીંગ કર્યુ હોત તો આ સફળતા વધારે મીઠ્ઠી ના લાગી હોત ? આવડત -સ્કીલની સાથે ટાઇમ મેનેજમેન્ટ જેવી પણ કોઇ અગત્યની વાત હોઇ શકે. પણ અત્યારે સંદિપ સાથે ચર્ચા કરવાનો કોઇ અર્થ નહોતો અને શ્રેયા કરવા ધારત તો પણ સંદિપ એ સાંભળવાનો ક્યાં હતો?

એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો. શ્રેયાની આવી કોઇ ચિંતા કે મનનો ઉચાટ એને દેખાવાનો કે સ્પર્શવાનો સુધ્ધા નહોતો.

***

"શ્રેયા, ગેટ રેડી , હું પાંચ જ મિનિટમાં પહોંચુ છું. "

અને શ્રેયાએ ના કહી દીધી અને સંદિપ કઈ જવાબ આપે તે પહેલા જ મોબાઇલ કટ કરી દીધો. શ્રેયાને બિલકુલ પસંદ જ નહોતી આ વાત. જ્યારે એ કામ કરતી હોય ત્યારે એના સમય કે ટારગેટ પહેલા આવી રીતે અધવચ્ચેથી નિકળી જવાનુ એના સ્વભાવમાં જ નહોતું. ડૉ. દિવાન પણ એવા જ સમયના પાબંદ હતા .

આજે એ એક નવા બંગલાની સાઇટ પર હતી. સુરમ્ય બંગ્લોઝમાં કાર્ડીયોલોજીસ્ટ ડૉ. દિવાનના ઘરના ઇન્ટીરીયર માટે પતિ-પત્નિ સાથે આજે ફાઇનલ ચર્ચા કરી લેવાની હતી. દિવાન દંપતીની કમ્ફર્ટ અને કન્સનને ધ્યાનમાં રાખીને કરેલી ડિઝાઇનમાં જે કોઇ નાના મોટા સજેશન હતા તે જોઇ લેવાના હતા. એણે વળી પાછુ ચર્ચામાં ધ્યાન પોરવ્યું પણ એ થોડી અસ્વસ્થ તો થઈ ગઈ. દિવાને મનોમન એની નોંધ લીધી અને એ પણ વળી પાછા શ્રેયા સાથે ચર્ચામાં પરોવાયા. ડૉ. દિવાન ખુબ બીઝી રહેતા અને તેમ છતાં આજે સમય કાઢીને ઘર અંગે બધુ ફાઇનલ કરી લેવા માંગતા હતા જેથી શ્રેયા એનુ કામ શરૂ કરી શકે. એટલે આજે તો સંદિપને નારાજ કરવો પડે તો પણ એમ કર્યા વગર એનો છુટકો જ નહ્તો.

સાંજે જ્યારે એ સંદિપને મળી ત્યારે સંદિપનો મુડ થોડો ખરાબ જ હતો. શ્રેયાને પણ થોડું દુઃખ તો થયુ સંદિપને નારાજ કરવા માટે પણ હવે તો આ કાયમનુ હતુ અને એમ દર વખતે મુડ પ્રમાણે કામ કરે ક્યાં ચાલવાનુ હતું? નાના હતા ત્યારે સ્કુલમાં શિખવાડવામાં આવતુ હતુ ને ..

વર્ક વ્હાઇલ યુ વર્ક-પ્લે વ્હાઇલ યુ પ્લે .

ધેટ ઇઝ ધ વે ટુ બી હેલ્ધી વેલ્ધી એન્ડ ગે.

એ બધુ માત્ર કહેવા માટે જ હતું? એને યાદ રાખીને જીવનમાં ઉતારવા માટે નહીં ? આ એ જ સંદિપ હતો જેને શ્રેયા ઓળખતી હતી? આ એ જ સંદિપ હતો જે શ્રેયા ને ખુબ સારી રીતે જાણતો હતો કે એવો શ્રેયાને ભ્રમ હતો? આ એ જ સંદિપ હતો જે શ્રેયાની તમામ મુંઝવણોનો ચપટીમાં ઉકેલ લાવી આપતો હતો? ઉલટાનો હમણાંથી શ્રેયા મુંઝવણમાં મુકાઇ જાય એવુ ક્યારેક કરી બેસતો.

સંદિપને થતુ આ એ જ શ્રેયા છે જે પહેલા એના પ્રત્યેક ઓપિનીયનને આધારિત હતી? આ એ જ શ્રેયા છે જે એના દરેક પેંઇન્ટીગ સૌથી પહેલા એને જ બતાવતી અને સંદિપની વિશેષ ટીપ્પણીની અપેક્ષા રાખતી ?

જો કે આજે પણ શ્રેયાની નવી દરેક ડીઝાઇનના લે આઉટ સંદિપ જોઇ જ લેતો અને એ એને બતાવતી પણ ખરી. બહારની વ્યક્તિ કરતા અંગત વ્યક્તિ સાથે જ ભૂલોનુ નિરાકરણ થઈ શકતુ હોય તો વળી એનાથી વધુ ઉત્તમ શું? ક્યાંક કોઇ કચાશ રહી જતી હોય તો અને તે પહેલેથી જ સુધારી શકાતી હોય તો એ શક્યતા શા માટે જતી કરવી? સંદિપની સાથે ચર્ચા કર્યા બાદ જ એની ડિઝાઇન -લે આઉટ ક્લાયન્ટ સુધી પહૉચતા. સંદિપે કરેલા સજેશન પ્રમાણે ક્યાંક જરૂરી ફેરફારો પણ કરવામાં એને કોઇ પ્રોબ્લેમ નહોતો લાગતો. પ્રોબ્લેમ લાગતો સંદિપને જ્યારે શ્રેયા તરફથી કોઇ સજેશન હોય.

"મને મારી રીતે કરવા દે ,શ્રેયા મારે શું કરવુ એની મને ખબર પડે છે."

ખબર તો શ્રેયાને પણ ક્યાં નહોતી પડતી? જો સંદિપ એને કહી શકતો હોય તો એ કહે એમાં સંદિપને શા માટે વાંધો હોવો જોઇએ ? શ્રેયાને ખુબ લાગી આવતુ . કેમ આવુ ?

કદાચ મેઇલ ઇગો ?

સંદિપને જો પાછળથી એની વાતનુ તથ્ય સમજાતુ તો પણ જાણે શ્રેયા એ કોઇ વાત કરી જ નથી અને એ એનો પોતાનો જ મૌલિક વિચાર હોય એમ પોતાની રીતે અમલમાં મુકતો પણ ખરો પણ એ વખતે તો શ્રેયાની વાત કાપી જ નાખતો.અંતે ક્રેડીટ સંદિપના નામે જમા થતી

"આવુ કેમ ? જેને કોમ્પ્લીમેન્ટ સ્વીકાર્ય છે એને કોમેન્ટ અસ્વીકાર્ય કેમ ? " જો વાહ વાહ ખપતી હોય તો ક્યારેક ખોડ પણ ખમી લીવી જોઇએને?

સંદિપનુ એવું જ હતું, ક્યારેક પણ જો કોઇ કામ અણધાર્યુ કે નવુ કર્યુ હોય તો એની નોંધ લેવાવી જ જોઇએ અને અને એ અપ્રીશિયેટ પણ થવી જ જોઇએ.

કલ્ચરલ પ્રોગ્રામોમાં શ્રેયાનો રસ સંદિપથી ક્યાં અજાણ્યો હતો? તે દિવસે ઠાકોરભાઇ હોલમાં એક થીમને લઈને એના પર જ એક ગુજરાતી અને એક હિન્દી ગીતની એ અનોખી મહેફિલની સંદિપે શ્રેયાને જણાવ્યા વગર જ ટિકીટ લઈ લીધી હતી અને રાત્રે સીધી જ એને હોલ પર લઈ ગયો હતો. ખુબ ખુશ થઈ ગઈ શ્રેયા. જો કે થોડા મોડા પડ્યા એટલે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો.એક વાર પ્રોગ્રામમાં બેઠા પછી શ્રેયા એમાં ખોવાતી ગઈ.માણતી ગઈ એક પછી એક ગીતોને. જ્યારે અંતમાં પાર્થિવ ગોહીલના એ ગીત ને જે સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યુ ત્યારે તો શ્રેયા જ નહી આખુ ઓડીયન્સ ઝુમી ઉઠ્યુ ! અંતે બાકી હતુ તો સિનીયર મોસ્ટ દિલીપ ધોળકિયાએ એમનુ જાણીતુ ગીત તારી આંખનો અફીણી ગાઇને મહેફિલનો રંગ જમાવી દીધો . સમગ્ર ઓડીયન્સ આફ્રીન થઈ ગયું. શ્રેયા તો એકદમ મુડમાં આવી ગઈ .ઘણા સમય બાદ એકધારા કામના રૂટીનમાં એક મનગમતો બ્રેક મળ્યો .પ્રોગ્રામમાંથી બહાર નિકળીને ય હજુ શ્રેયા એ માહોલથી જુદી પડી જ નહોતી. આખા પ્રોગ્રામ દરમ્યાન એ સંદિપનો હાથ હાથમાં જ લઈને બેઠી હતી.

સરસ પ્રોગ્રામ થયો નહીં ? સરપ્રાઇઝ કેવી રહી? સંદિપે હળવેકથી શ્રેયાને પુછ્યુ.

"આહ ! મઝા આવી ગઈ. "

શ્રેયાએ ખરેખર ખુબ ખુશ થઈને અત્યંત ઉમળકાથી અને ભારોભાર ઉષ્માથી સંદિપનો હાથ પકડી લીધો. હાથના એ સ્પર્શમાં આમ તો એમાં જ બધુ કહેવાઇ ગયુ હતુ પણ સંદિપને તો શબ્દોની અપેક્ષા હતી. વણ કહેવાયેલા પણ ઘણુ બધુ વ્યક્ત કરી જતા ભાવો કરતા બે વ્યહવારિક આભારના શબ્દોનુ એને મન કદાચ વધુ મૂલ્ય હતુ.

"તો પછી તેં મને કઇ કહ્યુ નહી! સરપ્રાઇઝ માટે પણ નહી?"

આહ! ઓહ, શ્રેયા સીધી જમીન પર આવી ગઈ. એણે સંદિપને કઈ કહેવુ જોઇતુ હતુ આવો પ્રોગ્રામ કરવા માટે. આવી સરપ્રાઇઝ આપવા માટે. પ્રસંશા કરવી જોઇતી હતી. ચહેરા પરના ખુશીના - ભાવ હાથનો સ્પર્શ એ બધુ ગૌણ હતુ. મૌનની પણ કોઇ ભાષા હોઇ શકે પણ ના , મહત્વના હતા બે શબ્દો જે સંદિપ માટે એણે બોલવા જોઇતા હતા.

સંદિપે ક્યારેય કોઇ વાતે શ્રેયાની નોંધ લીધી હતી? કેટલીય વાર કામના બોજાને પહોંચી વળવા શ્રેયા એનુ કામ અટ્કાવીને સંદિપની સાથે ઉભી રહેતી. ક્યારેય એણે તો સંદિપ પાસે એના જેવી અપેક્ષા રાખી જ નહોતી કે સંદિપ એના માટે કંઇક કહે . આપણી વ્યક્તિની ખુશી માટે કઈ કરવામાં પોતાની પણ ખુશી નથી સમાયેલી?

બંને જણનો મુડ જરા ખરાબ થઈ ગયો.આગલા ત્રણ કલાકનો કેફ ત્રણ મીનીટમાં જ ઉતરી ગયો.

અપેક્ષા, આ જ વધારાનો શબ્દ એમના જીવનમાં ઉમેરાઇ ગયો છે ને? બાકી તો પહેલા પણ બંને ક્યાં સાથે નહોતા? કોલેજના એ સમય દરમ્યાન દિવસોના દિવસો સાથે કામ કર્યુ છે. ક્યાંય કશું નડતું નહોતુ .કારણ ? ત્યાં કોઇ અપેક્ષા નહોતી, હતી તો માત્ર દોસ્તી જ્યાં સમજના સરવાળા અને ગુણાકાર જ હતા.કોઇ લેતી-દેતીના બાદબાકી કે ભાગાકાર નહોતા.

શ્રેયાને આવિષ્કાર ફિલ્મ યાદ આવી ગઈ. આમ તો ઘણી જુની ફિલ્મ ,કદાચ શ્રેયાનો તો જન્મ નહી થયો હોય પણ પપ્પાના ગમતા કલેક્શનમાંથી એ ઘણીવાર એ જુની ફિલ્મો જોતી અને એને ગમતી પણ ખરી.પતિ -પત્નિના સંબંધોની આસપાસ ઘુમતી કથા દરેકના જીવનને લાગુ પડતી હશે? લગ્ન પહેલા પોતાનુ જે સર્વ શ્રેષ્ઠ છે તે લઈને સામી વ્યક્તિને આંજી દેવાની કળા કે આંચળો લગ્ન પછી કેમ ઉતરી જતો હશે અને અપેક્ષાઓ વધી જતી હશે? જો કે સાથે મન પણ મનાવતી કે પ્રેમ છે ત્યાં અપેક્ષા છે ને?

આખા રસ્તે બંને કઈ બોલ્યા વગર જ ઘર સુધી પહોંચી ગયા..અને એક ભારઝલ્લી રાતનો આંચળો ઓઢીને ઉંઘવાનો ડોળ કરતા પાસા બદલતા રહ્યા.પણ ખણણણ ....કાચમાં એક નાનીશી તિરાડ તો પડી જ ગઈ બંને પક્ષે.

બીજા રસપ્રદ વિકલ્પો