સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 15 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 15

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૫

સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દષ્ટિપાત

કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરરી સાથે વિદ્યાચતુર રત્નનગરી આવ્યો તે સમયે મણિરાજને ગાદી પર બેઠે ત્રણ વર્ષ થયાં હતાં.

જે બાગમાં મલ્લરાજ ગુજરી ગયો તે બાાગમાં મલ્લેશ્વર નામ આપીી એક સાધારણ કદનું પણ સુંદર શિવાલય કરાવ્યું હતું, કારણ આ રાજ્યમાં રાજાઓ મૂળથી શિવામાર્ગી હતી. છતાં વૈષ્ણવ ધર્મનો પણ પ્રજામાં પ્રચાર હોવાથી રાજાઓ તેનો આદર કરતા, અને શિવાલયથી થોડે છેટે ચારે પાસ એ જ બાગમાં મલ્લરાજની પાછળ કેટલાક નાનામોટા તુળસીક્યારા પણ બંધાયેલા હતા.

સ્વામી ગયા પછી વિધવા રાણી મેનાએ આ જ બાગમાં રાત્રિદિવસ રહેવાનું રાખ્યું હતું. જે ઝૂંપડીમાં મહારાજે દેહ મૂક્યો તે ઝૂંપડીમાં રાજવિધવા પૃથ્વી પર શય્યા કરી પડી રહેતી. રાજસંબધી કે સંસારસંબંધી કે કોઇ પણ પારકા વિષયની વાત કરવી કે સંભાળવી તેણે બંધ કરી હતી. દિવસમાં એક વખત નીરસ ભોજન કરતી. વાડીમાં માળીઓ અને મણિરાજ સિવાય કોઇ પુરુષનો સંચાર ન હતો. પ્રાતઃકાળ પહેલાં વહેલી ઊઠી મેના પવિત્ર આસન ઉપર બેસી પ્રિય પ્રતાપી પતિનું સ્મરણ કરી અશ્રુપાન કરતી, ઇષ્ટદેવતાનું સ્મરણ કરી શાંત થતી, અને પરલોકમાં પતિસંયોગ ઇચ્છી નિઃશ્વાસ મૂકતી. સૂર્યોદય થતાં મલ્લેશ્વરની પૂજા કરતી અને સર્વ તુળસીક્યારાઓમાં પાણી સીંચતી. તે થઇ રહેવા કાળે નિત્ય મણિરાજ એ કમળાવતી સજોડે આવતાં અને મેના જ્યાં આગળ હોય ત્યાં જઇ તેને પગે પડી, તેને બેસાડી, પોતે તેના સામે પૃથ્વી પર બેસી, ધર્મનો ઉપદેશ અને આશીર્વાદ માતા પાસે લેતાં. થોડી વારે મણિરાજ જાય અને કમળાવતી વાડીમાં ચારે પાસ ફરી રાજમાતાનું ચિત્ત પ્રફુલ્લ રહે એવી તપાસ રાખતી, માતાને સૂવાની પથારી, પહેરવાનાં વસ્ત્ર, અન્નપાનની સામગ્રી, અને ઝૂંપડીનો સર્વ સમાન જાતે પોતાને હાથે દાસીભાવથી તૈયાર કરતી, માતાને જમાડતી અને પછી સ્વામીસેવાને અર્થે મહેલ જતી.

બપોરે મધુમક્ષિકા રાણી પાસે આવી શાસ્ત્રની વાતો કરતી અને પુરાણો વાંચતી. સાંયકાળે પુત્ર-વધૂ પાછાં આવે, પુત્ર ગયા પછી વહુ અને બેચાર દાસીઓ સાસુ પાસે બેસે, રત્નનગરીની મૈયત મહારાણીઓ અને સ્ત્રીરત્નોના ઇતિહાસ પૂછે, તેમની મોટાઇ અને તેમના સદ્‌ગુણોનાં વર્ણન સાંભળે, અને મલ્લરાજનાં કીર્તન સાંભળી મનમાં ફૂલે અને સાસુનું દુઃખદેખી રુએ. અંતે મેનાની આજ્ઞા થતાં કમળા જાય, અને સંતાનના સદ્‌ગુણ અને વાત્સલ્ય જોઇ ‘આ છાજશે ખરું ?’ એ વિચારના બળ તળે દબાતી રાણીનાં આંસુનો છેડો આવ્યો ન હોય એટલામાં મહારાજ મલ્લરાજનું સ્મરણ આંસુની છાલકો અનાથ વિધવાની આંખોમાં આણે, અને દુઃખ, શોક અને આંસુ ભરી સૂતી રાજવિધવાને પૃથ્વીની પથારી કઠણ છે કે નરમ છે તેનું ભાન આવતું ન હતું, રાત્રિ કેટલી ગઇ તે જણાતિું ન હતું, આંખ અને પોપચાં વચ્ચે આંસુનો પડદો રહેવાથી પોપચાં ઉઘાડાં કે મીંચેલાં છે તે સૂઝતું ન હતું, અને ‘મહારાજની મારા ઉપર કેટલી કૃપા હતી ?’ ‘મહારાજ ગયા ને હું દુષ્ટ જીવું છું ! એ મહાયોગીની કૃપાને લાયક હું ન હતી’ - ‘એ મહાકૃપાની કૃપાના બદલામાં મેં એમના મહાન ચિંતાભારમાંથી એમને કદી છોડાવ્યા નથી, એમની ચિંતા ઘટાડવાને બદલે મેં જ વધારી હતી.’ ઇત્યાદિ વચનો બોલતી બબડતી જાગરણ કરતી દુઃખી પતિવ્રતા રાજવિધવાને નિદ્રા પોતે જ ઊેંઘાડતી.

વિદ્યાચતુરે ઘણુંક આશ્વાસન આપ્યા છતાં કુમુદસુંદરીના સમાચારથી દુઃખનો ભાર સહેવા ગુણસુંદરી અશકત નીવડી હતી. મણિરાજ તથા વિદ્યાચતુરે એ દુઃખ હલકું કરવા એને રાજમાતા પાસે મોકલી. દુઃખે દુઃખાધિકં પશ્ય એ ન્યાયે દુઃખી રાજવિધવાને જોઇને જ સુજ્ઞ ગુણસુંદરી પોતાનું દુઃખ ભૂલશે એવી સૌને કલ્પના હતી.

‘ગુણસુંદરી, સુન્દરગૌરી અને કુમુદસુંદરીને લઇને, મલ્લેશ્વરની વાડીમાં આવી તે પ્રસંગે પ્રાતઃકાળના સાતેક વાગ્યા હશે. એક તુલસીકયારામાં પાણી સીંચાતી સીંચતી મેના વિચારમાં પડી, ક્યારાને અઠીંગી ઊભી હતી. એના હાથમાનું પાણીનું વાસણ પડી જઇ ઢોળાતું હતું તેનું એને ભાન ન હતું. તે તુલસીની એક એકલ ડાળી ક્યારાની એક બાજુ પરથી લટકતી હોય અને અંતરના શોકકૃમિના કરડવાથી ત્રુટી જવાની તૈયારીમાં હોય એમ લાગતું હતું. કમળારાણીની કઠણ આજ્ઞા હતી કે માતાજી સૂએ, બેસે, કે ફરે ત્યાં બેચાર દાસીઓએ એમની પાસે રહેવું અને પાછળ ફરવું, એમને સૂનાં મૂકવાં નહિ, એમનું મન પ્રસન્ન રાખવું, અને શરીર સાચવવું છતાં નિત્ય પોતાની પાસે અને પોતાની પાછળ માણસોની ચોકી જોઇ એકલી પડવા ન પામતી મેના કોઇ વાર અકળાતી અને દાસીઓને દૂર કાઢી મૂકતી. આજે એને સૌને આઘાં કાઢી પતિ પાછળના ક્યારા સીંચતાં સીંચતાં પતિના વિચારથી આ દશા પામી હતી. પવિત્ર તુલસીક્યારાના આધારે નિશ્ચિત ટકેલા સ્થૂલ દેહના મસ્તકમાં કારણદેહ સચેત થઇ પ્રચંડ મલ્લરાજની ઊભેલી પ્રતિમાનું દર્શન કરતો હતો અને ત્યાંથી તે પ્રતિમાને ન ખસવા દેવાના હેતુથી સ્થૂલ નેત્રનાં પોપચાંને ઊઘડવા દેતો ન હતો. રાણીની ગાત્રયષ્ટિ યષ્ટિ જેવી થઇ ગઇ હતી. તેનો જેટલો દેહ વસ્ત્ર બહાર દેખાતો હતો ત્યાં ચર્મથી ઢંકાયેલાં હાડકાં ગણાય તેવાં જ દેખાતાં હતાં. તેના ઓઠ રાત્રિદિવસના નિઃશ્વાસથી કરમાઇ ગયા હતા અને તેનો રંગ સુકાયેલો ફિક્કો બની ગયો હતો. એના આખા મોં પર પીળો રંગ અને કરચલીઓવાળી ચામડી જોનારની આંખમાં આંસુ આણતાં હતાં. ગાલ બેસી ગયા હતા અને ચાલી જઇ સુકાયેલી આંસુની ધારાઓના ડાઘ ચળકતા હતા અને હજી સુધી ચાલતી ધારાઓનું વહેતું પાણી મોતીના હાર રચતું ટપકતું હતું.

કાઢી મૂકેલી દાસીઓ, જતાં રહેવાની આજ્ઞા પાળી, પાસેનાં ઝાડો પાછળ સંતાઇ રહી હતી તે રાજવિધવાની આ અવસ્થા જોતાં આગળ આવી. વાડીમાં હરતાંફરતાં મેના આ સ્થિતિ ઘણી વાર પામતી અને આ પતિયોગને કાળે એ યોગ તોડવવા અને આ મિથ્યાસંસારનું ભાન આણવા કોઇએ પ્રયત્ન કરવો નહીં એવી એની આજ્ઞા હતી એટલે કોઇ એને મૂર્છામાંથી જગાડતું નહીં. પણ શિવકીર્તનને નિમિત્તે પતિજપ જેવાં કીર્તન રચી વિધવા જાગ્રત દશાના દુર્ગમ અવકાશમાં કાલક્ષેપ કરતી, અને વૈધવ્યને લીધે પોતે તો ઉચ્ચ સ્વરથી ગાવું તજેલું હતું પણ દાસીઓની પાસે ગવડાવી સાંભળતી હતી. કમળાવતીની આજ્ઞાથી મેનાની મૂર્છાના સમયે દાસીઓ આ કીર્તનો ગાતી, મેનાના પોતાના તંબુરામાં ઉતારતી, અને ત્યાંથી તે મેનાના કર્ણમાં અને હ્ય્દયમાં જતાં, અને એ નિમિત્તે પાસે રહી દાસીઓ મેનાનું શરીર પૃથ્વી પર પડી જાય નહીં તેની સંભાળ રાખતી.

ગુણસુંદરી, સુન્દરગૌરી, અને કુસુમને મૌન રાખવા અને એક સ્થાને ઊભાં રહેવાની નિઃશબ્દ સંજ્ઞા કરી એક દાસી તેમની પાસે ગઇ. બીજી દાસીઓમાંની એક મેનાની પાસે ઊભી રહી, તુલસીક્યારાની પડઘી ઉપર પગ રાખી, જંઘા ઉપર અને ક્યારાની બાજુએ તંબૂરો ગોઠવી, અત્યંત ઝીણે સ્વરે ગાવા લાગી અને ગાયેલું તંબૂરામાં અને મેનાના કાનમાં ઉતારવા લાગી :

‘જગતને કહેજો રે હરિ હર એક જ છે,

વૈકુંઠ વસે તે રે કૈલાસની માંહ્ય જ છે. જગતને૦

બ્રહ્મા હરી હર એક પુરુષ છે, એક જ સર્વે શક્તિ રે !

પામર જન દેખે છે ભેદ જ, એક જ સૌની ભક્તિ રે.

એક સ્વરૂપને ભિન્ન ગણે તે નરક તણો અધિકારી રે;

એક ગણી સૌ એ દૈવત, અમે ઇષ્ટ છબી સ્વીકારી રે જગતને૦

રત્નપુરીના રાજભવનમાં શંકરની છવિ ઇષ્ટ જ છે;

યુદ્ધસ્મશાન તણા અભિલાષી શિવભક્તિ બલિષ્ઢ જ છે. જગતને૦

શિવ વિષ્ણુ શક્તિ પર સરખી મલ્લરાજની ભક્તિ હતી;

રંક ભિખારણ ને રાણી પર એક જ એમની આણ હતી ! જગતને૦

એક જ આજ્ઞા, એક જ દૃષ્ટિ, એક જ ભક્તિ, સર્વ સ્થળે

રાજયોગી રચી ચાલી ગયા પણ ઇષ્ટ છબી પાછળ રવડે. જગતને૦

સર્વ દેવને એક જ ગણતા રાજયોગી એ ચાલી ગયા;

ઇષ્ટ શંભુની છવિને ચરણે મેનાની છવિ સોંપી ગયા ! જગતને૦

જેમ જેમ પાછલો ભાગ ગવાતો ગયો તેમ તેમ એના કંઇક હાલતી ગઇ; છેલ્લું ચરણ ગવાયું તેની સાથે કંઇક આંખ ઊઘડી પણ પાછી મીંચાઇ ગઇ। એટલામાં કમલાવતી આવી. સર્વ વાત છાનીમાની સાંભળી અને જાણી, અને તંબૂરો પોતાના હાથમાં લેઇ જાતે કીર્તન આરંભ્યું, અને વચ્ચે વચ્ચે દાસીઓ તેમાં પોતાના સ્વર ભેળવવા લાગી.

‘શંકરની મૂર્તિ મનોહારી નિરાકર ને સાકાર રે- શંકરની૦

શંકર સાકાર વ્યાપે વિશ્વમાં, સ્થાણુ અચલ કહેવાય રે, શંકરની૦

મહાદેવ સ્મશાનમાં સદા વસે જોતા સૃષ્ટિસંહાર રે; શંકરની૦

ભોળા દેવ લીલુંસૂકું ન દેખાતા કરતા વિજયાનું પાન રે ! શંકરની૦

ફણાધારી ફૂંકે વિષ વિશ્વમાં, પ્રભુને અંગે વીંટાય રે ! શંકરની૦

સંહર્તા એ સંહારી નામરૂપ સૌ નિરાકારમાં સમાય રે ! શંકરની૦

સાકાર શંકરને તે પૂજતા મલ્લમહારાજ સાકાર રે ! શંકરની૦

નિરાકાર શંકરમાં સમાઇ ગયા ! રહ્યો મેનાનો આકાર રે ! શંકરની૦

આ લીટી ગાતાં ગાતાં યુવતી કમળાના ગૌર ગાલ પર આંસુ ઊભરાઇ ગયાં અને બાકીનો ભાગ રોતી રોતી તૂટતે સ્વરે ગાવા લાગી :

‘સ્વામી શંકરરૂપ એ થયા ! થયો સંસાર સ્મશાન રે ! શંકરની૦

કમલાવતીનું રોવું રહ્યું નહીં - સર્વ રોવા લાગ્યા, રોતાં રોતાં પણ રાણી ગાવા લાગી :

‘એ રે સ્મશાને મેના એકલી પ્રભુના પરજિયા જ ગાય રે ! શંકરની૦’

છેલ્લી ચાર લીટીઓ રાણીએ ફરી ગાઇ અને ગાતે ગાતે રોતે હ્ય્દય અવશ થતાં સાસુને પગ ઢળી પડી, તંબૂરો પડ્યો, તાર તૂટવાના રણકાર થયા, અને એ ગાન, એ મર્મ, એ સ્વર, અને એ સ્પર્શથી વત્સલ મેના ચમકી, આંસુ બંધ કરતી કરતી જાગ, અને કમળાને બે હાથે ઉઠાડી એને ભેટી પડી. સાસુની છાતીમાં માથું સમાવતી બાળા બોલી :

‘માતાજી, પિતાજી ગયા તેની પાછળ આપ રહ્યાં છો તો અમ બાળકોનું એટલું છત્ર છે. ભુલાય નહિ એવું મહાદુઃખ અમ બાળકોએ ઢાંકવામાં ક્ષણ વાર ભૂલો ! જે મહારાજ ઇશ્વરરૂપ થાય તેનો આ ધરતી ઉપર આપ અવતાર છો ! પવિત્ર મલ્લેશ્વરનાં આપ અનન્ય ભક્ત છો - તેમનું સાકાર ભક્ત છો - તેમું સાકાર સ્વરૂપ છો ! આ સંસારને સ્મશાન ગણી તેમાં ઉમામહેશ્વર પેઠે હજી આપ બે જણ છો જ ! તો અમો અને આ વસતિ સર્વ આપની રંક પ્રજા છીએ તેના સંસાર ઉપર અમીદૃષ્ટિ રાખો અને તેમની ભક્તિને વશ થઇ પ્રભુનું અનુકરણ કરો !’

‘કમળારાણી !’ મેનાએ ઓઠ ઉઘાડ્યા.

‘ના માજી ! હું આપની પ્રજા છું - મારા ઉપર પ્રીતિ હોય તો કમળા કહીને બોલાવો, મારી સાથે કંઇક હસો, અને મને ને આપની આ છે તેને આજ્ઞાઓ અને આનંદ આપો ! માતાજી, આજ્ઞા ઉપાડવાના ભારમાં મને આનંદ થાય છે; પણ કોઇને માથે આજ્ઞા મૂકતાં હું ધ્રૂજું છું - એ ભાર ઉપાડવા મને મારી અયોગ્યતા લાગે છે. માજી, આજ્ઞા ઉપાડનારને એક જ વિચાર છે ને આજ્ઞા કરનારને અનેક વિચાર છે : મમાટે આજ્ઞા કરવાની કઠણ વાતની લગામ હતી તેવી ને તેવી આપના પવિત્ર અને ચતુર હાથમાં રાખો. મને આ ભારમાંથી થોડા દિવસ છૂટી રાખો, અને એ ભાર આપની પાસે રાખો તે જોઇ જોઇ ઉપાડતાં શીખીશ.’

સાસુનું દુઃખ ભુલાવવા એને રાણીના અધિકાર ઉપર જ રાખવી અને એ અધિકારમાં એનો કાળક્ષેપ થવા દેવો એ લોભની અભિલાષિણીએ ઉચ્ચકુળની ક્ષત્રિયાણીને સહજ પણ મહાન આગ્રહ આરંભ્યો.

જેમ કમલાવતીને સાસુને પ્રવૃત્તિમાં નાંખવાનો આરંભ હતો તેમ પતિશબ્દમાં જ કેવળ નહિ પણ પતિની નીતિ અને મનોવૃત્તિમાં પરાયણ રહેવાની શક્તિવાળી અને પતિ પાછળ પણ પતિવ્રતા રહેનારી મેના આરંભેલા તપમાંથી ચળે એમ ન હતું. કમળાનું માથું ઊંચું કરી બોલી :

‘કમળા, તમે પતિવ્રતા છતાં મને આપણા છત્રરૂપનાં વચન તોડાવવા કેમ ઇચ્છો છો ? પણ ચાલો, આ ગુણસુંદરી આવેલાં છે તેમનો સત્કાર કરો.’

સૌ સજ્જ થઇ ગયાં, અને દુઃખની વાર્તાઓ મૂકી, વ્યવહારનો આચાર આરંભવા લાગ્યાં.

‘ગુણસુંદરી, ચાલો મારા આશ્રયમાં.’

એક પાસ મેના, જોડે ગુણસુંદરી, કમલાવતી, તેની આંગળીએ કુસુમ, અને છેલ્લી સુન્દર; એમ એક હારમાં ઝાડો વચ્ચે સૌ ચાલ્યાં, અને પાછળ દાસીઓ ચાલી. રસ્તો સાંકડો આવે ત્યારે હાર ભંગાય અને પહોળો આવે ત્યારે સંધાય - એમ સર્વ ચાલ્યાં. ચાલતાં ચાલતાં મેના નિઃશ્વાસ મૂકી બોલી.

‘ગુણસુંદરી, માંદા માણસના શરીરની દુર્દશા સૌ જુએ તેમ મારા જેવાંનાં મનની દુર્દશા પણ સૌએ જુએ - તમે તે જોઇ ! કમળા ! હું વૃદ્ધ તો દુર્દશા પામું પણ તમે જુવાન માણસ પણ પામ્યાં !’

ગુણસુંદરી - ‘માતાજી, એ જોવાને જ મને આપના પ્રધાને મોકલી છે.’

મેના - ‘હેં ! ગુણસુંદરી ! ક્ષત્રિયાણીના દુર્દશા કોઇ જુએ તો એને લાજી મરવાનું થાય.’

ગુણસુંદરી - ‘માજી ! અમારાં જેવાંની દુર્દશા જરી જરીમાં થાય ને ઘડી ઘડી થાય, તેને આપ જેવાંનાં મહાદુઃખ જોઇ શરમાવાનું થાય અને અમારાં ધૂળ જેવાં દુઃખનાં અભિમાન છૂટી જાય. માતાજી ! કુમુદ નદીમાં તણાયાના સમાચારથી મને શોક થયો અને એના પિતાના વચનથી શોક વળ્યો નહીં, ત્યારે તેમણે મને ઠપકો દઇ કહ્યું કે માતાજીના દુઃખ આગળ તારું દુઃખ તો કાંઇ લેવામાં નથી, માટે માતાજીનાં દર્શન અને વચનથી આશ્વાસન લે. તે લેવા મને મોકલી છે.’

કુમુદ તણાયાના સમાચાર જાણતાં મેના ચમકી, દુઃખી થઇ, અને અરસપરસ વાતો કરી સૌ વિગત જાણી લીધી. એ વાતો ચાલે છે એટલામાં એક જૈન ‘આરજા’ (આર્યા) આવી મને થોડી વારે સામંતની વૃદ્ધ સ્ત્રી આવી. છતાં ચાલતી વાતોમાં કોઇએ ભંગ પાડ્યો નહીં. તે વાર્તા થઇ રહેવા આવી એટલે સામંતની સ્ત્રી બોલી : ‘ગુણસુંદરી, સંસાર જ આવો છે. આપને સુપાત્ર પુત્રીના જવાનું દુઃખ છે; મારા ઘરમમાં કુપાત્ર પુત્ર જીવ્યાનું દુઃખ છે.

આ વાક્યનો અનાદક કરી સર્વેએ પોતાની વાતો ચલાવી. તે વાતોનો અંત આવ્યા વગર રહ્યો નહીં. અંત આવ્યો એટલે વળી સામંતપત્ની બોલી :

‘માતાજી, મારું દુઃખ આપ જાણો છો-’

‘પતિ કરતાં પુત્રને વધારે પ્રિય ગણે તે સ્ત્રી પતિવ્રતા નથી અને પતિસુખને તે યોગ્ય નથી. ઠકરાળાં, મને તમારી દયા નથી આવતી’ : મેના બોલી.

‘માતાજી, વૃદ્ધાવસ્થા સુધી નાની કન્યાઓ પેઠે શિક્ષા ખમ્યાં કરવી એ દુર્ભાગ્ય મારે જ કપાળે છે.’

‘મૂળ સ્ત્રી અને તે વૃદ્ધ થઇ એટલે જરી શાણપરા રહેલું હોય તે

પણ જાય. છત્રની છાયામાં રહો અને પતિદૈવત ઉપર શ્રદ્ધા રાખી તેની

નિન્દાનો ધ્વનિ ન કાઢો.’

‘માતાજી, હું નિન્દા નથી કરતી. પણ ઠાકોરનો અંતકાળ આવેલો છે તે કાળે પણ મારું મોં જોતા નથી અને મને દેશવડટો આપેલો છે - એ દુઃખ ખમાતું નથી. પુત્ર નઠારો છે તે જાણું છું, પણ માનું કાળજું એક વાર હાથમાં ન રહ્યું તેની શિક્ષા સ્વામી જતે પણ પહોંચશે તે કેમ ખમાશે ? મને પુત્રનો કંટાળો આવ્યો છે અને આ ઘડીએ હવે કંઇક ક્ષમા મળશે નહીં તો પછી ક્યારે મળવાની હતી ?’

‘સ્વામીના અવગુણ બીજા માણસ પાસે ગાઇ વધારે દૂષિત થાઓ છો અને ક્ષમાને અયોગ્ય ઠરો છો !’

‘હું તેમનો દોષ નથી કાઢતી, પણ તેમની ક્ષમા કેમ મેળવવી અને તેમનું મુખ કેમ જોવા પામવું એ વાતમાં આપની શિખામણ માગું છું બોલતી બોલતી સામંતપત્ની રોઇ પડી. - ‘માતાજી, આપના સિવાય આ ક્ષમા અપાવી શકે એવું કોઇ નથી.’ - ‘માતાજી, વડ વટેમાર્ગુને છાયા નહીં મળે ત્યારે બીજે ક્યાં મળશે ? - સરોવરની પાળે ઊભેલીને પાણી નહીં મળે ત્યારે કોને મળશે ?’

‘એ અધિકાર હવે મારો નથી. કમળારાણી મારું બાળક તેને મારો સર્વ અધિકાર સોંપેલો છે - તેને મૂકી મારી પાસે આ વાત કરવી મિથ્યા છે.’

‘બાળકની પાસે ઘરડે મોંએ હું શું કહું ?’

‘જે બાળકને ઇશ્વર આવો અધિકાર સોંપે છે તેના તેજમાં સર્વ અવસ્થાઓ સમાઇ જાય છે. ઠકરાળાં, તમારી રાણી બાળક છે એ વચનને જે અભિમાન તમારી પાસે બોલાવે છે, તે જ અભિમાન ધાવી બાળક મૂળરાજ ઊછર્યો અને મારા તમારા સ્વામીની આશાઓ નષ્ટ કરી ! અને એ જ અભિમાન હજી સુધી તમારી વૃદ્ધ છાતીમાં ઊછળે છે તે જાણી રાજભક્ત સામંતરાજને હું તમારી ભલામણ કેવી રીતે કરું ? આ રાજ્યમાં બીજો સામંતરાજ જન્મ્યો નથી અને હવે જન્મવાનો નથી ! એને મરતાં મરતાં પણ તમારા ભણીનો અસંતોષ છે એ છોડવવો તમારું અને મૂળરાજનું કામ. એમાં મેના શું કરશે ને કમળા શું કરશે ?

‘સામંતરાજની અવસ્થા જાણી મૂળરાજને તેડાવવા એમના ભાઇએ પત્ર લખ્યો છે.’ ધીમે રહી કમળાવતી બોલી.

‘જુઓ, ઠકરાળાં ! મેઘની પાસે બે છાંટા માગતાં તમને તો શરમ આવી, પણ મેઘે તો વગર માગ્યે જ વર્ષવા માંડ્યું છે. મણિરાજે મૂળરાજને કાગળ લખ્યો અને બીજું શું કરશે તે જાણવું હોય તો તેમને પૂછો.’

થોડીક વાર વિચારમાં પડી મેના બોલી : ‘બેટા કમળા ! - આ સંસારની વાતો ન કરવી એ મારી પ્રતિજ્ઞા આજ તૂટી. ઠકરાળાંની વાતોએ ઘડીક મારા મન ઉપર સંસારનો રંગ ચડાવ્યો અને આજ હું મારા ધર્મથી ભ્રષ્ટ થઇ. તમે હવે એટલી વ્યવસ્થા કરો કે ફરી મારી પાસે કોઇ આવી વાતો ન કાઢે. ભોજન ઉપર બેસીએ તો ભૂલમાં કોળિયો ભરાય.’

કમળા ઉત્તર આપે છે એટલામાં વૃદ્ધ થયેલી મધુમક્ષિકા આવી અને ધીમે ધીમે બોલવા લાગી :

‘માતાજી, હું દરવાજામાં આવતી હતી એટલામાં પ્રધાનજી મળ્યા અને મહારાજા તથા પ્રધાનજીના પોતાના સંદેશા આપને પહોંચાડવા મારી જોડે મોકલ્યા છે.’

‘સામંતરાજના શરીરની અંત્ય અવસ્થા પાસે આવતી જાય છે અને બેચાર ઘડીમાં એમને સન્નિપાત થશે એવું ભય છે. ઘડી ઘડી મહારાજનું નામ સંભારે છે ને બીજી કાંઇ વાત કરતા નથી. આ પળે એમની પાસે જવું આવશ્યક ધારી મહારાજ ત્યાં પધાર્યા છે અને આપની પાસે આવી શક્યા નથી.’

‘મહારાજ અને પ્રધાનજી સામંતરાજને ત્યાં પધારતા હતા એટલામાં માર્ગમાં મૂળરાજને બંધમાં રાખી આવતા રક્ષક અધિકારીઓ સામા મળ્યા. આ રાજ્યમાં બહારવટે નીકળી કોઇનું ખૂન કરવાનો તેમને માથે આરોપ હતો અને તેમના હાથમાં મરેલા માણસનું માથું હતું તેવે વખતે સુભદ્રાની પાસેનાં કોતરોમાંથી તેમને પકડ્યા હતા.’

‘પણ એમને લાવનાર માણસો મળ્યાં તે પહેલાં માનચતુરભાઇની પાસેથી એક સવાર પ્રધાનજી ઉપર પત્ર લાવેલો હતો તેમાં કુમુદસુંદરીના સમાચાર હતા.’ ગુણસુંદરી અને એની સાથેનું મંડળ ઉત્સુક બન્યું : મધુમક્ષિકા બોલવા લાગી :

‘સુભદ્રાના પ્રવાહમાં કુમુદબહેનની પાછળ સુવર્ણપુરનો બહારવટિયો પ્રતાપ પડ્યો હતો અને તેની પાછળ એ રાજ્યનું માણસ શંકર પડ્યો હતો. પ્રતાપના હાથમાં કુમુદસુંદરીનો એક પગ હતો. પણ પ્રતાપ સ્વતંત્ર માર્ગે જાય તે પહેલાં શંકરે એનો પગ પકડ્યો અને શંકરને પ્રતાપે તરવારને ઘાએ હણ્યો. એટલામાં કુમુદબહેનના રક્ષણને અર્થે નીકળી પડેલાં મૂળરાજે કાંઠા ઉપરથી પડતું નાખી પ્રતાપનું માથું ધડથી જુદું કર્યું અને માથું લઇ પાણી બહાર નીકળ્યા તે માનચતુરને મળ્યા અને આણી પાસ આવ્યા. આ સમાચાર વાંચી મહારાજે મૂળરાજને સર્વ રીતે ક્ષમા કરી છે અને આ શુભ સમાચાર સાંભળી સામંતરાજનો જીવ સદ્‌ગતિ પામે, મૂળરાજનાં ઉપર તેમની કૃપા થાય અને પિતાપુત્રનો યોગ થાય એવું ઇચ્છી મહારાજ મૂળરાજને સાથે લઇ ગયા છે.’

સામંતપત્નીને હર્ષનાં આંસું આવ્યાં. ગુણસુંદરીને રજ તૃપ્તિ થઇ નહીં. તેને મન સોળે સોકડી કાચી રહી. મધુમક્ષિકા બોલવા લાગી :

‘ગુણસુંદરીબહેન, પ્રધાનજીએ કહાવ્યું છે કે પ્રતાપ અને મૂળરાજની લડવાડના સંધિના મૂળરાજને બે હાથ હોત તો એક હાથે તલવાર વાપરી બીજે હાથે કુમુદબહેનને એ ઝાલી શકત; પણ એક હાથ એમનો કપાયેલો હોવાથી કુમુદબહેન નદીમાં એકલાં તણાયાં, અને પ્રતાપનું અને નદીનું બેનું એમને હતું તેને ઠેકાણે હવે માત્ર નદીનું ભય છે-’

ગુણસુંદરીની આંખમાંથી નવીન આંસુ બળ કરી નીકળી પડ્યાં. રોવું આવવાનું થયું તે દાંત વડે નીચલો ઓઠ કરડી પકડી રાખ્યું, અન્‌ સ્વર ગળામાં દાબી નાંખ્યો. મધુમક્ષિકા સમજી અને બોલી.

‘બહેન, માચતુરજી માણસો લઇ નદીને તીરે તીરે ઘોડા દોડાવતા ગયા છે. મૂળરાજને એવું કહેવું છે નદીના મુખ આગળ રત્નાકર સાથે સંગમ થાય છે ત્યાં આગળ કુમુદબહેનનું શરીર તણાતું તણાતું પહોંચશે તે વેળા ભરતીની હશે, અને તેથી નદીનાં અને રત્નાકરનાં પાણી સામાં મળશે એટલે સંગમ આગળનું બધું પાણી સ્થિર રહેશે એટલે કુમુદબહેનનું શરીર આગળ સમુદ્રમાં નહીં તણાય પણ સંગમ આગળ અટકશે.

ગુણસુંદરીને કંઇક આશા આવી. મધુમક્ષિકા વાધી :

‘ વળી નદીમાં ખેંચાયેલા કચરાનો સંગમ આગળ મોટોે થર થયેલો છે અને તે ઉપર પડ બંધાયેલો છે એટલે પાણી પણ છાછર અને નીતરેલું કાચ જેવું રહે છે. તેથી ત્યાં આગળ પાણીને તળીયે શરીર હશે તોપણ જણાશે અને હાથ આવવું કથણ નહીં પડે - આ પ્રમાણે મૂળરાજને આશા છે અને તેવી સૂચના તેમણે જ આપેલી છે તેથી માનચતુર ત્યાં ગયા છે.’

‘હરિ કરે તે ખરું !’ નિઃશ્વાસ મૂકી ગુણસુંદરી બોલી.

‘ઇશ્વર સારું જ કરશે.’ મેના બોલી.

‘માતાજીનો આશીર્વાદ છે તો સારું જ છે. પણ તણાઇ તે તણાઇ. માતાજી, હવે આશા વ્યર્થ છે : ઠીક છે, છેલ્લા સમાચાર મળતાં સુધી આશા ન મૂકવી એટલો આપણો ધર્મ છે.’ ગુણસુંદરી બોલી.

મધુમક્ષિકા - ‘માતાજી, મૂળરાજે મહારાજ દ્ધારા આપની પાસે ક્ષમા માગી છે - મૂળરાજના કારણથી આપને ઘણું દુઃખનું સોસવું પડેલું છે.’

મેના - ‘મધુમક્ષિકા, ચિરંજીવ મહારાજને કહેજે કે શંકરરૂપ થતાં પહેલાં રાજ્યના ધણી અને મારા તમારા છત્રરૂપ તેમણે મને શિક્ષા કરેલી તેનાથી મેં દુઃખ ધર્યું હોત તો મેં શિક્ષાને અયોગ્ય ગણી થાત. એ શિક્ષા યોગ્ય હતી અને તે શિક્ષા સ્વીકારતાં મેં દુઃખ નથી ગણ્યું પણ મહારાજની પ્રીતિને પાત્ર થવા માટે પ્રાયશ્ચિત્તરૂપ ગણી સંતોેષ માન્યો છે. બાકી હવે મૂળરાજનું શું કરવું તે તો તમારે જોવાનું છે.’

સામંતપત્ની - ‘માતાજી, એને આપે ક્ષમા આપી એવો મીઠો ઉચ્ચાર કરવા કૃપા કરો.’

મેના - ‘એણે મારો અપરાધ કર્યો જ નથી. રાજ્યનો અપરાધ કર્યો હોય તો તે રાજા જાણે.’

મધુમક્ષિકા - ‘બીજા સમાચાર એવા છે કે મૂળરાજે મહારાજને પગે પડી આંસુ સાથે માગ્યું કે જુવાનીના ઉછાંછળાવેડામાં મહારાજ મલ્લરાજને મેં દુઃખ દીધું છે તેથી વિશેષ અપમાન અને અપરાધ આપના વિષે મેં કરેલાં છે. તેની ક્ષમા માગવી હું યોગ્ય ગણતો નથી, કારણ સર્વ તીર્થો ઉપર જઇ સ્નાન કરું તોપણ આ દોષોનું પ્રાયશ્ચિત્ત થાય એમ નથી; પણ માત્ર આટલું જણાવવા રજા માગું છું કે આપને સારુ મારા મનમાં જે તિરસ્કાર અને ક્ષુદ્રભાવ હતો તેને સાટે હાલ હું એમ માનું છે કે આપના ઉદાત્ત વંશમાં હું એક શિયાળ જેવું પ્રાણી છું ત્યારે આપ શુદ્ધ સિંહરૂપ છો -આપણી બુદ્ધિ, શૌર્ય, સદ્‌ગુણ અને ઉદાત્ત રાજતેજ આગળ હું એક ક્ષુદ્ર જીવ જેવો છું, અને મહારાજ મલ્લરાજને ઉગ્ર મુખે દેહાંત શિક્ષા સાંભળતાં જે અભિમાન નમ્યું ન હતું તે સર્વ અભિમાન આજ જાતે છોડી, વસિષ્ઢને પગે વિશ્વામિત્ર પડ્યા હતા તેમ, આપને પગે પડું છું અને આ જગતમાં એટલું પ્રાયશ્ચિત્ત કરવા દેશો તો હું દુષ્ટ પોતાને કંઇક શુદ્ધ થયો ગણીશ.

‘માતાજી, આ ઉપરાંત મૂળરાજે કહ્યું કે હું મારી માતાની સ્ત્રીબુદ્ધિએ ચાલ્યો અને પિતાના બુદ્ધિતેજનો પ્રભાવ પરખી શક્યો નહીં તે તરવાર છોડી નરેણી પકડ્યા જેવુંં કર્યું. મારા પિતાને અવસાનકાળે મને બોલાવ્યો તો ક્ષમા અપાવનાર ધણી પણ આપ છો. પિતા પાસે બાંયધરીમાં એટલું વચન આપું છું કે ભરતજૂએ કૈકેયીનો ત્યાગ કર્યો હતો. તેમ હું પણ આજથી મારી જનનીનો ત્યાગ કરું છું.’ સામંતપત્ની ઝાંખી પડી ગઇ.

‘મહારાજને આટલાં વચન કહ્યું પછી મૂળરાજે પ્રધાનજીએ કહ્યું ગકે -પ્રધાનજી, મારો તમારો મતભેદ તો ઇશ્વરે નિર્મેલો છે અને જે અંગ્રેજને આપના મામાએ સામતે આકાશ ચડાવ્યા છે તે અંગ્રેજનોે સ્વીકાર અને દેશીઓનો ત્યાગ કરી સુભાજીરાવને કાઢી મૂક્યા તે કિલ્મિષ તો મારા મનમાંથી જવાનું નથી. પણ મહારાજ મણિરાજના પ્રધાન તે મારે શિરસટ્ટે એટલી બુદ્ધિ ઘણો વિચાર કરતાં મને ઉત્તમ લાગી છે, અને તે બુદ્ધિ સિદ્ધ કરવાને માટે જ મેં આપની પુત્રીના શત્રુને હણ્યો છે.’

‘વળી મૂળરાજે પ્રધાનજીને કહ્યું કે પ્રતાપનો હું વિશ્વાસુ મિત્ર હતો. કુમુદસુંદરી ઉપર એની કુદૃષ્ટિ હતી તે વાત એને પોતાને જ મુખે સાંભળી હતી, પણ એને વારવાથી સારું ફળ હતું નહીં, અને મને વાત કરતો અટકે જાણી હું એને વારતો ન હતો. જ્યારે એ નદી આગળ ગયો ત્યારે હું કાંઇક નિમિત્તે ત્યાં આગળ ફરતો હતો અને શંકરથી ન થયું તે કામ મેં કર્યું. મેં મિત્રહત્યા કરી - પણ દુષ્ટ મિત્રની હત્યા કરી, તે શા સારું ? કુમુદસુંદરી છેક નાની હતી ત્યારે મેં એને મારી પુત્રી પેઠે એક દિવસ રમાડી હતી. કોઇ જાણતું નથી - ગુણસુંદરી પણ જાણતાં નહીં હોય - પણ તેમના ઉપર એ દિવસે મારી દૃષ્ટિ બગડી હતી. તેનું પણ પ્રાયશ્ચિત્ત બાકી હતું. આ બગડેલી દૃષ્ટિ સુધારનાર પળવારનો સંગી એક બ્રાહ્મણ હતો - તો બીજા બ્રાહ્મણ પ્રધાનજીનો કંઇક વધારે સંગ થશે તો બુદ્ધિ વધારે સુધરશે. આ પ્રાયશ્ચિત્ત કરવા ને આ બુદ્ધિ સુધારવા મારી પુત્રી જેવા કુમુદબહેનના શત્રુને હણી મેં મિત્રહત્યા કરી છે. હવે મારે આ સંસારમાં કાંઇ વાસના નથી.’

આટલું બોલી સામંતપત્ની સામું જોઇ મધુમક્ષિકા બોલી : ‘ઠકરાળાં, મહારાજે કહાવ્યું છે કે સત્વર સામંતરાજ પાસે હાજર થજો અને રાણીજીને સાથે રાખજો, કારણ સામંતરાજ રાણીજીનું નામ પણ ઝંખે છે. રાણીજીને મહારાજે કહાવ્યું છે કે સામંતરાજ આપણા પિતાને સ્થાને છે તો તેની પાસે મર્યાદાની જરૂર નથી જરૂર નથી અને તેમની છેલ્લી વાસના પૂરી કરવી અને એમનો આશીર્વાદ લેવો એ આપણો ધર્મ છે માટે માતાજીની અનુજ્ઞા લઇ ઠકરાળાં સાથે આવવું.

મેના - ‘બેટા કમળા, રાજપતિની આજ્ઞા અતિય યોગ્ય છે અને તે બહુ ઉત્સાહથી પાળવા તમે સત્વર જાઓ. સામંતરાજને મારા ભણીથી બે વાત કહેજો : પહેલું એ કહેજો કે શંકરરૂપ મહારાજ ગયા પછી હું નકામી થઇ જીવું છું અને બાળક મણિરાજને તેમને તમને સોંપેલા અને એ બાળકને તમારી ઢાલ છે તે તમારે જવા કાળ આવ્યો એવો વિપર્યય ઇશ્વરને ગમે છે તો તેની બુદ્ધિ આપણાથી અગમ્ય છે. પણ બીજી વાત એ છે કે હવે તમારા વિના મણિરાજ એકલા પડશે તેની પાસે તમારું કામ સારવા મૂળરાજને અધિકાર આપો, અને હવે પરદેશ આથડી, અનુભવથી ઘડાઇ, તે રાજ્યભક્ત થયો છે તો સત્કાર્યમાં શંકા ન કરશો. બાકી ઘડી અધઘડીમાં પ્રભુનું તેડું આવશે એટલે તમે હશો ત્યાં મારે પણ આવવું જ છે.’

સૌ ઊઠ્યાં, વેરાયાં, ચાલ્યાં. સૌની પાછળ કુસુમ આરજાની સાથે વાતો કરતી ચાલતી હતી.

થોડેક છેટે આગળ સુન્દરગિરિની એક ગોસાંઇપણ પણ ચાલતી હતી, અને તેની જોડે પલાળેલા કુંકમ ભરેલો થાળ લઇ માતાની પૂજારણ ચાલતી હતી. આરજા, ગોસાંઇયણ અને પૂજારણ ત્રણેની વચ્ચે આવજા કરતી કુસુમ ત્રણેમાંની એકની સાથે ઘડીક વાતો કરી, બીજી સાથે વાતો કરવા જતી ને ઘડીક બીજીને છોડીને ત્રીજી પાસે જતી. કમલાવતી, ગુણસુંદરી અને સુન્દર સૌથી આગળ ચાલતાં હતાં, તેમાં સુન્દરનો જીવ કુસુમમાં હતો તે ઘડી ઘડી પાછું વળી એના ભણી જોતી હતી. કુસુમની કુંવારા રહેવાની હોંશ સુન્દર સારી રીતે જાણતી હતી અને આ ત્રણે જણ જોડે એ હોંસને લીધે જ કાંઇક વાતોે બાળા કરતી હશે જાણી સુન્દરનો જીવ ઊંચો થયો. એટલામાં કુસુમની અને સુન્દરની આંખો મળતાં સુન્દરે અણસારો કરી કુસુમને પોતાની પાસે બોલાવી. તેના ઉત્તરમાં કુસુમે ડોકું ધુણાવ્યું અને હથેળી નાગની ફણા પેઠે હલાવી અને આઘી જતી રહી વાતોમાં ભળી.

અંતે વાતો થઇ રહેતાં કુસુમ જુદી પડી, ત્રણે જણને છોડી, સુન્દરને પકડી પાડવા ઉતાવળી આગળ ચાલવા લાગી અને ચાલતાં ચાલતાં મનમાં મનની સાથે વાતો કરવા લાગી.

‘આરજા પરણી નથી ને ધર્મધ્યાનમાં આનંદ કરે છે - પણ આપણાથી કાંઇ આરજા થવાય ? પૂૂજારણને ગમત છે - માતાની પૂજા કરવી - પણ એ તો પરણેલી ને પરણ્યાં એટલે પડ્યાં. ગોસાંઇયણ સુખી ખરી - પરણવું હોય તો પરણે નીકર કુંવારી રહે ને મીરાંબાઇનું પદ ગાયાં કરે :’ કંઇક મોટે સ્વરે કુસુમ લવી.

‘મીરામન મોહનશું માન્યું !

વરિયા વરિયા શ્રીગિરિવરધરલાલ !

જાણે જગ કાંઇ નથી સાચુું !’

આ કડી બેચાર વાર લવી, થોડી વારમાં સુન્દરની આંગળીઓ વળગી વિચારના ઉછાળામાં ઊછળતી ચાલવા લાગી. વાડીનો દરવાજો આવ્યો. કમલાવતી અને સામંતપત્ની એક ગાડીમાં બેસી ગયાં. બીજી ગાડીમાં ગુણસુંદરી, સુન્દર અને કુસુમ બેસી ઘર ભણી ચાલ્યાં, અને ગાડી ચાલતાં સુન્દર કુસુમને માથે હાથ મૂકી પૂછવા લાગી :

‘કુસુમ, આરજા અને પૂજારણ ને ગોસાંઇયણ સાથે તે શી વાતો કરતી હતી ? ભલું તને એવાં સાથે વાતો કરવાનું મન થાય છે તો ?’

‘તે કેમ વાતો ન કરીએ ? ઓછાં જ ભાયડાઓ સાથે બોલીએ છીએ જે :’

‘તારે આરજાબારજા થવું છે ?’

‘થઇએ યે ખરાં. પરણેલાં કરતાં એ બધાં સુખી છે.’

‘તે પરણે તેને શું દુઃખ છે ?’

‘પરણે તેને પતિ જડતાં દુઃખ, પતિ જીવતાં દુઃખ, ને પતિ મરતાં દુઃખ-ને ત્રણે વખત દુઃખ ન હોય તો એક વખત તો હોય હોય ને હોય.’

‘હતું હશે ! પરલોકનું સ્વપ્નું તો દીઠું નથી ને તેનાં દુઃખની વાત કરવા બેઠી છે આજકાલની -’

‘પરણ્યાં ન હોઇએ પણ જાને તો ગયાં હોઇએ. પતિ જડતાં દુઃખ પડ્યું કુમુદબહેનને ! પતિ જીવતાં દુઃખ પડ્યું કુમુદબહેનને ! એ બેમાં સુખ, તો પરણેલાંને છોકરાંનું દુઃખ થયું જોવું હોય તો - જુઓ કુમુદબહેનનું દુઃખ ગુણિયલને !’

ગુણસુંદરી વિચારમાંથી ભડકી. સુન્દરે કુસુમના બે ગાલ હાથ વતે આમળ્યા ને બોલી : ‘મેર ! મેર ! શરમ વગરની ! માની વાતો કરનારી ન જોઇ હોય તો સુન્દરનું બોલ્યું ખરું લાગતાં આમળાથી રાતા થયેલા ગાલ ઉપર લજવાયાની બીજી રતાશ ચડી, અને હારી જઇ કુસુમ જરી નીચું જોઇ રહી. પળુવારે પાછું ઊંચું જોઇ બોલવા લાગી :

‘વારુ, સામંતની વહુનું દૃષ્ટાંત તો ખરું ? અને જન્મારો સુખ જોઇ સ્વામી જતાં દુઃખ થાય તેનું દૃષ્ટાંત મેનારાણી. શું એમનું દુઃખ ! હું તો એ દુઃખ જોઇ છક જ થઇ ગઇ ! સ્વામી નઠારા હોય તેનું દુઃખ કુમુદબહેનનું જોવાનું, ને સ્વામી જેટલા વધારે સારા એટલું દુઃખ સ્વામી ગયા પછી - તે મેનારાણીનું જોવું !’

‘તું ભલી આવું આવું શોધ્યાં કરે છે ! ન પરણવાના ચાળા !’

‘તે શોધવા કંઇ આઘે જઇએ છીએ ? ઘરમાં ને ઘરમાં જોઇએ તે દેખીએ નહીં તે શું આંધળાં છીએ ! - હા-ન પરણવાના ચાળા તો ખરા ! પરણ્યાં એટલે પડ્યાં. તમારે છે કંઇ ?’

‘વળી સામા માણસનું દૃષ્ટાંત લીધું ? તે વેળા મારું લીધું નને વળી આ કાકીનું દૃષ્ટાંત લીધું !’ ભમર ચડાવી ગુણસુંદરીએ બોલકણીને ધમકાવી.

‘લ્યો તે નહીં લઇએ. બાકી સુખનું દૃષ્ટાંત લીધું છે - કંઇ દુઃખનું લીધું નથી. કાકી, મને તો પિતાજી ન પરણાવે કની તો જાડી બમ થાઉ.’

‘તે પિતાજી કંઇ તારા જેવા ઘેલા હતા ? આપણામાં ડોસી કુંવારી રહી છે કંઇ ?’

‘તે જોઇશું-’

આ વાતોમાં ગાડી ચાલી ગઇ.

મધુમક્ષિકાને વાડીમાં મોકલી દરવાજા બહાર વિદ્યાચતુર ગાડીમાં બેસી રહ્યો હતો, અને તેના મનમાં અનેક વિચાર ઘોળાયાં કરતા હતા.

‘મહારાજ મલ્લરાજની પરીક્ષા અંતે ખરી જ નીવડી. આટલે વર્ષે મૂળરાજ કુળ ઉપર ગયો; અને પોતાના રાજવંશનો એક છોડ નિર્મૂળ ન કરી નાંખવાનો એ મહારાજનો આગ્રહ તે દુરાગ્રહ નહીં પણ સદાગ્રહ હતો તે એમના ગયા પછી સિદ્ધ થયું.

‘અંગ્રેજોના સંબંધ વિરુદ્ધ સામંત અને મૂળરાજનો આગ્રહ મૂળથી છે - એને દુરાગ્રહ કેમ કહેવાય ? એમાં સ્વરાજભક્તિ અને સ્વદેશાભિમાન નથી એમ કેમ કહેવાય ? જે રાજનીતિનો વિચાર કરી, એ મહારાજે અને મામાએ આ સંબંધ સ્વીકાર્યો તે નીતિ મને પણ ખરી લાગે છે - પણ એ ઢાલને બે બાજુઓ છે તેની ના કોણ કહેશે ? દેશીઓના હાથમાં હિંન્દુસ્તાન રહ્યું હોત તો એમના હાથમાં આ દેશની જાપાન જેવી ઉન્નત્તિ થાત એવી ધારણા કોઇ કરે તો તેમાં અશક્ય જેવું શું છે ? જે લોકમાં રત્નો ઉત્પન્ન થયાં હતાં તે લોકમાં અને બીજી નાતોમાં અને બીજા પ્રાંતોમાં એવાં રત્નો ઉત્પન્ન થાય અને આ દેશનો ઉદ્ધાર કરત એવું કોઇ ધારે તો તેમાં અસંભવિત શું છે ? રત્નપુરીનાં જેવાં રત્ન સ્વતંત્રતાનો કાળ આ દેશમાં કેમ ન દેખાડત ? સામંતરાજ અને મૂળરાજ જેવા ક્ષત્રિયોને યુદ્ધકાળ સ્વપ્ન જેવો થઇ ગયો જોઇ ક્રોધ કેમ ન ચડે ? એમના ઉપર દ્ધેષ રાખે તે હિન્દુ અનાર્ય છે - આર્ય નથી.

‘પણ-પણ-એ કાળ ગયો-સામંતરાજ અને મૂળરાજ ! મામા ઉપર તમને ક્રોધ છે-તે હોલવાતો નથી તેનું કારણ શું ?-તમારા

‘તમારા જેવી વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થાય છે એવે કાળે સુભાજીરાવ જેવાઓને જેણે આશ્રય ન આપ્યો તેને આજ પોતાની ભૂલ માલૂમ પડતાં કેવું લાગવું જોઇએ તેનો વિચાર કરું છું. અને તે ભૂલ કરનાર મામાનો હું ભાણેજ છું, અને તેમની ભૂલનો પશ્ચાત્તાપ હું કેવે રૂપે કરું તેની કલ્પના કરું છું ત્યારે લાગે છે કે અને તેમની ભૂલનો પશ્ચાત્તાપ હું કેવે રૂપે કરું તેની કલ્પના કરું છું ત્યારે લાગે છે કે

‘દેશોદ્ધારના મહાન પ્રસંગરૂપ હાથી જાતે પાસે થઇને ચાલ્યો ગયો ત્યારે એ હાથી છે એવું અમે જાણ્યું નહીં - તે જતાં જતાં હાથી જ હશે એવી શંકા થઇ - અને આજ એનાં પગલાં જોઇ નક્કી થાય છે કે મૂર્ખાઇમાં પાસે આવેલા હાથીને જવા દીધો, અને હવે એ ગયેલો પ્રસંગ ગયો ! તે પાછો દેખાડે એવી શક્તિ ચોખંડ પૃથ્વીમાં કોઇ આણે એમ નથી ! મૂળરાજ ! તને તેનું દુઃખ કેમ ન લાગે ? તું સિંહ છે.’

‘પણ-પણ-મહારાજ મલ્લરાજ પણ સિંહ જ હતા અને પુરુષસિંહ હતા. તેમનો બુદ્ધિપ્રભાવ કેવળ સિંહની પેઠે વર્તમાન પૃથ્વી ઉપર કરનાર ન હતો, પણણ ગરુડ પેઠે ભૂતરસાતળના ઊંડામાં ઊંડા અને ભવિષ્યાકાશના ઊંચામાં ઊંચા ભાગમાં ચડી, સાત્ત્વિક વૃત્તિથી, ઉદાર અને ઉદાત્ત બુદ્ધિથી, સદ્‌ગુણ અને સદ્ધર્મના શોધ નથી, સર્વ આકાશ અને પૃથ્વી ઉભયને દૃષ્ટિગોચર કરી પોતાનો શિકાર શોધી કાઢતો. એ મહારાજે ઘડેલો અંગ્રેજ ચક્રવર્તીનો સંબંધ મહાન અકબરના સંબંધ જેવો ઉદાર અને આવશ્યક મને લાગે છે તેમ મૂળરાજને ન લાગે તો નવાઇ નથી. મૂળરાજ મલ્લરાજનું મહાશય હ્ય્દય કેમ સમજી શકે ?’

મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા.

‘કુમુદ ! કુમુદ ! તારું ભાગ્ય વિચારું છું ત્યારે લોકની પેઠે છઠ્ઠીના લેખ માનવા ઉપર શ્રદ્ધા થાય છે. તું સુખને માટે સરજાયેલી જ નથી. વિદ્ધાન વર શોધ્યો તે નકામું પડ્યું; કુલીન એ સુશીલ વર શોધ્યો તેણે ભૂંડું કર્યું. તું જ્યાં ગઇ ત્યાં તારા મોંમાં આવેલી સાકર દૈવે ઝૂંટવી લીધી, અને આખરે બહારવટિયામાંથી બચેલી તે નદીમાં ગઇ.

‘હું તો ધારું છું કે તું ગઇ જ ! તારી આશા રાખવી તે હવે હવાતિયાં મારવા જેવી છે. તારી માને દુઃખ થાય છે અને તે રુએ છે -પણ હું પુરુષ છું, અને રાજનીતિના વિષય પ્રસંગોએ પથ્થર જેવું કરેલું કાળજું આંખમાં આંસું સરખું આણી શકતું નથી ! બિચારી માલતીને કામન્દકીએ કહેલું વચન ખરું છે :

‘વક્ર રાજનીતિમાં ઝબકોળાયેલાં મનવાળાને અપત્યસ્નેહનો પાસ બેસતો જ નથી ! - ના, ના, એમ પણ છેક નથી.’

‘જો-જો-જો પ્રમાદધન અને કુમુદ એ બે જણ ગુજર્યાં હોય તો વિચારમાત્ર સમાપ્ત જ છે. જો કુમુદ એકલી ગુજરી ગઇ હોય તોપણ મારે મન એ સંસાર સમાપ્ત જ છે. જો પ્રમાદ અને કુમુદ બે જીવતાં નીકળે તો - દુર્ભાગ્યમાંથી બિચારીનું ભાગ્ય કેમ ઉત્પન્ન કરવું - એ સમુદ્રમાં કેમ તરવું - એનો વિચાર હું કન્યાનો બાપ તે શો કરું ? મેં તો એને વિદ્યા આપી અને એ હોડી વડે એ કન્યાને તરતાં આવડે એટલું એનું ભાગ્ય. વર શોધતી વેળા માબાપથી થયેલી ભૂલનું પરિણામ ખમે કન્યા અને આઘેથી જુએ ને રુએ માબાપ - આટલા માટે જ લોક કન્યા ઇચ્છતા નથી. - હા

-પણ સૌભાગ્યદેવી અને બુદ્ધિધન જેવાં સાસુસસરો આયુષ્યમાન છે ત્યાં સુધી કુમુદની ચિંતાનો પ્રસંગ જ નથી.

‘પણ - પ્રમાદધનની વાર્તા ખરી હોય - અને કુમુદ જીવતી નીકળે તો ? - પુત્રીનું વૈધવ્યદુઃખ કેમ સહેવાશે ? - શું મારી કુમુદ વિધવા!-’

આ વિચારની સાથે જ મન ચિરાયું. ‘કુમુદ ! - તું - વિધવા ! -કુમુદ ! - તું વિધવા !’

‘હરિ ! હરિ ! ઓ પ્રભુ !’ - ‘ઇશ્વર મારા સામું એટલું નહીં

જુએ ?’

‘પ્રમાદધન-સુગન્ધવાળું ફૂલ સૂંઘતાં તને ન જ આવડ્યું-તે ચોળાઇ ગયું.’ નિઃશ્વાસ મૂક્યો.

ઓઠે આંગળીઓ મૂકી વિચારમાં પડ્યો.

‘કુમુદ ! સરસ્વતીચંદ્ર હજી જીવે છે ! એણે મૂર્ખતા કરી તો ખરી પણ તેના હ્ય્દયમાં જે યજ્ઞ તારી તૃપ્તિને અર્થે આરંભાયેલો હતો તે હજી હોલાયો નથી.’

‘પણ તને તેનો યોગ કરી આપવામાં જેટલું સાહસ મારે છે તેટલું સાહસ તારો સ્વીકાર કરનારને પણ છે. સરસ્વતીચંદ્ર ! આટલી લક્ષ્મીનો ત્યાગ કરવાનું સાહસ જેણે કર્યું તેને આ સાહસ કરતાં ડર લાગશે ?

‘હરિ ! હરિ ! પ્રિય કુમુદ ! તારો પિતા અત્યાર દુઃખથી ઘેલો થયો છે - ઘેલછાને કાળે કરેલા વિચાર હું આચારમાં મૂક્તો નથી.

‘હજી તો વૃદ્ધ પિતા અને મામા આયુષ્યમાન છે - તેમના મત વિના મારાથી શું બનશે ? તેમના મત કેણી પાસ પડશે તે જોશીને પૂછવું પડે એમ નથી. તેમના વિરુદ્ધ પડી મારે આ કામ કરવા જેવું છે ? શું મને કુમુદ વહાલી છે અને તેમને નથી ? વૃદ્ધ પિતા અત્યારે પૌત્રીને માટે માથું છેટે મૂકી તલવાર બાંધી નીકળી પડ્યા છે - એ બાળકી મારી ખરી ને તેમની નહીં ?

‘આ સાહસ કરનારે આ રાજ્યના હિતને અર્થે રાજ્યનું પ્રધાનપદ છોડવું જોઇએ - પુત્રી ઉપરના સ્નેહ આગળ પેટનો સ્વાર્થ મોટો નથી.

‘ખરી વાત. પણ મણિરાજની સેવા હું કેવળ પેટને માટે નથી કરતો. પેટ ભૂલું પણ ઉપકાર કેમ ભુલાય ? તેમનો સ્નેહ કેમ તરછોડાય ?

‘કુમુદ ! તારે માટે હું આ માર્ગે જાઉં કે આ માર્ગે જાઉં ? - કાંઇ સૂઝતું નથી.’

માથું ખંજવાળતો ખંજવાળતો અને અત્યંત શોકવાળું અવસન્ન મુખ કરતો વિદ્યાચતુર પળવાર વિચાર કરતો જ બંધ પડ્યો.

‘અનાગત વસ્તુની ચિંતા કરવાનું કાંઇ કારણ નથી. કોણ જાણે કેવા સમાચાર મળશે ? તો આ ઇષ્ટાનિષ્ટ વિચાર અત્યારે શું કરવા ?’

એટલામાં મધુમક્ષિકા આવી અને મેનારાણીને પહોંચાડેલા સંદેશાના વર્તમાન કહેવા લાગી.

વિદ્યાચતુર ગાડીમાં બેઠો હતો તે પ્રસંગનો લાભ લે, ગાડીમાંથી ઊતરી, ચંદ્રકાંત પાસેના તળાવના આરા ઉપર ઊભો ઊભો ચારે પાસ જોતો હતો અને સરસ્વતીચંદ્રના વિચાર કરતો હતો.

‘સરસ્વતીચંદ્ર ! વિદ્યાચતુરે તારો શોધ કરવા મદદ આપવાની વાત કાઢી ત્યારે કુમુદસુંદરીના સમાચાર આવ્યા ને તારી વાત ઢંકાઇ ગઇ ! મહારાજે વાત કાઢી ત્યારે સામંતરાજની ચિંતા આવી ને તારી વાત ઢંકાઇ ગઇ ! મારે તને શોધવો છે, પણ તારે જડવું નથી, ને ભાગ્ય પણ એવું છે કે તને જડવા દેવું નથી. ભલે ભાગ્ય તારો પક્ષપાત કરે નને મજ ગરીબની વાત ન સાંભળે પણ હું તને પડતો મૂકી ઘેર જવાનો નથી. ઘેરથી પત્ર ઉપર પત્ર આવે છે કે આ નિષ્ફળ શોધ કરવો છોડી ઘેર આવો. મારાં મૂર્ખાં વહાલાંઓને ખબર નથી કે વસુંધરાનું જાયેલું એક અમૂલ્ય રત્ન ખોવાય છે - ચંદ્રકાંત જેવા અનેક પથરાઓ ભેગા કરો તોયે એ રત્નના જેવું મૂલ્ય થાય એમ નથી. સરસ્વતીચંદ્ર સરસ્વતીચંદ્ર ! આ દેહમાં ચેતન છે ત્યાં સુધી તારો શોધ હું પડતે મૂકું એમ નથી.’

એક બાવો આરા ઉપર તૂંબડી લઇ લોટ માગતો અને ચીપિયો ખખડાવતો દીઠો. ચંદ્રકાન્તને જોઇ તે કાંઇક વિચારમાં પડ્યો ને પાસે આવી બોલ્યો :

‘ભેયા, તમે આ નગરના વાસી નથી ?’

ચંદ્રકાન્ત - ‘ના બાવાજી, હું મુંબઇથી આવ્યો છું.’

બાવો - ‘તમારું નામાભિધાન ?’

ચંદ્રાકાન્ત - ‘ચંદ્રકાન્ત’.

બાવો - ‘ચંદ્રાન્તજી, તળાવની પેલી પાસ આકાશમાં અંધકાર જેવું દેખાય છે તે સુન્દરગિરિ નામનો રમણીય પર્વત છે. ત્યાં અમારા સાધુસંતોના આશ્રમ છે ત્યાં કોઇ વેળા પધારશો તો કલ્યાણ થશે. પણ રાજવૈભવ છોડી એકલા આવશો તો અધિક જોશો ને વિશેષ પામશો.’

‘અ..લ..ખ !’ અલખની બૂમ પાડી બાવો માર્ગે પડ્યો. સ્વાભાવિક રીતે અંગ્રેજી ભણેલાને આમાં કાંઇ વિચારવાનું ન હતું. પણ પુરુષનો શોધ કરવા નીકળી પડેલાને વિચાર થયા.

‘સરસ્વતીચંદ્ર એ પ્રદેશમાં કેન ન ગયો હોય ? બહારવટિયાઓમાંથી છૂટ્યો હોય તો એનો એક માર્ગ મનહરપુરીનો ને બીજો સુન્દરગિરિનો. કાલે વિદ્યાચતુરને ઘેર નકશો જોયો. સુભદ્રાના મુખ આગળ એ પર્વત છે. વિધાતાની સૂત્રધારતા વિચિત્ર છે. કુમુદસુંદરીને એણી પાસ તાણ્યાં છે સરસ્વતીચંદ્રને પણ એ જ સુત્રધારે એણી પાસે કેમ ન તાણ્યો હોય ? મિત્ર !

તેના મુખ ઉપર ખેદ દેખાયો. ‘હવે ચંદ્ર અને કુમુદની પ્રીતિ શી ? એ પ્રીતિમાં જ પાપ છે અને એ પાપમાંથી છૂટવાને જ મારો પ્રિય પવિત્ર ચંદ્ર કુમુદને અસ્પર્શ રાખી અદૃશ્ય સ્થળે ભ્રમણ કરે છે એ કલ્પના સંભવિત જ છે. સરસ્વતીચંદ્ર, તને નાનપણમાંથી વૈરાગ્ય વહાલો હતો ને તે વહાલી વસ્તુના ઉપર તારો કેટલો આગ્રહ છે તે હું જાણું છું. તો તારે માથે અયોગ્ય આરોપ નહીં મૂકું.’

થોડીક વાર શાંત થઇ સુન્દરગિરિની છાયા જોઇ રહ્યો અને તેને શિખરે આકાશમાં સૂર્યતેજે સળગતાં વાદળામાં સ્ત્રીપુરુષની છાયા જેવું લાગતાં તેને ચંદ્ર અને કુમુદ કલ્પી પગ ઠબકારતો ચંદ્રકાન્ત ગણગણવા લાગ્યો : ‘સરસ્વતીચંદ્ર ! તને ગમતી કવિતા અને તેમાં જ કલ્પેલાં સ્થાનમાં !

‘અમારી ને તારી વચ્ચે કોઇ મોટો પદડો છે ! પણ તું જ્યાં હશે ત્યાં રમ્ય સ્થાને જ હશે. મિત્રરત્ન ! મારા જેવાં અનેક ચિત્તોમાં તેં અધિકાર કર્યો છે ને તેને શિરે તારો વિચાર એક સુંદર તારા પેઠે પ્રકાશે છે - તે તારો શું કરે છે ?’

તારા ભણીની કલ્પના કંઇ કંઇ સ્થાને દોડે છે - ને સૂઝતું કંઇ નથી.

છેલ્લો ભાગ ઘણી વાર ગણગણતા ગણગણતાં ગાતાં ગાતાં ચંદ્રકાન્તના નેત્રોમાંથી આંસુ ખરતાં હતાં અને કપાળનો પરસેવો લોહવાને નિમિત્તે રૂમાલ વડે એ આંસુ એ લોહતો અને સંતાડતો હતો.

એવામાં વિદ્યાચતુરનો ગાડીવાળો આવ્યો.

‘ભાઇસાહેબ, પ્રધાનજી તેડે છે.’

સજ્જ થઇ ચંદ્રકાન્ત ગયો. મધુમક્ષિકા પ્રધાન પાસેથી ગઇ હતી અને સાટે એક પોલીસનો માણસ હતો. ચંદ્રકાન્તને પાસે બોલાવી વિદ્યાચતુરે તેને એક વીંટી આપી અને કહ્યું :

‘ચંદ્રકાન્ત, આ વીંટી પરખો. આ રાજ્યના અમીરો પાસે આવાં રત્ન હશે, પણ આ ઘાટ નહીં હોય - સરસ્વતીચંદ્ર પાસે મેં આવી વીંટી જોઇ સાંભરે છે.’

ચંદ્રકાન્તે ફરી ફરી વીંટી જોઇ, ઝીણી દૃષ્ટિ કરી જોઇ, વીંટી ફેરવી ફેરવી જોઇ, અને અંતે મિજાગરા જેવું લાગતાં ચાંપ ઉઘાડી તો અંદર આસનમાં સરસ્વતીચંદ્રની સુંદર હસતી છબી ! અતિ ઉમંગથી એ ઉઘાડેલી છબી વિદ્યાચતુરના હાથમાં પાછી સોંપી, વિદ્યાચતુરે ઓળખી અને પોલીસના માણસને પૂછ્યું :

‘હવાલદાર, આ છબી અને વીંટી સરસ્વતીચંદ્રની. એ લાવનાર કોણ છે અને શું કહે છે ?’

‘પ્રધાનજી, અર્થદાસ નામના વાણિયા પાસેથી એ વીંટી નીકળી છે. અર્થદાસ કહે છે કે જંગલમાં એક નવીનચંદર નામના માણસે તેને એ બક્ષિસ આપી છે. એ માણસની ભાળ આપનાર અને એને પકડી આપનાર આપણાં માણસ છે. પણ હીરાલાલ નામનો એક મુંબઇનો વાણિયો છે તે કહે છે કે અર્થદાસે આ વીંટીના ધણીનં ખૂન કરેલું છે.’

‘એ હીરાલાલ કોણ છે ?’

‘મુંબઇમાં ધૂર્તલાલ શેઠ કરીને કોઇ છે તેનું માણસ છે, અને તે સરસ્વતીચંદ્રની શોધ કરવા આવેલો છે.’

‘ધૂર્તલાલનું માણસ !’ ચંદ્રકાન્ત ગાજી ઊઠ્યો અને પ્રધાનને ધૂર્તલાલનો ઇતિહાસ કહ્યો.

‘ચંદ્રકાન્ત, તમે આ પોસીવાળે આણેલી ગાડીમાં બેસી આપણે ઘેર જાવ, ને ઘેરથી ગાડી પાછી મોકલજો. હું એને લઇ તરત સામંતરાજને ઘેર જાઉ છું અને પછી આ નવા સમાચારનું મૂળ શોધવાનો માર્ગ લઇશ.’

વિદ્યાચતુર માણસને લઇ પોતાની ગાડીમાં ગયો. એ માણસની ગાડીમાં ચંદ્રકાન્ત મંદ ઉપક્રમ કરી ચડ્યો અને બેઠો, ગાડી ચાલી, પણ એનું મન ચકડોળે ચડ્યું.

‘હા શી વિધાતાની ગતિ છે ! દુષ્ટ ધૂર્તલાલ ! જેવો હું સરસ્વતીચંદ્રની પાછળ પડ્યો છું તેવો તું પણ એના પાછળ પડેલો છે. પણ જેવો મારે એને ઘેર આણવો છે તેવો તારે એને ઘર બહાર રાખવો છે. હું જેવો એનો મિત્ર છું તેવો તું એનો શત્રુ છે ! તું શું કરીશ તે સૂઝતું નથી. સરસ્વતીચંદ્ર ! તું જીવે છે કે આ દુષ્ટોએ તને અને તારી સાથે અમારી આશાઓને નષ્ટ કરી છે ?

‘આ કેવી અવસ્થા કે નથી પડતી આશા અને નથી પડતી નિરાશા!

‘હું તો એ સ્થિતિમાં નહીં રહું ! હું તો નિશ્ચય જ કરું છું કે સરસ્વતીચંદ્ર આ લોકમાં પ્રકાશે છે જ, અને મને મળશે. અલેક્‌ઝાન્ડર મહારાજાની પેઠે સરસ્વતીચંદ્રનો શોધ કરવા આશાને પેંગડે પગ મૂકી હું ચડાઇ કરું છું. આ લોકના અપૂર્ણ ઉત્સાહની શોધમાં મુકાય એટલો વેગ મૂકીશ અને તેમાંથી પરિણામ આવો કે ન આવો, પણ હું હવે જાતે આ પ્રદેશનો ભોમિયો થઇશ, પર્વતોમાં, જંગલોમાં અને ગામોમાં આથડીશ, મુંબઇથી મંગાવીશ કે અહીંથી રાખી લઇશ અને સરસ્વતીચંદ્રને શોધીશ. અર્થદાસની વાત સાંભળી તે સરસ્વતીચંદ્રના સ્વભાવ સાથે મળતી આવે છે.’

ચંદ્રકાન્તની ગાડી પણ ચાલી. ગાડીની પાછળની બારીમાં વળી વળી એ સુન્દરગિરિની છાયા ભણી ડોકિયાં કરતો હતો અને આરા પર મળેલા બાવાને સરસ્વતીચંદ્રના કંઇ સમાચાર પૂછ્યા નહીં માટે પસ્તાવા લાગ્યો. ઘેર પહોંચ્યો ત્યાં બારીએ કુસુમને દેખી નવા વિચારમાં પડ્યો.

‘કંઇક છાય, કંઇ કૌમુદી સમું અજવાળું, કંઇ અંધારું,

દેખી પકડવા છોડી, થાકીને હાફે ઉર બિચારું !’

‘સરસ્વતીચંદ્ર ! તારા સ્વચ્છન્દ મનોરાજ્યમાં એવું શું સત્ત્વ છે કે જે અનેક મનુષ્યો પાસે આ ચિત્રનૃત્ય કરાવે છે અને તે છતાં નૃત્યનો તાલ તારા સંગીતની સાથે પડતો નથી ?’