Chhinn books and stories free download online pdf in Gujarati

છિન્ન

લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો.

હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો , ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું.

અરે ! આ જ વાત તો એ ક્યારની સંદિપને કહેવા માંગતી હતી પણ અંદરથી ડરતી હતી કે સંદિપને એ કેવી રીતે કહી શકશે? અગર તો આ વાત સંદિપ કેવી રીતે લઈ શકશે ? અને પરિણામે હ્રદયથી ઇચ્છતી હોવા છતાં એ હોઠ પર લાવી શકતી નહોતી. હાશ ! કેટલાય સમયનો બોજ જાણે એક સામટો ઉતરી ગયો હોય એવી હળવી ફુલ થઈ ગઈ?

બંનેના પિતાના ધંધાકિય ઔપચારિક સંબંધના લીધે સંદિપ અને શ્રેયાની ઓળખાણ તો નાનપણની હતી પણ વધુ નજીક આવ્યા બંને કોલેજ દરમ્યાન. સાધારણ ઓળખાણ કોલેજમાં આવ્યા બાદ વધુ ઘનિષ્ટ બની અને સંદિપ અને શ્રેયાના લીધે બંનેના ગ્રુપ પણ કોમન બની ગયા.સંદિપને તેના પપ્પાના આર્કીટેક્ટ કરેલા કોપ્લેક્ષોમાં ઇન્ટીરીયર કરી ને પપ્પાનો બિઝનેસ વધુ ફ્લરિશ બનાવવો હતો અને શ્રેયા કહેતી કે પપ્પા મકાન બાંધે છે મારે તેને ઘર બનાવવુ છે. ઘરમાં રહેતા લોકોના સુખ ,શાંતિ અને સવલિયતના સપનાને મારી કલ્પનાના રંગો ઉમેરીને સાકાર કરવા છે. ઇમારતોને જીવંત બનાવવી છે. ઘરનો આત્મા ધબકતો રાખવો છે.

બેઉના સ્વભાવમાં આસમાન જમીનનુ અંતર હતુ.સંદિપ વધુ મસ્તીખોર હતો અને શ્રેયાની પ્રક્રુતિ જરા ગંભીર . સંદિપ ઘુઘવતો સાગર તો શ્રેયા શાંત વહેતી સરિતા. સંદિપ તોફાની વાવાઝોડુ તો શ્રેયા પહેલા વરસાદની ફરફર .સંદિપ ચપટી વગાડતામાં સૌને પોતાના કરી લેતો જ્યારે શ્રેયાને ખુલતા વાર લાગતી ,પણ એક વાર એ ખુલે એટલે સાચી મિત્ર બની રહેતી. સંદિપ યારો નો યાર હતો અને શ્રેયા સિલેક્ટીવ મિત્રોમાં માનતી. સંદિપ ટોળાનો માણસ હતો જ્યારે શ્રેયા ટોળામાં પણ જાત જોડે એકલી રહી શકતી. હકિકતમાં એને ક્યારેય એકલતા લાગતી જ નહીં. અને સંદિપ તો હવા સાથે પણ વાત કરી શકતો , સંદિપ હાજર હોય તો વાતો નો દોર એના હાથમાં જ રહેતો .બોલવા બેસે ત્યારે એને અટકાવવો મુશ્કેલ બનતો. કોઇ પણ મુદ્દે એ મુદ્દાની તરફેણમાં પણ બોલી શકતો અને એટલીજ સચોટતાથી એની વિરૂધ્ધમાં પણ સો દલીલો કરી શકતો . અથાગ વાચનનો ભંડોળ લઇને હરતી ફરતી લાઇબ્રેરી હતો એ. જ્યારે શ્રેયાનુ આંતરિક મન વધુ બોલકુ હતું અને એ એની અભિવ્યક્તિ એના પેઇંટીંગમાં વ્યક્ત થતી. એના મનનુ ઉંડાણ- એના મનની કલ્પના અવનવા રંગો બનીને એના કેનવાસ પર જે રીતે ઉતરતા એ શ્રેયાનો સાચો પરિચય બની રહેતા. જો કે વાંચનનો તો શ્રેયાને પણ એક હદથી આગળ શોખ હતો . ક્યાંય પણ જવાનુ હોય જ્યાં એને થોડોક પણ ફુરસદનો સમય મળવાનો હોય તો એ કંઇક તો વાંચવાનુ હાથવગુ રાખતી જ.અને તેમ છતાં તેમની મિત્રતામાં પ્રક્રુતિ ક્યાંય નડી નહોતી.

પિકનીક પર સંદિપ મિત્રોની મહેફીલ જમાવતો જ્યારે શ્રેયા પ્રક્રુતિમાં ભળી પ્રક્રુતિનુ એક અંગ બનીને કેનવાસ પર છલકાઇ જતી.સંદિપની હાજરી મિત્રોને રંગત આપતી અને શ્રેયાને હાજરી શાતા. બેઉ જણ એટલે તો ગ્રુપમાં આવકાર્ય અને સ્વીકાર્ય હતા.

ક્યાંય કોઇ સુસંગતતા નહોતી બંનેના સ્વભાવમાં તેમ છ્તાં બીજા કોઇ પણ મિત્રો કરતા વધુ નજીક હતા બંને. શ્રેયાની કલાનો ઉપાસક પણ સંદિપ હતો અને વિવેચક પણ .શ્રેયા એની કોઇ પણ ક્રુતિ સૌ પહેલા સંદિપને બતાવતી અને હંમેશા એની આલોચના માટે એ આતુર રહેતી. કોઇના પણ માટે આ બંનેના વિરૂધ્ધ સ્વભાવની મૈત્રી અકળ લાગતી. અને તેમ છતાં બનેમાં નિર્દોષ મૈત્રીથી વધીને બીજો કોઇ ભાવ નહોતો.ક્યાંય કોઇ આદમ નહોતો કે નહોતી કોઇ ઇવ.

સેપ્ટનોએ પહેલો દિવસ જરા શ્રેયા માટે અકળાવનારો હતો. સેપ્ટમા સીનિયરોના વર્ચસ્વ સમા એ રેગીંગનો કનસેપ્ટ એની ફીતરતને મંજૂર નહતો જ્યારે પહેલા દિવસથી જ સંદિપને એની લુત્ફ માણતો જોઇને એ દંગ રહી ગઈ . કોઇ કેવી રીતે આવી મસ્તી પચાવી શકે એ જ તો એની સમજમાં આવતુ નહોતું .

સંદિપ , તુ આ બધુ કેવી રીતે સહી શકે છે? હાઉ કેન યુ ટોલરેટ ઓલ ધીસ? સંદિપને મળતાની સાથે પુછી લીધુ એણે.

જસ્ટ બી વીથ ધેમ ઓર ફીલ યોરસેલ્ફ વન ઓફ ધેમ એન્ડ યુ વીલ બી ફાઇન. સંદિપે સાવ સાદી સમજ આપી દીધી શ્રેયાને . જો તુ આ બધાથી દૂર રહેવા પ્રયત્ન કરીશ તો એ શક્ય બનવાનુ નથી અને જે અશક્ય છે એને સ્વીકારી લઈશ તો તારા માટે એ પરિસ્થિતિ આસાન બની જશે. જસ્ટ બ્લો વીથ ધ ફ્લો .. જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એમાં વહી જવામાં જ શાણપણ છે. અને ખરેખર શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા. અને એ દિવસથી જ શ્રેયા માટે સંદિપની હાજરી એના જીવનનુ જાણે અજાણે અનિવાર્ય અંગ બની ગઈ. શ્રેયાની કોઇપણ મુંઝવણ માટે સંદિપ પાસે ચપટી વગાડ જેવુ સહેલુ સોલ્યુશન હતુ.

***

સેપ્ટના એ એક પછી એક પસાર થતા વર્ષ એમની દોસ્તી માટે એક વધુને વધુ સોપાન બનતા ચાલ્યા. શ્રેયાના દરેક પેઇંટીંગ એક્ઝીબીશન સમયે આખાય ગ્રુપનો કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની બહાર અડ્ડો હોય જ. એક્ઝીબીશનના એ ત્રણે દિવસ દરમ્યાન અનેક આર્કીટેક્ટ , ઇન્ટીરીયર ડીઝાઇનર અને એથી વધીને શહેરના નામાંકિત આર્ટીસ્ટ ,કલા ગુરૂને મળવાનો એ સોનેરી અવસર કોણ ગુમાવે?

આ વખતે શ્રેયાનુ એ પેઇંન્ટીંગ એક્ઝીબીશન જરા અનોખુ હતું. સુર્યના ઉદ્દ્ગમથી લઈને સુર્યના અસ્ત અને અંધકારના ઓળા લઈને ઉતરતી અમાસની રાત્રી અને પૂનમના અજવાસને લઈને માનવ જીવનના તબક્કાને એણે વણી લીધા હતા. એક્ઝીબીશનનુ ઇનોગ્રેશન શહેરના જાણીતા ઇન્ટીરિયર ડીઝાઇનર અને માનીતા આર્ટીસ્ટ પ્રેમ રાવળના હસ્તે હતુ . દિપ પાગ્ટ્ય બાદ શ્રેયાના પેઇંન્ટીગ અંગે પ્રેમ રાવળ કંઇ કહે તે પહેલા જ સંદિપે હાથમાં માઇક લઈને શ્રેયાનો પરિચય જે રીતે હાજર મહેમાનોને કરાવ્યો એ સાવ અણધાર્યો અને અકલ્પ્ય હતો . પણ સંદિપ શ્રેયા માટે જે કંઇ બોલતો હતો તેની સૌને જ નહી પણ શ્રેયાને પણ એટલીજ તાજુબ્બી થતી હતી. સંદિપે શ્રેયાને જે રીતે ઓળખી હતી એ શ્રેયા તો પોતાના માટે પણ અજાણ હતી.

બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનમાં રહેલા નયનભાઇ અને વિવેકભાઇને તો આમાં જાણે કોઇ એક નવો સંબંધ આકાર લેતો હોય એવી ભૂમિકા તૈયાર થતી લાગી. જો શ્રેયા અને સંદિપની મરજી હોય તો બંને પરિવાર વચ્ચે એ ઔપચારિક સંબંધથી આગળ વધીને અંગત સંબંધમાં જોડાવાની બેઉના પિતાની સમજુતીને શ્રેયા અને સંદિપની મરજીની મહોર લાગવી જરૂરી હતી.

આ વાત શ્રેયા અને સંદિપ બંને માટે અણધારી હતી. ક્યારેય મનમાં પણ આવો વિચાર સુધ્ધાં આવ્યો નહોતો.

કેમ કેવળ દોસ્તી ન હોઇ શકે ? શ્રેયાએ પિતા સાથે દલીલ શરૂ કરી.

હોઇ શકે ને! પણ જો એ દોસ્તી તમને બંનેને કાયમ માટે એક કરી દેતી હોય તો એમાં ખોટું પણ શું છે? વિવેકે દિકરીને સમજવવાનો પ્રયત્ન કર્યો. કોઇ પણ છોકરીને આટલુ સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એના માટે સદનસીબ ના કહેવાય? બીઝનેસમાં પણ સાથે કામ કરવુ હોય તો બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો જ તે આગળ ચાલે છે તો આ તો જીવનની પાર્ટનરશીપ કહેવાય એમાં તમારી વચ્ચે જે હાર્મની છે તે તને બીજા કોઇમાં મળશે જ એવી તને કોઇ ખાતરી છે ?

શ્રેયા પાસે આ દલીલનો કોઇ જવાબ નહોતો. પિતાની વાત તાર્કીક રીતે સાવ સાચી હતી પણ જીવનના ચણતરને તર્કના પાયાની બુનિયાદ પર થોડું બંધાય છે? મન જેને સ્વીકારે એ માણીગર. સંદિપ સાથે દોસ્તી હતી પણ દિલથી ક્યારેય એને સંદિપ માટે કોઇ એવો ભાવ જાગ્યો નહોતો કે નહોતો વિવેકે મુકેલી પ્રસ્તાવના પર એણે પહેલા ક્યારેય વિચાર સુધ્ધા કર્યો હોય. અને ખાતરી હતી કે સંદિપે પણ કયારેય આ રીતે શ્રેયા માટે વિચાર્યુ નહી જ હોય.

મારો કોઇ તને આગ્રહ નથી , તારા મનમાં જો કોઇ બીજી વ્યક્તિ હોય તો મને તે પણ મંજૂર છે. વિવેકે શ્રેયાને કહ્યું . વિવેકને પોતાની વાતને શ્રેયા મંજૂર રાખે એવી દિલથી ઇચ્છા તો હતીજ પણ પોતાની મરજી શ્રેયા પર થોપવી પણ નહોતી .જો શ્રેયાની પોતાની કોઇ પસંદગી હોય તો તેની સામે એને વાંધો ય નહોતો.

તું આજે ને આજે જ મને કોઇ જવાબ આપે એવુ હું નથી કહેતો. તારે વિચારવા માટે જેટલો સમય જોઇતો હોય એટલો સમય લેજે જ. જોઇએ તો તું અને સંદિપ સાથે મળીને ખુલ્લા મનથી ચર્ચા કરી લો . નયન આજે સંદિપ સાથે વાત કરવાનો છે એટલે એ શું વિચારે છે એની ય ખબર તો પડશેને? પણ એક વાત છે કે જ્યારે મારી વાતમાં તારી સંમતિ હશે ત્યારેજ વાત આગળ વધશે એટલો વિશ્વાસ રાખજે.

શ્રેયા સમજતી હતી , દરેક મા-બાપ દિકરીની ઉંમર થાય ત્યારથીજ એના ભવિષ્ય અંગે વિચારવાના જ છે . આ પહેલા પણ ક્યારેક વિવેક શ્રેયાને કહેતો , જે દિવસે તને કોઇ છોકરો પસંદ પડે ત્યારે સીધી મારી પાસે જ આવજે એક બાપ નહી પણ તારો મિત્ર બનીને રહીશ. પણ આજ સુધી શ્રેયાને કોઇના માટે એવી લાગણી થઈ નહોતી, સંદિપ માટે પણ નહીં.

જોઇશ, વિચારીશ, નયને જ્યારે સંદિપ સાથે શ્રેયા બાબતે વાત કરી ત્યારે સંદિપે માત્ર એટલો જ જવાબ આપ્યો. પણ એનુ મન એક વાર તો વિચારતુ થઈ ગયું. ઓહ ! વાત સાવ સરળ છે.અને સાચી જ છે ને ? જીવન સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવવુ તેના કરતાં જેને આટલા સમયથી જાણતા હોઇએ તેના માટે વિચારવુ એમાં કંઇ ખોટુ નથી. પ્રેમ કરીને જ પરણાય? પરણીને પણ પ્રેમ તો થાય જ ને? એણે શ્રેયાને નવેસરથી પોતાની સાથે જોવાનો પ્રયત્ન કર્યો. પોતાની જીવનસંગી માટે ક્યારેક વિચારત તો એણે શું ઇચ્છ્યુ હોત? આમ જોવા જાવ તો એ બધુ જ શ્રેયામાં છે જ ને? બસ ખાલી એણે એ દ્ર્ષ્ટીથી ક્યારેય શ્રેયાને જોવા પ્રયત્ન કર્યો નહોતો એટલું જ ને?

સંદિપ દરેક વાત સાવ સરળતાથી લઈ શકતો . વિચારવાના દરેક મુદ્દા પર વિચારી પણ લીધુ . વિચારવાની અને દલીલો કરવાની એની પ્રક્રુતિ તો હતી જ. પણ શ્રેયાનુ શું ? એણે શું વિચાર્યુ હશે? જે રીતે એ શ્રેયાને ઓળખતો હતો એને ખાતરી હતી કે શ્રેયા આજે કેટલી અપ-સેટ હશે? એને એ પણ ખબર હતી કે શ્રેયાએ કોઇ જવાબ આપવાનો ટાળ્યો હશે અને એના રૂમમાં એ બંધ બારણે પોતાની મનની મુંઝવણ જેવા આડા અવળા રંગોના લસરકા કેનવાસ પર મારતી હશે. કોઇ સ્પષ્ટતા મનની નહી થાય ત્યાં સુધી એબ્સર્ડ પેઇંન્ટીંગની જેમ એક અજાણી આક્રુતિ એના કેનવાસ પર ઉપસતી હશે.

પેઇંન્ટીંગ એક્ઝીબીશનના બીજા દિવસે સંદિપ જાણીને કોન્ટેમ્પરી આર્ટ ગેલેરી પર ના ગયો.એની હાજરીથી શ્રેયા ને કેવી ગડમથલ થશે એની એને ખબર હતી અને શ્રેયાને મુંઝવવા નહોતો માંગતો.એના એ મહત્વના દિવસોમાં બીજાની હાજરીમાં પોતાની હાજરીથી અકળાવવા નહોતો માંગતો. એ ખરેખર શ્રેયા ખુબ સારી રીતે જાણતો હતો કદાચ એક્ઝીબીશનના પ્રથમ દિવસે જે રીતે એણે શ્રેયાની ઓળખ આપી હતી તેટલી હદે એને ઓળખતો હતો.

શ્રેયાને પણ સંદિપની ગેરહાજરીથી આજે ઘણી મોકળાશ લાગી. મનથી એ ઇચ્છતી હતી કે સંદિપનો આજે સામનો ન થાય તો બહેતર. પણ થોડી થોડી વારે નજર તો બહારના રસ્તા પર ટકરાઇને પાછી ફરતી જ હતી. દિકરીની એ એક અવ્યક્ત આતુરતા નજરમાં છલકાતી હતી એની નોંધ વિવેક અને આરતી એ મનોમન લીધી અને એકેમેક ની સાથે નજરથી એ નોંધની આપ-લે પણ થઈ.

બીજા જ દિવસની સવારે સંદિપે કલ્પ્યું હતુ તેમ શ્રેયાનો ફોન રણક્યો.

***

આજે આપણે મળીએ છીએ . હું તારી રાહ જોઇશ. બીજી કોઇ ઔપચારિક વાત કર્યા વગર શ્રેયા સીધી મુદ્દા પર આવી ગઈ.

આજે એક્ઝીબીશનનો અંતિમ દિવસ હતો. આમ તો સામાન્ય રીતે દરેક વખતે એક્ઝીબીશનના છેલ્લા દિવસે આખુ ગ્રુપ શ્રેયા સાથે રોકાતુ. સોલ્ડ પેઇન્ટીંગને અલગ કરીને બાકીના પેઇન્ટીંગ પેક કરીને છેક છેલ્લે સુધી આટોપવામાં સૌ સાથે રહેતા .આજે પણ એમ જ બન્યુ .બધા છેક સુધી શ્રેયાની સાથે રોકાયા , નહોતો માત્ર સંદિપ. આજે પણ એ નહોતો આવ્યો.નવાઇની વાત હતી સૌ માટે ,એક માત્ર શ્રેયા ચુપ હતી. પણ એ એના ઘરે પહોંચી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે સંદિપ ઘરની બહાર કાર પાર્ક કરીને એની રાહ જોતો હતો.

lets go some where shreyaa. શ્રેયા કોઇ દલીલ કર્યા વગર એની કારમાં બેસી ગઈ.એને પણ સંદિપ જોડે એકાંત જોઇતુ હતુ. પપ્પાની વાતને લઈને એની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવી હતી.

સંદિપે કાર સીધી કામા તરફ લીધી. શ્રેયાને આ જગ્યા ખૂબ ગમતી. સી.જી રોડ અને હાઇવે પરની રેસ્ટોરન્ટમાં એને જે ધમાલ અને ચહલ-પહલ રહેતી એના કરતાં અહીં ની શાંતિ એને વધુ પસંદ હતી.કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીથી નહેરુ બ્રીજ પર લઈને ખાનપુર તરફ જતાં રસ્તામાં બંનેએ બોલવાનુ ટાળ્યુ. શ્રેયા કારની બહાર નદી પર ઝીલમીલાતી રોશની ચુપચાપ જોતી રહી, સંદિપ રસ્તા પર સીધી નજર રાખીને કાર ચલાવતો રહ્યો.

ખૂણાનુ એક ટેબલ પસંદ કરીને બેઠા અને ક્યાંય સુધી કોણ બોલવાની પહેલ કરે એની રાહમાં બેસી રહ્યા. મધ્ધમ રોશનીમાં રેલાતા સૂર સિવાય ક્યાંય કોઇ ઘોંઘાટ નહોતો. શ્રેયાએ સંદિપને મળવા માટે બોલાવ્યો તો ખરો પણ શું વાત કરવી એની સમજમાં આવતુ નહોતું . સંદિપ સમજતો હતો શ્રેયાના મનની આ અવઢવને પણ શ્રેયા શું કહેવા માંગે છે તે જાણ્યા વગર એને કઈ કહેવુ નહોતુ.

છેવટે શ્રેયાને જ શરૂઆત કરવી પડી. સંદિપ ,આજ સુધી તું મારો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છું અને હંમેશા રહીશ .પપ્પાની અને અંકલની વાતને શક્ય છે મારુ મન માનવા કાલે તૈયાર થાય પણ આજે તો હું કશું જ વિચારી શકતી નથી. મૈત્રીને કોઇ નામ આપવું જ પડશે? એ સિવાય કાયમી મૈત્રી હોઇ જ ના શકે? સંદિપ, કેમ દરેક વખતે એક સ્ત્રી-પુરુષના સંબંધને એક સામાન્ય દ્રષ્ટીથી કોઇ જોઇ કે સ્વીકારી શકતું નથી?

સંદિપે જાણે એ શ્રેયાની દરેક વાત સાથે સંમત છે એમ દર્શાવવા શ્રેયાના હાથ પર મ્રુદુતાથી પોતાનો હાથ દબાવ્યો.

સમજું છું શ્રેયા, દુનિયાની નજરે જે દેખાયુ એ મને કે તને ના દેખાયુ અથવા આપણી સાહજીકતા લોકોને નજરે ન પડી અને આમ જોવા જઈએ તો એમાં એમનો વાંક પણ નથી જોતો હું . આજે નહી તો કાલે આ પરિસ્થિતિ તો ઉભી થવાની જ હતી. આપણા બે વચ્ચે નહીં તો કોઇ બીજા માટે પણ આપણે વિચાર તો કરત જ ને? તું મારી એટલી નજીક છું કે શક્ય છે જો ઘરમાંથી કોઇ છોકરીની વાત મારા માટે આવત તો તે વખતે હું કદાચ એનામાં હું તને શોધવા પ્રયત્ન કરત અને એમ થાત તો હું કદાચ બંનેને અન્યાય કરી બેસત. બની શકે કે તને કોઇ છોકરો બતાવે અને ત્યારે તું જાણે-અજાણે એની સરખામણી મારી સાથે કરી બેસત . મને પપ્પાએ જ્યારે વાત કરી ત્યારે તો મારા મનમાં પણ તારી જેવા જ વિચારો આવ્યા . પણ જેમ જેમ હું શાંતિથી વિચાર કરતો ગયો તેમ મને લાગ્યુ કે કેમ આમ ન બની શકે? કદાચ એકબીજા માટેની સમજ જ આપણા જીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય. કોઇ અજાણ પાત્ર સાથે જીવન ગોઠવવા કરતા આપણે જેને ઓળખીએ તેના સાથથી જીવન વધુ સરળ ના બને? વિચારી જો જે તું .કોઇ પણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર જ હશે. તું હંમેશા મારી અત્યંત કરીબી દોસ્ત રહી છું અને હંમેશા રહીશ જ.

શ્રેયા સ્તબ્ધ થઈ ગઈ. એણે તો આવી રીતે વિચાર્યું જ નહોતું. એ જાણતી હતી કે સંદિપ પાસે સામેની વ્યક્તિને કન્વીન્સ કરવા કાયમ કોઇને કોઇ સચોટ દલીલ તો રહેતી જ અને એની વાત કદાચ સાચી છે. જે તે વ્યક્તિમાં આપણી મનગમતી છાયા શોધવા પ્રયત્ન કરીએ તેના કરતાં જરા હાથ લંબાવીને આપણી મનગમતી વ્યક્તિનો સાથ મળતો હોય તો એ જીવન વધુ સરળ જ બને ને? પપ્પા અને સંદિપના વિચારો એક સરખા મળતા કેમ આવત હતા? ક્યારેક માત્ર દિલ નહીં દિમાગથી પણ વિચારી શકાય અને બંને નો અભિગમ આ બાબતે એક સરખો હતો. પણ તેમ છતાં શ્રેયા કોઇ નિર્ણય પર આવવા માંગતી નહોતી. સંદિપ પસંદ હતો, ખૂબ પસંદ હતો પણ આ જે નવી ભૂમિકા તૈયાર થતી હતી એના ચોકઠામાં ગોઠવતા વાર લાગશે એવુ એને લાગી રહ્યુ હતું. સંદિપ જેટલી સ્વભાવિકતાથી એ હજુ આખી વાતને લઈ શકતી નહોતી.

સંદિપ , હવે આપણે જઈએ. હવે એ અહીં સંદિપથી છુટી પડીને પોતાની રીતે વિચારવા માંગતી હતી.પાછા વળતા પણ બેઉ જણ આખા રસ્તે ચુપ જ હતા. શ્રેયાને ઘેર ઉતારતી વખતે સંદિપે કારના ડેશ બોર્ડ્માંથી કાઢીને એક કવર તેના હાથમાં આપ્યુ. શ્રેયાએ આશ્ચર્ય સાથે જોયુ તો એ સેપ્ટના ફોરેન એક્ક્ષેંજ સ્ટુડન્ટમાં સંદિપને ૬ મહિના માટે સિનસિનાટી જવા માટેનો લેટર હતો. પાંચ વર્ષના કોર્સ દરમ્યાન ૬ મહિના માટે પ્રેક્ટીકલ ટ્રેઇનીંગ માટેની ઓફર હતી.

ઓહ! હાશ , મન પરથી પહાડ જેવો બોજો ખસી ગયો હોય તેવી લાગણી શ્રેયાને થઈ.શ્રેયા પણ બેંગ્લોર તો જવાની હતી જ ને ?

જોયુને નિયતીએ પણ આપણને કેવો સમય અને સાથ આપ્યો? સંદિપે કાગળ પાછો લેતા કહ્યું . બની શકે આ ૬ મહિનામાં આપણે કોઇ નક્કર ભુમિકા પર આવીએ અથવા તો શક્ય છે આ સમય દરમ્યાન તને બીજી કોઇ વ્યક્તિ પસંદ પડે, શક્ય છે મને ત્યાં કોઇ સીટીઝન છોકરી ગમી જાય અને હુ ત્યાં જ રહી પડું. હવે સંદિપ પાછો પોતાના અસલ સ્વભાવ પર આવી ગયો. છુટા પડતી વખતે એના અને શ્રેયા વચ્ચેની આ તંગદિલી રહે એ એને મજૂંર નહોતું શ્રેયા સાથે ની એ તમામ પળો યથાવત રહે જે આજ સુધીની હતી એમ એ ઇચ્છતો હતો.

ત્યારબાદ પણ શ્રેયા અને સંદિપ મળતા રહ્યા. ટ્રેઇનીંગમાં જવાના સમય પહેલા રોજીંદા કામો પહેલાની જેમ આટોપતા રહ્યા, શ્રેયા એ વિચાર્યુ જે પરિસ્થિતિ્નો હાલમાં એની પાસે કોઇ ઉકેલ નથી કોઇ જવાબ નથી ત્યારે એમાં વહી જવામાં જ સાર છે સંદિપ કહેતો હતો એમ -just blow with the flow. અને ત્યાર બાદ શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા.

***

સિનસિનાટીની ખુલ્લી હવામાં શ્વાસ લેતાની સાથે સંદિપ એ બધી વાતોને મનથી દૂર હડસેલી કામે લાગ્યો. એને આ દિવસોનો પુરેપુરો ઉપયોગ કરી લેવો હતો. એ જે જાણવા - જે શિખવા આવ્યો હતો , જે અનુભવ લેવા આવ્યો હતો એમાં જાતને પુરેપુરી ડૂબાડી દેવી હતી. બીજા કોઇ વિચારો મન પર કબજો જમાવે નહી એટલી હદે એને બીઝી રહેવુ હતુ. આમ પણ હવે શ્રેયાનો નિર્ણય જ આખરી રહેવાનો હતો. એને જે કહેવુ હતુ એ બધું જ એ વ્યક્ત કરી ચૂક્યો હતો.અને છેલ્લે શ્રેયાથી છુટા પડતી વખતે એ કહીને આવ્યો હતો .

શ્રેયા , આજથી માંડીને ૬ મહિના સુધીમાં તુ જ્યારે જે નિર્ણય લઇશ એ જ મારો પણ નિર્ણય હશે. જો તારુ મન જો ક્યારેય મારી તરફ ઢળે ત્યારે પણ મને જણાવવાની ઉતાવળ કરીશ નહી.રખેને એ નિર્ણય કોઇ દબાવ કે લાગણીવશ થઈને લેવાયો હોય તો મને જણાવીશ નહીં ત્યાં સુધી તને એની પર ફરી ને ફરી વિચારવાનો તને અવકાશ રહેશે. આ અંગે હવે આપણે આ સ્ટડી ટૂર પતે નહીં ત્યાં સુધી કોઇ વાત કે ચર્ચા નહી કરીએ. પણ હા ! જો તારો કોઇ પોઝીટીવ અપ્રોચ હોય તો મને હુ પાછો આવુ ત્યારે એરપોર્ટ પર લેવા તો આવીશને ?

શ્રેયાએ મૂક સંમતિ આપી હતી એની વાતને.

બેંગ્લોર પહોંચ્યા પછી શ્રેયાએ પણ સમગ્ર ધ્યાન એ પ્રોજેક્ટ પર કેન્દ્રિતતો કર્યુ પણ કોણ જાણે કેમ હવે એ પોતાની જાતને સંદિપથી અલગ પાડી શકતી જ નહોતી. સેપ્ટના એ દિવસો , એ રાતોની રાતોજાગીને કરેલા પ્રોજેક્ટ સબમિશન માટેના ઉધામા બધુજ ઉભરઇને બહાર આવતુ હતું.

સ્ટોપ ઇટ એન્ડ લેટ્સ હેવ અ કોફી બ્રેક ,એક્દમ કામ કરતા કરતા સંદિપનો મુડ બદલાઇ જતો અને બધુ જ પડતુ મુકીને બધા ને કેન્ટીનમાં ઘસડી જતો.સંદિપનુ કામ બધુ જ મુડ પર અવલંબિત હતુ. ક્યારેક મુડ ન હોય તો સમયની ગમે તેટલી મારામારી હોય પણ એ કામે વળગતો જ નહી.અને કામ કરતા કરતા જો મુડ બદલાઇ જાય તો બધા કામ લટકતા મુકીને ઉભો થઈ જતો. આ વાતની શ્રેયાને સખત ચિઢ રહેતી .

કામ એટલે કામ વળી ,એમાં મુડ કેવો? જે કામ કરવાનુ જ છે એ જેટલુ બને એટલુ વહેલુ પતી જાય તો પછી બ્રેક લે ને તારે જેટલો લેવો હોય એટલો તને કોણ રોકે છે? અને કામ સમયસર કે એનાથી પહેલા પતે તો એમાં કોઇ કરેક્શન હોય તો એના માટે પુરતો સમય હાથ પર તો રહેને?

સંદિપનુ કામ છેલ્લી ઘડી સુધીનુ રહેતુ. અને શ્રેયા નુ કામ વ્યવસ્થિત પ્લાનીંગવાળુ હતુ. પુરતો સમય હોય તો પાછળની ઘઈ કેમ રાખવી?

ભઈ , તારા કામ માટેના ડેડીકેશન માટે તને સો સો સલામ પણ અત્યારે તો હવે કોફી બ્રેક લે. યુ રિયલી નીડ અ ગુડ કોફી , આખી રાત કામ ખેંચવુ છે ને? શ્રેયાને છેવટે કોફી બ્રેક માટે સંદિપની પાછળ ખેંચાવુ જ પડતું.

અત્યારે તો સંદિપ સાથે નહોતો એટલે શ્રેયા પોતાની રીતે વ્યવસ્થિત કામે લાગી શકતી. આ છ મહિના દરમ્યાન સખત કામ રહેવાનુ હતુ એટલે સમયની પાબંદ શ્રેયાએ સમય કરતા કામ વહેલુ પતે તેવી તકેદારી પહેલેથી જ રાખી હતી. સંદિપ સાથે હતો ત્યારે એ બધા શિડ્યુલ વેરેવિખેર કરી નાખતો અને અત્યારે જ્યારે સંદિપ નથી ત્યારે એની યાદ ચિત્તને વેરવિખેર કરી રહી હતી.શ્રેયા ઇચ્છતી નહોતી તેમ છતાં મન વારે વારે સંદિપને યાદ કરી લેતુ હતુ. આમ કેમ થતુ હશે? સંદિપ હાજર હતો ત્યારે શ્રેયાને ક્યારેક એની હાજરી અકળાવનારી લાગતી અને અત્યારે જ્યારે એ હાજર નથી ત્યારે એની ગેરહાજરી વધુ ને વધુ સાલતી હતી.

શ્રેયાને રહી રહીને લાગતુ હતુ કે જાણે સંદિપ હવે એના જીવનનો એક હિસ્સો બની રહ્યો હતો, એક ન અવગણી શકાય એવો હિસ્સો . જેટલી વધુ ને વધુ શ્રેયા પોતાની જાતને કામમાં રોકી રાખવા મથતી એટલી વધુ તિવ્રતાથી સંદિપ જાણે એનુ મન રોકી રાખતો હતો. આ પ્રેમ હશે? પણ હ્રદયના ખૂણે કોઇ ભિનાશ કેમ નથી અનુભવાતી? ચિત્તમાં સંદિપ જેટલો પડઘાય છે હ્રદય કેમ એટલુ એના નામથી થડકાર નથી અનુભવતુ? હજુ એના વગર એક ક્ષણ પણ રહી નહી શકાય એવી તાલાવેલી કેમ નથી થતી? અને છતાંય એ ક્ષણવાર પણ મનથી દૂર ખસતો નથી. ઓ ! ભગવાન આ તે કેવી અવઢવ !

અંતે શ્રેયાએ અમદાવાદ પહોંચીને નક્કી કરી લીધુ કે જ્યારે સંદિપ આવશે ત્યારે એ એને લેવા એરપોર્ટ જશે જ. મનની એક ડામાડોળ પરિસ્થિતિમાંથી એ બહાર આવી ગઈ હતી. એક વાત પપ્પા અને સંદિપની સાચી લાગતી હતી, પ્રેમ કરીને જ પરણાય ? આપસી સમજ હોય તો દુનિયામાં પરણીને પણ પ્રેમ કરી સુખી થનારા એની સાવ આસપાસ તો હતા. અને સંદિપથી વધીને બીજુ કોણ એને સમજવાનુ હતુ? સંદિપનો નિર્ણય આજે એને સાચો લાગતો હતો. હવે બાકીની વાત બંને પરિવાર જાણે પણ એણે એનો નિર્ણય પપ્પાને જણાવી દીધો

બીજા રસપ્રદ વિકલ્પો